ધૂળેટી પર્વના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને હાર્દિક શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું કે રંગોત્સવનો આ પવિત્ર દિવસ સમાજમાં એકતા, સૌહાર્દ અને આનંદનું પ્રતિક છે. તેમણે લોકોને પ્રકૃતિમિત્ર રંગોથી અને સુરક્ષિત રીતે પર્વ ઉજવવાની અપીલ કરી છે.
આનંદ, ઉલ્લાસ અને સૌહાર્દના પર્વ ધુળેટી નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સૌ સાથે મળીને આ રંગોત્સવને એવી રીતે ઉજવીએ કે પર્યાવરણનું પણ જતન થાય.
રંગોનો આ તહેવાર સૌના જીવનમાં નવી આશા અને ઉત્સાહના રંગો પૂરે તથા આપણું સામાજિક જીવન પરસ્પર સ્નેહ અને મીઠાશથી મહેકતું રહે તેવી… pic.twitter.com/HciOwSK3E7
ગુજરાતના ગૃહમંત્રીએ પણ ધૂળેટીના અવસરે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે આ તહેવાર ભાઈચારો અને પ્રેમનો સંદેશ આપે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ છે અને નાગરિકોએ પણ સહકાર આપવો જોઈએ.
સજે પ્રકૃતિ સોળ શણગાર, ધૂળેટીના રંગો આપના જીવનને અપાર ખુશીઓ અને આનંદથી રંગી દે.ધૂળેટીની આપને અને આપના પરિવારને હૃદયપૂર્વક શુભેચ્છાઓ.#Dhuleti#Holipic.twitter.com/I8BMMlQGUZ
ગુજરાતના રાજ્યપાલે પોતાના સંદેશમાં જણાવ્યું કે ધૂળેટીનો તહેવાર આનંદ અને ઉત્સાહનો પ્રતીક છે. આ અવસરે તેમણે રાજ્યની સુખાકારી અને સમૃદ્ધિ માટે શુભકામનાઓ વ્યક્ત કરી.
રાજ્યભરમાં લોકો રંગોની મોજ માણી રહ્યા છે અને વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તહેવારને લઈને સુરક્ષા વ્યવસ્થાઓ પણ મજબૂત કરવામાં આવી છે.
પ્રોટીન અને એનર્જીથી ભરપૂર શીંગદાણા તેમજ ગોળના લાડુ બાળકોને ભાવે તેવા બને છે! સોફ્ટ હોવાને કારણે તે દાદા-દાદીની પણ પસંદ બની શકે છે!
સામગ્રીઃ
શેકેલા શીંગદાણા 1½ કપ
શેકેલા તલ ¼ કપ
ગોળ સમારેલો 1½ કપ
એલચી પાઉડર ½ ટી.સ્પૂન
ઘી 1 ટી.સ્પૂન
રીતઃ શેકેલા શીંગદાણાને ફોલીને મિક્સીમાં પલ્સ મોડ પર તેનો કરકરો પણ બારીક ભૂકો કરી લો.
એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં સમારેલો ગોળ ઉમેરી ગેસની ધીમી આંચે ગોળ ઓગળી જાય એટલે તેમાં શેકેલા તલ તેમજ શેકેલા શીંગદાણાનો ભૂકો અને એલચી પાઉડર મેળવીને ગેસ બંધ કરી દો.
આ મિશ્રણ થોડું ઠંડું થાય એટલે હાથમાં થોડું ઘી લગાડીને શીંગદાણાના લાડુ વાળી લો.
ગયા વખતે આપણે વાત કરી હતી બાળકોમાં વધતા જતા સ્ક્રીન ટાઇમથી ભવિષ્યમાં સર્જાનારી મેન્ટલ હેલ્થ ક્રાઇસિસની. અમેરિકામાં સર્જાઇ રહેલી રિલેશનશીપ-ફ્રેન્ડશીપની ક્રાઇસિસની. ભારત સહિત વિશ્વભરના દેશોમાં મનોવિજ્ઞાનીઓ અને સમાજશાસ્ત્રીઓ સતત એ જ ચેતવણી આપી રહ્યા છે કે જો નવી પેઢીનું સ્ક્રીન એડિક્શન અટકાવાશે નહીં તો ભવિષ્યમાં એમને ગંભીર પ્રકારની માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડશે એ નક્કી છે.
