Home Blog Page 2187

‘ભારત જોડો યાત્રા’ બાદ હવે રાહુલ ગાંધી કરશે ‘ભારત ન્યાયયાત્રા’

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બાદ હવે વધુ એક યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે આ યાત્રાને ‘ભારત ન્યાય યાત્રા’ નામ આપ્યું છે, જે 14 જાન્યુઆરીથી શરૂ થઈને 20 માર્ચના રોજ સમાપ્ત થશે. મણિપુરથી ગુજરાત થઈ મુંબઈ સુધીની આ યાત્રામાં કોંગ્રેસ 6,200 કિલોમીટરનું અંતર કાપશે. આ યાત્રા 14 રાજ્યોના 85 જિલ્લાઓની 90 લોકસભા બેઠકોને કવર કરવામાં આવશે. જે બસ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ પગપાળા ચાલીને ભારત જોડો યાત્રાને કવર કરી હતી.

આ મેગા યાત્રામાં બસનો ઉપયોગ કરવામાં આવશે, જેના દ્વારા 14 રાજ્યોના 85 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ 6200 કિલોમીટરની યાત્રામાં કોંગ્રેસ જે રાજ્યોને આવરી લેશે તેમાં મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ યાત્રામાં વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ હશે. આ ઉપરાંત યાત્રામાં ભાગ લેનાર આગેવાનો સમયાંતરે થોડો સમય પદયાત્રા પણ કરી શકશે. જ્યારે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશને પૂછવામાં આવ્યું કે, આ યાત્રાનું નામ ન્યાયયાત્રા શા માટે રાખવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “અમે જનતાને ખાતરી આપવા માંગીએ છીએ કે અમે આર્થિક, સામાજિક અને વ્યૂહાત્મક ન્યાય આપીશું. પ્રથમ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થઈ હતી જ્યારે આ બીજી યાત્રા 14 રાજ્યોમાંથી પસાર થશે.

દેશમાં સરકાર વિરુદ્ધ વાતાવરણ બનાવવાની તૈયારી

કોંગ્રેસનો ઉદ્દેશ્ય આ યાત્રા દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો છે, તેથી જ પાર્ટીએ આટલી લાંબી યાત્રાનો માર્ગ પસંદ કર્યો છે. પાર્ટીએ આની શરૂઆત મણિપુરથી કરી છે કારણ કે ગયા વર્ષના મે મહિનાથી ત્યાં હિંસાનો સમયગાળો ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને અત્યાર સુધી મણિપુરમાં હિંસા અટકાવી શકી નથી. રાહુલ ગાંધી થોડા દિવસો માટે મણિપુર પણ ગયા હતા અને ત્યાં હિંસા પીડિતોને પણ મળ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસે મણિપુર હિંસા અંગે સંસદમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવ્યો હતો. જો કે આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો. હવે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી મણિપુરને પોતાના આધાર તરીકે ઉપયોગ કરીને દેશમાં સરકાર વિરુદ્ધ વાતાવરણ બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શું હતી?

કોંગ્રેસે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. 7 સપ્ટેમ્બર, 2022ના રોજ શરૂ થયેલી આ યાત્રા લગભગ 5 મહિના સુધી ચાલી હતી. ભારત જોડો યાત્રા દ્વારા અલગ-અલગ રાજ્યોના કોંગ્રેસી નેતાઓ રાહુલ ગાંધી સાથે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલ્યા. આ યાત્રામાં કોંગ્રેસે લગભગ 3500 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. કોંગ્રેસ પાર્ટીના જણાવ્યા અનુસાર, ભારત જોડો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ‘નફરત, ભય અને કટ્ટરતા’ની રાજનીતિ સામે લડવાનો હતો. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા લોકોની આકાંક્ષાઓની અવગણના અને રાજકીય કેન્દ્રીકરણ અને અન્યાય સામે આપણે લડવાનું છે.

પહેલી ટેસ્ટઃ 163 રનની ખાધ સામે ભારતે ટોચની 3 વિકેટ સસ્તામાં ગુમાવી

સેન્ચુરિયનઃ અહીં સુપરસ્પોર્ટ મેદાન પર રમાતી બે-મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસે લંચ બાદના સત્રમાં સાઉથ આફ્રિકાની ટીમ તેના પહેલા દાવમાં 408 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પહેલા દાવમાં 245 રન કરનાર ભારતીય ટીમ ઉપર તેણે 163 રનની સરસાઈ મેળવી છે. બીજા દાવમાં પણ ભારતનો સ્ટાર્ટ સારો રહ્યો નહોતો. કેપ્ટન રોહિત શર્મા ખાતું ખોલાવ્ય વગર, યશસ્વી જાયસવાલ પાંચ રન અને શુભમન ગિલ 26 રન કરીને આઉટ થઈ ગયો છે. કેગિસો રબાડા, નાન્દ્રે બર્ગર અને માર્કો યાનસને એક-એક વિકેટ લીધી છે. ટી-બ્રેક વખતે ભારતનો સ્કોર 3 વિકેટે 62 રન હતો. વિરાટ કોહલી 18 અને શ્રેયસ ઐયર 6 રન સાથે દાવમાં હતો.

લંચ બાદના સત્રમાં સાઉથ આફ્રિકાની ટીમ તેના પહેલા દાવમાં 9 વિકેટે 408 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન ટેમ્બા બવૂમા ઈજાગ્રસ્ત હોવાને કારણે બેટિંગ કરવા આવ્યો નહોતો. પહેલા દાવમાં 245 રન કરનાર ભારતીય ટીમ ઉપર તેણે 163 રનની સરસાઈ મેળવી છે. સાઉથ આફ્રિકાની ટીમ કુલ 109.4 ઓવર રમી હતી. સાતમા ક્રમનો બેટર માર્કો યાનસન 84 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. તેણે 147 બોલનો સામનો કર્યો હતો અને દાવમાં એક સિક્સર અને 11 બાઉન્ડરી ફટકારી હતી.

ભારત વતી જસપ્રિત બુમરાહ 69 રનમાં 4 વિકેટ સાથે સૌથી સફળ બોલર રહ્યો છે.

ગૃહ ટીમનો આ જંગી સ્કોર ડાબોડી ઓપનર ડીન એલ્ગરના 185 રનને કારણે બની શક્યો છે. ગઈ કાલનો નોટઆઉટ બેટર એલ્ગર આજે આઉટ થયો હતો. તેણે કુલ 425 મિનિટની રમતમાં 287 બોલનો સામનો કર્યો હતો જેમાં તેણે 28 ચોગ્ગા ફટકાર્યા હતા. ટીમના 360 રનના સ્કોર પર શાર્દુલ ઠાકુરની બોલિંગમાં કીપર રાહુલ દ્વારા તે કેચઆઉટ થયો હતો. ગઈ કાલે ડેવિડ બેડિંઘમે 56 રન કર્યા હતા. એલ્ગર સાથે ગઈ કાલે રમત બંધ રહી ત્યારે યાનસન પણ નોટઆઉટ હતો.

મેચ પૂર્વે ભારતને તેના ચાર ફાસ્ટ બોલર પર મદાર હતો, પરંતુ એમાંના પ્રસિદ્ધ કૃષ્ણા અને ઠાકુરની બોલિંગ નબળી રહી હતી, જેનો ફાયદો એલ્ગર અને યાનસને ઉઠાવ્યો. બંનેએ સાતમી વિકેટ માટે 111 રનની ભાગીદારી કરી હતી. યાનસનનો ટેસ્ટ કારકિર્દીનો આ હાઈએસ્ટ સ્કોર છે. મોહમ્મદ સિરાજે બે વિકેટ લીધી છે. ઠાકુર, કૃષ્ણા અને ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક-એક બેટરને આઉટ કર્યો છે.

અનન્યા પાંડે સ્ટ્રીટ ફૂડની શોખીન છે; શેઝવાન ચીઝ ઢોસા એની ફેવરિટ આઈટમ છે

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેએ કહ્યું છે કે એને આચરકૂચર ખાવું બહુ ગમે છે. રસ્તા પરનું ફૂડ ખાવાનું પણ એને બહુ ગમે છે. એમાં તેની બે ફેવરિટ આઈટમ છે – શેઝવાન ચીઝ ઢોસા અને પનીર હંગામા.

વડા-પાવ પણ પોતાને ખૂબ જ પ્રિય છે એવું અનન્યાએ માશેબલ ઈન્ડિયા વેબસાઈટને આપેલી એક મુલાકાતમાં કહ્યું છે. અનન્યાની આ મુલાકાતના યૂટ્યૂબ વીડિયોનું શીર્ષક ‘ધ બોમ્બે જર્ની’ આપવામાં આવ્યું છે. એમાં અનન્યાએ મુંબઈના સ્ટ્રીટ ફૂડ માટેના તેનાં આકર્ષણની વાતો કરી હતી. ઈન્ટરવ્યૂ લેનારે જ્યારે પૂછ્યું કે, ‘શું તું સ્ટ્રીટ ફૂડ નથી ખાતી?’ ત્યારે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ ફિલ્મની અભિનેત્રી અને અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યાએ કહ્યું, ‘મને ભેલપૂરી, સેવપૂરી જેવી ચાટ આઈટમો બહુ ભાવે છે. શેઝવાન ચીઝ ઢોસા અને પનીર હંગામા મારી ફેવરિટ છે.’

25 વર્ષીય અનન્યાએ વધુમાં કહ્યું, ‘પાણીપૂરી કરતાં હું સેવપૂરી ખાવાનું વધારે પસંદ કરું. રસ્તા પરની પાણીપૂરીનું પાણી સારું નથી હોતું. હું ભેલપુરી કરતાં વડા-પાવ ખાવાનું વધારે પસંદ કરું. વડા-પાવથી પેટ ભરાઈ જાય.’

અનન્યા હાલમાં જ રિલીઝ થયેલી ‘ખો ગયે હમ કહાં’ ફિલ્મમાં જોવા મળી હતી. એમાં તેનો હિરો હતો સિદ્ધાંત ચતુર્વેદી. અનન્યાની નવી બે ફિલ્મ આવી રહી છે – ‘કન્ટ્રોલ’ અને ‘ધ અનટોલ્ડ સ્ટોરી ઓપ સી. શંકરન નાયર’.

કતારમાં કોર્ટે આઠ ભારતીયોની મોતની સજા ફેરવી

નવી દિલ્હીઃ કતારમાં ફાંસીની સજા પામેલા નેવીના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મોટી રાહત મળી છે. કોર્ટે તમામ આઠ લોકોની પાંસીની સજા અટકાવી દીધી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત તરફથી કતારની કોર્ટમાં અરજી દાખલ કરી હતી.  સંપર્ક કર્યો છે. કોર્ટે 26 ઓક્ટોબરે નેવીના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને ફાંસીની સજા સંભળાવી હતી. હવે ફાંસીની સજા કારાવાસમાં બદલવાની આશા વધી ગઈ છે. અપેક્ષા છે કે વર્ષ 2015માં સમજૂતી મુજબ આઠ ભારતીયોને ભારતમાં સજા પૂરી કરવાનો વિકલ્પ પણ મળી જાય.

કતારમાં જે આઠ ભૂતપૂર્વ નેવીના અધિકારીઓને મોતની સજા સંભાળવવામાં આવી હતી, તેમનાં નામ- કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ ગોપાકુમાર સહિતના જવાનોનો સમાવેશ થાય છે.

ભારતીય નૌકાદળના આ તમામ આઠ ભૂતપૂર્વ અધિકારીઓ ગયા વર્ષના ઓગસ્ટથી કતારની જેલમાં છે. કતારે હજુ સુધી આ તમામ પૂર્વ અધિકારીઓ પર લાગેલા આરોપો અંગે માહિતી આપી નથી. જોકે આ મામલાની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે આ તમામ પર જાસૂસીનો આરોપ છે.

આ તમામ લોકો કતારની એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. આ કંપની કતારી એમિરી નેવીને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે. અહેવાલ અનુસાર કંપનીનું નામ દહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ છે. કંપની પોતાને કતાર સંરક્ષણ, સુરક્ષા અને અન્ય સરકારી એજન્સીઓના સ્થાનિક ભાગીદાર તરીકે વર્ણવે છે. રોયલ ઓમાન એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામીસ અલ અજમી આ કંપનીના CEO છે.

