Home Blog Page 2185

I.N.D.I.A. ગઠબંધનમાં એક સાંધતાં 13 તૂટેની હાલત

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી, 2024ની તૈયારીઓમાં લાગેલા વિરોધ પક્ષો ફરી એક વાર તૂટતા દેખાઈ રહ્યા છે. I.N.D.I.A. ગઠબંધનમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવો ઘાટ છે. ક્યારે કોંગ્રેસ સાથી પક્ષો પર હુમલા કરી રહી છે તો ક્યારેક અન્ય વિરોધ પક્ષ કોંગ્રેસ તરફ લાલ આંખ કરી રહી છે. હવે TMC પ્રમુખ મમતા બેનરજી અને શિવસેનાએ કોંગ્રેસને તેવર બતાવ્યાં છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે I.N.D.I.A. ગઠબંધન દેશમાં થશે, પરંતુ બંગાળમાં TMC એકલી લડશે અને ભાજપને હરાવશે. તેમણે કહ્યું હતું કે બંગાળમાં માત્ર TMC જ ભાજપને પાઠ શીખવાડી શકે એમ છે. જ્યારે I.N.D.I.A. ગઠબંધનમાં સીટોની વહેંચણીને મુદ્દે શિવસેનાએ પણ તેવર બતાડ્યા છે.મુખ્ય પ્રધાન મમતાએ ભાજપ પર રાજકીય લાભ માટે નાગરિકતા મુદ્દે હેરફેર કરવાનો આરોપ મૂક્યો હતો, જ્યારે મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીને મુદ્દે I.N.D.I.A. ગઠબંધનમાં ઘર્ષણ થવાની વકી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ મહારાષ્ટ્રની 48 સીટોમાંથી 23 સીટોની માગ કરી છે, જેને કોંગ્રેસે ના પાડી દીધી છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે રાજ્યમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે) સૌથી મોટી પાર્ટી છે અને કોંગ્રેસે ઝીરોથી શરૂઆત કરવી પડશે. વાસ્તવમાં સંજય નિરુપમે શિવસેનાને તૂટેલી પાર્ટી જણાવ્યા પછી સંજય રાઉતનું નિવેદન આવ્યું છે.

આ પહેલાં સપાએ પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. SP પ્રમુખે ગઠબંધનમાં સીટ શેરિંગમાં વિલંબ થવા બદલ કોંગ્રેસ પર છેતરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે BSPના ગઠબંધનમાં સામેલ થવા મુદ્દે SPએ નારાજગી દર્શાવી હતી.

 

 

 

શામલી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં સભ્યો વચ્ચે મારામારી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના શામલીમાં  મ્યુનિસિપલ મીટમાં મારપીટ થયાની વાત બહાર આવી છે. નગરપાલિકા પરિષદના કેટલાક સભ્યો એક બેઠક દરમ્યા આપસમાં એકમેક સાથે મારામારી કરી હતી. એનો એક વિડિયો સામે આવ્યો છે, જેમાં તેમના ઝઘડા આગળ તો WWE કુસ્તી મેચ પણ ફિક્કી લાગે છે. સભ્યોએ એકમેક સામે લાતો અને હાથોથી મારામારી કરી હતી. આ બેઠકમાં હાજર લોકોએ એકબીજાને બચાવવા માટે ત્યાં રહેલા ટેબલો અને ખુરશીઓને પણ ઉઠાવી લીધી હતી.

હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક સભ્યએ ખુરશી પર ચઢીને બીજા સભ્યની ઉપર કૂદવાના પ્રયાસ કર્યા હતા. આ ચોંકાવનારી ઘટના શામલી નગરપાલિકા પરિષદની બોર્ડ બેઠકમાં થઈ હતી.  આ બેઠકમાં નગરપાલિકા અધ્યક્ષ અરવિંદ સંગલ અને વિધાનસભ્ય પ્રસન્ન ચૌધરી પણ હાજર હતા. તેમની સામે કાર્યકર્તાઓ એકમેક સામે મારામારી કરી હતી. આ સંપૂર્ણ ઘટના વિડિયોમાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ જતાં વિપક્ષને કાઉન્ટર કરવાની એક તક મળી ગઈ હતી. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે X પર વિડિયો શેર કરતાં ભાજપ પર સીધો હુમલો કર્યો હતો.

તેમણે ભાજપને ટોણો માર્યો હતો કે જ્યારે વિકાસ કાર્ય થયું જ નથી તો સમીક્ષા બેઠકમાં બીજું શું થાય? શામલીમાં સભ્યો વચ્ચે શારીરિક પ્રહારોનું આદાનપ્રદાન થયું હતું.

 

 

 

 

 

 

 

મોદી સરકારમાં ડિરેક્ટ ટેક્સ કલેક્શનમાં ત્રણ ગણો વધારો

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારને 10 મે, 2024એ 10 વર્ષ પૂરાં થવાનાં છે. આ 10 વર્ષોમાં દેશમાં વ્યક્તિગત ઇન્કમટેક્સ અને કોર્પોરેટ ટેક્સનું કલેક્શન વધીને રૂ. 19 લાખ કરોડથી વધુનું થયું છે. રિફંડ એડજસ્ટમેન્ટ પછી નેટ સીધા ટેક્સનું કલેક્શન નાણાકી. વર્ષ 2023-14માં રૂ. 6.38 લાખ કરોડ હતું.એ વધીને નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 16.61 લાખ કરોડ થઈ ગયું છે.

ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં નેટ ડિરેક્ટ ટેટેક્સીસ થી કલેક્શન અત્યાર સુધી 20 ટકા વધ્યું છે. આ ઝડપે એ 31 માર્ચ,2024એ પૂરા થતા નાણાકીય વર્ષમાં કુલ કલેક્શન આશરે રૂ. 19 લાખ કરોડ પહોંચવાનો અંદાજ છે. એ નાણાં વર્ષ 2023-24ના બજેટમાં અંદાજિત ટેક્સ કલેક્શન રૂ. 18.23 લાખ કરોડથી વધુ છે.

સરકાર અનેક વર્ષોથી ટેક્સને નીચા દર અને ઓછી છૂટની સાથે કરવ્યવસ્થાને સરળ બનવાના પ્રયાસ કરી રહી છે. વર્ષ 2019માં સરકારે છૂટ છોડનારા કોર્પોરેટ ઘરાનાઓને ટેક્સમાં ઓછા દરની રજૂઆત કરી હતી. એપ્રિલ, 2020માં વ્યક્તિગત માટે પણ આ પ્રકારની યોજના શરૂ કરી હતી. નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં નવી કર વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવવામાં આવી હતી. એ માટે ટેક્સ સ્લેબને તર્કસંગત બનાવવામાં આવી હતી. બેઝિક એક્ઝમ્પ્શન મર્યાદાને રૂ. 3 લાખ સુધી વધારવામાં આવી હતી અને રૂ. 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ સામેલ છે. આ સિવાય નવી કરવ્યવસ્થાને ડિફોલ્ટ કર વ્યવસ્થા બનાવવામાં આવી હતી. આ સિવાય આવકવેરા રિટર્ન નાણાકીય વર્ષ 2021-22માં  6.37 કરોડથી વધીને વર્ષ 2023-24માં 7.41 કરોડ થયા હતા.

 

 

 

લલન સિંહનું રાજીનામું: JDUના નવા અધ્યક્ષ બન્યા નીતીશકુમાર

નવી દિલ્હીઃ જનતા દળ યુનાઈટેડના અધ્યક્ષપદથી લલન સિંહે રાજીનામું આપ્યું છે. પાર્ટીએ લલન સિંહનું રાજીનામું પણ મંજૂર કરી લીધું છે. JDUના અધ્યક્ષ લલન સિંહે (JDU)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાર્ટી પ્રમુખપદ માટે નીતીશકુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. છેલ્લા ગણા સમયથી JDUમાં સંગઠનાત્મક બદલાવને લઈને અટકળોનું બજાર ગરમ હતું.  ત્યારે જેડીયુના અધ્યક્ષ પદેથી લલન સિંહે રાજીનામું આપી દીધું છે. લાંબા સમયથી આ વાતની ચર્ચા થઇ રહી હતી. હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જેડીયુના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી અટકળો હતી કે લલન સિંહને સહયોગી રાષ્ટ્રીય જનતા દળ (RJD)થી નીકટતાને કારણે અધ્યક્ષપદથી રાજીનામું આપવા માટે કહેવામાં આવે એવી શક્યતા છે.

જેડીયુ કાર્યકર્તાઓની માગ પર નીતિશ કુમારને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. રાજીનામું આપતા પહેલાં લલન સિંહ એ જ કારમાં સીએમ નીતીશકુમાર સાથે બેઠકમાં પહોંચ્યા હતા. સભા પહેલાં સમર્થકોએ નીતિશની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકર્તાઓ ‘નીતીશ કુમાર ઝિંદાબાદ’ના નારા લગાવતા જોવા મળ્યા હતા… ‘નીતીશ કુમાર દેશના વડાપ્રધાન બનવું જોઈએ’.

)નીતિશ કુમારે મિડિયાને કહ્યું હતું કે ચિંતા કરશો નહીં, બધું સામાન્ય છે. વર્ષમાં એક વાર મળવાની પરંપરા છે એટલે સામાન્ય વાત છે, આના જેવું કંઈ ખાસ નથી. મુખ્ય મંત્રીની આ ટિપ્પણી એવી અટકળો બાદ આવી છે કે નીતિશના વિશ્વાસુ ગણાતા રાજીવ રંજન સિંહ ‘લલન’એ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટી જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જ્યારે મુખ્ય પ્રધાનને પૂછવામાં આવ્યું કે શું લાલન સિંહ 29 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાનારી મહત્વપૂર્ણ પાર્ટી બેઠકોમાં ઔપચારિક રીતે રાજીનામું આપે તેવી શક્યતા છે, તો તેમણે સીધો જવાબ આપ્યો ન હતો. ગત વર્ષે ભાજપ સાથેના સંબંધો તોડીને બિહારમાં આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે નવી મહાગઠબંધન સરકાર બનાવનાર નીતિશને જ્યારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)માં પાછા ફરવાની અટકળો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. .

 

PM મોદીને BAPS હિંદુ મંદિરના ઉદઘાટન માટે આમંત્રણ

અમદાવાદઃ અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિર વતી, પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસે મંદિરના આગેવાનો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 14 ફેબ્રુઆરી, 2024એ યોજાનારા ઉદઘાટન સમારોહ માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું. વડા પ્રધાન મોદીએ આ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો અને આ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિર માટે ઉત્સાહપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું.

BAPS ના વરિષ્ઠ સંત પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસે પરંપરાગત રીતે વડા પ્રધાનને હાર પહેરાવી અને ખભે કેસરી શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું. ભારતમાં યાત્રાધામોના નોંધપાત્ર નવીનીકરણ અને વિકાસની અભૂતપૂર્વ સિદ્ધિ માટે વડા પ્રધાનને સંતોએ બિરદાવ્યા હતા.

BAPS પ્રતિનિધિ મંડળે વડા પ્રધાન મોદીજીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી તેમ જ તેમના નેતૃત્વએ વિશ્વભરના ભારતીયોમાં જે ગૌરવ અને પ્રેરણા જન્માવી છે તેની પણ ચર્ચા કરી હતી. પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસે વડા પ્રધાનને અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરના નિર્માણ અંગેની માહિતી આપી હતી.

વડા પ્રધાને ઉમેર્યું હતું કે આ મંદિર વસુધૈવ કુટુંબકમના આદર્શને પ્રતિબિંબિત કરશે – એક એવું આદર્શ આધ્યાત્મિક સ્થાન, જે માત્ર માન્યતાઓ અને પરંપરાઓ જ નથી દર્શાવતું,  પરંતુ વિવિધ સંસ્કૃતિઓના સંગમરૂપ પણ છે. આ મુલાકાતમાં ભારતના આધ્યાત્મિક વિકાસ અને વૈશ્વિક આગેવાની માટે વડા પ્રધાને પોતાના વિચારો રજૂ કર્યા હતા. પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસ બંનેએ વડા પ્રધાનના સ્વાસ્થ્ય અને તેમના મહાન નેતૃત્વ અને દેશની સતત સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

 

 

 

 

વાસ્તુ: નવા વરસમાં સુખી થવા શું કરવું?

નવું વરસ. નવા સપના. નવા અનુભવો. અને નવો ડર પણ. કહે છે કે ભય વિના પ્રીતિ નહિ. એવું જ કશુક કાયમ જોવા મળે છે. કોરોના આવ્યો એટલે જીવનનું મહત્વ સમજાયું. માણસ ગભરાય એટલે સજ્જન બની જાય અને ભયમુક્ત થતા જ એની દિશા બદલાય. અન્યને મોક્ષ આપવાનું વચન આપનારને પણ સ્વ રક્ષણ માટે ગાર્ડસ જોઈએ. પોતાને ઈશ્વરના દૂત સમજનારને પણ ભય તો સતાવે જ. વળી વિશ્વમાં પણ સહુથી મોટો વેપાર તો ભયનો જ છે ને? નિર્ભય માનસ જ સાચું જીવન સમજી શકે છે. જીવી શકે છે. પણ એવા માસોને સમજવા વાળા કેટલા?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: નમસ્તે. છેલ્લા કેટલાક સમયથી એક્સિડન્ટ ના સમાચારો વધી રહ્યા છે. નાની નાની વાતમાં અથડામણ પણ વધી રહી છે. 2024 નું વરસ ખરાબ છે એવું પણ ક્યાંક વાંચવામાં આવ્યું છે. દરેક નવું વરસ આગળના વરસો કરતા વધારે ને વધારે ખરાબ દેખાય છે. લોકો સુખી ન હોવા છતાં સુખી હોવાનો ડોળ કરે છે. બિચારા સકારાત્મક વિચારીને પણ થાકી ગયા હશે. વ્યક્તિ ક્યાં સુધી સકારાત્મક રહી શકે? દુખી હોવા છતાં સતત વિચારવાનું કે પોતે સુખી છે. આવું દંભી જીવન ક્યાં સુધી? શું એનો કોઈ ઉપાય ન હોઈ શકે? સાચા અર્થમાં સકારાત્મક થઇ અને આગામી વરસને સુધારી ન શકાય?

જવાબ: તમારો સવાલ કદાચ આપણા સમાજ તરફથી આવ્યો હોય એવો સવાલ છે. નિર્ભયતા એ માણસનો ગુણધર્મ છે. પણ સતત એના મન પર થયેલા પ્રહારોથી એ ભયભીત બની ગયો છે. વળી ભયના લીધે એનું મન સતત કાર્યરત રહે છે. એટલે એની શારીરિક અને માનસિક અથડામણો પણ વધી છે. વ્યક્તિ પોતે જયારે પોતાના કાબુમાં ન હોય ત્યારે તકલીફ તો પડવાની જ. ભૌતિકતા પાછળની રેસમાં માણસ પોતાની મૂળભૂત જરૂરિયાતો પણ ભૂલી ગયો છે. સગા માટે સમય નથી. સંબંધોમાં રસ નથી. આભાસી મિત્રોના લાઈક્સ જોઇને રાજી થાય છે. પછી સુખ પણ આભાસી જ મળવાનું ને? બધાને ઉતાવળ છે પણ કોઈ સમયસર પહોંચતું નથી. એક બીજામાં દેવ જોવાની વાત વિસરાઈ ગઈ છે. પણ એ જ અત્યારની સ્થિતિ છે. સર્વ પ્રથમ તો એ વાતને સ્વીકારી લો.

આગામી વરસમાં સુખી થવું હોય તો ઘરમાં મહામૃત્યુંન્જય મંત્રના જાપ કરો. દર બુધવારે સમીના વૃક્ષને દૂધ ચડાવો. બેસતા મહીને કીડીયારું પૂરો. ચોક્કસ સારું રહેશે.

સવાલ:  આવનાર વરસ માટે શુભેચ્છા. મારા ઘરમાં વાયવ્યનો દોષ છે. તો એના વિષે થોડું સમજાવી અને નિરાકરણ આપવા વિનંતી.

જવાબ: આપને પણ શુભેચ્છા. વાયવ્યના ઘણા બધા દોષ હોઈ શકે. આપના ઘરના નકશામાં જોવાથી સમજાય છે કે તમારું મુખ્ય દ્વાર વાયવ્યનું છે. આવા દ્વારના લીધે ઘરની બે પેઢી એક સાથે ન રહી શકે. અને બાળકોની ચિંતા રહે. એના ઉપાય માટે આપના ઘરના વાયવ્યમાં બીલીપત્રના બે છોડ લગાવી દો. ઘરમાં શિવ પૂજા કરો.

સુચન: વડીલોને સન્માન આપવાથી સમાજમાં સન્માન મળે છે.

(આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com)

કોરાનાના 797 નવા કેસો, પાંચનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસે ફરીથી ટેન્શન વધાર્યું છે. દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 157 દર્દી મળી ચૂક્યા છે. જેમાં સૌથી વધુ દર્દી કેરળમાં 78 કેસ છે. એ સાથે કર્ણાટકમાં આઠ કેસ અને ગોવામાં 18 કેસ નોંધાયા છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 797 નવા કેસો નોંધવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે પાંચ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,10,189 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.દેશમાં અત્યાર સુધી 5,33,351 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,74,246 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 603 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4091 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,79,081 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી.

હાલમાં WHO અને ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે JN.1 ને વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે વર્ગીકૃત કર્યું છે. આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારના પ્રતિબંધ લગાવવાથી લોકોમાં ગભરાટ ફેલાઈ શકે છે. જોકે રાજ્યમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

લોકોને ક્રિસમસ અને નવા વર્ષની સલામત ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક પહેરવા અને હાથ સાફ કરવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ.

 

 

 

 

 

 

 

વાંગાની વાયડાઈ અને બીજી વાતો…

સંદીપ વાંગાને ખોટું લાગી ગયું છે. વેઈટ અ મિનિટ- આ મહાશય કોણ છે એ તો જાણો છોને? હા એ જ. ટૉક્સિક, હિંસક મર્દાનગીવાળી ફિલ્મોના આ ડિરેક્ટર અસહ્ય ફિલ્મ બનાવી શકે, પણ એની ટીકા થાય તો એમનાથી સહન નથી થતું. અમુક ફિલ્મક્રિટિકોએ એમની ફિલ્મને ઉતારી પાડી તો એમની પર ખફા થઈને એલફેલ બોલી એમણે ગુસ્સો ઠાલવી દીધો.

આ સંદર્ભમાં આવા એક-બે રસપ્રદ કિસ્સા યાદ આવે છે. દાખલા તરીકે એક જમાનામાં ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ તથા અન્ય અખબારોના ખાંટૂ ફિલ્મસમીક્ષક તથા લેખક-દિગ્દર્શક ખાલિદ મોહમ્મદને બોલિવૂડની મસાલા ફિલ્મોને છોલી નાખવાની બહુ મજા આવતી. આ વિશે અનિલ કપૂરે જાહેરમાં (ખાલિદ સાહેબની ઉપસ્થિતિમાં) કહેલું કે “મારી સુપરહિટ ફિલ્મ ‘બેટા’, જેના માટે મને ખાલિદના જ અખબારી જૂથે બેસ્ટ ઍક્ટર કેટેગરીમાં ફિલ્મફૅર એવૉર્ડ આપેલો, એ ફિલ્મની ધોલાઈ કરતાં ખાલિદે હેડિંગ આપેલું ‘બેટી’ (ટાઈટલથી વિપરીત ફિલ્મના કેન્દ્રમાં અનિલ કપૂરના બદલે માધુરી દીક્ષિત હતી). બીજી ફિલ્મ હતી ‘લમ્હે’ (1991). આ ફિલ્મના રિવ્યુથી યશજી (ચોપરા) અને અમે બધા હચમચી ગયેલા, કેમ કે ખરાબ રિવ્યુથી ફિલ્મના બિઝનેસ પર અસર પડેલી. મને યાદ છે, ખાલિદે ‘લમ્હે’ની સરખામણી ગુલઝાર સાહેબની ‘મૌસમ’ સાથે કરી કાઢેલી. ઓલમોસ્ટ પચીસ વર્ષ બાદ ખાલિદે મને મેસેજ મોકલેલોઃ હું ખોટો હતો, ‘લમ્હે’ બહુ સારી ફિલ્મ હતી. પૉઈન્ટ એ કે ફિલ્મ જોતી વખતે તમારી મનઃસ્થિતિ મોટો ભાગ ભજવે છે. તે વખતે તમને ફિલ્મ ન ગમે, પણ બીજી વાર જુઓ તો કદાચ ગમી જાય”.

આના વર્ષો બાદ (2000માં) ખાલિદ મોહમ્મદે ‘ફિઝા’ ફિલ્મ બનાવી. તે વખતે ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’એ સુભાષ ઘાઈને એની સમીક્ષા લખવા કહેલું. સુભાષજીએ ફિલ્મનાં (અને ખાલિદનાં) છોતરાં કાઢી નાખેલાં. “પાત્રાલેખન ઉપરછલ્લું છે, પટકથા બકવાસ છે, બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં કશોયે ભલીવાર નથી”. ઘાઈએ એક વધુ લગાવતાં લખ્યું કે “ફિલ્મની સમીક્ષા લખવી સહેલી છે, કોઈ પણ લખી શકે, પરંતુ કોઈ પણ ફિલ્મ ન બનાવી શકે. મિડિયોકર ફિલ્મ પણ નહીં.”

દર શુક્રવારે ઊઠીને હિંદી ફિલ્મો જોવી, એના વિશે લખવું એ પૉપકૉર્ન-સમોસાં ખાવાના ખેલ નથી. આ ઉદ્યમ હું અનેક વર્ષોથી કરું છું. અમુક ફિલ્મો તો પંદર-વીસ મિનિટ બેસીને જોવાય એવી પણ હોતી નથી. આજકાલ તો દરેક ખાન, કપૂર, કુમારના ફૅનના નામે ટોળીઓ ક્રિટિકને લક્ષ્ય બનાવી એમની પાછળ પડી જાય છે. એમાં થોડા સમયથી એક નવું ગતકડું શરૂ થયું છેઃ સાઉથની ફિલ્મો બેસ્ટ ને હિંદીવાળા બકવાસ. ભલાદમી, સાઉથની દસમાંથી માંડ એકાદ ફિલ્મ જ સહ્ય હોય છે, બાકી તો ઓવર ધ ટૉપ અને અકારણ કોમેડી બની જતી એ બધી ફિલ્મો ક્યારે આવે છે ને ક્યારે જાય છે એ ખબર પણ પડતી નથી.

ફિલ્મસમીક્ષક ફિલ્મની ટૂંકમાં વાર્તા કે વિષય લખે છે અને કથા-પટકથા-સંવાદ-સંગીત-ઍક્ટરો વિશે પોતાનાં નિરીક્ષણ કરે છે. મારા જેવા અમુક દોઢડાહ્યા એ કોની રિમેક છે અથવા શેના પરથી ઉઠાવી છે એવું પણ લખે છે.

ક્રિટિકના કિસ્સા પર પાછા ફરીએ તો, ટાઈમ્સજૂથના જ દૈનિક ‘મુંબઈ મિરર’ (જે હવે માત્ર રવિવારે જ બહાર પડે છે)ના સમીક્ષક રાહુલ દેસાઈને ખાલિદ મોહમ્મદથી જરા જુદો અનુભવ થયેલો. એમણે ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’નો રિવ્યુ લખી એને અઢી સ્ટાર આપ્યા. વાચકોના આઘાત અને આશ્ચર્ય વચ્ચે બીજા દિવસે અખબારે સ્પષ્ટતા કરી કે “અમારા રિવ્યુકારે અઢી સ્ટાર આપ્યા, પણ અમો સાડાત્રણ સ્ટાર આપીએ છીએ”. કારણ? વાચકોના પ્રતિભાવ અને રીસર્ચ કોણે કેવી રીતે રીસર્ચ કર્યું એ ખબર નથી. રાહુલ આજે અનુપા ચોપરાએ સ્થાપેલી ફિલ્મ કમ્પેનિયનમાં આદરણીય રિવ્યુકાર છે.

થોડા જ સમય પહેલાં આર. બાલ્કિ નામના ડિરેક્ટરે ક્રિટિકને સિરિયલકિલર ચીતરીને એક ફિલ્મ બનાવી ‘ચૂપ’, જેમાં એક ભૂતપૂર્વ ક્રિટિક અને ફિલ્મમેકર એ બધા ક્રિટિકોની ઘાતકી હત્યા કરે છે, જેમણે ફિલ્મનું યોગ્ય રીતે મૂલ્યાંકન નથી કર્યું. બીજા શબ્દો એ કિલર (દુલકેર સલમાન)ને એવું લાગે કે ક્રિટિકે વેઠ ઉતારી છે તો એની હત્યા કરી નાખે.

આજે આપણે એ યુગમાં જીવીએ છીએ જ્યાં પિક્ચર શરૂ થાય, નામાવલી આવવા માંડે ત્યાં તો સોશિયલ મિડિયા પર એના રિવ્યુ આવવા માંડે છે. આવા સિનારિયોમાં વીક-આફ્ટર-વીક નિષ્ઠાપૂર્વક રિવ્યુ કરનારનું શું ને કેટલું મહત્વ? ફિલ્મબિઝનેસ આજે માત્ર સ્ટાર પર ચાલતો હોય એવું લાગે. ફિલ્મસ્ટાર નહીં, મૂવીને આપવામાં આવતા સ્ટાર. શુક્રવારનાં સવારનાં પેપરમાં જ આવા સ્ટાર વહેંચનારા (વેચનારા નહીં)ના તારલા ચમકવા માંડે છે. અમુક નામો તો એવાં હોય કે ડોળા ફાડીને પૂછવું પડેઃ “આ વળી કોણ”?

ટૂંકમાં સંદીપ વાંગાને એટલું જ કહેવાનું કે ભાઈ, તું પબ્લિકને બનાવવા કરતાં ફિલ્મ બનાવ. તું તારું કામ કર, ક્રિટિકને એનું કામ કરવા દે.

ચોકલેટ વોલનટ ફઝ

અંગ્રેજી નવું વર્ષ આવી રહ્યું છે. તો તેને પણ ચોકલેટ વોલનટ ફઝ બનાવીને વધાવી લો!

સામગ્રીઃ

  • ડાર્ક ચોકલેટ 450 ગ્રામ
  • કન્ડેન્સ્ડ્ મિલ્ક 350 ગ્રામ
  • માખણ 2 ટે.સ્પૂન
  • અખરોટના ટુકડા

રીતઃ ડાર્ક ચોકલેટના ટુકડા કરી લો. એક બાઉલમાં આ ટુકડા મૂકી દો. એક વાસણમાં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકો. ચોકલેટનું બાઉલ આ વાસણ ઉપર બેસી જાય એ રીતે મૂકો જેથી પાણીની વરાળ બહાર ના નીકળે. સ્પેટુલાની મદદથી ચોકલેટના મિશ્રણને એકસરખું હલાવતાં રહો. જ્યાં સુધી ચોકલેટ પીગળી ના જાય.

માખણને ઓગાળી લો.

હવે બાઉલને નીચે ઉતારી લો. તેમાં ઓગાળેલું માખણ તેમજ કન્ડેન્સ્ડ્ મિલ્ક ઉમેરીને સ્પેટુલા વડે હલાવો. ત્યારબાદ તેમાં અખરોટના ટુકડા પણ મેળવીને હલાવી લો.

એક કેક ટીન અથવા ટ્રેમાં ઘી ચોપડીને બટર પેપર અથવા ફોઈલ પેપર ગોઠવો. (બટર પેપર ટીનની બહાર સુધી એટલે કે મોટું લેવું જેથી સેટ થયેલું ચોકલેટ ફઝ ટીનમાંથી બટર પેપરની મદદથી સહેલાઈથી ઉંચકી લેવાય). ચોકલેટનું મિશ્રણ આ વાસણમાં રેડી દો. આ મિશ્રણ ઠુંડુ થાય ત્યારબાદ તેને ફ્રીજમાં 3-4 કલાક માટે સેટ થવા માટે રહેવા દો.

ત્યારબાદ તેને બહાર કાઢી ચોસલા પાડી દો. આ ચોકલેટ ફઝ ફ્રીજમાં એર ટાઈટ કન્ટેનરમાં અઠવાડિયા સુધી સારું રહે છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો