Home Blog Page 2183

નવા વર્ષે પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા

નવી દિલ્હીઃ લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલમાં કાપની માગ નવા વર્ષે પૂરી થવાની શક્યતા છે. સરકારે સંકેત આપ્યા છે કે ક્રૂડની કિંમતો 80 ડોલરની નીચે રહેવા પર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કાપ મૂકવાની જાહેરાત કરાવાની સંભાવના છે. ડિસમ્બરમાં બ્રેન્ટ ક્રૂડ આ સ્તરની નીચે રહ્યું છે.

આ સાથે છેલ્લા બે મહિનાથી મોટો ભાગનો સમય બ્રેન્ટ પ્રતિ ડોલર 85 ડોલરથી નીચે રહ્યું છે. એ સાથે વર્ષ 2024માં પણ ક્રૂડ ઓઇલમાં નરમાઈનો અંદાજ છે, જેથી અપેક્ષા છે કે ક્રૂડમાં નરમાઈને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ ઘટાડો થશે. વર્ષ 2023માં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને ભાવ 10 ટકા તૂટ્યા હતા. ક્રૂડની કિંમતોમાં ઘટાડો ત્યારે જોવા મળ્યો હતો, જ્યારે ક્રૂડ ઉત્પાદક દેશો ઉત્પાદનમાં કાપ મૂકી રહ્યા હતા અને જિયો પોલિલિટિકલ ટેન્શનની અસર પણ જોવા મળી રહી છે.

વર્ષ 2023ના અંતમાં બ્રેન્ટ ફ્યુચર 77 ડોલર પ્રતિ બેરલ પર હતું. જ્યારે WTI ક્રૂડ પ્રતિ ડોલર 72 ની નીચે બંધ થયું હતું. આ વર્ષે ભાવ 10 ટકા તૂટ્યા છે, જ્યારે વર્ષ 2022માં બ્રેન્ટ 10 ટકા અને WTI સાત ટકા વધ્યું હતું.

વિશ્લેષકોના સર્વે અનુસાર વર્ષ 2024માં ક્રૂટનો સરેરાશ ભાવ પ્રતિ બેરલ 82.56 ડોલર રહેવાની શક્યતા છે. જોકે આ પહેલાં પ્રતિ બેરલ 84 ડોલર રહેવાનો અંદાજ હતો, પણ બે મહિનામાં ક્રૂડની વૈશ્વિક કિંમતોમાં બે ડોલરનો ઘટાડો નોંધાયો હતો.

 

 

 

 

 

અયોધ્યામાં PM મોદીનો ભવ્ય રોડ શો, રેલવે સ્ટેશન-એરપોર્ટનું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેર પહોંચ્યા હતા. પીએમ મોદીએ અહીં ભવ્ય રોડ શો કર્યો હતો. આ દરમિયાન લોકોએ તેમના પર ફૂલોની વર્ષા કરી અને જય શ્રી રામના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું. PMએ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. આ પછી તેમણે નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદી અયોધ્યા સહિત યુપીને પણ 15000 કરોડ રૂપિયાની ભેટ આપવાના છે. એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપીના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું અને તેમને ફૂલ અર્પણ કર્યા હતા. પીએમ મોદીએ અયોધ્યામાં એક કલાક સુધી રોડ શો કર્યો હતો, જેમાં રસ્તાની બંને બાજુ લોકોની ભીડ જોવા મળી હતી. લોકો જય શ્રી રામના નારા પણ લગાવતા સાંભળ્યા હતા. પીએમ પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. રોડ શોમાં ભારે ભીડ જોવા મળી હતી, જેઓ પીએમ પર હાથ હલાવીને તેમનું સ્વાગત કરી રહ્યા હતા.

નવી ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુનઃવિકાસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. તેમણે બે નવી અમૃત ભારત અને છ નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી છે. આ સિવાય પીએમ મોદીએ અન્ય ઘણા રેલવે પ્રોજેક્ટ પણ દેશને સમર્પિત કર્યા છે. આ દરમિયાન તેમની સાથે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા. ટ્રેનોને લીલી ઝંડી બતાવતા પહેલા પીએમએ તેમાં બેઠેલા બાળકો સાથે વાત પણ કરી હતી.

એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું

પીએમ મોદીએ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા. એરપોર્ટનો પ્રથમ તબક્કો 1450 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. તેનું ટર્મિનલ 6500 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, જ્યાં દર વર્ષે 10 લાખ મુસાફરોની અવરજવર સંભાળી શકાય છે. પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરને ફૂલો, ચિત્રો અને થાંભલાઓથી શણગારવામાં આવ્યું છે. પીએમ મોદીની તસવીર પણ દરેક જગ્યાએ લગાવવામાં આવી છે. વડાપ્રધાન મોદીની અયોધ્યા મુલાકાતના કારણે શહેરની સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે.

 

PM મોદી અયોધ્યામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીના ઘરે પહોંચ્યા

અયોધ્યાની મુલાકાત દરમિયાન પીએમ મોદી અચાનક ઉજ્જવલા યોજનાના લાભાર્થી મીરા માઝીને મળ્યા હતા. પીએમ મોદી મીરા માઝીના ઘરે ગયા અને સમગ્ર પરિવાર સાથે મુલાકાત કરી. પીએમએ મીરા સહિત સમગ્ર પરિવારની ખબર-અંતર પૂછ્યા હતા.

પીએમ મોદી મીરાના બાળકોને પણ મળ્યા અને તેમની સાથે વાત કરતા જોવા મળ્યા. મીરા માઝીનો પતિ સુરત માઝી પણ ઘરમાં હાજર હતો. માઝી પરિવાર ઉજ્જવલા યોજના અને પ્રધાન મંત્રી આવાસ યોજનાનો લાભાર્થી છે.

પીએમ મોદી લાંબા સમય સુધી મીરા માઝીના ઘરે બેઠા હતા. આ દરમિયાન મીરાએ પીએમ મોદી માટે ચા પણ બનાવી હતી. પીએમ મોદી પણ ચા પીતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ મીરાના બાળકને ઓટોગ્રાફ પણ આપ્યો અને તેની તબિયત પણ પૂછી.

ચા પીવાની સાથે પીએમ મોદીએ મીરા માઝીના પરિવારની ખબર પણ પૂછી હતી. પીએમ મોદીએ તેમને પૂછ્યું કે શું કોઈ સમસ્યા છે. પીએમ મોદીએ મીરા માઝીને પણ પૂછ્યું કે તેમને શું મળ્યું? ચા પીતા પીએમ મોદી મીરાના બાળક સાથે હાથ મિલાવતા પણ જોવા મળ્યા હતા. પીએમ મોદી મીરાના એ જ ઘરમાં બેઠા હતા જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવ્યું છે. પીએમએ મીરાને પૂછ્યું કે હવે તમે લોકો કેવું અનુભવો છો? જવાબમાં મીરાએ કહ્યું કે તે સારું અનુભવી રહી છે. પીએમ મોદીના ઘરે પહોંચીને પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ મીરાએ કહ્યું કે, તેમને કલ્પના નહોતી કે પીએમ મોદી તેમના ઘરે આવશે. તેમના આગમનના થોડા સમય પહેલા જ તેમને કહેવામાં આવ્યું કે પીએમ મોદી તેમના ઘરે આવવાના છે. મીરાએ કહ્યું કે તે આ ક્ષણ હંમેશા માટે યાદ રાખશે.

22 જાન્યુઆરીએ દેશભરમાં દિવાળીની ઉજવણી કરો : PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ, નવી ટ્રેનો અને રેલ્વે સ્ટેશન અને અન્ય ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે લોકોને 22 જાન્યુઆરીએ અયોધ્યા ન આવવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે 22 જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં સામેલ થવા માટે પોતે અયોધ્યા આવે, પરંતુ દરેક વ્યક્તિ માટે આવવું શક્ય નથી. તેથી હું તમામ રામ ભક્તોને વિનંતી કરું છું કે એકવાર જાન્યુઆરીના રોજ કાર્યક્રમ આયોજિત થાય પછી અયોધ્યા આવે. પીએમ મોદીએ કહ્યું, આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ વર્ષોથી ચાલી રહી છે અને તેમાં કોઈ વિક્ષેપ ન થવો જોઈએ. અહીં ભીડ ન કરો, કારણ કે મંદિર ક્યાંય જવાનું નથી. આ સદીઓ સુધી ચાલશે. વડાપ્રધાને કહ્યું કે સમારોહમાં માત્ર થોડા લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેથી જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓએ જ અયોધ્યા આવવું જોઈએ. 23મી પછી મુસાફરી સરળ બનશે.

ઘરમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પોતાના ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, આ ઐતિહાસિક ક્ષણ સદભાગ્યે આપણા બધાના જીવનમાં આવી છે. આ અવસર પર તમામ 140 કરોડ દેશવાસીઓએ 22 જાન્યુઆરીએ પોતાના ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવવી જોઈએ અને દિવાળીની ઉજવણી કરવી જોઈએ.

અયોધ્યાને સ્વચ્છ બનાવવાની અપીલ

આ દરમિયાન પીએમ મોદીએ અયોધ્યાના લોકોને શહેરને સ્વચ્છ બનાવવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું, અયોધ્યા હવે લાખો મુલાકાતીઓનું આયોજન કરવા માટે તૈયાર હોવી જોઈએ અને અનંતકાળ સુધી અહીં મુલાકાતીઓ આવતા રહેશે. અયોધ્યાના લોકોએ અયોધ્યાને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવા માટે શપથ લેવા પડશે.

કેન્સરથી લડવા માટે ભારતે તૈયાર કરી પહેલી સિરપ

નવી દિલ્હીઃ દેશના વૈજ્ઞાનિકોએ કેન્સર દર્દીઓ માટે પ્રથમ સિરપ તૈયાર કરવામાં સફળતા મેળવી છે. તેનું નામ પ્રીવેલ રખાયું છે. શું આ કફ સિરપ બની જવાથી અત્યંત પીડાદાયક કીમોથેરેપીથી મુક્તિ મળી જશે? ટાટા મેમોરિયલ હોસ્પિટલ એન્ડ એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઈન કેન્સર (ACTREC) એ કેન્સર દર્દીઓની સારવાર માટે ભારતની આ પહેલી સિરપ (ઓરલ સસ્પેન્શન) તૈયાર કરવામાં સફળતા મેળવી હતી.

કિમોથેરેપીમાં વપરાતી આ દવા (6- મર્કેપ્ટોપ્યુરિન કે પછી 6-MP)નું નામ પ્રીવેલ (PREVALL) રખાયું છે.  ACTRECના ડોક્ટરોએ બેંગલુરુની IDRS લેબ્સના સહયોગથી આ દવા તૈયાર કરી હતી. બ્લડ કેન્સરના દર્દીઓ માટે આ દવા ક્રાંતિ લાવી શકે છે. ખાસ કરીને બાળકોની કેન્સરની સારવારમાં પરંપરાગત ટેબ્લેટ માટે આ અસરદાર વિકલ્પ બની શકે છે.

મર્કેપ્ટોપ્યુરિનનો ઉપયોગ તમામ પ્રકારના કેન્સરની સારવારમાં થાય છે. આ એન્ટિમેટાબોલાઈટ્સ નામની દવાઓના વર્ગ સાથે સંકળાયેલો છે જે કેન્સરના કોષોને વધતાં અટકાવે છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલના ચાઈલ્ડ મેડિકલ ઓન્કોલોજી વિભાગના પ્રમુખ ડૉ. ગિરીશ ચિન્નાસ્વામીએ કહ્યું હતું કે પ્રીવેલનું લોન્ચિંગ એક મોટી પ્રગતિ છે જે બાળકો માટે વધુ અનુકૂળ રહેશે. હાલમાં બાળકોને ટેબલેટ આપવામાં આવતી હતી. પ્રીવેલને દવા નિયામક CDSCO દ્વારા માન્યતા મળી ગઇ છે.

કેન્સરમાં કિમોથેરેપી ફરજિયાત રીતે આપવામાં આવતી એક સારવાર છે જેમાં દવાઓની મદદથી કેન્સરના કોષોને ઝડપથી નષ્ટ કરાય છે. કિમોથેરેપીમાં સામાન્ય રીતે રેડિયોથેરેપી, સર્જરીથી ટ્યુમરને હટાવવા, લક્ષિત દવાઓ વગેરે સામેલ છે. કિમો મોટા ભાગે ઈન્ટ્રાવેનસ (નસના માધ્યમથી લોહીમાં) ઇન્જેક્શન તરીકે અને ક્યારેક-ક્યારેક મોં વાટે લેવાતી દવાઓ તરીકે અપાય છે. કેન્સરની સારવાર માટે પહેલીવાર 1940માં કીમોથેરેપી અપાઈ હતી. હવે નવી સીરપ મળી જતાં લોકોને નસ દ્વારા અપાતી કીમોથેરેપીથી મુક્તિ મળી શકે છે.

વર્ષ 2023નો વર્ડ ઑફ ધ યર ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’

2023ની વિદાય સાથે 2024નું આગમન થઈ રહ્યું છે. નવું વર્ષ નવી યાદો, નવી ઘટનાઓની સાથે નવા સંભારણાં લાવે છે તો વીતેલું વર્ષ તે વર્ષમાં બનેલી ઘટનાઓ અને તેની લોકસમૂહ ઉપર પડતી આર્થિક, રાજકીય, સામાજિક અસરોને કારણે યાદગાર બને છે.

આ ઘટનાઓને કારણે કેટલાક શબ્દો સમગ્ર વર્ષ દરમ્યાન ચર્ચાને પાત્ર રહે છે. આવા જ કેટલાક ચર્ચામાં રહેલા અને લોક સમૂહને અસર કરેલા શબ્દોમાંથી એક શબ્દ પસંદ કરીને વર્ષ 2017થી દર વર્ષે ગુજરાતીલેક્સિકોન દ્વારા એક શબ્દને ‘વર્ડ ઑફ ધ યર’ તરીકે જાહેર કરવામાં આવે છે. વર્ષ 2022થી ગુજરાતીલેક્સિકોન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે જોડાયા છે અને આ જોડાણે ‘વર્ડ ઑફ ધ યર’ પહેલને વધુ વેગવંતી બનાવી છે.

વર્ષ 2023માં ઘટેલી કેટલીક ઘટનાઓ ઉપર નજર કરતાં જણાશે કે આર્થિક-સામાજિક અને રાજકીય એમ ત્રણે ક્ષેત્રને જો કોઈ શબ્દ સૌથી વધુ અસર કરી ગયો હોય તો તે છે, ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (એ.આઇ.) (કૃત્રિમ બુદ્ધિમત્તા). આ ટેક્નોલૉજીનું આગમન વર્ષ 2022માં થઈ ગયું હતું, પણ આ તક્નિક પર આધારિત સામાગ્રીનો બહોળો વ્યાપ વર્ષ 2023માં થયો જેમ કે ચેટજીપીટી. આ તક્નિકે દરેક ક્ષેત્રમાં નવી દિશાઓ ખોલી તો કેટલાક અંશે તેનો મર્યાદિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવે છે. તે જ રીતે ચંદ્રયાનની સફળતાને કારણે ‘ચંદ્રયાન’ શબ્દ વૈશ્વિક બજારમાં ‘આત્મનિર્ભર’ શબ્દ દ્વારા ભારતનો દબદબો પ્રગટતો રહ્યો.

ભારતની પ્રજા ધાર્મિક માનસિકતા ધરાવે છે અને ‘અયોધ્યા’ અને ‘રામમંદિર’ ઉપરની અખૂટ શ્રદ્ધાને કારણે વર્ષ 2024માં આપણે રામમંદિરના દ્વારે પહોંચી શકીશું. તો બીજી બાજુ  આ વર્ષે ‘શક્તિપ્રદર્શન’ અને ‘પનોતી’ શબ્દનો ઘણો વપરાશ અને પદયાત્રા જેવા શબ્દો રાજકીય બાબતમાં વધુ પ્રયોજાયા છે.

ઉપરની વિવિધ ઘટનાઓની સારી-નરસી વિવિધ બાજુઓને ચકાસતાં ગુજરાતીલેક્સિકોન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ને વર્ષ 2023નો ‘વર્ડ ઑફ ધ યર’ જાહેર કરતાં આનંદ અનુભવે છે.

 

 

 

 

 

Words, Word of the Year,  GujaratiLexicon, Gujarat, Encyclopaedia, Artificial Intelligence, AI, Vishwakosh,

‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’ ખુલ્લો મુકાયો

 મેળા અને મહોત્સવની મોસમમાં શહેરના રિવરફ્રન્ટ પર આવેલા ફ્લાવર ગાર્ડન, ઈવેન્ટ સેન્ટર પાલડીમાં વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024 શરૂ થઈ ગયો છે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો-2024’ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એ ઉદઘાટન બાદ મુખ્ય મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર શોનાં વિવિધ આકર્ષણો નિહાળ્યાં હતાં. અનેકવિધ સ્કલ્પચરને મુખ્ય મંત્રીશ્રી સહિત સૌએ બિરદાવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 30 ડિસેમ્બરે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ,  મેયર પ્રતિભાબહેન જૈન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયા બાદ 15 જાન્યુઆરી, 2024 સુધી લોકો નિહાળી શકશે.

વાઇબ્રન્ટ ફ્લાવર શો 2024માં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે મોઢેરાનું સૂર્ય મંદિરની ઝાંખી સાથે વિવિધ ઝાંખીને ફૂલો છોડ રંગ રોશનીથી  તૈયાર કરવામાં આવી છે.

અમદાવાદમાં સૌથી વધારે આકર્ષણ જમાવતા ફ્લાવર શો 2024માં અનેક ફૂલોની વેરાઇટી મૂકવામાં આવી છે. બાગ બગીચાને સજાવતી સામગ્રીના સ્ટોલ પણ મુકવામાં આવ્યા છે.

‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’ના મુખ્ય આકર્ષણોમાં વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. વધુમાં, અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ, સાત અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી-જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ મુખ્ય આકર્ષણોમાં સામેલ છે.

આ ઉપરાંત ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’ માં આ વખતે વિવિધ પ્રકારનાં 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા મૂકવામાં આવ્યા છે, જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહેશે. આ ફૂલ-છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણિયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવાં અનેક દેશી-વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે અને વિદેશી ફૂલ-છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને હસ્તે ફ્લાવર શો 2024’નું ઉદઘાટન

અમદાવાદઃ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો-2024’ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એ ઉદઘાટન બાદ મુખ્ય મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર શોનાં વિવિધ આકર્ષણો નિહાળ્યાં હતાં. અનેકવિધ સ્કલ્પચરને મુખ્ય મંત્રીશ્રી સહિત સૌએ બિરદાવ્યા હતા.

‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’ના મુખ્ય આકર્ષણોમાં વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. વધુમાં, અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ, સાત અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી-જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ મુખ્ય આકર્ષણોમાં સામેલ છે.

આ ઉપરાંત ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’ માં આ વખતે વિવિધ પ્રકારનાં 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા મૂકવામાં આવ્યા છે, જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહેશે. આ ફૂલ-છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણિયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવાં અનેક દેશી-વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે અને વિદેશી ફૂલ-છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે.

આ ફ્લાવર શોમાં સાત લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર પ્રદર્શિત કરવામાં આવનાર છે. આ ઉદઘાટન પ્રસંગે અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન, ઔડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર પટેલ, શહેરના ધારાસભ્યો, ડેપ્યુટી મેયર  જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસન, મ્યુનિ.ના પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

નકલી ટોલ બૂથ કેસમાં બે આરોપીની ધરપકડ

અમદાવાદઃ મોરબી નજીક વાંકાનેર પાસે ચાલતા બોગસ ટોલ બૂથનું કૌભાંડ પ્રકાશમાં આવ્યાના 25 દિવસ બાદ આ મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વાંકાનેરના આ રૂટ પણ છેલ્લા દોઢ વર્ષથી એક નકલી ટોલબૂથ ચાલતુ હતું અને આ નકલી ટોલબૂથ ચલાવીને વાહનચાલકો પાસેથી રકમ ઉઘરાવાતી હતી. આ ઉઘાડી લૂંટનો પર્દાફાશ થયા બાદ આખરે આ મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબીના વાંકાનેર નજીક વધાસિયા ગામે સિરામિકની ફેક્ટરી ભાડે રાખીને અહીં નકલી ટોલનાકુ ચલાવીને સામાન્ય જનતા સાથે ઉઘાડી લૂંટ થતી હતી. દોઢ વર્ષથી ચાલતા આ સમગ્ર ગોરખધંધો ત્યારે ઉજાગર થયો, જ્યારે આ મુદ્દે એક વિડિયો વાયરલ થયો હતો. છેલ્લા દોઢ વર્ષથી ધમધમતા  આ નકલી ટોલ નાકામાં ટેમ્પાના 100, મોટા ટ્રકના 200 અને ફોર વ્હીલરના રૂ. 50 લેવાતા હતા. રવિ નામનો કોઈ શખસ આ  ટોલનાકું ચલાવતો હોવાનો અહેવાલ સામે આવ્યો હતો. આ નકલી ટોલનાકા માટે અનેક સવાલ થવા સ્વાભાવિક છે.

બામણબોર થી વાંકાનેર થઈને મોરબી અને કચ્છ તરફ દરરોજ હજારો વાહન પસાર થાય છે. આ ટોલનાકાને લઇને અનેક ચોકાનારી હકીકતો સામે આવી છે. આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ અનેક મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવાળાને અરજીઓ આપી હોવાનું પણ સામે આવ્યું છે. અસલી ટોલનાકા કરતા અહી નકલી ટોલનાકમાં 50 ટકા ડિસ્કાઉન્ટ પણ અપાતું હોવાનું સામે આવ્યું હતું. હાલ આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે.

 

 

NSEએ ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રોડક્ટસ અંગે રોકાણકારોને સાવધ કર્યા

નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષકુમાર ચૌહાણે રોકાણકારોને અતિ જોખમી ડેરિવેટિવ્ઝ અથવા સ્ટોક માર્કેટમાં વારંવાર ટ્રેડિંગ કરવામાં રહેલા જોખમ સામે સાવધ રહેવાનો અનુરોધ કર્યો હતો.

ભારતની વિકાસ યાત્રામાં એક પ્રતિબદ્ધ યાત્રી બની રહો અને ઉજ્જવળ ભવિષ્ય ભણી આગળ વધો. ભૂતકાળના અનુભવો આપણને દર્શાવે છે કે લાંબા ગાળાના મૂડીરોકાણ પર સારું વળતર પ્રાપ્ત થાય છે, એમ NSEના વડાએ કહ્યું હતું અને સાથે-સાથે ઉમેર્યું હતું કે NSE રોકાણકારોને શાણપણ અને જવાબદારીપૂર્વક રોકાણ કરવા માટેનું ઉત્તેજન પૂરું પાડે છે.

માત્ર રજિસ્ટર્ડ ઈન્ટરમિડિયરીઝ મારફત જ કામકાજ કરો અને નિયમ મુજબનાં ન હોય એવી પ્રોડક્ટ્સમાં કદી રોકાણ ન કરો. શેરબજારમાં રોકાણ કરવાનો હેતુ લાંબા ગાળા માટે રોકાણ કરી સંપત્તિ સર્જવાનો છે, એમ તેમણે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે એક ખરાબ અનુભવ પણ રોકાણકારને શેરબજારથી દૂર કરી દે છે. આથી જો તમે શેરબજાર વિશે કશું જાણતા ન હો તો સાવધ રહો અને નિષ્ણાતની સલાહ અનુસાર રોકાણ કરો.