Home Blog Page 2233

કહાં રે હિમાલય જૈસા, કહાં ઐસા પાની…

જના માગશર સુદ ત્રીજ ને શુક્રવારના મંગળ પ્રભાતે કૉફીના કપમાં વસંત જેવા સમાચાર વાંચવા મળે છે કે મેઘના ગુલઝારની સૅમ બહાદુર એક-દો-એક, એક-દો-એક કરતી 100 કરોડ રૂપિયાના બિઝનેસ તરફ કૂચ કરી રહી છે. હવે, આ ફિલ્મની પોતાની મુશ્કેલી છે, પણ જેમને કશુંક સારું, સ્તરીય જોવું છે એ લોકો સૅમ બહાદુર જોવા જાય છે એ પણ હકીકત છે. ગુડ.

વસ્તુ એવી છે કે આ ફિલ્મ ફિલ્ડ માર્શલ સૅમ માણેકશૉના જીવન, એમનાં શૌર્ય, એમની યુદ્ધનીતિ, ઈન્ડિયન મિલિટરીમાં એમનાં કાર્યો પર આધારિત છે, અને એમાં ભારત-ચીન અને ભારત-પાકિસ્તાનની વૉરનો ઉલ્લેખ છે.  

હાલ જેમની જન્મશતાબ્દી ઊજવાઈ રહી છે એ દેવ આનંદની, 1970માં આવેલી ફિલ્મ પ્રેમ પૂજારીમાં પણ આ લડાઈનો ઉલ્લેખ હતો. ફિલ્મમાં દેવઆનંદે અહિંસાપ્રેમી ફૌજી લેફ્ટનન્ટ રામદેવ બક્ષીની ભૂમિકા ભજવેલી. રામદેવના પિતા વૉર હીરો હતા. પિતાના કહેવાથી એ ફૌજમાં ભરતી તો થાય છે, પણ પ્રકૃતિપ્રેમી રામદેવને હિંસા ગમતી નથી. યુદ્ધમાં લડવાને બદલે એ પ્રેમિકા સુમન મેહરા (વહીદા રહેમાન) સાથે સંસાર માંડવાનાં સપનાં જોતો હોય છે ત્યાં એને પત્ર મળે છેઃ તાબડતોબ ઈન્ડિયા-ચાઈના બોર્ડર પર પહોંચો. સરહદ પર હાજર થવાના ફરમાનને રામદેવ તાબે તો થાય છેપરંતુ લડવાની ના પાડી દે છે. આ માટે એને બે વર્ષની સજા સંભળાવવામાં આવે છે, પણ કોર્ટમાર્શલથી બચવા રામદેવ સૈન્ય છોડીને ભાગી જાય છે. વાટમાં એને ચીની જાસૂસ રાની (ઝાહીદા) મળે છે. રાનીને રામદેવ ગમી જાય છે, પણ દેશ માટે એણે ફરજ પણ બજાવવાની છે. (ટાઈગર અને ઝોયા જેવો સીન).

દિગ્દર્શક તરીકે દેવસાહેબની આ પહેલી ફિલ્મ હતી, જે દેશભક્તિની વાત તો માંડે છે, પણ એ બીજી ટિપિકલ ફિલ્મો જેવી બલિદાન અને દેશભક્ત શૂરવીર સિપાહીની ફિલ્મ નહોતી. એક મચ્છર મારતાં પણ જેનો જીવ ન ચાલે એવો રામદેવ ફિલ્મના પૂર્વાર્ધમાં નિરર્થક હિંસાનો શું અર્થ છે? જેને આપણે ઓળખતા સુધ્ધાં નથી એવા લોકોના જીવ શું કામ લેવાના? એવી સુફિયાણી વાતો કર્યા કરે છે. આગળ જતાં એ દેશ માટે જાસૂસી કરે છે અને 1965ની ઈન્ડિયા-પાકિસ્તાન વૉરનો હીરો બની જાય છે. આમ એન્ટી-વૉર તરીકે શરૂ થયેલી ફિલ્મ પ્રો-વૉર એટલે લડાઈ જરૂરી છે એવા મુદ્દા પર આવે છે.

