Home Blog Page 2213

એન્યુઅલ ફિએસ્ટા-ઉરુક્કાલીની વિદ્યાર્થીઓના પર્ફોર્મન્સ સાથે ઉજવણી

અમદાવાદ: દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલ દ્વારા દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને તેની પ્રતિભા દર્શાવતા વિદ્યાર્થીઓના અદભુત પર્ફોર્મન્સ સાથે ત્રણ દિવસીય એન્યુઅલ ફિએસ્ટા-ઉરુક્કાલી 2023-24ની ઉજવણી કરવામાં આવી હતી.

ધોરણ એકથી ત્રણના વિદ્યાર્થીઓ માટે એન્યુઅલ ડેની ઉજવણી સોમવારે “અરુણોદય – અવેકિંગ ધ સ્પિરિટ ઓફ ઇન્ડિયા” થીમ પર થઈ હતી. આ ઈવેન્ટમાં સૂર્યના તેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં આદિત્ય અભિનંદન કરવામાં આવ્યું હતું. સાંજે નૃત્યોના વિવિધ સ્વરૂપોથી માંડી સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બહાદુર બાળકોને સન્માન આપતા પ્રોગ્રામ યોજાયા હતા. તેમાં ફૂડ એગ્રીગેટર્સની સફળતા અને ડિજિટલ પેમેન્ટ્સને બિરદાવતા, ભારતની સફળતા પર રમૂજ સાથે અનેરો ફેશન શો પણ યોજાયો હતો. જેણે ભારતમાં વિકાસની અમર્યાદિત તકોને પણ સ્પર્શી હતી આ પ્રસંગે જાણીતા અભિનેતા મકરંદ શુક્લા મુખ્ય મહેમાન રહ્યા હતા.

આ ઉજવણીને આગળ વધારતાં મંગળવારે ચોથાથી પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા “કલર્સ ઓફ લાઈફ-એક જીવંત સફર” શીર્ષક હેઠળની થીમ સાથે જારી રહી હતી. તે અમન અને રૂપની થીમની આસપાસ રંગોની ઉત્પત્તિને સમજવાની જર્ની શરૂ કરે છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાનુ સ્તુતિ, અનુપમ એથનિસિટી, એબસોલ્ટ આત્મા, ફેન્ટસી લેન્ડ, લિમિટલેસ સ્કાય, ખુશ્બૂ મિટ્ટી કી, પ્રકૃતિ કી પુકાર, હાર્મોનિયસ જર્ની અને યુફોરિયા જેવા મનમોહક પર્ફોર્મન્સ થયા હતા.

એન્યુઅલ ડેના ત્રીજા અને અંતિમ દિવસ બુધવારે “નવરસ-રાસ માધુર્ય” થીમ પર છઠ્ઠાથી બારમા ધોરણ સુધીનાં બાળકોએ સ્ટેજ પર રંગ જમાવ્યો હતો. ક્લાસિકલ ભારતીય ખ્યાલ માનવીના નવ મુખ્ય ભાવોમાંથી પ્રેરણા લઈ વિદ્યાર્થીઓએ નૃત્ય, નાટક અને વિઝ્યુઅલ આર્ટ દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

ડીપીએસ બોપલનાં પ્રિન્સિપાલ સબીના સાહનીએ જણાવ્યું હતું કે DPS બોપલ પ્રત્યેક કુશળતાનું મૂલ્યાંકન કરતો માહોલ આપવા માટે પ્રતિબદ્ધ છે. જે દરેક વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરવા પ્રયત્નશીલ બની તેમને શ્રેષ્ઠ બનવા પ્રોત્સાહન પૂરું પાડે છે. DPS બોપલના ડિરેક્ટર સાહની, વંદના જોશી અને આદરણીય મહેમાનોએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન આપવા બદલ સન્માનિત કર્યા હતાં.

 

 

 

 

 

વર્ષ 2023 બોલીવૂડ માટે બ્લોકબસ્ટર રહ્યું

નવી દિલ્હીઃ વર્ષ 2023 બોલીવૂડ માટે શાનદાર રહ્યું છે. કોરોનાના ખરાબ સમયમાંથી પસાર થઈને ફરી એક વાર સિનેરસિકોમાં થિયેટર માટે ક્રેઝ જોવા મળ્યો હતો. લોકો OTT પર નહીં, બલકે હવે થિયેટરોમાં જઈને ફિલ્મ જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વર્ષે ચાર હિન્દી ફિલ્મો રહી છે, જેનું સ્થાનિક કલેક્શન રૂ. 500 કરોડને પાર રહ્યું છે.

આ વર્ષે ‘પઠાન’, ‘જવાન’, ગદર-2 અને ‘એનિમલે’ ઘરેલુ બોક્સ ઓફિસ પર રૂ. 500 કરોડથી વધુની કમાણી કરી છે, જ્યારે ‘જેલર’, ‘લિયો’ અને ‘ભોલા શંકર’ જેવી સ્થાનિક ફિલ્મોએ નોંધપાત્ર કમાણી કરી છે, જ્યારે ‘ટાઇગર-3’ અને ‘ઓહ માય ગોડ-2’એ થિયેટરોમાં નોંધપાત્ર ભીડ ભેગી કરવામાં સફળતા મેળવી છે.

બોલીવૂડ એક્ટર શાહરુખ ખાનની ત્રણમાંથી બે બ્લોકબસ્ટર નીવડી છે, જ્યારે સની દેઓલની એક, રણબીર કપૂરની એક બ્લોકબસ્ટર તો એક એવરેજ, સલમાન ખાનની એક એવરેજ એક ફ્લોપ રહી છે. જ્યારે અક્ષયકુમારની એક એવરેજ ફિલ્મ રહી છે, જ્યારે બે ફિલ્મો ફ્લોપ રહી છે.

બોલીવૂડ માટે વર્ષ 2023માં અનેક હિટ ફિલ્મો રહી છે, જ્યારે આવતા વર્ષે 2024માં ટોચની 10 ફિલ્મો રિલીઝ થશે, જેની પર સૌથી નજર રહેશે.  એ ફિલ્મોમાં અજય દેવગનની  ‘સિંગમ અગેઇન’ –જે 26 જાન્યુઆરીએ રિલીઝ થશે. એ પછી મેગા સ્ટાર અમિતાભની ‘કલ્કી 2898 AD’ છે, જેમાં કમલ હસન, દીપિકા પાદુકોણ, પ્રભાસ અને દિશા પટ્ટની છે.એ સિવાય કંગના રણોત સ્ટારર ‘ઇમરજન્સી’ વર્ષ 2024માં રિલીઝ થશે.

 

 

 

 

 

 

વાઘણનાં જોડિયા બચ્ચાઓને પ્રાણી ઉદ્યાનમાં વિઝિટર એરિયામાં છોડવામાં આવ્યા

નવી દિલ્હીના રાષ્ટ્રીય પ્રાણી ઉદ્યાન (નેશનલ ઝૂલોજિકલ પાર્ક)માં ‘સિદ્ધિ’ નામની એક રોયલ બેંગાલ વાઘણે ગયા મે મહિનામાં બે જોડિયા બચ્ચાને જન્મ આપ્યો હતો. હવે સાત મહિનાના થયેલા એ બંને વાઘબાળને 21 ડિસેમ્બર, ગુરુવારે મુલાકાતીઓ માટેના ડિસ્પ્લે વિસ્તારમાં છોડવામાં આવ્યા હતા તે સમયની તસવીરી ઝલક. વાઘણ ‘સિદ્ધિ’એ ગઈ 4 મેએ પાંચ બચ્ચાને જન્મ આપ્યો હતો, પણ એમાંના ત્રણ મૃત પેદા થયા હતા અને બે જિવીત છે. ભારતના કોઈ પ્રાણી ઉદ્યાનમાં રાખવામાં આવેલી કોઈ માદા વાઘ પ્રાણીએ જોડિયા બચ્ચાને જન્મ આપ્યો હોય એવું 2005ની સાલ પછી આ પહેલી જ વાર બન્યું છે.

સંરક્ષણ મંત્રાલયે છ જહાજોની ખરીદી માટે MDL સાથે કરાર કર્યા

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે છ નેક્સ્ટ જનરેશન ઓફ્ફશોર પેટ્રોલ વેસલ્સની ખરીદી માટે 20 ડિસેમ્બર, 2023એ મઝગાંવ ડોકયાર્ડ શિપબ્લિડર્સ લિ. (MDL)ની સાથે એક સમજૂતી કરાર કર્યા છે. આ સમજૂતી કરાર રૂ. 1614.89 કરોડમાં કરવામાં આવ્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ખરીદવામાં આવેલા આ છ જહાજમાંથી ચાર હાલના જૂના જહાજની જગ્યા લેશે અને અન્ય બે નેવી પાસે રહેશે. આ કોસ્ટ ગાર્ડના પ્લેટફોર્મોના હસ્તાતંરણનો ઉદ્દેશ કોસ્ટ ગાર્ડની ક્ષમતા વધારવાનો અને સમુદ્રી સુરક્ષાને મજબૂત કરવાનો છે. આ મોર્ડન, ઊંચી ટેક્નિકવાળા જહાજ કોસ્ટ ગાર્ડ દ્વારા દેખરેખ, કાયદાને લાગુ કરવાનો, શોધ અને બચાવકાર્ય કરવાનો અને સમુદ્રી પ્રૂષણની પ્રતિક્રિયા અને માનવીય સહાય સહિત ક્ષમતા વધારવામાં મહત્તવની ભૂમિકા ભજવવાનો છે.આ જહાજોમાં સારામાં સારી ટેક્નિક, નવી સુવિધાઓ અને ઉપકરણ લાગેલાં છે, જેની મદદથી 115 મીટર OPVS ડ્રોન, AI ક્ષમતા અને વાયરલેસથી નિયંત્રિત રિમોટ વોટર રેસ્ક્યુ ક્રાફ્ટ લાઇફબોય કામ કરશે. એ સિવાય હાલના પડકારોને પહોંચી વળવા માટે કોસ્ટ ગાર્ડની ક્ષમતા વધારશે. આ અત્યાધુનિક જહાજોને કંપની દ્વારા સ્વદેશી રૂપથી ડિઝાઇન, વિકસિત અને નિર્મિત કરવામાં આવશે અને 66 મહિનાના સમયગાળામાં એ તૈયાર કરીને કોસ્ટડ ગાર્ડને સોંપવામાં આવશે. કોસ્ટ ગાર્ડના આ સમજૂતી કરાર આત્મનિર્ભર ભારત હેઠળ કંપની સાથે કરવામાં આવ્યા છે, જેના થકી દેશમાં રોજગારીની તકો ઊભી થશે.

 

 

 

 

યૂરોપની સર્વશ્રેષ્ઠ ચેસ પ્રતિભા બની 8 વર્ષની બ્રિટિશ-ભારતીય છોકરી બોધના શિવાનંદન

લંડનઃ આઠ વર્ષની બ્રિટિશ-ભારતીય સ્કૂલ વિદ્યાર્થિની બોધના શિવાનંદને ચેસની રમતમાં ઈતિહાસ સર્જ્યો છે. તે એક યૂરોપીયન ચેસ સ્પર્ધામાં સુપર ટેલેન્ટેડ સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે ઘોષિત કરાઈ છે. બોધના લંડનના હેરો ઉપનગરમાં રહે છે. તેણે ક્રોએશિયાના ઝેગ્રેબ શહેરમાં રમાઈ ગયેલી યૂરોપીયન બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં વિજેતાપદ હાંસલ કર્યું છે. આ સ્પર્ધામાં તે દુનિયાના કેટલાક બેસ્ટ ખેલાડીઓ સાથે વ્યક્તિગત સ્તરે ચેસ રમી હતી અને એ બધાને તેણે હરાવી દીધા હતા. એક ઈન્ટરનેશનલ માસ્ટર ખેલાડીને હરાવીને તેણે સ્પર્ધાનું વિજેતાપદ પ્રાપ્ત કર્યું હતું.

