Home Blog Page 2071

વાયુશક્તિ 2024નું પ્રદર્શન, કવાયત જેસલમેરના પોખરણમાં યોજાશે

જેસલમેરઃ ભારતીય વાયુસેનાએ બુધવારે જેસલમેરમાં પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં ચંદન વિસ્તારમાં વાયુશક્તિ 2024 કાર્યક્રમ માટે ફુલ ડ્રેસ રિહર્સલનું આયોજન કર્યું હતું. વાયુશક્તિ 2024નું મુખ્ય પ્રદર્શન અને કવાયત 17 ફેબ્રુઆરીએ જેસલમેર પાસે આવેલી પોખરણ રેન્જમાં યોજાશે.

આ રિહર્સલમાં ભારતીય વાયુસેનાએ ફાઇટર પ્લેન, હેલિકોપ્ટર, ડ્રોન, મિસાઇલ અને અન્ય કેટલાંક હથિયારની મદદથી દુશ્મનોના ડમી ટાર્ગેટને તોડી પાડ્યાં હતાં. ભારતીય વાયુસેનાના સુખોઇ, જેગુઆર, રફાલ, તેજસ, મિગ 29, મિગ 2000, અપાચે અને ચેતક હેલિકોપ્ટર તેમ જ C-130 J અને C-17 કાર્ગો વિમાન વગેરે જેવા કુલ 121 એરક્રાફ્ટે આ રિહર્સલમાં ભાગ લીધો હતો. એક પછી એક વાયુસેનાના લડાયક વિમાન દ્વારા તેમની અચંબિત કરી દેતી તાકાતનું પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. યુદ્ધભૂમિ સિવાય માનવસેવા અને બચાવકાર્યમાં પણ ભારતીય વાયુસેના કઈ રીતે ફરજ બજાવે છે તેના ઉદાહરણ પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. જેસલમેર નજીક આવેલી ચંદન રેન્જમાં આયોજિત આ ફુલ ડ્રેસ રિહર્સલમાં ચીફ ગેસ્ટ તરીકે ડેપ્યુટી એર માર્શલ એપી સિંહ, સાઉથ વેસ્ટર્ન કમાંડ ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારી અને વાઈસ એર માર્શલ મનિષ ખન્નાએ હાજરી આપી હતી. જેમના સિવાય સૈન્ય, નેવી અને બીએસએફના ઘણા ઉચ્ચ અધિકારીઓએ વાયુસેનાની પ્રચંડ તાકાતનો નજારો જોવા રિહર્સલમાં હાજરી આપી હતી.

આ વખતે પ્રથમ વાર આ કવાયતમાં રફાલ વિમાને પોતાની તાકાતનો પરચો આપ્યો હતો. આ વિમાન રાતના અંધારામાં પણ સચોટ નિશાન સાધી શકે છે, જેનું ઉદાહરણ વાયુશક્તિની ફુલ ડ્રેસ રિહર્સલમાં રજૂ કરવામાં આવ્યું હતું. જે સિવાય તેજસ, મિગ 29, સુખોઈ અને અપાચે હેલિકોપ્ટરે પણ પોતાની અનોખી તાકાત પ્રદર્શિત કરી હતી.

ભારતીય બનાવટમાં હેલિકોપ્ટર અને પ્લેન દ્વારા આ રિહર્સલ દરમિયાન આકાશ મિસાઈલનો મારો ચલાવવામાં આવ્યો હતો. C130 હેલિકોપ્ટર દ્વારા કમાન્ડોને દુશ્મનોના ઠેકાણા માથે ઉતારવામાં આવ્યા હતા તો ચિનુક હેલિકોપ્ટરે M777 હોવિત્ઝર તોપને યુદ્ધભૂમિમાં સફળતાપૂર્વક કઈ રીતે ઉતારી શકાય તેની રજૂઆત કરી હતી. સાથે જ ભારતીય વાયુસેનાની સરફેસ ટુ એર મિસાઈલ દ્વારા કઈ રીતે દુશ્મનોના ડ્રોન અને વિમાનોને પળવારમાં જમીનદોસ્ત કરી શકાય તેનું સામર્થ્ય દર્શાવવામાં આવ્યું હતું. 1987માં રચાયેલી આકાશગંગા ટુકડી પણ આ કાર્યક્રમનો ભાગ હતી. આપણા વાયુસેનાના જવાનોએ કાર્ગો વિમાનમાંથી છલાંગ લાગવી પેરાશૂટની મદદથી સફળતાપૂર્વક ઉતરણ કર્યું હતું. જે દરમિયાન તેમણે આકાશમાં વિવિધ કરતબો કર્યા હતા. આકાશગંગા ટુકડીના ત્રણ જવાનોએ તિરંગાના રંગનું પેરાશૂટ ધારણ કરેલું હતું અને તે ત્રણેય જવાનોએ એકબીજાના પેરાશૂટ માથે ઊભા રહી દિલધડક દ્રશ્ય સર્જ્યું હતું.