કમનસીબે ફિલ્મ ચાલી નહોતી. યુદ્ધ અને દેશભક્તિના જુવાળ વચ્ચે આવેલી ફિલ્મ લોકોને પસંદ પડી નહીં. યુદ્ધની નિરર્થકતા વિશે બોલતો હીરો દેશવાસીઓને એન્ટી-નૅશનલ લાગ્યો. કોલકાતામાં નક્સલવાદીઓએ પ્રેમ પુજારી’  બતાવતાં થિએટરો પર હુમલા કરેલા. ડરીને થિએટરમાલિકોએ લગભગ આખા પૂર્વ ભારતમાંથી ફિલ્મ ઉતારી લીધી. એમાંય, પહેલી વાર ડિરેક્ટ કરી રહેલા દેવસાહેબે ફિલ્મને લાંબી કરી નાખી. તો કથા-પટકથા વૉર અને લવસ્ટોરી વચ્ચે ગૂંચવાઈ ગઈ. આ બધાં કારણસર ફિલ્મ ફ્લૉપ થઈ.

સ્વિત્ઝરલેન્ડમાં શૂટ થયેલી પ્રેમ પુજારીનું થોડુંક શૂટિંગ શિરડી નજીકના એક ગામમાં થયેલું. એમાં વહિદા રેહમાન ઉપરાંત ઝાહીદાની અસરદાર ભૂમિકા હતી. શત્રુઘ્ન સિંહા પણ એક નાનકડી, પરંતુ મહત્વની ભૂમિકામાં હતા. એક લેબનીઝ ઍક્ટ્રેસ નાદિયા ગમાલનો કમાલનો બેલી ડાન્સ હતો. અમરીશ પુરીએ પણ એકાદ દૃશ્ય પૂરતી હાજરી આપી હતી. આ બધું ધોવાઈ ગયું.

-પણ પ્રેમ પુજારી યાદ રહેશે એનાં ગીત-સંગીત માટે. દેવઆનંદની જેમ, સાહિત્યકાર ગોપાલદાસ નીરજ સાહેબે પહેલી વાર ફિલ્મગીતો લખ્યાં. શુદ્ધ, નિર્ભેળ હિંદી અને ઉર્દૂમિશ્રિત આ કાવ્યો સમાં ગીતનાં સચીન દેવ બર્મને, ઓહોહોહો કેવાં સ્વરાંકન રચ્યાં? ફૂલો કે રંગ સેરંગીલા રેશોખિયોં મેં ઘોલા જાયેતાકત વતન કી હમસે હૈ, વગેરે. અને શીર્ષકગીત? “…કહાં રે હિમાલય જૈસા, કહાં ઐસા પાની, યહી વો જમીન જિસકી દુનિયા દીવાની… સુંદરી ન કોઈ જૈસે હૈ ધરતી હમારી, પ્રેમ કે પુજારી હમ હૈ

તો, આજ પ્રભાતે સૅમ બહાદુરની સફળતા વિશે વાંચી આ અફસાનો રચી બેઠા. એ કેવો છે એ તો તમે જ કહી શકો.

જો વિધાતાના લેખની વાત સાચી હોય તો જ્યોતિષ કે વાસ્તુની શું જરૂર છે?

વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. વેદ , પુરાણો, ઉપનીશદો અને અનેક સંહિતાઓ ઉપરાંત વિવધ ગ્રંથોમાં એના મૂળ સચવાયેલા છે. આ સંસ્કૃતિમાં દરેક જીવને સન્માન આપવા ઉપરાંત કુદરતના તત્વોની સાધનાની વાત હતી. જ્ઞાનને સર્વોપરી માનવામાં આવતું અને જ્ઞાનીજનો પૂજાતા. આજે આપણે એક એવા યુગમાં જીવીએ છીએ જ્યાં શિક્ષણને વેપાર અને શિક્ષકને પગારદાર સમજવામાં આવે છે ત્યારે જ્ઞાન શબ્દનો અપભ્રંશ થાય તે સ્વાભાવિક છે. કદાચ તેથી જ આપણા નિયમો વિષે નવી પેઢીને શંકાઓ જાગી રહી છે. પશ્ચિમ તરફની આંધળી દોટમાં ક્યાંક સંસ્કૃતિના મૂળ ખવાઈ ન જાય એ આપણે સભાનતા પૂર્વક વિચારવાનો સમય આવી ગયો છે. વળી જે વિચારધારા પરથી વિશ્વાસ જતો રહે ત્યાં નવી વિચારધારા તરફ પ્રયાણ કરવાની ઈચ્છા પણ થવાની. આપણી સમૃદ્ધ સંસ્કૃતિ આપણી ધરોહર છે. એને સાચવવી એ આપણા સહુની નૈતિક ફરજ છે.

