Home Blog Page 2120

હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ઝડપાયો

હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં આવ્યો છે. જેમાં 10 આરોપીઓ હજુ ફરાર છે. ત્યારે હરણી લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહ ઝડપાયો છે. મોડી રાત્રે હાલોલ તરફથી આવતા પરેશ શાહ ઝડપાઇ ગયો છે. જેમાં 18 સામે ફરિયાદ બાદ પરેશ શાહનું નામ ઉમેરાયું હતું. વડોદરા પોલીસે તેને હાલોલ-વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો છે. વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો અને ઝડપી લીધો તેવો પોલીસે દાવો કર્યો છે. બીજી તરફ વડોદરાના એક સંતની મધ્યસ્થીથી પરેશ શાહ હાજર થયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. પરેશ શાહ ગઈકાલે ઝડપાયેલા આરોપી ગોપાલ શાહનો સાઢુભાઈ થાય છે.

ઘટનામાં અત્યાર સુધી પોલીસે કુલ 9 આરોપીઓને ઝડપ્યા છે. તેમજ હરણી દુર્ઘટનાના 10 આરોપીઓ હજુ ફરાર છે. વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટનામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 14 ના મોત મામલે હરણી લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહ ઝડપાયો છે. પરેશ શાહની ધરપકડ થતા સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાઈ શકે છે. બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો. આ ઘટનામાં પરેશ શાહે મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો.

 

વડોદરાની બોટ હોનારતમાં બે શિક્ષિકા અને 12 બાળકોના મોત થયા છે. તેમાં બાળક ગુમાવનાર પિતા દ્વારા એક પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. તે અંગે પિટિશન દાખલ કરનાર વકીલે જણાવ્યું છે કે, પિટિશનમાં એવી માંગણી કરવામાં આવી છે કે, ઇન્વેસ્ટિગેશન સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવામાં આવવું જોઇએ. એક એવી એજન્સી કે જેનું મોનિટરિંગ સુપ્રીમ કોર્ટ અથવા તો હાઇકોર્ટ કરે. જ્યાં સુધી બેદરકારીનો સવાલ છે. એક એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોન્ટ્રાક્ટરને માત્ર પેડલ બોટ ચલાવવા માટેની મંજૂરી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી. તેમ છતાંય એન્જિન બોટ કોની પરમિશનથી ચલાવવામાં આવતી હતી ? એન.ઓ.સી. વિવિધ સરકારી કચેરીઓ દ્વારા ઇશ્યૂ થઇ છે. જે સંદર્ભે તપાસ થઇ નથી. તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. જેથી, સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન સ્વતંત્ર એજન્સીને સોંપવામાં આવે અને કોર્ટે મોનિટરિંગ ઇન્વેસ્ટિગેશન થવું જોઇએ.

અનુભવથી અમે મજબૂત બનીને ઊભર્યા…

(ગૌતમ અદાણી)

બરાબર એક વર્ષ પહેલાં ૨૫મી જાન્યુઆરી ૨૦૨૩એ હું બ્રેકફાસ્ટ ટેબલ ઉપર હતો, ત્યારે સમાચાર આવ્યા કે ન્યુ યોર્કમાં એક શોર્ટ સેલરે અદાણી જૂથ સામેના આક્ષેપોનું એક સંકલન ઓનલાઇન મૂક્યું છે. આ એ જ મૃતપાય આક્ષેપો હતા કે જે મારા વિરોધીઓ તેમના સાથીદારો મારફત તેને ’સંશોધન અહેવાલ’ તરીકે નિષ્ઠાવાન સ્વ-શૈલીમાં કોરડા મારીને માધ્યમોમાં સજીવન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બધું મળીને તે જાહેર કરેલી અને સાર્વજનિક ઉપલબ્ધ માહિતીમાંથી મેળવેલા પસંદગીનાં અર્ધ-સત્યોનો એક ચાલાકીપૂર્વક રચવામાં આવેલો સમૂહ હતો.

