Home Blog Page 2156

ભારત વિશ્વનાં ત્રણ અર્થતંત્રોમાં સામેલ થશેઃ PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સામેલ થવા આવેલા તમામ દેશોનો આભાર માન્યો હતો. અમે લક્ષ્ય રાખ્યું છે કે જ્યારે ભારત સ્વતંત્રતાનાં 100 વર્ષની ઉજવણી કરશે, ત્યાં સુધી એ વિકાસશીલ નહીં, બલકે એક વિકસિત દેશ હશે. એટલા માટે આ દેશ માટે 25 વર્ષનો કાર્યકાળ અમૃત કાળ છે, એમ તેમણે કહ્યું હતું.

 આ નવા સપના નવા સંકલ્પ અને નિત્ય નૂતન સિદ્ધિઓનો કાળ છે. આ અમૃત કાળમાં સૌપ્રથમ વાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું મહત્વ ઓર વધી ગયું છે. આ સમિટમાં આવેલા 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભારતની વિકાસ યાત્રાના મહત્ત્વના સહયોગી છે. હું તમારા બધાનું સ્વાગત કરું છું. આથી થોડાં વર્ષો પૂર્વે ભારત વિશ્વની પાંચમા ક્રમનું અર્થતંત્ર હતું, પરંતુ આવનારા દિવસોમાં હવે ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બની જશે અને એ મોદીની ગેરન્ટી છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે  ભારત-UAE વચ્ચે મહત્વના MOU થયા છે. ભારત-આફ્રિકા વચ્ચેના સંબંધો મજબૂત થયા છે. ભારતનું દરેક ક્ષેત્ર પર ફોકસ રહ્યું છે. G-20 સમિટમાં આફ્રિકન યુનિયનને સદસ્યતા છે. દેશ દરેક ક્ષેત્રમાં તેજીથી વિકાસ કરી રહ્યો છે. આ સમિટે નવા આઈડિયાને પ્લેટફોર્મ આપ્યું છે. ગ્લોબલ ફ્યુચર માટે ભારતે દુનિયાને રોડમેપ આપ્યો છે. વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યુચરનો સિદ્ધાંત આવશ્યક છે. ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધ્યું છે. વિશ્વ કલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધતા, નિષ્ઠા અને ભારતનો પ્રયાસ છે. વિશ્વ કલ્યાણ માટે ભારતનો પ્રયાસ વિશ્વને સમૃદ્ધ બનાવે છે.

UAEના રાષ્ટ્રપતિ બિન જૈદનું આ આયોજનમાં સામેલ થવું અમારા માટે બહુ ખુશીની વાત છે. વાઇબ્રન્ટ ગુજરાતની આ સમિટમાં તેમનું મુખ્ય અતિથિ તરીકે હોવું એ ભારત અને UAEના આત્મીય સંબંધોનું પ્રતીક છે. ભારત અને UAEએ ફૂડ પાર્ક માટે, રિન્યુએબલ રિસોર્સ માટે કેટલાય સમજૂતી કરાર કર્યા છે.

 

 

 

 

આધુનિક ભારતના ગ્રોથનું ગુજરાત પ્રવેશદ્વાર છેઃ મુકેશ અંબાણી

ગાંધીનગરઃ વડાપ્રધાન મોદીના હસ્તે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદઘાટન થયું હતું. આ વખતે સમિટની થીમ ગેટવે ટુ ફ્યુચર છે. આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કર્યું હતું.  જેમાં તેમણે કહ્યું હતું કે ‘मोदी है तो मुमकिन है’ પર વિશ્વાસ બનેલો છે. આધુનિક ભારતના ગ્રોથમાં ગુજરાત પ્રવેશદ્વાર છે. ગુજરાત મારા માટે કર્મભૂમિ અને માતૃભૂમિ છે. રિલાયન્સ દેશમાં રૂ. 12 લાખ કરોડનું મૂડીરોકાણ કરશે.

તેમણે ગુજરાતની એક વાક્ય બોલતાં કહ્યું હતું કે હું ગુજરાતી હોવાનો મને ગર્વ છે. મુકેશ અંબાણીએ પોતાના દિવગંત પિતાને યાદ કરતા જણાવ્યું હતું કે તેમના પિતા નાનપણમાં કહેતા હતા કે ગુજરાત હંમેશા તમારી કર્મભૂમિ રહેશે. વડા પ્રધાન મોદી વિશે તેમણે કહ્યું કે પીએમ મોદી, ભારતના ઇતિહાસમાં સૌથી સફળ પીએમ છે અને તેઓ જે વિઝન કરે છે તેનું અમલીકરણ કરે છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ગુજરાતમાં રિલાયન્સના ભવિષ્યના પ્લાન વિશે જણાવતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે મને ગુજરાતી હોવાનું અભિમાન છે. આ સાથે તેમણે કહ્યું કે અમે ગુજરાતના વિકાસ માટે તત્પર રહીશું.

ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે આગામી 10 વર્ષ સુધી રિલાયન્સ પોતાના તમામ પ્રયાસો કરશે. અમે ગુજરાતને ગ્રીન ગ્રોથમાં ગ્લોબલ લીડર્સ બનાવીશું. ગુજરાતની કુલ ઊર્જા જરૂરિયાતોના 50 ટકા વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીથી પ્રાપ્ત કરવાના લક્ષ્યાંકને મેળવવા માટે અમે મદદરૂપ થઈશું. આ માટે અમે જામગનરમાં 5000 એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્સ બનાવવાનું શરૂ કરી દીધું છે. જે ખૂબ જ મોટા પાયે રોજગાર પણ ઊભો કરશે અને ગુજરાતને વૈશ્વિક સ્તરે ગ્રીન એનર્જીમાં લીડર બનાવશે.

આજે ગુજરાત પૂર્ણ રીતે 5જી ઇનેબલ્ડ રાજ્ય છે. જે દુનિયામાં ઘણા દેશોમાં પણ આજે ઉપલબ્ધ નથી. જેનાથી ગુજરાત વિશ્વનું ડેટા સેન્ટર બનશે. ટેક્નોલોજીનો આ વિકાસ ગુજરાતમાં IT અને AI રિલેટેડ નોકરીઓનું સર્જન કરશે. જેનાથી ગુજરાતમાં AI અને બલ્ડ ડોક્ટર, AI અને ખેતી જેવા ક્ષેત્રમાં ગુજરાત પ્રગતિ કરશે.

, રિલાયન્સ રિટેલ ગુજરાતમાં લોકોને વધુ સારામાં સારી પ્રોડક્ટ આપવા સાથે ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકોના ઉચ્ચતમ ક્વોલિટી લાઇફ આપવા માટે પ્રતિબદ્ધ છે. દેશમાં 2036 ઓલિમ્પિક યોજાય તે માટે રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાતમાં તેના અનેક પાર્ટનર સાથે મળીને રમતગમત ક્ષેત્રે ચેમ્પિયન્સને તૈયાર કરીશું અને રાજ્યમાં રમતગમતના વિકાસ પર ફોકસ આપીશું, એમ તેમણે કહ્યું હતું.

 

 

અદાણી ગ્રુપ પાંચ વર્ષમાં રૂ. બે લાખ કરોડનું મૂડીરોકાણ કરશેઃ ગૌતમ અદાણી

ગાંધીનગરઃ વડા પ્રધાન મોદીએ મહાત્મા મંદિરમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું ઉદઘાટન કર્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્ય મંત્રી સહિત દેશના કોર્પોરેટ જગતના વડા અને વિદેશના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓ હાજર હતા. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વાઇબ્રન્ટ સમિટને સંબોધન કરતાં જણાવ્યું હતું કે મને દરેક શિખર સંમેલનનો ભાગ બનવા બદલ ગર્વ થઈ રહ્યો છે.

વડા પ્રધાનનો વાઇબ્રન્ટ ગુજરાત પ્રત્યેનો દ્રષ્ટિકોણ અદભુત છે. છેલ્લા દાયકામાં ભૌગોલિક સંઘર્ષો અને કોરોના રોગચાળાના પડકારો છતાં દેશની GDP 185 ટકા વધી છે અને વ્યક્તિદીઠ આવક 165 ટકા વધી છે. વળી, આંતરરાષ્ટ્રીય ફલક પર તમારી સફળતા નોંધનીય છે. ગ્લોબલ સાઉથને G20માં જોડવાનો તમારો નિર્ણય ઐતિહાસિક ક્ષણ હતી. તમારા નેતૃત્વ હેઠળ ભારત ઝડપથી વિકાસ કરતું રાષ્ટ્ર બન્યું છે અને એને વસુધૈવ કુટુંબકમ અને વિશ્વ ગુરુ તરીકે સ્થાપિત કર્યું છે. તમે વિકસિત ભારતના નિર્માણનો પાયો નાખ્યો છે અને 2047 સુધી પૂર્ણ વિકસિત બનાવવા માટે દેશના યુવાઓનો તમારી દૂરંદેશિતા કાબિલેદાદ છે,

અદાણી ગ્રુપે પાછલી સમિટમાં 2025 સુધીમાં રૂ. 55,000 કરોડના મૂડીરોકાણની જાહેરાત કરી હતી, જે અમે પહેલેથી જ પાર કરી ચૂક્યા છે. મેં વિવિધ ક્ષેત્રોમાં રૂ. 50,000 કરોડના મૂડીરોકાણની અને 25,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું લક્ષ્ય અમે પૂરું કરી ચૂક્યા છે. અમે કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ કરી રહ્યા છે, જે 725 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે અને 30 GW રિન્યુએબલ એનર્જી પેદા કરશે. અમે આત્મનિર્ભર ભારત માટે ગ્રીન સપ્લાય ચેનનું વિસ્તરણ કરી રહ્યા છીએ.

અદાણી ગ્રુપ આગામી પાંચ વર્ષોમાં રાજ્યમાં રૂ. બે લાખ કરોડનું મૂડીરોકાણ કરશે, જેના થકી એક લાખથી વધુ પ્રત્યક્ષ કે પરોક્ષ નોકરીઓ પેદા થશે. હું વિકસિત ગુજરાતમાં મારું યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છું, એમ તેમણે જણાવ્યું હતું.

 

 

 

શું વૈરાગી લોકો આનંદથી વંચિત રહી જાય છે?

વૈરાગ્ય એ ઉચ્ચતમ જ્ઞાનનો એક સ્તંભ છે. વૈરાગ્ય એટલે ઉદાસીનતા કે ભાવનાશૂન્યતા નહીં. મોટે ભાગે આપણે એવું માનતા હોઈએ છીએ કે વૈરાગ્ય એટલે નિરુત્સાહીપણું, હતાશા અને કશામાં રસ ના હોવો. એ વૈરાગ્ય નથી. વૈરાગ્ય એટલે અજંપાનો અભાવ.

વૈરાગ્ય તમારામાંનો આનંદ છીનવી લેતું નથી. એ તમને એવો આનંદ આપે છે જે બીજું કશું આપી શકતું નથી. શંકરાચાર્યની રચના ભજ ગોવિંદમ્ માં એક કડી છે,”કસ્ય સુખમ્ ના કરોતી વિરગહ?” એનો એ અર્થ થાય છે કે “વૈરાગ્યથી કયા સુખ મળતા નથી?” તેનાથી તમામ સુખ મળે છે, કારણ કે તમે એકદમ વર્તમાન ક્ષણમાં હોવ છો.
વૈરાગ્ય તમને વિભાજીત નથી કરતું, હકીકતમાં તે તમને સાંકળે છે. તે તમને સંપૂર્ણ રીતે વર્તમાન ક્ષણ સાથે સાંકળે છે. જ્યારે તમે વૈરાગી નથી હોતા ત્યારે તમે ભૂતકાળ કે ભવિષ્ય સાથે જોડાયેલા રહો છો. આમ, તમે વર્તમાન સાથે જોડાયેલા નથી હોતા. આથી, તમે ઘણા વિભાજીત હોવ છો.