સવાલ: હું તમને ફોલો કરું છું. તમે સર્વ ગુણ સંપન્ન અને મહા જ્ઞાની છો. એ વાતને પડકાર આપે એવો એક સવાલ મારી પાસે છે. મને ખાતરી છે કે મારો સવાલ તમને ગૂંચવી દેશે. આ સવાલ મેં ઘણા બધા લોકોને પૂછીને ચુપ કરી દીધા છે. સવાલ જ એવો છે જે ભલ ભલા ગૂંચવાઈ જાય.

આપણે ત્યાં વિધાતાના લેખની વાત કરી છે કે જે લખાયું હોય એ જ થાય છે. તો પછી કર્મ કરવાની જરૂર જ ક્યાં છે? જે આપણે કરીએ છીએ એ તો વિધાતા કરાવે છે. જો વિધાતા નથી અને માત્ર કર્મ છે તો પછી જ્યોતિષ, વાસ્તુ એ બધા વિષયોની ક્યાં જરૂર છે? જો ઉર્જાનું વિજ્ઞાન કામ કરે છે તો પછી સરસ મકાન બનાવી અને એની ઉર્જાથી કોઈ પણ કામ કરી અને એની સજા માફ થઇ જાય એવું જીવન મળવું જોઈએ. અને આ બધા ઉપરાંત ઈશ્વરની પણ વાત છે. જો ઉર્જા કામ કરે છે તો ઈશ્વરની ભક્તિનું સ્થાન ક્યાં છે? જો ઈશ્વર છે તો એ ખોટું કરનારને રોકતા કેમ નથી? જો ઈશ્વર સંચાલન કરે છે તો કોર્ટની ક્યાં જરૂર છે? આવા તો ઘણા સવાલો મારી પાસે છે. પણ માત્ર આનો જવાબ મળશે તો પણ હું માની જઈશ.

જવાબ: જયારે કશુક સમજવાની ઈચ્છા હોય ત્યારે જ સવાલ ઉદ્ભવે. સવાલ ઉદ્ભવવા જ જોઈએ. તોજ સાચી વાત સુધી પહોંચી શકાય. મોટા ભાગે આપણે સ્વીકારી લઈએ છીએ. મેં ક્યારેય સર્વગુણ સંપન્ન કે અતિ જ્ઞાની હોવાનો દાવો નથી કર્યો. એ માત્ર આપની સમજણ હોઈ શકે.

આપણે ત્યાં સંચિત કર્મની વાત કરવામાં આવી છે. પૂર્વજન્મમાં વ્યક્તિ એ જે કાઈ કર્યું છે એના આધારે વિધાતા એના જીવન વિશેની રૂપરેખા તૈયાર કરે છે. ત્યાર બાદ વ્યક્તિ જે કર્મ કરે છે એના આધારે એની દિશા નક્કી થાય છે. એ હવે પછીના જીવન માટે પણ પોતાના કર્મ ભેગા કરે છે. જ્યોતિષ શાસ્ત્ર યોગ દર્શાવે છે. ઉદાહરણ સ્વરૂપે બંધન યોગ હોય તો જેલમાં પણ જવાય અને બાથરૂમમાં પણ પૂરી દેવાય. વ્યક્તિ સારી ઉર્જામાં રહેતી હોય ત્યારે એને સકારાત્મક વિચારો આવે છે. અને એ સત્કર્મ કરવા પ્રેરાય છે. તમારા મનમાં ઈશ્વર માટેની સમજણ શું છે એ મને નથી ખબર પણ ઈશ્વર જગતના કણ કણ માં છે. એ વ્યક્તિનું આત્મબળ વધારવામાં મદદ કરે છે. આપણે તેને બ્રહ્માંડની ઉર્જાનો સ્ત્રોત પણ કહી શકીએ. જયારે વ્યક્તિ પોતાના આત્મા સુધી પહોંચે ત્યારે તેને ઈશ્વરની અનુભૂતિ થઇ શકે છે. પ્રયત્ન કરી જુઓ. વાસ્તુ આધારિત મકાનમાં તમને સુખ ચોક્કસ મળશે. ઈશ્વરની સાધના મનને બળ આપશે જ. તમે દર્શાવેલા બધાજ પરિબળો જીવનની ઉર્જા અને ગતિ સાથે જોડાયેલા છે. માત્ર એની રજૂઆત અલગ રીતે થઇ છે એટલે સવાલો થઇ શકે. ભારતમાં ન્યાયની વ્યવસ્થા અલગ હતી. જેની સમજણ ફરી ક્યારેક લઈશું. આ સવાલના જવાબ માટે એક પુસ્તક પણ લખી શકાય. અહી પ્રાથમિક સમજણ આપી છે.

