Home Blog Page 2131

અયોધ્યા અભેદ્ય કિલ્લામાં ફેરવાયું ! સ્થાનિક લોકોએ પણ બતાવવું પડશે ઓળખ પત્ર

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રામ મંદિર કાર્યક્રમ પહેલા અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને રામનગરીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે અયોધ્યામાં રહેતા લોકોએ પણ શહેરમાં પ્રવેશ લેતી વખતે પોતાનું ઓળખ પત્ર બતાવવું પડશે. એટલું જ નહીં મંદિરની સુરક્ષા માટે ત્રણ સ્તરના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

સ્થાનિક લોકોને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે

22 જાન્યુઆરીએ હજારો લોકો અયોધ્યા પહોંચે તેવી શક્યતા છે, જેમાં ઘણા VIP મહેમાનો પણ હાજર રહેશે. ઉત્તર પ્રદેશ પોલીસ સહિતની કેન્દ્રીય એજન્સીઓ સુરક્ષામાં કોઈ ક્ષતિ ન રહે તે માટે એલર્ટ પર છે. આ સાથે સ્થાનિક લોકોને ઓળખ કાર્ડ પણ આપવામાં આવ્યા છે. શનિવારથી અયોધ્યાની સરહદ સીલ કરી દેવામાં આવી છે અને બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ટ્રાફિકને ધ્યાનમાં રાખીને શુક્રવાર રાતથી ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે. અમેઠી, સુલતાનપુર, ગોંડા, લખનૌ, બસ્તીથી અયોધ્યા તરફ આવતી ટ્રેનોને અલગ-અલગ રૂટ દ્વારા તેમના ગંતવ્ય સ્થાને મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે.

સીસીટીવી અને એઆઈ દ્વારા સર્વેલન્સ રાખવામાં આવશે

મંદિરની સુરક્ષા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને PACને તૈનાત કરવામાં આવ્યા છે. યુપી પોલીસે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધારાના સૈનિકો તૈનાત કર્યા છે. આ સિવાય AI, CCTV અને ડ્રોન દ્વારા શહેર પર નજર રાખવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ મુખ્ય યજમાન તરીકે પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપશે અને રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. PMની સુરક્ષામાં લાગેલા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) પણ સુરક્ષા વ્યવસ્થામાં સામેલ થશે. ઉત્તર પ્રદેશ પોલીસ અને પીએસીના 1400 જવાનોને મંદિરની બહાર રેડ ઝોનમાં તૈનાત કરવામાં આવશે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઈઝરી

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામમંદિર કાર્યક્રમ માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે એક એડવાઈઝરી જારી કરીને મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને રામ મંદિર કાર્યક્રમ સાથે જોડાયેલા ખોટા અને છેડછાડવાળા સમાચાર પ્રકાશિત કરવાથી બચવા કહ્યું છે.

શું કહ્યું એડવાઈઝરીમાં?

સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, એવું જોવામાં આવ્યું છે કે કેટલાક ખોટા, ભડકાઉ અને નકલી સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર જે સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે. અયોધ્યામાં રામ લલ્લાની પ્રતિમાનો અભિષેક વિધિ 22 જાન્યુઆરીએ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ઘણા લોકો હાજરી આપશે. ભગવાન રામલલાના અભિષેક સાથે રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. રામ મંદિર સમારોહ પહેલા VIP ટિકિટ, રામ મંદિર પ્રસાદ આપવાનો દાવો કરતી ઘણી નકલી લિંક્સ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.

રામ મંદિર પ્રસાદને લઈને એમેઝોનની નોટિસ

શુક્રવારે ઈ-કોમર્સ સાઈટ એમેઝોનને અયોધ્યા રામમંદિર પ્રસાદની યાદી હટાવવા માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેના પર એમેઝોને કહ્યું કે તે તેની નીતિઓ અનુસાર આવા લિસ્ટિંગ સામે યોગ્ય કાર્યવાહી કરી રહી છે. સમાચાર એજન્સી અનુસાર એમેઝોને સ્વીકાર્યું કે તેને કેટલાક વિક્રેતાઓના ભ્રામક ઉત્પાદન દાવાઓ અંગે CCPA તરફથી નોટિસ મળી છે અને કહ્યું છે કે કંપની તેમની તપાસ કરી રહી છે.

VIP ટિકિટનો નકલી QR વાયરલ થયો હતો

આના થોડા દિવસો પહેલા, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે ઇન્સ્ટન્ટ વીઆઇપી ટિકિટનો દાવો કરતો નકલી QR કોડ સાથેનો એક WhatsApp મેસેજ વાયરલ થયો હતો. જે બાદ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટતા કરી હતી કે ટ્રસ્ટે પોતે જ પસંદ કરેલા મહેમાનોને અભિષેક કાર્યક્રમમાં આમંત્રણ આપવા માટે આમંત્રણ મોકલ્યું હતું.

અયોધ્યા વિશેષઃ એ રામભક્ત જે જીવ્યા ત્યાં સુધી મૌન રહ્યાં

જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું મૌનવ્રત રાખીશ. એમ કહેનારા રામભક્ત આજીવન મોન રહ્યાં અને અંતે રામલલાની મૂર્તિ મંદિરમાં બિરાજમાન થાય એ સપના જોતા જોતા આંખો મીચીં. આજે આ રામભક્ત હયાત નથી પરંતુ એમણે જોયેલુ સમણું સાચુ થવા જઈ રહ્યું છે. ત્યારે જાણીએ આ રામભક્તની કહાની..

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. 500 વર્ષના લાંબા ઇંતજાર અને સંઘર્ષ પછી આ આનંદની ઘડી આવી છે. એવા અનેક લોકો છે જેમણે પ્રભુ શ્રીરામ અયોધ્યામાં બિરાજે એના સપના જોયા હતા. પણ અફસોસ એમાંથી ઘણા લોકો આજે હયાત નથી. જેમાંથી એક નામ છે સ્વ. રમેશભાઈ તલાટીનું.

મૂળ નવસારી અને માતા-પિતાને છોડીને અમદાવાદ આવી ભાજપને સમર્પિત થનારા રમેશભાઈ માટે બીજેપી કાર્યલય એમનું ઘર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ એમના માટે સર્વસ્વ હતા. નરેન્દ્ર મોદી જ્યારે બીજેપીના મહામંત્રી હતા ત્યારથી જ રમેશભાઈ તલાટી એમની આસપાસ રહેતા. ભાજપ માટે મરીમટવાનું એમનામાં જનૂન હતુ. શરૂઆતથી જ મોદી સાથે રહેતા માટે નરેન્દ્ર મોદીને પણ એમના પર અપાર પ્રેમ. રમેશભાઈ બીજેપી કાર્યલયમાં નાનું મોટુ કામ કરતા. જ્યાં સભાઓ યોજાય ત્યાં બેનરો બનાવવાનું અને લગાડવાનું કામ પણ એમનું જ રહેતું. અંગત જીવન અને જાહેર જીવન બંને સરખા જ હતા.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બીજેપી (ભાજપ) ખાનપુર કાર્યાલય ઈન્ચાર્જ હિંમતભાઈ સોલંકી કહે છે. “સ્વ.રમેશકાકાને બાધા તલાટીકાકાના નામથી જ ઓળખતા હતા. આદરણીય નરેન્દ્રભાઈ મોદી એમને ખુબ સાચવતા. મુખ્યમંત્રી બન્યા પછી અને પ્રધાનમંત્રી બન્યા પછી પણ એમની સતત દેખરેખ રાખતાય તલાટીકાકા જ્યારે બિમાર પડ્યા ત્યારે મોદીજીએ જ એમને હોસ્પિટલમાં એડમિટ કરવાનું કહ્યું અને હું એમની સેવામાં રહ્યો.”

આગળ વાત કરતા હિંમતભાઈ કહે છે, “તલાટીકાકા યુવાન હતા અને પ્રભુશ્રી રામના પરમભક્ત પણ હતા. એમની ખુબ ઈચ્છા હતા કે અયોધ્યામાં રામ મંદિર બને. યુવાનીમાં જ એમણે પ્રણ લીધું હતું કે જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું મોનવ્રત રાખીશ. એમના અંત સમયનો હું સાક્ષી છું. એ જ્યાં સુધી જીવ્યાં ત્યાં સુધી એક શબ્દ પણ બોલ્યા નહીં. બસ ભગવાન પ્રત્યેની લાગણી અને પોતાની અંતિમ ઈચ્છા રામ નામ લખી નોટ પર ઉતારતા રહ્યાં. હજારોની સંખ્યામાં એમણે રામ નામથી નોટબુક ભરી છે.”

ઘણા લોકો તલાટીકાકાને કહેતા પણ ખરા કે કાકા બોલવાનું શરૂ કરો રામ મંદિર બનેશે ત્યારે બનશે. પરંતુ તલાટીકાકાએ પ્રાણ છોડ્યો પણ પ્રણ ન છોડ્યું. લગભગ 45થી 50 વર્ષ સુધી તલાટીકાકા મૌન રહ્યાં. આજે એ દેશ-વિદેશમાં ઉજવાઈ રહેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને જોવા માટે ભલે પ્રત્યક્ષ રીતે હાજર નથી. પરંતુ તલાટીકાકા કદાચ પ્રભુ ચરણમાં બેસીને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને અયોધ્યાની રોનકને પરોક્ષ રીતે માણી રહ્યાં હશે..

(હેતલ રાવ)

550 વર્ષના સંઘર્ષ બાદ ભગવાન રામ ઘરે પરત ફર્યા : અમિત શાહ

અયોધ્યામાં ચાલી રહેલા રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભગવાન રામ 550 વર્ષના ખરાબ સમય બાદ ઘરે પરત ફરશે. આ ભારત માટે ગર્વની વાત છે. શનિવારે આસામમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે પૂર્વોત્તરમાં શાંતિ અને વિકાસ લાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિયાન સફળ રહ્યું છે. અહી ઓલ બાથૌ મહાસભાની 13મી ત્રિવાર્ષિક પરિષદને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસની સમસ્યાઓથી ધ્યાન હટાવવાની અને સત્તા ભોગવવાની નીતિને કારણે પ્રદેશમાં ખાસ કરીને બોડોલેન્ડમાં હજારો લોકોના મોત થયા છે.

સમસ્યાનું સમાધાન કર્યું

અમિત શાહે કહ્યું, જ્યારે હું ગૃહ પ્રધાન બન્યો ત્યારે બોડો આંદોલન ચાલી રહ્યું હતું અને મેં પૂર્વોત્તરના સૌથી મોટા સમુદાયોમાંના એકની સમસ્યાઓ અને માંગણીઓને સમજવાનો પ્રયાસ કર્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે વડાપ્રધાને પણ તેને એક નવા પરિપ્રેક્ષ્યથી જોયું અને સમસ્યાનું સમાધાન કર્યું, જેના કારણે આજે બોડોલેન્ડ બોમ્બ વિસ્ફોટ, ગોળીબાર અને હિંસાથી મુક્ત બન્યું છે. શાહે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં બોડોલેન્ડમાં હિંસાની કોઈ ઘટના બની નથી અને તે વિકાસના માર્ગ પર ચાલીને એક નવી વાર્તા લખી રહ્યું છે.

શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી

આ પછી, અમિત શાહ સશસ્ત્ર સીમા બાલ (SSB) સંકુલ પહોંચ્યા જ્યાં તેમણે શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યારબાદ ગુવાહાટીમાં આસામ પોલીસ કમાન્ડોની પ્રથમ બેચની પાસિંગ આઉટ પરેડને સંબોધિત કરી.

આસામ પોલીસને સૌથી વધુ પડકારોનો સામનો કરવો પડ્યો

આ દરમિયાન ગૃહમંત્રીએ દાવો કર્યો કે આસામ પોલીસે સૌથી વધુ પડકારોનો સામનો કર્યો છે. આસામ પોલીસ તમામ પડકારોનો સામનો કરવાનો અને જીતવાનો ઇતિહાસ ધરાવે છે. તેમણે કહ્યું, “આજે 2551 નવા યુવાનો આસામ પોલીસ દળમાં જોડાશે. મને વિશ્વાસ છે કે આ યુવાનો આસામ પોલીસને નવી ઉર્જા અને તાકાત આપશે.”

મ્યાનમાર બોર્ડરે લાગશે ફેન્સિંગ, આવજા પર પ્રતિબંધઃ શાહ

નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે મોદી સરકાર ટૂંક સમયમાં મ્યાનમાર બોર્ડરને સુરક્ષિત કરશે. એટલા માટે બોર્ડર પર ફેન્સિંગ લગાવવામાં આવશે. આસામ પોલીસ કમાન્ડોની પાસિંગ આઉટ પરેડમાં ગૃહપ્રધાન  એલાન કર્યું હતું કે મ્યાનમારની સાથેની ભારત બોર્ડરને બંગલાદેશની જેમ ફેન્સિંગ લગાવવામાં આવશે.

કેન્દ્ર સરકાર મ્યાનમાર સાથેની સરહદ પર વાડ બાંધશે. બંને દેશો વચ્ચે સરળ અવરજવરને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યું છે. જાતીય સંઘર્ષથી બચવા માટે મોટી સંખ્યામાં મ્યાનમારના સૈનિકો ભારતમાં ઘૂસી રહ્યા છે. અહેવાલ અનુસાર છેલ્લા ત્રણ મહિનામાં મ્યાનમારના લગભગ 600 સૈનિકો સરહદ પાર કરીને ભારતમાં ઘૂસ્યા છે. પશ્ચિમ મ્યાનમારમાં અરકાન આર્મી કેમ્પ પર એક જૂથ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ સૈનિકો મિઝોરમના લોંગતાલાઈ જિલ્લામાં આશ્રય લીધો હતો. સરહદ બંધ થવાથી બંને દેશો વચ્ચે થઈ અવરજવરનો બંધ થશે અને વિઝા ફરજિયાત બની જશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2018માં ફ્રી મૂવમેન્ટ રેજીમ (FMR) લાગુ કરવામાં આવી હતી. આ અંતર્ગત લોકોને કોઈપણ સમસ્યા વિના બંને દેશો વચ્ચે 16 કિલોમીટર સુધી અવરજવરનો અને બીજા દેશમાં બે અઠવાડિયા સુધી રહી શકે છે. આ વ્યવસ્થા બંધ થયા બાદ સરહદ પર રહેતા લોકોને ભારતમાં મુસાફરી કરવા માટે વિઝાની જરૂર પડશે. ભારત અને મ્યાનમાર લગભગ 1600 કિલોમીટર લાંબી સરહદ વહેંચે છે. મ્યાનમારની સરહદ મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશને સ્પર્શે છે. કેન્દ્ર સરકાર ઉત્તર પૂર્વ ભારતમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન, ડ્રગ્સ અને ઘૂસણખોરી રોકવા માગે છે.

 

 

 

રામના 75 ગ્રંથો, 75 કળશ , 75 બાજોઠ સાથે ગુજરાત યુનિવર્સિટીમાં શોભાયાત્રા નીકળી

અમદાવાદ : શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય એ પહેલાં શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જેમાં રામાયણના પાત્રો, પ્રસંગોને આવરી લેતી ઝાંખી, વેશભુષા અને શોભાયાત્રાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે. શહેરની ગુજરાત યુનિવર્સિટી હાલ 75મો પારસ પર્વ ઉજવે છે. આ સાથે અયોધ્યામાં શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ અવસરે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઉત્સવની જેમ ઉજવણી કરાઈ રહી છે.

ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ

ગુજરાત યુનિવર્સિટી લાઈબ્રેરીના ગંથપાલ યોગેશ પારેખે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બેવડા મહોત્સવના અવસરે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય વિભાગ દ્વારા શ્રીરામ ભગવાનના 75 પુસ્તકો સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શોભાયાત્રામાં ગુજરાત યુનિવર્સિટીના 75 વિભાગ જોડાયા. આ સાથે 75 બાજોટ મુકવામાં આવ્યા. 75 કળશ સાથે વિદ્યાર્થીનીઓએ ઉત્સવને વધાવ્યો હતો. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભગવા ફેંટા, ધ્વજ, ઢોલ નગારા સાથે તરવરીયા યુવાન યુવતીઓ જોડાયા હતા.

સમગ્ર શોભાયાત્રામાં રામ, અયોધ્યા અને ભગવો છવાઈ ગયા

ગુજરાત યુનિવર્સિટી મુખ્ય ગ્રંથાલયથી નીકળેલી શોભાયાત્રામાં કુલપતિ ડો. નીરજા ગુપ્તા, રજીસ્ટ્રાર પી.એમ.પટેલ સહિત જુદા જુદા વિભાગના વડા, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને રામભક્તો જોડાયા હતા. સમગ્ર શોભાયાત્રામાં રામ, અયોધ્યા અને ભગવો છવાઈ ગયા.

(પ્રજ્ઞેશ વ્યાસ)

અમદાવાદથી ખુલ્લા પગે સાઇકલ પર અયોધ્યા પહોંચ્યો રામભક્ત

અમદાવાદઃ ભગવાન રામની નગરી અયોધ્યા ધાર્મિક ઉત્સાહમાં ડૂબી ગઈ છે. ચોતરફ સીતા રામ અને જય હનુમાનનો નાદ ગૂંજી રહ્યો છે. લોકો જય શ્રીરામના વસ્ત્ર ધારણ કરી રહેલા દેખાય છે. ગુજરાતના અમદાવાદથી સાઇકલ ચલાવીને 63 વર્ષીય નેમારામ પ્રજાપતિ ભગવાનના રામની ભૂમિ એટલે કે અયોધ્યા પહોંચ્યા છે. વડા પ્રધાન મોદી 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિના પ્રણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવાના છે. રામ મંદિર 23 જાન્યુઆરીએ જનતા માટે ખૂલવાની અપેક્ષા છે.

રામ ભક્ત નેમારામ પ્રજાપતિએ કહ્યું હતું કે મેં 1992થી જૂતાં નથી પહેર્યા અને મારો સંકલ્પ હતો કે હું જૂતાં ત્યારે પહેરીશ, જ્યારે અયોધ્યામાં રામ મંદિર બની જશે. હું પ્રભુ રામના દર્શન માટે અમદાવાદથી ખુલ્લા પગે સાઇકલ ચલાવીને અયોધ્યા પહોંચ્યો છું.

પ્રજાપતિની સાઇકલની સામે એક બોર્ડ પર લખ્યું છે કે તેમની અમદાવાદથી અયોધ્યાની યાત્રા ગયા વર્ષે બીજી ડિસેમ્બરે શરૂ થઈ હતી અને એ દરમ્યાન તેઓ રાજસ્થાનનાં પવિત્ર સ્થળોએ પણ ગયા હતા.

પ્રજાપતિ ઉપરાંત ઓમ ભગતે (47) પોતાને બુદ્ધ અંકલ કહે છે. તેઓ પણ અખિલ ભારતીય સાઇકલ યાત્રા પર છે અને ગુરુવારે અયોધ્યા પહોંચ્યા છે. તેમણે કહ્યું હતું કે હું 20,000 કિલોમીટરનું અંતર કાપીને અહીં સુધી પહોંચ્યો છે અને ઉત્તર પ્રદેશ મારું 16મું રાજ્ય છે. મારે 4000 શહેરો અને 741 જિલ્લાઓની યાત્રા કરવી છે.  હું પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અયોધ્યામાં રહેવા ઇચ્છું છું એટલે મેં મારી યાત્રા એ મુજબ બનાવી છે.

 

 

 

 

 

શું ED ધરપકડ કરશે CM હેમંત સોરેનની?

રાંચીઃ રાંચીમાં જમીન કૌભાંડ મામલે EDની ટીમ મુખ્ય મંત્રી હેમંત સોરેનની પૂછપરછ કરી રહી છે, ત્યારે CRPFનાં 10 વાહનોમાં ભારે સંખ્યામાં જવાનો CM નિવાસસ્થાનની ચોતરફ પહોંચ્યા છે. CRPF જવાનોની કામગીરી તેજ થઈ ગઈ છે. જવાનો હીટ પ્રૂફ જેકેટની સાથે પૂરી તૈયારીથી લેસ છે. શું ED ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની ધરપકડ કરવા પહોંચી છે?

EDના છથી સાત અદિકારીઓ હતા. તેમને CM આવાસના ગેટની બહાર ગાડીમાંથી ઉતાર્યા હતા. તેમનાં નામ અને એડ્રેસ નોટ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ તેમને ગેટની અંદર બધા અધિકારીઓ પગપાળા જતા રહ્યા હતા.CM નિવાસસ્થાન અને ગોંદા સ્ટેશન સામસામે છ. બંનેની વચ્ચે કાંકે રોડ છે. ગોંદા સ્ટેશનની સામે રસ્તા પર બેરિકેડિંગ કરી દેવામાં આવી છે. ગોંદા પોલીસ સ્ટેશનથી નીકળવા માટે પગપાળાનો જ વિકલ્પ બચ્યો છે. વાહનવ્યવહાર થઈ નથી રહ્યો.

સત્તા પક્ષના વિધાનસભ્યો અને મંત્રીઓ CM આવાસના પ્રાંગણમાં બીજી બાજુ બેઠા છે. બહાર JMMના કાર્યકર્તો કાંકે રોડ પર ED અને કેન્દ્ર સરકારની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. બીજી બાજુ સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા રાંચી SSP ચંદનકુમાર સિંહા ક્યુઆરટીની સાથે પગપાળા માર્ચ કરી રહ્યા છે.સુરક્ષાને ધ્યાનમાં લેતાં ઠેર-ઠેર પોલીસ દળોની તહેનાતી કરવામાં આવી છે. એ સાથએ રાંચી સહિત રાજ્યમાં સ્થિતિ ખરાબ ના થાય એ માટે સુરક્ષા દળો અલર્ટ છે. EDની ઓફિસની આસપાસ પણ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

તપાસ એજન્સીના સાત સમન્સ પછી આઠમા સમન્સે મુખ્ય મંત્રી પૂછપરછ કરવા માટે તૈયાર થયા હતા અને તેમણે EDને પૂછપરછ માટે જગ્યા અને સમય બતાવ્યો હતો.

 

 

 

 

PM મોદી ભગવાન વિષ્ણુના શરણમાં પહોંચ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તમિલનાડુના તિરુચિરાપલ્લીના શ્રીરંગમમાં પ્રખ્યાત શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી. શ્રી રંગનાથસ્વામી મંદિર ભગવાન વિષ્ણુની પૂજા માટે સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક માનવામાં આવે છે. પીએમ મોદી આ મંદિરમાં પૂજા કરવા પરંપરાગત પોશાક પહેરીને આવ્યા હતા. જોકે, પૂજા બાદ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે હાથીને ખવડાવતો જોવા મળી રહ્યા છે. પીએમ મોદીએ મકરસંક્રાંતિના અવસર પર ગાયોને ઘાસ ખવડાવ્યું હતું. આ પછી હવે તે મંદિરમાં હાથીને ખવડાવતા જોવા મળ્યા છે. આટલું જ નહીં પરંતુ તેમણે આશીર્વાદ પણ લીધા હતા. પીએમ હાથીને ખવડાવતા 24 સેકન્ડનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પહેલા તેને ખવડાવે છે અને તે તેની સૂંઢ ઉપાડે છે. પીએમ મોદી પણ હાથીની સૂંઢ પર પ્રેમથી સ્નેહ કરતા જોવા મળે છે.

