ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિ – ૧૫ જાન્યુઆરી, ૨૦૨૪
ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિ – ૧૫ જાન્યુઆરી, ૨૦૨૪
શેરબજારમાં તેજીની આગેકૂચઃ BSE સેન્સેક્સ 73,000ને પાર
અમદાવાદઃ સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારોનો રેકોર્ડ બનાવવાનો સિલસિલો જારી રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે બંધ આવ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. ત્રણ લાખ કરોડનો વધારો થયો હતો. છેલ્લાં બે ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. છ લાખ કરોડનો વધારો થયો છે.
શેરબજારમાં સતત પાંચમા દિવસે તેજીની આગેકૂચ થઈ હતી. ઇન્ટ્રા-ડેના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સે 73,000ની સપાતી વટાવીને 73,402.16ની નવી ઊંચી સપાટી સર કરી હતી અને એ સાથે નિફ્ટીએ 22,115.55 પોઇન્ટની નવી ઊંચી સપાટી બનાવી હતી. IT કંપનીઓનાં પ્રોત્સાહક પરિણામોએ બજારમાં આગઝરતી તેજી થઈ રહી છે.
BSE સેન્સેક્સ ટ્રેડિંગ સેશનને અંતે 759.48 ઊછળી, 73,000ની સપાટી વટાવી 73,327.94 બંધ આવ્યો હતો, જ્યારે NSEનો 50 ઇન્ડેક્સ 202.90 પોઇન્ટ ઊછળી 22,097.45ના મથાળે બંધ આવ્યો હતો. BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 376.14 લાખ કરોડે પહોંચ્યું હતું. જેથી રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 2.85 લાખ કરોડનો વધારો થયો હતો. જાન્યુઆરીમાં અત્યાર સુધી માર્કેટ કેપમાં રૂ. 12 લાખ કરોડનો વધારો થયો હતો. નિફ્ટી બેન્ક 520 પોઇન્ટની તેજી સાથે 48,229ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 325 પોઇન્ટની તેજી સાથે 47,838ના સ્તરે બંધ થયો હતો.
BSEમાં કુલ 4060 શેરોમાં ટ્રેડિંગ થયાં હતાં, એમાં 2102 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1843 શેરો નરમ બંધ આવ્યા હતા, જ્યારે 115 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 565 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી અને 16 શેરોએ 52 સપ્તાહની નવી નીચલી સપાટી બનાવી હતી.
અદાણીની ગુજરાત જાયન્ટ્સ ખો-ખો લીગમાં ચેમ્પિયન બની
કટકઃ ગુજરાત જાયન્ટ્સે શનિવારે રમાયેલી અલ્ટિમેટ ખો-ખો લીગની બીજી સીઝનની ફાઈનલમાં પોતાના હરીફ ચેન્નાઈ ક્વિક ગન્સને સરળતાથી હરાવી ટ્રોફી પર કબજો કર્યો હતો. ખો-ખોની રમતના વિકાસમાં યોગદાન આપવા કટિબદ્ધ અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ ટીમ ખો-ખો લીગમાં પ્રથમ વાર ચેમ્પિયન બની છે. જાયન્ટ્સે ફાઈનલમાં 31-26ના અંતરથી ચેન્નાઈને હરાવ્યું, ટીમે સંપૂર્ણ મેચમાં પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો.
ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન અક્ષય ભંગારેએ કહ્યું હતું કે અમે બીજી સીઝનમાં ચેમ્પિયન બન્યા તેનો આનંદ છે. ટીમે સંપૂર્ણ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ જીતનું શ્રેય અમારી પાછળ સતત મહેનત કરી રહેલ અદાણી સ્પોર્ટ્સ લાઈનની ટીમને જાય છે. આ ઉપરાંત અમારી જીત તમામ ખો-ખો ખેલાડીઓને પ્રેરિત કરનારી જીત છે. અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકી ધરાવતી ગુજરાત જાયન્ટ્સની ટીમ માટે કટકમાં યોજાયેલી લીગ ઘણાં ઉતાર-ચઢાવથી ભરપૂર રહી હતી. ગુજરાતની ટીમ દર્શકોને એન્ટરટેઇન કરનાર ટીમમાંથી એક રહી હતી. ટીમે લીગ રાઉન્ડમાં 21 પોઈન્ટ્સ અને 55ના સ્કોર ડિફરન્સ સાથે ત્રીજા સ્થાને રહી અંત કર્યો હતો, જેમાં ટીમે છ મેચ જીતવાની સાથે અમુક મેચ ટાઈ કરી હતી અને અમુક મેચમાં ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો.
Gujarat Giants weave Kho Kho magic! 🦁 @GiantsKho clinch their first @ultimatekhokho trophy, driven by dazzling attacking prowess. Kudos to Coach Sanjeev Sharma, Asst Coach Mahesh — your remarkable journey to victory is engraved in Kho Kho history! @AdaniSportsline @AdaniOnline pic.twitter.com/LV7tkNn04Y
— Pranav Adani (@PranavAdani) January 13, 2024
ગુજરાત જાયન્ટ્સે સેમી ફાઈનલમાં હોમ ટીમ ઓડિશા જગરનૉટને મજબૂત ટક્કર આપી અને રોમાંચક મેચને 29-27થી જીતી હતી. અદાણી એન્ટરપ્રાઈઝનાં ડિરેક્ટર પ્રણવ અદાણીએ ટ્વિટ કર્યું હતું કે ગુજરાત જાયન્ટ્સે ખો-ખોમાં જાદુ કરી દેખાડ્યો અને ટ્રોફી જીતી હતી, એ માટે કોચ સંજીવ શર્મા, આસિસ્ટન્ટ કોચ મહેશને યાદગાર સફરના સફળ અંત માટે અભિનંદન. આ ઐતિહાસિક જીત છે.
IMFએ વિશ્વને આપી ચેતવણી, કહ્યું- ‘AI 40% નોકરીઓ ઘટાડશે અને અસમાનતા વધશે’
આજકાલ તમે સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું નામ ઘણું સાંભળ્યું હશે. તેને હિન્દીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પણ કહેવામાં આવે છે. તેનું કામ લોકોના ઘણા મુશ્કેલ કાર્યોને ચપટીમાં સરળ બનાવવાનું છે. આધુનિક ટેક્નોલોજી તરફ ઝડપથી આગળ વધી રહેલી દુનિયામાં AI એક મોટી ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે, જેની શરૂઆત થઈ ચૂકી છે.

IMF એ AI વિશે શું કહ્યું?
દરેક આધુનિક તકનીકમાં ફાયદા અને ગેરફાયદા બંને છે. AI સાથે પણ આવું જ થઈ રહ્યું છે. તેના કેટલાક ફાયદા છે અને કેટલાક ગેરફાયદા પણ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા તેના એક તાજેતરના અહેવાલમાં AIનો એક ગેરલાભ જાહેર કરવામાં આવ્યો છે. હકીકતમાં, IMF દ્વારા કરવામાં આવેલા નવા વિશ્લેષણ મુજબ, AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશ્વભરની લગભગ 40% નોકરીઓને અસર કરી શકે છે. IMFના મેનેજિંગ ડિરેક્ટર કહે છે કે, AI કદાચ સમગ્ર વિશ્વમાં અસમાનતાને વધુ ખરાબ કરશે. તે માને છે કે નીતિ ઘડવૈયાઓએ આવા ખલેલ પહોંચાડનારા વલણો પર ધ્યાન આપવું જોઈએ જેથી ટેક્નોલોજીને સામાજિક તણાવને વધુ ઉશ્કેરવાથી અટકાવી શકાય. આ રિપોર્ટ અનુસાર IMFએ કહ્યું કે AI અદ્યતન અર્થવ્યવસ્થાઓમાં લગભગ 60% નોકરીઓના મોટા હિસ્સાને અસર કરશે. આમાંથી અડધા કર્મચારીઓ એવા હશે જેઓ AI થી લાભની અપેક્ષા રાખી શકે છે, જે તેમની ઉત્પાદકતામાં વધારો કરશે.