બોધનાએ 8.5/13 હાંસલ કર્યા હતા અને પ્રથમ ઈનામ જીત્યું હતું. બોધનાએ બાદમાં બીબીસી ચેનલને જણાવ્યું હતું કે, ‘હું હંમેશાં જીતવા માટે મારાં શ્રેષ્ઠ પ્રયાસો કરું છું. ક્યારેક મને જીત મળે છે તો ક્યારેક નથી મળતી.’

બોધનાનાં પિતા શિવા શિવાનંદને કહ્યું કે, ‘કોરોનાવાઈરસ મહામારીના ફેલાવા દરમિયાન લોકડાઉન વખતે એમની પુત્રીએ ચેસની રમત શીખવાનું શરૂ કર્યું હતું. એને ચેસ રમવાનું અને પ્રવાસ કરવાનું બહુ ગમે છે. અમે એને ગમે એ કરીએ છીએ. બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકે પણ ચેસની રમતના વિકાસ માટે બ્રિટિશ સરકારની યોજના અંતર્ગત બોધના તથા બીજા યુવા ચેસ ઉત્સાહી ખેલાડીઓને એમના સત્તાવાર નિવાસસ્થાને આમંત્રિત કર્યાં હતાં’

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધથી ખેડૂતો, પડોશી દેશો હેરાન-પરેશાન

નવી દિલ્હીઃ સ્થાનિક બજારમાં ડુંગળીની કિંમતો રૂ. 80થી રૂ. 100એ પહોંચતાં સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ પગલાથી કિંમતો ઘટતાં સામાન્ય જનતા ખુશ છે, પણ હવે 2024માં ડુંગળીની કિંમતો વધવાની શક્યતા છે, કેમ કે ઉત્પાદન પહેલાંની તુલનાએ 30 ટકા ઓછું રહેવાની સંભાવના છે.

કેન્દ્ર સરકારે આઠ ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારનો આ નિર્ણય ડુંગળીની કિંમતોને કાબૂ કરવા પર હતો. એ પ્રતિબંધ 31 માર્ચ, 2024 સુધી લાગુ રહેશે.એ પહેલાં સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા શૂલ્ક લગાવ્યું હતું. જોકે સરકારના પ્રતિબંધની અસર પડોશી દેશોમાં જોવા મળી છે. દેશના ખેડૂતો સરકારના નિર્ણયથી નારાજ છે, ત્યારે કાઠમંડુથી માંડીને કોલંબો સુધી સામાન્ય ગ્રાહક પરેશાન છે. ભારતના પડોશી દેશો બંગલાદેશ, મલેશિયા, નેપાળ અને UAE પણ ભારતીય ડુંગળી પર નિર્ભર રહે છે. એશિયાના દેશોમાં કરવામાં આવતી ડુંગળીની આયાતમાં અડધાથી મોટો હિસ્સો ભારતનો છે.ચીન કે ઇજિપ્ત જેવા હરીફ નિકાસકારોને મુકાબલે ભારતથી ઓછા સમયમાં શિપમેન્ટના સમયે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતે 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષમાં ડુંગળીની નિકાસ 25 લાખ ટન કરી હતી.

બંગલાદેશના વેપાર મંત્રાલયના અધિકારી તપન કાંતિ ઘોષે કહ્યું હતું કે અમે અછતને દૂર કરવા માટે ચીન, ઇજિપ્ત કે તુર્કીથી વધુમાં વધુ ડુંગળી મગાવવાના પ્રયાસ કરી રહ્યા છે. બંગલાદેશથી બૂરા હાલ નેપાળમાં છે. નેપાળના વેપાર મંત્રાલયે કહ્યું હતું કે ભારત દ્વારા દ્વારા પ્રતિબંધ પછી અમે વિવિધ જગ્યાએ સપ્લાયની સ્થિતિની સમીક્ષા કરી હતી, પણ વેચાણ માટે ડુંગળી નથી.

