Home Blog Page 2111

આતંકવાદી સંગઠન SIMI પર સરકારે 5 વર્ષ માટે પ્રતિબંધ લંબાવ્યો

કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશમાં સતત આતંકવાદને પ્રોત્સાહન આપવા અને શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના આરોપસર આતંકવાદી જૂથ સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઑફ ઈન્ડિયા (SIMI) પરનો પ્રતિબંધ વધુ 5 વર્ષ માટે લંબાવ્યો છે. કેન્દ્રની અટલ બિહારી વાજપેયી સરકારે 2001થી સિમી પર પ્રતિબંધ મૂક્યો હતો અને ત્યારથી દર વખતે પ્રતિબંધ લંબાવવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે સોશિયલ મીડિયા ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને મજબૂત બનાવતા, SIMI પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી 5 વર્ષ માટે ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કર્યું.

વાજપેયી સરકારે પ્રતિબંધ લગાવ્યો હતો

2001માં વાજપેયી સરકાર દ્વારા SIMI પર પહેલીવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી આ પ્રતિબંધ દર 5 વર્ષે લંબાવવામાં આવે છે. SIMI પર છેલ્લો પ્રતિબંધ 31 જાન્યુઆરી, 2019 ના રોજ લાદવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં મૂકવા માટે આતંકવાદને પ્રોત્સાહન આપવા, શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં SIMI સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

 

થોળ અભ્યારણ્યમાં પક્ષીઓની ગણતરી કરવામાં આવી

અમદાવાદ : ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલાં થોળ ગામ પાસે આવેલા તળાવ અને એના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યો છે. આ વિશાળ માનવ સર્જિત કૃત્રિમ તળાવમાં શિયાળાની ઋતુમાં દેશ અને વિદેશનાં અનેક પક્ષીઓ આવે છે. જેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે. તારીખ 27 અને 28 જાન્યુઆરી દરમિયાન થોળ તળાવના અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશ બંધી હતી. સમગ્ર પક્ષી અભયારણ્યમાં પ્રવેશબંધી કર્યા પછી પક્ષીઓની વિવિધ જાતિઓની ગણતરી કરવામાં આવી હતી.

અભયારણ્યમાં 50000 પક્ષીઓ છે

થોળ રેન્જ પર ફરજ બજાતા અધિકારી એસ.કે. પટેલ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે અભ્યારણ્યમાં પક્ષી ગણતરી કરતી વખતે આઠ ઝોન પાડવામાં આવ્યા હતા. જેમાં એકદમ નિષ્ણાત પક્ષીવિદોએ ભાગ લીધો હતો. 69 જેટલા પક્ષીવિદોએ જુદી જુદી પધ્ધતિ દ્વારા અંદાજે 50000 પક્ષીઓ હોવાનું તારણ કાઢ્યુ હતું. હજુ પણ ઝોન પ્રમાણે ડેટા ભેગો કરી કેટલા, કેવા અને ક્યા પક્ષીઓ છે તેના વિશે તારણો કાઢવામાં આવશે.

આ તળાવ 1912માં બનાવવામાં આવ્યું હતું

સૌથી મહત્ત્વની વાત એ છે કે કલોલ અને અમદાવાદ શહેર નજીક આવેલું થોળ ગામ પાસેનું આ કૃત્રિમ તળાવ છે. જેને સિંચાઇ માટે 1912માં બનાવવામાં આવ્યું હતું. આ મીઠા પાણીનું વિશાળ તળાવ છે. ઈ.સ. 1988માં તેને થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 150 જાતિઓના પક્ષીઓ રહે છે. જેમાં 60 ટકા પાણીના પક્ષીઓ છે. ઘણાં સ્થળાંતર કરતા પક્ષીઓ અહીં આવીને માળો બનાવીને ઇંડા પણ મુકે છે. આ વિસ્તારમાં સુરખાબ અને સારસ પક્ષીઓમાં મુખ્ય અને મહત્વના છે. આ વિસ્તારના પર્યાવરણને 1986ના કાયદા મુજબ આરક્ષિત ઘોષિત કરવામાં આવ્યો છે.

