Home Blog Page 2108

૩૧ જાન્યુઆરી, ૨૦૨૪

૩૧ જાન્યુઆરી, ૨૦૨૪

નોટ આઉટ @ 82 વિજયપાલ જૈન

છેલ્લી સાત પેઢીથી ચાલ્યા આવતા, 9 ભાઈ,11 બહેનો તથા ૧૫૦થી વધુ કુટુંબીઓ ધરાવતા હિન્દુ અવિભાજ્ય કુટુંબના મોભી વિજયપાલ જૈનની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ દિલ્હીમાં, 9 ભાઈ, 11 બહેનોનું બહોળું કુટુંબ. પિતાજી ધંધો કરતા. પિતાએ શરૂઆત જબલપુરમાં નોકરીથી કરી. પછી રેશનીંગની શોપ અને પછી ટેક્સટાઇલનો (કાપડનો) ધંધો શરૂ કર્યો. વિજયપાલજીએ રૂરકી એન્જિનિયરિંગ કોલેજમાંથી બીઈ કર્યું. 1963થી પાંચ વર્ષ ભારતીય સેનામાં Military Enginering Services (MES)માં કામ કર્યું. તે દરમ્યાન પાલમ એરપોર્ટના ઇન્ચાર્જ હતા. 1963 થી 1967 સુધી J&K ઉધમપુરમાં ઓફિસમાં કામ કર્યું. લેહ-લડાખમાં ઘણાં ઇન્સ્ટોલેશન્સ કર્યાં. ભારતીય સેનામાંથી રાજીનામું આપી ધંધામાં જોડાયા. કાપડનો ધંધો એટલે અમદાવાદ આવ્યા, કમિશન-એજન્સી શરૂ કરી. 1985માં રમખાણો દરમિયાન સરસ કામ કર્યું અને બજારમાં લોકોનો વિશ્વાસ જીત્યો. મિત્રની મદદથી અને સલાહથી લેમિનેશન-શીટ્સ બનાવવાની કંપની શરૂ કરી. શરૂઆતની તકલીફો પછી સરસ ધંધો કર્યો. આજે તેઓ માલ ફક્ત એક્સપોર્ટ કરે છે, 22 દેશોમાં!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

રીટાયર થવાની ઉંમરે નવો ધંધો શરૂ કર્યો! અત્યારે પણ ઓફીસ અને ફેક્ટરીમાં થઈ રોજના 16 કલાક કામ કરે છે! નવી ફેક્ટરી ક્યાં નાખવી તે વિચારે છે! ફાઇનાન્સ અને ટેકનોલોજી જાતે જ સંભાળે છે. સવારે સાત વાગે ઊઠે. કલાક યોગ અને કસરત કરે. 10:30 સુધી તૈયાર થઈ દીકરા સાથે ફેક્ટરીના કામકાજ અંગે ડિસ્કશન કરે.  11.00 વાગ્યે ઓફિસે જાય. સાડા સાત સુધી ઓફિસમાં જ હોય! પણ ચોવીહાર ચોક્કસ કરે! ઘેરથી તેમનું ટિફિન સમયસર ઓફિસમાં પહોંચી જાય! ઓફિસથી પાછા આવી બાળકો સાથે સમય પસાર કરે. પૌત્રને હમણાં જ ધંધામાં સેટ કર્યો. ટીવીમાં સમાચાર જોઈ રાતના 12:00 વાગે સુઈ જાય.

શોખના વિષયો : 

એક માત્ર શોખ એટલે બિઝનેસ કરવો! જીંદગીમાં એક જ પિક્ચર જોયું છે! કોઈ કુટેવ ન હતી. ન સોપારી, ન બીડી, ન તમાકુ. હોસ્ટેલમાં હતા ત્યારે પણ નહીં! યુવાનીમાં સ્પોર્ટ્સનો શોખ હતો, હોકી, ક્રિકેટ, ટેબલ-ટેનિસ વગેરે રમતા. હવે માત્ર ક્રિકેટ-મેચ જુએ છે. બીજો કોઈ શોખ નથી!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

હસતાં હસતાં કહે છે: તબિયત બહુ સરસ છે! 40 વર્ષ પહેલા 1984માં કેન્સર થયું હતું.  વર્ષોથી ડાયાબિટીસ છે. 2000ની સાલમાં હૃદયમાં સ્ટેન્ટ મૂક્યો છે. કિડનીનું ઓપરેશન કર્યું છે, એક કિડની કાઢી નાખી છે. હાલ એક જ કિડનીથી કામ ચાલે છે! બધા જ રાજરોગ સાથે  હાથ મિલાવ્યા છે! Keep Positive! અનહોની હોગી નહીં ઔર હોની કો કોઈ ટાલ નહીં શકેગા!

યાદગાર પ્રસંગ:  

તેમની લેમિનેશન-શીટ્સની ફેક્ટરીમાં પહેલા ધડાકે બહુ સરસ પ્રોડક્શન નીકળ્યું, પરંતુ તેનું માર્કેટિંગ કરતા દમ નીકળી ગયો તે યાદ છે! ફાયર-પ્રુફ મેટ બનાવી અને બીજા ટ્રાયલમાં સક્સેસફુલ થયા! ચીન અને દુબઈમાં ઓફિસો ખોલી. ભારતમાં સૌથી પહેલીવાર હનીકોમ્બ વાળી લેમિનેશન-શીટ્સ બનાવી, જરૂરી ગ્લુ બનાવ્યું. જીએસએફસીનું એક સીક-યુનિટ લઈ રેલ્વેના ડબ્બાઓમાં રેકઝીનના સીટ-કવર નાખવાનો કોન્ટ્રાક્ટ લીધો. સરકારી કામો કર્યાં. સરકારી કામોમાં તકલીફ પડે પણ મોદી સરકારમાં તકલીફ ઘણી ઓછી થઈ છે! 40 દેશોમાં ફર્યા છે, વિદેશની સરકારો સાથે પણ કામ કર્યાં છે.

 

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

નવી-ટેકનોલોજી માટે એકદમ ઉત્સાહી! જાતે લેબમાં જઈ જાત-જાતનાં ટેસ્ટિંગ કરે. નવું-નવું કંઈ-ને-કંઈ કર્યા કરે. રવિવાર નવું કામકાજ અને શોધ-ખોળ કરવામાં જાય!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ઘરમાં અને બહાર બહુ ફેર દેખાય છે! મહિલાઓને ઘણી સ્વતંત્રતા મળી છે. તે સારું પણ છે અને ખરાબ પણ છે. માણસો બહારથી નવા લાગે પણ વિચારો જૂના છે! સમય અનુસાર બદલાવ જરૂરી છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

ઘરના અને કુટુંબના યુવાનો સાથે સરસ ફાવે. ઓફિસ અને ફેક્ટરીનો સ્ટાફ પણ યુવાન છે. 21 વર્ષના પૌત્રને હમણાં નવી ફેક્ટરી કરી આપી. ભત્રીજાઓને પણ તૈયાર કર્યા છે. તેમનું માનવું છે કે યુવાનો પર જવાબદારી નહીં નાખો તો યુવાનો શિખશે કેવી રીતે?

સંદેશો :  

તેઓ બહુ સોશિયલ નથી, પણ જરૂર હોય ત્યાં તરત પહોંચી જાય. મંદિર ભાગ્યે જાય, પણ સ્ટાફ કે સોસાયટીમાં જરૂર હોય ત્યાં ચોક્કસ મદદ કરે. કોઈનું સારું ન થાય તો વાંધો નહીં પણ ખરાબ તો ન જ કરો. Do Good And Forget!

ટીકાનો સામનો કેવી રીતે કરવો?

કોઈ વ્યક્તિ તમારી ઉપર કોઈ આરોપ મુકે છે તો તમને કેવું લાગે છે? સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ તમારા પર આરોપ મુકે છે ત્યારે તમને તે વાતનો ભાર લાગે છે,તમારી લાગણી ઘવાય છે અથવા તમે દુખી થાવ છો. તમે એ આક્ષેપ સ્વીકારતા નથી માટે તમારી લાગણી ઘવાય છે.તમે તેનો પ્રતિકાર જાહેર ના કરતા હોવ, પરંતુ જો તમારી અંદરથી વિરોધ કરો છો તો તમને લાગી આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારી પર આરોપ મુકે છે ત્યારે તમે મોટા ભાગે તેમના પર વળતો આક્ષેપ કરો છો અથવા તમારી પોતાની અંદર એક પ્રતિકાર ઊભો કરો છો.

આક્ષેપ તમારામાંથી કેટલાક નકારાત્મક કર્મો દૂર કરે છે. તમે બહારથી આરોપ સામે વિરોધ જાહેર કરતા હોવ, પરંતુ જો અંદરથી વિરોધ ના કરો તો તમને તરત હળવું લાગવા માંડે છે. ધીરજ અને શ્રધ્ધાથી ટીકાનો સામનો કરી શકાય છે.હંમેશા સત્યની જીત થાય છે એ વિશ્વાસ રાખો,પરિસ્થિતિ સુધરવા માંડશે. તમે ગમે તે કામ કરતા હશો, ભૂલ કાઢવાવાળુ કોઈ તો હશે. તમારો ઉત્સાહ અને મનોબળ ગુમાવ્યા વગર કામ કર્યા કરો. શાણો માણસ સ્વભાવગત રીતે સારું કામ કરવાનું ચાલુ રાખે છે. તેનું વલણ કોઈના વખાણ કે ટીકા પર આધારિત નથી હોતું.

તમારું મનોબળ વધારવા અને ટીકાની અસરથી મનને બચાવી રાખવા તમે કેવા લોકોના સંગતમાં હોવ છો તે તમારે જાણવું જોઈએ. સંગત તમને ઊંચે ઉઠાવી શકે છે અથવા નીચે પાડી શકે છે. જે સંગત તમને શંકા, આરોપ, ફરિયાદો, ગુસ્સા અને ઝંખના તરફ દોરી જતી હોય તે ખરાબ સંગત છે. જે સંગત તમને આનંદ, ઉત્સાહ, સેવા, પ્રેમ, વિશ્વાસ અને જ્ઞાન તરફ લઈ જતી હોય તે સારી છે.

અજ્ઞાની કહે છે,”મારા પર આક્ષેપ ના કરો કારણ કે તેનાથી મને દુખ થાય છે. “જ્ઞાની માણસ કહે છે,”મારા પર આક્ષેપ ના કરો કારણ કે તેનાથી તમને કદાચ નુકસાન થઈ શકે છે. આ એક સુંદર બાબત છે.કોઈ તમને ચેતવણી આપે કે તેમના પર આક્ષેપ ના કરો કારણ કે તેનાથી તેમને દુખ થાય છે અને બદલો લેવા તે તમને કોઈ હાનિ પહોંચાડી શકે છે. જ્યારે બીજી બાજુએ એક જ્ઞાની વ્યક્તિ કરુણાને લીધે જણાવે છે કે આક્ષેપ ના કરો.

માંગણીઓ અને આક્ષેપ સંબંધો નષ્ટ કરે છે. આથી, બીજાની પ્રશંસા કરવાનું તમને આવડવું જોઈએ અને આક્ષેપ કરવા અથવા ભૂલો શોધવા કરતાં પરિસ્થિતિ સુધારી લેવી જોઈએ. તમારામાં અન્યોને પ્રોત્સાહિત કરવાની કટીબધ્ધતા હોવી જોઈએ.તો તમે કોઈ પણ વ્યક્તિ માટે યોગ્ય બનો છો. જો તમે ઈરાદાપૂર્વક કોઈને દુખ નથી આપતા તો દરેક વ્યક્તિ તમને પ્રેમ કરશે.

તમે અહીં આક્ષેપ કે ટીકા કરવા નથી આવ્યા. ટીકા બે પ્રકારના માણસો તરફથી આવી શકે છે. જ્યારે લોકો સંકુચિત માનસના હોય છે ત્યારે તેઓ અજ્ઞાનતાને લીધે ટીકા કરે છે. અથવા તેઓ ખરેખર તમારામાં કંઈ સારું લાવવા માંગે છે. જો તમારામાં સુધારો કરવાના ઈરાદાથી ટીકા આવી રહી હોય તો તેમની કરુણા માટે તેમનો આભાર માનો. તેમની ટીકાથી તમને તમારી ભૂલનો ખ્યાલ આવે છે, એથી તમે પ્રગતિ કરી શકો છો. જો વ્યક્તિ તમને નીચા દેખાડવા માટે ટીકા કરતી હોય તો તેમના માટે કરુણા દાખવો અને તેમનું કહેલું હસી કાઢો. આ બન્ને કિસ્સામાં તમારે ટીકાની ચિંતા કરવાની જરૂર નથી.

કબીરજીએ કહ્યું છે,”નિંદક નીરે રકીયા આંગન કુટી શવા, બિન પાની સાબુન બિના નિર્મલ કરે સુહાય”, એટલે કે તમારી ટીકા કરતી હોય એવી વ્યક્તિને નજીક રાખો,તેનાથી તમારું મન સ્વચ્છ રહેશે- સાબુ અને પાણી વગર. જો તમારી આસપાસની દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરતી હોય તો તેઓ તમને તમારી મર્યાદાઓ નહીં બતાવી શકે. ટીકા કરનારા વિશ્વાસપાત્ર હોય છે કારણ કે તેઓ તેમના હ્રદયથી બોલે છે.

તમને રચનાત્મક ટીકા કરતા અને સ્વીકારતા આવડવું જોઈએ. એક શિક્ષિત વ્યક્તિ ટીકાથી દૂર નહીં ભાગે કે ટીકા કરનારથી છટકવાનું પણ નહીં કરે. તમે ટીકાને કેવી રીતે લો છો તે તમારી પુખ્તતાનું સ્તર દર્શાવે છે. ટીકા સાંભળી લેવાની ક્ષમતા વ્યક્તિની આંતરિક તાકાતનો માપદંડ છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

રાશિ ભવિષ્ય 31/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 31/01/2024

પાકિસ્તાનઃ ચૂંટણી રેલીમાં બોમ્બ બ્લાસ્ટ, 4ના મોત

પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મંગળવારના રોજ થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ત્રણ સભ્યો સહિત ચાર લોકો માર્યા ગયા હતા. ઈમરાન ખાનને 10 વર્ષની જેલની સજા ફટકાર્યાના કલાકો બાદ પાર્ટી દ્વારા આયોજિત રેલી દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. પીટીઆઈના બલૂચિસ્તાનના પ્રાંતીય મહાસચિવ સાલાર ખાન કાકરે પાર્ટી પર શેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું.

IMF એ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ બહાર પાડ્યો

વચગાળાના બજેટની રજૂઆત પહેલા, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે અનુમાન લગાવ્યું છે કે 2024માં ભારત 6.5 ટકાના દરે વૃદ્ધિ કરશે. IMFએ તેના અંદાજમાં 20 બેસિસ પોઈન્ટનો સુધારો કર્યો છે. 2025માં પણ IMFએ અનુમાન લગાવ્યું છે કે ભારતનો GDP 6.5 ટકા રહી શકે છે. જો કે, આ 2023ના 6.7 ટકાના અંદાજ કરતાં ઓછું છે. જ્યારે ભારત સરકારનો પોતાનો અંદાજ છે કે 2023-24માં જીડીપી 7.3 ટકા રહી શકે છે.

 

30 જાન્યુઆરી, 2024 ના રોજ, IMF એ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ બહાર પાડ્યો છે. રિપોર્ટ અનુસાર, 2024 અને 2025માં મજબૂત સ્થાનિક માંગને કારણે ભારત બંને વર્ષોમાં 6.5 ટકાના દરે વૃદ્ધિ કરશે. IMFએ તેના અંદાજમાં 0.20 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. સોમવાર, 29 જાન્યુઆરી, 2024 ના રોજ, નાણા મંત્રાલયે ભારતીય અર્થવ્યવસ્થા પર એક અહેવાલ બહાર પાડ્યો અને કહ્યું કે 2023-24 સતત ત્રીજું વર્ષ છે જ્યારે ભારતનો આર્થિક વિકાસ દર 7 ટકાથી વધુ રહ્યો છે, જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ વૃદ્ધિની જરૂર છે. 3 ટકા. માટે સંઘર્ષ કરવો પડશે.

નાણાં મંત્રાલયે પોસ્ટ શેર કરી છે

જ્યારે IMFએ ભારતના GDP અનુમાનમાં વધારો કર્યો, ત્યારે નાણા મંત્રાલયે પણ તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. નાણા મંત્રાલયે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે વિશ્વના મોટા દેશોમાં ભારત સૌથી ઝડપથી વિકસતો આર્થિક દેશ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે તેના અનુમાનમાં કહ્યું છે કે 2024માં એશિયન દેશોની જીડીપી 5.2 ટકા રહેવાનો અંદાજ છે, જે 2023ની સરખામણીમાં ઓછો છે. 2023માં જીડીપી 5.4 ટકા હતો. જ્યારે વૈશ્વિક જીડીપી 2024માં 3.1 ટકા રહેવાનો અંદાજ છે. પરંતુ 2025 માં તે 3.2 ટકા પર થોડો સારો હોઈ શકે છે.

યુગસર્જક લેખક વજુભાઈ કોટકને જન્મતિથિએ સ્મરણાંજલિ

ગુજરાતી ભાષાના દિગ્ગજ લેખક, પત્રકાર અને ગુજરાતી સમાજને ‘ચિત્રલેખા’ સાપ્તાહિકની અમૂલ્ય ભેટ આપનાર ‘ચિત્રલેખા’ સાપ્તાહિકના સ્થાપક તંત્રી વજુભાઈ કોટકની આજે ૧૦૯મી જન્મતિથિ છે. વજુભાઈનાં વિવિધ સાહિત્ય સર્જનોએ અનેક દાયકાઓ પૂર્વે ચિત્રલેખાના વાચકોને તો ભારે ઘેલું લગાડ્યું હતું, પણ આજની પેઢીનાં ગુજરાતીપ્રેમીઓમાં પણ ચાહના ધરાવે છે.

વજુ લખમશી કોટકનો જન્મ ૩૦ જાન્યુઆરી, ૧૯૧૫માં રાજકોટમાં થયો હતો. એમણે 1947થી 1959ના ગાળા વચ્ચે લખેલાં અને ‘ચિત્રલેખા’ના વાચકોમાં અતિ લોકપ્રિયતા હાંસલ કરનાર ચિંતનાત્મક સંગ્રહ ‘પ્રભાતનાં પુષ્પો’ની ઓડિયો આવૃત્તિનું ગયા વર્ષે મુંબઈમાં એક ખાસ સમારોહમાં વિમોચન કરવામાં આવ્યું હતું જેથી વજુભાઈ લિખિત રત્નકણિકાઓનો લાભ નવી પેઢીનાં લોકોને ડિજિટલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થઈ શકે.

વજુભાઈએ લખેલા પ્રભાતનાં પુષ્પોના ઓડિયો સંસ્કરણમાં સ્વર સુપ્રસિદ્ધ ઉદ્દઘોષક હરીશ ભીમાણીએ આપ્યો છે જ્યારે સંગીત છે દીપક શાહનું.

‘પ્રભાતનાં પુષ્પો’ની ઓડિયો આવૃત્તિના ઉદઘાટન પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમનો આનંદ વ્યક્ત કર્યો હતો અને પત્ર લખીને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. એમણે લખ્યું હતું કે, ‘તંત્રી, પત્રકાર અને નવલકથાકાર, પટકથા-સંવાદલેખક જેવી વિવિધ ભૂમિકાઓ દ્વારા વજુભાઈનું ગુજરાતી પત્રકારત્વમાં માતબર પ્રદાન રહ્યું છે. તેમનાં વિચારપુષ્પો પેઢી-દર પેઢી વાચકોમાં અત્યંત લોકપ્રિય અને સમયની સાથે તરોતાજા રહ્યા છે. આજે વજુભાઈના શબ્દોને વાણીસ્વરૂપ મળે છે તે ગુજરાતી પત્રકારત્વની ગૌરવપૂર્ણ ઘટના છે.’

વજુભાઈની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ‘ચિત્રલેખા’ પરિવાર તરફથી એમને આદરાંજલિ. એમને સ્મૃતિવંદના રૂપે અહીં પ્રસ્તુત છે ‘પ્રભાતનાં પુષ્પો’ અને ‘ઝાકળબિંદુ’માંથી ખાસ ચૂંટેલી કૃતિઓ.

લાકડવાયા લેખકનાં લોકપ્રિય ‘પ્રભાતનાં પુષ્પો’:

‘અમે માટીમાંથી આવ્યા હતા અને માટીમાં મળી ગયા છીએ, એ તમે જાણો છો તો પછી શા માટે તમારી સમક્ષ જે માટી પડી છે એમાં તમે અમારું દર્શન નથી કરતાં? ફરી એ જ માટીમાંથી પ્રભાતનાં પુષ્પો સ્વરૂપે હું તમારી સમક્ષ રજૂ થયો છું. કહી દઉં છું, કે મારા રૂપ, રંગ કે આકાર સાથે માયા ન બાંધતા, પણ જે સુવાસ લઈને હું આવ્યો છું એ જો અંતરમાં સંઘરશો તો પછી તમને ચારેબાજુ આ સૃષ્ટિ પુષ્પોથી ભરેલી જ દેખાશે.’

*******

વજુભાઈ રચિત ઝાકળબિંદુઃ

કિંજલ દવેની ચાર ચાર બંગડી ગીત મામલે થઈ જીત, કેસ રદ્દ

ગુજરાતની લોકગાયિકા કિંજલ દવેની ચાર ચાર બંગડી ગીત મુદ્દે મોટી જીત થઈ છે. સિવિલ કોર્ટમાં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ આ ગીત પર કૉપીરાઇટ ક્લેમ સાબિત નહીં કરી શકતાં કોર્ટે કિંજલ દવે સામે કરવામાં આવેલ કેસને રદ્દ કરી દીધો છે. ગીત પર લગાવવામાં આવેલ તમામ પ્રકારના પ્રતિબંધ કોર્ટે હટાવી દીધા છે હવે કિંજલ દવે આ ગીતને ગાઈ શકે છે.

2016માં અપલોડ કરાયું હતું ગીત

લોકગાયિકા કિંજલ દવેએ ગાયેલું “ચાર ચાર બંગડી વાળી ગાડી” ગીત 20 ડિસેમ્બર 2016ના રોજ RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયું હતું. જે ખૂબ જ લોકપ્રિય બની ગયું હતું. ત્યાર બાદ વર્ષ 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. તેઓએ કાઠિયાવાડી કિંગ્સ નામની યુટ્યુબ ચેનલ પર 29 સપ્ટેમ્બર 2016ના રોજ આ ગીતને અપલોડ કર્યું હતું. કાર્તિક પટેલનું ગીતના કિંજલ દવેએ પોતાના શબ્દોમાં ગાયું હતું. કાર્તિક પટેલે આ મામલે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

કોપી રાઈટ સાબિત નહીં થતાં કોર્ટે કેસ રદ કરી નાંખ્યો

કોર્ટે કિંજલ દવેને આ ગીત જાહેર કાર્યક્રમમાં ન ગાવાની સૂચના આપી હતી. કોર્ટના આ આદેશ સામે કિંજલ દવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. વર્ષ 2019માં ગુજરાત હાઈકોર્ટે કિંજલ દવેને આ ગીત જાહેર કાર્યક્રમમાં ગાવાની છૂટ આપી હતી. ગીત કોપીરાઈટ કેસમાં સપડાતા કિંજલ દવેએ કોર્ટમાં આ મામલે માફી માંગી હતી. જોકે, કોર્ટે તેમની માફી સ્વીકારી ન હતી. કોર્ટે કહ્યું હતું કે, કિંજલ દવેએ હજારો લોકો સામે આ ગીત ગાયું છે અને પૈસાની કમાણી કરી છે માટે માફી યોગ્ય નથી. કોર્ટે આકરું વલણ અપનાવતા કિંજલ દવેને 7 દિવસની અંદર 1 લાખ રૂપિયા અરજદારને ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ હવે સિવિલ કોર્ટમાં કોપી રાઈટ સાબિત નહીં થતાં કોર્ટે કેસ રદ કરી નાંખ્યો છે.

SPએ જાહેર કરેલા 16 ઉમેદવારોમાંથી યાદવ પરિવારના ત્રણ સભ્યો

લખનૌઃ સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં 16 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. આ યાદીમાં યાદવ પરિવારના ત્રણ સભ્યો સામેલ છે. SPએ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવને મૈનપુરીથી મેદાનમાં ઉતાર્યા છે. ધર્મેન્દ્ર યાદવને બદાયું અને અક્ષય યાદવને ફિરોઝાબાદથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.  આ સિવાય પાર્ટીએ સંભલથી શફીકર રહેમાન બર્કને ટિકિટ આપી છે.

ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનમાં ત્રણ પક્ષો સામેલ છે.  અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને 11 સીટોની ઓફર કરી હતી. હાલમાં જ યુપીમાં ઈન્ડિયા બ્લોક હેઠળ SP અને RLDનું ગઠબંધન થયું હતું, જે અંતર્ગત SP પ્રમુખે RLDને સાત સીટો આપવાની જાહેરાત કરી હતી. જોકે  કોંગ્રેસે આ બેઠક વહેંચણી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી યુપીમાં ગઠબંધનને લઈને સસ્પેન્સ હતું. દરમિયાન, હવે અખિલેશ યાદવે 16 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

દેશના તમામ રાજકીય પક્ષો માટે ઉત્તર પ્રદેશ સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્ય છે. અહીંથી લોકસભાની મહત્તમ 80 બેઠકો આવે છે. તેથી જ રાજકારણમાં કહેવત છે કે દિલ્હીની યાત્રા યુપીથી જ શરૂ થાય છે.