(નિતુલ ગજ્જર, તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

રાજકીય પક્ષોની ચૂંટણી બોન્ડ યોજના ગેરબંધારણીયઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજનાને રદ કરી દીધી છે. કોર્ટે એને અનુચ્છેદ 19 (1) (A)નું ઉલ્લંઘન અને ગેરબંધારણીય ગણાવી છે. કોર્ટે આદેશ આપ્યો હતો કે SBI રાજકીય પાર્ટીઓ દ્વારા આપવામાં આવેલા ચૂંટણી બોન્ડની વિગતો રજૂ કરશે. બેન્કે વધુમાં કહ્યું હતું કે SBI ચૂંટણી પંચને 2019થી અત્યાર સુધી જારી કરવામાં આવેલા બોન્ડની માહિતી આપશે અને ઇલેક્શન કમિશન પૂરી માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવશે.

સુપ્રીમ કોર્ટમાં કુલ ચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસનાં નેતા જયા ઠાકુર, માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી અને NGO એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ ચૂંટણી બોન્ડની કાયદેસરતા પર સવાલ ઊભા કર્યા હતા. અરજીકર્તાઓએ દાવો કર્યો હતો કે ચૂંટણી બોન્ડે રાજકીય પાર્ટીઓના ફન્ડિંગને ઘણું પ્રભાવિત કર્યું હતું. એ સાથે લોકોની માહિતીના અધિકારનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે ગયા વર્ષે 31 ઓક્ટોબરે આ મામલે સુનાવણી શરૂ કરી હતી.

જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ જસ્ટિસની બંધારણીય બેન્ચે ગયા વર્ષે બીજી નવેમ્બરે આ કેસમાં ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

શું છે ચૂંટણી બોન્ડ?

કેન્દ્રની મોદીના નેતૃત્વવાળી સરકારે 2017માં ઇલેક્ટોરલ બોન્ડ યોજનાને ફાઇનાન્સ બિલ દ્વારા સંસદમાં રજૂ કરી હતી. સંસદમાં પાસ થયા પછી 29 જાન્યુઆરી, 2018એ ઇલેક્ટોરલ બોન્ડ યોજનાનું નોટિફિકેશન પણ જારી કર્યું હતું. આ બોન્ક દ્વારા રાજકીય પાર્ટીઓને ફંડ મળે છે. દેશનો કોઈ પણ નાગરિક, કંપની કે સંગઠન આ બોન્ડ ખરીદી શકે છે અને કોઈ પણ પક્ષને આપી શકે છે.

 

 

 

 

 

 

 

કોરાનાના 124 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 124 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,27,468 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,468 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,93,303 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 149 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 817 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,89,295 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 357 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સુવિચાર – ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪

સુવિચાર – ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪

૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪

સુખ-દુ:ખ વચ્ચે હળવા રહેવાની ચાવી…

બુધવારે વસંત પંચમીની સમી સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં ઐતિહાસિક બી.એ.પી.એસ. હિંદુ મંદિરનું ઉદઘાટન કર્યું. એ પહેલાં વહેલી સવારે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ તથા અન્ય સદગુરુ સંતોએ મંદિરની બધી જ મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી. ભગવાન સ્વામીનારાયણ ઉપરાંત મંદિરમાં ભગવાન શ્રીરામ-લક્ષ્મણ-સીતાજી-હનુમાનજી, શિવ-પાર્વતી-ગણેશજી, ભગવાન જગન્નાથ, પદ્માવતી-તિરુપતિ બાલાજી-ઐય્યપ્પાજી-અક્ષરપુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન-ગુણાતીતાનંદ સ્વામી-રાધા-કૃષ્ણ જેવાં હિંદુ દેવ-દેવીઓની મૂર્તિ છે.

ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિનાં દર્શન કરતાં જ ખ્યાલ આવે કે માનવજીવનના દરેક પાસાને તેમનું જીવન સ્પર્શે છે. જીવનસંગ્રામમાં વિજયી બનવા માગતા પ્રત્યેક મનુષ્ય માટે કૃષ્ણ એક આદર્શ છે, જીવન જીવવાનો પાઠ આપનાર અલૌકિક અને લોકોત્તર શિક્ષક છે. મૃત્યુની ટ્રેનનો ઈંતેજાર કરતી જિંદગીના પ્લૅટફૉર્મ પર બેઠેલી હતાશ વ્યક્તિના મુખ પર હાસ્ય ફરીથી હિલોળા લઈ શકે એવું ભગવાનનું પ્રેરક જીવન આપણી સમક્ષ છે.