જ્યારે તમારું મન ભવિષ્ય પાસેથી કોઈ અપેક્ષા રાખતું હોય અથવા ભૂતકાળને લઈને રંજ કરતું હોય ત્યારે તમે આ ક્ષણમાં હોતા નથી.પરંતુ જ્યારે તમે કેન્દ્રિત હોવ છો ત્યારે આ ક્ષણમાં હોવ છો. જ્યારે તમે જમતા હોવ ત્યારે તમે દરેક કોળીયાની મજા માણી શકો છો. દરેક નજર, દરેક દ્રશ્ય તાજું અને નવું હોય છે. તમારો પ્રેમ પહેલા પ્રેમ જેવો હોય છે. તમે દરેક વસ્તુને જાણે પહેલી વાર જોતા હોવ તે રીતે જુઓ છો.

દુનિયામાં માત્ર કહેવા માટે કહેવાતું વૈરાગ્ય શુષ્ક જણાય છે. જે લોકો માને છે કે પોતે વૈરાગી છે તેઓ માનસિક રીતે ખિન્ન હોય છે. તેઓ દુખી હોય છે. તેઓ દુનિયાથી ભાગી જાય છે અને પછી તેને વૈરાગ્ય તરીકે ખપાવે છે અને કહે છે કે તેમણે દુનિયાને ત્યજી દીધી છે. આને ત્યાગ ના કહેવાય. આ વૈરાગ્ય નથી. લોકો ગ્લાનિને લીધે, અતિ દુખને લીધે, ઉદાસીનતાને લીધે ભાગી જાય છે અને આવા ભાગેડુઓ માને છે કે તેઓ વૈરાગી છે.

જીવનમાં વૈરાગ્ય કંઈક વધારે કિંમતી, પવિત્ર અને બહુમૂલ્ય છે. વૈરાગ્યના ઘણા પ્રકાર છે: તમે વૈરાગી છો કારણ કે દુનિયામાં દુખ છે એવું તમે સમજી ચુક્યા છો. જીવનની ઘટનાઓને લીધે– વ્યક્તિ જે દર્દ, પીડા અનુભવે છે કે જુએ છે તેનાથી વૈરાગ્ય આવે છે.

બીજા પ્રકારનો વૈરાગ્ય કંઈક ઉચ્ચ મેળવવાની ઈચ્છામાંથી જન્મે છે. કેટલાક વૈરાગ્યને આત્મસાક્ષાત્કારના માર્ગ તરીકે ગણે છે. જો તમે અહીં કશાકનો ત્યાગ કરો છો તો તમને ‘ત્યાં’ કંઈક લાભ પ્રાપ્ત થાય છે. આત્મસાક્ષાત્કારના ઈચ્છુક તપ કરે છે અને સ્વર્ગમાં બહેતર સ્થાન મેળવવા માટે સંકલ્પ કરે છે.

ત્રીજા પ્રકારનો વૈરાગ્ય વિવેકબુદ્ધિ કે જ્ઞાનને લીધે આવે છે. વસ્તુઓના ક્ષણિક અસ્તિત્વ વિશેની એક વિશાળ સમજ કોઈ પણ ઘટના, વસ્તુઓ, લોકો કે પરિસ્થિતિઓ પ્રત્યે નિર્લેપપણાની ભાવના લાવે છે ,જે તમને શાંત અને અવિચલિત રહેવા દે છે.

એક વાર્તા છે. જ્યારે સિકંદર ભારત આવવા માટે નીકળ્યો ત્યારે લોકોએ તેને કહ્યું હતું,”જો તમને ત્યાં સન્યાસીઓ મળે તો તેમને પકડીને અહીં લઈ આવજો. ભારતમાં તેઓ બહુ મૂલ્યવાન છે.”આથી, સિકંદરે કહેણ મોકલ્યું પણ કોઈ આગળ ના આવ્યું. પછી તેણે તેમને ડરાવતો સંદેશો મોકલાવ્યો: “જો તમે નહીં આવો તો હું તમારો શિરચ્છેદ કરીશ.” તો પણ તેઓ ના આવ્યા. તો તેણે ધમકી આપી:”હું તમારા ચાર વેદના પુસ્તકો લઈ લઈશ. તમારી પાસે જે બધું છે તે અને તમારા ધર્મગ્રંથો હું લઈ લઈશ.”

લોકોએ કહ્યું કે આવતીકાલે સાંજે તેઓ તેને બધા પુસ્તકો આપી દેશે. પંડીતોએ પછી તેમના બાળકોને બોલાવીને આખી રાતમાં શાસ્ત્રો મોઢે કરાવી દીધા. પછી તેઓ સિકંદર પાસે તે બધી હસ્તલિખિત પ્રતો લઈને ગયા અને કહ્યું, “આ તમે લઈ જઈ શકો છો, અમારે તેમની જરૂર નથી.”

સિકંદરે તેમનો શિરચ્છેદ કરવાની ધમકી આપી તો સંન્યાસીઓએ તેને જણાવ્યું કે તેને જે કરવું હોય તે કરી શકે છે. સિકંદર તેમની આંખોમાં આંખ પરોવીને જોઈ ના શક્યો, વૈરાગ્યની તાકાત સહનના કરી શક્યો. એ પહેલી વાર એવા કોઈને મળ્યો હતો જેને સમ્રાટની પડી નહોતી.

જ્યારે સિકંદર ભારત આવ્યો ત્યારે કેટલાક લોકોએ તેને થાળીમાં સોનાની રોટલીની ભેટ આપી. તેણે તેમને કહ્યું કે તેને ભૂખ લાગી છે. તો લોકોએ તેને જણાવ્યું કે તે એક સમ્રાટ છે, માટે ઘઉંની રોટલી ના ખાઈ શકે. સિકંદરે કહ્યું કે તેને સખત ભૂખ લાગી છે અને રોટલી જોઈએ છે. તો લોકોએ પ્રત્યુતર વાળ્યો: “તમને તમારા દેશોમાં રોટલી નથી મળતી?અમે ખાઈએ છીએ તેવી જ રોટલી ખાવા તમે બધે ભમીને દુનિયા જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છો?” આ વાક્યે સિકંદરની દુનિયા હચમચાવી દીધી. તેને જ્ઞાન લાધ્યું કે લોકો જે કહેતા હતા તે સત્ય છે. તેણે મનોમંથન કર્યું કે : “દુનિયા જીતવાનો શું અર્થ છે? તમને જે બધું જોઈએ છે તે છે સુખ અને શાંતિ. “વૃતાંતકથા અનુસાર, સિકંદરે ત્યારે જાહેર કર્યું કે :”જ્યારે હું મૃત્યુ પામું ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો. લોકોને જાણવા દેજો કે સિકંદર, કે જે એવું માનતો હતો કે તેણે બધું મેળવી લીધું છે, તે કંઈ પણ લીધા વગર દુનિયા છોડી ગયો.”

વૈરાગ્યની ભાવના તમારામાંની તાકાત છે. જ્યારે તમે કેન્દ્રિત અને શાંત હોવ ત્યારે સમજી શકશો કે આ દુનિયામાં જે બધા આવ્યા છે તે દુનિયાને કંઈક આપવા આવ્યા છે. આપણે અહીંથી કંઈ લઈ જવાના નથી.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

કોરાનાના 605 નવા કેસો, ચારનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 605 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ચાર જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,19,819 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ  JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 12 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 665 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 199 કેસો નોંધાયા છે અને  કેરળમાં 148 કેસ નોંધાયા છે.  આ સાથે ગોવામાં 47, ગુજરાતમાં 36, મહારાષ્ટ્રમાં 139, તામિલનાડુમાં 26,આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં 30, દિલ્હીમાં 21 અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,406 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,82,770 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 877 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3643 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,82,117 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 258 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

માર્ચમાં શરૂ થશે IPL, BCCIએ નક્કી કરી તારીખ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન આ વર્ષે 22 માર્ચથી યોજાશે. જ્યારે વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝન ફેબ્રુઆરીના અંતથી શરૂ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે અને તેને ધ્યાનમાં રાખીને IPLનું આયોજન કરવામાં આવશે. ચૂંટણી છતાં 2019ની જેમ તમામ મેચ ભારતમાં જ યોજાશે.

 

બીસીસીઆઈએ પ્લાન તૈયાર કર્યો

સૂત્રોના જણાવ્યા અનુસાર IPL હોસ્ટિંગ શહેરોમાં જ્યારે લોકસભા ચૂંટણી યોજાશે તે તબક્કા દરમિયાન ત્યાંની મેચો અન્ય સ્થળોએ યોજાશે. આગામી તબક્કાની ચૂંટણી જ્યાં યોજાશે તે સ્થળોની મેચો અન્ય સ્થળોએ યોજવામાં આવશે. BCCI આ રીતે મેચોનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે.

 

ચૂંટણી દરમિયાન મેચો માટે સુરક્ષાકર્મીઓ ઉપલબ્ધ કરાવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર અને બીસીસીઆઈના સચિવ જય શાહ આઈપીએલને ભારતમાં લાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે બીસીસીઆઈ અને કેટલાક સરકારી મંત્રાલયો વચ્ચે ચર્ચા પણ થઈ છે. ચૂંટણી દરમિયાન મેચો માટે સુરક્ષાકર્મીઓ ઉપલબ્ધ કરાવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. અગાઉ 2009 અને 2014માં સામાન્ય ચૂંટણીને કારણે આઈપીએલનું આયોજન વિદેશમાં કરવું પડ્યું હતું. 2009માં આઈપીએલના કમિશનર લલિત મોદી હતા અને ત્યારબાદ સમગ્ર ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી. જ્યારે 2014માં યુએઈના અબુધાબી, દુબઈ અને શારજાહમાં પ્રથમ 20 મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 મેના રોજ ચૂંટણી બાદ બાકીની મેચો ભારતમાં યોજવામાં આવી હતી. પરંતુ 2019 માં સામાન્ય ચૂંટણીની સાથે IPLની તમામ મેચો દેશમાં યોજાઈ હતી.

ડબલ્યુપીએલનું આયોજન બે શહેરોમાં કરવામાં આવશે

WPLની બીજી સિઝન આ વખતે બે શહેરોમાં યોજાશે. આ વખતે WPL મેચ દિલ્હી અને બેંગલુરુમાં રમાશે. ગયા વર્ષે WPLની તમામ મેચો મુંબઈમાં રમાઈ હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વિજેતા બની હતી. WPLમાં પાંચ ટીમો રમે છે, જેમાં દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સનો સમાવેશ થાય છે.

શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા મામલે આજે આવશે મહત્વનો નિર્ણય

મહારાષ્ટ્રમાં આજે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વિવાદમાં નિર્ણય જાહેર થવાનો છે. શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા સંબંધિત મામલામાં વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર પોતાનો નિર્ણય આપશે. સ્પીકરનો આ નિર્ણય આજે સાંજે 4 વાગે આવી શકે છે. આ પહેલા મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે એકનાથ શિંદેના નેતૃત્વમાં ચાલી રહેલી સરકાર રાજ્યમાં સ્થિર રહેશે.

અયોગ્યતા મુદ્દે ઠાકરે અને નાર્વેકર વચ્ચે તકરાર

શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ શિવસેનાના ધારાસભ્યોની ગેરલાયકાતની અરજી પર નિર્ણય પહેલાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર વચ્ચે યોજાયેલી બેઠક સામે વાંધો ઉઠાવતા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. આ પછી ઠાકરે અને નાર્વેકર વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો.

ન્યાયાધીશ આરોપીને મળવા જાય છે, તો આપણે ન્યાયાધીશ પાસેથી શું અપેક્ષા રાખીએ

બાંદ્રામાં તેમના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે પત્રકારો સાથે વાત કરતા ઠાકરેએ કહ્યું, જો ન્યાયાધીશ આરોપીને મળવા જાય છે, તો આપણે ન્યાયાધીશ પાસેથી શું અપેક્ષા રાખીએ. પૂર્વ મુખ્યમંત્રીએ અહીં પત્રકારોને કહ્યું કે આ સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે. ઠાકરેના સહયોગી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સ્થાપક શરદ પવારે પણ કહ્યું હતું કે જ્યારે કોઈ કેસની સુનાવણી કરનાર વ્યક્તિ જેની સામે કેસ ચાલી રહ્યો છે તેને મળે છે, તે શંકા પેદા કરે છે. તેનો જવાબ આપતાં સ્પીકર નાર્વેકરે કહ્યું કે ઠાકરેએ જાણવું જોઈએ કે વિધાનસભા અધ્યક્ષ કયા હેતુથી મુખ્યમંત્રીને મળી શકે છે. નાર્વેકરે દલીલ કરી, જો તે હજુ પણ આવા આક્ષેપો કરે છે, તો તેનો હેતુ ખૂબ જ સ્પષ્ટ છે. અયોગ્યતાની અરજીઓ પર સુનાવણી કરતી વખતે વિધાનસભા અધ્યક્ષ અન્ય કોઈ કામ ન કરી શકે એવો કોઈ નિયમ નથી. વિધાનસભા અધ્યક્ષે રવિવારે દક્ષિણ મુંબઈમાં મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. ઠાકરેએ કહ્યું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ બંનેની મુલાકાત થઈ હતી.

શું જજ અને આરોપીઓ વચ્ચે સાંઠગાંઠ છે

શિવસેના (યુબીટી)ના નેતાએ કહ્યું કે નાર્વેકરનો નિર્ણય નક્કી કરશે કે દેશમાં લોકશાહી અસ્તિત્વમાં છે કે નહીં અથવા બંને લોકશાહીની “હત્યા” કરશે. ઠાકરેએ કહ્યું, અમે એફિડેવિટ દાખલ કરી છે કે શું જજ અને આરોપીઓ વચ્ચે સાંઠગાંઠ છે. તેમણે પૂછ્યું કે શું વિધાનસભા અધ્યક્ષ નિર્ણયમાં વધુ વિલંબ કરશે. ઠાકરેએ કહ્યું કે વિધાનસભા અધ્યક્ષ ક્યારેય મુખ્યમંત્રીને મળવા જતા નથી. શિવસેનામાં વિભાજન પછી ઠાકરેએ જૂન 2022 માં મુખ્ય પ્રધાન પદ છોડવું પડ્યું. શિવસેનાની સ્થાપના ઠાકરેના પિતા સ્વર્ગસ્થ બાળા સાહેબ ઠાકરેએ 1966માં કરી હતી. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું કે વિધાનસભા અધ્યક્ષ મુખ્ય પ્રધાનને મળવા બોલાવે છે.ઠાકરેએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે મે મહિનામાં નાર્વેકરને ગેરલાયકાતની અરજીઓ પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હોવાથી, વિધાનસભા અધ્યક્ષ મુખ્ય પ્રધાનને બે વાર મળ્યા હતા.

એકનાથ શિંદેએ દોઢ વર્ષ પહેલા બળવો કર્યો હતો

લગભગ દોઢ વર્ષ પહેલાં શિવસેનામાં મોટા બળવા થયા પછી જ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમની સાથેના 39 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરે સાથે બાકી રહેલા 14 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી. થોડા મહિનાઓ પછી સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લેવાની સત્તા વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સોંપી દીધી.

ED-CBIનો ડર! ઝારખંડ સરકારે રાજ્યના અધિકારીઓને આપ્યો આદેશ

ઝારખંડની હેમંત સોરેન સરકારે મોટો નિર્ણય લઈને તપાસ એજન્સીઓ માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે. રાજ્ય સરકારે આદેશ જારી કર્યો છે કે જો કોઈ અધિકારીને કોઈપણ કેન્દ્રીય તપાસ એજન્સી તરફથી નોટિસ મળે છે અને કોઈપણ પ્રકારના દસ્તાવેજો માંગવામાં આવે છે, તો તેણે તપાસ સાથે સંબંધિત દસ્તાવેજોનો સીધો જવાબ આપવો જોઈએ નહીં પરંતુ તે તપાસના ધ્યાન પર લાવવો જોઈએ

એક તરફ જ્યાં ઝારખંડમાં અનેક અલગ-અલગ કૌભાંડોમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ CBI અને EDની તપાસ તેજ કરવામાં આવી રહી છે, તો તેનાથી વિપરીત રાજ્ય સરકાર દ્વારા ઝારખંડના અધિકારીઓને આપવામાં આવેલો નવો આદેશ એજન્સીઓ માટે મુશ્કેલીનો વિષય બની શકે છે. ઝારખંડના મુખ્યમંત્રીના મુખ્ય સચિવે રાજ્યમાં ED/CBI જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા ચાલી રહેલી તપાસ અંગે ઝારખંડ રાજ્યના અધિકારીઓને એક ગોપનીય પત્ર લખ્યો છે અને કેન્દ્રીય તપાસની નોટિસનો સીધો જવાબ આપવાનો આદેશ જારી કર્યો છે. એજન્સીઓ અને તપાસને લગતા દસ્તાવેજો આપશો નહીં, તમારા વિભાગ દ્વારા સરકારને આ વિશે જાણ કરો. આ પત્ર આ વર્ષે 9 જાન્યુઆરીએ મુખ્યમંત્રી હેમંત સોરેનના મુખ્ય સચિવ વંદના ડેડેલે લખ્યો છે, જેમાં કેબિનેટ સચિવાલય અને મોનિટરિંગ વિભાગને નોડલ વિભાગ બનાવવામાં આવ્યા છે.

જારી કરાયેલા આદેશમાં શું લખ્યું છે

વંદના દાડેલે અધિકારીઓને જારી કરેલા આ ગોપનીય પત્રમાં લખ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્ય બહારની કેન્દ્રીય તપાસ એજન્સીઓ સરકારના સક્ષમ અધિકારીને (કોઈ વ્યક્તિ કે સંસ્થા કે જે કાયદાકીય ક્ષમતા ધરાવે છે)ને લખ્યા વિના અધિકારીઓની સીધી તપાસ કરી રહી છે. સંબંધિત બાબતમાં નિર્ણયો લે છે). નોટિસ મોકલે છે અને પૂછપરછ માટે બોલાવે છે. તે સરકારી દસ્તાવેજોની પણ માંગણી કરે છે. આવા કેસોમાં વરિષ્ઠ અધિકારીઓના ધ્યાન પર મામલો લાવ્યા વિના જ અધિકારીઓ તપાસમાં સામેલ થઈ જતા હતા અને સરકારી દસ્તાવેજો આ તપાસ એજન્સીઓને સોંપતા હતા, જે ખોટું છે. આપેલી માહિતી અધૂરી કે ખોટી હોવાની શક્યતા છે, જેનાથી મૂંઝવણ ઊભી થાય છે.

EDએ સીએમ સોરેનને સાત વખત સમન્સ પાઠવ્યા 

જો કે, ઝારખંડ સરકાર દ્વારા જારી કરાયેલા આ નવા આદેશથી એવું માનવામાં આવે છે કે અધિકારીઓએ તપાસમાં સહકાર આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે કારણ કે EDએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને 7 વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે, પરંતુ તેમણે હજુ સુધી તેમ કર્યું નથી. અત્યાર સુધી દેખાયો નથી. આવી સ્થિતિમાં આ નવા આદેશથી કેન્દ્રીય તપાસ એજન્સી અને રાજ્ય સરકાર વચ્ચે નવો વિવાદ સર્જાઈ શકે છે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ ઝારખંડમાં ચાલી રહેલા જુદા જુદા કેસમાં અત્યાર સુધીમાં બે IAS અધિકારીઓની ધરપકડ કરી છે. પરંતુ, હવે આ નવો આદેશ કેન્દ્રીય તપાસ એજન્સીઓ માટે તપાસમાં ચોક્કસપણે અવરોધો ઉભો કરશે.

વાહ ભાઈ વાહ! – ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪

વાહ ભાઈ વાહ! – ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪

૧૦ જાન્યુઆરી, ૨૦૨૪

૧૦ જાન્યુઆરી, ૨૦૨૪