Home Blog Page 2101

બજેટના દિને રોકાણકારોના રૂ. 35,000 કરોડ ડૂબ્યા

નવી દિલ્હીઃ વૈશ્વિક માર્કેટથી પ્રતિકૂળ સંકેતોની વચ્ચે વચગાળા બજેટના દિને ઘરેલુ સ્ટોક માર્કેટમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારામનની બજેટની જાહેરાતોથી બજારને ટેકો નહોતો મળ્યો અને એ નરમ બંધ આવ્યું હતું. સેન્સેક્સના 21 અને નિફ્ટી 50ના 31 શેરો ઘટીને બજાર પર દબાણ નાખ્યું હતું. માર્કેટના ઘટાડાને પગલે BSE લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપ આશરે રૂ. 35,000 કરોડનો ઘટાડો થયો હતો.

બજેટના દિવસે સેન્સેક્સ 106.81 પોઇન્ટ ઘટીને 71,645.30 અને નિફ્ટી 28.25 પોઇન્ટ તૂટીને 21,697.45એ બંધ થયો હતો. સેક્ટરવાઇઝ મિડિયા, મેટલ, PSU બેન્ક અને રિયલ્ટી સિવાયના બધા ઇન્ડેક્સ નરમ બંધ આવ્યા હતા. નિફ્ટી બેન્ક 0.16 બંધ થયો હતો.

નાણાપ્રધાને  બજેટમાં મૂડી ખર્ચમાં 11 ટકાના વધારાની જાહેરાત કરી હતી, પણ બજારને સપોર્ટ નહોતો મળી શક્યો. અમેરિકી ફેડે એવા સંકેત આપ્યા હતા કે માર્ચમાં પણ વ્યાજદરોમાં કાપની સંભાવના નથી, એટલે બજાર ટૂંકી વધઘટે અથડાઈ ગયું હતું.

બજેટના દિવસે શેરબજારની શરૂઆત ઇંડેક્સ પણ તેજી સાથે થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખૂલ્યા છે. BSE સેન્સેક્સ 40 પોઈન્ટ વધીને 71,998.78 પર ખૂલ્યો હતો. જ્યારે NSE નિફ્ટીએ 21,780ના સ્તરે શરૂઆત કરી. માર્કેટમાં ધીમી શરૂઆત બાદ બજાર ખૂલતાની સાથે જ Paytmના શેર તૂટ્યો હતો. આરબીઆઈ દ્વારા પેટીએમની બેંકિંગ સેવાઓ પર પ્રતિબંધ લગવાતા Paytmના શેરમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

 

 

 

 

 

 

 

 

 

 

બજેટ-2024: ટુરિઝમ હબ બનાવવામાં આવશે લક્ષદ્વીપ

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરતાં લક્ષદ્વીપ માટે મોટી જાહેરાત કરી હતી. નાણા પ્રધાને કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2025માં પાયાના માળકા માટે ખર્ચ વધારીને રૂ. 11.11 લાખ કરોડ કરી દેવામાં આવ્યો છે. માલદીવની સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે ભારતમાં લક્ષદ્વીપ એક મહત્ત્વનું ટુરિસ્ટ પ્લેસ તરીકે જોવામાં આવે છે. આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે અન્ય દેશોએ જતા પ્રવાસીઓને ભારતના આ ખૂબસૂરત દ્વીપ પર આવવાની અપીલ કરી હતી.

વિશ્વમાં ટુરિસ્ટ સ્પોટ તરીકે મશહૂર માલદીવથી માત્ર 700 કિલોમીટરના અંતરે હિન્દ મહાસાગરમાં સ્થિત લક્ષદ્વીપ કેરળના કોચીથી માત્ર 440 કિમીનું અંતર સ્થિત છે. અહીં ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસિત કરવા પર ભારતનો વિરોધ કરવાવાળા માલદીવ જતા પર્યટકોને દેશમાં એક સસ્તું અને આનંદદાયક સ્થળ મળી શકે છે.

ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ 36 નાના-નાના દ્વીપોનો એક સમૂહ છે, જે પર્યટનની દ્રષ્ટિએ બહુ ખૂબસૂરત છે. લક્ષદ્વીપમાં 12 એટોલ, ત્રણ રીફ, પાંચ જળમગ્ન બેન્ક અને અન્ય 10 દ્વીપ છે. વર્ષ 2011ની જન ગણતરી અનુસાર અહીંની વસતિ માત્ર 64,473 લોકોની છે, એમાં 96 ટકા વસતિ મુસ્લિમ છે.  

 

 

 

 

 

 

 

 

 

આવકવેરાના ચોક્કસ ફેરફાર આવકાર્યઃ ખરું બજેટ જુલાઈમાં

અમદાવાદઃ અનુકૂળતા, આશા અને અપેક્ષા વચ્ચે ઝૂલતા આપણા દેશના અર્થતંત્ર માટે આ એક મહત્વનો સમયગાળો છે ત્યારે વચગાળાનું અંદાજપત્ર રજૂ થયું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજી બે દિવસ પહેલાં જ અંદેશો આપ્યો હતો કે આ વખતના અંદાજપત્રનું ક્ષેત્ર દિશા-નિર્દેશ કરવાનું રહેશે. આર્થિક પગલાંઓ અને કાયદાની જોગવાઈઓ તો જુલાઈના સંપૂર્ણ અંદાજપત્ર દ્વારા આવશે. એક રીતે જોવા જાઓ તો આ તો વાજિંત્રોના તારની મિલાવટ છે, વાદન તો જુલાઈમાં થશે.

વૈશ્વિક સ્તરે અર્થતંત્ર મંદ, સ્થગિત અને ક્યારેક નકારાત્મક સ્થિતિમાં છે ત્યારે ભારત સામે પૂરે તરી રહ્યું છે અને સાત ટકાથી વધુ વૃદ્ધિદર જોવાઈ રહ્યો છે. માત્ર શેરબજારનો ઇન્ડેક્સ વિશ્વસનીય માપદંડ હોઈ ન શકે એ કબૂલ રાખીએ તો પણ સિત્તેર હજારની આસપાસ રહેતો બીએસઇનો સેન્સેકસ રોકાણકારોનો ભવિષ્ય માટે તો વિશ્વાસ તો દર્શાવે જ છે. ચાર વર્ષમાં કરવેરાની વસૂલાત પચાસ ટકા વધી છે. આવકપત્રકોનો પ્રોસેસિંગ સમય દસ વર્ષમાં 93 દિવસથી ઘટીને 10 દિવસ થયો છે અને 80 ટકા કિસ્સામાં રિફંડ એક મહિનામાં આપવામાં આવે છે. ટેક્નોલોજીને કારણે છેલ્લાં દસ વર્ષમાં કર ભરનારાઓની સંખ્યા 65 ટકા વધી છે.
આ વચગાળાના અંદાજપત્રમાં જૂની ડિમાન્ડ રદ કરવાનો પ્રસ્તાવ આવકાર્ય છે. મહદંશે આ ડિમાન્ડ આવકવેરા ખાતાના જૂના રેકોર્ડ પૂર્ણ ન હોવાને કારણે ઊભી છે. કર ભરનારાઓએ ચુકવણી કરી હોવા છતાં જ્યારે આવકવેરાના રેકોર્ડ કોમ્પ્યુટરાઇઝ ન હતા ત્યારે એને ચોપડે એ ચુકવણી નોંધાઈ ન હતી અને એ જ અપૂર્ણ ચોપડાની વિગતો કોમ્પ્યુટરમાં મુકાઈ હતી. જોકે ડિમાન્ડ રદ કરવાની મર્યાદા વધારવી જોઈએ એ માગણીને વાજબી ગણી શકાય.

