Home Blog Page 2261

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૮ ડિસેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૮ ડિસેમ્બર, ૨૦૨૩

પડોશીનો પાળેલો કૂતરો કરડી જતાં છોકરીને 45 ટાંકા આવ્યા

મુંબઈઃ અહીંના અંધેરી (ઈસ્ટ) ઉપનગરમાં શ્રીમંત રહેવાસીઓની એક હાઉસિંગ સોસાયટીમાં એક દુઃખદ બનાવ બન્યો છે. એમઆઈડીસી વિસ્તારમાં આવેલી લોધા ઈટરનિસ સોસાયટીમાં રહેતી એક 10 વર્ષની છોકરીને પડોશીનો પાળેલો જર્મન શેફર્ડ કૂતરો બહુ ખરાબ રીતે કરડી જતાં બે કલાકનું ઓપરેશન કરવું પડ્યું હતું અને 45 ટાંકા લેવા પડ્યા છે. આ જ કૂતરાએ મહોલ્લામાં રહેવાસીઓ પર હુમલો કર્યાનો આ ત્રીજો બનાવ છે.

(પ્રતિકાત્મક તસવીર)

બનાવની વિગત એવી છે કે, તે છોકરી મકાનમાં એની સહેલીનાં ઘેર જતી હતી ત્યારે પડોશીનો કૂતરો ખુલ્લા દરવાજામાંથી ઓચિંતો બહાર ધસી ગયો હતો અને છોકરીને પગમાં બટકું ભર્યું હતું. પડોશીઓએ તરત જ છોકરીનાં માતાપિતાને જાણ કરી હતી. છોકરીને તરત જ નજીકની હિરાનંદાની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોકટરોએ કહ્યું કે છોકરીનાં પગનું ઓપરેશન કરવું પડશે, કારણ કે ઘા બહુ ઊંડા છે.

છોકરીનાં માતાપિતાએ આ વિશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કૂતરાના માલિકો સામે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 154 હેઠળ ફરિયાદ નોંધી છે. સોસાયટીના સેક્રેટરીએ પણ પોલીસ ફરિયાદમાં સમર્થન આપ્યું હતું અને કૂતરાનાં માલિકો સામે પગલું ભરવાની વિનંતી કરી છે.

આ ઈજા, ઓપરેશનને કારણે તે છોકરીને બીજું પણ ઘણું નુકસાન જશે. તે રાજ્ય સ્તરની તાએકવોન્ડો માર્શલ-આર્ટ ખેલાડી છે, પણ તે હવે એની બે આંતર-શાળા સ્પર્ધા ચૂકી જશે અને બે અઠવાડિયા સુધી શાળામાં ભણવા જઈ નહીં શકે.

કોકા કોલા નવો પ્લાન્ટ સાણંદમાં લગાવશેઃ રૂ. 3000 કરોડનું મૂડીરોકાણ

અમદાવાદઃ અમેરિકી બહુરાષ્ટ્રીય કંપની કોકા કોલા (TCCC)ની રાજ્યમાં રૂ. 3000 કરોડના મૂડીરોકાણની યોજના છે. કંપની અમદાવાદની પાસે સાણંદમાં બેવરેજ બેસ્ડ કોલ્ડ ડ્રિન્ક પ્લાન્ટ સ્થાપિત કરશે. કંપની આ મૂડીરોકાણ FDI હેઠળ TCCCના પાર્ટનર્સ ઇન્ટરનેશનલ રિફ્રેશમેન્ટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિ. (IRIPL)ના માધ્યમથી કરશે. કંપનીની પાસે પોતાનો બોટલિંગ પાર્ટનર હિન્દુસ્તાન કોકા કોલા બેવરેજીસ લિ.ના માધ્યમથી ગોબલેજમાં પહેલેથી સુવિધા છે. એ સિવાય એક સાણંદમાં પણ છે.

કંપનીને સાણંદ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ-IIમાં પ્લાન્ટ સ્થાપિત કરવા માટે 1.6 લાખ સ્કેવેર મીટરની જમીનની ફાળવણી કરવામાં આવી છે.રાજ્ય વહીવટના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું હતું કે કંપનીએ પહેલેથી પોતાના બોટલિંગ ભાગીદારોના માધ્યમથી બે મોટા મૂડીરોકાણ કર્યાં છે. રાજ્ય સરકારે મંજૂરીની પ્રક્રિયામાં ઝડપ લાવી દીધી છે અને કંપનીને જમીનની ફાળવણી પહેલેથી કરી દીધી છે.રાજ્ય સરકારના ટોચના અધિકારીએ આપેલી માહિતી મુજબ કોકાકોલા હવે ગુજરાતના સાણંદમાં પોતાનો પ્લાન્ટ સ્થાપશે. કંપની કુલ 3000 કરોડ આસપાસનું રોકાણ પણ કરવાની છે, આટલું જ નહિ, પરંતુ અનેક લોકોને રોજગારી પણ મળશે. ફૂડ અને બેવરેજીસની એક અનોખી ઇકો સિસ્ટમ પણ ગુજરાતમાં સ્થપાશે અને આગળ જતા ગુજરાત આ ક્ષેત્રે પણ પોતાનું નામ કરશે.

સાણંદ ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશનના પ્રમુખ અજિતભાઈ શાહ જણાવે છે કે સાણંદ હવે માત્ર ભારતની જ નહિ, પરંતુ વિદેશી કંપનીઓનું પણ હબ બનતું જાય છે.કોકાકોલાનો આ પ્લાન્ટ પશ્ચિમ ભારતમાં સપ્લાય કરશે અને બાદમાં તેનું વિસ્તરણ થાય તેવી પૂરી સંભાવના છે. આ સૂચિત કોકાકોલા પ્લાન્ટની વિશેષતા એ રહેશે કે સ્ટેટ ઓફ દ આર્ટ પ્લાન્ટ હશે અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ હશે.

 

 

 

 

 

કોઈ પણ પુરાવા વગર મારી હકાલપટ્ટી કરવામાં આવી છેઃ મહુઆ મોઈત્રા

નવી દિલ્હીઃ ‘કેશ ફોર ક્વેરી’ કૌભાંડ મામલે આજે લોકસભામાંથી હકાલપટ્ટી પામેલાં મહુઆ મોઈત્રા પશ્ચિમ બંગાળમાં કૃષ્ણનગર બેઠક પરથી લોકસભામાં તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ 2019ની ચૂંટણીમાં આ મતવિસ્તારમાંથી વિજયી થયાં હતાં. પોતાની હકાલપટ્ટી વિશે એમણે આકરાં શબ્દોમાં એથિક્સ કમિટીની ઝાટકણી કાઢી છે. સંસદભવનની બહાર પ્રત્યાઘાત આપવાનું પત્રકારોએ કહેતાં મહુઆએ કહ્યું કે, ‘એથિક્સ કમિટીએ આ કેસમાં શું ખોટું થયું છે અને કેટલા નાણાંની લેવડદેવડ થઈ છે એનો પુરાવો મેળવ્યા વગર મારી હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો છે. મારી હકાલપટ્ટીની ભલામણનો આધાર માત્ર એ મુદ્દા પર છે કે મેં મારું લોકસભા પોર્ટલ લોગ-ઈન શેર કર્યું હતું. પણ લોગ-ઈન શેરિંગ કરવા મામલે કોઈ જ નિયમ લાગુ કરાયા નથી. જો આ મોદી સરકાર એવું વિચારતી હોય કે તેઓ મારો અવાજ બંધ કરીને અદાણી મુદ્દામાંથી છટકી જશે તો હું એટલું જ કહીશ કે આ એથિક્સ કમિટી કાંગારું કોર્ટ છે અને તેણે ઉતાવળ અને પ્રક્રિયાનો દુરુપયોગ કરીને દેશની જનતાને બતાવી આપ્યું છે કે અદાણી તમારા માટે કેટલા બધા મહત્ત્વના છે. અને તમે એક મહિલા સંસદસભ્યને હેરાન કરવા માટે કેટલી હદ સુધી જઈ શકો છો, જેથી એનો અવાજ બંધ કરી શકાય.’

મહુલા મોઈત્રા સંસદભવનની બહાર પત્રકારોને આમ કહેતાં હતાં ત્યારે કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી સહિત અન્ય વિપક્ષી નેતાઓ એમની પડખે ઊભાં હતાં.

