Home Blog Page 2253

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૧ ડિસેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૧ ડિસેમ્બર, ૨૦૨૩

2023માં ગૂગલ પર સૌથી વધારે સર્ચ્ડ અભિનેત્રી ભારતીય છે, એ કોણ?

મુંબઈઃ વર્ષ 2023 વિદાય લેવા તરફ અગ્રેસર છે. ગૂગલ સર્ચ એન્જિને ‘યર ઈન સર્ચ 2023’ રિલીઝ કર્યું છે. આમાં એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દુનિયાભરના તમામ ટોચના સર્ચ ટ્રેન્ડ્સની વિગતો છે. ગૂગલે વિગતોને યાદીબદ્ધ રજૂ કરી છે, જેમ કે, સૌથી વધારે સર્ચ કરાયેલા અભિનેતાઓ, સૌથી વધારે સર્ચ કરાયેલી ફિલ્મો, સમાચાર ઘટનાઓ, સ્પોર્ટ્સ સ્પર્ધા તથા બીજું ઘણું બધું. આ યાદીઓ જોતાં કેટલાક પરિણામો ધારણા મુજબના જણાયા છે, કારણ કે આખું વર્ષ એ વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. જ્યારે કેટલાક નામોએ આશ્ચર્ય જગાડ્યું છે. દુનિયામાં સૌથી વધારે સર્ચ કરાયેલી ફિલ્મ અભિનેત્રીઓની યાદીમાં ટોચ પર એક ભારતીય અભિનેત્રીનું નામ છે, જેણે માર્ગોટ રોબી, ગેલ ગેડોટ જેવી દિગ્ગજ અભિનેત્રીઓને પરાસ્ત કરી છે.

ગૂગલ પર વર્ષ 2023માં સૌથી વધુ સર્ચ કરાયેલી ફિલ્મ અભિનેત્રી છે એક બોલીવુડ કલાકાર. તે રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટ, દીપિકા પદુકોણ કે ઐશ્વર્યા રાય-બચ્ચન નથી, પણ કિયારા અડવાની છે. સહ-કલાકાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરનાર અને હાલમાં જ જેની ફિલ્મ રિલીઝ થઈ હતી – ‘સત્યપ્રેમ કી કથા’, તે કિયારા આ વર્ષમાં વિશ્વસ્તરે છવાયેલી રહી. ગૂગલ પર મોસ્ટ સર્ચ્ડ ફિલ્મ કલાકારોની ગ્લોબલ યાદીમાં પુરુષ અભિનેતાઓનું વર્ચસ્વ રહ્યું. જેરેમી રેનર ટોચ પર રહ્યો. ટોપ-10માં માત્ર બે જ અભિનેત્રી છે – જેના ઓર્ટેગા અને કિયારા અડવાની.

જેના ઓર્ટેગાએ આ વર્ષમાં એકેય ફિલ્મમાં કામ કર્યું નથી એટલે 2023માં ગૂગલ પર વિશ્વસ્તરે સૌથી વધુ સર્ચ કરાયેલી ફિલ્મ અભિનેત્રી બની છે કિયારા. આ વર્ષે જેની ‘બાર્બી’ ફિલ્મ રિલીઝ થઈ હતી તે માર્ગોટ રોબી પણ કિયારા સામે હારી ગઈ છે. ગેલ ગેડોટ (હાર્ટ ઓફ સ્ટોન) પણ તેનાથી યુવા ભારતીય અભિનેત્રી સામે હારી ગઈ છે. પ્રિયંકા ચોપરા-જોનસ, દીપિકા પદુકોણ, આલિયા ભટ્ટ વિશ્વસ્તરે લોકપ્રિય છે, પણ ટોપ-10 સર્ચ્ડ અભિનેત્રીઓની યાદીમાં તેઓ પ્રવેશ પામી શકી નથી.

કિયારા અને સિદ્ધાર્થે આ વર્ષે રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. ગૂગલ સર્ચમાં આ બેઉ કલાકાર ટોચ પર રહ્યાં છે. આ વર્ષે કિયારા અને કાર્તિક આર્યન અભિનીત ‘સત્યપ્રેમ કી કથા’ ફિલ્મ રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે સારો દેખાવ કર્યો હતો. કિયારાની નવી ત્રણ ફિલ્મ આવી રહી છે – રામ ચરન સાથે ‘ગેમ ચેન્જર’, હૃતિક રોશન અને જુનિયર એનટીઆર સાથે ‘વોર-2’.