એકવીસમી સદીની પહેલી પચીસીમાં સોશિયલ મિડીયા અને છેલ્લે એઆઇ આવ્યા પછી દુનિયાએ જે રીતે ડિજિટલ પાછળ દોટ મૂકી છે એના માઠાં પરિણામો આવનારા પચીસ વર્ષમાં આ નવી પેઢીએ ભોગવવા પડી શકે એ વાતને હવે ઘણા દેશો ગંભીરતાથી લઇ રહ્યા છે.
સ્વીડન સહિત યુરોપના ઘણા દેશોએ તો આ દિશામાં કામ કરવાનું ઓલરેડી શરૂ કરી દીધું છે. ચાઇનાડેઇલી.કોમના 12 સપ્ટમ્બર, 2023ના એક અહેવાલ પ્રમાણે, સ્વીડનમાં સ્કૂલ મિનિસ્ટર લોટા એડહોમે સ્કૂલોની મુલાકાત લીધા પછી ડિજિટલ સ્ક્રીનના બદલે પરંપરાગત પધ્ધતિથી પાઠ્યપુસ્તકો દ્વારા શિક્ષણ તરફ પાછા વળવાની ભલામણ કરી છે. અહીંની જાણીતી કેરોલિન્સ્કા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાતોએ પણ સંશોધનોના આધારે એ વાત પર ભાર મૂક્યો હતો કે, ડિજિટલ ટૂલ્સથી બાળકથી શીખવાની ક્ષમતાને નુકસાન વધારે થાય છે.
વર્ષો સુધી સ્ટોકહોમની કૂમલા સ્કૂલમાં બાળકો સાથે કામ કરનાર શિક્ષિકા લિસા બેનેડિક્ટસન પણ ચિત્રલેખા સાથેની વાતચીતમાં કહે છે કે, ‘ઓગસ્ટ, 2022થી સ્વીડનમાં સ્કૂલોમાં મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ તો છે જ. એક આંતરરાષ્ટ્રીય ટેસ્ટ પ્રમાણે સ્વીડીશ બાળકોની વાંચન ક્ષમતામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ઘટાડો જોવા મળ્યો છે એને લઇને પણ અમે ચિંતિત છીએ.’
(લિસા બેનેડિક્ટસન)
આ લિસા બેનેડિક્ટસન અમારો સંપર્ક કેરોલિન્સ્કા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ડો. હ્યુગો લેઝરક્રાન્ટ્ઝ અને એમના લેખિકા પત્નિ રોઝ લેઝરક્રાન્ટ્ઝ સાથે કરાવે છે. આ કપલ ઘણા સમયથી પોતપોતાના ક્ષેત્રમાં બાળકોને ડિજિટલ સ્ક્રીનથી દૂર રાખીને પ્રિન્ટેડ પુસ્તકો વંચાવવાનો આગ્રહ કરતું રહ્યું છે. ડો. હ્યુગો આંતરરાષ્ટ્રીયકક્ષાએ જાણીતું નામ છે. મેડિસિન માટે નોબેલ વિજેતાની કમિટીમાં કામ કરી ચૂક્યા છે. ડો. હ્યુગોએ થોડા વર્ષો પહેલા સિએટલસ્થિત અમેરિકન પિડિયાટ્રીશ્યનને સ્વીડન બોલાવેલા. આ પિડિયાટ્રીશ્યને સ્ક્રીન એડિક્શનની નકારાત્મક અસરો પર વ્યાખ્યાન આપ્યું હતું. એ પછી ડો. હ્યુગો પોતાના લેખો દ્વારા બાળકોને પુસ્તક વાંચન તરફ વાળવાની હિમાયત કરતા રહ્યા છે.
ડો. હ્યુગો કહે છે કે, ડિજિટલ એડિક્શનના કારણે બાળકોમાં આગળ જતાં એકાગ્રતાની સમસ્યા સર્જાય છે. ટીકટોક-ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમોનું કન્ટેન્ટ એડિક્ટીવ બિહેવીઅરને પ્રોત્સાહન આપે છે. તણાવ વધારે છે અને સરવાળે બાળકની વાંચનની અને વિચારવાની ક્ષમતા ઘટે છે. ડો. હ્યુગોના મતે તો જે રીતે સ્મોકિંગ હેલ્થ માટે ખતરનાક છે એવી ચેતવણી આપવાની શરૂઆત થઇ હતી એ જ રીતે હવે ડિજિટલ એડિક્શન પણ માનસિક આરોગ્ય માટે ખતરનાક છે એ પ્રકારની કાયદાકીય ચેતવણી આપવાનો સમય થઇ ચૂક્યો છે.