ભારતીય વેપારીઓએ કહ્યું હતું કે નિકાસ પર પ્રતિબંધ પછી ડુંગળીની કિંમતોમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને નવી આવકો પછી ભાવ ઔર ઘટવાની ધારણા છે.

 

 

 

 

સંસદભવનની સુરક્ષા જવાબદારી દિલ્હી પોલીસના હાથમાંથી લઈ લેવાઈ, CISFને સોંપાઈ

નવી દિલ્હીઃ ગઈ 13 ડિસેમ્બરે સંસદભવનના બે અજાણ્યા શખ્સે સુરક્ષા વ્યવસ્થા ભેદી, લોકસભા ગૃહમાં ઘૂસીને કલર સ્મોક બોમ્બ ફોડ્યા બાદ કેન્દ્ર સરકારે સલામતી મામલે ધરખમ ફેરફાર કર્યો છે. સરકારે સમગ્ર સંસદભવન સંકુલની સુરક્ષા દિલ્હી પોલીસના હાથમાંથી લઈ લીધી છે અને કેન્દ્રિય એજન્સી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ને તે જવાબદારી સોંપી છે.

સીઆઈએસએફ કેન્દ્રસ્થ સશસ્ત્ર પોલીસ દળ છે. તે હાલ દિલ્હીમાં ઘણા કેન્દ્ર સરકારી મંત્રાલયોની ઈમારતોની સુરક્ષા સંભાળે છે. તદુપરાંત અણુ મથકો અને એરોસ્પેસ ડોમેન, સિવિલ વિમાનીમથકો અને દિલ્હી મેટ્રોની સુરક્ષા પણ સીઆઈએસએફને જ સોંપવામાં આવી છે.

સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદભવન સંકુલનું સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો છે જેથી સંકુલમાં સીઆઈએસએફની સુરક્ષા વ્યવસ્થાને તૈનાત કરી શકાય. કેન્દ્ર સરકારના મંત્રાલયોની સુરક્ષા સંભાળતા સીઆઈએસએફના ગવર્મેન્ટ બિલ્ડિંગ સિક્યુરિટી (જીબીએસ) એકમના નિષ્ણાતો તેમજ આ દળના અગ્નિશામક અને રિસ્પોન્સ વિભાગના નિષ્ણાતો આ અઠવાડિયાના અંતભાગમાં સર્વેક્ષણ હાથ ધરશે.

જેલમાં બંધ ઇમરાન ખાન ત્રણ સીટો પર ચૂંટણી લડશે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આગામી વર્ષે આઠ ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી થવાની છે. આ ચૂંટણીમાં જેલમાં બંધ દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન ત્રણ સીટો પર ચૂંટણી લડશે, એમ તેમની પાર્ટી પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ (PTI)એ માહિતી આપી હતી.

PTI નેતા અલી ઝફરે કહ્યું હતું કે ઇમરાન ખાન આઠ ફેબ્રઆરી થનારી સામાન્ય ચૂંટણીમાં લડશે. પાકિસ્તાન ચૂંટણી પંચે તોશાખાના મામલે ઇમરાન ખાનના ચૂંટણી લડવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો હતો, પણ ત્યાર બાદ કોર્ટે તેમની સજા સસ્પેન્ડ કરી દીધી હતી. જોકે હાલ તેઓ કેટલાય કેસોમાં જેલમાં બંધ છે.

તોશાખાના કેબિનેટનો એક વિભાગ છે, જ્યાં અન્ય દેશોની સરકારો, રાષ્ટ્રપ્રમુખો અને વિદેશી મહેમાનો દ્વારા કીમતી ગિફ્ટને રાખવામાં આવે છે. નિયમો હેઠળ અન્ય દેશોના પ્રમુખો અને પ્રતિષ્ઠત લોકો પાસેથી મળેલી ગિફ્ટને તોશાખાનામાં રાખવી જરૂરી છે.

ઇમરાન ખાન 2018માં વડા પ્રધાન બન્યા હતા. તેમને આરબ દેશોની યાત્રાઓ દરમ્યાન ત્યાંના શાસકો તરફથી મોંઘી ગિફ્ટ્સ મળી હતી. આ સાથે તેમને યુરોપીય દેશોના રાષ્ટ્રપ્રમુખો પાસેથી પણ કીમતી ભેટસોગાદો મળી હતી, જેને ઇમરાન ખાને જમા કરી હતી, પરંતુ ઇમરાન ખાને તોશાખાનામાંથી એને સસ્તી કિંમતે ખરીદી અને મોટા નફાએ વેચી દીધી હતી.

દેશમાં નવ ઓગસ્ટે અડધી રાતે પાકિસ્તાનની સંસદ ભંગ કરી દીધી હતી.પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ વડા પ્રધાન શહબાઝ શરીફની સલાહ પર સંસદ ભંગ કરી દીધી હતી. સંસદને ભંગ કરનારા જારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે નેશનલ એસેમ્બલીના બંધારણના આર્ટિકલ 58 હેઠળ ભંગ કરવામાં આવી છે. સંસદનો પાંચ વર્ષનો કાર્યકાળ સત્તાવાર રીતે 12 ઓગસ્ટે પૂરો થતો હતો.

 

 

 

 

 

વિશ્વમાં મોંઘવારી દર મામલે ભારત ત્રીજા સ્થાને

નવી દિલ્હીઃ વિશ્વમાં આગામી કેટલાક મહિનાઓ વ્યાજદરો અને મોંઘવારી ઊંચા સ્તરે બની રહેવાની અપેક્ષા છે. વધુ મોંઘવારીને મામલે ટોચના દેશોમાં ભારત ત્રીજા સ્થાને છે. રશિયા અને દક્ષિણ આફ્રિકા મોંઘવારીના મામલે વધુ પ્રભાવિત છે, એમ બેન્ક ઓફ બરોડાનો રિપોર્ટ કહે છે. રશિયામાં મોંઘવારીનો દર 7.5 ટકા અને દક્ષિણ આફ્રિકામાં 5.9 ટકા છે. ત્રીજા સ્થાને ભારતમાં નવેમ્બરમાં મોંઘવારીનો દર 5.6 ટકા છે. ઓસ્ટ્રેલિયામાં એ 5.4 ટકા, સિંગાપોરમાં 4.7 ટકા અને બ્રાઝિલમાં 4.7 ટકા છે.

ડેટા મુજબ સુગરની કિંમત નવેમ્બર, 2022ની તુલનાએ નવેમ્બર, 2023માં 41 ટકા વધી છે. એક વર્ષમાં ચોખાની કિંમતો 36 ટકા વધી છે.બીજી બાજુ, કેટલાય દેશોમાં ટેન્શનથી ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ અને કોલસાની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે. એક વર્ષમાં બ્રેન્ટ ક્રૂડ 8.7 ટકા, કોલસા 62.9 ટકા અને નેચરલ ગેસ 55.4 ટકા સસ્તો થયો છે.

દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઘટી રહેલી મોંઘવારીને વધારવામાં ખાદ્ય પદાર્થોએ મોટી ભૂમિકા ભજવી છે. નવેમ્બરમાં વધ્યા પછી ડિસેમ્બરમાં પરણ રિટેલ મોંઘવારી દરથી રાહત મળવાની અપેક્ષા નથી, એમ અહેવાલ કહે છે. દેશનો સૌથી તેજ GDP હાલ છે અને આગામી વર્ષે પણ એ ઝડપથી વધશે અને મોંઘવારી ચિંતાનો વિષય છે, પણ આગામી વર્ષે એમાં ઘટાડો થશે, એમ માસ્ટર ટ્રસ્ટના MD હરજિત સિંહ અરોરાએ જણાવ્યું હતું.

 

 

કોરાનાના 358 નવા કેસો, છનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસે ફરીથી ટેન્શન વધાર્યું છે. દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 21 દર્દી મળી ચૂક્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 358 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે છ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,06,336 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,327 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,70,576 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 230 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2669 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,79,081 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.