યોગેશ્વર, દામોદર, રણછોડ, મુરારિ, વગેરે અનેક નામોથી વિખ્યાત થયેલા તેઓનું એક વિશિષ્ટ નામ છે મુરલીધર. ત્રિભંગી મુદ્રામાં ઊભા રહી હોઠ પર મોરલી રાખી બે હાથથી તેને વગાડતા મોરલીધર શ્રીકૃષ્ણનું દર્શન અત્યંત મધુર છે. આજે માણસ પોતાનાં દુઃખોનો રાઈમાંથી મેરુ બનાવી રોદણાં રડ્યા કરે છે ત્યારે અનેક દુઃખોની વચ્ચે પણ આ રીતે આનંદની મોરલી વગાડતા કૃષ્ણનું જીવન આપણને ઘણું કહી જાય છે, પરંતુ મોરલીધરની મોરલીની મીઠપની પાછળ તેમણે સ્વયં પીધેલી કડવાશને જાણો છો?

કાળકોટડીમાં જન્મ. જન્મતાવેંત માતા-પિતાનો વિયોગ. મામા કંસ અને માસી પુતનાનો ઘાતક પ્રેમ એ પામ્યા. બાળપણમાં શકટાસુર, બકાસુર, અઘાસુર, ધેનુકાસુર, પ્રલંબાસુર જેવા અસુરોનો સામનો કર્યો. ‘કૃષ્ણાય સ્વાહા’ બોલીને આહુતિ આપનાર ઋષિઓનો અનાદર સહ્યો. રાધા અને ગોપીઓ આદિ પ્રિયજનોનો સદા માટે વિરહ સહન કરવાનો થયો. કંસને મારીને પણ જીવનમાં નિરાંતે બેસવા મળ્યું નથી. મથુરામાં રાજ કરતા થયા ત્યાં તો જરાસંધ આવીને તૂટી પડ્યો. ભારતભરના ક્ષત્રિયોને ભેગા કરી ૧૭ વખત મારવા આવ્યો. તેનાથી ભાગીને ગુજરાતમાં આવીને દ્વારકા વસાવી. ભક્તોના સંકલ્પની પૂર્તિ માટે કે દુખિયાઓના ઉદ્ધાર માટે 16,108 રાણીઓને પરણ્યા. એ દરેક રાણીને દસ દીકરા અને એક દીકરી. તેના કેવા અને કેટલા પ્રોબ્લેમ્સ હશે એની તો કલ્પના જ કરવી રહી.

અંગત કોઈ પ્રશ્ન નહીં છતાં ભાઈભાંડુઓના ઝઘડામાં ભાગ લેવાનું થયું. દુર્યોધનને સમજાવવા ગયા, પણ માન્યો નહીં. યુદ્ધમાંય પાછા મુખ્ય યોદ્ધા તરીકે નહીં પણ એક સારથિ તરીકે રહ્યા. વગર વાંકે ગાંધારિનો કોપ સહ્યો. યુદ્ધ, વગેરે પતાવીને દ્વારિકા આવ્યા અને પરિવાર સાથે પ્રભાસ ક્ષેત્ર ગયા. ત્યાં બધા સ્વજનો દારૂ પીને છાકટા થયા ને ઝઘડ્યા, જેમાં પુત્રો અનિરુદ્ધ, પ્રદ્યુમ્નથી લઈ પૌત્ર સાંબ અને સાત્યકિ જેવા મોટા મોટા સહિત બધા મૃત્યુ પામ્યા. પોતાની નજર સામે જ પોતાના પુત્રો-પૌત્રો એકબીજાના વધ કરી નાખે… આવું આઘાતકારી દશ્ય પણ તેઓને જોવાનું થયું. અંતે પારધીના ઝેરીલા બાણથી અપમૃત્યુ. તેઓની તમામ સંપત્તિ પણ દરિયામાં નાશ પામી ગઈ.