અમારી સામે જુઠ્ઠાણાં અને પાયાવિહોણા આક્ષેપો એ કોઈ નવી વાત નથી. તેથી વ્યાપક પ્રતિસાદ જારી કર્યા બાદ મેં તેના વિશે વધુ વિચાર્યું નહીં. જો કે સત્ય તેનાં પગરખાંની દોરી બાંધી રહ્યું હતું ત્યારે પણ એક અસત્ય વિશ્વને પાર કરી ગયું હતું!  સત્યની શક્તિના મુખ્ય આહાર પર ઉછરેલો આ હુમલો મારા માટે અસત્યની તાકાત ઉપરનો પાઠ હતો. સામાન્ય રીતે શોર્ટ સેલિંગના આ હુમલાની અસર નાણાકીય બજારો સુધી મર્યાદિત હોય છે. જોકે આ એક અનોખો દ્વિ-પરિમાણીય હુમલો હતો – અલબત્ત, એક નાણાકીય અને તે પણ રાજકીય ફલક ઉપર ખેલાયો હતો – જે એકબીજાને પોષતો હતો. માધ્યમોમાં કેટલાક દ્વારા સહાયિત અને પ્રેરિત અમારી સામેના જુઠ્ઠાણાં અમારા પોર્ટફોલિયોની માર્કેટ કેપને નોંધપાત્ર રીતે ઘટાડી શકે તેટલા કાટ ખાયેલાં હતાં, કારણ કે મૂડીબજારો સામાન્ય રીતે તર્કસંગત કરતાં લાગણીશીલ વધુ હોય છે.

મને સૌથી વધુ દુ:ખ એ વાતનું થયું કે હજારો નાના રોકાણકારોએ તેમની બચત ગુમાવી દીધી. જો અમારા વિરોધીઓની યોજના સંપૂર્ણ રીતે સફળ થઈ હોત તો તેની ડોમિનો ઈફેક્ટરૂપે સીપોર્ટસ અને એરપોર્ટથી લઈ પાવર સપ્લાય ચેઈન સુધીની અનેક જટિલ માળખાકીય અસ્ક્યામતોને વિકલાંગ કરી શકી હોત  જે  કોઈ પણ દેશ માટે આપત્તિજનક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે. જોકે અમારી નક્કર અસ્કયામતો, અમારી તાકાતવાન કામગીરી અને  ડિસ્ક્લોઝર્સની અમારી ઉચ્ચ ગુણવત્તાને કારણે ધિરાણકર્તાઓ અને રેટિંગ એજન્સીઓ સહિતના વધુ માહિતગાર નાણાકીય સમુદાયે જુઠાણાઓના ગપગોળાથી પ્રભાવિત થવાને નકારીને અને અમારી સાથે અડીખમ ઊભા રહ્યા.

આ પરિસ્થિતિને સંભાળવા માટે અમારી પાસે કોઈ પૂર્વગામી રસ્તો નહોતો. છેવટે તો મોટા ભાગે અમારા વ્યવસાયોની નક્કરતામાં ભરોસો અમારી વિરોધાભાસી વ્યૂહરચના નક્કી કરે છે. અમારા પહેલા નિર્ણયની પ્રાથમિકતા અમારા રોકાણકારોને બચાવવાની હતી. રૂ. 20,000 કરોડનો ફોલો ઓન પબ્લિક ઓફર(FPO) પૂર્ણ કર્યા બાદ અમે FPOની રકમ પરત કરવાનું નક્કી કર્યું. કોર્પોરેટ જગતની તવારીખમાં રોકાણકારોના કલ્યાણ અને વ્યવસાયની નૈતિક રસમો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરતું આ અભૂતપૂર્વ પગલું હતું.

આ યુદ્ધના ધુમ્મસમાં અમારું સૌથી મોટું શસ્ત્ર પૂરતી લિક્વિડિટી હતું. રૂ. ૩0,000 કરોડની અમારી મજબૂત રોકડ અનામતને વધારવા માટે અમારી ગ્રુપ કંપનીઓમાં નિષ્કલંક વૈશ્વિક સ્ટેન્ડિંગ ધરાવતા GQG પાર્ટનર્સ અને કતાર ઇન્ટરનેશનલ (QIA) જેવા રોકાણકારોને હિસ્સાના વેચાણ મારફત આગામી બે વર્ષ માટે દેવાંની ચુકવણી સમાન વધારાના રૂ.૪0,000 કરોડ એકત્ર કરીને અમારી નાણાકીય સ્થિતિને અમે વધુ મજબૂત બનાવી છે. તેનાથી રોકડ અનામતની વિસ્તરિત બાથ ભીડવાની તૈયારી કરવા, બજારોમાં પુનઃવિશ્વાસનો સંચાર કરવા અને ભારત માટે વિશ્વ-સ્તરીય માળખાકીય અસ્કયામતો બનાવવાના ઉદ્દેશો પૂરા થયા છે.

માર્જિન-લિંક્ડ ધિરાણના રૂ. ૧૭,૫00 કરોડની પૂર્વ ચુકવણી કરીને, અમે બજારની અસ્થિરતાથી અમારા પોર્ટફોલિયોને ઇન્સ્યુલેટેડ અને રિંગ-ફેન્સિંગ કર્યું છે. મેં મારી અગ્રણી ટીમને વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. આના પરિણામે વિત્ત વર્ષ-૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ૪૭ ટકાની વિક્રમજનક EBITDA વૃદ્ધિને ઉત્પ્રેરિત કરવામાં આવી છે, જેમાં અદાણી પોર્ટફોલિયોએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં  અત્યાર સુધીનો તેનો સૌથી વધુ ત્રિમાસિક નફો કર્યો છે. અમારું બેટ આ વાત કરી રહ્યું છે. અમારા નાણાકીય અને બિન-નાણાકીય હિસ્સેદારો માટે  વ્યાપક જોડાણના એક કાર્યક્રમનો અમે અમલ કર્યો છે. શરૂઆતના ૧૫૦ દિવસમાં એકલી ફક્ત નાણાકીય ટીમે વિશ્વમાં લગભગ ૩00 બેઠકો કરી હતી, જેમાં નવ રેટિંગ એજન્સીઓ દ્વારા ૧૦૪ સંસ્થાઓમાં રેટિંગની પુષ્ટિ કરવામાં આવી હતી. બેંકો, નિશ્ચિત આવકના રોકાણકારો, સાર્વભૌમ સંપત્તિ ભંડોળ, ઇક્વિટી રોકાણકારો, સંયુક્ત સાહસના ભાગીદારો અને રેટિંગ એજન્સીઓ હંમેશા અમારા મુખ્ય હિસ્સેદારો રહ્યા છે, કારણ કે તેઓ  યોગ્ય ખંત, ચકાસણી અને સમીક્ષાઓ અને અમારા વ્યાપક અને પારદર્શક ડિસ્ક્લોઝર શાસનને આધારભૂત માને છે.

અમે પારદર્શક રીતે હકીકતોની રૂપરેખા આપવા અને અમારા પર હુમલો કરનારાઓના હેતુઓને ખુલ્લા પાડવા માટે અમારી બાજુની વાતોને રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના કારણે અમારા ઉદ્યોગ સમૂહ સામે નકારાત્મક ઝુંબેશનો પ્રભાવ ઘટી રહ્યો છે. સાર્વજનિક ધારણામાં બદલાવનું પ્રમાણપત્ર એ અમારા શેરહોલ્ડરના બેઝમાં થયેલ નોંધપાત્ર વૃદ્ધિ છે, જે ફોલો-ઓન પબ્લિક ઑફરિંગનું પ્રાથમિક લક્ષ્ય છે. આ પડકારજનક વર્ષમાં અમારા શેરધારકોનો આધાર ૪૩ ટકા વધીને લગભગ ૭૦ લાખ સુધી પહોંચ્યો છે.

વધુમાં, અમારી વૃદ્ધિની ગતિ જાળવી રાખવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. અદાણી ગ્રુપે તેનું રોકાણ અવિરત ચાલુ રાખ્યું છે, જેનો પુરાવો અમારી એસેટ બેઝમાં રૂ. .૪.૫ લાખ કરોડની થયેલી વૃદ્ધિ છે. આ સમયગાળામાં ખાવડામાં વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી જનરેશન સાઇટ, નવી કોપર સ્મેલ્ટર, એક ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ અને જેની લાંબા સમયથી પ્રતિક્ષા હતી, એ ધારાવીના પુનઃવિકાસ સહિતના અનેક મુખ્ય પ્રોજેક્ટ્સની શરૂઆત કરવામાં આવી છે. અદ્રશ્ય દ્રષ્ટિએ આ કટોકટીએ એક મૂળભૂત નબળાઈનો પર્દાફાશ કર્યો છે જેને મેં વધવા દીધી હતી -અમે અમારી પહોંચના મિકેનિઝમ્સ પર પૂરતું ધ્યાન આપ્યું ન હતું. માળખાકીય ધિરાણ સમુદાયની બહારના માત્ર થોડા લોકો અદાણી જૂથે શું કર્યું છે અથવા કરી રહ્યું છે, તેના કદ, સ્કેલ અને ગુણવત્તા વિશે જાણતા હતા.

અમારી નાણાકીય સ્થિતિ મજબૂત હતી, અમારું શાસન દોષરહિત હતું, વિકાસ માટેનો અમારો રોડમેપ માપવામાં આવ્યો હતો અને ભારતના નિર્ણાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં અમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીએ છીએ એવું અમારા તમામ બિન-નાણાકીય હિસ્સેદારો અમને અને અમારા વિશેના સત્યને જાણે છે એવું અમે નિષ્કપટપણે માનતા હતા.

અમારા બિન-નાણાકીય હિસ્સેદારો સાથે અસરકારક રીતે સંલગ્ન થવાની આવશ્યકતા પર આ અનુભવે ભાર મૂક્યો છે. અમારા દેવાંના સ્તરના તોડીમરોડીને કરાયેલાં વર્ણનો અને રાજકીય પક્ષપાતના પાયાવિહોણા આરોપોનો સક્રિયપણે સામનો કરવામાં અમે વિફળ રહ્યા હતા, જેના પરિણામે વિકૃત ધારણાઓ ફેલાઈ હતી. હકીકત એ છે કે અમારી પરિવહન અને ઉપયોગિતા કંપનીઓની શ્રેણીનો અમારી પાસે સૌથી નીચો ડેટ-EBITDA રેશિયો છે. (સપ્ટે. ૨૦૨૩ના આખરી અર્ધવાર્ષિક ગાળા માટે આ 2.5x હતો.) વધુમાં, સમગ્ર સ્પેક્ટ્રમમાં વિવિધ રાજકીય પક્ષોના શાસન હેઠળનાં ૨૩ ભારતીય રાજ્યોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયમાં ફૂટપ્રિન્ટ સાથે અમે રાજકીય રીતે ખરેખર અજ્ઞેયવાદી છીએ. પાછલા વર્ષની કસોટીઓ અને વિપત્તિઓએ અમને મૂલ્યવાન પાઠ શીખવ્યા છે, અમને મજબૂત બનાવ્યા છે અને ભારતીય સંસ્થાઓમાં અમારી શ્રદ્ધાની પુનઃપુષ્ટિ કરી છે. અમારા પરનો આ કપટભર્યો હુમલો – અને તેની સામે અમારું મજબૂત પ્રતિકાત્મક પગલા નિઃશંકપણે જ્યારે એક કેસ સ્ટડી બનશે ત્યારે મને લાગે છે કે મારી આ શીખ વહેંચવાની ફરજ પડશે, કારણ કે આજે અમે હતા,  આવતી કાલે તે કોઈ અન્ય હોઈ શકે છે. હું કોઈ ભ્રમમાં નથી કે આવા હુમલાઓનો આ અંત છે. હું માનું છું કે અમે આ અનુભવથી વધુ મજબૂત બનીને ઊભરી આવ્યા છીએ અને ભારતની વૃદ્ધિ ગાથામાં અમારું નમ્ર યોગદાન ચાલુ રાખવાના અમારા સંકલ્પમાં વધુ અડીખમ છીએ.

(લેખક અદાણી ગ્રુપના ચેરમેન છે)

 

 

 

આ ન્યાયમૂર્તિએ શપથ લેતાં જ સર્જાયો રેકોર્ડ…

કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રસન્ના બી વરાલે ગુરુવારે (25 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા.આ પછી આ પહેલીવાર બનશે જ્યારે સુપ્રીમ કોર્ટમાં એકસાથે ત્રણ દલિત જજ હશે. ચાલો જાણીએ કોણ છે જસ્ટિસ પ્રસન્ના વરાલે, શપથ લેતાની સાથે જ સુપ્રીમ કોર્ટમાં સર્જાયો રેકોર્ડ.

કાયદા અને ન્યાય મંત્રાલયે બુધવારે (24 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ વરાલેની નિમણૂકની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 19 જાન્યુઆરીએ જસ્ટિસ વરાલેની બઢતીની ભલામણ કરી હતી. કોલેજિયમે કહ્યું કે 2008માં બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયેલા જસ્ટિસ વરાલે ઘણો અનુભવ ધરાવે છે. તેઓ કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ રહી ચૂક્યા છે. એમના અનુભવના આધારે એમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા.

કળા અને કાયદાના અભ્યાસી

જસ્ટિસ વરાલેનો જન્મ વર્ષ 1962માં કર્ણાટકના નિપાનીમાં થયો હતો. આ જગ્યા મહારાષ્ટ્રની સરહદ પર છે. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠા યુનિવર્સિટીમાંથી કળા અને કાયદાનો અભ્યાસ કર્યો હતો. આ પછી, તેમણે 1985 માં કાયદામાં પ્રવેશ મેળવ્યો. તેમની કારકિર્દીની શરૂઆતમાં તેઓ એડવોકેટ એસએન લોયાની ચેમ્બરમાં જોડાયા હતા. અહીં તેણે સિવિલ અને ફોજદારી કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. તેઓ 1990 અને 1992 વચ્ચે આંબેડકર લો કોલેજ, ઔરંગાબાદમાં લેક્ચરર પણ હતા. તેમણે ઔરંગાબાદ ખાતે બોમ્બે હાઈકોર્ટની બેંચમાં સહાયક સરકારી વકીલ અને વધારાના સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું. 18 જુલાઈ, 2008ના રોજ તેમની બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

અનુસૂચિત જાતિમાંથી એકમાત્ર મુખ્ય ન્યાયાધીશ

જસ્ટિસ વરાલે બોમ્બે હાઈકોર્ટમાં 14 વર્ષ સુધી સેવા આપી, ત્યારબાદ ઓક્ટોબર 2022માં તેમને કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અત્રે નોંધનીય બાબત એ છે કે તે સમયે તેઓ દેશની તમામ હાઈકોર્ટમાં અનુસૂચિત જાતિમાંથી એકમાત્ર મુખ્ય ન્યાયાધીશ હતા. જસ્ટિસ વરાલે તેમની કાનૂની યાત્રાનો શ્રેય તેમના પરિવારના ડૉ બીઆર આંબેડકર સાથેના જોડાણને આપે છે. તેમનું કહેવું છે કે તેમના પરિવાર પર આંબેડકરનો ઘણો પ્રભાવ રહ્યો છે.

સામાન્ય માણસોના હિતમાં કરે છે કામ

જસ્ટિસ પ્રસન્ના બી વરાલે ઑક્ટોબર 2022થી કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. અહીં તેઓ જાહેર હિતની ઘણી બાબતોમાં સુઓ મોટુ સંજ્ઞાન લેવા માટે જાણીતા છે. કર્ણાટક હાઈકોર્ટના વકીલો તેમને ડાઉન ટુ અર્થ અને સામાન્ય માણસના હિતમાં કામ કરતા ગણાવે છે. કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક પહેલા, ન્યાયમૂર્તિ પ્રસન્નાએ 14 વર્ષ સુધી બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે, તેમની આગેવાની હેઠળની બેંચોએ જાહેર હિતમાં સુઓ મોટુ કેસો શરૂ કર્યા. આમાં આંબેડકરના લખાણો અને ભાષણો પ્રકાશિત કરવાના અટકેલા પ્રોજેક્ટ પરની PILનો પણ સમાવેશ થાય છે. જસ્ટિસ વરાલેની આગેવાની હેઠળની બેન્ચે જાન્યુઆરી 2022માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ખીરખંડી ગામની છોકરીઓને એમની શાળામાં લઈ જવાની ફરજ પડી હતી એવા જોખમી બોટ રાઈડ અંગેના સમાચારને ધ્યાનમાં લઈને, જાન્યુઆરી 2022માં સુઓ મોટુ પીઆઈએલ શરૂ કરી હતી. બેન્ચે સરકારને રાજ્યમાં સમાન દુર્દશાનો સામનો કરી રહેલા શાળાના બાળકોને મદદ પૂરી પાડવા જણાવ્યું હતું.

મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચુકાદા

કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે, તેમણે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સૂચનાઓ અને ચુકાદાઓ આપ્યા. તેમણે એવા કિસ્સાઓ પણ સાંભળ્યા કે જેમાં સરકારના વર્તન પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને જે અધિકારીઓ યોગ્ય કામ નથી કરી રહ્યા હતા તેમના પર દંડ પણ લગાવ્યો હતો.

પહેલીવાર એવું બની રહ્યું છે કે..

જસ્ટિસ પ્રસન્ના બી વરાલે સુપ્રીમ કોર્ટના જજ બનતાની સાથે જ પહેલીવાર એવું બની રહ્યું છે કે અનુસૂચિત જાતિમાંથી આવતા ત્રણ જજ સુપ્રીમ કોર્ટમાં છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સીટી રવિકુમાર પણ અનુસૂચિત જાતિમાંથી આવે છે.

ઇંગ્લેન્ડ 246 રનમાં ઓલઆઉટઃ જાડેજા, અશ્વિને રચ્યો ઇતિહાસ

હૈદરાબાદઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ મેચ હૈદરાબાદમાં શરૂ થઈ છે. આ મેચમાં ટોસ જીતીને ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ઇંગ્લેન્ડની ટીમની 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.  

ટીમ ઇન્ડિયા વતી સ્પિનર ત્રિપુટી આર. અશ્વિન, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજાએ રંગ રાખ્યો હતો. બંને સ્પિનરોએ ઇંગ્લેન્ડની ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી. આ સાથે અક્ષર પટેલે બે વિકેટ લીધી હતી. હૈદરાબાદમાં ઇતિહાસ રચતાં જાડેજા અને અશ્વિનની જોડીને નામે હવે કુલ 502 વિકેટ થઈ ચૂકી છે.

        ઇંગ્લેન્ડ વતી સૌથી વધુ 70 રન સ્ટ્રોક્સે બનાવ્યા હતા, જે પછી ડકકેટે 35, રૂટે 29, બેરિસ્ટોએ 37 અને હાર્ટલેએ 23 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમ વતી જાડેજા અને અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહે બે, અને અક્ષર પટેલે 6 વિકેટ લીધી હતી.

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટટ કોહલીએ અંગત કારણોસર શ્રેણીની પ્રથમ બે મેચમાંથી આરામ લીધો છે. કોહલીની ગેરહાજરીમાં શુભમન ગિલ, શ્રેયસ ઐય્યર અને કેએલ રાહુલ મિડલ ઓર્ડરને મજબૂત કરવાનો પ્રયાસ કરશે. 

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, એસ ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

ઈંગ્લેન્ડની ટીમ

જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરિસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલે, માર્ક વુડ અને જેક લીચ.

 

 

 

 

 

 

 

નીતીશકુમાર પલટી મારશે?: લાલુ પુત્રીનો ઇશારો કઈ બાજુ?

નવી દિલ્હીઃ બિહારના રાજકારણમાં લોકસભાની ચૂંટણી પહેલાં ઊથલપાથલ થશે? એના પર સતત અટકળો ચાલી રહી છે. એ અટકળોને વધુ હવા એ સમયે મળી, જ્યારે સિંગાપુરમાં રહેતી લાલુ યાદવની પુત્રીએ X  પર કંઇક પોસ્ટ કર્યું. રાજકીય વિશ્લેષકોના કહેવા અનુસાર રાજકારણથી દૂર રહેનારી રોહિણી આચાર્યએ વગર નામે લીધા વગર નીતીશકુમાર પર નિશાન સાધ્યું છે.

રોહિણી આચાર્યએ X પર ત્રણ પોસ્ટ કરી હતી. તેણે કહ્યું હતું કે કેટલાક લોકો તેમની ખામીઓ જોઈ નથી શકતા, પણ બીજાના પર કીચડ ઉછાળતા રહે છે. બીજી પોસ્ટમાં તેણે કહ્યું હતું કે પોતાની નિયતમાં જ ખોટ હોય, ત્યારે બીજા પર ખીજ કાઢવાથી શો ફાયદો?  ત્રીજી પોસ્ટમાં તેણે કહ્યું હતું કે સમાજવાદી હોવાના દાવા એ જ લોકો કરે છે, જેમની વિચારધારા હવાની જેમ બદલાય છે.

કર્પૂરી ઠાકુરને ભારત રત્નના એલાન પછી નીતીશકુમારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અમે પણ કર્પૂરી ઠાકુરની જેમ પરિવારવાદને પ્રોત્સાહન આપવાની વિરુદ્ધ છે ને અમે પણ એવું કામ નથી કર્યું. તેમનું આ નિવેદન લાલુ પરિવાર પર સીધો હુમલા સમાન હતું. રોહિતી આચાર્યએ નીતીશકુમારના આ નિવેદન પર પલટવાર કર્યો હતો.

બિહારના રાજકારણ પર નજર રાખતા વિશ્લેષકોનું માનવું છે કે નીતીશકુમાર ભાજપની તરફ વળી શકે છે, પણ જૂની શરતો સાથે. સામે પક્ષે ભાજપ બિહારમાં CM પદથી ઓછું કંઈ લેવાના મૂડમાં નથી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને JDUએ 40માંથી 39 સીટો જીતી હતી.

 

 

 

 

 

 

તેલંગાણામાં અધિકારીને ઘરે દરોડામાં રૂ. 100 કરોડની સંપત્તિ મળી

નવી દિલ્હીઃ તેલંગાણા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ હૈદરાબાદમાં એક કોર્પોરેશનના અધિકારીના ઘરે અને ઓફિસમાંથી આશરે રૂ. 100 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. આ અધિકારીની ઓળખ શિવ બાલકૃષ્ણ તરીકે કરવામાં આવી છે. ACBએ કહ્યું હતું કે 14 ટીમોએ અધિકારીથી જોડાયેલાં સ્થાનો પર તપાસ કરી હતી અને ગુરુવારે પણ તપાસ જારી રહેશે. તેની પાસેથી જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં સોનું, ફ્લેટ અને બેન્ક ડિપોઝિટ સામેલ છે.

અહેવાલ અનુસાર શિવ બાલકૃષ્ણ તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (TSRERA)ના સેક્રેટરી અને હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA)ના પૂર્વ ડિરેક્ટર છે. બુધવારે સવારે પાંચ વાગ્યાથી ACBએ દરોડા પાડી તપાસ શરૂ કરી હતી. ભ્રષ્ટાચારવિરોધી બ્યુરોએ તેમના ઘર અને ઓફિસો અને અન્ય અગ્રણી સ્થળોની તપાસ કરી હોવાની માહિતી બહાર આવી રહી છે.

ACBના અધિકારીઓના જણાવ્યાનુસાર અધિકારીઓએ બે કિલો સોનું, 60 કાંડા ઘડિયાળ, 14 ફોન, 10 લેપટોપ અને કેટલીક સંપત્તિના દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.

તાજેતરના કેસમાં ACBએ દરોડા અંગે કહ્યું છે કે હજુ પણ તપાસ ચાલી રહી છે અને ઘણા અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ACBને દરોડામાં નોટ ગણવાનું મશીન પણ મળી આવ્યું હતું. હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA)ના પૂર્વ ડિરેક્ટર શિવ બાલકૃષ્ણની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

 

 

 

 

 

કોરાનાના 198 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 198 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,24,548 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ  JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 12 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી સૌથી વધુ 512 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 483 કેસો નોંધાયા છે અને  કેરળમાં 182 કેસ નોંધાયા છે.  આ સાથે ગોવામાં 47, ગુજરાતમાં 36, મહારાષ્ટ્રમાં 139, તામિલનાડુમાં 26,આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં 30, દિલ્હીમાં 21 અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે.દેશમાં અત્યાર સુધી 5,33,442 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,89,342 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 319 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1764 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,84,995 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 238 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

…ત્યારે ખૂટે છે શું?

ગયા સોમવારે, 22 જાન્યુઆરીએ એક ઈતિહાસ રચાઈ ગયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં નવનિર્મિત શ્રીરામ મંદિરમાં રાઘવ (હવે બાલક રામ)ની પ્રાણપ્રતિષ્ઠા કરીને દેશ-દુનિયાના કરોડો આસ્થાળુ માટે મંદિરનાં દ્વાર ઊઘડ્યાં. દેશઆખો આ ઐતિહાસિક ઘટનામાં સહભાગી થયો. જો કે અમુક બૌદ્ધિક ટીકાકારોએ કહ્યું કે આના કરતાં સ્કૂલ, હૉસ્પિટલ બાંધ્યાં હોત તો? વૈજ્ઞાનિક પ્રકલ્પો હાથ ધર્યા હોત તો? વગેરે વગેરે.

અહીં ભારતના પ્રખર વિજ્ઞાની ડૉ. અબ્દુલ કલામની આત્મકથાનો એક પ્રસંગ નોંધવો રહ્યોઃ વિશ્વવિખ્યાત અણુવિજ્ઞાની, અંતરિક્ષવિજ્ઞાની અબ્દુલ કલામ સાહેબ 2001માં પ્રમુખસ્વામી મહારાજની મુલાકાતે દિલ્હીમાં આવ્યા. ભારતને વિકસિત દેશોની પંક્તિમાં લાવવા દેશના પાંચસો બુદ્ધિશાળીઓએ ભેગા થઈને વિકાસનાં પાંચ ક્ષેત્રો નક્કી કર્યા હતાં. શિક્ષણ-સ્વાસ્થ્ય, કૃષિ અને તેને લગતાં ક્ષેત્રો, ઈન્ફર્મેશન ઍન્ડ કમ્યુનિકેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને, ક્રિટિકલ ટેક્નોલોજી. આ વાત તેમણે સ્વામીશ્રીને કરી. પ્રમુખસ્વામી મહારાજે તરત જ કહ્યું, ‘આ પાંચ મુદ્દાની સાથે એક છઠ્ઠો મુદ્દો ઉમેરો– ભગવાનમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતા. એ રીતે લોકો તૈયાર થાય તે પણ ખૂબ અગત્યનું છે. આધ્યાત્મિક સંપત્તિ મજબૂત હશે તો લૌકિક સંપત્તિ આપમેળે જ આવી જશે.’

કલામસાહેબે આ માર્ગદર્શનને સહર્ષ સ્વીકારીને પૂછ્યું, ‘પહેલાં માણસોને ધાર્મિક કરીને પછી આ પ્રમાણે કાર્યનો આરંભ કરવો કે પછી બંને સમાંતર કરવું?’ સ્વામીજીએ કહ્યું, ‘બંને સમાંતર કરવું, વિકાસનાં કાર્યો પણ ચાલુ રાખવાં. આપણી સંસ્કૃતિ પરા અને અપરા વિદ્યા બંનેને સ્વીકારીને આગળ ચાલે છે.’

હવે જઈએ આજથી સોએક વર્ષ પહેલાંના અમેરિકામાં. 1923, શિકાગો. એડવોટર બીચ હોટેલમાં નવ વ્યક્તિઓ એક મિટિંગ માટે ભેગી થઈ હતી. આ નવ માંધાતા દુનિયાના સૌથી સફળ ધનાઢ્યો અને રોકાણકારો હતા. સંપત્તિની દૃષ્ટિએ આ નવ વ્યક્તિ એ સમયે દુનિયા પર રાજ કરતી હતી. ગ્લેન બ્લાન્ડ નામના લેખકે પોતાના પુસ્તક ‘સક્સેસ’માં શિકાગોની એ મિટિંગનો ઉલ્લેખ કરીને નોંધ્યું છે કે આ નવ વ્યક્તિઓના પાછલા જીવનકાળ વિશે તપાસ કરવામાં આવી તો આશરે પચીસ વર્ષ બાદ 9માંથી ૩ વ્યક્તિ આપઘાત કરીને મરી ગયેલી, બે જેલમાં સબડતી હતી અને બેએ દેવાળું ફૂંક્યું હતું.

આવા તો ઘણા લોકોને આપણે જાણતા હોઈશું, જેઓ એક સમયે પોતાના ક્ષેત્રમાં બેતાજ બાદશાહ હતા અને જોતજોતાંમાં નિષ્ફળતાની ગર્તમાં વિલીન થઈ ગયા. અહીં એક પ્રશ્ન સ્વાભાવિક ઊભો થાય કે તેમની આવી બરબાદીનું કારણ શું? શિક્ષણ, સત્તા અને સંપત્તિની ટોચ ઉપર બેઠેલી આવી પ્રભાવશાળી વ્યક્તિનાં જીવનમાં શું ખૂટતું હતું? કેમ અસીમિત સાધનોનો સરવાળો શૂન્ય જ બની રહ્યો? આ સવાલના જવાબમાં ઉત્તર મધ્યકાલીન ભક્તકવિ નિષ્કુળાનંદ કહે છેઃ

એક ભૂંસાડીને એકડો રે, વાળ્યાં મીંડાં વીસ
જોતાં સરવાળો ન જડ્યો રે, ત્યારે કરે છે રીસ.

જેમ એકડા વગરનાં મીંડાંનું કોઈ મૂલ્ય નથી એવી જ રીતે આધ્યાત્મિકતા વગર અન્ય સાધનો વ્યર્થ જ સિદ્ધ થાય છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડૉ. રાધાક્રિષ્નન્ કહેતા કે આત્મિક કે આધ્યાત્મિક વિકાસ જ સાચો વિકાસ છે.
અહીં એક બાબત ધ્યાન ખેંચે એવી છે. મહાપુરુષો, ચિંતકો કે કવિઓને પ્રગતિનાં સાધનો કે સોપાનો સિદ્ધ કરવા સામે કશો જ વિરોધ નથી. હા, તેમનું કહેવું એટલું જ છે કે આ સાધનો પણ મૂલ્યવાન બની જાય જો તેને આધ્યાત્મિકતાની સાથે જોડવામાં આવે.

આધ્યાત્મિકતાના દિવ્ય સ્પર્શ સાથેની જીવનશૈલી પૂર્ણ અને સંતુલિત વિકાસ લાવે છે. એક વાત સમજવા જેવી કે આધ્યાત્મિકતા જીવનની વાસ્તવિક આવશ્યક્તા છે, માત્ર સકારાત્મક સૂચન તેનું સ્થાન ન લઈ શકે. તમારે તેનું અનુકરણ પણ કરવું જોઈએ, જો તમે તેનું અનુકરણ કરશો, તેને તમારા જીવનમાં ઉતારશો તો જ તમે ખરા આધ્યાત્મિક બની શકશો.

એટલે જ કહેવાયું છેઃ આધ્યાત્મિકતા આત્માની પરમ સંતુષ્ટિ છે. તેને રોજિંદા જીવનમાં આપનાવીને જીવનની પ્રત્યેક પળને આનંદ ઉત્સવ બનાવી શકાય.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

રાશિ ભવિષ્ય 25/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

સુવિચાર – ૨૫ જાન્યુઆરી, ૨૦૨૪

સુવિચાર – ૨૫ જાન્યુઆરી, ૨૦૨૪