ટાટા પાવર, IOC 500 ચાર્જિંગ સ્ટેશન બનાવશે

નવી દિલ્હીઃ ટાટા પાવર ગ્રુપની કંપની અને અગ્રણી EV ચાર્જિગ સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ ટાટા પાવર EV ચાર્જિંગ સોલ્યુશન્સ લિ. (TPEVCSL) અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને દેશમાં ઇલેક્ટ્રિક વેહિકલ (EV) ચાર્જિંગ પોઇન્ટ્સ સ્થાપવા માટે સમજૂતી કરાર (MoU) કર્યા છે. આ સહયોગથી કંપની IOCL રિટેલ આઉટલેટ પર 500થી વધુ EV ચાર્જિંગ પોઇન્ટ બનાવશે.

કંપની આ EV ચાર્જિંગ પોઇન્ટ્સ મોટાં શહેરો જેવાં કે મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, કોલકાતા અને અમદાવાદ, પુણે, કોચીમાં તેમ જ મુંબઈ-પુણે એક્સપ્રેસવે, સાલેમ-કોચી હાઇવે, ગુંટુર ચેન્નઈ અને મોટા ભાગના હાઇવે પર સ્થાપશે. કંપનીની યોજના આ વ્યૂહાત્મક સહયોગ થકી વિશ્વસનીય અને વિસ્તૃત ઇન્ટરસિટી ચાર્જિંગ નેટવર્ક સ્થાપિત કરવાની છે, જેથી EV માલિકો આ શહેરોમાં સરળતાથી આવજા કરી શકે.

કંપનીના EV ચાર્જિંગના બિઝનેસ ડેવલપમેન્ટના વડા વીરેન્દ્ર ગોયલે જણાવ્યું હતું કે IOCL સાથેની અમારી ભાગીદારી દેશમાં એક EV ચાર્જિંગ નેટવર્ક સ્થાપવાની દિશામાં એક વ્યૂહાત્મક પગલું છે. કંપની આ પ્રદેશોમાં ઝડપી અને સુપરફાસ્ટ ચાર્જિંગ પોઇન્ટ સ્થાપવાની દિશામાં કામ કરી રહી છે. જેથી આવનારા સમયમાં ઇલેક્ટ્રિક વાહનોને બેટરી ચાર્જની સુવિધા ઝડપી મળી રહે.

કંપની EV યુઝરને ટેક ઇન્ટિગ્રેશન અને ઇન્નોવેટિવ સોલ્યુશન્સ થકી એક નવો અનુભવ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. કંપની EV ઉપયોગકર્તાઓ  Tata Power EZ ચાર્જ એપ અને IndianOil e-Charge મોબાઇલ એપના માધ્યમથી EV  ચાર્જિંગના પોઇન્ટ વિશે જાણી શકશે અને બુક પણ કરી શકશે, જેથી ગ્રાહકોને બેવડો લાભ મળશે.

IOCLના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (રિટેલ –N&E) સૌમિત્રા શ્રીવાસ્તવે કહ્યું હતું કે કંપની ઇલેક્ટ્રિક વાહનોના વધતા ચલણને અપનાવા માટે અને એના માટે ચાર્જિંગ પોઇન્ટ સ્થાપવા માટે પ્રતિબદ્ધ છે. કંપની વર્ષ 2024 સુધીમાં IOCLના આઉટલેટ પર 10,000 EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાની યોજના છે. જોકે કંપની હાલમાં 6000 કરતાં EV ચાર્જિંગ સ્ટેશન્સ ધરાવે છે. કંપનીની યોજના વિસ્તરણ કરવાની છે. કંપની ટાટા પાવર સાથે EV માર્કેટમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા માટે છે.

 

ICCએ જાહેર કર્યો U-19 વર્લ્ડ કપનો કાર્યક્રમ

મેન્સ અંડર-19 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 19મી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. ફાઇનલ મેચ 11 ફેબ્રુઆરીએ રમાશે. આ દરમિયાન કુલ 41 મેચો રમાશે. ભારતીય ટીમ 20 જાન્યુઆરીથી અહીં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ICCએ સોમવારે સાંજે અંડર-19 વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું. આ વખતે વર્લ્ડ કપમાં ચાર ગ્રુપ બનાવવામાં આવ્યા છે. ચાર-ચાર ટીમોને ચારેય ગ્રુપમાં રાખવામાં આવી છે. દરેક ટીમ તેના ગ્રુપની બાકીની ત્રણ ટીમો સામે એક-એક મેચ રમશે. ચારેય ગ્રૂપમાં ટોચની 3 ટીમો આગલા રાઉન્ડમાં પ્રવેશ કરશે. એટલે કે બીજા રાઉન્ડમાં કુલ 12 ટીમો હશે. અહીં દરેક ટીમ બીજા ગ્રુપની બે ટીમો સાથે એક-એક મેચ રમશે. એટલે કે દરેક ટીમ આ રાઉન્ડમાં બે મેચ રમશે. આ પછી ટોપ-4 ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. સેમી ફાઈનલ અને ફાઈનલ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