વિશ્વમાં બેરોજગારી અને અસમાનતા વધશે
આ ઉપરાંત, તે કાર્યો AI દ્વારા પણ કરી શકાય છે, જે હાલમાં માણસો એટલે કે કર્મચારીઓને કરવાની જરૂર છે. આનાથી શ્રમની માંગ ઘટી શકે છે, પગારને અસર થઈ શકે છે અને નોકરીઓ પણ ગુમાવી શકે છે. જો કે, IMFનો અંદાજ છે કે AI ટેકનોલોજી ઓછી આવક ધરાવતા દેશોમાં માત્ર 26% નોકરીઓને અસર કરશે. IMFના મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ઘણા દેશો પાસે AI નો લાભ લેવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અથવા કુશળ કાર્યબળ નથી, જે જોખમમાં વધારો કરે છે કે સમય જતાં આ ટેક્નોલોજી વિશ્વભરના દેશો વચ્ચે અસમાનતા વધારી શકે છે.
IMF માને છે કે ઓછી આવક ધરાવતા અને વૃદ્ધ કામદારો પાછળ રહી શકે છે. આ અંગે, જ્યોર્જિવાએ કહ્યું, “દેશો માટે વ્યાપક સામાજિક સુરક્ષા પ્રણાલીઓ બનાવવી અને નબળા (ઓછી આવકવાળા, વૃદ્ધો અથવા જેઓ AI ટેક્નોલોજી નથી સમજતા) કામદારો અથવા કર્મચારીઓ માટે પુનઃપ્રશિક્ષણ કાર્યક્રમો પ્રદાન કરે તે મહત્વપૂર્ણ છે.” “આમ કરીને, અમે AI સંક્રમણને વધુ ઉત્પાદક બનાવી શકીએ છીએ, આજીવિકાનું રક્ષણ કરી શકીએ છીએ અને અસમાનતાને કાબૂમાં રાખી શકીએ છીએ.”
૧૭મા પદવીદાન સમારોહમાં ૩૫૮૫ વિદ્યાર્થીઓને પદવી એનાયત
મહેસાણાઃ ગણપત વિશ્વ વિદ્યાલયમાં ૧૭મા પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારંભમાં ઉપસ્થિત ભારત સરકારના ડિરેક્ટર જનરલ ઓફ શિપિંગ શ્યામ જગન્નાથને જણાવ્યું હતું કે યુવાનોએ પારંપરિક શિક્ષણની સાથે વ્યવસાયિક શિક્ષણ જરૂરૂી છે, જેને ગણપત વિશ્વ વિદ્યાલય અનુસરી રહ્યું છે. તેમણે જણાવ્યુ્ં હતું કે ગણપતભાઇ પટેલના દીર્ઘદષ્ટિ નેતૃત્વને પગલે ગુની પરીવારનો વિદ્યાર્થી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપી રહ્યો છે.
આ પદવીદાન સમારોહમાં ૩૫૮૫ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં ૨૫૭૧ વિદ્યાર્થીઓ અને ૧૦૧૪ વિદ્યાર્થિનીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. સુવર્ણ ચંદ્રક એનાયત કરેલા ૯૨ વિદ્યાર્થીઓમાં ૫૮ વિદ્યાર્થીઓ અને ૩૪ વિદ્યાર્થિર્નીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા.
આ સમારોહમાં ૯૩૭ ડિપ્લોમા, ૧૭૦૭ ગ્રેજ્યુએટ, ૮૬૬ પોસ્ટ ગ્રેજ્યુએટ, ૪૧ પીજી ડિપ્લોમા અને ૩૪ વિદ્યાર્થીઓને ડોકટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પૈકી આર્કિટેક્ટ ડિઝાઇન પ્લાનિંગ અભ્યાસક્રમમાં ૨૫, કોમ્પ્યુટર એપ્લિકેશન અભ્યાસક્રમમાં ૫૮૦, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીમાં ૧૭૮૯, મેનેજમેન્ટ સ્ટડીઝમાં ૩૮૨, ફાર્મસીમાં ૧૪૮, વિજ્ઞાનમાં ૫૯૦ અને સોશિયલ સાયન્સ હ્યુમાનિટીઝ અભ્યાસક્રમમાં ૭૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી

યુનિવર્સિટીના પ્રમુખ, પદ્મશ્રી ગણપતભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારમાં દરેક અધિકારીઓની પદાધિકારીઓની મદદને પગલે યુનિવર્સિટીનો વિકાસ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આજે સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ છે જોગાનુજોગ આજે મારો જન્મ દિવસ છે જે દિવસે મને જીંદગીભર યાદ રહી જાય તેવી ભેટ ગુની પરિવારે આપી છે. વિદ્યાર્થીઓએ તેમનું જીવન સફળ અને પ્રેરણાદાય બનાવી અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બનવું જોઇએ, એમ તેમણે જણાવ્યું હતું.
આ ૧૭મા પદવીદાન સમારંભમાં ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, ગણપતદાદાનાં ધર્મપત્ની મંજુલાબહેન પટેલ, વિદ્યાર્થીઓ વાલીઓ, આમંત્રિત મહેમાનો, બોર્ડ મેમ્બર્સ ,આચાર્યો, પ્રાધ્યાપકો સહિત પ્રબુદ્ધ નાગરિકો વિદ્વાન પ્રાધ્યાપકો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પદવીદાન સમારોહને સફળ અને સાર્થક બનાવ્યો હતો.
પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન શર્મિષ્ઠા મુખર્જીએ પીએમ મોદીને તેમનું પુસ્તક ‘પ્રણવ માય ફાધરઃ અ ડોટર રિમેમ્બર્સ’ અર્પણ કર્યું. શર્મિષ્ઠા મુખર્જીએ પીએમ મોદી સાથેની તેમની મુલાકાતનો ફોટો શેર કર્યો અને સોશિયલ મીડિયા પર લખ્યું, મેં તેમને મારા પુસ્તક ‘પ્રણવ માય ફાધરઃ અ ડોટર રિમેમ્બર્સ’ની કોપી આપી. હંમેશની જેમ તેઓ મારા પ્રત્યે દયાળુ હતા અને બાબા (પ્રણવ મુખર્જી) માટે તેમનો આદર ઓછો થયો ન હતો. આભાર સર.’
Called on Hon’ble PM Shri @narendramodi ji to present him a copy of my book ‘Pranab My Father: A Daughter Remembers’. He was as kind to me as he always had been & his regards for Baba remains undiminished. Thank you Sir🙏 pic.twitter.com/WdV3SBW5w0
— Sharmistha Mukherjee (@Sharmistha_GK) January 15, 2024
કયા દાવા કરવામાં આવ્યા છે?
શર્મિષ્ઠા મુખર્જીએ પોતાના પુસ્તક ‘પ્રણવ માય ફાધરઃ અ ડોટર રિમેમ્બર્સ’માં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિશે ઘણા દાવા કર્યા છે. મુખર્જીએ પુસ્તકમાં દાવો કર્યો છે કે તેમના પિતા (પ્રણવ મુખર્જી)એ તેમને એકવાર કહ્યું હતું કે રાહુલ ગાંધી ઘણા પ્રશ્નો પૂછે છે, પરંતુ તેમનામાં પરિપક્વતાનો અભાવ છે. મુખર્જીએ પુસ્તકમાં લખ્યું છે કે એકવાર તેમણે તેમના પિતાને પૂછ્યું કે શું તેઓ વડાપ્રધાન નહીં બને? આ અંગે સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જીએ કહ્યું કે તેઓ મને પીએમ નહીં બનાવે. કોંગ્રેસે શર્મિષ્ઠા મુખર્જીના દાવાને ફગાવી દીધા છે. તેમજ પાર્ટીનું કહેવું છે કે કદાચ શર્મિષ્ઠા ક્યાંક જવાની તૈયારી કરી રહી છે.
શ્રી દિલ્હી ગુજરાતી સમાજ દ્વારા મંગલ મિલન લગ્ન પરિચય સંમેલન
નવી દિલ્હીઃ શ્રી દિલ્હી ગુજરાતી સમાજ પાછલાં પાંચ મંગલ મિલન લગ્ન પરિચય સંમેલનના સફળ આયોજન બાદ ફરી એક વાર ૩૧-૩-૨૦૨૪ના રોજ મંગલ મિલનનું આયોજન કરે છે. મંગલ મિલન લગ્ન પરિચય સંમેલન ભારતભરના વિવિધ ગુજરાતીઓ સાથે સંપર્ક સાધીને વિવાહ યોગ્ય યુવક-યુવતીઓને મંચ આપવાનો નમ્ર પ્રયાસ છે.

વતનથી દૂર જુદા-જુદા પ્રાંતોમાં રહેતા ગુજરાતી પરિવારોમાં આપણી સંસ્કૃતિ, રહેણીકરણી ને ભાષા, શોખ અને કેળવણીને અનુકૂળ જીવનસાથી મળી રહે એ માટે દિલ્હી ગુજરાતી સમાજ પ્રયાસરત છે. આજના યુવાનો કેરિયરમાં ગોઠવાઈને પરિપક્વ થયા પછી પ્રભુતામાં પગલાં પાડવાનો વિચાર કરે છે, જેમાં તેમની પસંદગી માટે મંગલ મિલન પરિચય સહાયરૂપ થાય છે. મંગલ મિલન પરિચય સંમેલન દેશનાં વિવિધ સ્થળોએ વસતાં ગુજરાતીઓ સાથે સંપર્ક સાધીને વિવાહ યોગ્ય યુવક-યુવતીઓને મંચ આપવાનો પ્રયાસ છે. તમારા વિવાહ યોગ્ય પાત્રનું રજિસ્ટ્રેશન કરાવો. આપ આપનું રજિસ્ટ્રેશન ગૂગલ ફોર્મ ભરીને પણ કરી શકો છો.
આ પરિચય સંમેલનમાં વિવાહ યોગ્ય ગુજરાતીઓ ભાગ લઈ શકશે. આ માટેનું રજિસ્ટ્રેશન ફોર્મ સમાજની ઓફિસમાં ઉપલબ્ધ છે. આ રજિસ્ટ્રેશન ફોર્મ 28 ફેબ્રુઆરી, 2024 સુધી સમાજની ઓફિસમાં જમા કરાવવું ફરજિયાત છે. આ માટેની રજિસ્ટ્રેશન ફી રૂ. 500 છે. બહારગામથી આવવાવાળાની વ્યવસ્થા સ્વખર્ચે સમાજના અતિથિ ભવનમાં કરવામાં આવશે, ફણ એની જાણ પહેલેથી કરવાની રહેશે, એમ સમાજના પ્રમુખ સચિન શાહે જણાવ્યું હતું.
આ સાથે એની લિંક આ રહી…https://forms.gle/yNDqG4G9WFbZHp1UA અથવા એ માટેનું ફોર્મ ભરીને સ્કેન કરીને અમારા ઇમેઇલ delhimangalmilan@gmail.com પર મોકલી આપો.
વિશ્વ માતૃભાષા દિવસ-૨૦૨૪ નિમિત્તે ભજનોત્સવ
મુંબઈઃ અત્યારની પેઢી પોતાના સનાતન ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડાઈને આપણાં પ્રાચીન ભજનો પરિવાર કે મિત્ર મંડળી સાથે ગાઈને આપણો વારસો એ સમાજ સુધી પહોંચાડે એ હેતુથી આ મહોત્સવનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં રજિસ્ટ્રેશનની તારીખ:- ૪ ડિસેમ્બર ૨૦૨૩, અંતિમ તારીખ:- ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ છે. આ મહોત્સવમાં આકર્ષક ઈનામ અને દરેકને ઇ-પ્રમાણપત્ર આપવામાં આવશે. આ ભજનોત્સવમાં કોઈ વ્યક્તિ વિશ્વના કોઈ પણ ખૂણાથી ભાગ લઈ શકે છે. આપના ભજનની કૃતિ નીચે આપેલ લિંક દ્વારા સબમિટ કરોઃ-
https://forms.gle/B8n5kVdZbMGrUeEH7
ગૃહ પ્રધાન અમિત શાહનાં મોટા બહેનનું નિધન
અમદાવાદઃ ગૃહપ્રધાન અમિત શાહનાં મોટા બહેન રાજેશ્વરીનું અમદાવાદની કેડી હૉસ્પિટલમાં નિધન થયું છે. તેમને લાંબા સમયથી ફેફસાંની બીમારી હતી.
ગૃહપ્રધાન અમિત શાહના આજના ગુજરાતના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તેઓ ગુજરાતમાં જ હતા અને બનાસકાંઠા તેમ જ અહીંની રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમોમાં ભાગ લેવાના હતા. જોકે આ સમચાર આવ્યા બાદ તેમના બધા પૂર્વનિયોજિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ગૃહપ્રધન અમિત શાહ ગઈ કાલથી અમદાવાદમાં હતા અને બહેનના નિધનના સમાચાર બાદ તેમણે અન્ય કાર્યક્રમો રદ કર્યા હતા. અગાઉ તેમનાં બહેનને મુંબઈમાં પણ સારવાર આપવામાં આવી હતી. તે સમયે તેઓ અચાનક મુંબઈ તેમની ખબર પૂછવા પહોંચ્યા હતા, જ્યાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ તેમની સાથે જોવા મળ્યા હતા.
શાહનાં બહેનનું નિધન થતાં તેઓ આજે બનાસકાંઠા અને રક્ષા યુનિવર્સીટીના કાર્યક્રમમં હાજરી નહિ આપે.




મોઝામ્બિક વિશ્વના પછાત અને ગરીબ દેશોમાંનો એક છે અને માનવ વિકાસ આંકમા અન્ય દેશોની સરખામણીમાં ઘણો પાછળ છે. મોઝામ્બિકને વિકસતિ દેશ બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ મોટા પ્રમાણમાં આર્થિક સહાયની સાથે અન્ય સહાય પણ કરી રહ્યા છે.ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ અને યુવાનોમાં આર્થિક વિકાસમાં માટે ઉદ્યોગસાહસિકતા તાલીમ મારફતે ગ્રામીણ વિકાસ અને ક્લસ્ટર વિકાસને ટેકો આપવાના આશયથી એમઓયુ (MoU) કરવામાં આવ્યા હતા.વાઇબ્રન્ટ ગુજરાત 2024માં મોઝામ્બિકના ઉદ્યોગ અને વેપારના મંત્રી શિલ્વીનો ઓગસ્ટે જોસ મોરેનોની હાજરીમાં ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ વતી ડો. મયૂરભાઈ જોષી અને મોઝામ્બિક ચેમ્બર ઓફ કોમર્સ વતી અલ્વારો માસિંગ્યુએ મોઝામ્બિક દેશમાં યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટ અને ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા.