Home Blog Page 2141

6 ડિસેમ્બર, 1992: એ સાત કલાક પાંચ મિનિટ…

દેશ આખાને પ્રતીક્ષા છે જાન્યુઆરી 22 ની. લગભગ સાડા પાંચસો વર્ષના સંઘર્ષ અને ઇંતજાર પછી હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક અવસર આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે ચિત્રલેખા.કોમ ના વાચકો માટે આ વિશેષ લેખમાળા… સાત દિવસ માટે.

——————————————————————————————————

અયોધ્યામાં અત્યારે પ્રચંડ ઉન્માદ છે. આ ઉન્માદ છે નવનિર્માણ પામી રહેલા રામમંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટેનો. ગણતરીના દિવસોમાં એ ક્ષણ આવી પહોંચવાની છે. જો કે અહીં વાત છે એ ક્ષણ, જેને કારણે શક્ય બની એ ઘટનાની… બાબરી મસ્જિદ તૂટવાની ઘટના. રામમંદિરના સ્થાને વર્ષ 1528-29માં ઊભી થયેલી મસ્જિદના ત્રણ ગુંબજ એક પછી એક તોડી પાડવામાં આવ્યા એ દિવસે પણ અયોધ્યામાં આવો જ ઉન્માદ હતો.

રામલલ્લા ફરી એમના ઘરે બિરાજમાન થવાના છે ત્યારે ચાલો, સમગ્ર કાલખંડ ફેરવી નાખનારી છ ડિસેમ્બરની એ ઘટનાનું રિ-કૅપ લઈએ કૅલેન્ડરને 31 વર્ષ પાછળ ફેરવીને.

બાબરીધ્વંસનાં એ દૃશ્યો આજે પણ મારી આંખો સમક્ષ તરે છે. 1992 ની છ ડિસેમ્બરે સવારે 10:40 થી સાંજે પોણા છ સુધી હું અયોધ્યામાં જ હતો, જ્યારે કારસેવક જેવા દેખાતા લોકોએ બાબરી મસ્જિદના ત્રણ ગુંબજને જમીનદોસ્ત કરી દીધા હતા.

 

એ સવારે બાબરી મસ્જિદની આસપાસનો આખો વિસ્તાર ત્રણેક લાખ લોકોથી ઊભરાતો હતો. રામમંદિરના બાંધકામની સેવામાં પોતપોતાનું યોગદાન આપવા માટે દેશના જુદા જુદા વિસ્તારોમાંથી ટ્રેન અને બસમાર્ગે લોકોનાં ધાડાં અયોધ્યા નગરીમાં ઊતરી આવ્યાં હતાં. નગરની શેરીઓમાં એ સૌ શાંતિપૂર્વક આગળ વધી રહ્યાં હતાં. કેટલાકે માથા પર કેસરી રંગની પટ્ટી બાંધી હતી, તો કેટલાક હાથમાં ધાર્મિક બૅનર, ત્રિશૂળ અને ભગવાન શ્રીરામના ફોટોગ્રાફ્સ સાથે જોવા મળ્યા હતા. લોકો ભજન ગાતા, આનંદની ચિચિયારી પાડતા, તાળીઓ પાડતા, ખુશખુશાલ થઈને જય શ્રીરામના નારા લગાવતા જતા હતા.

મેં એ આખો દિવસ સીતા કી રસોઈ  તરીકે ઓળખાતા મંદિરની અગાસી પર વિતાવ્યો હતો. એ સ્થળ બાબરીના ઢાંચાથી થોડે જ દૂર હતું. ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાની સાથે હું ત્યાં ગયો હતો. સદ્નસીબે, ફરજ પરના કારસેવકો કેશુભાઈને ઓળખી ગયા હતા અને અમને રક્ષણ હેઠળ સીતા કી રસોઈ  મંદિરની અગાસી પર લઈ ગયા હતા. મેં એક જગ્યા બરાબર પકડી લીધી હતી. અનેક વિદેશી પત્રકારો તથા તસવીરકારો પણ વિવાદાસ્પદ સ્થળે પહોંચ્યા હતા.

 

દિવસ પસાર થતો ગયો એમ અગાસી પર ઘણા મહાનુભાવો આવતા-જતા રહ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  (આરએસએસ)ના કે.એસ. સુદર્શન, ભાજપના લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનો એમાં સમાવેશ હતો. પ્રતીકાત્મક કારસેવા ધીમી ગતિએ શરૂ થઈ હતી. કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ જમીનના એકેય ભાગનો ઉપયોગ કરવાની પરવાનગી આપી નહોતી. બપોરે બારેક વાગ્યા સુધી રાજકીય નેતાઓનાં ટૂંકાં ભાષણ ચાલ્યાં હતાં. એની વચ્ચે ભક્તિગીત પણ ગવાઈ રહ્યાં હતાં.

વાતાવરણમાં તંગદિલીનો અમને અનુભવ થતો હતો અને કંઈક નવાજૂની થવાની અપેક્ષા પણ જાગી હતી, પરંતુ નીચે કંઈ નક્કર બનતું જણાતું નહોતું. મંચ પર આચાર્ય ધર્મેન્દ્ર ભાષણ કરી રહ્યા હતા. બાદમાં ઉમા ભારતી પણ લોકોને સંબોધવા આવ્યાં હતાં.

એ પછી અચાનક ધમાલ શરૂ થઈ. નીચે ભેગા થયેલા લોકોના ટોળાએ બાબરી મસ્જિદની ફરતે બાંધવામાં આવેલી વાડને હલાવવાનું શરૂ કરી દીધું હતું. એમ કરતાં વાડ તૂટી ગઈ. યુવાનો કોઈનું પણ કંઈ પણ સાંભળવાના મૂડમાં નહોતા. તરત જ એમણે નાકાબંધી તોડી નાખી અને વિવાદાસ્પદ સ્થળ તરફ આગળ ધસવાનું શરૂ કર્યું. એમાંના ઘણા દીવાલ પર ચડવા માંડ્યા. જોતજોતાંમાં બે જણ મસ્જિદના એક ગુંબજ પર ચડી ગયા અને એની પર ભગવો ઝંડો લગાવી દીધો. એ સાથે જય શ્રીરામના ગગનભેદી નારા ગુંજી ઊઠ્યા. એને કારણે નીચે એકત્ર થયેલા લોકોને પાનો ચઢ્યો અને અમે નજરોનજર જોયું એમ બીજા ડઝનબંધ યુવકો મસ્જિદના બે ગુંબજ પર ચડવા લાગ્યા…

 

વાતાવરણમાં એકદમ ઉન્માદ હતો. ટોળાએ જ્યારે રક્ષણાત્મક વાડ તોડવાનો પહેલી વાર પ્રયાસ કર્યો ત્યારે ત્યાં ફરજ બજાવતા કેટલાક પોલીસજવાન એમની લાઠી સાથે ત્યાં દોડી ગયા હતા, પણ પછી અમે સ્પષ્ટ જોયું કે પોલીસ મોટી સંખ્યામાં હાજર હોવા છતાં એમણે ટોળાને વિખેરવા માટે કોઈ પ્રયાસ કર્યો નહોતો.

મારી બાજુમાં ઊભેલા એક જણે મને કહ્યું: ‘એવું લાગે છે કે હિંદુઓ એમના પવિત્ર એવા રામમંદિરને તોડીને એની જગ્યાએ મસ્જિદ બાંધનારા મોગલ બાદશાહ બાબરના સૈનિકોની સદીઓ જૂની હીણ હરકતનો આજે બદલો લઈને જ રહેશે.’ અને ખરેખર એવું જ બન્યું. એ પછીના એક કલાકમાં ગુંબજોની સાફસફાઈ થઈ ગઈ!

ગુંબજો પર ચડેલા લોકો ખુશખુશાલ દેખાતા હતા તો નીચે એકત્ર લોકો હર્ષનાદો કરતા હતા. અમારે તો હજી ઘણું બધું જોવાનું બાકી હતું. ટોળું વિવાદાસ્પદ માળખાને જમીનદોસ્ત કરવાના મૂડમાં આવી ગયું હતું. કેટલાક લોકો તો લોખંડના સળિયાઓ સાથે અંદર ઘૂસી ગયા હતા.

સીતા કી રસોઈમાં હાજર ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ પરેશાન જણાયા હતા અને કારસેવકોને નીચે ઊતરી જવા સમજાવી રહ્યા હતા. બપોરે લગભગ અઢી વાગ્યે અમને એક મોટો ધબાકો સંભળાયો અને એ પછી ટોળાના હર્ષનાદ સંભળાયા. એ અવાજ પહેલો ગુંબજ જમીનદોસ્ત થવાનો હતો. અગાસી મહાનુભાવોથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી. અરે, એમાં ઘણા પોલીસ અધિકારીઓ પણ હતા. એક અધિકારી સાથે વાત કરી તો એમણે કહ્યું: ‘અમને કડક સૂચના આપવામાં આવી છે કે કોઈનો જાન જોખમમાં ન લાગે ત્યાં સુધી દરમિયાનગીરી કરવી નહીં.’

એ પછી અનેક કારસેવકો એમના હાથમાં બાબરીનો કાટમાળ, પથ્થરના મોટા સ્લેબ લઈને જતા દેખાયા. બપોરે ૩:૪૦ વાગ્યાની આસપાસ ઔર એક ગુંબજ જમીનદોસ્ત થવાનો મોટો ધડાકો સંભળાયો. એવામાં એક સાધુ દોડીને અમારી અગાસી પર આવ્યા. એમણે સફેદ રંગની શાલમાં કોઈક ચીજ વીંટાળીને રાખી હતી. કોઈક કીમતી ખજાનો લઈને આવ્યા હોય એવું જણાયું હતું. એમણે શાલ ઉઘાડી… અંદર શું હતું જાણો છો? સ્વયં શ્રીરામલલ્લાની કાળા રંગની મૂર્તિ! એ સાધુએ ખૂબ જ દીર્ઘદૃષ્ટિ વાપરીને ગુંબજ જમીનદોસ્ત થાય એ પહેલાં મૂર્તિને બચાવી લીધી હતી. મૂર્તિ જોવા માટે પડાપડી થઈ હતી. ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. ગણતરીની પળોમાં જ એ સાધુને રામલલ્લાની મૂર્તિ સહિત સુરક્ષિત રીતે ત્યાંથી લઈ જવામાં આવ્યા. સાંજે ૪:૩૦ વાગ્યે ત્રીજો ગુંબજ જમીનદોસ્ત થયો.

રામજન્મભૂમિના શહેરમાં આનંદ છવાઈ ગયો. જાણે સદીઓ પછી અન્યાયનો અંત આવ્યો હતો. સદીઓ સુધી ચૂપ રહ્યા બાદ આખરે હિંદુઓએ ઈસ્લામી આક્રમણકારોના કૃત્યને જડબાતોડ જવાબ આપ્યો હતો. કારસેવકો ગર્વની લાગણી અનુભવતા હતા.

બાબરી મસ્જિદના ત્રણેય ગુંબજના ધબાય નમ: વિશે ત્યાં હાજર લોકોના પ્રત્યાઘાત મારા માનસપટ પર અંકિત થઈ ગયા છે. આચાર્ય ધર્મેન્દ્રની આંખોમાંથી હર્ષનાં આંસુ વહેતાં હતાં. બીજાઓ તાળી પાડીને આનંદ વ્યક્ત કરતા હતા, પણ બધું સંયમમાં હતું. હા, રાજકારણીઓના ચહેરા ફિક્કા પડી ગયા હતા. એમાંના કેટલાક આ વિધ્વંસનાં સંભવિત પરિણામો વિશે બોલતા હતા તો કેટલાક એવી અફવા ફેલાવતા હતા કે કેન્દ્ર સરકાર ધારશે તો બાબરીના ગુંબજ ફરી બંધાવી દેશે. સાંજે ૫:૩૦ વાગ્યા સુધીમાં ઉત્તર પ્રદેશમાં કલ્યાણસિંહના નેતૃત્વવાળી ભાજપ સરકારને બરતરફ કરીને રાજ્યમાં ગવર્નરનું શાસન લાગુ કરી દેવામાં આવ્યું હતું.

સાંજ પડી ચૂકી હતી. ઠંડી પણ ઘણી હતી. કારસેવકો રામજન્મભૂમિ સ્થળેથી રવાના થવા લાગ્યા હતા. અમે અગાસી પરથી નીચે ઊતર્યા અને કારમાં બેસી ત્યાંથી નીકળ્યા. જો કે એ વખતે જે જોયાં એ દૃશ્યો લાંબો સમય આંખ સામે જ રહેવાનાં હતાં. ખાસ તો ગુંબજો વગરની થઈ ગયેલી બાબરી મસ્જિદની દીવાલો. કારસેવકોના ટોળાએ બે દીવાલ તોડી નાખી હતી, પણ બાકીની જેમની તેમ હતી.

અયોધ્યાથી ફૈઝાબાદ તરફ જતા રસ્તે અમે કેટલાક ટેમ્પો સળગતા જોયા. તો સાથોસાથ ફટાકડા ફૂટતા પણ જોયા. લખનઉ પહોંચ્યા ત્યારે ત્યાં ઘણા વિસ્તારોમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. રાતે ૧૦ વાગ્યે લખનઉમાં અમે અમારી નાનકડી હોટેલ પર પહોંચ્યા ત્યારે વડા પ્રધાન નરસિંહ રાવને ટીવી પર બોલતા સાંભળ્યા. એમણે બાબરીવિધ્વંસને શરમજનક કૃત્ય  તરીકે વખોડી મસ્જિદ ફરી બાંધવાનું વચન આપ્યું હતું.

બાબરીધ્વંસના ૬૦ કલાક સુધી અયોધ્યાના સમાચારો પર સંપૂર્ણ બ્લૅકઆઉટ રહ્યો હતો, પણ એ પછી પહેલી તસવીર જોવા મળી હતી રામલલ્લાના કામચલાઉ તંબુમંદિરની. એ જ જગ્યાએ, જ્યાં પહેલાં બાબરી મસ્જિદ હતી! આ તે કેવો ચમત્કાર? મસ્જિદની પેલી વિશાળ દીવાલોનું શું થયું? એ કોણે તોડી? અને તોડી પાડવામાં આવેલી મસ્જિદના કાટમાળનું શું થયું? આટલા ટૂંકા સમયમાં એ કોણે અને કેવી રીતે દૂર કર્યો? વિશ્ર્વ હિંદુ પરિષદ  કદાચ એનું શ્રેય લેવાનું પસંદ કરે, પણ એટલું મોટું કામ કરવાનું એના કાર્યકરો માટે શક્ય નહોતું, કારણ કે મસ્જિદનો આખરી ગુંબજ તોડી પડાયો એના બે કલાક બાદ એ કાર્યકરોને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા. સરકારે જ એમને રેલવેસ્ટેશને પહોંચવા માટે બસોની વ્યવસ્થા કરી હતી. મસ્જિદની જાડી દીવાલો તોડવી એ કોઈ સામાન્ય માનવીનું કામ નહોતું. એ કામ માટે તો વ્યાવસાયિકોને જ રોકવામાં આવ્યા હશે.

છ ડિસેમ્બરે સાંજે 5:45 વાગ્યા સુધી ઉત્તર પ્રદેશમાં કલ્યાણસિંહની ભાજપ સરકાર સત્તા પર હતી. એની બરતરફી બાદ ગવર્નર જ રાજ્યના વહીવટી તંત્રના એકમાત્ર વડા હતા. વડા પ્રધાન નરસિંહ રાવે છેક રાતે ૧૦ વાગ્યે મસ્જિદ ફરી બાંધી આપવાની જાહેરાત કરી હતી. તો શું ગવર્નરે વડા પ્રધાનની ઈચ્છાની વિરુદ્ધનું કામ કર્યું હતું? જો એમણે એમ કર્યું હોય તો એમની સામે કે ઉત્તર પ્રદેશના કોઈ અધિકારી સામે કોઈ પગલું કેમ ભરાયું નહીં?

નવાઈની વાત એ છે કે જે સરકારે વિવાદાસ્પદ સ્થળે કારસેવાની મનાઈ ફરમાવી હતી એ હવે પોતાના જ શાસન હેઠળ વિવાદાસ્પદ સ્થળે મંદિરનિર્માણની સાક્ષી બનવા તૈયાર હતી. અહીં એક કાયદાનો ઉલ્લેખ કરવાનું જરૂરી છે. પૂજાસ્થળ (વિશેષ જોગવાઈ) કાયદો, ૧૯૯૧  નરસિંહ રાવે વડા પ્રધાન તરીકે સત્તાનાં સૂત્રો સંભાળ્યાના એક મહિનામાં જ (જુલાઈમાં) પાસ કરાવ્યો હતો. દેખીતી રીતે જ સરકારનો હેતુ કોઈ પણ ધાર્મિક સ્થળના ધાર્મિક સ્વરૂપની જાળવણી કરવાને લગતો હતો.

A make shift Ram temple comes up in place of Babri Masjid which was demolished by the Kar Sewaks a day before, Paramilitary force personal at the Make shift temple on 7th Dec 1992.

આ કાયદો ૧૯૪૭ની ૧૫ ઓગસ્ટે અસ્તિત્વમાં રહેલા કોઈ પણ ધાર્મિક સ્થળના ધાર્મિક સ્વરૂપની જાળવણી કરવા તેમ જ સંબંધિત અને પ્રાસંગિક બાબતોની સંભાળને લગતો છે. એનો હેતુ કોઈ પણ ધાર્મિક સ્થળના ફેરફારને રોકવાનો હતો. અચંબિત કરનારી બાબત એ છે કે કાયદાની કલમ-૩ અન્વયે રામજન્મભૂમિને આ કાયદામાંથી બાકાત રખાઈ હતી. તો શું અપવાદ સાથેનો આ કાયદો કોઈ પૂર્વનિયોજિત હેતુથી ઘડવામાં આવ્યો હતો?

અહીં એ ભૂલવું ન જોઈએ કે શાહબાનો કેસમાં ધબડકો થયા બાદ તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ હિંદુઓની લાગણી જીતવાનું નક્કી કર્યું હતું. શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટાવી દઈને મુસ્લિમોનું તુષ્ટિકરણ કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીને સમજાઈ ગયું હતું કે એમણે હિંદુઓને નારાજ કર્યા છે. પોતાના રાજકીય સલાહકાર અરુણ નેહરુની સલાહ અનુસાર રાજીવ ગાંધીએ બાબરી મસ્જિદ-રામમંદિર સ્થળનાં તાળાં ખોલાવી દીધાં અને એ સ્થળે હિંદુઓ માટે પૂજા કે શિલાન્યાસ કરવાનો માર્ગ મોકળો કર્યો હતો.

– તો શું બાબરીવિધ્વંસનાં બી એ વખતે રોપાઈ ગયાં હતાં એમ કહી શકાય? બાબરીવિધ્વંસ ઘટના અંગે ભાજપે તાત્કાલિક પ્રત્યાઘાત આપ્યા નહોતા. બાબરી તૂટ્યા પછી લાલકૃષ્ણ અડવાણીએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે આ એમના જીવનનો સૌથી કાળો દિવસ છે. એમના એ નિવેદનથી પક્ષના ઘણા લોકો નારાજ થયા હતા. સમજી શકાય કે ભાજપ કારોબારીએ અડવાણીના નિવેદન વિશે ટિપ્પણી કરવાનું ટાળી દીધું. એક પત્રકારે અટલ બિહારી વાજપેયીને વળી એમ પૂછ્યું કે મસ્જિદવિધ્વંસના વિરોધમાં શું તમે ભાજપ છોડી જશો?  ત્યારે વાજપેયીએ એમના જવાબમાં માત્ર એક જૂના હિંદી ફિલ્મી ગીતની કડી ઉચ્ચારી હતી: જાયેં તો જાયેં કહાં?

બાબરીધ્વંસની ઘટના વિશે એટલું કહીશ કે ભારતના રાજકારણમાં એ એક મોટો વળાંક સાબિત થઈ. એની સાથે જ નેહરુવાદી વિચારસરણીનું પતન થયું અને રાષ્ટ્રવાદનો ઉદય થયો.

– પ્રફુલ ગોરડિયા (નવી દિલ્હી)

નવી દિલ્હીસ્થિત લેખક પ્રફુલ ગોરડિયા ભારતીય જનતા પક્ષના ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. એક સમયે એ ભાજપની થિન્ક ટૅન્કના સભ્ય પણ હતા. પ્રસ્તુત લેખ ‘ફ્લાય મી ટુ ધ મૂન’ એ નામે એમણે લખેલાં સંસ્મરણોમાં અયોધ્યા પરના પ્રકરણમાંથી સાભાર લીધો છે.

નોટ આઉટ @ 87 : રાજેન્દ્રભાઈ શાહ

કુશળ ચાર્ટર્ડ-એકાઉન્ટ, વિદ્યાર્થીઓના પ્રિય પ્રોફેસર અને વહુઓ વખાણે તેવા સસરા એટલે રાજેન્દ્રભાઈ શાહ! તેમની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ અમદાવાદ, સાંકડી-શેરી, ગંગાઘીયાની પોળમાં. નવ ભાઈ-બહેન (અને નવ સાળા-સાળી!). શાળાનો અભ્યાસ ન્યુ-હાઈસ્કૂલમાં. બી.કોમ. એચ. એલ. કોલેજમાંથી. પછી એમ.કોમ. અને સી.એ. કર્યું. તેમને સંયુક્ત કુટુંબમાં ખૂબ શ્રદ્ધા છે. ઘરમાં નાના-અમથા પ્રસંગે પણ 150 કુટુંબીઓ ભેગા થઈ જાય! નવ ભાઈ-બહેનમાં તેમનો બીજો નંબર હતો. નાનાં બધાં ભાઈ-બહેનોને તેમણે પરણાવ્યાં અને ઠેકાણે પાડ્યાં. માતા-પિતાને પોતાની સાથે રાખી સાચવ્યાં. તેઓ કાયમ સંયુક્ત કુટુંબના સેન્ટરમાં રહેતા અને ક્યારેય ગુસ્સે થતા નહીં! નોકરી અને ટ્યુશન કરતા-કરતા તેમણે સી.એ. પાસ કર્યું! એક સમયે 22 ટ્યુશન કરતા અને પ્રોફેસર તરીકે બે કોલેજમાં ભણાવતા! બધાં કામમાં પત્નીનો પૂરેપૂરો સાથ અને સહકાર મળતો. ચાર વર્ષ પહેલાં હ્રદય રોગથી તેમનું અવસાન થયું.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

પ્રેક્ટિસ હજી ચાલુ છે. ઘણી શૈક્ષણિક-સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમની ઓફિસને 60-65 વર્ષ થયાં! છેલ્લા 70 વર્ષથી વહેલી સવારે 4:00 વાગે ઊઠીને જાતે ચા બનાવે! નાહી-ધોઈ ભગવાનનું નામ લે. માતા હયાત હતાં ત્યાં સુધી, સાડા-પાંચ વાગ્યે માતાને લઈ મંગળા કરવા અસારવા બેઠક-મંદિરે જાય! હજી પણ તે નિત્યક્રમ ચાલુ છે! બે કોલેજમાં વીઝીટીંગ પ્રોફેસર તરીકે ભણાવે છે. ઘેર આવી નાસ્તો કરી ઓફિસે જાય. એકાઉન્ટ, ઓડિટ અને કોસ્ટિંગના તેમના ક્લાયન્ટ્સ સાથે ઓફિસમાં કામ કરે. ઘરે આવી બે વાગે જમે. પછી થોડો આરામ કરે, ટીવી જુએ, મિત્રો અને ફેમીલી સાથે પ્રસંગે બહાર ફરવા અને જમવા પણ જાય. મહિનામાં એક વાર શ્રીનાથજી જરૂર જાય. પુત્રવધૂ હેમીશા શાહે હાઇકુ લખવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. તે હંમેશા કંઈ પણ લખે તો સૌથી પહેલા સસરાને બતાવે!

શોખના વિષયો : 

હરવા-ફરવાનો બહુ શોખ. દેશ-વિદેશમાં ઘણું ફર્યા છે. (હોંગકોંગ, દુબઈ, નૈરોબી, ચાઇના… ચારધામ, બે વાર કુલુ-મનાલી, માથેરાન-મહાબળેશ્વર…) આખું કુટુંબ (17  સભ્યો!) સાથે જ ફરવા જાય! હિન્દી-પિક્ચર જોવાનું ગમે. કપડાં એકદમ વ્યવસ્થિત પહેરે, કાયમ જેડ-બ્લ્યુમાં જ સિવડાવે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

બે વાર કોરોના થયો છે! હાર્ટમાં સ્ટેન્ટ મૂક્યો છે. એક પગે ની-રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવ્યું છે. બીજા પગમાં જેલ પૂરી છે. સારી રીતે ચાલી શકે છે. સવારે કસરત કરે છે અને સાંજે નિયમિત ચાલે છે.

યાદગાર પ્રસંગ:  

એકવાર રાજેન્દ્રભાઈ ઓફિસના કામમાં મશગૂલ હતા. ડોક્યુમેન્ટ્સ પાથરી વિગતો ચેક કરી રહ્યા હતા. પટાવાળો ચા લઈને આવ્યો. ચા આપવા જતા હાથ અથડાયો અને અગત્યનાં ડોક્યુમેન્ટ્સ પર ચા ઢોળાઈ. રાજેન્દ્રભાઈએ જરા પણ ગુસ્સે થયા વગર તેની પાસે સાફસૂફી કરાવી કામ આગળ વધાર્યું.

સિક્કિમ-નાથુલા પાસ પાસે હતા ત્યારે સખત વરસાદ પડ્યો, રસ્તો બહુ ખરાબ હતો, લેન્ડ સ્લાઈડીંગ થયું. કુટુંબના બધાં જ સભ્યો એકમેક સાથે અડીખમ ઊભાં રહ્યાં. “જઈશું તો સાથે જ જઈશું” એવો વિચાર કરીને હિમતથી વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો. નવ ભાઈ-બેન અને નવ સાળા-સાળીવાળા બહોળા કુટુંબમાં બાળકો પણ ઘણાં! ઘરના મોભીને છાજે તે રીતે, વેકેશનમાં ઉંમર પ્રમાણે ત્રણ ગ્રુપ પાડી બાળકોને ફરવા બોલાવે. ખવડાવી-પીવડાવી મોજ કરાવે! બધાં બાળકો આજે યુવાન-વયે તેમને ખૂબ માનભેર રાખે છે.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ઓફિસમાં લેટેસ્ટ પ્રોગ્રામ સાથે જ કામ કરે છે અને નવી ટેકનોલોજી સાથે એકદમ કમ્ફર્ટેબલ છે. સ્માર્ટફોન પણ બહુ સારી રીતે વાપરી શકે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

તેમને ખિસ્સા-ખર્ચીમાં ₹20 મળતા. તેમાં તો કેટલા પિક્ચર જોતા, બે આનામાં  ઈડલી-ઢોંસા ખાતા! સોનું ₹92નું તોલો! પહેલાના સમયમાં શિક્ષકો પ્રત્યે ઘણું માન હતું. આજે વિદ્યાર્થીઓ અને શિક્ષકો તું-તાથી વાત કરે એટલે માન ક્યાંથી હોય? તેમના ઘણા વિદ્યાર્થીઓ મોટા-મોટા વકીલ છે! દેશ-વિદેશ ફરવા જાય ત્યાં લોકો તેમને ગુરુ તરીકે મળવા આવે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

સંયુક્ત કુટુંબમાં અને ઓફિસમાં, બધાં યુવાનો સાથે ઘણું સારું ફાવે. બંને દીકરા અને પૌત્ર સાથે બહુ સરસ તાલ-મેલ છે. દીકરાઓ અને વહુઓ તેમનું બહુ ધ્યાન રાખે છે. તેઓ પુત્રવધૂઓને દીકરીની જેમ જ રાખે છે. હમણાં એકવાર તબિયત બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા તો કુટુંબનું કોઈ સભ્ય હોસ્પિટલમાંથી ખસ્યું નહીં!

સંદેશો :  

પોઝિટિવ વિચારો અને પોઝિટિવ બનો. નેગેટિવ વિચારશો તો નેગેટીવ થશે.

પંચાંગ 17/01/2024

ઈરાને પાકિસ્તાનમાં 2 આતંકવાદી ટાર્ગેટ પર હુમલો કર્યો

ઈરાને પાકિસ્તાનમાં આતંકી સંગઠનોના અડ્ડા પર હુમલો કરવાનો દાવો કર્યો છે. તમને જણાવી દઈએ કે આ એક હવાઈ હુમલો હતો અને તેને બલુચિસ્તાનના પંજગુરમાં કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઈરાને કહ્યું કે તેણે આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડા પર હુમલો કર્યો છે, જો કે અત્યાર સુધી પાકિસ્તાન તરફથી આ હુમલાની ન તો કોઈ પુષ્ટિ કરવામાં આવી છે કે ન તો કોઈ ઈન્કાર કરવામાં આવ્યો છે.

 

મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો

મંગળવારે પાકિસ્તાનમાં બલોચી આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના બે ઠેકાણાઓને મિસાઈલ વડે નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાનના સરકારી મીડિયાએ આ જાણકારી આપી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા ઈરાક અને સીરિયામાં મિસાઈલ હુમલાના એક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આતંકવાદી જૂથ અગાઉ પણ પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તારમાં ઈરાની સુરક્ષા દળો પર હુમલો કરી ચૂક્યું છે. સંક્ષિપ્ત માહિતી આપતા ઈરાની મીડિયાએ કહ્યું કે, આ લક્ષ્યો પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેનો નાશ કરવામાં આવ્યો હતો.

બે અડ્ડાઓ પર હુમલો કર્યો

ઈરાનનો દાવો છે કે તેના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) એ પાકિસ્તાનમાં સુન્ની બલૂચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલ પર મિસાઈલ અને ડ્રોન વડે આ હુમલો કર્યો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સે અહેવાલ આપ્યો છે કે ઈરાને પાકિસ્તાનમાં જૈશ અલ-અદલના બે અડ્ડાઓ પર હુમલો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદી જૂથે પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં ઈરાની સુરક્ષા જવાનો પર હુમલો કર્યો હતો.

સચિન, ધોની, કોહલી સહિતના દિગ્ગજોને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું

ભારત સહિત વિશ્વ 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યું છે. આ દિવસે અયોધ્યામાં રામલલાનો અભિષેક વિધિ થવાનો છે. આ સમારોહ માટે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને હરભજન સિંહ સહિત રમત જગતના ઘણા દિગ્ગજ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માને પણ જીવન અભિષેક સમારોહનું આમંત્રણ મળ્યું છે. આ પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પણ આમંત્રણ મળ્યું હતું. તમને જણાવી દઈએ કે ધોનીને આ આમંત્રણ પત્ર RSSના સહ-પ્રાંત સચિવ ધનંજય સિંહે આપ્યું હતું. ભાજપ પ્રદેશ સંગઠન મહાસચિવ કર્મવીર સિંહ પણ હાજર રહ્યા હતા.

કોહલી અને ટીમનું શેડ્યૂલ આ પ્રમાણે રહેશે

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ હાલમાં અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે 3 મેચની T20 સીરીઝ રમી રહી છે. આ સિરીઝમાં કોહલી પણ રમી રહ્યો છે. ભારતીય ટીમે પ્રથમ 2 મેચ જીતીને શ્રેણી 2-0થી કબજે કરી લીધી છે. હવે છેલ્લી મેચ બેંગલુરુમાં 17 જાન્યુઆરીએ રમાશે. આ પછી ભારતીય ટીમે ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે 5 મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે. તેની પ્રથમ મેચ 25 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાશે. આવી સ્થિતિમાં કોહલી પાસે 22મી જાન્યુઆરીએ ફ્રી ડે હશે અને તેને રામ લલ્લાના અભિષેક સમારોહમાં હાજરી આપવાનો મોકો પણ મળશે. કોહલી ઉપરાંત ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે.

પીએમ મોદી સહિત 7 હજારથી વધુ લોકો ભાગ લેશે

આ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત હજારો લોકો ભાગ લેશે. તમને જણાવી દઈએ કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે લગભગ 7,000 લોકોને આમંત્રણ મોકલ્યા છે, જેમાં 3 હજાર VVIP સામેલ છે. આ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સમારોહ પહેલા અયોધ્યા શહેરને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે.

ફેબ્રુઆરીથી પર્સનલ લોન લેવી મોંઘી થશે

ફેબ્રુઆરીથી પર્સનલ લોન લેવી મોંઘી થવા જઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગ્રાહક ધિરાણ પર જોખમનું વજન 100% થી વધારીને 125% કર્યું છે. જેના કારણે તમામ નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFC)નું જોખમ વધશે. આના પરિણામે અસુરક્ષિત લોન આપવાના ખર્ચમાં વધારો થશે. માહિતી અનુસાર, તમામ હિતધારકોએ 29 ફેબ્રુઆરી 2024થી તેમની તમામ અસુરક્ષિત લોનમાં RBIના આ નવા નિયમનો અમલ કરવો પડશે. NBFC વ્યાજ દરોમાં વધારો કરીને લોન લેનારાઓ પર આ બોજને આગળ વધારશે.

લોનના દરમાં ફેરફાર થશે

ફેરફાર પછી, આરબીઆઈના નિયમન ધિરાણકર્તાઓએ હવે તેમના દ્વારા આપવામાં આવેલી લોનની રકમના આધારે મૂડીનો ચોક્કસ પ્રમાણ જાળવી રાખવાની જરૂર પડશે. નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું કે આનાથી લોન પ્રદાતાઓ પર જોખમનો બોજ વધશે. આ સિવાય હવે ધિરાણકર્તાઓ માટે જોખમી લોન માટે ઉચ્ચ મૂડી અનામત જાળવવાનું ફરજિયાત બનશે. જેના કારણે લોનના દરમાં ફેરફાર થશે.

100 રૂપિયાની લોન આપવાથી રૂપિયા 125 ગુમાવવાનું જોખમ રહેશે

નિષ્ણાતોના મતે, અગાઉ જ્યારે 100 રૂપિયાની લોન આપવામાં આવતી હતી, ત્યારે ધિરાણકર્તાના નાણાં ગુમાવવાનું જોખમ 100 રૂપિયા હતું. પરંતુ નવા નિયમો બાદ હવે આ જોખમ 125 રૂપિયા થઈ જશે. જેના કારણે ધિરાણકર્તા વ્યાજ દરમાં વધારો કરશે. એવો અંદાજ છે કે લોન પર જે વ્યાજ દર પહેલા 9 ટકા હતો તે હવે 11 ટકા સુધી પહોંચી શકે છે. તેવી જ રીતે, ક્રેડિટ કાર્ડ જારી કરતી કોમર્શિયલ બેંકોનું જોખમ હવે 150% રહેશે, જે પહેલા 125% હતું.

ધિરાણકર્તાએ વધુ લોન આપવા માટે બજારમાંથી વધુ ભંડોળ એકત્ર કરવું પડશે

આવી સ્થિતિમાં જોખમમાં આ 25 ટકા વધારાનો બોજ સામાન્ય જનતા પર જ પડશે. નિષ્ણાતોના મતે હવે ધિરાણકર્તાએ વધુ લોન આપવા માટે બજારમાંથી વધુ ભંડોળ એકત્ર કરવું પડશે. જ્યારે તમામ ધિરાણકર્તાઓ બજારમાં આ કરે છે, ત્યારે બજારમાં નવા ભંડોળની માંગ વધશે, જે દેખીતી રીતે તેમના માટે તેનો લાભ લેવો મોંઘો બનાવે છે. પરિણામે, ધિરાણકર્તા આ બોજ લોન લેનારાઓ પર પસાર કરશે.

મોરારી બાપુને રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું મળ્યું આમંત્રણ, 24 ફેબ્રુઆરીથી અયોધ્યામાં કરશે રામકથા

આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે રામ કથાકાર મોરારીબાપુને રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી મહોત્સવનું આમંત્રણ મળ્યું છે. મોરારીબાપુએ પ્રાણ પ્રતિષ્ઠા પછી 24 ફેબ્રુઆરીથી અયોધ્યામાં રામ કથા કરશે તેવું મીડિયાને જણાવ્યું છે.

રામ પાસેથી રાજનીતિની પ્રેરણા લેવી જોઇએ

મીડિયા સાથેની વાતચીતમાં મોરારીબાપુએ જણાવ્યું છે કે, હું રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ રહ્યો છું. આ ક્ષણને લઈ હું અભિભૂત છું. મારા જીવનની આટલી મોટી આ પહેલી ઘટના છે. આ રામ રાજ્યનું શુકન છે. રામ મંદિરના અભિષેકમાં જે કંઈ થઈ રહ્યું છે તે શાસ્ત્રો પ્રમાણે થઈ રહ્યું છે. જેમને ન આવવું હોય તેમને આશીર્વાદ આપવા જોઈએ. તમારે તમારી શુભેચ્છાઓ આપવી જોઈએ. રામ પાસેથી રાજનીતિની પ્રેરણા લેવી જોઇએ.

ભારત દેશનું નામ દુનિયામાં ગૂંજી રહ્યું છે

ભારતનું નામ આખી દુનિયામાં ગુંજી રહ્યું છે. જેમાં નરેન્દ્ર મોદીનું મોટું યોગદાન છે. મારા કોલ પર 18.60 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. મેં 11 કરોડ રૂપિયા આપ્યા છે. બાકીનું રામકથા સમયે દાન કરીશ.રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વમાં શંકરાચાર્ય ઉપસ્થિત નથી રહેવાના જે અંગે બાપુએ જણાવ્યું કે, એમના મનમાં શું છે તે તેઓ જાણે. આ શુભ અવસર પર તમામ ગુરૂજનો અને મહાનુભાવોના આશીર્વાદ લેવા જોઈએ. તે આવે કે ન આવે, કમ સે કમ આશીર્વાદ તો હોવા જોઈએ.

લોકસભાની ચૂંટણી પહેલા મિશન લોટસ સક્સેસ, મોટી ઉલટફેરના એંધાણ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા મિશન લોટસ સક્સેસ, વિપક્ષ નેતાઓની કમલમમાં લાઇનો લાગશે! તેમાં રાજકોટ જિ.પં.ના વિપક્ષના પૂર્વ નેતા 12 વાગ્યે સી.આર.પાટીલના હસ્તે ભાજપમાં જોડાશે. તેમજ અર્જુન ખાટરીયા સાથે જિ.પં.ના 3 સભ્યો પણ જોડાશે. તથા વાઘોડિયાના MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે અને ભાજપમાં જોડાય તેવી ચર્ચા શરૂ થઇ છે.

ઉલ્લેખનીય છે કે ગીતા ચૌહાણ, મીરા ભાલોડિયા, ગીતા ચાવડા ભાજપમાં જોડાશે. 1 હજાર કાર્યકરો સાથે અર્જુન ખાટરીયા ભાજપમાં જોડાશે. તેમજ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ, સહકારી ક્ષેત્રના હોદ્દેદારો જોડાશે. તથા કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનો ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. તેમજ ટુંક સમયમાં ધર્મેન્દ્રસિંહ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. વાઘોડિયાના MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે. તથા ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિધિવત રીતે ભાજપમાં જોડાશે. વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા. જેમાં માહિતી છે કે ધર્મેન્દ્રસિંહ સાથે 3થી વધુ MLA રાજીનામા આપશે.

અત્યાર સુધી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યોના નામો ચર્ચામાં રહેતા હતા, તે કતારમાં હવે અપક્ષ ધારાસભ્ય પણ આવ્યાં છે. અહીં પણ વાત ભાજપના ઓપરેશન લોટસ સાથે જોડાયેલી જ છે. વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવેલાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપીને કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાશે. તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. ઉત્તરાયણ બાદ વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય રાજીનામું આપી ભાજપમાં જોડાશે તેવી ચર્ચા વહેતી થઈ છે. ઉલ્લેખનીય છેકે, ભાજપે અગાઉ ટિકિટ નહોંતી આપી તો અપક્ષ ઉમેદવારી કરીને પણ તેઓ વિધાનસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં. આ એજ બેઠક છે જ્યાંથી સળંગ છ ટર્મ સુધી મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી ચૂંટાતા હતાં.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ઘરે બેઠા લાઈવ જોઈ શકાશે, જાણો કેવી રીતે?

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. વાસ્તવમાં રામ લલ્લાનું જીવન 22 જાન્યુઆરીએ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, પરંતુ એક સપ્તાહ લાંબો કાર્યક્રમ હોવાથી આજથી એટલે કે 16 જાન્યુઆરી શરૂ થઈ ગયો છે. ત્યારે દરેક દેશવાસી ઘરે બેઠા પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેનું 4k વિડિયોની ગુણવત્તામાં ટેલિકાસ્ટ થશે. આ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું ડીડી નેશનલ અને ડીડી ન્યૂઝ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. રામ મંદિરની સાથે સરયૂ ઘાટ અને અન્ય સ્થળો પાસે રામની પૈડી જટાયુ પ્રતિમાનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાએ કહ્યું છે કે, 23 જાન્યુઆરીની વિશેષ આરતી અને સામાન્ય લોકો માટે મંદિરના ઉદઘાટનનું પણ દૂરદર્શન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

સમગ્ર અયોધ્યાને ભવ્ય રીતે શણગારવામાં આવી

પ્રાણ પ્રતિષ્ઠા માટે સમગ્ર અયોધ્યાને ભવ્ય રીતે શણગારવામાં આવી છે. કાર્યક્રમના સાક્ષી બનવા માટે અહીં લગભગ 8000 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. દરેક વ્યક્તિએ જોવા માંગે છે કે, PM નરેન્દ્ર મોદીની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શું થશે, કોણ આવી રહ્યું છે અને કેવી રીતે પૂજા કરવામાં આવશે? અને તે પણ અયોધ્યા પહોંચ્યા વિના. ત્યારે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.


દૂરદર્શન જીવંત પ્રસારણની વ્યવસ્થા

કેન્દ્ર સરકારના માહિતી આપતા માધ્યમ PIB અનુસાર, 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના સાક્ષી બનવા માટે દૂરદર્શન (DD) દ્વારા દેશના લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હકીકતમાં, સમગ્ર પ્રસારણ ડીડી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના માટે અયોધ્યામાં રામ મંદિર અને તેની આસપાસ 40 કેમેરા લગાવવામાં આવશે. સમગ્ર ઇવેન્ટનું 4Kમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે.

અન્ય ચેનલોને આપવામાં આવશે ફીડ

પીઆઈબીના જણાવ્યા અનુસાર, દૂરદર્શન સિવાય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું પ્રસારણ ખાનગી ચેનલો દ્વારા પણ કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર કાર્યક્રમની ફીડ ન્યૂઝ એજન્સી ANI સાથે પણ શેર કરવામાં આવશે. ભારત ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમનું ટેલિકાસ્ટ જોવા માટે યુટ્યુબ લિંક તૈયાર કરવામાં આવી રહી છે. તે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પ્રસારિત કરવામાં આવશે. સમગ્ર કવરેજ જીવંત અને વિવિધ ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું 4K ટેકનોલોજી દ્વારા ખૂબ જ સ્પષ્ટ અને સરસ જીવંત પ્રસારણ કરવામાં આવશે.

યુટ્યુબ પર પ્રસારિત કરવામાં થશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ભારત સિવાય અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કાર્યક્રમનું પ્રસારણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે યુટ્યુબ લિંક તૈયાર કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેનું પ્રસારણ કરવામાં આવશે.

કોર્ટે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત 30 લોકોને નિર્દોષ છોડ્યા

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટે મંગળવારે 2017ના ગેરકાયદે એસેમ્બલી કરી અને નવી દિલ્હી જઈ રહેલી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રાજધાની ટ્રેનને વિક્ષેપિત કરવાના કેસમાં 30 અન્ય લોકો સાથે ધારાસભ્યને નિર્દોષ જાહેર કર્યા હતા.

અમદાવાદ જિલ્લાના સરોડા ગામની 13 મહિલાઓ સહિત મેવાણી, તેના તત્કાલીન સહયોગી રાકેશ માહેરિયા અને અન્ય 29 લોકો સામે IPC કલમ 143 (ગેરકાયદે ટોળું), 147 (હુલ્લડ), 149, 332 કલમ, તથા 120B (ગુનાહિત કાવતરું) તેમ જ રેલવે અધિનિયમની કલમ 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

જિગ્નેશ મેવાણી, સરોડા ગામના રહેવાસીઓ સાથે, દલિતોને ફાળવવામાં આવેલી જમીનના પ્લોટના કબજાની માગ સાથે વિરોધનું નેતૃત્વ કર્યું હતું, જે ઉચ્ચ જાતિના પ્રભાવશાળી લોકોના કબજામાં છે. પ્રાપ્ત અહેવાલ મુજબ મેવાણી અન્ય વિરોધીઓ સાથે ટ્રેનના એન્જિન પર ચઢી ગયા હતા અને રેલવે ટ્રેક પર સૂઈને ટ્રેનનો માર્ગ અવરોધિત કર્યો હતો.

બચાવ પક્ષના વકીલ ગોવિંદ પરમારના જણાવ્યા અનુસાર, ફરિયાદ પક્ષના લગભગ 70 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી, ત્યાર બાદ પી.એન. ગોસ્વામીની મેજિસ્ટ્રેટ કોર્ટે 13 મહિલાઓ સહિત તમામ 31 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. અગાઉ, નવેમ્બર 2023 અને ઓક્ટોબર 2022માં, એડિશનલ મેજિસ્ટ્રેટ ગોસ્વામીએ અન્ય બે કેસોમાં મેવાણીની સાથે અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, જ્યાં 2016ના વિરોધ માટે રમખાણોના આરોપો લાદવામાં આવ્યા હતા.