Home Blog Page 2272

રાજપૂત કરણી સેનાના સુખદેવસિંહની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યએ લીધી

જયપુરઃ અહીંના શ્યામ નગર વિસ્તારમાં આજે બપોરે બનેલા એક ચોંકાવનારા બનાવમાં, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડીની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી છે. બે હુમલાખોરોએ ગોગામેડીના ઘરમાં ઘૂસીને એમની પર ગોળીબાર કર્યો હતો. હુમલાખોરો એક મોટરસાઈકલ પર સવાર થયા હતા. ગોળીબાર કરીને બંને જણ ફરાર થઈ ગયા હતા.

પોલીસો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગોગામેડીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ એમને મૃત લાવેલા ઘોષિત કર્યા હતા. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી લગાવી દીધી છે.

સીસીટીવી ફૂટેજ ઈન્ટરનેટ પર વાઈરલ

સુખદેવસિંહ ગોગામેડીને એમના ઘરમાં ઘૂસીને બે શખ્સે ઠાર કર્યા તેનો સીસીટીવી ફૂટેજ વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હત્યારા શૂટરો સુખદેવસિંહ અને એમના એક સહયોગીની સાથે બેઠા હતા. અચાનક બંને શખ્સે બંદૂક કાઢી હતી અને ગોળીબાર શરૂ કર્યો હતો.

દરમિયાન, ગોગામેડીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ટોળકીના એક સભ્ય રોહિત ગોડારાએ લીધી છે.

NSEના SME પ્લેટફોર્મ પર માર્કેટ કેપે રૂ. એક લાખ કરોડની સપાટી વટાવી

મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જના ઈમર્જ પ્લેટફોર્મ પર જ્યાં SME કંપનીઓ લિસ્ટેડ છે, તેમનું કુલ કેપિટલાઈઝેશન સૌપ્રથમ વાર વધીને રૂ. એક લાખ કરોડની સપાટી વટાવી ગયું છે. NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને આ પ્રસંગે કહ્યું હતું કે NSE ઈમર્જની આ સિદ્ધિ મહત્ત્વપૂર્ણ છે અને તે દર્શાવે છે કે ભારતીય MSME ક્ષેત્રમાં દેશના અર્થતંત્રને વેગ આપવાની સંભાવનાઓ  છુપાયેલી છે. અમે NSEમાં મૂડીબજારમાંથી સરળતાથી મૂડી એકત્ર કરી શકાય એ માટે પ્રયત્નશીલ છીએ અને દેશના MSMEsને NSE ઈમર્જ મારફત મૂડી પ્રાપ્ત કરવાના વિકલ્પને અપનાવવા માટેનું આવાહન કરીએ છીએ. 

વર્ષ 2012માં આ પ્લેટફોર્મનો પ્રારંભ કરાયો ત્યારથી તે નાના અને મધ્યમ કદના ઉદ્યોગ સાહસોના વિકાસ માટે મૂડી એકત્ર કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે. હાલમાં SME પ્લેટફોર્મ પર 397 કંપનીઓ લિસ્ટેડ છે, જેમણે રૂ.7800 કરોડથી અધિક મૂડી એકત્ર કરી છે. 2017માં NSEમાં નિફ્ટી SME ઈમર્જ ઈન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો હતો, જેમાં અત્યારે 19 ક્ષેત્રની 166 કંપનીઓ છે. આ કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં નવેમ્બર 2023 સુધીમાં 37.78 ટકાની વૃદ્ધિ થઈ છે.

આ વર્ષે NSEએ તેના ઈમર્જ પ્લેટફોર્મ પરથી કંપનીઓના મેન બોર્ડમાં સ્થળાંતર માટેનાં ધોરણો મજબૂત કર્યાં હતાં, જેથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત કંપનીઓમાં અનુપાલનનું ઊંચું પ્રમાણ રહે.

 

 

 

 

 

IC15 ઇન્ડેક્સ 481 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં એક દિવસની મોટી તેજી બાદ કોન્સોલિડેશન જોવા મળ્યું છે. વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.92 ટકા (481 પોઇન્ટ) ઘટીને 51,847 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 52,328 ખૂલીને 52,717ની ઉપલી અને 51,305 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન ઘટ્યા હતા, જેમાંથી સોલાના, ચેઇનલિંક, એક્સઆરપી અને પોલીગોન ટોચના ઘટેલા કોઇન હતા. જોકે બિટકોઇન 41,000ની ઉપર રહી શક્યો હતો.

દરમિયાન, ભારતીય નાણાં મંત્રાલયે જણાવ્યા મુજબ 28 વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સના સર્વિસ પ્રોવાઇડર્સે દેશના ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટમાં નોંધણી કરાવી છે. તેઓ મની લોન્ડરિંગને અટકાવવા માટેના કાયદાનું પાલન કરશે. બીજી બાજુ, યુનાઇટેડ કિંગડમમાં હાઉસ ઓફ કોમન્સે બેન્ક ઓફ ઇંગલેન્ડ અને નાણાં ખાતાને કહ્યું છે કે તેઓ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) વિશે વધુ સપષ્ટતા ઇચ્છે છે.

અન્ય એક અહેવાલ મુજબ ટ્રેઝર નામનું ક્રિપ્ટો વોલેટ બિટકોઇન વિશે જાગરુકતા વધારવા માટે આફ્રિકામાં ટ્રેઝર એકેડેમી નામનો નવો શૈક્ષણિક કાર્યક્રમ શરૂ કરી રહ્યું છે.

IPLમાં પહેલીવાર મહિલા ક્રિકેટરોની હરાજી કરશે!

IPL 2024 ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવા જઈ રહી છે. આ વખતે પ્રથમ વખત ભારતની બહાર હરાજીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ હરાજીમાં પ્રથમ વખત મહિલા હરાજી કરનાર ખેલાડીઓની હરાજી કરી શકશે. આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર બે જ પુરૂષોએ હરાજી કરી છે, પરંતુ પ્રથમ વખત કોઈ મહિલા આ કાર્યને પાર પાડી શકે છે.

કોણ છે મલ્લિકા સાગર?

તાજેતરના અહેવાલો અનુસાર, હ્યુ એડમ્સ IPLની 17મી સિઝનમાં ખેલાડીઓની હરાજી કરતા જોવા મળશે નહીં. સ્પોર્ટ્સસ્ટારના એક અહેવાલ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ઉમેદવારોને જાણ કરી છે કે IPL 2024 ની હરાજી માટે તેમની સેવાઓ લેવામાં આવશે નહીં. તે જ સમયે, તેના સ્થાને મલ્લિકા સાગરનો સંપર્ક કરવામાં આવ્યો છે, જે 19 ડિસેમ્બરે દુબઈમાં ખેલાડીઓ માટે બિડ મેળવી શકે છે.

તમને જણાવી દઈએ કે મલ્લિકા સાગર મુંબઈની રહેવાસી છે અને આ પહેલા પણ આ કામ કરી ચુકી છે. તેણે વિમેન્સ પ્રીમિયર લીગ 2023 એટલે કે WPLની પ્રથમ સિઝનમાં તમામ ખેલાડીઓની સફળતાપૂર્વક હરાજી કરી હતી. વુમન્સ પ્રીમિયર લીગમાં તેની અલગ-અલગ સ્ટાઈલની હરાજીને પણ લોકોએ પસંદ કરી હતી. આ સિવાય મલ્લિકા સાગરે પ્રો કબડ્ડી લીગ 2021ની હરાજીમાં ખેલાડીઓની હરાજી પણ કરાવી હતી. મતલબ કે મલ્લિકા સાગરને આ કામનો પૂરેપૂરો અનુભવ છે અને હવે તે IPL 2024ની હરાજીમાં ખેલાડીઓની હરાજી પણ કરાવી શકે છે.

IPLમાં આજ સુધી હરાજી કોણે કરી છે?

આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી આઈપીએલ 2023 સુધી કુલ 16 સીઝન થઈ છે અને આ સમયગાળા દરમિયાન માત્ર બે લોકોએ જ હરાજીનું આયોજન કર્યું છે. રિચર્ડ મેડલી IPLના ઇતિહાસમાં પ્રથમ હરાજી કરનાર હતા, જેમણે 2008 થી IPL 2018 સુધી ખેલાડીઓની હરાજી કરી હતી. તે પછી, હ્યુજીસ એડમીડ્સે તેમના સ્થાને હરાજી કરનારની જવાબદારી સંભાળી, અને તેણે જ 2023 સુધી ખેલાડીઓ માટે બિડિંગનું સંચાલન કર્યું.

IPL 2022ની હરાજીના પહેલા દિવસે એડમ્સની તબિયત બગડી હતી અને તે સ્ટેજ પર જ પડી ગયો હતો. જે બાદ થોડા સમય માટે હરાજી અટકાવી દેવામાં આવી હતી, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને ચારુ શર્મા દ્વારા હરાજીની પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવી હતી. જો કે, એ જ હરાજીના બીજા દિવસે, એડમ્સ હરાજી કરવા માટે પાછો આવ્યો. હવે જોવાનું એ રહે છે કે IPL 2024ની હરાજીમાં શું ફેરફાર થાય છે.

BSE સેન્સેક્સ, નિફ્ટી નવી ઓલટાઇમ ઊંચી સપાટીએ બંધ

અમદાવાદઃ શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે રેકોર્ડ તેજી જારી રહી છે અને ત્રણ રાજ્યોમાં ભાજપને મળેલી ભવ્ય જીત પછી સતત બીજા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ થયાં હતાં. BSE સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઇમ ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા. બે ટ્રેડિંસ સેશનમાં સેન્સેક્સ 1815 પોઇન્ટ ઊછળ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. ત્રણ લાખ કરોડનો વધારો થયો હતો.

BSE સેન્સેક્સ 431 પોઇન્ટ ઊછળીને 69,296.14 અને નિફ્ટી 168.30 પોઇન્ટ ઊછળીને 20,855.10ના મથાળે બંધ આવ્યો હતો. FIIએ સોમવારે રૂ. 2073.21 કરોડના શેરો ખરીદ્યા હતા.

નિફ્ટી બેન્ક અને મિડકેપ શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી. બેન્કિંગ, PSE અને ઓટો શેરોમાં તેજીની આગેકૂચ રહી હતી. જોકે IT, રિયલ્ટી, FMCG અને ફાર્મા શેરો પર વેચવાલીનું દબાણ હતું. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ સતત 13મા દિવસે પણ રેકોર્ડ સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સે ઇન્ટ્રા-ડેમાં 69,381 અને નિફ્ટીએ 20,864 અને નિફ્ટી મિડકેપે 44,188ની સપાટી સર કરી હતી. નિફ્ટી 50માંના 19 શેરો 52 સપ્તાહના રેકોર્ડ સ્તરે બંધ થયા હતા.

અદાણી ગ્રુપના શેરોમાં તેજી

અદાણી ગ્રુપના શેરોમાં ભારે તેજી થઈ હતી. ગ્રુપનું કુલ માર્કેટ કેપ રૂ. 14 લાખ કરોડે પહોંચ્યું હતું. આ ગ્રુપના માર્કેટ કેપમાં રૂ. ત્રણ લાખ કરોડથી વધુનો વધારો થયો હતો.

BSE પર કુલ 3875 શેરોમાં કામકાજ થયાં હતાં, એમાંથી 1786 શેરોમાં તેજી થઈ હતી અને 1970 શેરોમાં નરમ બંધ આવ્યા હતા, જ્યારે 119 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 375 શેરોએ 52 સપ્તાહની સપાટી સર કરી હતી, જ્યારે 27 શેરોએ 52 સપ્તાની નીચલી સપાટી સર કરી હતી.

 

 

 

 

 

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૫ ડિસેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૫ ડિસેમ્બર, ૨૦૨૩

ચેન્નાઈના વાવાઝોડામાં ફસાયા આમિર ખાન, અભિનેતાનું કર્યું રેસ્ક્યું

ચક્રવાત મિચૌંગે ચેન્નાઈમાં ભારે નુકસાન કર્યું છે. આ સમયે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ચેન્નાઈથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે બોલિવૂડ એક્ટર આમિર ખાન પણ છેલ્લા 24 કલાકથી આ તોફાનમાં ફસાયેલા છે. અભિનેતા વિષ્ણુ વિશાલ પણ તેની સાથે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગ આમિર ખાનને બચાવતો જોવા મળ્યો હતો. આમીરની સાથે એક્ટર વિષ્ણુ વિશાલ પણ આ તોફાનમાં ફસાયા હતા. બંનેને હવે 24 કલાક બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

વિષ્ણુ વિશાલે તોફાનની તસવીરો શેર કરી છે

વિષ્ણુ વિશાલે પોતે પોતાના X એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરીને આ જાણકારી આપી છે. આમિર ખાન અને બચાવ વિભાગ સાથેની કેટલીક તસવીરો શેર કરતા વિષ્ણુ વિશાલે કેપ્શનમાં લખ્યું, ‘અમારા જેવા ફસાયેલા લોકોને મદદ કરવા માટે ફાયર અને રેસ્ક્યૂ વિભાગનો આભાર…અને સતત કામ કરી રહેલા તમામ વહીવટી લોકોનો પણ આભાર. …’ તસવીરોમાં આમિર અને વિષ્ણુ બોટમાં બેઠેલા જોવા મળે છે.

સાઉથના સ્ટાર્સે 10 લાખ રૂપિયાનું દાન આપ્યું છે

મળતી માહિતી મુજબ દક્ષિણના કલાકારો સૂર્યા અને કાર્તિએ ચેન્નાઈના લોકોની મદદ માટે 10 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ કલાકારોના ફેન ક્લબ દ્વારા વહેંચવામાં આવશે.

આ ફિલ્મમાં આમિર ખાન જોવા મળ્યો હતો

આમિર ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેતા છેલ્લે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ હાલતમાં હતી. જે બાદ અભિનેતાએ થોડા સમય માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો.

નવી મુંબઈમાં 24 કલાકમાં 6 બાળકો ગૂમ થયાની પોલીસમાં ફરિયાદ

નવી મુંબઈઃ મુંબઈની પડોશના થાણે જિલ્લામાં આવેલા નવી મુંબઈ શહેરના જુદા જુદા ભાગોમાંથી ગત્ 24 કલાકમાં ચાર બાળકો ગૂમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આમાં ચાર સગીર વયની છોકરીઓ છે અને બે છોકરા છે. બાળકોને શોધી કાઢવા માટે પોલીસતંત્ર કામે લાગી ગયું છે. એમાંના એક બાળકનો પતો લાગ્યો હતો અને તેનું એના માતાપિતા સાથે પુનર્મિલન કરાવવામાં આવ્યું છે.

ગૂમ થયેલાં બાળકો 12-15 વર્ષની વયનાં છે. તેઓ 3-4 ડિસેમ્બર વચ્ચે ગૂમ થયાં હતાં. 12 વર્ષના એક છોકરો કોપરખૈરણે ઉપનગરમાંથી ગૂમ થયો હતો. એ બાદમાં થાણે રેલવે સ્ટેશન નજીક મળી આવ્યો હતો. એનો એના માતાપિતા સાથે પુનઃ મેળાપ કરાવી દીધો છે.

13 વર્ષની એક છોકરી કળંબોલી ઉપનગરમાંથી ગૂમ થઈ છે. એ ગયા રવિવારે એનાં ક્લાસમાં ભણતી એક છોકરીના જન્મદિવસની પાર્ટીની ઉજવણીમાં ગઈ હતી, પણ પાછી ફરી નહોતી. પનવેલમાં 14-વર્ષની એક છોકરી ગયા રવિવારે એની એક સહેલીનાં ઘેર એક પ્રસંગે ગઈ હતી, પણ પોતાનાં ઘેર પાછી ફરી નહોતી.

કમોઠે ઉપનગરમાં 12 વર્ષની એક છોકરી ગૂમ થઈ છે. એ ગઈ કાલે એનાં ઘેરથી બહાર નીકળ્યાં બાદ પાછી ફરી નહોતી. રબાળે ઉપનગરમાં 13-વર્ષની એક છોકરી શાળાએ જવા એનાં ઘેરથી નીકળી હતી, પણ ઘેર પાછી ફરી નહોતી. રબાળેમાં જ 13-વર્ષનો એક છોકરો વહેલી સવારે જાહેર શૌચાલયમાં ગયો હતો, પણ તે પછી ઘેર પાછો ફર્યો નહોતો.

ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા ચાંપાનેર ફેસ્ટિવલ યોજાશે

વડોદરા: પાવાગઢનાં ડુંગરો નજીક સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેરમાં ચાંપાનેર ફેસ્ટિવલ યોજાશે. જે આ નગરના મલ્ટિપલ આઇકોનિક હેરિટેજ સ્ટ્રક્ચર અને પૌરાણિક વાર્તાઓને રજૂ કરતા તેના ઈતિહાસને પુનઃ જીવિત કરશે. દેશના અદભુત વારસાને જાળવતાં તેના પારંપારિક અને ઐતિહાસિક સ્મારકો વિશે થિમેટિક મ્યુઝિક અને ઇમેજ ટ્રાન્સફોર્મિંગ શેડો લાઇટ શો દ્વારા જાગૃતિ અને માહિતી આપવાના મિશનને આગળ વધારતા ક્રાફ્ટ ઓફ આર્ટના ફાઉન્ડર અને આર્ટિસ્ટિક ડિરેક્ટર અને ભરતનાટ્યમનાં જાણીતાં કલાકાર બિરવા કુરેશી દ્વારા સ્થાપિત ક્રાફ્ટ ઓફ આર્ટ (Crraft Of Art) 9 ડિસેમ્બરે- શનિવારે ચાંપાનેર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં 14 વર્ષથી ક્રાફ્ટ ઓફ આર્ટ દેશના અમૂલ્ય અને સમૃદ્ધ વારસા સાથે લોકોને જોડવાનું મિશન ચલાવી રહ્યું છે. વાઇબ્રન્ટ મ્યુઝિકલ સેલિબ્રેશન, કલા, હસ્તકલા, કલાકારો, કારીગરો, સ્થાપત્ય, ઇતિહાસ, વારસો અને પરંપરાની વાર્તાઓ દ્વારા સ્મારકો સુધી લોકોને પહોંચાડવામાં સફળ રહ્યા છીએ.ચાંપાનેર ફેસ્ટિવલ એક લીપ ફોર્વર્ડનું પ્રતિનિધિત્વ કરે છે અને ફોટો પ્રદર્શન તથા મ્યુઝિયમ ડિસ્પ્લે સહિત વ્યાપક કેનવાસને આવરી લેતા સંગીતની મદદથી લોકોને આકર્ષે છે. જેમાં સ્થાનિક હસ્તકલા, સ્વાદિષ્ટ ભોજન, લોક સંગીત; વિવિધ સ્થળોએ સૂફી, શાસ્ત્રીય અને વિશ્વની સંગીતકળાઓને આવરી લેતા સંગીત સમારોહની વિવિધ શ્રેણી ઉપરાંત નૃત્ય, જોવાલાયક સ્થળો અને વૉકિંગ ટૂરને પણ આવરી લેવામાં આવે છે.

ચાંપાનેર ફેસ્ટિવલમાં કલાકારોની અદભૂત શ્રેણીમાં તબલા ઉસ્તાદ ઉસ્તાદ ફઝલ કુરેશી પર્ફોર્મન્સ આપશે.સિતારવાદક નિલાદ્રિ કુમાર, સેક્સોફોનિસ્ટ અને સંગીતકાર જ્યોર્જ બ્રૂક્સ, વર્સેટાઇલ કીબોર્ડ પ્લેયર સંગીત હલ્દીપુર અને બાસ પ્લેયર શેલ્ડન ડિસિલ્વા પણ પર્ફોર્મન્સ આપશે.

ડ્રમર અને સંગીતકાર દર્શન દોશી તથા લોક અને સૂફી ગાયક ઓસ્માન મીર પણ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા ચાંપાનેર ફેસ્ટિવલમાં પરફોર્મ કરશે. સાંજની બીજી વિશેષતા દાદી પુદુમજી અને ધી ઈશારા પપેટ થિયેટર દ્વારા યોજાનારી જાયન્ટ પપેટ પરેડ હશે. જાણીતા અભિનેતા માનવ ગોહિલ કાર્યક્રમનું સંચાલન કરશે. છોટા ઉદેપુરના પરંપરાગત પિથોરા ચિત્રકાર કે જેઓ આ કળાને દેશની બહાર સુધી વિસ્તરિત કરી છે એવા પરેશ રાઠવા પણ ચાંપાનેર ફેસ્ટિવલનો ભાગ બનશે.

સ્પેશિયલ ફેસ્ટિવલમાં એક મિનાર કી મસ્જિદ, સાકર ખાનની દરગાહ, દક્ષિણ ભદ્રા ગેટ, સિટાડેલ, સેહેર કી મસ્જિદ અને જામી મસ્જિદ જેવી ઘણી સાઇટ્સ પર કાર્યક્રમો યોજાશે. સંગીત અને લાઈટ ઉપરાંત, ભવ્ય ભૂતકાળને અકબંધ જાળવી રાખનારા સ્થાનિક લોક કલાકારો પણ ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરશે.

 

 

 

 

રાજ્યમાં હાર્ટ એટેકથી એક વર્ષમાં 2853નાં તત્કાળ મોત

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં મોટા પાયે વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકથી તત્કાળ મોત થવાના 2853 કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યમાં  છ મહિનામાં હાર્ટ એટેકથી 1052 જણનાં મોત થયાં છે. એમાંથી મોટા ભાગના લોકોની ઉંમર 11થી 25 વર્ષની છે. રાજ્યમાં 108 નંબરની એમ્બ્યુલન્સ સેવાને દરરોજ હૃદયરોગને લગતા સરેરાશ 173 કોલ આવે છે.

એક અંદાજ પ્રમાણે પ્રતિદિન હાર્ટ એટેકથી ચારથી પાંચ લોકોનાં મોત થઈ રહ્યાં છે. શિક્ષણપ્રધાન કુબેર ડીંડોરે શુક્રવારે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા છ મહિનામાં હૃદયરોગના હુમલાને કારણે કુલ 1052 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી 80 ટકા લોકો 11-25 વર્ષની વય જૂથના હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે  હાર્ટ એટેકના કેસોને ધ્યાનમાં રાખીને લગભગ બે લાખ શાળાના શિક્ષકો અને કોલેજના પ્રોફેસરોને ‘કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન’ (CPR)ની તાલીમ આપવામાં આવશે.

રાજ્યમાં. છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકથી તત્કાળ મોત થવાના 2853 કેસ નોંધાયા છે, જેમાં 2529 પુરુષ અને 324 મહિલાનો સમાવેશ થાય છે. આ સાથે હૃદય રોગનો હુમલો થવાથી તત્કાળ મોત થવાની દેશમાં 31,900 ઘટના નોંધવામાં આવી છે, જેમાં 27,556 પુરુષ અને 4241 મહિલા અને ત્રણ ટ્રાન્સજેન્ડર્સનો સમાવેશ થાય છે. આ સમયગાળામાં સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં મહારાષ્ટ્ર 12,591 સાથે મોખરે, કેરળ 3993 સાથે બીજા, ગુજરાત ત્રીજા, કર્ણાટક 2070 સાથે ચોથા અને મધ્ય પ્રદેશ 1672 સાથે પાંચમાં સ્થાને છે, એમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોનો ડેટા કહે છે.

વર્ષ 2022માં રાજ્યમાં વર્ષ 2021માં હાર્ટએટેકથી તત્કાળ મોત થયાની કુલ 2948 ઘટના નોંધાઈ હતી. જેમાં 2611 પુરુષ અને 339 મહિલાનો સમાવેશ થાય છે.