આ ઉપરાંત વિદેશમાં મોકલાતી રકમ પર ટેક્સ કલેક્શન એટ સોર્સની જોગવાઈમાં છૂટ મૂકવામાં આવી છે અને રૂ. સાત લાખ સુધી મુક્તિ આપવામાં આવી છે. રૂ.  સાત લાખથી વધુ તબીબી અને શૈક્ષણિક ચુકવણી પરનો દર વીસ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે.
હવે જુલાઈમાં પૂર્ણ અંદાજપત્ર કેવી જોગવાઈઓ લાવશે એની રાહ જોવી રહી.

 

(સ્નેહલ ન મુઝુમદાર)
(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અધ્યક્ષ (ભારત) ઇન્ડો યુએસ ચેમ્બર ઓફ કોમર્સ,  યુએસએ)

 

 

 

 

મોદી સરકાર આપશે પોતાના 10 વર્ષના કામનો હિસાબ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા બજેટને અર્થવ્યવસ્થાને આગળનો માર્ગ બતાવતું બજેટ ગણાવ્યું હતું. ગુરુવારે બજેટ બાદ પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કહ્યું કે આ બજેટ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના વચનોથી આગળ છે. તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના છેલ્લા 10 વર્ષના કામકાજ પર ટૂંક સમયમાં શ્વેતપત્ર આવશે.

થોડા મહિનામાં ચૂંટણી યોજાવાની છે

દિવસની શરૂઆતમાં, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું. આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ કારણોસર, સંપૂર્ણ બજેટને બદલે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું પણ આ સતત છઠ્ઠું બજેટ હતું. લોકસભામાં બજેટ રજૂ કર્યા બાદ સાંજે પરંપરાગત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપી અને મીડિયાના સવાલોના જવાબ આપ્યા.

આ કારણે લોકશાહીનું બજેટ આવ્યું નથી

પોસ્ટ-બજેટ પીસીમાં નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે તે વચગાળાનું બજેટ હોવાથી, તે વોટ ઓફ એકાઉન્ટ હતું, તેથી સરકારે તેને વોટ ઓફ એકાઉન્ટ તરીકે રાખવાનો પ્રયાસ કર્યો. નાણામંત્રીએ કહ્યું- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા જ કહી દીધું હતું કે આ સંપૂર્ણ વોટ ઓફ એકાઉન્ટ હશે. અમે આ બજેટમાં એ પણ જણાવ્યું કે અહીંથી અર્થવ્યવસ્થા કેવું પ્રદર્શન કરશે અને અમે અર્થવ્યવસ્થાને કેવી રીતે આગળ લઈ જઈશું. અમે આ બજેટમાં ત્યાંથી શરૂઆત કરી છે, જે અમે પહેલાથી જ ડિલીવર કરી ચૂક્યા છીએ. તેમને પૂછવામાં આવ્યું કે શું સરકાર લોકશાહી બજેટની પરંપરાને ખતમ કરી રહી છે.

જીડીપીની નવી વ્યાખ્યા

આ દરમિયાન નાણાં પ્રધાન સીતારમણે જીડીપીની નવી વ્યાખ્યા પણ આપી હતી, જેનો ઉલ્લેખ તેમણે બજેટ ભાષણ દરમિયાન પણ કર્યો હતો. તેમની નવી વ્યાખ્યામાં, G એટલે શાસન, D એટલે વિકાસ અને P એટલે કામગીરી. તેમણે કહ્યું- અમે અર્થવ્યવસ્થાને સારી રીતે સંભાળી છે. અમારો વિકાસ દર G-20માં સૌથી વધુ છે અને સતત 7 ટકાથી ઉપર રહ્યો છે. દરેક ભાગ દેશની પ્રગતિમાં ફાળો આપી રહ્યો છે.

પૂર્વી રાજ્યો વિકાસનું એન્જિન બનશે

પૂર્વીય રાજ્યો અંગે નાણામંત્રી સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકાર બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોને વિકાસના આગલા તબક્કાનું એન્જિન બનાવવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમની સરકાર છેલ્લા 10 વર્ષના કામકાજ પર એક શ્વેતપત્ર બહાર પાડવા જઈ રહી છે, જેમાં પાછલા 10 વર્ષની કામગીરી સાથે સરખામણી કરવામાં આવશે.

કોણ છે, જેને હિમાલય પણ નડતો નથી?

સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં અકલ્પનીય યોગદાન આપવા બદલ ડૉ. યઝદી ઇટાલિયાને પદ્મશ્રી અવોર્ડ જાહેર થયો. સિકલ સેલ એનિમિયા એ આદિવાસીઓમાં જોવા મળતો એક આનુવાંશિક રોગ છે, જે કલર ફૉર્મ્યુલાની ઊણપથી થાય છે. આના દર્દી શારીરિક અને માનસિક પીડા અનુભવે છે. ડૉ. યઝદી ઇટાલિયાએ આદિવાસીઓના આ વારસાગત રોગમાંથી મુક્તિ અપાવવા કામ કર્યું. ગુજરાતનો પ્રથમ સિકલ સેલ પ્રોજેક્ટ ડૉ. યઝદી ઈટાલિયાએ જ શરૂ કર્યો. રોગના પીડિતોની મફત સારવાર કરવામાં આવી. આખા ગુજરાતના 95 લાખથી વધુ આદિવાસીની તપાસ કરવામાં આવી, જેમાંથી 7 લાખ 2 હજારમાં સિકલ સેલનાં લક્ષણ જોવા મળ્યાં અને યોગ્ય સારવાર માટે તેમણે કલર કોડેડ જારી કર્યા હતા. તો પશ્ચિમ બંગાળના પુરુલિયાના સિન્દ્રી ગામના આદિવાસી પર્યાવરણવાદી દુખુ માઝીએ સાઈકલ પર દરરોજ નવાં સ્થળે જઈને  ઉજ્જડ જમીન પર પાંચ હજારથી વધુ વડ, કેરી અને બ્લૅકબેરીનાં વૃક્ષ વાવ્યાં. એમને સામાજિક કાર્ય (વનીકરણ) ક્ષેત્રે પદ્મશ્રી આપવામાં આવશે. આવાં તો અનેક ઉદાહરણ આ વખતના પદ્મવિજેતાઓની યાદી જોતાં મળે છે.

એક તરફ આવા લોકો છે તો બીજી બાજુ, બિઝનેસમાં લૉસ જશે તો? પરીક્ષામાં નાપાસ થઈશ તો? કમોસમી વરસાદને કારણે પાક બગડી જશે તો? જૉબ છૂટી જશે તો? વગેરે વિઘ્નોના ભયથી સતત ચિંતિત થનારા લોકો પણ છે. જો કે આ બધા વચ્ચે કેટલાક એવા લોકો જીવી જાય છે, જેઓ આપણા જેવી જ સામાન્ય માનવીઓ જેવી જ બલકે તેથી પણ વધુ વિકટ કાંટાળી કેડી પરથી પસાર થાય છે, છતાં સફ્ળતાનાં શિખરો સર કરે છે. કારણ? ભલે વિઘ્નોની પરંપરા વચ્ચે ઊભી હોય, છતાં એમની નજર હંમેશાં લક્ષ્ય તરફ જ મંડાયેલી રહે છે. આવા લોકોને વિઘ્નો કદાપિ અટકાવી નથી શકતા.

