Home Blog Page 2199

રાશિ ભવિષ્ય 26/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ ના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

કોરાનાના 628 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસે ફરીથી ટેન્શન વધાર્યું છે. દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 63 દર્દી મળી ચૂક્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 628 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,09,248 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,337 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,72,153 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 315 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4170 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,67,79,081 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી.
હાલમાં WHO અને ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે JN.1 ને વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે વર્ગીકૃત કર્યું છે. આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારના પ્રતિબંધ લગાવવાથી લોકોમાં ગભરાટ ફેલાઈ શકે છે. જોકે રાજ્યમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
લોકોને ક્રિસમસ અને નવા વર્ષની સલામત ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક પહેરવા અને હાથ સાફ કરવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ.

 

કીડીને કણ, હાથીને મણ

      કીડીને કણ, હાથીને મણ

 

ભગવાન સૌની ચિંતા કરે છે. જેની જેટલી જરૂરિયાત તેટલું તેને મળી રહે એવી કોઈને કોઈ ગોઠવણ કુદરતની રચના થકી એ કરતો હોય છે. એટલે નાહકની ચિંતા નહીં કરવી.

જેના માટે જે નિર્મિત થયું હોય તે એને મળી જ રહે છે એવો ઈશ્વરની શક્તિમાં વિશ્વાસ રાખવાનો સંકેત આ કહેવત આપે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

ચોપડાની ‘એક હી રાસ્તા’ માં અડચણ આવી

બી. આર. ચોપડાની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘અફસાના’ (૧૯૫૧) સફળ થયા પછી એમનામાં હિંમત આવી હતી. કેમકે ઘણાએ એવી આગાહી કરી હતી કે ‘અફસાના’ ચાલશે નહીં. આ ફિલ્મ સફળ થયા પછી એના જ નિર્માતા અગ્રવાલ સાથે ‘શોલે’ અને ‘ચાંદની ચૌક’ જેવી બીજી બે ફિલ્મો બનાવી. એ પછી એમણે ‘સાહિલ’ નામની ફિલ્મ શરૂ કરી એ બંધ થઈ ગઈ. ત્યારે જ નિર્માતા એસ. મુખર્જીનો મળવા માટે સંદેશ આવ્યો. ચોપડા એમને મળવા ગયા ત્યારે મુખર્જીએ કહ્યું કે તારી ફિલ્મોનો અલગ રંગ હોય છે. જરા હટકે ફિલ્મો બનાવે છે એટલે મારા માટે એક ફિલ્મનું નિર્દેશન કર.

મુખર્જીએ કોઈ વાર્તા હોય તો ફિલ્મ બનાવવા કહ્યું. ચોપડાએ કોલેજના સમયમાં એક વાર્તા વિચારી હતી એના પરથી ‘હડતાલ’ બનાવવાનું નક્કી કર્યું. ચોપડાએ જ્યારે એસ. મુખર્જી માટે ફિલ્મનું નિર્દેશન કરવાની વાત કરી ત્યારે પત્નીએ પૂછ્યું કે તમે ખરેખર બીજા માટે ફિલ્મ બનાવશો? ત્યારે ચોપડાએ મુખર્જી સાથે કમિટમેન્ટ કર્યું હોવાનું કહ્યું. પત્નીએ કહ્યું કે તમે હજુ ફિલ્મ સાઇન કરી નથી કે શરૂ કરી નથી. પહેલી ફિલ્મથી પૈસા અને લોકપ્રિયતા બંને મળ્યા હતા. એ પછી જે ફિલ્મો કરી એના કામના મહેનતાણાના રૂપિયા મળ્યા હતા. હવે તમારે જ નિર્માતા બનવું જોઈએ. ચોપડાને એ વિચાર ગમ્યો. દરમ્યાનમાં એક રાત્રે ફિલ્મફેરના એવોર્ડ સમારંભમાં કારદાર પ્રોડકશનમાં કામ કરતા વિતરક મિત્ર કે.કે. કપૂર સાથે વાત થઈ. એમણે પણ કોઈ વાર્તા હોય તો ફિલ્મ બનાવવા કહ્યું અને પોતે રોકાણ કરવાની વાત કરી. ચોપડાએ વિચાર કરીને જવાબ આપવા કહ્યું.

ફિલ્મફેરના એ સમારંભમાં પંડિત મુખરામ શર્માને શ્રેષ્ઠ વાર્તાનો એવોર્ડ મળ્યો હતો. એમની સાથે ચોપડાની ઓળખાણ હતી. એ અભિનંદન આપવા એમના ઘરે ગયા. વાતવાતમાં મુખરામ શર્માએ કહ્યું કે ફિલ્મ બનાવવી હોય તો મારી પાસે એક વાર્તા છે પણ જોખમી છે. ચોપડાએ એ વાર્તા સાંભળી અને કે.કે. કપૂર પાસે લઈને ગયા. કપૂરને વાર્તા ગમી અને ફિલ્મ બનાવવા કહી દીધું. એમના ફાઇનાન્સર વી.વી. પુરીએ પણ મંજૂરી આપી અને રૂ.50000 માં એગ્રીમેન્ટ કરી લીધું. બી.આર. ચોપડાએ અશોકકુમાર અને સુનીલ દત્ત સાથેની ફિલ્મ ‘એક હી રાસ્તા’ (1956) નું નિર્માણ પોતાના નામ પર રાખી ‘બી.આર. ફિલ્મ્સ’ નું બેનર નક્કી કર્યું. ફિલ્મ તૈયાર થઈ ગઈ એટલે વી.વી. પુરીએ નિર્દેશક મહેબૂબ ખાન, એ.આર. કારદાર, મજરૂહ સુલતાનપુરી વગેરેને બતાવી.

ફિલ્મ જોઈને મજરૂહ ચોપડાને મળ્યા અને કહ્યું કે બધાએ એકી અવાજે કહ્યું છે કે આ ફિલ્મ ચાલી શકે એવી નથી. બીજા દિવસે ફાઇનાન્સર પુરીએ મળવા બોલાવ્યા અને બે પાકિસ્તાની ગીત સંભળાવી કહ્યું કે એને ફિલ્મમાં ઉમેરી દો. ચોપડાએ કહ્યું કે ફિલ્મ વિષે તમને ઘણાનો ખરાબ અભિપ્રાય મળ્યો છે પણ એમાં વાર્તા મહત્વની છે. જો આ બે ગીત એમાં ઉમેરીશું તો વાર્તા ખતમ થઈ જશે. હું એમાં કોઈ ફેરફાર કરવા માગતો નથી. ચોપડા માન્યા નહીં એટલે એમણે નારાજ થઈ એમની આગામી ફિલ્મોમાંથી હટાવવાની વાત કરી ફિલ્મ રજૂ કરવા કહી દીધું.

ફાઇનાન્સરને ડર હતો કે ફિલ્મ ચાલવાની નથી એટલે મોટી સંખ્યામાં પ્રિન્ટ રજૂ કરી શરૂઆતના દિવસોમાં કમાણી કરી લેવાનું આયોજન કર્યું. જ્યારે ફિલ્મ રજૂ થઈ અને લોકોને પસંદ આવી ત્યારે કે.કે. કપૂરે બી.આર. ચોપડાને અભિનંદન આપતા કહ્યું કે પહેલી વખત આટલી મોટી સંખ્યામાં થિયેટરોમાં રજૂ કરી છે અને એના દરેક શો હાઉસફુલ જઇ રહ્યા છે. સમીક્ષકોએ પણ લખ્યું કે બહુ હિંમત કરીને સંદેશ આપતી ફિલ્મ બનાવી છે. ફિલ્મની સફળતાથી ફાઇનાન્સર એટલા ખુશ થયા હતા કે બી.આર. ચોપડાને ભેટમાં કાર આપી હતી.

પાકિસ્તાનની આગામી સંસદીય ચૂંટણી માટે હિન્દૂ મહિલાએ નોંધાવી ઉમેદવારી

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આવતા ફેબ્રુઆરીની 8મી તારીખે સંસદીય ચૂંટણી યોજાવાની છે. તેમાં જનતા 16મી રાષ્ટ્રીય ધારાસભાનાં સભ્યોને ચૂંટી કાઢશે. આ વખતની ચૂંટણીમાં એક હિન્દૂ મહિલાએ પણ ઉમેદવારી નોંધાવી છે. પાકિસ્તાનમાં આ પહેલી જ વાર બન્યું છે. સવીરા પ્રકાશ નામનાં મહિલાએ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના બુનેર જિલ્લાના PK-25 મતવિસ્તારમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. એમણે ગઈ કાલે એ માટેનું પત્રક ભરીને સત્તાવાળાઓને સુપરત કર્યું હતું.

સવીરા પ્રકાશ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે. એમણે તેમનાં પિતા ઓમ પ્રકાશને પગલે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. ઓમ પ્રકાશ 35 વર્ષથી પીપીપી પાર્ટીના સભ્ય છે. તેઓ એક નિવૃત્ત ડોક્ટર પણ છે.

માનવ તસ્કરીની શંકા પરથી ફ્રાન્સમાં રોકી દેવાયેલા વિમાનનું મુંબઈમાં આગમન

મુંબઈઃ હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી)ની ગેરકાયદેસર પ્રવૃત્તિની શંકા પરથી ફ્રાન્સમાં ચાર દિવસ સુધી રોકી દેવાયેલું 276 પ્રવાસીઓ સાથેના એક ચાર્ટર્ડ વિમાને આજે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કર્યું છે. આ વિમાનના પ્રવાસીઓ ભારતીય છે. આ વિમાન રોમાનિયાની એક કંપની દ્વારા સંચાલિત હતું અને તે નિકારાગ્વા જતું હતું. એના પ્રવાસીઓ માનવ તસ્કરીની પ્રવૃત્તિઓમાં સામેલ થયા હોવાની શંકા જતાં ફ્રાન્સના સત્તાવાળાઓએ વિમાનને વેટ્રી એરપોર્ટ પર ચાર દિવસ સુધી રોકી દીધું હતું.

આ એરબસ A340 વિમાનને ફ્રાન્સમાંથી ગઈ કાલે બપોરે અઢી વાગ્યે મુંબઈ માટે રવાના કરવામાં આવ્યું હતું અને તેણે આજે વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. વિમાનમાં કુલ 303 પ્રવાસીઓ હતાં. એમાંના 25 જણે ફ્રાન્સમાં રાજ્યાશ્રય માટે અરજી કરી છે અને તેઓ હજી ફ્રાન્સમાં જ છે. આ 25 જણમાં બે સગીર વયની વ્યક્તિ છે.

‘ગિફ્ટ’માં શરાબઃ નવી છૂટ-નવા પ્રશ્નો?  

ગુજરાતમાં દારુબંધી હોવી જોઇએ કે નહીં? ગુજરાતની સ્થાપનાથી લઇને આજલગી આ સવાલ રાજ્યમાં કાયમ એક મધપૂડાની માફક ઝળૂંબતો રહ્યો છે. કોઇપણ સરકાર કે કોઇપણ રાજકીય પક્ષે આજસુધી આ મધપૂડાને છંછેડવાની હિંમત કરી નહોતી, પણ છેવટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે પૂર્ણતઃ નહીં તો આંશિક રીતે, આ મધપૂડા પર કાંકરી ફેંકીને એને છંછેડવાની હિંમત કરી છે.

જ્યારથી રાજ્ય સરકારે ગાંધીનગરસ્થિત ગિફ્ટ સિટીમાં શરાબની વેચાણ-સેવનની છૂટ આપવાની જાહેરાત કરી છે ત્યારથી મધમાખીઓ ગણગણે એમ ગુજરાતમાં ગણગણાટ શરૂ થઇ ચૂક્યો છે. ગિફ્ટ સિટીમાં કામ કરનારાઓને કે મુલાકાતીઓને કઇ શરતોને આધિન, કઇ મર્યાદામાં આ છૂટ અપાશે એની વિગતો હજુ આવવાની બાકી છે, પણ દારુબંધીના મુદ્દે ગુજરાત અત્યારથી જ બે ભાગમાં વહેંચાઇ ચૂક્યું છે. યાદ રહે, દારુબંધી હટાવવાના મુદ્દે ગુજરાતમાં બે અંતિમ મત પ્રવર્તે છેઃ કાં તો હટાવી દો, કાં તો રાખો. ત્રીજા કે મધ્યમ મતનું અહીં વજૂદ જ નથી.

અફકોર્સ, દારુબંધી હટાવવાના મુદ્દે એની તરફેણમાં અને વિરુધ્ધમાં એમ બન્ને બાજુની દલીલો થઇ શકે. દારુબંધીનો વિરોધ કરનારાઓની દલીલ છે કે, આમ પણ ગુજરાતમાં દારુ ખાનગીમાં ખૂબ પીવાય છે. પીનારાઓને આસાનીથી મળી રહે છે તો પછી નકામું એને વળગી રહેવાનો શું મતલબ છે? દારુબંધીના કારણે વિદેશી પ્રવાસીઓ આવતા નથી, વિદેશી કંપનીઓ અહીં બિઝનેસ કરવા નથી આવતી અને સરવાળે દારુબંધીના કારણે રાજ્ય સરકાર વરસે દહાડે કરોડો રૂપિયાની આવક ગુમાવે છે. ગિફ્ટ સિટીમાં આ છૂટ આપવાનું જે મુખ્ય કારણ અપાય છે એ પણ આ જ છે.

એની સામે દારુબંધીનું સમર્થન કરનારાઓની દલીલ પણ નકારવા જેવી નથી. શરાબ એ સામાજિક દૂષણ તો છે જ, પણ અન્ય રાજ્યોની માફક જાહેરમાં છૂટ આપવામાં આવે તો કાયદો-વ્યવસ્થા અને મહિલાઓની સલામતીના પ્રશ્નો સર્જાય. જેને ખાનગીમાં પીવો હોય એ છો પીવે, પણ પીધેલ વ્યક્તિ પોલીસથી બચવા બહાર ન નીકળે એટલે જાહેર સલામતી ન જોખમાય. ગુજરાતમાં મહિલાઓ અડધી રાત્રે પણ ખુલ્લેઆમ એકલી ફરી શકે છે એ સ્થિતિ દારુબંધી હટાવવાથી બગડી શકે છે. ગાંધીના ગુજરાતમાં દારુને છૂટ એ નૈતિક મૂલ્યોની દ્રષ્ટિએ કોઇપણ સંજોગોમાં વ્યાજબી નથી વગેરે વગેરે.

આ પરિસ્થિતિમાં ગિફ્ટ સિટીમાં મર્યાદિત છૂટ આપવાથી વાસ્તવિક રીતે નવા પ્રશ્નો પણ સર્જાઇ શકે છે. આવતીકાલે ગિફ્ટ સિટીની જેમ જ વિદેશી કંપનીઓ કે મુલાકાતીઓનું કારણ આગળ ધરીને ધોલેરા સર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સુરતના ડાયમંડ બુર્સ કે પછી અન્ય ઔદ્યોગિક વસાહતોમાં પણ દારુ વેચવાની અને પીવાની છૂટ આપવાની માગણી થઇ શકે છે. વિદેશીઓને આકર્ષવા પ્રવાસનો સ્થળોમાં પણ આ માગણી પ્રબળ બની શકે છે. સરકાર કેટલાને આ છૂટ આપશે?

બીજું, દારુબંધી હોવા છતાં ગુજરાતમાં ખાનગીમાં બેફામ દારુ પીવાય છે એ ઊઘાડું સત્ય છે. એનાથી ય મોટું ઓપન સિક્રેટ એ છે કે, પોલીસતંત્રમાં દારુબંધીના કારણે ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો છે. બુટલેગરો દ્વારા પોલીસને અઢળક રૂપિયાના હપ્તા અપાતા હોવાનું ખુલ્લેઆમ ચર્ચાય છે. હવે, આવી સ્થિતિમાં ગિફ્ટ સિટી કે બીજે ક્યાંય મર્યાદિત છૂટ આપ્યા પછી ય એનો બેફામ દૂરુપયોગ નહીં જ થાય એવી ખાતરી આપી શકાય એમ છે?  જવાબ તમે જાણો જ છો.

ગિફ્ટ સિટીમાં છૂટ આપવાનો નિર્ણય અપવાદ હોઇ શકે કે એની પાછળ સરકારની બીજી ગણતરીઓ હોઇ શકે છે, પણ રાજકીય રીતે ગુજરાતમાં, ભાજપ કે કોંગ્રેસ, બધી સરકારો-રાજકીય પક્ષો-આગેવાનો દારુબંધીની તરફેણમાં જ રહ્યા છે. હા, અપવાદરૂપે એકમાત્ર શંકરસિંહ વાઘેલાએ ભૂતકાળમાં દારુબંધી હટાવવાની ખુલ્લેઆમ તરફેણ કરી છે. બાપુ આમે ય એમના આગવા અંદાજમાં તડ ને ફડ કરવા જાણીતા છે.

મૂળભૂત રીતે આ પ્રશ્ન બદલાતાં જતા સામાજિક-નૈતિક મૂલ્યો અને નવી પેઢીની વિચારસરણીનો છે, આર્થિક વિકાસ કે સમૃધ્ધિનો નહીં. દારુબંધીના કારણે સરકાર આવક ગુમાવે છે કે વિકાસ અટકે છે એ વાતમાં માલ નથી. આવું જ હોત તો ગુજરાત છ દાયકામાં વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે આટલું સમૃધ્ધ બન્યું જ ન હોત, પણ સમૃધ્ધ ગુજરાતમાં ઊછરેલી નવી પેઢીને હવે શરાબનો છોછ નથી. ખાનગીમાં પીને દારુબંધીનો દંભ કદાચ એને પસંદ ય નથી.

રહી વાત ગાંધી વિચારધારા કે આદર્શોની તો, આ વિચારધારાનો પ્રભાવ ધરાવતી સંસ્થાઓ-પ્રવૃત્તિઓ સમાજમાં ઘણા વર્ષોથી ક્ષીણ થતી આવી છે. શું એનો અર્થ એવો કાઢી શકાય કે, ગુજરાત ગાંધી વિચારધારાના પ્રભાવથી અળગુ થઇ રહ્યું છે? દારુબંધી હોવી જોઇએ કે નહીં એના કરતાં ય મોટો પ્રશ્ન આ હોઇ શકે છે.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)      

પંચાંગ 26/12/2023

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૬ ડિસેમ્બર, ૨૦૨૩

૨૬ ડિસેમ્બર, ૨૦૨૩