ગાંધીનગરઃ પંદરમી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીથી ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી મળશે, એમ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. લોકસભા ચૂંટણીને કારણે બજેટ સત્ર વહેલું શરૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે આ સત્રમાં પૂર્ણ કક્ષાનું બજેટ વિધાનસભામાં રજૂ કરાશે.
સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બંધારણના અનુચ્છેદ મુજબ પહેલી ફેબ્રુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહની બેઠકને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે.
તેમણે કહ્યું હતું કે વર્ષ૨૦૨૪-૨૫નું બજેટ બીજી ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માગ ઉપર ચર્ચા તેમ જ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ સત્રમાં ૨૬ બેઠકોમાં ચર્ચા થશે. આ સત્રમાં સરકારી વિધેયકો તેમ જ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પણ બેઠકો રાખવામાં આવી છે. જે અંતર્ગત સરકારી વિધેયકો તેમ જ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્રમાં દિવસના પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે. જ્યારે વિધાનસભા સત્ર દરમ્યાન કામકાજના ૨૪ દિવસ રહેશે.
અયોધ્યાઃ અયોધ્યા રેલવે સ્ટેશનનું બદલાઈ ગયું છે. રેલવે સ્ટેશન હવે અયોધ્યા ધામના નામથી ઓળખવામાં આવશે. રેલવે સ્ટેશનનું નામ બદલવાના આદેશ ગઈ કાલે સાંજે જારી કરવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બે દિવસ પહેલાં નિરીક્ષણ દરમ્યાન અયોધ્યા ધામ સ્ટેશન નામ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, એ પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અયોધ્યા ધામ રેલવે સ્ટેળનનું ઉદઘાટન વડા પ્રધાન મોદીને હસ્તે 30 ડિસેમ્બરે થશે.
અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર છે. 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમની તૈયારીઓનો તાગ મેળવવા ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે. PM મોદી અયોધ્યા પહોંચે તે પહેલાં ત્યાંના સાંસદ લલ્લુ સિંહે અયોધ્યા રેલવે સ્ટેશનના નામ સાથે જોડાયેલી એક મોટી જાણકારી X દ્વારા શેર કરી છે. તેમણે કહ્યું હતું કે અયોધ્યા જંકશન રેલવે સ્ટેશનનું નામ હવે બદલીને ‘અયોધ્યા ધામ’ જંકશન કરવામાં આવ્યું છે.
તેમણે X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે અયોધ્યા જંક્શન ‘અયોધ્યા ધામ’ જંક્શન બની ગયું, ભારતના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ, લોકોની અપેક્ષા મુજબ નવા બનેલા ભવ્ય અયોધ્યા રેલ્વે સ્ટેશનના અયોધ્યા જંકશનનું નામ બદલીને અયોધ્યા ધામ જંકશન કરવામાં આવ્યું છે.
અયોધ્યા ધામ રેલવે સ્ટેશન બનીને તૈયાર છે અને પહેલી જાન્યુઆરીએ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. PM મોદી અયોધ્યા ધામ રેલવે સ્ટેશનથી વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરશે. શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ વડા પ્રધાન મોદી લોકાર્પણ કરશે
તેમણે આગામી પોસ્ટમાં જણાવ્યું હતું કે જે માટે હું આદરણીય સંતો, અયોધ્યાના રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગૃહમંત્રી અમિત શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો હૃદયપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યામાં એક મુખ્ય માર્ગને સૂર્ય-થીમ આધારિત ‘સૂર્ય સ્તંભો’ થી શણગારવામાં આવી રહ્યો છે. દરેક 30 ફૂટ ઊંચા સ્તંભમાં સુશોભન વર્તુળ હોય છે, જે રાત્રે જ્યારે પ્રકાશ પ્રગટાવવામાં આવે છે ત્યારે સૂર્ય જેવું લાગે છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસે ફરીથી ટેન્શન વધાર્યું છે. દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 109 દર્દી મળી ચૂક્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 575 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,10,189 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,346 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,73,448 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 603 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4097 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,67,79,081 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી.
હાલમાં WHO અને ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે JN.1 ને વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે વર્ગીકૃત કર્યું છે. આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારના પ્રતિબંધ લગાવવાથી લોકોમાં ગભરાટ ફેલાઈ શકે છે. જોકે રાજ્યમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
લોકોને ક્રિસમસ અને નવા વર્ષની સલામત ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક પહેરવા અને હાથ સાફ કરવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ.
મુંબઈઃ હિન્દી અને તામિલ ફિલ્મોની અભિનેત્રી ઈશા કોપ્પીકરે એનાં પતિ ટિમી નારંગ સાથે છૂટાછેડા લઈ લીધાં હોવાનો અહેવાલ છે. આ સાથે બંનેનાં 14 વર્ષના લગ્નજીવનનો તેમણે અંત લાવી દીધો છે. 47 વર્ષની ઈશા અને ટિમીએ 2009માં લગ્ન કર્યાં હતાં. એમને એક પુત્રી છે, રિઆના, જે હાલ 9 વર્ષની થઈ છે. મહારાષ્ટ્રના કોંકણીભાષી પરિવારમાં જન્મેલી ઈશા તેનાં પતિનાં ઘરમાં રહેતી હતી, પણ હવે એણે તેની પુત્રી સાથે ટિમીનું ઘર છોડી દીધું છે.
અમુક સમય પૂર્વે એવા અહેવાલો હતા કે ઈશા અને ટિમીને બનતું નથી. સંબંધમાં ખટરાગ ઊભો થતાં બંનેએ છૂટાં પડવાનું નક્કી કર્યું છે. લગ્નજીવન ટકાવી રાખવા માટે એમણે તમામ પ્રયત્નો કર્યા હતા, પરંતુ એમાં સફળતા ન મળતાં આખરે તેમણે છૂટાછેડા લઈ લીધાં છે. એક મહિનાથી તે એની દીકરી રિઆના સાથે અલગ રહે છે.
બંનેની પહેલી મુલાકાત એક જિમ્નેશિયમમાં થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો અને એમણે લગ્ન કર્યાં હતાં.
ઈશા છેલ્લે એક તામિલ ફિલ્મમાં જોવા મળી હતી. એ પહેલાં તે ‘લવ યૂ ડેમોક્રેસી’, ‘અસ્સી નબ્બે પૂરે સૌ’ અને ‘કવચ’ ફિલ્મોમાં દેખાઈ હતી. ‘કંપની’ ફિલ્મના ‘બચકે તૂ રહના… ખલ્લાસ’ ગીતથી તે બોલીવુડમાં જાણીતી થઈ હતી. એણે ‘પિંજર’, ‘ડરના મના હૈ’, ‘એલઓસી કારગિલ’, ‘રુદ્રાક્ષ’, ‘કૃષ્ણા કોટેજ’, ‘હમ તુમ’, ‘ક્યા કૂલ હૈં હમ’, ‘ડી’ અને ‘મૈં’ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ઈશા અમુક મરાઠી, તેલુગુ, કન્નડ ફિલ્મોમાં પણ ચમકી છે. તે રાજકારણમાં પણ પ્રવેશી છે અને ભારતીય જનતા પાર્ટીના મહિલા ટ્રાન્સપોર્ટ વિભાગની પ્રમુખ છે.
મોસ્કોઃ વિદેશ પ્રધાન એસ. જયશંકર ગુરુવારે (ભારતીય સમય મુજબ 28 ડિસેમ્બરે) અહીં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પૂતિનને મળ્યા હતા. એ બેઠક દરમિયાન પૂતિને એમને કહ્યું હતું કે યૂક્રેન સાથે રશિયાના હાલ ચાલી રહેલા યુદ્ધ મામલે પોતે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનેક વખત વાતચીત કરી છે. પૂતિને એમ પણ કહ્યું કે, ‘રશિયા-યૂક્રેન યુદ્ધનો શાંતિપૂર્ણ માર્ગે ઉકેલ લાવવા માટે પીએમ મોદી પ્રયાસો કરી રહ્યા છે એનાથી હું વાકેફ છું. આ યુદ્ધને લગતી પરિસ્થિતિ વિશે મેં એમને અનેકવાર માહિતગાર કર્યા છે.’
(તસવીર સૌજન્યઃ @DrSJaishankar)
બેઠક દરમિયાન જયશંકરે પૂતિનને કહ્યું હતું કે, વડા પ્રધાન મોદી 2024માં રશિયાના પ્રવાસે આવવા ઈચ્છે છે. ભારત અને રશિયા વચ્ચેના વ્યાપારનું ટર્નઓવર 50 અબજ ડોલર જેટલા આંકે પહોંચ્યું છે.
આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.
આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.
આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે, વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.
2023નો આ છેલ્લો લેખ. થોડા જ દિવસમાં વર્ષ પૂરું થશે. અને એ શાંતિથી, ચૂપચાપ 2024ના હાથમાં બૅટન આપીને જતું નહીં રહે. દેશ-દુનિયામાં નવા વર્ષને આવકારવા જાતજાતના સમારંભો થશો, પાર્ટીઓ થશે, દારૂની, વાઈનની નદીઓ વહેશે, રાતઆખી નાચગાન થશે. કદાચ પાર્ટી-પ્રેમીઓ માટે આ જ સાચું સુખ હશે.
ભલે, પણ સાચું સુખ આપણે કોને કહીશું?
સાવ નાની ઉંમરે, એક સામાન્ય, ગરીબ આફ્રિક્ન પરિવારનાં દસ બાળકોમાંનું આઠમું સંતાન માઈકલ જેક્સન… સતત અછતમાં ઉછરનારાં દુનિયાનાં લાખ્ખો બાળકોમાંના એક સામાન્ય બાળકમાંથી વિશ્વપ્રસિદ્ધ પૉપસિંગર તરીકેની યાત્રા કરનાર કલાકાર એટલે માઈકલ જેક્સન. એ માઈકલ જેક્સન, જેનાં અત્યાર સુધી બહાર પડેલાં આલબમ્સની ૭પ કરોડથી વધુ રેકર્ડ વેચાયેલી છે. એ માઈકલ જેક્સન, જેની પાસે સાડાપાંચસો કરોડ ડૉલરથી વધુ બૅન્ક બૅલેન્સ હતું. અઢી હજાર એકરમાં ફેલાયેલા એના નેવરલેન્ડ નામના નિવાસમાં 12 તો ડૉક્ટર્સ હતા, જે ખડેપગે માઈકલ જેક્સનની નાનીમોટી શારીરિક સમસ્યાનો ઉકેલ લાવતા. આટલાં બધાં સુખ, સંપત્તિ, સાધન અને સમૃદ્ધિ હોવા છતાં તેના ઉદગારો હતા, ઍક્ચ્યુઅલી આઈ ઍમ વન ઑફ ધ લોન્લિએસ્ટ પર્સન ઑન ધ અર્થ. અને 2009માં પચાસ વર્ષની વયે દવાના ઓવરડોઝથી માઈકલ જેક્સનનું મૃત્યુ થયું ત્યારે એની બાજુમાં એના પર્સનલ ફિઝિશિયન સિવાય કોઈ નહોતું.
દોમ દોમ સાહ્યબી, સફળતા જો કોઈ પોતીકા સાથે વહેંચી ન શકાય તો એ શા કામની? જીવનમાં સરિયામ નિષ્ળતાના સમયે પોતાના મજબૂત ખભા તમારી પાસે હોય તો માની લેજો કે તમે સૌથી સુખી છો. અને આપણે ફેસબુક ફ્રેન્ડની વાત નથી કરતા. કપરા સમયે પડખે ઊભા રહેનારા સાચા મિત્રની વાત કરીએ છીએ.
એટલે જ કોઈએ સાચું જ કહ્યું છે કે, ધ સુપ્રીમ હેપીનેસ ઓફ લાઈ ઈઝ ધ કન્વિક્શન ધૅટ વી આર લવ્ડ બાય અધર અર્થાત્ બીજા બધા મને ખૂબ ચાહે છે, પ્રેમ કરે છે, એની પ્રતીતિ થવી એ જ જીવનનું શ્રેષ્ઠ સુખ છે. બાકી સંબંધો વગરની ભૌતિક સવલતો સુગંધ વગરના ગુલાબ જેવી છે. બાહ્ય વૈભવ અને સુખ-સગવડ વ્યક્તિને આરામદાયક જીવન જરૂર પૂરું પાડશે, પરંતુ સાથે આંતરિક હૂંફ, સંતોષ અને શાંતિ માટે પોતાના કહી શકાય એવા માણસોનો સંગાથ મળે તો આપણું જીવન સોનામાં સુગંધ ભળ્યા જેવું બની જાય.
અમેરિકામાં કાર્નેગી ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી નામની એક પ્રખ્યાત શિક્ષણ સંસ્થા છે. તેના અધિકારીઓએ માણસની સફળતા-નિષ્ફળતા જેવા એક વિષય પર અભ્યાસ કરવાનું નક્કી કર્યું. આ માટે અધિકારીઓએ દસ હજાર વ્યક્તિઓની મુલાકાત લીધી અને તારણ આપતાં જણાવ્યું કે, વ્યક્તિની સફળતાનો પંદર ટકા આધાર તેની બુદ્ધિ, કામ કરવાની આવડત અને હુન્નર કે કૌશલ પર છે, પરંતુ પંચ્યાશી ટકા આધાર એ માનવીના અન્ય સાથેના લોકસંબંધો કેવા છે તેના પર નિર્ભર રહે છે, પરંતુ સંબંધોનું એક કડવું સત્ય એ છે કે જીવન-નૈયા સુખના પ્રદેશમાંથી પસાર થતી હોય ત્યારે તો સૌનો સાથ અવશ્ય મળી રહે, પણ દુઃખના દિવસોમાં સંગાથ આપે એ જ સાચો સંબંધ કહી શકાય.
અમરેલી જિલ્લાના ખડાધાર ગામમાં રહેતા રવજીભાઈના પરિવારમાં બીમારી અને ગરીબી અડીંગો જમાવીને બેઠેલી. પતિ-પત્ની બંને એ વખતે અસાધ્ય ગણાતા ટીબીનાં દર્દી. ઘરના રોટલા માંડ નીકળે ત્યાં ઈલાજના પૈસા ક્યાંથી હોય? બંનેએ સ્વીકારી લીધેલું કે દીકરા રમણીકને એ મોટો થતો જોઈ નહીં શકે. રવજીભાઈએ પોતાની વ્યથા પત્રમાં ઠાલવી પ્રમુખસ્વામી મહારાજને મોકલી. પત્ર વાંચતા જ તેમની પરિસ્થિતિથી વાકેફ સાચા સ્વજન સમા સ્વામીશ્રીનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે પતિ-પત્નીના ઉપચાર કરાવ્યા. થોડા સમયમાં તબિયત સારી થવા લાગી. પછી તો સુરત નજીક આવેલા કીમમાં એમણે રમકડાંનો વ્યવસાય શરૂ કર્યો, એમાં પણ પ્રમુખસ્વામીએ એમને સહાય કરી.
જે યુગમાં સ્વાર્થ સોળે કળાએ ખીલ્યો હોય, જે સમયમાં સગાં પણ વહાલાને બદલે દવલા બની જતા હોય, જ્યારે વ્યક્તિગત લાભ અને મહાત્ત્વાકાંક્ષાના કારણે રક્ષક પણ ભક્ષક બની જતા હોય, એવા યુગમાં પ્રમુખસ્વામી મહારાજ સુખમાં સંગાથ અને દુઃખમાં હાથ આપવાનું ક્યારેય ભૂલ્યા નથી. આવા મહાપુરુષોનાં જીવનથી પ્રેરિત થઈ આપણે આપણા સંબંધીનાં સુખદુઃખના સંગાથી બનીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)