(ડો. હ્યુગો લેઝરક્રાન્ટ્ઝ)
ડો. હ્યુગો દ્રઢપણે માને છે કે બાળકોના જ્ઞાનવર્ધન અને કૌશલ્ય વિકાસ માટે સ્ટોરીટેલિંગ એટલે કે વાર્તા કહેવી-વંચાવવી એ શ્રેષ્ઠ ઉપાય છે. એનાથી બાળકની વિચારવાની ક્ષમતા વધે છે. એમના પત્નિ રોઝ પણ સ્વીડનના જાણીતા લેખિકા છે. બાળકો માટે એમણે આઠેક પુસ્તકો લખ્યાં છે અને આ પુસ્તકો વિશ્વની અન્ય ભાષાઓમાં પણ અનુવાદિત થઇ ચૂક્યા છે.
(રોઝ લેઝરક્રાન્ટ્ઝ)
ફક્ત સ્વીડન જ નહીં, ફ્રાન્સ, ઇટાલી, નેધરલેન્ડ, સ્પેન, સાઉથકોરિયા જેવા દેશોમાં પણ ત્યાંની સરકારો આ મામલે ગંભીરતાથી વિચારી રહી છે. અમુક દેશોમાં સ્કૂલોમાં મોબાઇલ પર સંપૂર્ણ પ્રતિબંધ ઓલરેડી મૂકાઇ ગયો છે. ઓસ્ટ્રેલિયામાં તો ડિસેમ્બર, 2025થી જ 16 વર્ષથી નીચેના તરુણો માટે સંપૂર્ણ પ્રતિબંધ આવી ગયો છે. જાન્યુઆરી 2026માં યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટને એના પર વિચારવાની શરૂઆત કરી દીધી છે. યુરોપના મોટાભાગના દેશોમાં બેક ટુ બેઝીક્સ એટલે કે પાઠ્યપુસ્તકો તરફ પાછા વળીને ડિજિટલ એડિક્શન ઘટાડવા તરફનો ઝોક વધી રહ્યો છે.
અમેરિકા-કેનેડા જેવા દેશોમાં આ મામલે બે સ્પષ્ટ મત છે. એક વર્ગ સ્કૂલોમાં એઆઇના ઉપયોગની તરફેણમાં છે તો બીજો વર્ગ ડિજિટલ ડિવાઇસની જ વિરુધ્ધમાં છે. જાપાનમાં સ્કૂલોમાં વ્યક્તિગત સ્માર્ટ ડિવાઇસ પર પ્રતિબંધ છે, પણ ક્લાસરૂમમાં ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ થઇ શકે છે.
ભારતમાં હજુ આ મામલે બહુ ગંભીરતાથી ચર્ચા થતી નથી. દરેક રાજ્ય કે શૈક્ષણિક સંસ્થાઓ પોતપોતાની રીતે નિયમો બનાવે છે, પણ આના માટે કોઇ દેશવ્યાપી યુનિફોર્મ પોલિસી ઘડવાની દિશામાં નક્કર પ્રગતિ દેખાતી નથી.
સમસ્યા તો છે અને એ આપણે ધારીએ એના કરતાં વધારે ગંભીર છે. હા, કોઇક એમ દલીલ કરી શકે છે કે ડિજિટલ ક્રાંતિ એ માનવજાત માટે ઉપકારક પણ છે, એનાથી સમસ્યાઓ ઉકલે છે. માનવીની સુવિધામાં વધારો થઇ રહ્યો છે.
વાત સાચી છે, પણ સામે છેડે એની નકારાત્મક અસર વિશે વિચારશો તો ખ્યાલ આવશે કે, આવતીકાલની પેઢી માટે એના પરિણામો કેવા ભયાનક હશે. આજના ફાયદાઓ કરતાં આવતીકાલનું નુકસાન વધારે પણ હોઇ શકે છે.
હા, આ નુકસાન અટકાવવા માટે પ્રયત્નો જરૂર કરી શકાય. એ પ્રયત્નો કેવા હોઇ શકે એની વાત આવતા વખતે.
જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થયાના એક વર્ષની ઉજવણી કરી. વનતારાના સ્થાપના દિવસે, એક વર્ષની એ અવિસ્મરણીય સફરને પ્રતિબિંબિત કરી. અહીં વન્યજીવ બચાવ ઉપરાંત અદ્યતન તબીબી સંભાળ અને વૈજ્ઞાનિક-ઢબે સંવર્ધન પૂરું પાડવામાં આવે છે.
અનંત મુકેશ અંબાણી દ્વારા સ્થાપિતવનતારાએ બિગ કેટ્સ, સરિસૃપ, પ્રાઈમેટ, પક્ષીઓ તથા અન્ય સસ્તન પ્રાણીઓ સહિત વિવિધ પ્રજાતિઓના હજારો વન્યજીવોને બચાવ્યા બાદ સ્વસ્થ બનાવ્યા છે. એક વર્ષમાં, વનતારાની પશુચિકિત્સા ટીમોએ વિવિધ જટિલ શસ્ત્રક્રિયાઓ હાથ ધરી છે અને વિવિધ પ્રાણીઓને તેમના કુદરતી આવાસમાં પુનઃસ્થાપિત કર્યા છે. કેટલાક પ્રાણીઓને બચાવ, સારવાર અને સાજા કર્યા પછી જંગલમાં પાછા મોકલી આપ્યા છે.અનંત અંબાણીએ વન્યજીવન સંરક્ષણ અને સંવર્ધનમાં તેમના નોંધપાત્ર વૈશ્વિક યોગદાન બદલ પ્રતિષ્ઠિત ગ્લોબલ હ્યુમન એવોર્ડ મળ્યો છે. EARAZA અને SEAZAની મેમ્બરશીપ, ગ્લોબલ હ્યુમન કન્ઝર્વેશન સર્ટિફિકેશન, તથા પ્રાણી મિત્ર એવોર્ડ 2005 થકી, વનતારાની કામગીરીને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બિરદાવાઈ છે.
આ તમામ પ્રશસ્તિઓ કરતા પણ, આ સંસ્થાએ હંમેશા લાંબા સમયની અસરને જન્માવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સેંકડો પશુચિકિત્સકોને સંવર્ધન ઔષધિઓની તાલીમ આપી, 50થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નોલેજ-શેરિંગ કાર્યક્રમોનું આયોજન કર્યું અને આગામી પેઢીના સંરક્ષણ ભેખધારીઓને પ્રેરણા આપવા રચાયેલા આઉટરીચ પ્રોગ્રામથી હજારો બાળકોને વધુ સારું ભવિષ્ય પૂરું પાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
છેલ્લા એક વર્ષમાં, વનતારાએ પ્રાણીઓને દુઃખી અને શોષણકારી પરિસ્થિતિઓમાંથી ઉગાર્યા છે. જ્યારે લાકડાં ઢસડવા, સર્કસ, સવારી અને ભીખ માંગવા જેવી પ્રવૃત્તિઓમાં રોકાયેલા 250થી વધુ હાથીઓને રેસ્ક્યુ કરીને વિશ્વ સ્તરીય પશુચિકિત્સા સંભાળ અને લાંબાગાળાની વિશેષ સહાયતા પૂરી પાડી છે. આમાંના ઘણા હાથીઓ સંધિવા તથા અન્ય વૃદ્ધાવસ્થા સંબંધિત બિમારીઓ સાથે જીવી રહ્યા છે. વનતારા ભીડભાડવાળી સુવિધાઓમાંથી બચાવેલા હજારો મગરોને પણ સતત સંભાળ પૂરી પાડે છે. સમગ્ર ભારત તેમજ વિશ્વભરમાંથી મળેલા સમર્થન સાથે, વનતાર કરુણા, કલ્યાણ અને વિજ્ઞાન પર આધારિત વૈશ્વિક સ્તરીય સંરક્ષણ મોડેલને આત્મસાત કરે છે.
નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડલાઇફ (વેસ્ટ ઝોન) તરીકે નિયુક્ત, વનતારાએ વન્યજીવ આરોગ્યને રોગની વ્યાપક દેખરેખ અને સંકલિત પ્રતિભાવ પ્રણાલિઓ સાથે એકીકૃત કરીને ભારતની વન્ય આરોગ્ય ઇકોસિસ્ટમને મજબૂત બનાવી છે. તેની વૈજ્ઞાનિક ઢબે સારવારની પ્રણાલિની મધ્યમાં વૈજ્ઞાનિક પ્રયોગશાળા અને 11 સેટેલાઈટ લેબોરેટરીઝનો સમાવેશ થાય છે. જેને 70થી વધુ નિષ્ણાતો દ્વારા સપોર્ટ કરવામાં આવે છે. દરરોજ 2,000થી વધુ ડાયગ્નોસ્ટિક નમૂનાઓ પર પ્રક્રિયા કરવામાં આવે છે. જેમાં બાયો-બેંન્કિંગ, આગામી પેઢીના સિક્વન્સિંગ, મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ, પેથોલોજી, પેરાસિટોલોજી અને ટોક્સિકોલોજીનો સમાવેશ થાય છે.
નવી દિલ્હીઃ અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર વધતા હુમલાઓ વચ્ચે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે — આ યુદ્ધ અમેરિકા માટે કેટલું મોંઘું સાબિત થશે? રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે “ઓપરેશન એપિક ફ્યુરી” ચારથી પાંચ સપ્તાહ સુધી ચાલી શકે છે, પરંતુ જરૂર પડશે તો તે વધુ સમય સુધી પણ ચાલુ રહી શકે છે. તેથી અંતિમ ખર્ચનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, પરંતુ પ્રારંભિક આંકડાઓ દર્શાવે છે કે ખર્ચ ઝડપથી વધી રહ્યો છે.
પહેલા 24 કલાકમાં કેટલો ખર્ચ?
ઓપરેશન એપિક ફ્યુરી”ના પ્રથમ 24 કલાકમાં જ અમેરિકાએ લગભગ 779 મિલિયન ડોલર એટલે કે રૂ. 71,75,46,63,750 (લગભગ રૂ. 71 અબજ 75 કરોડ) ખર્ચ કરી દીધા છે. માત્ર ફાઇટર જેટ્સ, તેમની મેઇનટેઇનન્સ અને હથિયારોના ઉપયોગ પર જ લગભગ 271 મિલિયન ડોલર ખર્ચ થયો હોવાનું માનવામાં આવે છે. તેમાં F-15E Strike Eagle જેવા લડાકુ વિમાનોની ઉડાનોનો સમાવેશ થાય છે.
મૃત્યુઆંકમાં વધારો
ઈરાન વિરુદ્ધ અમેરિકન-ઇઝરાયેલી હુમલાઓમાં મૃત્યુઆંક વધીને 787 થયો છે. ઈરાની રેડ ક્રિસેન્ટ સોસાયટીએ મંગળવારે (3 માર્ચ) જણાવ્યું હતું કે હવાઈ હુમલાઓમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 787 લોકોનાં મોત થયાં છે. એક શાળાને નિશાન બનાવવામાં આવેલા હુમલામાં 165 સ્કૂલનાં બાળકોનાં મોત થયાનું પણ જણાવવામાં આવ્યું છે. 28 ફેબ્રુઆરીએ તહેરાન પર થયેલા હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખોમિનીના મોત થયા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધ્યો છે.
દરરોજ કરોડો ડોલરનો ભાર
ભલે જમીન પર મોટી લડાઈ ન ચાલતી હોય, પરંતુ સમુદ્ર અને આકાશમાં અમેરિકાની સૈન્ય હાજરી ખૂબ ખર્ચાળ છે.
જૂનાગઢના પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરવા બાબતે સાધુ-સંતો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ આખરે સમાધાન સાથે શાંત પડ્યો છે. મહંત ઈન્દ્રભારતી બાપુ અને કીર્તિ પટેલ વચ્ચેના આ વાદ-વિવાદનો અંત આવતા ગિરનારના સંત સમાજ અને ભાવિકોમાં પણ રાહતનો શ્વાસ જોવા મળ્યો છે. આ સમાધાન સાથે જ પવિત્ર ક્ષેત્રમાં ભક્તિમય વાતાવરણ ફરી એકવાર પ્રસ્થાપિત થયું છે અને તમામ ગેરસમજણો દૂર કરવામાં આવી છે.
સમાધાનના આ પ્રસંગે કીર્તિ પટેલે આદરપૂર્વક ઈન્દ્રભારતી બાપુનું સન્માન કર્યું હતું. કીર્તિ પટેલે બાપુને શાલ ઓઢાડીને વંદન કર્યા હતા, જેના જવાબમાં ઈન્દ્રભારતી બાપુએ પણ મોટું મન રાખીને તેને આશીર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત, હરીહરાનંદ ભારતી બાપુ અને મહેન્દ્રાનંદ ગીરીબાપુનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સંતોની હાજરીમાં થયેલા આ મિલનથી સોશિયલ મીડિયા અને જાહેર પ્લેટફોર્મ પર ચાલતી ગજગ્રાહની સ્થિતિ હવે પૂર્ણવિરામ પામી છે.
આ પ્રસંગે કીર્તિ પટેલે જણાવ્યું હતું કે, ઘણા લોકોએ ભારતી પરિવાર અને સંતો વચ્ચે તિરાડ પાડવાની કોશિશ કરી હતી, પરંતુ ગિરનારી મહારાજની કૃપાથી કોઈનો મેળ પડ્યો નથી. સંતોના આશીર્વાદ મેળવ્યા બાદ હવે તમામ જૂના વિવાદોને ભૂલી જઈને નવી શરૂઆત કરવામાં આવી છે. ઈન્દ્રભારતી બાપુએ પણ ધર્મની મર્યાદા જળવાય અને શ્રદ્ધાળુઓમાં સન્માન રહે તે હેતુથી આ વિવાદને પૂર્ણ જાહેર કર્યો છે. આમ, જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં સંતો અને ભક્તો વચ્ચેનો આ વિખવાદ આખરે ભાઈચારા સાથે સમાપ્ત થયો છે.
વૈશ્વિક રાજકારણમાં જ્યારે પણ અસ્થિરતા સર્જાય છે, ત્યારે એની સીધી અસર વેપાર જગત પર પડતી હોય છે. હાલમાં મધ્ય-પૂર્વમાં ઇરાન અને ઇઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની જ્વાળાઓ ગુજરાત સુધી પહોંચી રહી છે.
હજારો કિલોમીટર દૂર ચાલતું આ યુદ્ધ જો લાંબુ ખેંચાશે, તો ગુજરાતના આયાત-નિકાસ પર નિર્ભર ઉદ્યોગોને એની ગંભીર કિંમત ચૂકવવી પડી શકે છે. ગુજરાતના અર્થતંત્રના મુખ્ય સ્તંભ સમાન ગણાતા હીરા, ટેક્સટાઇલ, સિરામિક, ફાર્મા અને કૃષિ જેવા અનેક મોટા ઉદ્યોગો અત્યારે આ વૈશ્વિક તણાવને કારણે જોખમમાં મુકાયા છે.
શિપમેન્ટ અને ડિલિવરીમાં વિલંબની ભીતિ
આ ગંભીર પરિસ્થિતિ અંગે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટ અર્પુવ શાહ કહે છેઃ “ અત્યારે આ સંઘર્ષ વિશે કશું પણ કહેવું બહુ વહેલું ગણાશે, પરંતુ જો આ સ્થિતિ લાંબી ચાલે તો દરિયાઈ માર્ગ (સી-રૂટ) લાંબો થવાથી ડિલિવરીમાં વિલંબ થશે અને ઓર્ડર્સ મેળવવામાં મુશ્કેલી પડશે. હાલમાં જે શિપમેન્ટ્સ માર્ગમાં છે, એમાં થોડો વિલંબ નિશ્ચિત છે.”
વધુમાં ઉમેરે છેઃ “ગુજરાત દેશનો આશરે 40 ટકા કાર્ગો હેન્ડલ કરે છે, જેમાં એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ, ફાર્મા અને કૃષિ ઉત્પાદનો જેવી અનેક કોમોડિટીઝનો સમાવેશ થાય છે. આ માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી. વિયેતનામ, ચીન અને બાંગ્લાદેશ જેવા દેશો પર પણ સમાન અસર પડશે. ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં જો અડચણ નહીં આવે તો વેસલ્સનું મુવમેન્ટ રહેશે, પણ ત્યાં સુધી ટ્રાન્ઝિટ ટાઈમ વધી જવાની શક્યતા નકારી શકાય નહીં.”