કોઈ પોલિયોગ્રસ્ત વ્યક્તિ ઑલિમ્પિક્સમાં દોડીને ત્રણ-ત્રણ ગોલ્ડમેડલ મેળવે એ વાત માન્યામાં આવે? વાત છે 1960 ના રોમ ઑલિમ્પિક્સની. અમેરિકાના ટેનિસી શહેરમાં જન્મેલી વિષ્મા રૂડોને 4 વર્ષની વયે પોલિયો થયો. ડૉક્ટરોએ તેનું ભવિષ્ય ભાખતાં કહ્યું, ‘આ બાળકી ક્યારેય જમીન પર પોતાના પગ મૂકી શકશે નહીં.’ તેને પગમાં સળિયા પહેરાવવામાં આવ્યા, પરંતુ તેના મનમાં એક વિચાર સતત ઘૂંટાયા કરતો હતો કે, મારે આ પૃથ્વી પરની સૌથી ઝડપથી દોડતી મહિલા બનવું છેઃ આઈ વૉન્ટ ટુ બી ધ ફાસ્ટેસ્ટ વુમન ઑન ધ ટ્રૅક ઑન ધિસ અર્થ.

અશક્ય જેવી આ વાત તેના હૃદયનો ધબકાર બની ગઈ હતી. શરૂઆત તેણે ચાલવાના પ્રયત્નોથી કર્યા. 9મા વર્ષે તેણે સળિયા વગર ચાલવાનું શરૂ કર્યું. 13મા વર્ષે દૌડની સ્પર્ધામાં ભાગ પણ લીધો, પરંતુ છેલ્લા નંબરે આવી. 1956માં 16 વર્ષની વયે તેણે મેલબોર્ન ઑલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો અને ૨૦મા વર્ષે 1960માં ઈટલીના રોમમાં આયોજિત ઑલિમ્પિક્સમાં, સૌના આશ્ચર્ય વચ્ચે, 100 મીટર, 200 મીટર અને 400 મીટરની દોડમાં ગોલ્ડમેડલ સાથે વિશ્વવિક્રમી, વિશ્વવિજેતા બની. તે વખતે છાપાંમાં મથાળાં છપાયાં કે, અ પૅરાલિટિક વુમન બિકેમ ધ ફાસ્ટેસ્ટ વુમનઃ એક દિવ્યાંગ મહિલા બની સૌથી ઝડપી દોડવીર. આ જ મથાળું વિષ્માએ પોલિયોગ્રસ્ત થયા બાદ વિચારી રાખેલું. સંસ્કૃતમાં એક શ્ર્લોક છેઃ

प्रारभ्यते न खलु विघ्नभयेन नीचै : |

प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्याः ||

विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः |

प्रारभ्य तूत्त्मजना न परित्यजन्ति ||

અર્થાત્ જે નિમ્ન કોટિના માનવી હોય છે તે વિઘ્નના ભયથી કાર્યારંભ જ નથી કરતા. જે મધ્યમ કક્ષાના માનવી છે તે વિઘ્ન આવતાં જ આરંભેલા કાર્યને મૂકી દે છે, પરંતુ જે શ્રેષ્ઠજનો છે તે તો વારંવાર વિઘ્નો આવવા છતાં શરૂ કરેલા કાર્યને ક્યારેય છોડતા નથી.’

કહે છેને કે, કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી…અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

બજેટ 2024: PM મોદીએ વચગાળાના બજેટની પ્રશંસા કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ વચગાળાના બજેટની પ્રશંસા કરી. પીએમ મોદીએ નાણામંત્રીને બજેટ માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ બજેટ વિકસિત ભારતને સમર્પિત છે. પીએમ મોદીએ કહ્યું કે આ વચગાળાનું બજેટ વિકાસનો સમાવેશ કરતું છે. તેમાં સાતત્યની ખાતરી છે, તે વિકસિત ભારતના તમામ 4 આધારસ્તંભો – યુવા, ગરીબ, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવશે. આ બજેટ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની ખાતરી આપે છે. આ વિકસિત ભારત માટે સમર્પિત બજેટ છે.

લખપતિ દીદીને ત્રણ કરોડ બનાવવાનો ટાર્ગેટ : PM મોદી

વડાપ્રધાને કહ્યું- ‘અમે એક મોટું લક્ષ્ય નક્કી કર્યું છે, તેને હાંસલ કરીએ છીએ અને પછી પોતાના માટે પણ એક મોટું લક્ષ્ય નક્કી કરીએ છીએ. અમે ગામડાઓ અને શહેરોમાં ગરીબો માટે ચાર કરોડથી વધુ મકાનો બનાવ્યા છે અને હવે અમે બે કરોડ વધુ મકાનો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અમે બે કરોડ લખપતિ દીદીઓ બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું, હવે તેને વધારીને 3 કરોડ કરી દીધું છે.

ખેડૂતોની આવક વધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચગાળાના બજેટ પર કહ્યું કે આજે આ બજેટમાં ખેડૂતો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. NANO DAP નો ઉપયોગ, પ્રાણીઓ માટે નવી યોજનાઓ, PM મત્સ્ય સંપદા યોજનાનું વિસ્તરણ અને સ્વનિર્ભર તેલ બીજ અભિયાન ખેડૂતોની આવકમાં વધારો કરશે અને ખર્ચમાં ઘટાડો કરશે.

બજેટ યુવાનોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે

તેમણે કહ્યું કે આ બજેટ યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. બજેટમાં બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સંશોધન અને નવીનતા પર 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં સ્ટાર્ટઅપ માટે ઉપલબ્ધ કર મુક્તિના વિસ્તરણની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોષીય ખાધને અંકુશમાં રાખીને મૂડીખર્ચને 11 લાખ 11 હજાર 111 કરોડ રૂપિયાની ઐતિહાસિક ઉચ્ચતમ સપાટી આપવામાં આવી છે.

ચૂંટણીની દ્રષ્ટિએ મોદી સરકારના બજેટની મહત્ત્વની જાહેરાતો

નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારામને સંસદમાં બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં આશ્ચર્ય કરવા જેવી કોઈ વાત નથી. દેશમાં આ વર્ષે લોકસભા ચૂંટણી થવાની છે અને એની થોડી તૈયારી આ બજેટમાં દેખાય છે. નાણા મંત્રીએ બજેટમાં કરેલા એલાન મુજબ આગલા નાણાકીય વર્ષમાં કેપિટલ એક્સપેન્ડિચર માટે રૂ. 11.1 લાખ કરોડનું લક્ષ્ય રાખ્યું છે, જે GDPના 3.5 ટકા હશે. એ સાથે રાજ્યોના વિકાસ માટે રૂ.. 75,000 કરોડની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે.  

નાણાં મંત્રી નિર્મલા સીતારામને ચાર સોશિયલ ગ્રુપોને ધ્યાનમાં રાખતાં બજેટ રજૂ કર્યું છે- મહિલા, ગરીબ, ખેડૂત અને યુવા. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બે કરોડથી વધુ ઘર બનાવવામાં આવશે. આ સાથે બધી આશા અને આંગનવાડી કાર્યકર્તાઓને આયુષ્માન ભારત હેલ્થકેર યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં નોંધપાત્ર વધારો કરવાની ઘોષણા કરવામાં આવી છે.

નાણાં મંત્રીએ કહ્યું હતું કે ચૂંટણી પછી સંપૂર્ણ બજેટમાં વિસ્તારથી વિકસિત ભારતનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રે ઘણા મોટા ફેરફારો થયા છે. આ પ્રસંગે ઘણી સિદ્ધિઓ વિશે વાત કરવામાં આવી હતી. તેમાં મુખ્યત્વે 3000 નવી ITI ની સ્થાપના અને સ્કિલ ઈન્ડિયા હેઠળ 1.8 કરોડ યુવાનોને આપવામાં આવતી તાલીમનો સમાવેશ થાય છે. આ સિવાય 54 લાખ ઉમેદવારો રિ-સ્કિલ્ડ અને અપ-સ્કિલ્ડ કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગરીબોને સતત ઘર આપવામાં આવી રહ્યા છે. નાણાં મંત્રીએ કહ્યું કે અમે 3 કરોડ ઘરોના લક્ષ્યને હાંસલ કરવાની નજીક છીએ. આગામી 5 વર્ષમાં 2 કરોડ લોકોને વધુ મકાનો મળશે. સોલાર પેનલ દ્વારા 1 કરોડ ગરીબ લોકોનાં ઘરોમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

બજેટ 2024: 2024-25માં મધ્યમ વર્ગ માટે આવાસ યોજનાની જાહેરાત કરી

નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટ 2024-25માં મધ્યમ વર્ગ માટે આવાસ યોજનાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ ગુરુવારે તેમના બજેટ ભાષણ દરમિયાન કહ્યું હતું કે કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગ માટે પોતાના માટે મકાન બનાવવા અથવા ખરીદવા માટે એક યોજના લાવશે. ચૂંટણી પૂર્વેના આ વચગાળાના બજેટમાં નાણામંત્રીએ મધ્યમ વર્ગને આકર્ષવાનો પૂરો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે સરકાર પ્રગતિની આ યાત્રામાં દરેકને સામેલ કરવાની યોજના બનાવી રહી છે.

પીએમ આવાસ યોજનામાં 70 ટકા ઘર મહિલાઓને

પીએમ આવાસનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ કહ્યું કે 70 ટકા ઘર મહિલાઓને આપવામાં આવ્યા છે. પીએમ સંપદા યોજનાથી 38 લાખ ખેડૂતોને ફાયદો થયો છે. તેમણે 9 થી 14 વર્ષની છોકરીઓ માટે સર્વાઇકલ કેન્સરની રસી અને લખપતિ દીદી યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આયુષ્માન ભારતનો લાભ તમામ આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોને આપવામાં આવશે. તેમણે મધ્યમ વર્ગ માટે આવાસ યોજના અને 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ આપવાની સરકારની યોજનાને ગેમ ચેન્જર ગણાવી હતી.

3 કરોડ ઘર બનાવવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો

નાણામંત્રીએ કહ્યું કે સરકાર લોકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે આર્થિક નીતિ બનાવશે. આર્થિક નીતિઓ લાગુ કરવા માટે રાજ્યો સાથે મળીને કામ કરશે. તેમણે કહ્યું કે સરકારે 3 કરોડ ઘર બનાવવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે.

રૂફટોપ સોલારથી 18 હજાર રૂપિયાની બચત થશે

નાણામંત્રીએ કહ્યું કે રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા મધ્યમ વર્ગને ફાયદો થશે. આ યોજના હેઠળ એક કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે. આની મદદથી દર મહિને અંદાજે 300 યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકાશે. આ યોજનાથી લોકોને વાર્ષિક અંદાજે 15 થી 18 હજાર રૂપિયાની બચત થશે. આ સિવાય નાણામંત્રીએ વધારાની મેડિકલ કોલેજો, હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાની અને ઉત્તર-પૂર્વ ભારતના વિકાસ પર મહત્તમ ધ્યાન આપવાની જાહેરાત કરી છે.

બજેટ 2024: યુવાનો માટે બજેટમાં કરી મોટી જાહેરાત

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના બીજા કાર્યકાળ માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું. ચૂંટણીનું બજેટ હોવાથી તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. આ બજેટમાં મેડિકલ ક્ષેત્રના ચાલી રહેલા વિકાસને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. આ અંગે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.


બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે લાયક ડૉક્ટર બનવું એ ઘણા યુવાનોની મહત્વાકાંક્ષા છે. તેમનો ઉદ્દેશ્ય બહેતર આરોગ્ય સંભાળ સેવાઓ દ્વારા આપણા લોકોની સેવા કરવાનો છે. અમારી સરકાર વિવિધ વિભાગો હેઠળ હાલની હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને વધુ મેડિકલ કોલેજો સ્થાપવાની યોજના ધરાવે છે. આ હેતુ માટે, કેસોની તપાસ કરવા અને સંબંધિત ભલામણો કરવા માટે એક સમિતિની પણ રચના કરવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિએ શિક્ષણ ક્ષેત્રમાં ઘણા ફેરફારો કર્યા છે. પીએમ શ્રી સ્કૂલ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહી છે. જો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો 7 IIT, 16 IIIT, 7 IIM, 16 AIIMS અને 390 યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે વિવિધ યોજનાઓ દ્વારા યુવાનોને રોજગાર ક્ષેત્રે પણ મદદ કરવામાં આવી રહી છે. સ્ટાર્ટ-અપ ગેરંટી સ્કીમ, ફંડ ઓફ ફંડ્સ અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળ યુવાનોને રોજગાર મેળવવામાં ઘણી મદદ કરી.

કરદાતાઓને લાભ રૂ. 25,000 સુધીના ટેક્સના બાકીનાં લેણાં થશે માફ

નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આવકવેરા સ્લેબ્સમાં કોઈ રાહત નથી, પણ સરકાર કેટલીક જૂની ટેક્સ માગને પરત ખેંચશે. નાણાપ્રધાને કહ્યું હતું કે સરકાર નાણાં વર્ષ 2009-10 સુધીની રૂ. 25,000 સુધીની ટેક્સ ડિમાન્ડ અને 2014-15 સુધી રૂ. 10,000 સુધીની ટેક્સ ડિમાન્ડ વિથડ્રો કરશે. એનાથી એક કરોડ કરદાતાઓને લાભ થશે. જોકે સામાન્ય ચૂંટણી પહેલાં આ બજેટમાં એવું કશું નથી. ત્યાં સુધી કે આયાતી સામાનો માટે ઇમ્પોર્ટ ડ્યુટીમાં પણ કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.

આ સાથે બજેટની અન્ય હાઇલાઇટ્સ નીચે મુજબ છે.

  • સરકાર ઇલેક્ટ્રિક વેહિકલ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે.
  • આગામી નાણાકીય વર્ષમાં સરકારનું ગ્રોસ માર્કેટ બોરોઇંગ રૂ. 14 લાખ કરોડ રહેશે.
  • દેશમાં છેલ્લા 10 વર્ષોમાં વ્યક્તિગત ઇન્કમ ટેક્સ ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં વધારો20
  • ટેક્સ પ્રોસેસિંગ સમયગાળો 93 દિવસથી ઘટીને 10 દિવસનો થયો
  • પ્રતિ મહિને સરેરાશ GST કલેક્શન રૂ. 1.66 લાખ કરોડ
  • GST ટેક્સપેયર્સની સંખ્યા બે ગણી થઈ
  • સરકારનો ફિસ્કલ ડેફિસિટ માટે 5.1 ટકા લક્ષ્ય
  • તેમણે GDP ગ્રોથ 5.1 ટકા રહેવાનો અંદાજ
  • છેલ્લા 10 વર્ષોમાં અર્થતંત્રમાં મોટો સુધારો
  • સૌનો, સૌનો વિકાસ સાથે આગળ વધ્યા
  • દેશને નવી દિશા, નવું લક્ષ્ય મળ્યું
  • સરકાર ઘરેલુ ટુરિઝમને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ
  • એમાં કોર્પોરેટ ટુરિઝમ, રિલિજિયસ ટુરિઝમ અને બિઝનેસ ટુરિઝમ સામેલ
  • ત્રણ મુખ્ય આર્થિક રેલવે કોરિડોર લાગુ કરાશે
  • ઊર્જા, ખનિજ ને સિમેન્ટ કોરિડોર
  • પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર,
  • યાતાયાત ઘનત્વ કોરિડોર
  • 2030 સુધી ગેસિફિકેશન ક્ષમતા 100 MMT કરવામાં આવશે.
  • વંદે ભારતમાં 400 બોગીઓ અપગ્રેડ થશે.