 

 

 

 

 

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલમહાકુંભ 2.0નો પ્રારંભ

ખેલમહાકુંભ 2.0નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયાના ટ્રાન્સસ્ટેડિયા ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં પેરા એશિયન ગેમ્સ 2023માં વિજેતા થયેલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓનું ખેલ પ્રતિભા રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું.  રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. આ સિવાય તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ અપાશે.

ખેલમહાકુંભની વિગતો જાણવા માટે https://khelmahakumbh.gujarat.gov.in/ પર ક્લિક કરી માહિતી મેળવી શકો છે. તદ્પરાંત 1800 274 6151 ટોલ ફ્રી નંબર પણ જાહેર કરાયો છે. અગાઉ ખેલમહાકુંભ માટે રજીસ્ટ્રેશન ખુલ્લુ મૂકાતાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, હવે 35 રમતો ઉપરાંત વુડબોલ, સેપક ટકરાવ, બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલ જેવી નવી 4 રમતો મળી 39 જેટલી રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત અંડર 9 વય જૂથનો સમાવેશ કરાયો છે. ખેલ મહકુંભ 2.0માં રાજ્યકક્ષાની રમતમાં વિજેતા ઉમેદવારોને નેશનલ- ઈન્ટરનેશનલ કક્ષાએ જવા માટે યોગ્ય પ્લેટફેર્મ પૂરું પાડવામાં આવશે.

ગૃહ અને રમતગમત વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ 2.0માં વિજેતા થનારા ખેલાડીઓને કુલ 45 કરોડ રૂપિયાના ઇનામો આપવામાં આવશે. જો કે, ગયા વર્ષે 55 લાખનું રજિસ્ટ્રેશન હતું. આ ઉપરાંત, એશિયન ગેમ્સમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી 5 લાખની રકમ ઈનામ રૂપે અપાશે.

ChatGPTને ટક્કર આપવા મુકેશ અંબાણી મેદાનમાં આવ્યા

રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ એક મોટી માહિતી શેર કરી છે. તેણે કહ્યું કે તે એક AI પ્લેટફોર્મ પણ બનાવી રહ્યો છે, જે ChatGPTની જેમ કામ કરશે. આ એક પ્રકારનું BharatGPT હશે. Jio તેની પોતાની ટેલિવિઝન ઓએસ પણ તૈયાર કરી રહ્યું છે. તેણે આઈઆઈટી બોમ્બેના વાર્ષિક ટેક ફેસ્ટ દરમિયાન આ માહિતી આપી હતી.

આકાશ અંબાણીએ ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે મોટી માહિતી શેર કરી. રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું છે કે તેઓ ભારત GPT પર કામ કરી રહ્યા છે. આ કાર્યક્રમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બોમ્બે (IIT-Bombay) સાથે ભાગીદારીમાં તૈયાર કરવામાં આવ્યો છે. એક ન્યુઝ એજન્સીના અહેવાલો પરથી આ માહિતી મળી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આકાશ અંબાણીએ IIT Bombay ઈન્સ્ટિટ્યૂટના વાર્ષિક ટેકફેસ્ટમાં આ માહિતી આપી હતી. ભારત જીપીટી ઓપન એઆઈ દ્વારા તૈયાર કરાયેલ ચેટજીપીટી સાથે સ્પર્ધા કરશે, જે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. આ પ્લેટફોર્મ ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું.

Jio 2.0 વિશે વિઝન સમજાવ્યું

આકાશ અંબાણીએ સમજાવ્યું કે શા માટે શક્તિશાળી ઇકો સિસ્ટમ બનાવવી મહત્વપૂર્ણ છે. કંપનીના વિઝન Jio 2.0 વિશે પણ માહિતી શેર કરી. વર્ષ 2014 માં IIT બોમ્બે સાથે ભાગીદારી કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય જનરેટિવ AI બનાવવાનો અને એક વિશાળ ભાષા મોડેલ તૈયાર કરવાનો હતો, જે ChatGPT જેવું હશે. તેનું નામ શું હશે? ભારત GPT પ્રોગ્રામ સિવાય આકાશ અંબાણીએ કહ્યું છે કે Jio અન્ય મહત્વાકાંક્ષી સાહસ પર કામ કરી રહ્યું છે, જે ટેલિવિઝન ટેક્નોલોજી હશે. તેણે ખુલાસો કર્યો કે કંપની ટીવી માટે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી રહી છે.

ChatGPT શું છે?

ChatGPT એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ છે. આ એક ચેટબોટ છે, જે ઘણા પ્રશ્નોના જવાબ તેમજ સામગ્રી લેખનમાં મદદ કરે છે. તેની મદદથી તમે સોશિયલ મીડિયા પોસ્ટથી લઈને પત્રો વગેરે બધું જ લખી શકો છો. તમે કેટલાક વિષયો અથવા સમસ્યાઓના ઉકેલ માટે પણ પૂછી શકો છો. ChatGPT ને OPEN AI નામની કંપની દ્વારા વિકસાવવામાં આવી છે.

ગાંધીનગર : 28 જાન્યુઆરીએ 69મો ફિલ્મફેર એવોર્ડ સમારંભ યોજાશે

ફિલ્મફેર હિન્દી સિનેમામાં શ્રેષ્ઠ પ્રતિભા અને તકનીકી સિદ્ધિઓનો સૌથી મોટો સમારોહ યોજવાની તૈયારી કરી રહ્યું છે. દાયકાઓથી, બ્લેક લેડી(ફિલ્મફેર પુરષ્કાર) મનોરંજન ક્ષેત્રમાં સફળતાનું મૂર્ત સ્વરૂપ છે. ત્યારે 69મા ફિલ્મફેર એવોર્ડ્સ 28 જાન્યુઆરી, 2024ના રોજ ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાશે. આ એવોર્ડ સમારોહનું ફિલ્મફેર અને ગુજરાત ટુરીઝમ દ્વારા સંયુક્ત રીતે એવોર્ડ સમારોહની પૂર્વતૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 2023ની શરૂઆતમાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (TCGL) અને વર્લ્ડવાઈડ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ (A Times Group Company) એ એવોર્ડ સમારોહ માટે સમજૂતી કરાર(MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. આ સીમાચિહ્નરૂપ પગલાથી ગુજરાત પ્રથમ વખત પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ સમારોહનું આયોજન કરવા જઈ રહ્યું છે. ફિલ્મફેર અને ગુજરાત ટુરીઝમે 69મા ફિલ્મફેર એવોર્ડ્સ 2024 પહેલા ફિલ્મમેકર્સ રાઉન્ડ ટેબલનું આયોજન કર્યું હતું. જેમાં પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માતાઓ અને ગુજરાત સરકારના મહાનુભાવો હાજર રહ્યા હતા.

 

રાજ્યમાં ફિલ્મ નિર્માણ અને રોકાણમાં વધારો થશે

ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન સરળ બનાવશે. ગુજરાતના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વ્યવસાયિકો સાથે વતચીત અને વિચારોના આદાન-પ્રદાન કરવાની તેમજ ફિલ્મ પ્રોડક્શનમાં ન્યુ ટ્રેન્ડા, ટેકનોલોજી અને ટેકનિક્સ વિશે જાણવાની તક મળશે. આ ઈવેન્ટ રાજ્યના કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક વારસા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન કરશે, જે ફિલ્મ નિર્માતાઓને ગુજરાતનો ભવિષ્યના ફિલ્મ પ્રોજેક્ટ્સ માટે બેકડ્રોપ તરીકે ઉપયોગ કરવા માટે આકર્ષિત કરશે. તેના પરિણામે રાજ્યમાં ફિલ્મ નિર્માણ અને રોકાણમાં વધારો થશે.

રામ ગોપાલ વર્મા પર રૂ. 1 કરોડનું ઈનામ જાહેર, ફરિયાદ દાખલ

જાણીતા ફિલ્મ ડિરેક્ટર રામ ગોપાલ વર્મા આ દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં ફિલ્મ વ્યુહમને કારણે કોલિકાપુડી શ્રીનિવાસ રાવે તેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઈનામ ઓફર કર્યું હતું, ત્યારબાદ ડિરેક્ટરે પોલીસમાં ફરિયાદ કરી છે. મંગળવારે એટલે કે 26મી ડિસેમ્બરે ઓનલાઈન ફરિયાદ નોંધાવ્યા બાદ તે 27મી ડિસેમ્બરે વિજયવાડામાં પોલીસ મહાનિર્દેશકની ઓફિસે પહોંચીને ફરિયાદ કરી હતી.

સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી

ડિરેક્ટરે પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. તેણે તેના X એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં રાવ ડિરેક્ટરની ફિલ્મ વ્યુહમની ટીકા કરતા જોવા મળે છે અને તેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઈનામ રાખવાની વાત કરે છે. આ પોસ્ટમાં તેણે આંધ્રપ્રદેશ પોલીસને પણ ટેગ કરીને તેને ઓનલાઈન ફરિયાદ તરીકે લેવા વિનંતી કરી હતી. તેણે લખ્યું, કોલિકાપુડી શ્રીનિવાસરાવે મને મારવા માટે 1 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને ચેનલના એન્કરે ખૂબ જ ચતુરાઈથી તેની મદદ કરી. તેઓએ સાથે મળીને મારી હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. બુધવારે અન્ય એક પોસ્ટમાં તેણે તસવીર શેર કરી અને માહિતી આપી કે તેણે એન્કર અને ચેનલના માલિક શ્રીનિવાસ રાવ વિરુદ્ધ સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફિલ્મ 29મી ડિસેમ્બરે રિલીઝ થશે

અમરાવતી જોઈન્ટ એક્શન કમિટી (JAC)ના નેતા શ્રીનિવાસ રાવે ઈમામને આગામી ફિલ્મ વ્યુહમ માટે વર્મા પર હુમલો કરવાની ઓફર કરી હતી. આ ફિલ્મ આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ (અવિભાજિત) મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડી પર આધારિત હોવાનું કહેવાય છે. ટીડીપીએ વિવાદાસ્પદ ફિલ્મમાં નાયડુની છબીને બદનામ કરવાના પ્રયાસનો આરોપ લગાવીને વ્યુહમ વિરુદ્ધ તેલંગાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ ફિલ્મ 29મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.

એલન મસ્કની ટેસ્લા ગુજરાતમાં પહેલો એકમ સ્થાપિત કરશે

અમદાવાદઃ ટેસ્લા ભારતમાં પ્રવેશવા તૈયાર છે. અહેવાલોમાં મુજબ ભારતમાં સૌથી મોટી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની સ્થાપના માટે વાતચીત છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ છે.  ગાંધીનગરમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં જાન્યુઆરીમાં ભારતમાં ટેસ્લાના પ્રવેશની જાહેરાત કરવામાં આવે એવી સંભાવના છે.

ગુજરાત વેપાર માહોલ માટે એક વ્યૂહાત્મક સ્થળ રહ્યું છે. રાજ્યમાં પહેલેથી જ મારુતિ સુઝુકીનો ઉત્પાદક એકમ છે. ટેસ્લાનો એકમ સાણંદ, બહુચરાજી કે ધોલેરામાં સ્થપાય એવી શક્યતા છે. ટેસ્લાના CEO અને સ્થાપક એલન મસ્ક ભારતમાં EV ઉત્પાદકના પ્રવેશની જાહેરાત કરવા માટે હાજર રહે  એવી શકયતા છે.

આ વર્ષના પ્રારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની USની મુલાકાતમાં એલન મસ્કને મળ્યા બાદ ટેસ્લાએ અગાઉ સંકેત આપ્યો હતો કે તે ભારતમાં મૂડીરોકાણ યોજનાઓ પર પુનર્વિચાર કરી રહી છે. ટેસ્લાએ લગભગ એક વર્ષ પહેલા ભારતમાં ઊંચી આયાત શુલ્કને કારણે ભારતમાં રોકાણ ન કરવાનો નિર્ણય લીધો હતો. અને હવે યુએસ સ્થિત EV ઉત્પાદક આ અભિગમમાં ફેરફાર જોઈ રહ્યા છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પણ અમેરિકામાં ટેસ્લા પ્લાન્ટની મુલાકાત લીધી હતી.

ટેસ્લા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે. EV નિર્માતાએ અગાઉ કહ્યું હતું કે તે ઈલેક્ટ્રિક કાર સિવાય ભારતમાં બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા આતુર છે. કાર નિર્માતાએ એવો પણ સંકેત આપ્યો હતો કે તે આ વર્ષના અંત સુધીમાં ભારતમાં તેના ઉત્પાદન પ્લાન્ટ માટે સ્થાન નક્કી કરી શકે છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણા સહિત અન્ય ઘણાં રાજ્યો પણ ટેસ્લાને રોકાણ માટે આમંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

 

 

 

 

 

ચંદા કોચર, 10 અન્યો સામે ટમેટાં પેસ્ટ છેતરપિંડીનો કેસ

નવી દિલ્હીઃ ICICI બેન્કના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને CEO ચંદા કોચર ફરી એક વાર કેન્દ્રમાં છે. કોચર અને 10 અન્ય પર ટમેટાંની પેસ્ટમાં છેતરપિંડી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કંપનીને રૂ. 27 કરોડનું નુકસાન થયું છે. 2009નો આ કેસ તાજેતરમાં ચર્ચામાં આવ્યો જ્યારે 9 ડિસેમ્બરે પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી પોલીસને તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ 20 ડિસેમ્બરે છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રના આરોપોને ટાંકીને FIR નોંધી હતી.

આ FIRમાં ચંદા કોચર, સંદીપ બક્ષી (CEO અને MD, ICIC BANK), વિજય ઝગડે (બેંકના ભૂતપૂર્વ મેનેજર) તેમ જ અનામી અધિકારીઓમાં મુંબઈમાં ICICI બેંક (હવે પંજાબ નેશનલ બેંક)ના ગ્લોબલ ટ્રેડ સર્વિસ યુનિટના પ્રતિનિધિઓ સામેલ હતા. આ ઉપરાંત અતુલકુમાર ગોયલ (MD અને CEO પંજાબ નેશનલ બેંક), કે.કે. બોર્દિયા (ભૂતપૂર્વ GM ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ), અખિલા સિન્હા (AGM PNB અને ઓબીસીના તત્કાલીન બ્રાન્ચ હેડ), મનોજ સક્સેના (AGM PNB અને ઓબીસીના તત્કાલીન બ્રાન્ચ હેડ), અને કે.કે. ભાટિયા (OBCમાં ભૂતપૂર્વ ચીફ મેનેજર)નો પણ સમાવેશ થાય છે.

P&R ઓવરસીઝ પ્રાઈવેટ લિમિટેડ (ટમેટાં મેજિક)ના ડિરેક્ટર શમ્મી અહલુવાલિયા દ્વારા દાખલ કરવામાં આવેલી FIR મુજબ આરોપીઓએ કથિત રીતે વિદેશી બેંકમાંથી ‘લેટર ઓફ ક્રેડિટ’ (LOC)ને વાસ્તવિક દસ્તાવેજ તરીકે પસાર કરવાનું કાવતરું ઘડ્યું હતું. ટમેટાં પેસ્ટના નિકાસ ઓર્ડર માટે નિર્ણાયક LOC, કથિત રીતે રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ (RBS) દ્વારા જારી કરવામાં આવી હતી, પરંતુ પાછળથી તે બહાર આવ્યું હતું કે તે RBS એલાયન્સ નામની સ્થાનિક રશિયન બેંકમાંથી જારી કરવામાં આવ્યું હતું, જે શંકાસ્પદ પ્રતિષ્ઠા ધરાવવા માટે જાણીતી છે. .

આ FIRમાં કહેવામાં આવે છે કે ICICI બેંકે રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ દ્વારા જારી કરાયેલા LOCને છેતરપિંડીથી પ્રમાણિત કર્યું હતું. આ FIR મુજબ ICICI બેંક કે જે આ કેસમાં સલાહ આપતી બેંક છે અને તેના અધિકારીઓએ તે તપાસવું જરૂરી હતું કે, જે એલ/સી બનાવવામાં આવી રહ્યું છે તે અધિકૃત છે અને વાસ્તવિક બેંકિંગ કંપની દ્વારા જારી કરવામાં આવ્યું છે. જોકે પછીથી જાણવા મળ્યું છે, LOC સંપૂર્ણપણે કપટપૂર્ણ અને બનાવટી હતી.