  • ગ્રુપ A: ભારત, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, યુએસએ
  • ગ્રુપ બી: ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડ
  • ગ્રુપ સી: ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, નામિબિયા
  • ગ્રુપ ડી: અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, નેપાળ

ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 20 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સાથે, બીજી મેચ 25 જાન્યુઆરીએ આયર્લેન્ડ સાથે અને ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ અમેરિકા સાથે રમશે. તમને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં યોજાશે. આ તમામ મેચો અહીંના પાંચ મેદાન પર રમાશે.

અંડર-19 વર્લ્ડ કપનું આયોજન 1988થી કરવામાં આવે છે. તે 1998 થી દર બીજા વર્ષે યોજાય છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં પાંચ વખત ચેમ્પિયન બની છે. ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત અને પાકિસ્તાનને બે વખત આ ખિતાબ મળ્યો છે. બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ પણ એક-એક વખત આ ટ્રોફી જીતી ચૂકી છે.

એવી જાહેરખબરોથી જનતા સાવચેત રહેઃ રીઝર્વ બેન્ક

મુંબઈઃ લીધેલી લોન માફ કરાવી આપવાની ઓફર કરીને કરજદારોને લલચાવતી ભ્રામક જાહેરખબરો સામે ભારતીય રીઝર્વ બેન્કે આજે ચેતવણી બહાર પાડી છે. કેટલીક સંસ્થાઓ દ્વારા કોઈ પ્રકારના અધિકાર વગર લોન માફીનું પ્રમાણપત્ર આપવા માટે લોકો પાસેથી સર્વિસ/લીગલ ફી વસૂલ કરાતી હોવાના અહેવાલો છે.

આરબીઆઈએ કહ્યું છે કે, આવી સંસ્થાઓ પ્રિન્ટ મીડિયા ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર પણ આ પ્રકારના કેમ્પેન ચલાવે છે. જનતાને સાવચેત કરવામાં આવે છે કે આવી ખોટા અને ભ્રામક જાહેરખબરો/ઝુંબેશનો શિકાર ન બને અને આવી ઘટનાઓ વિશે પોલીસતંત્રને જાણ કરે.

અમદાવાદ, સુરતમાં ઇમર્જન્સી કેસોમાં વધારો લાલબત્તી સમાન

અમદાવાદઃ બિનઆરોગ્યપ્રદ ભોજનની આદત, બેઠાડુ કે અનિયમિત જીવનશૈલી અને પ્રદૂષણના સ્તરમાં વધારા કારણે અમદાવાદ, સુરત અને દાહોદમાં ચાલુ વર્ષમાં ઇમર્જન્સી કેસોમાં વધારો નોંધાયો છે. સુરત, અમદાવાદ અને દાહોદમાં રેકોર્ડ ઇમર્જન્સી કેસીસમાં 15 ટકા, 13 ટકા અને 12.24 ટકાનો વધારો નોંધાયો છે, એમ ગુજરાત EMRI-108 ડેટા કહે છે.

રાજ્યમાં ઓવરઓલ ઇમર્જન્સી કેસમાં વાર્ષિક ધોરણે વધારો નોંધાયો છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ શ્વાસની લગતી સમસ્યાઓ. કાર્ડિયાક ઇસ્યુ અને પેટમાં દુખાવો અને ઊંચા તાવના કેસમાં વધારો નોંધાયો છે.

અમદાવાદમાં કાર્ડિયાક ઇસ્યુમાં 28 ટકા વધારો નોંધાયો હતો, જેમાં વર્ષ 2022માં 11,200ની તેસોની તુલનાએ વર્ષ 2023માં અત્યાર સુધી 14,300 કેસો નોંધાયા છે. જ્યારે આ વર્ષે શ્વાસને લગતી સમસ્યાઓમાં 18.38 ટકાનો વધારો થયો છે, જેમાં વર્ષ 2022માં 13,800ની તુલનાએ વર્ષ 2023માં અત્યાર સુધીમાં 15,400 કેસો નોંધાયા છે.