આમ જન્મથી મૃત્યુ સુધીનાં અનેક દુઃખો અને પ્રશ્નો કૃષ્ણ ભગવાને સહન કર્યાં છે છતાં કોઈ ફરિયાદ નહીં. વૃંદાવનનું એ મીઠું હાસ્ય ક્યારેય ઓસર્યું નથી. ગીતામાં તેમના માટે પ્રહસન (હસતા થકા) શબ્દ વપરાયો છે. રથના એક કિનારા પર બેઠેલો હતાશ અર્જુન સમસ્ત માનવજાતિનો પ્રતિનિધિ છે. તેને ફરીથી ઊભો કરીને ભગવાને સિદ્ધ કરી દીધું કે ગમે તેવી હતાશામાંથી બહાર નીકળી શકાય છે. કૃષ્ણ ભગવાને જીવનભર આનંદ અને પ્રેમની મોરલી વગાડીને બીજાને પણ આનંદમાં રાખ્યા છે. અનેક દુઃખો વચ્ચે હસતાં રહેવું એ મહાન પુરુષોની જીવન જીવવાની રીત છે. સમાજ અને રાષ્ટ્રના હિત માટે અનેક દુઃખોના ઝેરી ઘૂંટડા પીને પણ સ્થિતપ્રજ્ઞ રહેલા પ્રમુખસ્વામી મહારાજે પણ એક વાર કહેલું કે ‘અમારે બધા પ્રસંગો આનંદના જ છે. કાયમ આનંદ, આનંદ અને આનંદ છે.’

નિઃસંદેહ, જીવન સુખ-દુ:ખનું ઘર છે, પરંતુ તેમાં પણ હસતું મુખ રાખવાની આ પ્રેરણા જીવનમાં ઉતારીને સુખી રહીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

રાશિ ભવિષ્ય 15/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

પંચાંગ 15/02/2024

PHOTOS : PM મોદીએ અબુ ધાબીમાં હિન્દુ મંદિરનું કર્યું ઉદ્ઘાટન

અબુ ધાબી: રણમાં ખીલેલા કમળ તરીકે જેને ઉપમા મળી છે એ સ્વામિનારાયણ મંદિરનું વસંત પંચમીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અબુધાબીમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કર્યું. ગલ્ફ કન્ટ્રીમાં આ પહેલું હિન્દુ મંદિર છે. આ પહેલા પીએમ મોદીએ મંદિરની મુલાકાત લીધી હતી અને સંતોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. મહંત સ્વામી મહારાજે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ પણ મહંત સ્વામી મહારાજને ફૂલોનો હાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ મંદિરનું ઉદ્ઘાટન કર્યું અને પછી આહ્વાન અને પ્રાર્થના કરી. આ પછી પીએમ મોદીએ આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ પીએમ મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સાત શિખર ધરાવતા મંદિર પરિસરમાં પ્રમુખ આકર્ષણ છે. 35 મીટર લાંબી અને સાડા ચાર મીટર ઊંચી wall of harmony જેના પર 30 ભાષામાં harmony એટલે કે સંવાદિતા લખ્યું છે. તેમ જ Eye of Divinity- દિવ્ય ચક્ષુ અને કમળ પર વર્ષ 2018નું મંદિરનું મૂળ મોડલ છે.

તસવીરો: (હીરેન મહેતા- અબુધાબીથી)

PM મોદીએ અબુધાબીના હિંદુ મંદિરનું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અબુધાબીમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કર્યું. ગલ્ફ કન્ટ્રીમાં આ પહેલું હિન્દુ મંદિર છે. આ પહેલા પીએમ મોદીએ મંદિરની મુલાકાત લીધી હતી અને સંતોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.


મહંત સ્વામી મહારાજે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ પણ મહંત સ્વામી મહારાજને ફૂલોનો હાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ મંદિરનું ઉદ્ઘાટન કર્યું અને પછી આહ્વાન અને પ્રાર્થના કરી. આ પછી પીએમ મોદીએ આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ પીએમ મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઈઝ ઑફ ડિવિનિટી’ની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને વર્ષ 2018માં મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. મંદિરની રચનામાં ગંગા, યમુના અને સરસ્વતીની ધારાઓ વહેતી દર્શાવવામાં આવી છે. આમાં પાણીના ટીપાં નીચે પડતાં તેમજ ઉપર જતાં જોવા મળે છે. આ અવસરે પીએમ મોદીએ ગંગા-યમુનાના પ્રવાહમાં જળાભિષેક કર્યો હતો.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરના સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને વડા પ્રધાનને મંદિર વિશે માહિતી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અબુ ધાબીમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે, જે ખાડી દેશનું પ્રથમ હિન્દુ મંદિર છે. પીએમ મોદી અબુ ધાબી મંદિર પહોંચ્યા અને મંદિરમાં લોકોને શુભેચ્છા પાઠવી. મંદિરનું ઉદ્ઘાટન એ ખાડી દેશ અને ભારત-UAE દ્વિપક્ષીય સંબંધોમાં હિન્દુ સમુદાય માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. આ મંદિર 27 એકર જમીનમાં બનેલું છે. સોનુ નિગમ, શંકર મહાદેવન અને અક્ષય કુમાર સહિતની ભારતીય હસ્તીઓએ ઉદ્ઘાટન પહેલા અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી.