Home Blog Page 22

‘કાલા હિરન’ ના પ્રોડ્યુસરે કેમેરા સામે સલમાન ખાનની લીગલ નોટિસ ફાડી નાખી

સલમાન ખાનના જીવનના સૌથી વિવાદાસ્પદ પ્રકરણ એટલે કે વર્ષ 1998 ના કાળિયાર શિકાર મામલા પર બની રહેલી ફિલ્મ ‘કાલા હિરન’ ને લઈને વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. આ ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીએ સલમાન ખાનની લીગલ ટીમ તરફથી મોકલવામાં આવેલી કાનૂની નોટિસનો જે આક્રમક રીતે જવાબ આપ્યો છે, તેણે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. અમિત જાનીએ માત્ર જાહેરમાં આ કાનૂની નોટિસની નકલને ફાડી જ નથી નાખી, પરંતુ એક વીડિયો જાહેર કરીને સલમાન ખાનના સમર્થકો પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે.

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને લગાવ્યા સનસનીખેજ આક્ષેપ

પ્રોડ્યુસર અમિત જાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સત્તાવાર વીડિયો શેર કરીને આ સમગ્ર ઘટનાની વિગતો આપી છે. વીડિયોમાં તેમણે આક્ષેપ કર્યો છે કે જ્યારથી આ ફિલ્મ પ્રોજેક્ટની જાહેરાત થઈ છે, ત્યારથી જ તેમને સતત ફોન અને મેસેજ આવી રહ્યા છે. આ ફોન કરનારા લોકો પોતાને સલમાન ખાનના કથિત સપોર્ટર્સ ગણાવી રહ્યા છે. આટલું જ નહીં, અમિત જાનીએ વધુ એક ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે તેમને અંડરવર્લ્ડની કુખ્યાત ‘ડી-કંપની’ (D-Company) સાથે જોડાયેલો એક ધમકીભર્યો મેસેજ પણ મળ્યો છે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ પોતે આ મેસેજની સત્યતા અથવા તેની પાછળ રહેલા અસલી ચહેરાઓની સત્તાવાર પુષ્ટિ કરી શકતા નથી.

પ્રોડ્યુસરે વીડિયોના માધ્યમથી પોતાની સુરક્ષા અંગે ભારે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે, “આવી ગંભીર સ્થિતિમાં મારે પહેલા સલમાન ખાનની લીગલ નોટિસનો જવાબ આપવો જોઈએ કે પછી મને મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓ સામે લડવું જોઈએ?” તેમણે જણાવ્યું કે છેલ્લા 36 કલાકની અંદર જ તેમને ડઝનબંધ ધમકીભર્યા મેસેજ મળી ચૂક્યા છે, જેમાં તેમને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ ભૂલેચૂકે પણ મુંબઈમાં પગ ન મૂકે.

કેમેરા સામે સલમાન ખાનની નોટિસ ફાડી નાખી

વાયરલ થયેલા વીડિયોમાં પ્રોડ્યુસર અમિત જાનીનો ગુસ્સો સાફ જોઈ શકાય છે. કેમેરાની બિલકુલ સામે કાનૂની નોટિસના કાગળો ફાડતા તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, “આ ફાટેલા કાગળના ટુકડા જ સલમાન ખાનની લીગલ ટીમને મારો અંતિમ અને આખરી જવાબ છે.” તેમણે બે ટૂંક શબ્દોમાં સંભળાવી દીધું કે તેઓ આ પ્રકારની કોઈ પણ ધમકીઓ, દબાણ કે દાદાગીરી સામે ઝૂકવાના નથી. તેઓ આવી હરકતોથી ડરશે નહીં અને પોતાના આ મહત્વાકાંક્ષી ફિલ્મ પ્રોજેક્ટથી એક ડગલું પણ પાછળ નહીં હટે.

પારસચંદ્રક પુરસ્કાર સમારોહ: ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત સર્જકોનું સન્માન

અમદાવાદ: ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રચાર, સંરક્ષણ અને વિકાસ માટે સમર્પિત પારસ ફાઉન્ડેશન દ્વારા પારસચંદ્રક પુરસ્કાર સમારોહ 2025-2026નું આયોજન કરવામાં આવ્યું. હોટલ તાજ સ્કાયલાઇન ખાતે ઉત્સાહભર્યા માહોલમાં કાર્યક્રમ યોજાયો. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.પારસ ફાઉન્ડેશનના સ્થાપક પારસ પટેલે કાર્યક્રમમાં સૌને આવકારતા જણાવ્યું કે જે સમાજ પોતાના સાહિત્યકારોને સન્માન આપે છે, ઈતિહાસ એક દિવસ એ સમાજને સન્માન આપે છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ પ્રસંગોચિત ઉદબોધનમાં આ પ્રકારના ઉપક્રમની પ્રતિષ્ઠા કરી હતી.

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે  પદ્ય, ગદ્ય, અને સાહિત્ય સેવા માટે નોંધપાત્ર યોગદાન આપનાર દસ પ્રતિષ્ઠિત સાહિત્યકારોનું સન્માન આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું. જેમાં શ્રેષ્ઠ સર્જક – પદ્ય, શ્રેષ્ઠ સર્જક – ગદ્ય, શ્રેષ્ઠ યુવા સર્જક – પદ્ય, શ્રેષ્ઠ યુવા સર્જક – ગદ્ય એમ અલગ-અલગ કેટેગરીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા. સાહિત્ય સેવા માટે પારસ ફાઉન્ડેશન દ્વારા પ્રત્યેક વિજેતાને રૂપિયા બે લાખની ધનરાશિ તથા પારસચંદ્રક અર્પણ કરાયા હતા.

પારસચંદ્રક પુરસ્કાર 2025

  • રાજેન્દ્ર શુક્લ – શ્રેષ્ઠ સર્જક (પદ્ય)
  • પદ્મશ્રી કુમારપાળ દેસાઈ – શ્રેષ્ઠ સર્જક (ગદ્ય)
  • હર્ષવી પટેલ – શ્રેષ્ઠ યુવા સર્જક (પદ્ય)
  • અજય સોની – શ્રેષ્ઠ યુવા સર્જક (ગદ્ય)
  • હરદ્વાર ગોસ્વામી – સાહિત્ય સેવા

પારસચંદ્રક પુરસ્કાર 2026

  • સંજુ વાળા – શ્રેષ્ઠ સર્જક (પદ્ય)
  • મણિલાલ એચ. પટેલ – શ્રેષ્ઠ સર્જક (ગદ્ય)
  • અનિલ ચાવડા – શ્રેષ્ઠ યુવા સર્જક (પદ્ય)
  • મયુર ખાવડુ – શ્રેષ્ઠ યુવા સર્જક (ગદ્ય)
  • હિતેન આનંદપરા – સાહિત્ય સેવા

સભાને સંબોધતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે સાહિત્યકાર એ ઝહળતા દીપક સમાન છે. જે સ્વયં પ્રકાશ ફેલાવીને સમાજને સાચી દિશા બાતાવે છે. તેમના હસ્તે જાણીતા કવિ, લેખક, ઉદ્યોગપતિ અને સમાજસેવક પારસ પટેલ રચિત ગુજરાતી વાર્તાસંગ્રહ “પારસ પટેલની વાર્તાઓ – ભાગ 1”નું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પદ્મશ્રી રઘુવીર ચૌધરી, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, પદ્મશ્રી રતિલાલ બોરીસાગર તેમજ અગ્રણી કવિઓ, લેખકો, શિક્ષણવિદો અને સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.

ઇન્ટરનેટ કે ડેટા વિના પણ થશે UPI પેમેન્ટ!

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો કેશલેસ થઈને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાઈ ચૂક્યા છે. ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની સુલભતાએ નાણાકીય વ્યવહારોને એટલા સરળ બનાવી દીધા છે કે હવે નાની-મોટી કોઈપણ પ્રકારની પેમેન્ટ સેકન્ડોમાં જ મોબાઈલ દ્વારા થઈ જાય છે. જો કે, ઓનલાઇન પેમેન્ટની આ સુવિધા જેટલી આરામદાયક છે, તેટલી જ તે ઇન્ટરનેટ પર નિર્ભર છે. ઘણીવાર યુઝર્સ બજારમાં કે કટોકટીના સમયે નબળા નેટવર્ક કનેક્ટિવિટી અથવા દૈનિક ડેટા (Data) ખતમ થઈ જવાના કારણે ઓનલાઇન પેમેન્ટ કરી શકતા નથી અને મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

જો તમે પણ ક્યારેય ડિજિટલ પેમેન્ટ કરતી વખતે નેટવર્ક ન હોવાને કારણે કે બેલેન્સ પૂરું થઈ જવાને કારણે પરેશાની ભોગવી હોય, તો હવે તમારી આ ચિંતાનો કાયમી અંત આવી ગયો છે. દેશમાં ખૂબ જ ઓછા લોકોને આ વાતની સત્તાવાર જાણકારી છે કે ઇન્ટરનેટ કનેક્શન વિના પણ યુપીઆઈ (UPI) નો સફળતાપૂર્વક ઉપયોગ કરી શકાય છે. ભારતમાં તમામ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું સંચાલન કરતી સંસ્થા NPCI (National Payments Corporation of India) દેશના નાગરિકો માટે એક એવી અદભુત ઓફલાઇન સુવિધા લઈને આવી છે, જેનાથી વાઇફાઇ (WiFi) અને ઇન્ટરનેટ ડેટા વગર પણ સીધા એક બેંક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં મની ટ્રાન્સફર કરી શકાય છે.

સાદા કીપેડવાળા ફીચર ફોનમાં પણ ચાલશે આ જાદુઈ ટ્રીક

મોબાઈલ યુઝર્સ માટે સૌથી ખુશીની વાત એ છે કે NPCI ની આ ઓફલાઇન કેશલેસ સુવિધા માત્ર મોંઘા સ્માર્ટફોન પૂરતી મર્યાદિત નથી. આ સેવા સાદા કીપેડવાળા ફીચર ફોન (નાના ફોન) માં પણ એટલી જ સરળતાથી ઓપરેટ થાય છે. પરંતુ, ઇન્ટરનેટ વિનાની આ ખાસ UPI સેવાનો લાભ ઉઠાવતા પહેલાં તમારે કેટલીક મૂળભૂત બાબતોનું ધ્યાન રાખવું પડશે. તમારું જે-તે બેંક એકાઉન્ટ તમારા મોબાઈલ નંબર સાથે લિંક (અટેચ) હોવું અનિવાર્ય છે. આ સાથે જ તમારા તે નંબર પર UPI સર્વિસ પહેલેથી એક્ટિવ હોવી જોઈએ. આ પ્રોસેસ કરવા માટે તમારા મોબાઈલમાં ઇન્ટરનેટની જરૂર નથી, પરંતુ નોર્મલ કોલ કરવા અને ટેક્સ્ટ મેસેજ મેળવવા માટેનું સામાન્ય મોબાઈલ નેટવર્ક હોવું જરૂરી છે.

ઓફલાઇન પેમેન્ટ કરવા માટે ફોલો કરો આ 5 સરળ સ્ટેપ્સ (Steps)

ઇન્ટરનેટ વગર પૈસા ટ્રાન્સફર કરવા માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પરથી નીચે મુજબના 5 સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે:

Step 1: સૌથી પહેલા તમારા મોબાઈલના ડાયલર પેડ પર જઈને *99# (સ્ટાર ડબલ નાઈન હેશ) ડાયલ કરો. ખાસ ધ્યાન રાખો કે આ કોલ તમારે એ જ નંબર પરથી કરવાનો છે જે તમારા બેંક ખાતા સાથે સત્તાવાર રીતે જોડાયેલો હોય.

Step 2: કોડ ડાયલ કરતાની સાથે જ તમારા ફોનની સ્ક્રીન પર ફ્લેશ મેસેજના સ્વરૂપમાં UPI સેવાઓ સાથે જોડાયેલું એક નવું મેનૂ (Menu) ખૂલી જશે.

Step 3: આ સ્ક્રીન પર તમને બેંકિંગને લગતા ઘણા બધા ઓપ્શન્સ (વિકલ્પો) જોવા મળશે, જેમ કે બેંક બેલેન્સ ચેક કરવું, પૈસા મોકલવા (Send Money) અને પૈસા મંગાવવા. ઑફલાઇન પૈસા ટ્રાન્સફર કરવા માટે તમારે ‘Send Money’ ના વિકલ્પની સામે આપેલો નંબર ટાઈપ કરીને રિપ્લાય આપવો પડશે.

Step 4: આ પછીના આગામી મેનૂમાં તમારે પસંદ કરવાનું રહેશે કે તમે કયા માધ્યમથી પૈસા મોકલવા માંગો છો. સ્ક્રીન પર તમને સામેવાળા વ્યક્તિનો મોબાઈલ નંબર, તેની UPI ID અથવા બેંક એકાઉન્ટ ડિટેલ્સ (ખાતા નંબર અને IFSC કોડ) ના ઓપ્શન મળશે. તમે ગમે તે એક વિકલ્પ પસંદ કરીને તેની વિગતો ભરો અને જેટલી રકમ મોકલવી હોય તે આંકડો (Amount) દાખલ કરો.

Step 5: હવે સૌથી છેલ્લા અને મહત્વના સ્ટેપમાં સ્ક્રીન પર તમારો સિક્રેટ UPI PIN (યુપીઆઈ પિન) પૂછવામાં આવશે. તમારો પિન નંબર ટાઈપ કરીને તમે જેવું જ ‘Submit’ નું બટન દબાવશો, એટલે ઇન્ટરનેટ વિના પણ સેકન્ડોમાં તમારું પેમેન્ટ સફળતાપૂર્વક થઈ જશે. ટ્રાન્ઝેક્શન પૂરું થતાં જ તમારા મોબાઈલ પર તેની કન્ફર્મેશન મેસેજ પણ આવી જશે.

રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપના 4 ઉમેદવાર જાહેર

ગાંધીનગર: ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ ગઈ છે. જેના પગલે આજે ભાજપે ચાર ઉમેદવારના નામની જાહેરાત કરી છે. રાજ્યની ચાર બેઠકો માટે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ પદેથી નિવૃત થતાં ભાજપના ત્રણ જૂના જોગીઓનું પત્તું કપાઈ ગયું છે. ભાજપે આ વખતે રાજ્યસભામાં પણ નો રિપીટ થીયરી અપનાવી છે. 

કોણ છે રાજ્યસભાના આ ચાર ઉમેદવાર?

મુકેશ રાઠવા: ભાજપ મહામંત્રી, પૂર્વ છોટા ઉદેપુર યુવા મોરચા જિલ્લા પ્રમુખ, પૂર્વ ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ

જીતેન્દ્ર કણઝારીયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના અગ્રણી નેતા અને કાર્યકર, જિલ્લા પંચાયતની પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન, ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર

માનસિંહ પરમાર: ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ

રાજેશ શુક્લા: કડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, કડી-કલોલ ભાજપના કાર્યકર, સુરેન્દ્રનગર પ્રભારી

કયા ચાર રાજ્યસભા સાંસદ નિવૃત થશે?

રામભાઈ હરજીભાઈ મોકરીયા (ભાજપ), નરહરિ હીરાભાઈ અમીન (ભાજપ), રમીલા બેચરભાઈ બારા (ભાજપ), શક્તિસિંહ હરિચંદ્રસિંહ ગોહિલ (કોંગ્રેસ)

ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ 

ચૂંટણી જાહેરનામું: 1 જૂન 2026

નામાંકન ભરવાની છેલ્લી તારીખ: 8 જૂન 2026

નામપત્રોની ચકાસણી: 9 જૂન 2026

નામ ખેંચવાની છેલ્લી તારીખ: 11 જૂન 2026

મતદાન અને પરિણામ: 18 જૂન 2026

ગુજરાત કોંગ્રેસ માટે સંકટ

ગુજરાતમાંથી રાજ્યસભાના કોંગ્રેસના એકમાત્ર સાંસદ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 21 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક જીતવા માટે કોઈપણ પક્ષને 37 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. જ્યારે હાલમાં કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો જ છે. જો કોઈપણ પક્ષ પાસે 10 ધારાસભ્ય હોય તો તેઓ દાવેદારી નોંધાવી શકે છે. ભાજપ થોડો પણ પ્રયાસ કરશે તો કોંગ્રેસ માટે ઉમેદવારી ફોર્મ ભરવું પણ મુશ્કેલ બની જશે. પરિણામે, જૂન મહિના પછી રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે.

PM મોદીના કાર્યક્રમ માટે ૪૮ ફૂટનું પ્લાસ્ટિકમુક્ત બેકડ્રોપ

સુરત: આગામી ૫મી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક ભવ્ય કાર્યક્રમને સંબોધિત કરવા જઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે આ કાર્યક્રમમાં પર્યાવરણ જતનને પ્રાધાન્ય આપતાં પ્લાસ્ટિકમુક્ત ‘ગ્રીન પ્રોટોકોલ’નો અમલ કર્યો છે. સામાન્ય રીતે વપરાતા પ્લાસ્ટિક કે ફ્લેક્સ બેનરોના સ્થાને આ મેગા ઇવેન્ટમાં સંપૂર્ણપણે કુદરતી સામગ્રીમાંથી બનેલું સ્ટેજ બેકડ્રોપ આકર્ષણનું કેન્દ્ર બનશે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇન આર્ટસના ત્રણ આસિસ્ટન્ટ પ્રોફેસરો – કૃતિબેન પટેલ, કિનલબેન પટેલ, માનસીબેન ચાંદિવાલા અને ૧૫ વિદ્યાર્થીઓની ટીમે રાત-દિવસ એક કરીને ૪૮ બાય ૧૪ ફૂટનું ભવ્ય હેન્ડમેડ બેકડ્રોપ તૈયાર કર્યું છે. સુરતના ટેક્સટાઇલ હબના ગૌરવને ઉજાગર કરતા આ આર્ટવર્કમાં વાંસના માળખા પર ગુજરાતની પરંપરાગત કલાઓ જેવી કે ભાતીગળ બાંધણી, અજરખ પ્રિન્ટ, બ્લોક પ્રિન્ટ અને આભલા વર્ક (મિરર વર્ક) નો અદ્ભુત સમન્વય કરવામાં આવ્યો છે. શૂન્ય ટકા પ્લાસ્ટિક અને સો ટકા કુદરતી સામગ્રીથી બનેલું આ બેકડ્રોપ દેશભરમાં પ્રકૃતિ સંરક્ષણ અને સસ્ટેનેબિલિટીનો એક વિરાટ સંદેશ આપશે.

અબુ ધાબીના BAPS મંદિરને પ્રતિષ્ઠિત વૈશ્વિક “ટોલરન્સ એવોર્ડ ૨૦૨૬” એનાયત

અબુ ધાબી: યુનાઇટેડ આરબ અમીરાત (UAE)ની રાજધાનીમાં ત્રીજી ‘ઇન્ટરનેશનલ ડાયલોગ ઓફ સિવિલાઇઝેશન્સ એન્ડ ટોલરન્સ કોન્ફરન્સ’ (IDCT 2026) યોજાઈ.

જેમાં અબુ ધાબીના પ્રખ્યાત BAPS હિન્દુ મંદિરને પ્રતિષ્ઠિત ‘ટોલરન્સ એવોર્ડ ૨૦૨૬’થી સન્માનિત કરવામાં આવ્યું છે. વૈશ્વિક સહિષ્ણુતા, પારસ્પરિક આદર અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવા બદલ મંદિરને આ પુરસ્કાર એનાયત કરાયો છે.આ કોન્ફરન્સનું આયોજન એમિરેટ્સ સ્કોલર સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સ્ટડીઝ (ESCRS) અને અબ્રાહમિક ફેમિલી હાઉસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.UAE દ્વારા વર્ષ ૨૦૨૬ને “યર ઓફ ધ ફેમિલી” જાહેર કરાયું છે, જે અંતર્ગત આ વર્ષની થીમ “નવા માધ્યમો અને AIનો કુટુંબ અને સમાજ પર પ્રભાવ” રાખવામાં આવી હતી.મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ડૉ. અબ્દુલ્લા બેલ્હૈફ અલ નુઐમી અને ડૉ. ખલીફા અલ ધાહેરીના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.આ પ્રસંગે તેમણે ટેક્નોલોજી અને પરિવારના સંબંધો પર એક પ્રેરણાદાયી વક્તવ્ય આપતાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ‘ઘર સભા’ ના સંદેશને યાદ કર્યો હતો.

તેમણે વૈશ્વિક નેતાઓ અને નિષ્ણાતો સમક્ષ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપણને AI Empowered (સશક્ત) પરિવારો જોઈએ છીએ — માત્ર AI Powered (સંચાલિત) પરિવારો નહીં!”આ એવોર્ડ કોવિડના સમયમાં અને વૈશ્વિક સંકટોમાં મંદિર દ્વારા કરવામાં આવેલાં ‘કેર ઈન ક્રાઈસીસ’ જેવાં રાહતકાર્યો અને હજારો સ્વયંસેવકોના સામૂહિક સમર્પણનું પ્રતિબિંબ છે.

વિધાનસભ્યો બાદ હવે સાંસદો પણ બળવો કરશે?

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તેમની પાર્ટી TMC હવે તૂટવાને આરે પહોંચી ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પહેલા TMCના 60 ધારાસભ્યોએ બળવો કર્યો હતો અને હવે એવી માહિતી છે કે TMCના 20 સાંસદો ભાજપ (BJP)ના સંપર્કમાં છે. સૂત્રોના જણાવ્યાનુસાર TMCના 20 સાંસદો પક્ષ બદલવાનો વિચાર કરી રહ્યા છે અને ભાજપ સાથે સતત સંપર્કમાં છે. સૂત્રોનું એવું પણ કહેવું છે કે આ સાંસદો સાથે ઉચ્ચ સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે અને તેમણે TMC છોડીને ભાજપમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

જો આવું થાય તો વિધાનસભા બાદ સંસદમાં પણ મમતા બેનર્જીને મોટો આંચકો લાગી શકે છે. હાલમાં સંસદમાં TMCના કુલ 41 સાંસદો છે, જેમાં લોકસભાના 28 અને રાજ્યસભાના 13 સભ્યોનો સમાવેશ થાય છે. જો સંસદમાં પણ પક્ષમાં તૂટફૂટ થાય તો તે મમતા બેનર્જી માટે જ નહીં, પરંતુ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન માટે પણ મોટો ફટકો સાબિત થઈ શકે છે. સંસદમાં ઇન્ડિયા ગઠબંધનમાં TMC બીજી સૌથી મોટી પાર્ટી માનવામાં આવે છે.

વિધાનસભામાં પહેલેથી જ તૂટફૂટ

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં TMCમાં પહેલેથી જ વિખવાદ ઊભો થયો છે. 60 બળવાખોર ધારાસભ્યોએ બુધવારે ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે પસંદ કર્યા હતા. વિધાનસભાના સ્પીકરે પણ તેમને સત્તાવાર રીતે વિપક્ષના નેતા તરીકે માન્યતા આપી છે. બળવાખોર જૂથે પોતાને “અસલી તૃણમૂલ” હોવાનું પણ જાહેર કરી છે.

મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી રહી છે

પાર્ટી સૂત્રોનું કહેવું છે કે આગામી દિવસોમાં લોકસભા અને રાજ્યસભામાં પણ વધુ તૂટફૂટ થઈ શકે છે. જો આવું બને તો બળવાખોર જૂથ વધુ મજબૂત બનશે. બીજી તરફ, મમતા બેનર્જીનું હાલમાં મુખ્ય ધ્યાન પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન બચાવવા પર કેન્દ્રિત છે. મહારાષ્ટ્રમાં થયેલા રાજકીય વિખવાદના ઉદાહરણને જોતા આ કામ સરળ નથી માનવામાં આવતું.

તમિલનાડુના સિંઘમ નેતા અન્નામલાઈના ભાજપને રામ-રામ?

દક્ષિણ ભારતમાં પોતાના પગપેસારો મજબૂત કરવાના પ્રયાસોમાં જોતરાયેલી ભારતીય જનતા પાર્ટી (BJP) ને તમિલનાડુમાંથી બહુ મોટો રાજકીય આંચકો લાગવાના સંકેતો મળી રહ્યા છે. તમિલનાડુમાં ભાજપનો આક્રમક ચહેરો ગણાતા પૂર્વ આઈપીએસ અધિકારી અને પક્ષના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈએ હવે ભાજપને અલવિદા કહેવાનું નક્કી કરી લીધું છે. મળતી માહિતી મુજબ, કે. અન્નામલાઈ આગામી 5 જૂનના રોજ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી પોતાના રાજીનામાની સત્તાવાર જાહેરાત કરી શકે છે. આ જાહેરાત કરવા માટે તેઓ તમિલનાડુમાં એક મોટી પ્રેસ કોન્ફરન્સ યોજે તેવી પૂરેપૂરી સંભાવના છે.

પીએમ મોદી અને અમિત શાહ સાથે દિલ્હીમાં યોજાઈ હતી બેઠક

આ મોટા રાજકીય ઘટનાક્રમ પહેલાં, તમિલનાડુ ભાજપના પૂર્વ અધ્યક્ષ કે. અન્નામલાઈએ નવી દિલ્હીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને અમિત શાહે અન્નામલાઈને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

ત્યારબાદ, 2 જૂનના રોજ અન્નામલાઈએ દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા નિતિન નવીન અને રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બી.એલ. સંતોષ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. આ મુલાકાતો પૂરી થયા બાદ તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે એક અલગ વન-ટુ-વન બેઠક પણ યોજી હતી. ભાજપના આ તમામ શીર્ષ નેતાઓ સાથેની બેઠકમાં અન્નામલાઈએ અત્યંત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પક્ષ છોડવાની પોતાની ઈચ્છા સત્તાવાર રીતે વ્યક્ત કરી દીધી હતી.

કર્ણાટકમાં મુસ્લિમ નેતાઓએ સત્તામાં મોટી ભાગીદારીની કરી માગ

હુબલી: કર્ણાટકના મુસ્લિમ ધાર્મિક નેતાઓ અને ઉલેમાઓએ રાજ્ય મંત્રીમંડળમાં મુસ્લિમ સમુદાયના પાંચ નેતાઓને સામેલ કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસ સરકાર મુસ્લિમ મતદારોના સમર્થનથી સત્તામાં આવી છે, તેથી સમુદાયને સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આ માગ બુધવારે સાંજે હુબલીના બેલ્લીનગર સ્થિત હઝરત સૈયદ ફતેહ શાહ વલી દરગાહમાં યોજાયેલી મુસ્લિમ નેતાઓ અને ઉલેમાઓની બેઠકમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશેષ દુઆનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ બી. ઝેડ. જમિર અહમદ ખાન, એન. એ. હેરિસ, તનવીર સૈત અને સલીમ અહમદને મંત્રીમંડળમાં સામેલ કરવાની માગ કરવામાં આવી હતી. નેતાઓએ જણાવ્યું હતું કે વિધાનસભાના અધ્યક્ષ યુ. ટી. ખાદરને પહેલેથી જ મહત્વપૂર્ણ બંધારણીય પદ આપવામાં આવ્યું છે, તેથી હવે સમુદાયના અન્ય ચાર વરિષ્ઠ નેતાઓને પણ મંત્રી બનાવવામાં આવવા જોઈએ.સભાને સંબોધતાં એક ધાર્મિક નેતાએ કહ્યું હતું કે જો પાંચ મુસ્લિમ નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં તેનાં ગંભીર પરિણામો જોવા મળશે. હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે આવી સ્થિતિ માટે તમે પોતે જવાબદાર હશો.ઉલેમાઓએ સંબંધિત નેતાઓના લાંબા રાજકીય અનુભવ અને કોંગ્રેસ પ્રત્યેની તેમની નિષ્ઠાનો પણ ઉલ્લેખ કર્યો. એક વક્તાએ કહ્યું હતું કે છેલ્લાં 35થી 40 વર્ષથી આ નેતાઓ કોંગ્રેસ પાર્ટી સાથે મજબૂતીથી ઊભા રહ્યા છે. તેમણે સમુદાય અને પાર્ટી બંને માટે કામ કર્યું છે. તેથી અમારી અપેક્ષા છે કે આ પાંચ વરિષ્ઠ નેતાઓને યોગ્ય સન્માન અને જવાબદારી આપવામાં આવે.

પાંચ મંત્રીપદ નહીં મળે તો અમારી તાકાત બતાવીશું

આયોજકોએ જણાવ્યું કે સલીમ અહમદ, જમિર અહમદ ખાન, એન. એ. હેરિસ અને તનવીર સૈત કોંગ્રેસના સૌથી વરિષ્ઠ મુસ્લિમ નેતાઓમાં આવે છે અને તેમને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આ બેઠક દરમિયાન કેટલાક વક્તાઓએ કડક વલણ પણ અપનાવ્યું. એક વક્તાએ ચેતવણી આપતાં કહ્યું હતું કે જો પાંચ મંત્રીપદ આપવામાં નહીં આવે તો અમે અમારી તાકાત બતાવીશું. ધાર્મિક નેતાઓએ એ પણ ચેતવણી આપી કે જો તેમની માગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ કર્ણાટકમાં આંદોલન શરૂ કરશે.

આજની પેઢીને સનાતન સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડવાનો અનોખો પ્રયાસ

મુંબઈ: આધુનિક યુગમાં ભૌતિક પ્રગતિની સાથે આધ્યાત્મિક મૂલ્યોનું જતન અને સંવર્ધન પણ એટલું જ જરૂરી બની ગયું છે. આજની યુવા પેઢી વૈશ્વિક સંસ્કૃતિના પ્રવાહમાં આગળ વધી રહી છે ત્યારે તેને પોતાના મૂળ, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું જ્ઞાન કરાવવાની અને એની સાથે જોડવાની તાતી જરૂર છે.આ ઉમદા હેતુ સાથે મલાડ પશ્ચિમ ખાતે આવેલી ઓરિસ સેરેનિટી સોસાયટીના સભ્યોએ પોતાના ઘર આંગણે અધિક મહિનાના પાવન અવસર દરમ્યાન ૧ જૂનથી ૭ જૂન સુધી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કર્યું છે, જ્યાં શાસ્ત્રીજી શ્રી કપિલ મહારાજ પોતાની આગવી સંગીતમય શૈલીમાં શ્રાવકોને કથા રસપાન કરાવે છે.ઓરિસ સેરેનિટી સોસાયટીમાં તાજેતરમાં વસાહતીઓ દ્વારા વસાહતમાં જ વૈષ્ણવ સંઘ શરૂ કરવામાં આવ્યો છે, જયાં વસાહતીઓ ભેગા મળીને આપણા ધાર્મિક ઉત્સવો પંરપરાગત રીતે ઉજવે છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો જીવંત ગ્રંથ છે.

ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય ચરિત્રો, ભક્તિના આદર્શો અને જીવનને સત્ય, કરુણા તથા ધર્મના માર્ગે દોરતા ઉપદેશો તેમાં સમાવિષ્ટ છે અને એટલે જ વૈષ્ણવ સંઘ દ્વારા કથાના માધ્યમથી ભગવદ્ જીવનના વિવિધ પ્રસંગોનું સરળ અને રસપ્રદ નિરૂપણ કરીને શ્રોતાઓને આધ્યાત્મિક જ્ઞાનનો અમૂલ્ય ખજાનો અર્પણ કરવાના આશય સાથે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.સનાતન પરંપરા સાથેનો સેતુસંધાન

 ઓરિસ સેરેનિટી વસાહતના ખ્યાતિબહેન મશરૂ-વસાણી આ વિષયમાં વધુ માહિતી આપતાં કહે છે, “આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ માત્ર ધાર્મિક કાર્યક્રમ યોજવાનો નથી, પરંતુ સમાજમાં સનાતન પરંપરા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને નવી પેઢીને તેના મૂળ સાથે જોડવાનો રહયો છે. બાળકો અને યુવાનોને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો, વડીલો પ્રત્યેનો આદર, સેવા, સમર્પણ અને ભક્તિ જેવા ગુણોનું મહત્વ સમજાવવાનો છે. આજના ઝડપી જીવનમાં જ્યાં ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનું પ્રભુત્વ વધી રહ્યું છે અને બાળકો તેમ જ યુવાઓમાં ધીરજની ઉણપ અને સ્વભાવમાં આક્રમકતા વધી રહી છે ત્યારે ઘર આંગણે થતા આવા કાર્યક્રમો યુવા મનને સનાતન સંસ્કાર અને આધ્યાત્મિકતાની દિશા તરફ વાળવા સહાયરૂપ થાય છે.”

 બાળકો અને યુવાઓને આકર્ષતા કાર્યક્રમો

 કથા દરમ્યાન વિષ્ણુ અવતાર પ્રાગટ્ય ઉત્સવ ઉપરાંત બાળકોને આ જ્ઞાનયજ્ઞમાં જોડવા માટે બાળલીલા ઉત્સવમાં ખાસ બાળકોને ધ્યાનમાં રાખીને પ્રસ્તુતિઓ તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ બાળકો અને યુવાઓને આકર્ષે એવી કૃષ્ણથીમ હાઉસી, ગરબા નાઈટ વગેરેનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ખ્યાતિબહેન સહર્ષ જણાવે છે, “ભાગવત સપ્તાહ દરમિયાન સમગ્ર પરિસરમાં ભક્તિમય અને સકારાત્મક વાતાવરણનું નિર્માણ થયું છે. સમાજમાં એકતા, સૌહાર્દ અને સંસ્કારનું સિંચન કરતું આ આયોજન સૌ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. આવા ધાર્મિક અને સાંસ્કૃતિક ઉપક્રમો માત્ર પરંપરાનું જતન જ નથી કરતા, પરંતુ નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડીને ઉજ્જવળ અને મૂલ્યનિષ્ઠ ભવિષ્યનું નિર્માણ પણ કરે છે.”

 વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન(VYO)ના સથવારે પાઠશાળાનો પ્રારંભ

 શ્રીમદ્ ભાગવત કથાના શુભ અવસરે પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજકુમાર મહોદયજીના માર્ગદર્શન અને વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન(VYO)ના સથવારે મલાડની ઓરિસ સેરેનિટી વસાહત ખાતે બાળકો અને યુવાઓ માટે પાઠશાળાની શરૂઆત કરવામાં આવી છે. ૬ થી ૧૬ વર્ષના બાળકો માટે ઘર આંગણે શરૂ કરવામાં આવેલી આ પાઠશાળાનો ઉદ્દેશ્ય આજની પેઢીને આપણા પારંપારિક જીવન મૂલ્યો અને સિદ્ધાંતો સાથે અવગત કરાવવાનો અને એ દ્વારા સુખ અને શાંતિમય ઉન્નત જીવનમાર્ગ તરફ દોરવાનો છે. VYO દ્વારા ખાસ બાળકો અને યુવાઓ માટે સનાતન અને પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતો અને સામાજિક અને નૈતિક મૂલ્યોને આવરી લેતો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે જે દ્વારા બાળકોમાં કુમળી વયે જ વ્યક્તિગત વિકાસ સાથે સામાજિક અને આધ્યાત્મિક વિકાસ શક્ય બને છે, એટલું જ નહિ ભવિષ્યમાં સમાજ માટે ઉત્કૃષ્ટ નાગરિક તૈયાર કરવાનો એમનો સંકલ્પ છે.VYO દ્વારા વૈશ્વિક સ્તરે આ અભ્યાસક્રમ શીખવવાની શરૂઆત થઈ છે. વિશ્વના આઠ દેશોમાં ચાલીસ જેટલાં કેન્દ્રોમાં આ સનાતન પરંપરા પ્રેરિત અભ્યાસક્રમ દ્વારા બાળકો અને યુવાઓને મૂલ્ય શિક્ષણ સાથે સુખ અને શાંતિની સાચી પરિભાષા શીખવવામાં આવે છે. સનાતન પરંપરા અને પુષ્ટિમાર્ગના આદર્શો માત્ર ધાર્મિક જીવન પૂરતા મર્યાદિત નથી, પરંતુ વ્યક્તિને પ્રેમ, સહઅસ્તિત્વ અને માનવતાના માર્ગે આગળ વધવામાં પણ માર્ગદર્શન આપે છે. પાઠશાળામાં આ અભ્યાસક્રમ દ્વારા બાળકો અને યુવાનોને આપણા પ્રાચીન ઋષિમુનિઓના જ્ઞાન, ભારતીય સંસ્કૃતિની વૈભવી પરંપરા અને સનાતન ધર્મની વૈશ્વિક મહત્તાનો પરિચય કરાવવામાં આવશે. આપણા દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક શ્રેષ્ઠતાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ જાણવાથી નવી પેઢીમાં આત્મવિશ્વાસ અને ગર્વની ભાવના વિકસે તે માટે આ પાઠશાળા નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે.

(અનિતા ભાનુશાલી – મુંબઈ)