Home Blog Page 2179

ગુજરાતે નવા વર્ષે સર્જ્યો સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વવિક્રમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસ સહિત રમત-ગમત ક્ષેત્રે પણ અગ્રેસર રહેવાની પરંપરા ગુજરાતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિદર્શનમાં ૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે ફરી એક વાર પ્રસ્થાપિત કરી છે.

 રાજ્યમાં એકસાથે ૧૦૮ સ્થળોએ કુલ ૫૦, 000થી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર દ્વારા ૨૦૨૪ના વર્ષનો ભારતનો પ્રથમ રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે.

મુખ્ય મંત્રી અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના પ્રાચીન સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સામૂહિક સૂર્ય નમસ્કારના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને નગર મહાનગર કક્ષાએ એક માસ સુધી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત યોજવામાં આવી હતી.

આ સ્પર્ધાઓના વિજેતા સાધકો દ્વારા મોઢેરામાં સામૂહિક આયોજિત રાજ્ય કક્ષાના સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મુખ્ય મંત્રીએ પુરસ્કાર રાશિ અર્પણ કરીને સન્માન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે વિશ્વનેતા વડા પ્રધાને યોગની પ્રાચીન પરંપરાને વિશ્વ સમક્ષ ઉજાગર કરીને ૨૧મી જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઊજવવાની શરૂઆત કરાવી અને યોગ સાધનાથી વિશ્વને જોડવાનું કાર્ય કર્યું છે.

યોગ-પ્રાણાયામ-સૂર્ય નમસ્કાર જેવી પ્રાચીન સ્વાસ્થ્ય વર્ધક વ્યાયામ અને કસરત પરંપરા વ્યક્તિને આધ્યાત્મિકતા સાથે પણ જોડનારી આગવી સંસ્કૃતિ છે. સૂર્યની ઉપાસના અને આરાધના કરવાનો અનેરો અવસર સૂર્યમંદિરમાંથી પ્રાપ્ત થયો છે તે નવા વર્ષમાં નવી ઊર્જા અને ઉષ્મા સાથે દરેકના જીવનમાં આનંદ અને ઉન્માદ લાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આજે નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી છે અને બીમારીના ઇલાજ કરતાં બીમારી આવે જ નહિ તેવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ, સૂર્ય નમસ્કાર જેવી ક્રિયાઓને લોકોએ નિયમતપણે અપનાવી છે એમ તેમણે જણાવ્યું હતું.

 રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશના ઇતિહાસમાં સામૂહિક સૂર્યનમસ્કારની પ્રથમ ઘટના મોઢેરા સહિત રાજ્યનાં ૧૦૮ સ્થળોએ નોંધવામાં આવી છે. આ સામૂહિક સૂર્ય નમસ્કાર દેશ અને દુનિયાને નવીન દિશા દર્શન આપશે. રાજ્યમાં છેલ્લા એક માસમાં ૧૫ લાખથી વધુ નાગરિકો સૂર્ય નમસ્કાર અભિયાનમાં જોડાયા છે, જે સ્પર્ધા થકી આજે રાજ્ય કક્ષાના સન્માન સમારોહથી ઐતિહાસિક ઘટનાના આપણે સૌ સાક્ષી બન્યા છીએ તેમ તેમણે કહ્યું હતું.

દેશમાં ૨૦૨૪ના પ્રથમ દિવસે સામૂહિક સૂર્ય નમસ્કારની ગુજરાતની સિદ્ધીની  ઐતિહાસિક નોંધ લેવાઇ છે. ભારતની સંસ્કૃતિ ઓળખ યોગ છે. આજે ગુજરાત યોગમાં રોલ મોડેલ બન્યું છે. તેમણે નવા વર્ષમાં નવા સંકલ્પ સાથે સૂર્ય નમસ્કારને અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ટેક્નોલોજીની વ્યસ્તતા વચ્ચે યોગને અપનાવી જીવનને સકારાત્મકતા માટે પણ તેમણે ખાસ અપીલ કરી હતી.

 આ પ્રસંગે રાજ્ય કક્ષાની સ્પર્ધાના વિજેતા ત્રણ પુરુષ અને ત્રણ સ્ત્રી સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પુરૂષ સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે સાબરકાંઠાના કલ્પેશભાઈ, સવજીભાઈ, બીજા ક્રમે ગીર સોમનાથના અનિલકુમાર બાંભણીયા અને ત્રીજા ક્રમે છોટા ઉદેપુરના રાઠવા કરશનભાઇને સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજ્ય કક્ષાની સ્પર્ધાના સ્ત્રી ઉમેદવારોમાં પ્રથમ ક્રમે બનાસકાંઠાના પટેલ યાના વિનોદકુમાર, બીજા ક્રમે રાજકોટના વખારિયા દ્રષ્ટિ ચેતનકુમાર અને ત્રીજા ક્રમે મહેસાણાના પટેલ પૂજા ઘનશ્યામભાઇને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યક્ષાના વિજેતાઓને અનુક્રમે રૂ. ૨.૫૦ લાખ, રૂ ૧.૭૫ લાખ અને રૂ. ૧ લાખનુ્ં ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રમત ગમત વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર, યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવત્તિઓના કમિશ્નર આલોક કુમાર પાંડે, યોગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબહેન પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર, અગ્રણી ગિરીશભાઇ રાજગોર, જિલ્લા કલેકટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશ, જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ તથા યોગ સાધકો, વિદ્યાર્થીઓ ઉપસ્થતિ રહ્યા હતા.