પ્રકૃતિ અને પક્ષી પ્રેમીઓ માટે નળ સરોવર અને થોળ તળાવ જોવા લાયક છે

આ તળાવનું બાંધકામ 1912માં ગાયકવાડ શાસન વડે સિંચાઇ માટેનું પાણી પુરું પાડવા માટે થયું હતું. હાલમાં તળાવની દેખરેખનું કામ ગુજરાત સરકારના વન અને સિંચાઇ એમ બંને વિભાગો હેઠળ થાય છે. તળાવની સંગ્રહ ક્ષમતા 840 લાખ ક્યુબિક મીટર ‍‍છે તથા તેના પાણીનો વિસ્તાર 699 હેક્ટર (1730 એકર) છે. તળાવના કાંઠાનો વિસ્તાર 5.62 કિમી છે. જેમાં પાણી છીછરું છે. અમદાવાદ શહેરના પ્રકૃતિ અને પક્ષી પ્રેમીઓ માટે નળ સરોવર અને થોળ તળાવ એકદમ નજીકના સ્થળો છે. જેમાં વિવિધ જાતિના નાના મોટા પક્ષીઓ તેમજ નીલ ગાય- રોઝડાં, શીયાળ, કાળિયાર જેવાં અનેક પ્રાણીઓ જોવા મળે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

જો CAA-UCC લાગુ કરવામાં આવે તો શું ફેરફાર થશે ?

દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ અને નાગરિકતા સંશોધન અધિનિયમના અમલીકરણ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં ટૂંક સમયમાં UCC લાગુ કરવામાં આવશે. ડ્રાફ્ટ તૈયાર છે. 2 ફેબ્રુઆરીએ રજૂ કરી શકાશે. તે જ સમયે, બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે દાવો કર્યો છે કે આગામી એક સપ્તાહમાં બંગાળ સહિત દેશભરમાં CAA લાગુ કરવામાં આવશે. આ સાથે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. જાણો, શું છે UCC અને CAA, શા માટે તે લાંબા સમયથી ચર્ચામાં હતું, તેને અત્યાર સુધી કેમ લાગુ કરવામાં આવ્યું નથી અને જો તેને લાગુ કરવામાં આવશે તો કેટલો બદલાવ આવશે.

UCC-CAA શું છે અને જ્યારે તે દેશમાં લાગુ થશે ત્યારે તેમાં કેટલો ફેરફાર થશે?

UCC એટલે યુનિફોર્મ સિવિલ કોડ. સરળ ભાષામાં સમજીએ તો ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે એક જ કાયદો હશે. પછી તે હિંદુ હોય કે મુસ્લિમ. મતલબ કે ધર્મ ભલે અલગ-અલગ હોય, પણ તેના પર એક જ કાયદો લાગુ પડશે. આમાં ઘણો બદલાવ આવશે. એકવાર UCC લાગુ થઈ જાય, લગ્ન, બાળક દત્તક લેવા, છૂટાછેડા અને વારસાને લગતા કાયદા બધા ધર્મો માટે સમાન બની જશે.

ભારત વિશ્વનો પહેલો દેશ નથી જ્યાં તેને લાગુ કરવાની તૈયારીઓ થઈ રહી છે. આ પહેલા અમેરિકા, ઈન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઈજીપ્ત, મલેશિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત ઘણા એવા દેશ છે જ્યાં તેને લાગુ કરવામાં આવ્યો છે. આ દેશોમાં, કોઈ પણ ધર્મ હોય, દરેકને સમાન કાયદાનું પાલન કરવું પડે છે.

હવે ચાલો CAA ને પણ સમજીએ. CAA નાગરિકતા સંબંધિત કાયદો છે. તેના અમલીકરણ પછી, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી જે લોકો ડિસેમ્બર 2014 પહેલા કોઈને કોઈ દમન અથવા અન્ય કારણે ભારત આવ્યા હતા, તેમને સીધી નાગરિકતા મળશે. તેમાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી જેવા બિન-મુસ્લિમ લઘુમતીનો સમાવેશ થાય છે. આ રીતે, તેના અમલીકરણ સાથે, આવા લઘુમતીઓને વિવિધ રાજ્યોમાં નાગરિકતા મળશે.

તેને 2016માં પહેલીવાર લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. અહીંથી પાસ થયા બાદ તેને રાજ્યસભામાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે અહીં જ અટકી ગયો હતો. અટવાયા બાદ તેને સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યો હતો. 2019માં ચૂંટણી થઈ અને ફરી મોદી સરકાર બની. સરકાર બનતાની સાથે જ તેને ફરીથી લોકસભામાં પસાર કરવામાં આવી. ત્યારબાદ રાજ્યસભામાં પણ તેને મંજૂરી આપવામાં આવી હતી. બંને સ્થાનો પસાર કર્યા પછી, 10 જાન્યુઆરી 2020 ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી. જોકે તેનો અમલ થઈ શક્યો નથી.

CAA અને UCC કેમ લાગુ ન થઈ શક્યા?

CAA એટલે કે નાગરિકતા સંશોધન અધિનિયમ અને UCCના અમલીકરણને લઈને દેશના ઘણા રાજ્યોમાં હોબાળો થયો હતો. વિરોધ બાદ તેનો અમલ થઈ શક્યો નથી. જો કે આ અંગે સરકારે પોતાની દલીલો આપી હતી. કેન્દ્ર સરકારે કહ્યું કે જ્યાં સુધી દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નહીં થાય ત્યાં સુધી લિંગ સમાનતા લાગુ કરી શકાય નહીં. તે જ સમયે, લોકોએ કહ્યું કે આનાથી સમાનતા ન આવી શકે.

નિષ્ણાતોએ કહ્યું કે UCC સંબંધિત કેટલાક મૂળભૂત પ્રશ્નોના જવાબો મળ્યા નથી. જેમ કે- લગ્ન અને છૂટાછેડાના કિસ્સામાં કયો નિયમ લાગુ પડશે? જો કોઈ બાળકને દત્તક લે તો શું થાય? જો છૂટાછેડા હોય, તો ગુજારાત અને મિલકતના વિભાજનનો અધિકાર કોને મળશે? આ અંગે કોઈ જવાબો મળ્યા નથી. યુસીસીનો સૌથી વધુ વિરોધ ઉત્તર-પૂર્વમાં થયો હતો. વિરોધનું કારણ અહીંના ઉદાહરણથી સમજીએ. ભારતમાં ઉત્તર પૂર્વના સાત રાજ્યોને સેવન સિસ્ટર્સ કહેવામાં આવે છે. આ સાત રાજ્યોમાં 238 વંશીય જૂથો છે, જેની પોતાની અલગ પરંપરાઓ છે. તેમની ઓળખ અલગ છે. તેમની જીવનશૈલી અલગ છે. આ જૂથ ઉત્તર-પૂર્વને તેમની જમીન કહે છે. તેઓ નથી ઈચ્છતા કે પડોશી દેશોમાંથી આવતા લોકોને નાગરિકતા મળે. તેઓ માને છે કે જો આમ થશે તો તેમના અધિકારો વહેંચાઈ જશે. તેમના રાજ્યના સંસાધનો પર તેમનો અધિકાર છે. ઉત્તર-પૂર્વના રહેવાસીઓને લાગે છે કે જો આવું થશે તો તેઓ પાછળ રહી જશે.

ચાંગોદર-બાવળા હાઇવે પર આઇશરમાં બ્લાસ્ટઃ બે મજૂરોનાં મોત

અમદાવાદઃ અમદાવાદના ચાંગોદર અને બાવળા હાઇવે પર એક ઓક્સિજન સિલિન્ડર ભરેલી આઇશરમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં બે મજૂરોનાં મોત થયા છે, જ્યારે એક રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો છે. અમદાવાદ-બાવળા હાઈ-વે પર, ચાંગોદર-સારી પાટિયા નજીક ભયંકર અકસ્માતની ઘટના સર્જાયો છે.ચાંગોદર-બાવળા હાઇવે પર સોમવારે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો છે, અહીં હાઇવે પર એક ઓક્સિજન સિલિન્ડર ભરેલી આઇશરમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં બે મજૂરોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતા, જ્યારે આ બ્લાસ્ટ દરમિયાન રસ્તા પર ચાલતી એક મહિલાને પણ ગંભીર રીતે ઇજા પહોંચી હતી. હાલમાં આ ઘાયલ રાહદારી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ચાંગોદર-બાવળા હાઇવે પર આઇશરમાં બ્લાસ્ટ થવાને કારણે આખો હાઇવે રોડ બ્લૉક થઇ થયો હતો અને ઠેર-ઠેર વાહનોના ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયાં હતાં. ખાસ વાત છે કે  અકસ્માત થયેલી આઇશરમાં ઓક્સિજન સિલિન્ડર વટવાની એવરેસ્ટ ગેસ કંપનીનાં હતા, જેને બાવળાની કંપનીમાં લઈ જવામાં આવી રહ્યાં હતાં.

 

 

 

 

મોદી ફરીથી સત્તામાં આવ્યા તો ચૂંટણી નહીં થાયઃ ખડગે

ભુવનેશ્વરઃ AICC ચેરમેન મલ્લિકાર્જુન ખડગે ઓડિશાની મુલાકાતે છે. કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઓડિશા બચાવો સમાવેશને સંબોધિત કર્યું હતું. તેમણે એ દરમ્યાન ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે આ વખતે તમારી પાસે મતદાન કરવાની છેલ્લી તક છે. વર્ષ 2024 પછી દેશમાં કોઈ ચૂંટણી નહીં થાય. ત્યાર બાદ અહીં રશિયાના રાષ્ટ્રપતિની જેમ ચૂંટણી થશે.

તેમણે કહ્યું હતું કે મોદીથી મિત્રતાથી નવીન પટનાયકને શું મળ્યું? ડબલ એન્જિન કેટલીય વાર ફેલ થઈ જાય છે. જ્યારે ડબલ એન્જિન ઠીકથી કામ નથી કરતાં તો પહેલું એન્જિન ફેલ રહે છે. રાહુલ ગાંધી દેશને એકજુટ કરવા ઇચ્છે છે. તેમણે મોહબ્બતની દુકાન ખોલી છે, પરંતુ ભાજપ અને RSSએ નફરતની દુકાન ખોલી છે. એ કારણે તમારે અલર્ટ રહેવાની જરૂર છે.https://twitter.com/kharge/status/1751921500771291263

ભાજપ અને RSS ઝેર છે. તેમણે આપણને આપણા અધિકારોથી વંચિત કરી દીધા છે. જો લોકસભા ચૂંટણી પછી મોદી સત્તામાં આવ્યા તો તાનાશાહી થશે, કોઈ લોકતંત્ર નહીં રહે અને કોઈ ચૂંટણી નહીં થાય. નીતીશકુમાર વિશે તેમણે કહ્યું હતું કે એક વ્યક્તિને છોડવાથી મહાગઠબંધન નબળું નહીં પડે, આપણે ભાજપને હરાવવાનો છે, એમ તેમણે કહ્યું હતું.

ખડગેની મુલાકાત પહેલાં ઓડિશા રાજ્ય કોંગ્રેસના પ્રમુખ સરત પટનાયકે દાવો કર્યો હતો કે રાજ્યમાં રાજકીય પરિસ્થિતિ કોંગ્રેસ માટે અનુકૂળ છે, કારણ કે સત્તાધારી બીજેડી અને વિપક્ષ ભાજપ બંને સાથે કામ કરી રહ્યા છે. બીજેડી અને બીજેપી બંને એકબીજા સાથે હાથ જોડીને હોવાથી, કોંગ્રેસ અહીં એકમાત્ર વિરોધ પક્ષ છે, એમ તેમણે દાવો કર્યો. તેમણે કહ્યું હતું કેખડગેજી બીજેડી અને બીજેપી બંનેને કેવી રીતે હરાવી શકાય અને ઓડિશાના રાજકીય લેન્ડસ્કેપને કેવી રીતે બદલવું તે દર્શાવવા માટે આવી રહ્યા છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સુરત મહાપાલિકાનું રૂ. 8718 કરોડનું ડ્રાફ્ટ બજેટ

દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 સિટી બન્યા બાદ વર્ષ 2024-25 માટે સુરત મહાનગર પાલિકાનું (SMC)નું 8718 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે સુરત મહાપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું.

પહેલીવાર 8 હજાર કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે. જે અત્યાર સુધીનું સૌથી મોટા કદનું બજેટ છે. ચાલુ વર્ષમાં રૂપિયા 4 હજાર કરોડથી વધુની રકમની જોગવાઈ કરવામાં આવી છે. શહેરના વિકાસ કાર્યો માટે રૂપિયા 4121 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આટલી મોટી રકમ પણ પ્રથમવાર છે.

પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યુ કે, આ વર્ષે પહેલી વખત સુરત મહાનગર પાલિકાની રેવન્યું આવક 5000 કરોડને પાર કરશે. અંદાજ અનુસાર રેવન્યુ આવક 5025 કરોડ થશે જ્યારે રેવન્યુ ખર્ચ 4597 કરોડ પર પહોંચશે. વેરામાં કોઈ પ્રકારનો વધારો જાહેર કરવામાં આવ્યો નથી.

વડોદરા બોટ દુર્ઘટનામાં વધુ ચાર આરોપી ઝડપાયા, હજુ 6 ફરાર

વડોદરા શહેરમાં હરણી બોટ દુર્ઘટનામાં વધુ 4 આરોપીઓ ઝડપાયા છે. વડોદરા પોલીસે પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈન, જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરી છે. નિલેશ જૈન લેક ઝોનનું સંચાલન કરતો હતો અને રોજે રોજ કર્મચારીઓ પાસેથી હિસાબ લેતો હતો. પોલીસે અત્યાર સુધીમાં કુલ 13 આરોપીની ધરપકડ કરી છે અને હજુ 6 આરોપીઓ ફરાર છે.

 

9 આરોપી હાલ રિમાન્ડ પર

પ્રાપ્ત માહિતી મુજબ 10 મહિના પહેલા જ નિલેશ જૈનને હરણી લેક ઝોનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જ્યારે બાકીના 3 આરોપી જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશી પણ કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર હતા.વડોદરા શહેરના હરણી લેક બોટ દુર્ઘટનામાં પકડાયેલા 9 આરોપી હાલ રિમાન્ડ પર છે. પોલીસ તમામ આરોપીઓની આકરી પૂછરપછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન આરોપી ગોપાલદાસ શાહ, બિનિત કોટીયા, ભીમસિંગ યાદવ, વેદપ્રકાશ યાદવ અને રશ્મિકાંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, લેકઝોનનું સંચાલન મુખ્ય આરોપી પરેશ શાહ અને તેનો દીકરો વત્સલ શાહ કરે છે.

 

15 રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાશે

દેશમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ચૂંટણી પંચે આજે 15 રાજ્યોની રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. આગામી 27 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સહિત 15 રાજ્યોની 56 બેઠકો માટે ચૂંટણી યોજાશે. નોમિનેશનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. નામાંકન પરત ખેંચવાની તારીખ 20મી ફેબ્રુઆરી સુધી છે. મતદાન પ્રક્રિયા 27 ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે, જ્યારે મત ગણતરી 27 ફેબ્રુઆરી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

ગુજરાત ભાજપના બે કેન્દ્રીય મંત્રીઓ પણ થશે નિવૃત્ત

આ વખતે ભાજપના રાજયસભાના સભ્‍ય બે કેન્‍દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા તથા કોંગ્રેસના બે સભ્‍યો અમીબેન યાજ્ઞીક અને નારણભાઇ રાઠવાની મુદત પૂરી થઇ રહી છે. રૂપાલાની રાજયસભામાં ત્રીજી અને માંડવિયાની બીજી ટર્મ છે. ભાજપ બન્‍ને મંત્રીઓને લોકસભાની ચૂંટણી લડાવે તેવી શકયતા સેવાઇ રહી છે. તો બીજી બાજુ એમ પણ ચર્ચા થઈ રહી છે કે વિધાનસભામાં ભાજપની 156 બેઠકો હોવાથી રાજ્યસભાની ચાર બેઠકો ભાજપના ફાળે જશે.

કયા પંદર રાજ્યોમાં ચૂંટણી યોજાશે?

(1) આંધ્રપ્રદેશ, (2) બિહાર, 3) છત્તીસગઢ, (4) ગુજરાત, (5) હરિયાણા, (6) હિમાચલ પ્રદેશ, (7) કર્ણાટક, (8) મધ્ય પ્રદેશ, (9) મહારાષ્ટ્ર, (10) તેલંગાણા, (11) ઉત્તર પ્રદેશ, (12) ઉત્તરાખંડ, (13) પશ્ચિમ બંગાળ, (14) ઓડિશા, (15) રાજસ્થાન.

કયા રાજ્યમાં કેટલી બેઠક પર ચૂંટણી યોજાશે?

સૌથી વધારે ઉત્તર પ્રદેશની 10 બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. આ સિવાય મહારાષ્ટ્રમાં 06 અને બિહારમાં 06 બેઠક, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં 05 બેઠક, ગુજરાત અને કર્ણાટકમાં 04 બેઠક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા અને રાજસ્થાનમાં 03-03 બેઠક, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં 01-01 બેઠક પર ચૂંટણી યોજાશે.

બિહાર યુપી પર બીજેપીની વિશેષ નજર

બિહારમાં રાજ્યસભાની 6 બેઠકો પર ચૂંટણી થવાની છે. જ્યારે યુપીમાં 10 બેઠકો છે. આવી સ્થિતિમાં ભાજપ માટે આ અત્યંત મહત્વપૂર્ણ રાજ્યો છે. આ બે રાજ્યો સિવાય બીજેપી શાસિત ઘણા રાજ્યોમાં પણ ચૂંટણી યોજાવાની છે.

પ્રી-બજેટ રેલીઃ સેન્સેક્સ 1241, નિફ્ટી 385 પોઇન્ટ ઊછળ્યા

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે શેરબજારોએ ફેબ્રુઆરી સિરીઝનો તેજી સાથે પ્રારંભ થયો છે. રિલાયન્સની આગેવાની હેવીવેઇટ શેરો અને HDFC બેન્કની આગેવાનીમાં બેન્કિંગ શેરોમાં લાલચોળ તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી 50 ઇન્ડેક્સ દોઢ ટકાથી વધુ ઊછળ્યા હતા. જેથી સેન્સેક્સ 72,000ને પાર  અને નિફ્ટી 21,750ને પાર પહોંચ્યા હતા. BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આશરે રૂ. છ લાખ કરોડનો વધારો થયો હતો.

વૈશ્વિક માર્કેટમાં થયેલી તેજી અને એશિયન માર્કેટો પણ સેન્ટિમેન્ટ તેજીતરફી હોવાને કારણે સ્થાનિક શેરબજારોમાં પણ આગઝરતી તેજી થઈ હતી. આ સાથે નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા પહેલી ફેબ્રુઆરીએ મોદી સરકારનું અંતિમ બજેટ રજૂ થશે, જે કારણે પણ શેરોમાં બજેટ રેલી થઈ હતી. આ ઉપરાંત મોદી સરકારનું આ વખતનુ બજેટ પ્રમાણમાં હળવું રહેવાના સંકેત છે, કેમ કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલું બજેટ હશે. આમ બજારનું સેન્ટિમેન્ટ તેજીતરફી થયું છે.

BSE સેન્સેક્સ 1240.90 પોઇન્ટ ઊછળી 71,941.57ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 385 પોઇન્ટ ઊછળીને 21,737.60ના મથાળે બંધ રહ્યો હતો. એકમાત્ર FMCG ઇન્ડેક્સ સિવાય બધા સેક્ટોરિયલ ઇન્ડાયસિસ તેજીમાં હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ લાવ-લાવ રહ્યું હતું. રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. છ લાખ કરોડનો વધારો થયો હતો.

BSE પર 4061 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2268 શેરોમાં તેજી રહી હતી. 1652 શેરોમાં ઘટાડો થયો હતો. જ્યારે 473 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 26 શેરો નીચલા સ્તરે પહોંચ્યા હતા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું મોટું ઓપરેશન

ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ INS સુમિત્રા હાલમાં અરબી સમુદ્રમાં સોમાલી ચાંચિયાઓને ભગાડી રહ્યું છે. ચાંચિયાઓએ ઈરાનના માછીમારી જહાજ એમવી ઈમાનને હાઈજેક કરી લીધું હતું. INS સુમિત્રાનું આ ઓપરેશન કોચીથી 700 નોટિકલ માઈલ એટલે કે 1296.4 કિમી દૂર ચાલી રહ્યું છે. ઈરાનના જહાજમાં 17 ક્રૂ મેમ્બર છે. આ ખુલાસો ભારતીય સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ કર્યો છે.

ભારતીય નૌકાદળના પ્રવક્તાએ કહ્યું કે, દેશના પૂર્વી કિનારે એટલે કે અરબી સમુદ્રની નજીક એડનની ખાડીમાં તૈનાત INS સુમિત્રાએ તરત જ જવાબ આપ્યો છે. તરત જ ઈરાની માછીમારી જહાજ ઈમાને ખતરાની ચેતવણી સંભળાવી. એક તકલીફનો ફોન આવ્યો, સુમિત્રાએ ઝડપથી તેની તરફ તેની ઝડપ વધારી. ઈમાનને સોમાલીયન ચાંચિયાઓએ પકડી લીધો હતો. ક્રૂ મેમ્બર્સને બાનમાં લેવામાં આવ્યા હતા.

આઈએનએસ સુમિત્રાએ એમવી ઈમાનને અટકાવી હતી. તમામ SOP પૂર્ણ કર્યા બાદ બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત માછીમારીના જહાજ એમવી ઈમાનને પણ લૂંટારુઓ પાસેથી મુક્ત કરાવાઈ હતી. ભારતીય યુદ્ધ જહાજને જોતા જ ચાંચિયાઓ ભાગી ગયા હતા. આ પછી, સમગ્ર જહાજની તપાસ કર્યા પછી, મરીનએ એમવી ઈમાનને તેની મુસાફરી પર આગળ વધવાની મંજૂરી આપી. INS સુમિત્રા એ ભારતીય નૌકાદળના સરયુ વર્ગના પેટ્રોલિંગ જહાજનું યુદ્ધ જહાજ છે. જેનું નિર્માણ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભારતના રાષ્ટ્રપતિની પ્રેસિડેન્શિયલ યાટ પણ છે. આ 2200 ટનનું યુદ્ધ જહાજ 2014થી ભારતીય નૌકાદળની સેવા આપી રહ્યું છે.