અમદાવાદઃ દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાત કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે કમર કસવા માંડી છે અને રાજ્યમાં અમદાવાદ સહિત 10 જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરી છે.
કોંગ્રેસે ગુજરાત રાજ્યના સંગઠનમાં મોટા ફેરફાર કરતા 10 જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરી છે, જેમાં અમદાવાદના જિલ્લા પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલ, રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયા, અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાત, જૂનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરા, પંચમહાલ જિલ્લામાં પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમાર, ખેડા જિલ્લાપ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભી, આણંદ જિલ્લાપ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકી, વડોદરા જિલ્લાપ્રમુખ તરીકે જશપાલસિંહ પઢિયાર, નર્મદા જિલ્લાપ્રમુખ તરીકે પ્રફુલ પટેલ અને ડાંગ જિલ્લાપ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
Wishing the best to all the newly appointed members of Political Affairs Committee of Gujarat Pradesh Congress Committee, Gujarat Pradesh congress election committee and President of District Congress committees. pic.twitter.com/VHmZPpqzp6
અમદાવાદઃ અમદાવાદના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ( સાયબર ક્રાઇમ) જિતેન્દ્ર યાદવની વિયેતનામમાં યોજાનાર બેડમિન્ટન એશિયા સિનિયર ઓપન ચેમ્પિયનશિપ 2023-24 માં “45+” વર્ષની કેટેગરી માટે પસંદગી કરવામાં આવી છે. એશિયા સિનિયર ચેમ્પિયનશિપ 2023ની યોજાનારી 12 ડિસેમ્બરથી 17 ડિસેમ્બરમાં બેડમિન્ટનની સ્પર્ધામાં જિતેન્દ્ર યાદવ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
આ અંગે વધુ જણાવતાં તેમણે કહ્યું હતું કે બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષમાં યોજવામાં આવતી વિવિધ ટુર્નામેન્ટમાં અમારા પ્રદર્શન અને જીતને આધારે મળતા રેન્કિંગ પરથી અમારી પસંદગી આ ચેમ્પિયનશિપ માટે કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ ટુર્નામેન્ટની તૈયારીના ભાગરૂપે અમે રોજ સવારે છથી ૭ વાત વાગ્યા સુધી લગભગ પાંચ થી છ કિલોમીટર જેટલું એન્ડયુરન્સ રનિંગ કરીએ છીએ અને તે પછી લગભગ બે કલાક માટે ઓન કોર્ટ પ્રેક્ટિસ કરીએ છીએ. આ ટુર્નામેન્ટમાં “બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડમી”ના હેડ કોચ સમીર અબ્બાસી પણ ભાગ લેશે.
મુંબઈઃ આઈસીસી દ્વારા દર બે વર્ષે યોજવામાં આવતી T20 વર્લ્ડ કપની નવી, 9મી આવૃત્તિ 2024ના જૂન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાવાની છે. તે માટે ભારતીય ટીમને તૈયાર કરવાનું કાર્ય ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ અત્યારથી આરંભી દીધું છે. ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે ગઈ છે. ત્યાં તે ત્રણેય ફોર્મેટમાં – T20I, વન-ડે ઈન્ટરનેશનલ અને ટેસ્ટ શ્રેણીઓ રમવાની છે. તે ઉપરાંત ઈન્ડિયા-A ટીમ પણ ત્રણ મેચ રમવાની છે. આ પ્રવાસમાં ભારતીય ટીમના ખેલાડીઓના દેખાવનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવાની જવાબદારી બે પસંદગીકારને સોંપવામાં આવી છે – એસ.એસ. દાસ અને સલીલ અંકોલા.
આમ, ક્રિકેટ બોર્ડે સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ભારતીય ટીમ મેચો જીતે તે ઉપરાંત એમાં સારો દેખાવ કરનાર ખેલાડીઓને 2024ની T20 વર્લ્ડ કપની ટીમમાં માટે પસંદ કરવા ઉપર પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દાસ અને અંકોલા સાઉથ આફ્રિકા સામેની મેચો વખતે ટેલેન્ટેડ ભારતીય ખેલાડીઓને પિછાણશે અને ખેલાડીના સાતત્યપૂર્ણ દેખાવનું મૂલ્યાંકન કરશે.
ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસમાં 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો, 3 ODI મેચ અને બે ટેસ્ટ મેચ રમશે. એ દરમિયાન ઈન્ડિયા-A ટીમ પણ ત્રણ મેચ રમશે અને એમાં જ સિલેક્ટરો ખેલાડીઓની ટેલેન્ટ પર નજર રાખશે.
મુંબઈઃ CFBPની મહિલા સશક્તીકરણની પહેલના ભાગરૂપે ચોથી ડિસેમ્બરે સોમવારે ફેશન શો યોજાયો હતો. આ ફેશન- શોમાં રેમ્પ વોક મહિલા સશક્તિકરણનો એક ભાગ હતો. આ ફેશન શો મુંબઈની હોટેલ તાજ લેન્ડ, બેન્ડસ્ટેડના લેન્ડ્સ એન્ડ બોલ રૂમમાં યોજાયો હતો. આ ફેશન શોનું આયોજન CFBP ક્રિયેટિવ આર્ટ્સ ફેસ્ટિવલ-2023 દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફેશન શો સાંજે છ કલાકે યોજવામાં આવ્યો હતો.
આ ફેશન શોનાં મુખ્ય અતિથિ રાજશ્રી બિરલા, સીમા સિંહ, શેખર બજાજ, નવાઝ મોદી સિંઘાનિયા, રેખા ઝુનઝુનવાલા, દિલીપ પિરામલ, નુસરત ભરૂચા અને સાંઈ માંજરેકર હતાં. આ ફેશન શોનું આયોજન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સભ્ય પાયલ કોઠારી અને એડવાઇઝરી બોર્ડના સભ્ય શાઇના NCએ કર્યું હતું. આ સંસ્થાના પ્રમુખ છે સ્વપ્નીલ કોઠારી છે.
આ ફેશન શોનો ઉદ્દેશ ગ્લેમર છે, કેમ કે આ શો થકી થનારી આવકનો એક ભાગ ટાટા મેમોરિયલમાં V કેર કેન્સરના દર્દીઓને દાન કરવામાં આવશે.
કાઉન્સિલ ફોર ફેર બિઝનેસ પ્રેક્ટિસિસ (CFBP)ની સ્થાપના જેઆરડી ટાટા, નવલ ટાટા, રામકૃષ્ણ બજાજ, અરવિંદ મફતલાલ, એસ. પી. ગોદરેજ, હરીશ મહિન્દ્રા, જિમી ગઝદર, વિષ્ણુભાઈ હરિભક્તિના નેતૃત્વમાં કરવામાં આવી હતી, જેમાં તેમને એફટી ખોરાકીવાલા સહિત અન્ય 27 ઉદ્યોગપતિઓ, બિઝનેસમેનો, સામાજિક કાર્યકર્તાઓ, શિક્ષણવિદો અને પ્રોફેશનલોએ સહયોગ પૂરો પાડ્યો હતો.
આ યુનિક ઓર્ગેનાઇઝેશને ત્યારથી ગ્રાહકો અને કોર્પોરેટ્સ –બંને માટે મિશન, વિઝન અને આચારસંહિતાને આગળ વધારી છે.
મુંબઈઃ ભારતની પ્રથમ એરિયલ (હવાઈ) એક્શન ફિલ્મ ‘ફાઈટર’નું ટીઝર તેના નિર્માતાઓએ આજે રિલીઝ કર્યું છે. આ ફિલ્મમાં હૃતિક રોશન, દીપિકા પદુકોણ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ત્રણેય જણ ફિલ્મમાં ભારતીય હવાઈ દળના ઓફિસરોનો રોલ ભજવી રહ્યાં છે. એક મિનિટ અને 13 સેકંડના ટીઝરમાં જેટ યુદ્ધવિમાનોની ઝડપના વિઝ્યુઅલ ઈફેક્ટ્સની ઝલક જોવા મળે છે. બેકગ્રાઉન્ડ સંગીત પણ અસરદાર છે. ટીઝરમાં હૃતિક અને દીપિકાની રોમેન્ટિક કેમિસ્ટ્રી અને કિસિંગના દ્રશ્યો ઘણા નેટયૂઝર્સને પસંદ પડ્યા છે. એની તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે. ઘણા યૂઝર્સ ટીઝરના વખાણ કરતાં થાકતાં નથી.
‘વોર’ અને ‘પઠાણ’ ફિલ્મો બનાવનાર સિદ્ધાર્થ આનંદ ‘ફાઈટર’ના દિગ્દર્શક છે. ફિલ્મ આવતા વર્ષની 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ કરાશે.
વોશિંગ્ટનઃ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર)નાં CEO લિન્ડા યાકારિનોએ એક પોસ્ટમાં કહ્યું હતું કે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ Xમાં ડિસેમ્બરમાં એક કરોડથી વધુ લોકોએ સાઇનઅપ કર્યું છે. જોકે વર્ષના અંત સુધીમાં કંપનીઓને એડ રેવેન્યુમાં 7.5 કરોડ ડોલરનું નુકસાન થવાની શક્યતા છે, કેમ કે મુખ્ય બ્રાન્ડોએ તેમનાં માર્કેટિંગ કેમ્પેન અટકાવી દીધાં છે, એમ ન્યુ યોર્ક ટાઇમ્સનો અહેવાલ કહે છે.
જોકે X નિયમિત રીતે યુઝર ડેટા જાહેર નથી કરતી, જેથી ડિસેમ્બરમાં કેટલા યુઝર્સ જોડાયા એના પર લિન્ડા તરત સંપર્ક સાધી શકાયો નહોતો. જોકે અબજોપતિ મસ્કે કહ્યું હતું કે જુલાઇમાં X વેબસાઇટ પર માસિક ધોરણે 54 કરોડ યુઝર્સ છે. વળી, વેબસાઇટ X પર એપલ, ડિઝની, વોર્નર બ્રધર્સ, ડિસ્કવરી, કોમકાસ્ટ, લાયન્સ ગેટ એન્ટરટેઇનમેન્ટ, પેરામાઉન્ટ ગ્લોબલ અને IBM સહિત અનેક કંપનીઓએ તેમની જાહેરાત વેબસાઇટ X પર અટકાવી દીધી હતી.
મસ્કે એ એડવર્ટાઇઝર્સને શાપ આપ્યો હતો કે જે ઉપયોગકર્તોથી સહમત થયા પછી મંચથી ભાગી ગયા હતા. તેમણે ટિપ્પણી કરી હતી કે યહૂદી લોકો ગોરા લોકો વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે. વોચડોગ ગ્રુપ મિડિયા મેટર્સના એક રિપોર્ટમાં X પોસ્ટની બાજુમાં મુખ્ય કંપનીઓની જાહેરાત મળી હતી, જે નાઝીવાદને ટેકો આપે છે. X પ્લેટફોર્મે મિડિયા મેટર્સની વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો.
હે દ્વારીકાધીશ. કેવું આ સપ્તાહ? કરણ જોહરની ફિલ્મ ‘કભી ખુશી કભી ઘમ’ જેવું. જેઓ મોડા પડ્યા છે એમને માટે એક ઝડપી રિરન. બૅડ ન્યુઝઃ ભારતીય ટેલિવિઝનના અતિલોકપ્રિય શો ‘સીઆઈડી’માં ફ્રેડીનું પાત્ર ભજવતા ઍક્ટર દિનેશ ફડનીસનું 57 વર્ષની વયે અવસાન…. ફૉર્થ સ્ટેજના સ્ટમક કૅન્સરથી ગ્રસ્ત, કોમિક રોલ માટે જાણીતા અભિનેતા જુનિયર મેહમૂદનો ઈન્તેકાલ. 67 વર્ષી મોહમ્મદ નઈમ ઉર્ફે જુનિયર મેહમૂદની અંતિમ ઈચ્છા હતી જિતેન્દ્ર અને સચીનને મળવું. બન્નેએ એમની એ લાસ્ટ વિશ પૂરી કરી. ઈશ્વર એમના આત્માને સદગતિ આપે… ઠીક ઠીક ફેમસ એવા ટીવીઍક્ટર ભૂપીન્દર સિંહે પડોશી સાથે ઝઘડો થતાં પોતાની લાઈસન્સ ગનથી એને (પડોશીને) શૂટ કરી નાખ્યો એ સમાચાર. હાલ ભૂપીન્દરભાઈ જેલના સળિયા કાઉન્ટ કરી રહ્યા છે.
ગુડ ન્યુઝઃ આજે એટલે 8 ડિસેમ્બરે ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોરે બર્થડે છે. ધરમ પાજી 88 વર્ષ પૂરાં કરીને 89મા વર્ષમાં પ્રવેશશે જ્યારે શર્મિલા ટાગોર 80મા વર્ષમાં.
-અને વન મોર ગુડ ન્યુઝ તે એ કે ફિલ્મસ્ટાર્સનાં બાલૂડાંવને ચમકાવતી ‘ધ આર્ચીઝ’ ગઈ કાલે (7 ડિસેમ્બરે) નેટફ્લિક્સ પર રિલીઝ થઈ. ‘લક બાય ચાન્સ’, ‘ઝિંદગી ના મિલેગી દોબારા’, ‘દિલ ધડકને દો,’ ‘ગલ્લી બૉય’ જેવી ફિલ્મનાં ડિરેક્ટર ઝોયા અખ્તરે જ્યારથી આ ફિલ્મના સર્જનની જાહેરાત કરી ત્યારથી એ ચર્ચામાં રહી. ખાસ તો, વગદાર સિનેસ્ટાર્સનાં સંતાન હોવા સિવાય બીજું કોઈ જ ક્વૉલિફિકેશન ન ધરાવતાં બચ્ચાં લોગને ડાયરેક્ટ ફિલ્મમાં એન્ટ્રી કરાવવા માટે. જો કે એ આખ્ખી જુદી ચર્ચાનો વિષય છે.
વાર્તા કંઈ આવી છેઃ ઉત્તર ભારતમાં કોઈ એક સ્થળે આવેલી એક કાલ્પનિક નગરી છે, રિવરડેલ. સમયકાળ છે 1964. રિવરડેલના નગરજનોમાં એન્ગ્લો ઈન્ડિયનની બહુમતી છે. બાય ધ વે હકીકત તે એ કે ઝોયા અખ્તરના નગરજનો ક્રિશ્ચન હોય તો જ ઓરિજિનલ આર્ચી-બેટ્ટી-વેરોનિકા-જગહેડ જેવાં પાત્રો તથા એમનાં જિવાતાં જીવન બતાવી શકાયને?
ઓક્કે. આર્ચી એન્ડ્ર્યુઝ (અગસ્ત્ય નંદા) આપણને એક લીલાછમ્મ ઉદ્યાન વિશે એની સાથે જોડાયેલો ઈતિહાસ વર્ણવે છે, જેનું નામ છેઃ ગ્રીન પાર્ક. આ આર્ચી બી એક ગમ્મત છેઃ ગ્રીન પાર્ક બચાવો ઉપરાંત એ વેરોનિકા (સુહાના ખાન) અને બેટ્ટી (ખુશી કપૂર)ને એકસાથે ચાહે છે. સુહાનાના મૂડીવાદી પપ્પા મિસ્ટર લોજ (અલી ખાન) ગ્રીન પાર્કનો ખુરદો બોલાવી એની પર ફાઈવસ્ટાર હોટેલ બાંધવાનું નક્કી કરે છે. અને આ સાંભળીને 17-17 વર્ષની સ્કૂલટોળકી ગ્રીન પાર્કને બચાવવાનું મિશન આદરે છેઃ સેવ ધ ગ્રીન.
આઠ દાયકા કરતાં વધુ સમયથી દુનિયાભરનાં ચિત્રપટ્ટીપ્રેમીઓને ઘેલું લગાડતા આર્ચીનાં પાત્રો પર આધારિત રીમા કાગતી, આયેશા દવિત્રે ઢિલ્લોં અને ઝોયા અખ્તરે લખેલી કથા-પટથામાં લાલચૂડા મૂડીવાદીઓથી શહેરની ઓળખ, પર્યાવરણ, નાના દુકાનદારોને બચાવવાવાળો વળાંક જ ફિલ્મમાં આપણો રસ જાળવી રાખે છે. બાકી આવી હાઈ સ્કૂલ મ્યુઝિકલની શ્રેણીમાં આવતી (આર્ચી કોમિક બુકથી પ્રેરિત) કેટલીયે ફિલ્મું આપણે જોઈ ચૂક્યા છીએઃ આપણા કુંદનભાઈ શાહની ‘કભી હા કભી ના’, ‘જો જીતા વોહી સિકંદર’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’, વગેરે. વળી અમેરિકન ધનાઢ્ય પરિવારમાંથી આવતો આર્ચી મૂડીવાદ સામે બાંયો ચડાવે એ બી થોડું અજીબ લાગે છે.
હા, એક વાત માટે ઝોયાને સોમાંથી સો માર્ક્સ આપવા પડેઃ કાલ્પનિક નગરી રિવરડેલનો નયનરમ્ય માહોલ સર્જવા માટે. સોડા શૉપ, ડેટ્સ પર જતાં ટીનએજર્સ, કૅન્ડી-કલરના પેટીકોટ, પોલકાંડૉટ સ્કાર્ફ… હકીકતમાં આશરે અઢી કલાકની ‘ધ આર્ચીઝ’ના રિયલ સ્ટાર્સ આ છેઃ પ્રોડક્શન ડિઝાઈન, આર્ટ ડિરેક્શન, કૉસ્ચ્યૂમ્સ, સિનેમેટોગ્રાફી, લોકેશન (ઊટી, મુંબઈનું રૉયલ પામ્સ, વગેરે) અને શંકર-એહસાન-લૉયનાં દિલડોલ ગીતસંગીત. અરે હા, ‘સુનો’ સોંગમાં જાવેદ અખ્તરે ‘સુહાની’ અને ‘ખુશી’ જેવા વર્ડિંગ વાપર્યા છે તે શું અકસ્માત્ હશે કે પછી…?
અભિનયમાં મને, પર્સનલી, આર્ચી એટલે અગસ્ત્ય નંદા ગમી ગયો. બાકી બધા ઓકે-ટાઈપ. ઓવરઑલ, ઈન્ગ્લિશ ફિલ્મ પર હિંદીનો ઢોળ ચડાવ્યા જેવી, અમેરિકાના ચૉકલેટ થિકશેક પર દેશી લીંબુ-મરીમસાલા ભભરાવીને રજૂ કરવામાં આવેલી વર્ણસંકર ‘ધ આર્ચીઝ’ ક્રિસમસ વૅકેશનમાં ઉપર લખ્યાં તે રિયલ સ્ટાર્સ માટે જોઈ કાઢજો.
ભગવાન શિવ કહે છે કે થોડા સમયની પ્રાપ્તિની ઈચ્છા બેહદની પ્રાપ્તિના પરિણામે પ્રાપ્ત થનાર સંતુષ્ટતાની અનુભૂતિથી વંચિત કરી દે છે. હદની પ્રાપ્તિ દિલમાં હદ ઉભી કરે છે. હદની ઈચ્છાનું ફળ પોતાને ગમે તેવું નથી હોતું. હદની ઈચ્છાનું ફળ ટુંકા ગાળાનું હોય છે. પરિણામે અત્યારે સંતુષ્ટતા અને થોડા સમય પછી અસંતુષ્ટતાનો અનુભવ થાય છે. ઈચ્છા ક્યારેય વ્યક્તિને સારો બનવા નથી દેતી. સારા વ્યક્તિને મૂલ્યોની તથા માનવતાની કદર હોય છે. ઈચ્છા વાળી વ્યક્તિ આ બંનેને છોડીને જડ પદાર્થો, સુખ, સગવડો તથા સાધનોની અપેક્ષા રાખે છે. ત્યાં સુધી કે ઈચ્છાઓને પૂરી કરવા માટે મનુષ્ય મૂલ્યોને પણ બાજુમાં મૂકી દે છે. દરરોજ ધન, પદ, માન વિગેરેની પ્રાપ્તિની ઈચ્છાઓમાં આંધળા બનીને મનુષ્ય કેવા કેવા ખરાબ કર્મ કરે છે તેના ઉદાહરણો દરરોજ ઓફિસો, ઘરો, રાજનીતિ તથા અન્ય જગ્યાઓએ ચર્ચામાં હોય છે. માટે ટૂંકા સમયની ઈચ્છાઓ કરવા કરતાં હૃદયમાં પ્રભુ પ્રેમને સ્થાન આપો. પ્રભુના સાથનો અનુભવ કરતા કરતા સંસાર સાગર થી હેમ ખેમ પાર થઈ જાવ.
વિજ્ઞાને જીવનના તમામ તબક્કાઓમાં ખૂબ મોટું પરિવર્તન લાવેલ છે. જુના જમાનાની વર્ષો પહેલાની જીવન પદ્ધતિ અને અત્યારની જીવન પદ્ધતિમાં રાત- દિવસ નું અંતર છે. પહેલા મનુષ્યએ દરેક કાર્ય પોતાની જાતે કરવું પડતું હતું, દરેક પ્રકારનો વજનદાર સામાન પોતાની પીઠ પર કે માથા પર મૂકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો પડતો હતો. પરંતુ આજે વિજ્ઞાનની કમાલના કારણે મનુષ્ય શારીરિક કસરત થી દૂર થઈ ગયો છે. જ્યાર પૈડાની શોધ થઈ છે ત્યારથી તેણે વાહનોની શોધ કરીને સડક પર દોડતા કરી દીધા છે.
ઉદાહરણ રૂપે આજે મનુષ્યના બુટમાં પણ પૈડા, મુસાફરી દરમિયાન સાથે રાખેલ બેગમાં પણ પૈડા, રસોડામાં રાખવામાં આવતા સ્ટેન્ડમાં પણ પૈડા હોય છે. પૈડા થી બનેલ સાધનો દ્વારા તે જમીન પર ઝડપથી પસાર થવાનો, પાણીમાં ઝડપથી પસાર થવાનો તથા હવામાં ઉડવાનો આનંદ લઈ રહેલ છે. વજનદાર ચીજો ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય છે. પરંતુ આટલી બધી સગવડો મળવા છતાં પણ શું મનુષ્ય સાચે સાચ હલકો છે? પ્રસન્ન ચિત્ત છે? શું તેને આંતરિક હલકા પન, નિશ્ચિંતતા, સંતુષ્ટતા તથા પ્રસન્નતા પ્રાપ્ત છે? આનો જવાબ છે – “ના”. કારણ કે ભૌતિક સુખ સગવડોએ ભલે ભૌતિક ચીજોના ભારને હલકો કરી દીધો છે, પરંતુ માનવીનું મન ખૂબ દબાણ ભાર અનુભવ કરી રહેલ છે. એ સત્ય છે કે આજે મનુષ્યના હાથોમાં, પીઠ ઉપર કે માથા ઉપર ભાર નથી પરંતુ મન અદ્રશ્ય ભારના ખૂબ દબાણમાં છે. સુતા-જાગતા, ચાલતા, ફરતા, ઉઠતા-બેસતા કાર્ય વ્યવહાર કરતા દરેક સેકન્ડે તેનું મન ભારે રહે છે. ઈચ્છા ન હોવા છતાં પણ મનના ભારને ઉઠાવવા માટે તે મજબૂર છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે દ્વિમાસિક ધિરાણ નીતિની સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રેપો રેટ 6.5 ટકાએ યથાવત રહેશે. તેમણે કહ્યું હતું કે ઓક્ટોબરમાં મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. એથી હાલ હોમ લોનના હપતા નહીં વધે કે ઘટે. RBIના નિર્ણયને પગલે NSEનો નિફ્ટી50 ઇન્ડેક્સ સૌપ્રથમ વાર 21,000ને પાર થયો હતો.રિઝર્વ બેન્કે ત્રણ દિવસની મોનિટરી પોલિસી મિટિંગ પૂરી થયા પછી રેપો રેટને 6.50 ટકા યથાવત્ રાખ્યો છે. આ સતત પાંચમી વાર RBIએ રેપો રેટમાં કોઈ બદલાવ નથી કર્યો.
ચાલુ નાણાકીય વર્ષ માટે વૃદ્ધિનો અંદાજ અગાઉના 6.5 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રાહક ભાવ આધારિત ફુગાવો (CPI) આધારિત છૂટક ફુગાવો 5.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. એ સાથે રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર છે. વ્યાજદરોમાં આજે ફેરફાર નહીં થવાને કારણે MSF રેટ અને બેન્ક રેટ 6.75 ટકા પર યથાવત છે. જ્યારે SDF 6.25 ટકા પર છે.
ચાલુ નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળા માટેનો આર્થિક વિકાસ દર ૭.૪૦ ટકા રહ્યો છે જે રિઝર્વ બેન્કની અપેક્ષા કરતા સારો છે. ઓકટોબરમાં ફુગાવો ઘટીને ૪.૭૦ ટકા આવ્યો છે અને દેશનો આર્થિક વિકાસ દર પણ સાનુકૂળ સ્થિતિમાં છે ત્યારે વ્યાજ દરમાં હવે વધારો નહીં પરંતુ આવનારા દિવસોમાં ઘટાડો જોવા મળવાની સંભાવના વધી ગઈ છે એમ એક ફાઈનાન્સ કંપનીના એક્ઝિકયૂટિવ ચેરમેને અગાઉ જણાવ્યું હતું.
કોઈ પણ વિષયને સમજ્યા વિના એના વિષે કશું પણ કહી ન શકાય. પણ આજકાલ લોકો ક્યાંકથી ઉછીનું જ્ઞાનન લઇ અને પંડિત દેખાવા પ્રત્યત્ન કરે છે. જેમને સાચી સમજણ છે એ લોકો વિસરાતા જાય છે. અને જેમને માત્ર દેખાડા કરતા આવડે છે એ પોતાનો પ્રભાવ દેખાડી શકે છે. ભારતીય શાસ્ત્રો એ માત્ર વાર્તાઓ નથી એમાં પણ ગણિત, વિજ્ઞાન જેવા અનેક વિષયો આવરી લેવામાં આવ્યા છે. વળી સંસ્કૃત સમયમાં જે લખાયું છે એ બધું જ આજે સંસ્કૃતમાં વંચાય છે એ નથી. કોઈ પણ વ્યક્તિ જે સંસ્કૃત જાણતી હોય તે આજની વાત પણ સંસ્કૃતમાં લખી શકે છે. ટેકનોલોજી ના વિકાસ સાથે આવું ઘણું થવાની સંભાવના વધી રહી છે. એવા સમયમાં આપણાથી મૂળ સાચવી રાખવા અત્યંત જરૂરી છે.
મિત્રો, આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: હું આજે એક પ્રદર્શન જોવા ગઈ હતી. એમાં એક વ્યક્તિએ વાસ્તુ આધારિત પ્રયોગો કર્યા હતા. એમના કહેવા પ્રમાણે માત્ર છજજાની આકૃતિ બદલવાથી જગ્યા વાસ્તુ પરફેક્ટ બની જાય છે. શું આ સાચું છે?
જવાબ: તમારો સવાલ ખુબ જ માર્મિક છે. આજના સમયમાં જેને વિષય વિષે કશું પણ જ્ઞાન નથી એવી વ્યક્તિઓ પણ એ વિષયને પોતાના ફાયદા માટે રજુ કરે છે. અને સહુથી આઘાતજનક વાત એ છે કે જેમને આ વિષય નથી સમજતો એ લોકો નિષ્ણાતની માફક એના પર વિમર્શ કરે છે. અને કદાચ ભવિષ્યમાં વાસ્તુશાસ્ત્રના કોર્સમાં માત્ર છજજાનો જ ઉલ્લેખ હોય એવું પણ બને. જો માત્ર છજજાના આક્રો બદલવાથી જ સકારાત્મક ઉર્જા મળતી હોત તો હજારો વરસ સુધી કોઈ આ વિષયના નિયમો શોધવા માટે પ્રયત્ન જ ન કરત. કોઈ પણ જગ્યા વાસ્તુ આધારિત છે એનું સર્ટીફીકેટ મળવાથી એ સકારાત્મક નથી બની જતી. એના માટે નિયમોનું પાલન ખુબ જરૂરી છે. શાસ્ત્રોમાં શોર્ટ કટ થોડા જ ચાલે?
સવાલ: મારા લગ્ન મારા મમ્મીની મરજીથી થયા. મારી પત્ની અને હું બંને ખુબ જ અલગ છીએ. મારી પત્ની ગામડામાં ભણી છે અને મારો અભ્યાસ વિદેશમાં થયો છે. એને લડવા જોઈએ છે અને મને શાંતિ. એને તેલમાં તરતું ખાવાનું ભાવે છે અને મને સાત્વિક. એને વાતને છુપાવવાની ગમે છે અને હું એને બધું જ સાચું કહું છુ. એને ઝગડા કરવા અને કંકાસ ગમે છે, મને શાંતિ. એને બાળકો નથી ગમતા અને મારા બાળકો મારાથી ખુબ નજીક છે. એને વાંધા કાઢવા ગમે છે અને મને સંતોષ. આ ઉપરાંત એ મને ગમે તેવું સંભળાવી અને પછી રાડારાડ કરે છે કે મને મારી નાખો. મારું તો નસીબ જ ખરાબ છે. સાહેબ, હું ભલો માણસ છુ તો પણ મારી પત્ની બધાને મારા વિષે ગમે તેવી વાતો કરે છે. મારે છુટા થવું છે. મારા ઘરના કહે છે કે એ ગમે તેવી હોય આપણે સંસ્કાર ન છોડાય. મારી ઉમર એકસઠની થઇ. મારા પોતાનો બીઝનેસ છે એટલે સારું કમાઉ છુ. એ બધાને એવું કહે છે કે હું કશું કમાતો નથી. હવે હદ થઇ ગઈ છે. એ દાદાગીરી કરીને મારી પાસે ઘરનું બધું કામ કરાવે છે. ધમકીઓ આપે છે કે હું તમારા વિષે અફવાઓ ફેલાવીને સમાજમાં રહેવાનું મુશ્કેલ કરી દઈશ. એ વારંવાર ભાગી જાય અને પાછી આવી પણ જાય છે. એને કશું પૂછીએ તો જવાબ આપવાના બદલે લડ્યા કરે છે. મારી તબિયત બગડી રહી છે. ક્યારેક તો લાગે છે કે એ મારા મરવાની જ રાહ જોઈ રહી છે. શું સંસ્કાર મારે જ દેખાડવાના? મોટી ઉમરે છુટા ન થવાય?
જવાબ: તમારે લગ્ન નહોતા કરવા પણ થઇ ગયા. કોઈ કારણ હશે. પણ એ પછી તમને અત્યારે સમજાયું કે નથી ફાવતું? મોટા ભાગે આપણે સંસ્કાર શબ્દને સમજ્યા જ નથી. વળી આખી જિંદગી લડ્યા કરવા કરતા છુટા થઇ જવું વધારે સારું છે. તમારા બંનેમાં કોઈ સામ્યતા નથી. મનમાં દ્વેષ રાખીને ન જ જીવાય. કોઈ વડીલની હાજરીમાં સાથે બેસીને વિચારો. અને જો સમાધાન ન દેખાય તો છુટા પડી જ શકાય. તમારા ઘરમાં ઉત્તરનો દોષ છે. રસોડાનું પ્લેટફોર્મ પશ્ચિમમાં છે. આવા સંજોગોમાં નારીને લડવું ગમે. બુધવારે સમળાના વૃક્ષને દૂધ ચડાવો. શિવલિંગ પર પંચામૃતનો અભિષેક કરો.
સુચન: ઉત્તર મધ્યમાં કેસરી રંગ યુગલના સંબંધ પર નકારાત્મક અસર કરી શકે છે.