સુચન: ભારતીય વિચારધારામાં દરેક જીવો સાથે સંતુલનની વાત છે. એવું કરવાથી પણ સકારાત્મકતા વધે છે.

(આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com)

સંસદ પરના હુમલાના આરોપીઓના ફોન લઇને ભાગ્યો હતો માસ્ટરમાઇન્ડ

નવી દિલ્હીઃ સંસદની સુરક્ષામાં ચૂક મામલે મુખ્ય આરોપી લલિત ઝાએ ગુરુવારે સરન્ડર કરી દીધી હતી. આ પહેલાં  સંસદની અંદર અને બહાર સ્મોક કેનથી ધુમાડો ઉડાડનારા ચાર આરોપીઓની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. સંસદ પરના હુમલામાં ચાર સહયોગીઓની ધરપકડ કર્યાના એક દિવસ પછી કાવતરાખોર લલિત મોહન ઝા (32)એ પકડાઈ જતાં પહેલાં ગુરુવારે સવારે મોબાઇલ ફોન સહિત બધા ટેક્નિકલ પુરાવા નષ્ટ કરી દીધા હતા.

બુધવારે ચારો આરોપીઓ-મનોરંજન ડી, સાગર શર્મા, નીલમ વર્મા અને અમોલ શિંદે સંસદની અંદર અને બહાર પકડાઈ ગયા પછી લલિત તેના ID કાર્ડ અને મોબાઇલ ફોનની સાથે ભાગવામાં સફળ રહ્યો હતો. રાત્રે 11.30 કલાકે તે બસથી કુચામન સિટી પહોંચ્યો હતો, જ્યાં તેની મુલાકાત સહયોગી મહેશ સાથે થઈ હતી. તેને પણ ગ્રુપમાં સામેલ થવું હતું, પણ તેની માએ તેની અટકાવતાં તે આમાં સામેલ નહોતો થઈ શક્યો. મહેશ ભગત સિંહ ફેન પેજ નામના એક ફેસબુક ગ્રુપના માધ્યથી ઝા અને અન્ય લોકોથી સંકળાયેલો હતો.

તપાસમાં માલૂમ પડ્યું હતું કે મહેશ તેના કઝિન ભાઈ કૈલાશની સાથે લલિત ઝાને એક ઢાબા પર લઈ ગયો હતો અને માલિકથી એક રૂમ માટે વિનંતી હતી. ઢાબાનો માલિક મહેશને ઓળખતો હતો, જેથી તેણે તેને એક રૂમ આપી દીધી હતી. ગુરુવારે સવારે ઝાએ તેની મદદથી ફોન નષ્ટ કરી દીધો હતો. ત્યાર બાદ મહેશ ને ઝા કૈલાશને એ કહીને ચાલ્યો ગયો હતો કે તે સંસદની સામે આત્મ સમર્પણ કરવા જઈ રહ્યો છે.

 

 

 

 

 

 

સુખ-શાંતિનો અનુભવ કરવા ભૂતકાળને મનમાંથી ભુસી નાંખો

બની ગયેલ ઘટનાને જેટલી જલ્દી મનમાંથી કાઢી નાખીશું તેટલો સુખ-શાંતિનો અનુભવ કરીશું. સાધન અને સગવડોના આ યુગમાં શારીરિક શ્રમ કરવોએ એ શરમની વાત થતી જાય છે. મનુષ્ય પોતાનો જરૂરી સામાન ઉઠાવવા માટે કોઈ સાથી કે મજુર ઓ આધાર લે છે, પરંતુ બિનજરૂરી ભાર તે એકલો જ મન રૂપી પીઠ પર રાખી રહ્યો છે. આ બિનજરૂરી ભારને ઉઠાવવા વાળો કોઈપણ સાથી તેને દેખાઈ નથી રહ્યો. આજે મનુષ્યને એ કડવો અનુભવ છે કે જે પણ વ્યક્તિ પર મનને હલકું કરવા માટે આશા રાખી તેણે તેના મનના ભારને, ચિંતાઓને વધારી દીધી પરંતુ ઓછી ન કરી.

ધારો કે એક વસ્તુનું વજન 15 ગ્રામ છે. તો તેને ઊંચકવામાં કોઈ તકલીફ અનુભવ નહીં થાય. પરંતુ જો કોઈ વ્યક્તિ આજ 15 ગ્રામ વજનની વસ્તુને મુઠ્ઠીમાં પકડી રાખે કે હથેળી પર રાખે, તો આ 15 ગ્રામ વજન તેના માટે ખુબ વજનદાર બની જશે. તે વ્યક્તિ સતત 15 ગ્રામની તે વસ્તુને હાથમાં પકડી રાખવાના કારણે પોતાને કેદી સમજવા લાગશે તથા તે બેચેન રહેશે. આવી જ સ્થિતિ મનુષ્યના મનની છે. વાત ભલે નાની હોય કે મોટી પરંતુ મનુષ્ય જ્યારે તેને પોતાના મનની અદ્રશ્ય મુઠ્ઠીમાં પકડી લે છે ત્યારે તે ભારે બની જાય છે. વાત વાસ્તવમાં નાની હોય છે પરંતુ સતત તેને મનમાં રાખવાથી તે નાની વાત પણ વજનદાર અનુભવ થાય છે. વ્યક્તિની માનસિક સ્થિતિ ડામાડોળ બની જાય છે. મન તથા બુદ્ધિમાં લાંબા સમય સુધી રાખેલ વાત ના કારણે બીજી કલ્યાણકારી વાત બુદ્ધિમાં ટકી શકતી નથી. સ્વચ્છ વસ્તુ હલકી હોય છે પરંતુ મેલ લાગવાના કારણે તેનું વજન વધી જાય છે. મનુષ્યનું મન પણ મેલું થવાના કારણે તે ભારે બની જાય છે.


માનવીનું મન જો શુદ્ધ સંકલ્પો થી ભરેલું હોય તો તે ફરિસ્તાની જેમ ઉડવાનો અનુભવ કરી શકે છે અને જો તે અશુદ્ધ સંકલ્પથી ભરેલુ હોય તો કાદવમાં ખૂંપવાનો અનુભવ કરે છે. ઘણીવાર સારી વાતને પણ અલગ રીતે જોવામાં આવે તો મનમાં નફરત ઉભી થાય છે. એક ગુરુ પોતાના શિષ્યની સાથે નદીના સામા કિનારે જઈ રહ્યા હતા તે સમયે નદીમાં ડૂબતી એક યુવતી પર તેમની નજર પડી. તેમણે તરત તે યુવતીનો હાથ પકડી લીધો અને ટેકો આપીને કિનારા પર તેને છોડી દીધી. તે યુવતી ત્યાંથી જતી રહી તથા ગુરુ શિષ્યની સાથે આગળની યાત્રા પર નીકળી પડ્યા. બે દિવસ બાદ તેમનો પડાવ આવ્યો. બંને ત્યાં બેઠા. ગુરુએ જોયું કે શિષ્યના ચહેરા ઉપર શંકા, નફરત તથા નકારાત્મક વિચારોની છાયા હતી.

કારણ પૂછવા પર એણે કે એક સન્યાસી હોવાના કારણે તમારા માટે એક સ્ત્રીને સ્પર્શ કરવો પણ અયોગ્ય છે જ્યારે તમે તો તેનો હાથજ પકડી લીધો. સન્યાસીએ હસતા હસતા કહ્યું કે યુવતીનો હાથ તો તેં પકડ્યો છે. મેં તો એક ડૂબતાને બચાવવાનો, પ્રાણી માત્ર ઉપર દયા કરવાનો ધર્મ નિભાવ્યો છે. તારા મને તેને અયોગ્ય સમજ્યું છે, તથા બે દિવસથી તે બોજાને મનમાં સંગ્રહ હોવાથી તારું મન ભારે બની ગયું છે. આ છે મનનો બોજો. બની ગયેલી ઘટનાને જેટલા સમય સુધી મનમાં રાખીશું એટલો સમય સુખ-શાંતિનો અનુભવ નથી થઈ શકે. તથા જેટલું જલ્દી તેને મનમાંથી કાઢી નાખીશું તેટલા હલકા બની જઇશું.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

કોરાનાના 312 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 312 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,04,142 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,310 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,69,536 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 200 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1296 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,206,778,764 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 153 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