હીરાથી લઈને દવાઓ સુધી મોંઘવારીની અસર
ઉદ્યોગવાર અસરો પર નજર કરીએ તો, સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગને બમણો ફટકો પડવાની ભીતિ છે. અમેરિકા-યુરોપમાં માંગ ઘટતા અને સોનાના ભાવ વધતા હીરા બજારમાં મંદી આવશે, જ્યારે ટેક્સટાઇલ ક્ષેત્રે ખાડી દેશોમાં થતી નિકાસમાં અવરોધ અને મોંઘા યાર્ન ઉદ્યોગની મુશ્કેલી વધારશે. તેવી જ રીતે મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાય ખોરવાઈ શકે છે અને જામનગરના બ્રાસ ઉદ્યોગને કાચા માલની આયાત ઠપ્પ થતા મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે દવાઓ માટે જરૂરી એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટની આયાત મોંઘી થવાથી અને પરિવહન ખર્ચ વધવાથી અંતે સામાન્ય જનતા માટે દવાઓના ભાવ વધી શકે છે.
કૃષિ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ સ્થિતિ ચિંતાજનક છે. જીરું, મગફળી અને કપાસની નિકાસ અટકતા સ્થાનિક બજારમાં જથ્થો વધશે, જેના કારણે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ નહીં મળે. ગુજરાતના કંડલા, મુંદ્રા અને પીપાવાવ જેવા પોર્ટ પરથી થતી આયાત-નિકાસ અને ક્રૂડ-ગેસના ટેન્કરોની અવરજવર પ્રભાવિત થવાથી સમગ્ર સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આમ, વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ગુજરાતના ઉદ્યોગપતિઓ અને ખેડૂતો અત્યારે ‘થોભો અને રાહ જુઓ’ની સ્થિતિમાં છે.
અમેરિકા અને ઇઝરાયેલ સાથે ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ વચ્ચે ઈરાનના દક્ષિણ પ્રાંત હોર્મોઝગાનના મિનાબ શહેરમાંથી હૃદયવિદારક સમાચાર સામે આવ્યા છે. 28 ફેબ્રુઆરીના રોજ મિનાબ સ્થિત એક શાળાના પરિસર પર થયેલા હુમલામાં 165 વિદ્યાર્થીનીઓના મોત થયા હોવાનું સત્તાવાર આંકડા દર્શાવે છે. 4 દિવસથી ચાલી રહેલા સંઘર્ષનું આ સૌથી કરુણ દૃશ્ય માનવામાં આવી રહ્યું છે.
આજે મિનાબ શહેરમાં 165 બાળાઓના જનાજા એક સાથે નીકળ્યા. શહેરના મુખ્ય મેદાનમાં અને આસપાસની મસ્જિદોમાં હજારો લોકો એકત્રિત થયા હતા. એકસરખી કતારમાં રાખવામાં આવેલા તાબૂતોને જોઈને આખું શહેર શોકમાં ડૂબી ગયું હતું. સામૂહિક નમાઝ-એ-જનાજા અદા કર્યા બાદ તમામ બાળાઓને દફનાવવામાં આવી.
Hundreds of thousands of brave Iranians in #Minab County at the funeral of 165 elementary school girls who were massacred in joint US-Israeli attacks pic.twitter.com/qZRiQAh0hw
— Iran Military Monitor (@IRIran_Military) March 3, 2026
હુમલો શાળાના કાર્યકાળ દરમિયાન થયો હતો. ઇમારતનો મોટો ભાગ ખંડેરમાં ફેરવાઈ ગયો હતો. બચાવ દળોએ કલાકો સુધી કાટમાળ હટાવવાની કામગીરી કરી. રાહત અને બચાવ કાર્ય પૂર્ણ થયા બાદ મૃતકોની સંખ્યા 165 જાહેર કરવામાં આવી, જેમાં મોટાભાગની વિદ્યાર્થીનીઓ પ્રાથમિક કક્ષાની હતી.
જનાજાના દિવસે મિનાબ શહેરમાં બજારો બંધ રહ્યા. નાગરિકોએ કાળી પટ્ટી બાંધીને શોક વ્યક્ત કર્યો. અનેક વિસ્તારોમાં શાંતિ યાત્રાઓ યોજાઈ અને મસ્જિદોમાં વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી. સ્થાનિક લોકો સાથે આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અંતિમ વિદાય આપવા પહોંચ્યા.
સરકારી સૂત્રો અનુસાર શાળાને તાત્કાલિક રીતે બંધ કરી દેવામાં આવી છે. અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. તપાસ અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. આ ઘટનાએ માત્ર મિનાબ નહીં પરંતુ સમગ્ર દેશને ઝંઝોડીને રાખી દીધો છે.