મહુઆએ વધુમાં કહ્યું, ‘ફરિયાદી એમ કહે છે કે મેં એક ઉદ્યોગપતિના વ્યાપાર હિતને ખાતર એમની પાસેથી પૈસા લઈને ગૃહમાં સવાલ પૂછ્યા હતા, પરંતુ તે ઉદ્યોગપતિનું સુઓ-મોટ્ટો સોગંદનામું કહે છે કે, મેં મારી ઈચ્છા મુજબના સવાલો અપલોડ કરવા માટે તે ઉદ્યોગપતિ પર દબાણ કર્યું હતું. બેઉ વાત સાવ ખોટી છે. એથિક્સ કમિટીએ કેસના મૂળમાં ગયા વગર મને લટકાવી દેવાનું નક્કી કરી લીધું. એણે તે ઉદ્યોગપતિને પણ મૌખિક પૂછપરછ માટે બોલાવ્યા નહોતા અને આમાં ક્યાંય પણ કોઈ રોકડ રકમ કે ગિફ્ટ લેવાઈ હોવાનો પુરાવો જ નથી.’

લોકશાહીની હત્યા થઈ છેઃ મમતા બેનરજી

પોતાની તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં સંસદસભ્ય મહુઆ મોઈત્રાની ગૃહમાંથી કરાયેલી હકાલપટ્ટીના મુદ્દે પક્ષનાં પ્રમુખ મમતા બેનરજીએ કહ્યું કે, આ ચુકાદાથી લોકશાહીની હત્યા થઈ છે.

પાંચ વર્ષોમાં કેનેડામાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

નવી દિલ્હીઃ દેશમાંથી ભારે સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય છે. જોકે આ વિદ્યાર્થીઓથી સંકળાયેલા એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે વર્ષ 2018થી કુદરતી આફતો અને દુર્ઘટનાઓ સહિત વિવિધ કારણોને કારણે કમસે કમ 403 ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. આ દરમ્યાન 34 દેશોમાંથી સૌથી વધુ મોત કેનેડામાં થયાં છે.

આ ડેટા કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરને રાજ્યસભામાં રજૂ કર્યા હતા. મંત્રાલયે રજૂ કરેલા આંકડા અનુસાર કેનેડામાં વર્ષ 2018માં 91 ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. આ સિવાય બાકીના દેશો છે, જેમાં UK (48), રશિયા (40), અમેરિકા (36), ઓસ્ટ્રેલિયા (35), યુક્રેન (21), જર્મની (20)નું સ્થાન છે. ત્યાર બાદ સાયપ્રસ (14), ઇટાલી અને ફિલિપિન્સમાં દરેકમાં (10) વિદ્યાર્થીઓનાં મોત થયાં છે.

આ આંકડા રજૂ કરતી વખતે મુરલીધરને વિદેશોમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અને ભલાઈ માટે કેન્દ્રની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. આ દરમ્યાન તેમણે વ્યક્તિગત મામલાઓ પર ધ્યાન આપવા અને ભવિષ્યમાં કોઈ પણ અપ્રિય ઘટનાને અટકાવવાની દિશામાં કામ કરવા માટેં વચન આપ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે મુખ્ય અને વરિષ્ઠ અધિકારીઓ નિયમિત રૂપે કોલેજો અને યુનિવર્સિટીઓની મુલાકાત લઈ રહ્યા છીએ અને ભારતીય વિદ્યાર્થી સાથે વાતચીત કરી રહ્યા છે. વિદેશોમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા ભારત સરકાર માટે સૌથી મોટી પ્રાથમિકતામાંથી એક છે. જોકોઈ અપ્રિય ઘટના બને છે તો એને જેતે દેશના સંબંધિત અધિકારીઓ સામે ઉઠાવવમાં આવે છે. કોઈ મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીની ઇમર્જન્સી મેડિકલ સારવાર, ભોજન અને આવાસ સહિત કાઉન્સેલિંગની મદદ પણ આપવામાં આવે છે.

 

 

 

 

મહુઆ મોઈત્રાની લોકસભામાંથી હકાલપટ્ટી કરાઈ

નવી દિલ્હીઃ પૈસા લઈને લોકસભામાં સવાલ પૂછવાની ગેરકાયદેસર પ્રવૃત્તિના કૌભાંડ (કેશ-ફોર-ક્વેરી)માં સંડોવણીના કેસના મામલે તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં સભ્ય મહુઆ મોઈત્રાની ગૃહમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. આ કેસમાં સંસદની નૈતિક્તા સમિતિ (એથિક્સ કમિટી)એ તપાસ કરી હતી અને તેનો અહેવાલ આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો તથા એની પર ચર્ચા કરવામાં આવી હતી.  સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ એથિક્સ કમિટીના અહેવાલનો સ્વીકાર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં મહુઆ મોઈત્રાની હકાલપટ્ટી કરવાની ભલામણ કરવામાં આવી હતી. તે પછી લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મતદાન કરાવ્યું હતું જેમાં મોઈત્રાની હકાલપટ્ટી કરવાની તરફેણમાં મત આવ્યા હતા.

મહુઆ મોઈત્રા પશ્ચિમ બંગાળમાં કૃષ્ણનગર બેઠકનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરે છે. તેઓ 2019ની ચૂંટણીમાં અહીંથી વિજયી થયાં હતાં. પોતાની હકાલપટ્ટી વિશે પ્રત્યાઘાત આપવાનું પત્રકારોએ કહેતાં મહુઆએ કહ્યું કે, એથિક્સ કમિટીએ આ કેસમાં શું ખોટું થયું છે અને કેટલા નાણાંની લેવડદેવડ થઈ છે એનો પુરાવો મેળવ્યા વગર હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો છે. આ કેસમાં જેમનું નામ આવ્યું છે તે ઉદ્યોગપતિને કમિટીના સભ્યોએ પૂછપરછ માટે પણ બોલાવ્યા નહોતા.

કોંગ્રેસે અમદાવાદ સહિત 10 જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરી

અમદાવાદઃ દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાત કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે કમર કસવા માંડી છે અને રાજ્યમાં અમદાવાદ સહિત 10 જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરી છે.  

કોંગ્રેસે ગુજરાત રાજ્યના સંગઠનમાં મોટા ફેરફાર કરતા 10 જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરી છે, જેમાં અમદાવાદના જિલ્લા પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલ, રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયા, અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાત, જૂનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરા, પંચમહાલ જિલ્લામાં પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમાર, ખેડા જિલ્લાપ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભી, આણંદ જિલ્લાપ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકી,  વડોદરા જિલ્લાપ્રમુખ તરીકે જશપાલસિંહ પઢિયાર, નર્મદા જિલ્લાપ્રમુખ તરીકે પ્રફુલ પટેલ અને ડાંગ જિલ્લાપ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત કોંગ્રેસે પોલિટિકલ અફેર કમિટીની પણ જાહેરાત કરી છે. જેમાં 40 સભ્યોની ગુજરાત પ્રદેશ ઈલેક્શન કમિટીની પણ જાહેરાત કરવામાં આવી છે.

 

 

 

 

 

એશિયા ચેમ્પિયનશિપમાં ACP જિતેન્દ્ર યાદવ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

અમદાવાદઃ અમદાવાદના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ( સાયબર ક્રાઇમ)  જિતેન્દ્ર યાદવની  વિયેતનામમાં યોજાનાર બેડમિન્ટન એશિયા સિનિયર ઓપન ચેમ્પિયનશિપ 2023-24 માં “45+” વર્ષની કેટેગરી માટે પસંદગી કરવામાં આવી છે. એશિયા સિનિયર ચેમ્પિયનશિપ 2023ની યોજાનારી  12 ડિસેમ્બરથી 17 ડિસેમ્બરમાં બેડમિન્ટનની સ્પર્ધામાં જિતેન્દ્ર યાદવ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

આ અંગે વધુ જણાવતાં તેમણે કહ્યું હતું કે બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા  દ્વારા વર્ષમાં યોજવામાં આવતી વિવિધ ટુર્નામેન્ટમાં અમારા પ્રદર્શન અને જીતને આધારે મળતા રેન્કિંગ પરથી અમારી પસંદગી આ ચેમ્પિયનશિપ માટે કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ ટુર્નામેન્ટની તૈયારીના ભાગરૂપે અમે રોજ સવારે છથી ૭ વાત વાગ્યા સુધી લગભગ પાંચ થી છ કિલોમીટર જેટલું એન્ડયુરન્સ રનિંગ કરીએ છીએ અને તે પછી લગભગ બે કલાક માટે ઓન કોર્ટ પ્રેક્ટિસ કરીએ છીએ. આ ટુર્નામેન્ટમાં “બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડમી”ના હેડ કોચ સમીર અબ્બાસી પણ ભાગ લેશે.

 

 

 

 

 

ખેલાડીઓના દેખાવ પર નજર રાખવા ટીમ ઈન્ડિયાના સિલેક્ટરો સાઉથ આફ્રિકા રવાના

મુંબઈઃ આઈસીસી દ્વારા દર બે વર્ષે યોજવામાં આવતી T20 વર્લ્ડ કપની નવી, 9મી આવૃત્તિ 2024ના જૂન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાવાની છે. તે માટે ભારતીય ટીમને તૈયાર કરવાનું કાર્ય ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ અત્યારથી આરંભી દીધું છે. ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે ગઈ છે. ત્યાં તે ત્રણેય ફોર્મેટમાં  – T20I, વન-ડે ઈન્ટરનેશનલ અને ટેસ્ટ શ્રેણીઓ રમવાની છે. તે ઉપરાંત ઈન્ડિયા-A ટીમ પણ ત્રણ મેચ રમવાની છે. આ પ્રવાસમાં ભારતીય ટીમના ખેલાડીઓના દેખાવનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવાની જવાબદારી બે પસંદગીકારને સોંપવામાં આવી છે – એસ.એસ. દાસ અને સલીલ અંકોલા.

આમ, ક્રિકેટ બોર્ડે સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ભારતીય ટીમ મેચો જીતે તે ઉપરાંત એમાં સારો દેખાવ કરનાર ખેલાડીઓને 2024ની T20 વર્લ્ડ કપની ટીમમાં માટે પસંદ કરવા ઉપર પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દાસ અને અંકોલા સાઉથ આફ્રિકા સામેની મેચો વખતે ટેલેન્ટેડ ભારતીય ખેલાડીઓને પિછાણશે અને ખેલાડીના સાતત્યપૂર્ણ દેખાવનું મૂલ્યાંકન કરશે.

ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસમાં 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો, 3 ODI મેચ અને બે ટેસ્ટ મેચ રમશે. એ દરમિયાન ઈન્ડિયા-A ટીમ પણ ત્રણ મેચ રમશે અને એમાં જ સિલેક્ટરો ખેલાડીઓની ટેલેન્ટ પર નજર રાખશે.

મહિલા સશક્તીકરણની પહેલના ભાગરૂપે ફેશન શોનું આયોજન

મુંબઈઃ CFBPની મહિલા સશક્તીકરણની પહેલના ભાગરૂપે ચોથી ડિસેમ્બરે સોમવારે ફેશન શો યોજાયો હતો. આ ફેશન- શોમાં રેમ્પ વોક મહિલા સશક્તિકરણનો એક ભાગ હતો. આ ફેશન શો મુંબઈની હોટેલ તાજ લેન્ડ, બેન્ડસ્ટેડના લેન્ડ્સ એન્ડ બોલ રૂમમાં યોજાયો હતો. આ ફેશન શોનું આયોજન CFBP ક્રિયેટિવ આર્ટ્સ ફેસ્ટિવલ-2023 દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફેશન શો સાંજે છ કલાકે યોજવામાં આવ્યો હતો.

આ ફેશન શોનાં મુખ્ય અતિથિ રાજશ્રી બિરલા, સીમા સિંહ, શેખર બજાજ, નવાઝ મોદી સિંઘાનિયા, રેખા ઝુનઝુનવાલા, દિલીપ પિરામલ, નુસરત ભરૂચા અને સાંઈ માંજરેકર હતાં. આ ફેશન શોનું આયોજન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સભ્ય પાયલ કોઠારી અને એડવાઇઝરી બોર્ડના સભ્ય શાઇના NCએ કર્યું હતું. આ સંસ્થાના પ્રમુખ છે સ્વપ્નીલ કોઠારી છે.

આ ફેશન શોનો ઉદ્દેશ ગ્લેમર છે, કેમ કે આ શો થકી થનારી આવકનો એક ભાગ ટાટા મેમોરિયલમાં V કેર કેન્સરના દર્દીઓને દાન કરવામાં આવશે.

કાઉન્સિલ ફોર ફેર બિઝનેસ પ્રેક્ટિસિસ (CFBP)ની સ્થાપના જેઆરડી ટાટા, નવલ ટાટા, રામકૃષ્ણ બજાજ, અરવિંદ મફતલાલ, એસ. પી. ગોદરેજ, હરીશ મહિન્દ્રા, જિમી ગઝદર, વિષ્ણુભાઈ હરિભક્તિના નેતૃત્વમાં કરવામાં આવી હતી, જેમાં તેમને એફટી ખોરાકીવાલા સહિત અન્ય 27 ઉદ્યોગપતિઓ, બિઝનેસમેનો, સામાજિક કાર્યકર્તાઓ, શિક્ષણવિદો અને પ્રોફેશનલોએ સહયોગ પૂરો પાડ્યો હતો.

આ યુનિક ઓર્ગેનાઇઝેશને ત્યારથી ગ્રાહકો અને કોર્પોરેટ્સ –બંને માટે મિશન, વિઝન અને આચારસંહિતાને આગળ વધારી છે.