મુંબઈમાં કૃત્રિમ વરસાદના પ્રયોગ માટે 4 કંપનીએ બતાવી તૈયારી

મુંબઈઃ પ્રદૂષણની સાથે ધૂળની રજકણોને હવામાં ફેલાતી રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ શહેરમાં ક્લાઉડ સીડિંગ (માનવ નિર્મિત વાદળમાંથી વરસાદ) ટેક્નોલોજી દ્વારા કૃત્રિમ વરસાદ પાડવાનો પ્રયોગ કરવાનું નક્કી કર્યું છે. આ માટે તેણે વૈશ્વિક સ્તર પર કંપનીઓને એમના બિડ રજૂ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જોકે આ માટે એકેય વિદેશી કંપની તરફથી પ્રતિસાદ મળ્યો નથી. ચાર ભારતીય કંપનીઓએ પ્રયોગ કરવાની તૈયારી બતાવી છે. તેથી બિડિંગ પ્રક્રિયાને એક અઠવાડિયા માટે લંબાવવામાં આવી છે. મહાપાલિકાએ દુનિયાભરની માત્ર એવી જ કંપનીઓને એમના બિડ મોકલવા કહ્યું છે જેમની પાસે ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદનો પ્રયોગ હાથ ધરવાનું લાઈસન્સ હોય.

છેલ્લા બે મહિનાથી મુંબઈમાં હવાની ગુણવત્તામાં ઘણો બગાડો થયો છે. શહેરમાં હજારોની સંખ્યામાં બાંધકામો ચાલુ હોવાથી હવામાં ધૂળના રજકણો મોટા પાયે ભળી રહ્યા છે. પ્રદૂષણ બગડવાનું આ જ મુખ્ય કારણ હોવાનું મનાય છે. મહાપાલિકાએ બાંધકામ સ્થળો માટે 27 નિયમોની એક યાદી પણ તૈયાર કરી છે.

મુંબઈમાં કૃત્રિમ વરસાદ પાડવાનો આઈડિયા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો છે. એમની સૂચનાને પગલે જ મુંબઈ મહાનગરપાલિકાએ કૃત્રિમ વરસાદ પાડવા માટે જાગતિક સ્તરે ‘એક્સપ્રેસ ઓફ ઈન્ટરેસ્ટ’ની ઓફર મૂકી છે. પ્રયોગ માટે રૂચિ દર્શાવનાર કંપનીઓ પાસેથી કૃત્રિમ વરસાદની ટેક્નોલોજી જાણવામાં આવશે અને તે પછી જે શ્રેષ્ઠ લાગશે તે ટેક્નોલોજીનો સ્વીકાર કરવામાં આવશે.

‘ફાઈટર’ ફિલ્મની રિલીઝ પૂર્વે દીપિકા તિરુપતિ બાલાજીની શરણમાં

તિરુપતિઃ દીપિકા પદુકોણની નવી ફિલ્મ આવી રહી છે ‘ફાઈટર’. એમાં તેણે હૃતિક રોશન સાથે જોડી બનાવી છે. આ હવાઈ એક્શન થ્રિલર ફિલ્મ આવતા વર્ષની 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને દર્શકો તરફથી આવકાર મળે એ માટે ભગવાનના આશીર્વાદ મેળવવા તે અહીં ભગવાન વેંકટેશ્વર (તિરુપતિ બાલાજી) મંદિરે આવી છે. તે ગઈ કાલે સાંજે એની નાની બહેન અનિશા સાથે આવી હતી. દીપિકાએ કાળા રંગનો સેટ પહેર્યો હતો અને માથે વાળનો અવ્યવસ્થિત અંબોડો વાળ્યો હતો. બંને બહેનોએ આજે સવારે મંદિરમાં પૂજા કરી હતી. મંદિરમાં દીપિકાનાં આગમનના અનેક વીડિયો અને તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થયાં છે.

‘ફાઈટર’ ભારતની પ્રથમ એરિયલ (હવાઈ) એક્શન ફિલ્મ છે. આ ફિલ્મમાં હૃતિક રોશન, દીપિકા પદુકોણ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ત્રણેય જણ ફિલ્મમાં ભારતીય હવાઈ દળના ઓફિસરોનો રોલ ભજવી રહ્યાં છે. ફિલ્મનું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. ‘વોર’ અને ‘પઠાણ’ ફિલ્મો બનાવનાર સિદ્ધાર્થ આનંદ ‘ફાઈટર’ના દિગ્દર્શક છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૫ ડિસેમ્બર, ૨૦૨૩

૧૫ ડિસેમ્બર, ૨૦૨૩

Chitralekha Gujarati – 25 December, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.