ચિકિત્સા વિજ્ઞાનની બે સંસ્થાઓ ખોલશે સંશોધનનાં ‘નૂતન દ્વાર’

અમદાવાદઃ તાજેતરમાં અમદાવાદ સાયન્સ સિટીમાં યોજાયેલા ભારતીય વિજ્ઞાન સંમેલનમાં ITRAના નિયામક પ્રો. વૈદ્ય અનુપ ઠાકર અને GBRCના નિયામક ડો. ચૈતન્ય જોષી દ્વારા MoU કરવામાં આવ્યા છે, જે પ્રાચિન અને આધુનિક ચિકત્સા વિજ્ઞાનની દિશામાં સંશોધનો થકી નવાં સીમાસચિહ્નો રૂપ સાબિત થશે.

આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન (ITRA)એ આયુર્વેદ ક્ષેત્રમાં સંશોધન, શિક્ષણ અને ચિકિત્સા આપતી વિશ્વની અગ્રણી સંસ્થા છે. આ સંસ્થાની આયુર્વેદ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી અને યોગદાનને ધ્યાનમાં લઇમે ભારત સરકાર દ્વારા તેને INI (રાષ્ટ્રની મહત્વની સંસ્થા) તરીકે ઘોષિત કરવામાં આવી છે. ITRA આયુર્વેદ અને આયુર્વેદ ફાર્મસી ક્ષેત્રમાં સ્નાતક, અનુસ્નાતક અને

ડોક્ટરેટ કક્ષાના અભ્યાસક્રમો ચલાવે છે. આ ઉપરાંત ઔષધીય વનસ્પતિઓ સંબંધિત અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પણ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)એ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત સ્થાપિત સંસ્થા છે, જે અત્યંત આધુનિક અને સુસજ્જ લેબોરેટરીઓ ધરાવે છે. આ સંસ્થા દ્વારા વૈજ્ઞાનિક સંશોધનો માટેની મૂળભૂત કાર્યપ્રણાલીઓ વિકસિત કરવામાં આવી છે, જેનો ઉપયોગ સ્વાસ્થ્ય, કૃષિ, પર્યાવરણ અને સમુદ્ર ક્ષેત્રોનાં સંશોધનોમાં થઈ શકે છે.

આ બે મહત્વપૂર્ણ સંશોધન સંસ્થાઓ વચ્ચે હાલમાં જ વૈજ્ઞિનક સંશોધનો માટે એક MoU (સહયોગ કરારપત્ર) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારથી આયુર્વેદની ઔષધિઓ, ઔષધયોગો અને અન્ય ચિકિત્સાઓ તેમ જ બાયોટેક્નોલોજિકલ ઉત્પાદનોનું સુવ્યવસ્થિત રીતે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને પરીક્ષણો દ્વારા સાંશોધન થઈ શકશે. બન્ને સાંસ્થાઓના સહયોગને કારણે પ્રાચીન આયુર્વેદીય પદ્ધતિ અને આધુનિક વૈજ્ઞાનિક સાધનો – એમ બંને પક્ષને સંશોધનોમાં આવરી લઈ શકાશે. આ પ્રકારનાં સંશોધનો દ્વારા આયુર્વેદીય ઔષધો અને ચિકિત્સા પ્રક્રિયાઓ શરીરમાં સૂક્ષ્મ સ્તર પર કઈ રીતે કાર્ય કરે છે અને શી અસરો કરે છે તે પણ સામે આવે તેવી સંભાવનાઓ છે.

આ કરારના માધ્યમથી બંને સંસ્થાના વિદ્યાથીઓ અને વૈજ્ઞાનિકો તેમનાં સંશોધનો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની ગુણવત્તા અને વ્યાપના વિસ્તાર માટે બંને સંસ્થાઓમાં ઉપલબ્ધ સંસાધનો જેવા કે પુસ્તકાલય, પ્રયોગશાળા, ચિકિત્સાલય, અન્ય સંશોધન સુવિધાઓ તેમ જ બંને સંસ્થાઓના વિદ્વાન વૈજ્ઞાનિકોના જ્ઞાનનો લાભ પ્રાપ્ત કરી શકશે.

 

 

 

 

 

અદાણી એનર્જી સોલ્યુશન્સને ‘ગ્લોબલ સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ’

અમદાવાદઃ  વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL)ને મોરેશિયસમાં વર્લ્ડ સસ્ટેનેબિલિટી કોંગ્રેસ દ્વારા ‘ગ્લોબલ સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ-૨૦૨૩થી નવાજવામાં આવી છે. પાવર સેકટરમાં એક અગ્રણી સંશોધક તરીકે હરિયાળા ભવિષ્યનું સર્જન કરવાના પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે સંકલ્પબદ્ધ કંપનીએ અપનાવેલા ટકાઉ આયામોને આ એવોર્ડ એક પ્રોત્સાહક અનુમોદન છે.

ટકાઉપણાના ઉપાયોની રાહબરી કરી ઉત્કૃષ્ઠ કાર્યવાહીનું પ્રદર્શન કરતાં સંગઠનોને દર વરસે ‘ધ ગ્લોબલ સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ’ આપવામાં આવે છે. એવોર્ડ સમિતિએ કંપનીના સંશોધનાત્મક ઉકેલો,પર્યાવરણના પ્રભાવને ઘટાડવા અને ટકાઉપણાના આયામોને ઉત્તેજન માટેના સમર્પણથી પ્રભાવિત થઇ તેને માન્ય કર્યા છે.

વર્લ્ડ સસ્ટેનેબિલિટી એક બિનનફાકારક સંગઠન છે, જે ટકાઉપણાના નેતૃત્વની હિમાયત કરે છે. ઊજળી ભવિષ્ય માટે ટકાઉ વ્યવસાયિક આયામો અને ઉકેલો તલાશવા અને તે માટે શિક્ષણ આપવા માટે સંગઠનો, બિનસરકારી સંસ્થાઓ, જાહેર હિતમાં રુચિ લેતાં જૂથો અને સરકારી સંસ્થાઓને એક મંચ ઉપર લાવવા પ્રયાસ કરે છે.કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અનિલ સરદાનાએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકારતા સન્માનભાવ વ્યક્ત કર્યો હતો. અમારા પ્રયાસોને એક પ્રોત્સાહક માન્યતા મળવા સાથે હરિયાળા અને વધુ લાંબા ગાળાના ભવિષ્યના નિર્માણ માટેના અમારા પ્રયાસોમાં સતત આગળ વધવાની આ એવોર્ડ પ્રેરણા આપે છે

અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની ટકાઉપણા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને વિશ્વને વધુ સરસ બનાવવાના તેના સતત પ્રયત્નોના પ્રમાણપત્ર તરીકે કંપનીને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. કંપની તેની સમર્પિત ટીમ, હિસ્સેદારો અને ગ્રાહકોને ટકાઉપણું તરફની આ સફરમાં મળેલા તેમના સમર્થન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

 

 

ત્રણ વિશ્વવિખ્યાત નવલકથાનો રસાસ્વાદ

મુંબઈઃ જર્મન લેખક હરમન હેસની નવલકથા ‘સિદ્ધાર્થ’, મેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેની નવલકથા ‘ ધ ઓલ્ડ મૅન‌ એન્ડ ધ સી’ અને ફ્રેન્ચ લેખક વિક્ટર હ્યુગોની નવલકથા ‘ લે મિઝરાબ્લે’ની નવલકથા આપણને ફરી-ફરી વાંચવાનું દિલ થાય એવો આ ત્રણેય નવલકથાનો રસાસ્વાદ કરાવતો કાર્યક્રમ ગયા શનિવારે કાંદિવલીમાં યોજાયો હતો, જેને શ્રોતાઓએ ખરા અર્થમાં માણ્યો હતો. આ ત્રણેય કથામાંથી એક-એક કથાનો વિસ્તૃત રસપ્રદ પરિચય ઉત્કર્ષ મુઝુમદાર, મનોજ શાહ, ધર્મેન્દ્ર ગોહિલ, ચિરાગ વોરા, દિશા સાવલા, સેજલ આહિર અને પિન્કેશ પ્રજાપતિ પોતપોતાની નોખી-રસપ્રદ શૈલીમાં આપ્યો હતો. એક નવલકથાનો પરિચય પ્રબુદ્ધ જીવનના તંત્રી અને ગુજરાતી ભાષા-સાહિત્યના ઊંડા અભ્યાસી ડો. સેજલ શાહે પાત્રની સંવેદનશીલતા સાથે કરાવ્યો હતો. 

૩૦મી ડિસેમ્બરે કાંદિવલી એજ્યુકેશન સોસયટી સંચાલિત ગુજરાતી ભાષાભવન અને વ્યાપન પર્વ, ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકના સંયુક્ત આયોજનમાં વિશ્વની ‘નવલકથાના રસાસ્વાદ અને આચમન’નો આ એક વિશેષ સાહિત્યિક કાર્યક્રમ કેઈએસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો હતો. આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર-વિચારક ડો. દિનકર જોશી અને કેઈએસના વાઇસ પ્રેસિડન્ટ મહેશ શાહ પણ હાજર રહ્યા હતા.

આરંભમાં ડો. દિનકર જોશીએ બન્ને સંસ્થા વતી સ્વાગત કરીને પ્રજામાં વાંચન વધે અને સાહિત્ય અને ભાષા નિરંતર ટકી રહે તે માટે આવા કાર્યક્રમોનું મહત્વ જણાવ્યું અને કાંદિવલીમાં શિક્ષણ સંસ્થાઓના વિકાસમાં કાંદિવલી એજ્યુકેશન સોસયટીના ફાળા અંગે વાત કરી હતી. કાર્યક્રમના સંચાલક કીર્તિભાઈએ ત્રણેય વક્તાઓનો પરિચય અને નવલકથાના સ્વરૂપ વિષે વાત કરી હતી.

સિદ્ધાર્થ નવલકથામાં બે સિદ્ધાર્થ છેઃ ઉત્કર્ષ મુઝુમદાર

જર્મન લેખક હરમન હેસની નવલકથા ‘સિદ્ધાર્થ’ વિશે ઉત્કર્ષ મઝુમદારે પોતાના વક્તવ્યમાં સિદ્ધાર્થની ત્રણ શક્તિ: ૧) વિચારી શકે છે, ૨) ધૈર્ય રાખી શકે છે, ૩) અનશન રાખી શકે છે- ને તેમની નૌખી શેલીમાં ઉજાગર કરી આપી હતી. આ કૃતિનો ગુજરાતીમાં અનુવાદ દીપક સોલિયા અને રવીન્દ્ર ઠાકુરે કર્યો છે. સિદ્ધાર્થ એ સ્પિરિચ્યુઅલ ફિકશન ગણાય, એમાં ‘સ્વ’થી પર થવાની, મોહ-માયા ત્યાગવાની વાતો છે, પણ એમાં સામાન્ય માનવીય લાગણીઓને નકારવામાં આવી નથી. પુસ્તકમાં બે સિદ્ધાર્થ છે, એક સિદ્ધાર્થ નવલકથાનો નાયક અને બીજા સિદ્ધાર્થ સ્વયંમ ગૌતમ બુદ્ધ, અને બન્નેને જોડતુ બુદ્ધત્વ.

ઓલ્ડમેન એન્ડ ધ સી પુરુષાર્થ પ્રારબ્ધને ખેંચી લાવે છેઃ ડો. સેજલ શાહ

અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેની નવલકથા ‘ ધ ઓલ્ડ મૅન‌ એન્ડ ધ સી’ વિશે રસાસ્વાદ ડો. સેજલ શાહે કરાવ્યો, તેમને કૃતિના નેરેટિવની ઉત્તમતાનો પરિચય આપવા કૃતિમાંથી કેટલાક વર્ણનોનું વાંચન કર્યુ હતું. આ કૃતિના કેટલાક જાણીતા સંવાદો શ્રોતાઓ સમક્ષ રજૂ કરીને તેની પ્રસ્તુતિ રસપ્રદ બનાવી હતી. નવલકથાનો નાયક વૃધ્ધ ડોસો સાન્તિયાગો છે. એ મછવામાં બેસીને ગલ્ફસ્ટ્રીમાં માછલાં પકડવાનો વ્યવસાય કરે છે. પોતે માછીમાર હોવાથી તેને માછલીઓ પકડવામાં રસ છે, પણ માછલી પકડાતી નથી. ‘૮૪’-દિવસ પસાર થઈ ગયા છે. નવલકથામાં માર્લિન માછલી અને વૃદ્ધ સાન્તિઆગો વચ્ચે જે દ્વન્દ્વ યુદ્ધ ખેલાય છે. સંઘર્ષ થાય છે જે પ્રસંગ નવલકથાનો મહત્વનો પ્રસંગ છે. એક બાજુ વૃદ્ધનો આત્મવિશ્વાસ અને બીજી બાજુ દરિયો. વૃદ્ધ અંતે એકલો માર્લિનને પકડી લે છે અને કિનારે લઈ આવે છે. વૃદ્ધની કટિબદ્ધતાએ એ સાબિત કરી દીધું કે પુરુષાર્થ હોય ત્યાં પ્રારબ્ધે ખેંચાઈને આવું પડે છે. વૃદ્ધ માર્લિન સાથેના સંઘર્ષ દરમ્યાન સતત બોલતો હોય છે- ‘but the man is not meant for defeat’ (પરંતુ માણસ હાર માટે નથી.) અને અંતે તે ચરિતાર્થ કરી બતાવે છે.

 લે મિઝરાબ્લે જીવન પરિવર્તનની કથાઃ મનોજ શાહ

ફ્રેન્ચ લેખક વિક્ટર હ્યુગોની નવલકથા ‘ લે મિઝરાબ્લે’નું પઠન અને આચમન રંગભૂમિના ખૂબ જાણીતા કલાકારો મનોજ શાહ, ધર્મેન્દ્ર ગોહિલ, ચિરાગ વોરા, દિશા સાવલા, સેજલ આહિર, પિન્કેશ પ્રજાપતિએ કર્યું. ખૂબ દીર્ઘ એવી આ નવલકથાના કેટલાક અંશોની પસંદગી કરીને તેમણે આખી નવલકથાની અખિલાઈનો પરિચય કરાવ્યો હતો. દીર્ઘ કૃતિના અંશોની યથાયોગ્ય પસંદગી સાથે મનોજ શાહે આરંભમાં બાંધેલી ભૂમિકા કૃતિને સમજવામાં ભાવકોને ઉપયોગી બની હતી.


આ કાર્યક્રમના અંતે મહેશભાઈ શાહે સમાપાનમાં શોભે એવા સુંદર શબ્દોથી આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમના આયોજનમાં ગુજરાતી ભાષા ભવનના સભ્ય કીર્તિ શાહ, સેજલ શાહ અને કવિત પંડ્યાનો વિશેષ ફાળો રહ્યો હતો. આ અવસરે કવિ સંજય પંડ્યા, તરુ કજરિયા જેવી જાણીતી વ્યકિતઓની હાજરી રહી હતી.

 

 

 

 

 

 

મોઢેરામાં 4000 લોકોએ બનાવ્યો સૂર્ય નમસ્કારનો ગિનીઝ રેકોર્ડ

મહેસાણાઃ રાજ્યના મોઢેરાના સૂર્યમંદિરની સાથે-સાથે 108 સ્થાનો પર લોકોએ એકસાથે સૂર્ય નમસ્કાર કરીને ગિનીઝ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો હતો. મોઢેરા સૂર્ય મંદિર શિલ્પ કલા અને સુંદરતા માટે દેશમાં લોકપ્રિય છે. નવા વર્ષના પહેલા દિવસે સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને રેકોર્ડ નોંધાવીને રાજ્યને નામે એક નવી સફળતા નોંધાવી હતી. આ સફળતા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોનને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટમાં જણાવ્યુ હતું કે વર્ષનો પ્રથમ દિવસ અને એમાં પણ સૂર્યની પ્રથમ કિરણ જે સૂર્ય મંદિર ઉપર પડે છે એવા સૂર્ય મંદિરમાં ગુજરાત ના યુવાઓ સાથે આજે સૌથી વધારે સંખ્યામાં સૂર્યનમસ્કાર કરવાનો વિશ્વ વિક્રમ નોંધીશું. રાજ્યના મુખ્ય મંત્રીની આગેવાનીમાં રાજ્યમાં 108 સ્થળો ઉપર ગુજરાતીઓ સૂર્યનમસ્કારમાં જોડાશે.

મોઢેરા સૂર્યમંદિર ખાતે આજે સવારે ૭-૦૦ કલાકથી 08-15 કલાક સુધી સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો.મોઢેરામાં 4000 લોકો દ્વારા કરવામાં આવેલા સૂર્ય નમસ્કારનો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાતાં વડા પ્રધાન મોદીએ શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું હતું કે ગુજરાતમાંમ ઉલ્લેખનીય ઉપલબ્ધિની સાથે 2024નું સ્વાગત કર્યું છે.

તેમણે કહ્યું હતું કે જેમ આપણસૌ જાણીએ છીએ કે અમારી સંસ્કૃતિમાં 108 અંકનું વિશે। મહત્ત્વ છે. આયોજન સ્થળમાં પ્રતિષ્ઠિત મોઢેરાનું સૂર્યમંદિર સામેલ છે. એ વાસ્તવમાં સૂર્ય ને આપણી સંસ્કૃતિક વિરાસત પ્રત્યે પ્રતિબદ્ધતાનું સાચું પ્રમાણ છે.

 

 

જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ, સમુદ્રકિનારે સુનામીની ચેતવણી

ટોક્યોઃ જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. સ્થાનિક મિડિયાના અહેવાલો અનુસાર સોમવારે ઉત્તરીય મધ્ય જાપાનમાં 7.6 ટકાનો ભૂકંપ નોંધાયો છે. જાપાનની હવામાન વિત્રાન એજન્સીએ ઇશિકાવા, નિગાટા અને ટોયામા પ્રાંતના તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરી છે. મોસમ એજન્સી અનુસાર ભૂકંપને કારણે પાંચ મીટર સુધી ઊંચી લહેરો ઇશિકાવા પ્રાંતમાં નોટો સુધી પહોંચી રહી છે.

જાપાનના પબ્લિક બ્રોડકાસ્ટર NHKના અહેવાલ અનુસાર ઇશિકાવા પ્રાંતમાં વાજિમા શહેરના તટે એક મીટરથી વધી ઊંચી લહેર ઊઠી હતી. હોકુરુકુ ઇલેક્ટ્રિક પાવરે કહ્યું હતું કે એ ન્યુક્લિયર પ્લાન્ટમાં કોઈ ક્ષતિ નથી થઈ એની તપાસ કરી રહ્યા છે.

હવામાન વિભાગ સાથે જોડાયેલા જાપાની અધિકારીઓએ જણાવ્યું હતું કે સુનામીને કારણે સમુદ્રનાં મોજાં પાંચ મીટર ઊંચાં ઊછળી શકે છે. એટલા માટે લોકોને શક્ય તેટલી વહેલી તકે ઊંચી જમીન અથવા નજીકની બિલ્ડિંગોની ટોચ પર ભાગવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. કોસ્ટલ એરિયામાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાન પર જવા માટે કહેવામાં આવ્યું છે. ભૂકંપના આંચકા ટોક્યો અને સમગ્ર કાંટો વિસ્તારમાં અનુભવાયા છે.

જાપાનમાં માર્ચ 2011માં નવની તીવ્રતાવાળા વિનાશક ભૂકંપના કારણે મોટી સુનામી આવી હતી. ભૂકંપ બાદ આવેલી સુનામીએ ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટને તબાહ કરી નાખ્યો હતો. આ સુનામીને પર્યાવરણના નુકસાનની દ્રષ્ટિએ એક મોટી ઘટના માનવામાં આવી હતી. ત્યારે સમુદ્રમાં ઊઠેલા 10 મીટર ઊંચાં મોજાંએ અનેક શહેરોમાં તબાહી મચાવી હતી. તેમાં લગભગ 16,000 લોકોનાં મોત થયાં હતાં.

 

 

 

 

રાજ્યમાં હિટ એન્ડ રનના કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઇવરોની હડતાળ

અમદાવાદઃ રાજ્યમાં ટ્રકનાં પૈડાં થંભી ગયાં છે. કેન્દ્ર સરકારના નવા અકસ્માતના કાયદાને લઇને રાજ્યમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થયાં છે. અકસ્માતના નવા કાયદા અંગે રાજ્યમાં ટ્રક ડ્રાઇવરોએ અનેક જગ્યાઓએ હડતાળ પાડીને વિરોધ કર્યો છે. ટ્રકચાલકોની સાથે હવે સુરતમાં તો BRTS અને AMTSના ડ્રાઇવરોએ ત્રણ દિવસની હડતાળ પાડી છે. આ સાથે ગીર સોમનાથમાં ટ્રક ડ્રાઇવારોએ હડતાળ પાડીને વેરાવળ કોડીનાર હાઇવે નજીક ટ્રકોનો ખડકલો કરી દીધો છે.

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વાહન અકસ્માતના ગુનામાં માલવાહક વાહનના ડ્રાઇવરને અકસ્માતના કિસ્સામાં 10 વર્ષ સુધીની જેલ તેમ જ ફરીથી વાહનચાલકને લાઇસન્સ મળે જ નહીં તેવી જોગવાઈઓ છે. જેની સામે ટ્રકચાલકોમાં ઉગ્ર રોષ છે. રાજ્યમાં મહેસાણાથી લઇને રાજકોટ, સુરતથી લઇને ગીર અમદાવાદ, સોમનાથ અને ભરૂચ સહિતના ટ્રક ડ્રાઇવરો હડતાળ પર ઊતર્યા છે. ટ્રક ડ્રાઇવરોએ ઠેર-ઠેર ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે. ટ્રક ડ્રાઇવરોએ ક્યાંક ટાયરો સળગાવ્યા તો ક્યાંક ટ્રક એકતા જિંદાબાદના નારા લગાવીને સરકાર સામે બાંયો ચઢાવી હતી. નવા અકસ્માત કાયદામાં હિટ એન્ડ રન થવા પર ડ્રાઇવરોને 10 વર્ષની જેલની સજા સાથે લાખોના દંડની જોગવાઈ છે, જેને લઇને વિરોધ વધુ ઉગ્ર બન્યો છે.ભરૂચમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર અંકલેશ્વર નજીક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.આજે મહેસાણા જિલ્લામાં ટ્રક ડ્રાઇવરની હડતાળમાં મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવરો જોડાયા હતા. હિટ એન્ડ રનના કાયદાનો અહીં પણ જોરદાર વિરોધ જોવા મળ્યો હતો. અહીં રોડ પર ટાયર સળગાવી ચક્કાજામ કરાયો હતો. હડતાળને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને કોડીનાર હાઇવે પર પ્રાચી નજીકના હાઇવે રૉડ પર ટ્રકોનો મોટો ખડકલો જોવા મળ્યો હતો. અહીં પણ મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવર વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ટ્રક ડ્રાઇવરોએ વિરોધની સાથે સાથે ટ્રક એકતા જિંદાબાદના નારા લગાવ્યા હતા. નવા કાયદા મુજબ હિટ એન્ડ રનની ઘટનામાં ડ્રાઇવરોને 10 વર્ષ સજાની જોગવાઇ અને સાથે લાખોના દંડ છે. જેનો પુરજોશમાં વિરોધ ચાલી રહ્યો છે. ડ્રાઇવરોની માગ છે કે આ હિટ એન્ડ રન અકસ્માતનો કાયદો પાછો ખેંચવામાં આવે.

 

 

ઇસરોએ રચ્યો ઇતિહાસઃ લોન્ચ કર્યો પહેલો XPoSat સેટેલાઇટ   

નવી દિલ્હીઃ નવા વર્ષના પહેલા દિવસે ઇસરોએ ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ પહેલી જાન્યુઆરી, 2024એ પહેલો એક્સ-રે પોલરિમીટર સેટેલાઇટને લોન્ચ કર્યો છે. આ ભારતનું પહેલું પોલારિમીટર મિશન હશે. આ પહેલાં વર્ષ 2021માં નાસાએ ઇમેજિંગ એક્સ-રે પોલારિમેટ્રી એક્સપ્લોરર (IXPE) લોન્ય કર્યું હતું. એ મિશન પછી એ વિશ્વનું બીજું એવું મિશન છે.

આ મિશન પર માત્ર ભારત જ નહીં, બલકે વિશ્વની નજર ટકેલી છે. એ મિશન એટલે ખાસ છે, કેમ કે એક્સપોસૈટ એક્સ-રે સોર્સનાં રહસ્યો માલૂમ થાય અને બ્લેક હોલની રહસ્યમયી વિશ્વનું અધ્યયન કરવામાં મદદ કરશે.

આ સાથે ઇસરોએ દેશના પ્રથમ XPoSatની  મિશન સાથે અન્ય 10 ઉપગ્રહ લઈને જઈ રહેલા PSLV-C58 રોકેટનું શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. આ ઉપગ્રહ બ્લેકહોલ જેવી ખગોળીય રચનાઓ અને રહસ્યો પરથી પડદો ઉઠાવશે. આ સેટેલાઇટ સૌથી ચમકતા તારાનું અધ્યયન કરશે. આ મિશનનો જીવનકાળ આશરે પાંચ વર્ષનું છે. એને PSLVથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

બ્રહ્માંડનાં રહસ્યોને જાણવા માટે એક વર્ષથી પણ ઓછા સમયમાં આ ભારતનું ત્રીજું મિશન છે. પહેલું ઐતિહાસિક ચંદ્રયાન-3 મિશન હતું. જેને 14 જુલાઈ, 2023એ લોન્ચ કરવામાં આવ્યું હતું અને એ પછી બીજી સપ્ટેમ્બર, 2023એ આદિત્ય- એલ1 લોન્ચ કરવામાં આવ્યું હતું.

તિરુપતિ મંદિરમાં પૂજા

 

આ મિશનની સફળતા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ રવિવારે તિરુપતિ મંદિરમાં પૂજા કરી હતી. XPoSat નો હેતુ અવકાશમાં એક્સ-રે સ્ત્રોતોના ધ્રુવીકરણની તપાસ કરવાનો છે. ISRO સિવાય અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ડિસેમ્બર 2021માં સુપરનોવા વિસ્ફોટના અવશેષો, બ્લેક હોલમાંથી નીકળતા કણો અને અન્ય ખગોળીય ઘટનાઓનો આવો જ સમાન અભ્યાસ કર્યો હતો.

 

 

 

 

કોરાનાના 636 નવા કેસો, ત્રણનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 178 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કેરળમાં સૌથી વધ 83 લોકો, ગોવામાં 18, મહારાષ્ટ્રમાં સાત, રાજસ્થાનમાં પાંચ, તામિલનાડુમાં ચાર, તેલંગાણામાં બે અને દિલ્હીમાં એક જણ સંક્રમિત છે. 

 દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 636 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,13,908 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.દેશમાં અત્યાર સુધી 5,33,364 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,76,150 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 548 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4394 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,79,081 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

લોકોને નવા વર્ષની સલામત ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક પહેરવા અને હાથ સાફ કરવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ.

 

 

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 01/01/2024 થી 07/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મિલન-મુલાકાતમાં ઉત્સાહ જોવા મળે, જૂનીઓળખાણ તાજી થાય, પ્રિયજન સાથેની વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, આરામ કરવાની વૃતિ જાગે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગને નવીનકામ થઈ શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગને અણધર્યા લાભ થઈ શકે છે. સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને નવીનજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. યુનિફોર્મવળી નોકરી કરનાર માટે કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થઇ શકે, વડીલવર્ગ સામાજિકકામ કરવા વધુ ઉત્સાહી બને. લગ્નબાબતની મિલન-મુલાકાત દરમિયાન તમારો પ્રતિભાવ સામેની વ્યક્તિ પર સારો પડી શકે છે.


સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, જુના મતભેદ ભૂલવાની અને સબંધમાં નવીનતા લાવવા માટે યોગ્ય તક પણ મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગ માટે સમયનો વ્યય વધુ થઇ શકે છે કામ ધાર્યા કરતા વધુ વિલંબિત બની શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગ માટે કામકાજમાં આતુરતા બાદ ફળ મળે. હોટેલ, મોજ શોખ, કલા જગત સાથે કામ કરનાર માટે સારી તક મળી શકે વડીલવર્ગ નાની યાત્રા કે જાત્રમાં સુખદ અનુભવ થઇ શકે છે, પ્રિયજન સાથે થોડા અળખામણા ના થવાય તેની તકેદારી રાખવી સારી.


મુસાફરીના યોગ છે અને મુસાફર દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિ ઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, માર્કેટિંગક્ષેત્રમાં ધીરજનાફળ મીઠા મળી શકે, શેર બજાર અને કોમોડીટી બજારમાં કામકરનાર વર્ગ માટે ગણતરી અને અનુભવથી નિર્ણય લેવામાંજ ડાહપણ છે, દલાલી, કમીશન, કાગળ, બેંક જેવા ક્ષેત્રમાં કામકરનાર માટે ક્યાંક ફાયદાની વાત સંભાળવા મળી શકે, વડીલવર્ગ પોતાનું સ્વમાન સાચવીનેજ વર્તવું સલાહ ભર્યું છે, લગ્નબાબત ક્યાય વાતચીત કરવાની હોય તો તેમાં થોડો વ્યવહારુ અભિગમ રાખી આગળ વધવું સારું કહી શકાય.


કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે. જનસંપર્ક/માર્કેટિંગ જેવા ક્ષેત્રમાં યોગ્ય ગણતરીથી ધાર્યું કામ થાય તેવું બની શકે છે, ઇમ્પોર્ટ એક્ષ્પોર્ટ જેવા ક્ષેત્રમાં કામ કરનારને સારી તક મળે, શેર અને કોમોડીટી બજારમાં કામકરનાર માટે નસીબ સાથ આપે, વડીલવર્ગને ભૂતકાળના કામની વાતો યાદ આવે તેવું બની શકે, પ્રિયજન સાથે યાદગાર બનાવોની યાદ રોમાંચિત કરીદે, પસંદગીની ખરીદી થઈ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપ કે મિલન-મુલાકાત લાભદાઈ બની શકે છે, વિદેશ જવા બાબતના કામકાજમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય, મુસાફરીના યોગ છે, આકસ્મિતખર્ચ કે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈ જગ્યાએથી મનગમતી વાત સંભાળવા મળે તેવું બની શકે છે. સરકારી/રાજકીયક્ષેત્રમાં જોડાયેલ વર્ગ માટે ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્ર/મેડીકલક્ષેત્રમાં જુનાસંપર્કવાળા કામકરવાથી કામની પ્રસંશા થાય તેવું પણ બની શકે છે. શેર અને કોમોડીટીબજારમાં કામ કરનારવર્ગને કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય તેવું બની શકે છે  વડીલવર્ગ કોઈને સલાહ/ઠપકો આપવામા ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું. લગ્ન બાબતની વાર્તાલાપમાં શાંતિ અને શાણપણ રાખવું વધુ યોગ્ય કહી શકાય.


નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે ધીરજ રાખવી, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, પાવર/ગેસ /કમીશન/સલાહકાર જેવા કામકાજ કરનારે થોડી ધીરજ અને ચોકસાઈ રાખવી જરૂરી છે, શેર/કોમોડીટી બજારમાં કામકરનારે જોખમથી દુર રહેવું ઇછાનીય છે, માર્કેટિંગ સાથે જોડાયેલ લોકોએ ઉશ્કેરાટમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું, વડીલવર્ગ સ્વાથ્યઅંગે તકેદારી રાખવી અને ખટપટથી દુર રહેવાની સલાહ છે, પ્રિયજન સાથે અર્થહીન દલીલબાજી અને ખોટી વાર્તાલાપના કરવી જેથી કોઈ મનદુઃખ થવાની ઘટનાના બને અને શાંતિ જળવાય.


આત્મવિશ્વાસ સારો જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમને આરામ કરવાની કે આળસવૃતિ જોવા મળે, પસંદગીની વ્યક્તિ સાથે મિલન-મુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે હીરા/ઝવેરાત/કાપડ/દવા બજાર સાથે જોડાયેલા લોકો માટે કામની નવીનતક દેખાય તેવું બની શકે છે, શેર/કોમોડીટી બજાર સાથે કામકરનાર માટે ઓછા નફા સાથે વધુ કામ કરવાની અનુકુળતા કહી શકાય. કોઈના સામાજિકપ્રસંગમાં જવાથી તમારો ઉત્સાહ વધે, વડીલવર્ગ માટે જૂનીઓળખાણ તાજી થાય તેવા સારા અવસર આવે અને જુના દિવસોની યાદથી ભાવવિભોર બની જવાય તેવું પણ બની શકે છે.


મસ્તી-મજાક કરવાની વૃતિ વધુ જોવા મળે પણ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું. વડીલ કે પરિચિત સાથે ફરવા જવાના યોગ પણ બને છે, જુનાસ્મરણો તમને અતિલાગણીશીલ પણ બનાવી દે તેવા સંજોગો બની શકે છે. બાંધકામ/સરકારી/રાજકીય ક્ષેત્રમાં કામકરનાર માટે વધુ મહેનત થાય. તેવા સંજોગ બને, શેર/કોમોડીટી બજારમાં કામકરનારને થાકની અસર જોવા મળે અને આરામકરવાની વૃતિ જાગે, માર્કેટિંગમાં થોડી વધુ મહેનત અને ઓછી સફળતાના સંજોગ બને છે  વડીલવર્ગ માટે મોટું મન રાખી સમય પસાર કરીલેવા માજ શાણપણ રહેલું છે, ખોટાખર્ચા થવાથી મન અશાંત બની શકે છે.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણ તાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, ક્યાય મતભેદના થાય તેનું પણ ધ્યાન રાખવું, માર્કેટિંગમાં વ્યર્થની દોડધામ થઈ શકે છે,  નોકરીકરનારવર્ગ માટે કામમા રચ્યા-પચ્યા રહેવું સલાહ ભર્યું છે, શેર/કોમોડીટી બજારમાં કોઈપણ ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, રાજકીયપક્ષ સાથે કામ કરનાર માટે તકેદારી જરૂરી છે, વડીલવર્ગને યુવાવર્ગ સાથેની વાર્તાલાપમાં વધુ ન બોલવાની સલાહ છે. લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક ખોટી દિશામા ના જાય તેનું ધ્યાન રાખવું, ધીરજ અને શાંતિ રાખવી સલાહભરી છે.


કોઇપણ કારણસર માનસિક અશાંતિ રહે કારણકે મનમાં કોઈક વાતનો અજંપો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું માટે શક્ય એટલું ઓછુ બોલવું સારું, વહનવ્યવહાર કુરિયર/ રોજની અપડાઉનની નોકરી કરનારવર્ગ માટે શાંતિ અને સંયમ જરૂરી છે, માર્કેટિંગમાં કામ કરનાર માટે સાથી કર્મચારીકે જુનાસંપર્કમાં કામકાજ દરમિયાન મન મોટું રાખી કામ કરવાની સલાહ છે, શેર કોમોડીટી બજારમાં કોઈની દોરવણીથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, લગ્નબાબતની વાર્તાલાપમાં તમારા વાણીવર્તનથી ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સલાહભર્યું કહી શકાય.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, યુવા વર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે તેવું બની શકે છે. માર્કેટિંગમાં ધ!ર્યા કરતા ઓછું ફળ મળે તેવી લાગણી અનુભવાય, રોજબરોજનું કામકરનારકે ખાનગીપેઢીમાં કામકરનાર માટે કામ ટાળવાની વૃત્તિ વધુ જાગે, સાંધા/કમર/અપચા/ગેસની તકલીફના થાય તેનું ધ્યાન રાખવું, શેર/ કોમોડીટી બજારમાં નાનું કામકાજ ઇચ્છનીય છે. વડીલવર્ગ માટે થાકલાગવાની અસર વધુ થાય. લગ્ન માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં સામેના પક્ષના જવાબ બાબતની ધીરજ રાખવી સારી.


તમને કોઈનો સાથસહકાર મળે જેને કારણે તમે થોડા ઉત્સાહી બનો, જુનાઅટકેલા કામ બાબત કઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે. યુવાવર્ગ માટે લગ્નની વાત ક્યાંક થઇ શકે, નોકરી/વ્યવસાયમાં નવું જાણવાની તક મળે, શેર/કોમોડીટી બજારમાં અનુભવ મુજબ કામ કરવું યોગ્ય છે. માર્કેટિંગમાં જુના સંપર્કની યાદીમાં કામ કરવાથી લાભ થઈ શકે, રાજકીયપક્ષ સાથે કામકરનાર માટે કોઈ અગત્યની વાત જાણવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ શીખવાની વૃત્તિ લાભ આપે, વડીલવર્ગ શાંતિથી સમય પસાર કરવો, પ્રિયજનને ખુશ રાખવાથી તમને પણ વધુ ખુશી મળે તેવું બની શકે છે.