પીએમને જોવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી

પીએમ મોદીને આશીર્વાદ આપનાર હાથીનું નામ ‘અંદાલ’ છે. તેણે પીએમ માટે માઉથ ઓર્ગન પણ વગાડ્યું હતું. વડાપ્રધાનના આગમન બાદ રસ્તામાં વડાપ્રધાનના સ્વાગત માટે ભારે ભીડ ઉમટી પડી હતી. પીએમ મોદીએ પણ પોતાના વાહનમાંથી હાથ હલાવીને ભીડનું અભિવાદન કર્યું હતું. શ્રીરંગમ મંદિર એ શ્રી રંગનાથરને સમર્પિત હિંદુ મંદિર છે. શ્રીરંગમ મંદિર એ ભારતનું સૌથી મોટું મંદિર સંકુલ છે અને વિશ્વના સૌથી મહાન ધાર્મિક સંકુલોમાંનું એક છે.

મંદિરનું નિર્માણ ક્યારે થયું?

રંગનાથસ્વામી મંદિર વિજયનગર સમયગાળા (1336-1565) દરમિયાન બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. મંદિરમાં દેવતાના નિવાસસ્થાનને ઘણીવાર નામ પેરુમલ અને અઝગિયા માનવલન તરીકે ઓળખવામાં આવે છે. તમિલમાં તેનો અર્થ ‘આપણા ભગવાન’ અને ‘ઉદાર વર’ થાય છે. ભવ્ય રંગનાથસ્વામી મંદિર ભગવાન રંગનાથનું ઘર છે, જે ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ છે. આ સાથે જ મંદિરના પૂજારીઓએ સંસ્કૃતમાં લખેલા સૂત્રો સાથે વડાપ્રધાનનું વિશેષ સ્વાગત કર્યું હતું.

રશ્મિકા મંદાન્નાનો ડીપ ફેક વીડિયો બનાવનાર વ્યક્તિ ઝડપાયો

આજે દુનિયા ઈન્ટરનેટથી સારી રીતે વાકેફ છે અને તેનો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ કેટલાક લોકોએ તેનો દુરુપયોગ પણ શરૂ કરી દીધો છે. આવો જ એક શબ્દ છે ડીપફેક. આ નામ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પુષ્પા ફિલ્મ ફેમ અભિનેત્રી રશ્મિકા મંદાન્નાનો એક વીડિયો વાયરલ થયો. જ્યારે મામલાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તે એડિટેડ વીડિયો હતો અને ડીપફેક હતો. મતલબ કે કોઈનો ચહેરો કોઈ બીજાના શરીરમાં મૂકવામાં આવ્યો હતો. આ પછી હોબાળો મચી ગયો હતો. તેની સામે સરકારે કડક સૂચના પણ આપી છે. હવે આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

રિપોર્ટ્સનું માનીએ તો પોલીસે રશ્મિકા મંદાન્નાનો આ ડીપફેક વીડિયો બનાવનાર આરોપીને પકડી લીધો છે. તેની આંધ્રપ્રદેશમાં ધરપકડ કરવામાં આવી છે. મામલો નવેમ્બર 2023નો હતો. વીડિયો વાઈરલ થયા બાદ આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી હતી અને ભારતીય દંડ સંહિતાની કલમ 465, 469, 66 c અને 66 e હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વીડિયોની વાત કરીએ તો આ વીડિયો બ્રિટિશ-ભારતીય પ્રભાવક ઝરા પટેલનો છે. જ્યારે ઝરા પટેલને પોતે આ અંગે જાણ થઈ તો તેણે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આમાં તેનો કોઈ હાથ નથી. ખુદ રશ્મિકા મંદાન્નાએ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી અને ચિંતા વ્યક્ત કરી હતી. આ સિવાય બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી.

રશ્મિકા મંદાન્ના વિશે વાત કરીએ તો તે દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી છે. તે ઘણી ફિલ્મોનો હિસ્સો રહી ચુકી છે અને ઓછા સમયમાં જ તેણે ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા અભિનેત્રી માટે તેના કરિયરમાં મોટો બ્રેક સાબિત થઈ. આ ફિલ્મે તેમને માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા અપાવી. તે સોશિયલ મીડિયા પર સાઉથની સૌથી વધુ ફોલો કરવામાં આવતી અભિનેત્રીઓમાંની એક છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ 43 મિલિયન ફોલોઅર્સ છે.