આ સાથે નોન- વેહિક્યુલર ટ્રોમા કેસમાં 14.28 ટકાનો વધારો થયો છે, જેમાં વર્ષ 2022ના આશરે 18,800 કેસોની સરખામણીએ 15,400 કેસો આ વર્ષે નોંધાયા છે.

આ સાથે પેટની લતી સમસ્યાઓના કેસો વર્ષ 2022માં અમદાવાદમાં (26,778), સુરતમાં (10,757) અને દાહોદમાં (3467)ની તુલનાએ વર્ષ 2023માં અમદાવાદમાં (31,055), (13,046) અને દાહોદમાં (3951) કેસો નોંધાયા છે. એ જ રીતે ઊંચા તાવના કેસો જોઈએ તો વર્ષ 2022માં અમદાવાદમાં (8525), સુરતમાં (4634) અને દાહોદમાં (1265)ની તુલનાએ વર્ષ 2023માં અમદાવાદમાં (9889), (6476), સુરતમાં (6476) અને દાહોદમાં (1484) કેસો નોંધાયા છે.

બોડકદેવ વિસ્તારમાં સિનિયર ફિઝિશયન ડો. માલવ ઠક્કરે કહ્યું હતું કે ઇમર્જન્સીમાં વધારો નબળી ઇમ્યુનિટી, કસરતનો અભાવ અને બેઠાડુ ડીવનશૈલી અને પાચનશક્તિ મંદ ને પ્રદૂષણના સ્તરમાં વધારો થવાને કારણે થયો છે.

 

 

 

જમ્મુ-કશ્મીરમાં સપ્ટેમ્બર-2024 સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજોઃ ચૂંટણીપંચને SCનો આદેશ

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં 2024ની 30 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજવા માટેના પગલાં લેવા સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી પંચને કહ્યું છે. દેશના વડા ન્યાયમૂર્તિ ડી.વાઈ. ચંદ્રચૂડે કહ્યું કે, જમ્મુ અને કશ્મીર પ્રદેશમાં સલામતીની ચિંતાથી આ કોર્ટ વાકેફ છે. વિધાનસભાઓની સીધી ચૂંટણીઓ ભારતમાં લોકતાંત્રિક શાસન પદ્ધતિની સર્વોચ્ચ લાક્ષણિકતાઓમાંની એક ગણાય છે. એટલે કોઈ પ્રદેશને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી ત્યાં ચૂંટણીને અટકાવી શકાય નહીં.

વડા ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે કહ્યું, અમે ભારતના ચૂંટણી પંચને આદેશ આપીએ છીએ કે નવા ઘડાયેલા કાયદાની કલમ-14 હેઠળ જમ્મુ અને કશ્મીરમાં 2024ની 30 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજવા માટે તે પગલાં લે. સોલિસીટર જનરલે એવી રજૂઆત કરી છે કે જમ્મુ અને કશ્મીરને રાજ્યનો દરજ્જો પ્રસ્થાપિત કરવામાં આવશે, પરંતુ રાજ્યનો દરજ્જો પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી ચૂંટણી અટકાવી રાખવી એ જરૂરી હોય એવું અમને લાગતું નથી.

સુપ્રીમ કોર્ટ અગાઉ પણ કહી ચૂકી છે કે જમ્મુ-કશ્મીર અગાઉ એક રાજ્ય હતું અને તેને કાયમના ધોરણે કેન્દ્રશાસિત પ્રદેશના રૂપમાં રાખી શકાય નહીં. લોકશાહીની પુનઃસ્થાપના કરાય તે ખૂબ જ મહત્ત્વનું છે.

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને એમ કહ્યું હતું કે, જમ્મુ અને કશ્મીરને રાજ્યનો દરજ્જો પ્રસ્થાપિત કરવા માટે અમે કોઈ સમયમર્યાદા જણાવી શકીએ એમ નથી. એમાં થોડોક સમય લાગશે. જોકે જમ્મુ-કશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો કામચલાઉ છે. પરંતુ જમ્મુ-કશ્મીરને રાજ્યનો દરજ્જો અપાય તે પછી પણ પડોશનો લદાખ તો કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જ ચાલુ રહેશે.

લોકસભામાંથી હકાલપટ્ટી કેસને મહુઆ મોઇત્રાએ સુપ્રીમમાં પડકાર્યો

નવી દિલ્હીઃ TMC નેતા મહુઆ મોઇત્રા કેશ ફોર ક્વેરી કેસમાં લોકસભામાં હકાલપટ્ટીને મુદ્દે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. તેમણે તેમની હકાલપટ્ટીને કોર્ડમાં પડકાર આપ્યો છે. કેશ ફોર કેરી મામલમાં આરોપ લગાવ્યા પછી એથિકસ કમિટીને મામલે તપાસ કરીને લોકસભાના અધ્યક્ષને આ રિપોર્ટ સોંપ્યો હતો. તેની શુક્રવારે સંસદમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.

 શું હતો કેસ?

મહુઆ મોઇત્રા પર સંસદમાં પૈસા લઈને સવાલ પૂછવાના આરોપ લાગ્યા હતા. આ મામલાની તપાસ લોકસભાની એથિક્સ કમિટીએ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે મહુઆ મોઇત્રાની સંસદની સત્તાવાર IDનું લોગઇન અને પાસવર્ડ બિઝનેસમેન દર્શન હીરાનંદાનીને આપ્યાં હતાં.કમિટીએ આ મામલાને રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલો બતાવ્યો હતો. કમિટીએ તપાસમાં મહુઆ મોઇત્રાને દોષી ઠેરવ્યા હતા અને લોકસભા અધ્યક્ષથી મોઇત્રાનું સભ્યપદ રદ કરવાની માગ કરી હતી.

કમિટીએ મહુઆ મોઇત્રા, નિશિકાંત દુબે સહિત કેટલાક લોકોનાં નિવેદનો નોંધ્યા હતાં. વિનોદ કુમાર સોનકરની અધ્યક્ષતાવાળી સમિતિએ નવ નવેમ્બરે એક બેઠકમાં કેશ ફોર ક્વેરીના આરોપ પર મહુઆ મોઇત્રાનું લોકસભાનું સભ્યપદ રદ કરવાની ભલામણ કરતાં રિપોર્ટ તૈયાર કર્યો હતો. કમિટીના છ સભ્યો રિપોર્ટના પક્ષમાં મતદાન કર્યું હતું, એમાં કોંગ્રેસ સાંસદ પરનિત કૌર પણ સામેલ હતાં, જેમને પહેલાં પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં.

મહુઆ મોઈત્રાએ એથિક્સ કમિટી પર પણ આકરા શબ્દોમાં અનેક આરોપો લગાવ્યા છે. તેમના વતી, એવું કહેવામાં આવ્યું હતું કે એથિક્સ કમિટીની તપાસ સંપૂર્ણપણે બે વ્યક્તિઓની લેખિત જુબાની પર આધારિત છે, જેમના નિવેદનો વાસ્તવમાં એકબીજા સાથે વિરોધાભાસી છે.

 

 

 

 

 

ભારતમાં રૂ.5,20,000 સુધી મોંઘી થશે BMW કાર

મુંબઈઃ ભારતમાં BMW (Bayerische Motoren Werke) કંપનીની કાર રૂ. 5,20,000 કે તેથી વધુ રકમ જેટલી મોંઘી થશે. જર્મન ગ્રુપની ભારતીય પેટાકંપની BMW ઈન્ડિયાએ તેની તમામ મોડેલની કારની કિંમતમાં બે ટકા જેટલો વધારો કરવાનું નક્કી કર્યું છે. નવી કિંમત 2024ની જાન્યુઆરીથી અમલમાં આવશે. BMW XM કાર ભારતમાં આ બ્રાન્ડની સૌથી મોંઘી કાર છે. તેની કિંમત રૂ. 2.60 કરોડ છે. તેની કિંમતમાં બે ટકાનો વધારો થશે એટલે તે રૂ. 5,20,000થી વધારે રકમની મોંઘી થશે.

BMW ઈન્ડિયાના પ્રેસિડેન્ટ વિક્રમ પાવાહનું કહેવું છે કે, ‘અમારી કંપનીએ તમામ મોડેલ્સની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય વિવિધ પરિબળો વિશે વિસ્તૃતપણે વિચાર કર્યા બાદ લીધો છે. વિનિમય દરોમાં સતત થતા રહેતા પરિવર્તન અને કાચા માલની કિંમતમાં થતા રહેતા વધારાને ધ્યાનમાં રાખીને તમામ મોડેલની કારની કિંમતમાં વધારો કરવાનું અમે નક્કી કર્યુ છે. આનાથી અમે અમારી તમામ કારની ગુણવત્તાને જાળવી શકીશું જેથી અમારા ગ્રાહકોને BMW કારની ખરીદી કરવાનો જરાય અફસોસ ન થાય.’

BMW ઈન્ડિયા BMW ગ્રુપની 100 ટકા માલિકીની પેટાકંપની છે. તેનું વડુંમથક ગુરુગ્રામમાં આવેલું છે. BMW ગ્રુપે આ કંપનીમાં રૂપિયા 5.2 અબજનું મૂડીરોકાણ કર્યું છે. ભારતમાં તે વિવિધ પ્રકારની બિઝનેસ પ્રવૃત્તિ ધરાવે છે. જેમ કે, ચેન્નાઈમાં એનો ઉત્પાદન પ્લાન્ટ છે, પુણેમાં છૂટા ભાગોનું વેરહાઉસ છે, ગુરુગ્રામમાં ટ્રેનિંગ સેન્ટર છે. BMW ઈન્ડિયામાં કુલ 650 કર્મચારીઓ છે.

BMW ભારતમાં આ મોડેલ્સની કાર બનાવે છેઃ BMW 2 સીરિઝ ગ્રેન કૂપે, BMW 3 સીરિઝ ગ્રેન લિમોઝીન, BMW M 340im BMW 5 સીરિઝ, BMW 6 સીરિઝ, BMW 7 સીરિઝ, BMW X1, BMW X3, BMW X5, BMW X7 અને મિની કન્ટ્રીમેન.

કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુને ત્યાં અત્યાર સુધીમાં રૂ. 351 કરોડ જપ્ત

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગ દ્વારા ઓડિશા અને ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુથી જોડાયેલાં સ્થળોએ જપ્ત કરવામાં આવેલા બિનહિસાબી રોકડની રકમ રૂ. 351 કરોડ પહોંચી ગઈ છે. આ દેશમાં કોઈ પણ તપાસ એજન્સી દ્વારા કરવામાં આવેલી સિંગલ કાર્યવાહીમાં અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

ઓડિશા સ્થિત બૌધ ડિસ્ટલરી પ્રાઇવેટ લિ. અને અન્યની વિરુદ્ધ આવકવેરા વિભાગે દરોડામાં જપ્ત કરેલી રોકડના પાંચમા દિવસે ગણતરી રૂ. 351 કરોડે પહોંચી હતી. આ દરોડા છઠ્ઠી ડિસેમ્બરે શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધી અધિકારીઓએ કુલ 176 રોકડ બેગમાંથી 140 બેગની ગણતરી પૂરી કરી લીધી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આવકવેરા વિભાગે ઝારખંડથી કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય ધીરજ સાહુના રાંચી અને અન્ય સ્થળો પર સ્થિતિ સ્થળોએ તપાસ કરી હતી.

સુરક્ષા કર્મચારીઓ, ચાલકો અને અન્ય કર્મચારીઓ સહિત 200 અધિકારીઓની એક વધુ ટીમ ગણતરીથી જોડાયેલા કામમાં ત્યાં સામેલ હતા, જ્યારે કેટલાંક અન્ય સ્થળોએ  રોકડ ભરેલી 10 કબાટો મળ્યાં હતાં. આવકવેરા વિભાગનું માનવું છે કે આ બિનહિસાબી રોકડ છે, જે વેપારી ગ્રુપો, વિક્રેતાઓ અને અન્ય દ્વારા દેશી દારૂના રોકડ વેચાણથી કમાણી કરેલી છે.

રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ મળી આવ્યા બાદ ભાજપે તેમની ધરપકડની માગ કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રોકડ મેળવવા અંગે I.N.D.I.A ગઠબંધનની મૌન પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે આઝાદી પછી કોઈ પાર્ટીના સાંસદના ઘરેથી આટલી મોટી રકમ જપ્ત કરવામાં આવી હશે નહીં. સાંસદના ઘરમાંથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે. I.N.D.I.A ગઠબંધન આ ભ્રષ્ટાચાર પર મૌન છે. હું તેમના સાથીદારોને પૂછવા માગું છું કે કોંગ્રેસનું મૌન સમજી શકાય તેવું છે, કારણ કે તેમનો સ્વભાવ ભ્રષ્ટાચાર છે, પરંતુ TMC, JDU, DMK અને SP સહિતના આ પક્ષો ચૂપ બેઠા છે. કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.