Home Blog Page 2284

‘દુશ્મનોના કોઈ પણ દરિયાઈ લશ્કરી દુઃસાહસને ખાળવા ભારતીય નૌકાદળ સુસજ્જ છે’

મુંબઈઃ ભારતીય નૌકાદળ દ્વારા ઉજવવામાં આવનાર ‘નેવી વીક-2023’ની પૂર્વસંધ્યાએ આજે, અત્રે લાંગરેલા યુદ્ધજહાજ ‘આઈએનએસ ચેન્નાઈ’ ખાતે આયોજિત ‘નેવી ડે પત્રકાર પરિષદ’માં પશ્ચિમી નૌકા કમાન્ડના વડા વાઈસ-એડમિરલ દિનેશ ત્રિપાઠીએ કહ્યું હતું કે દેશની દરિયાઈ સીમાઓનું રક્ષણ કરવા માટે દરિયાઈ માર્ગેથી કોઈ પણ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે નૌકાદળ સુસજ્જ છે.

વાઈસ-એડમિરલ ત્રિપાઠીએ એમ પણ કહ્યું કે, ‘ભારતીય નૌકાદળને એ વાતનું ગર્વ છે કે આપણા દેશ પાસે એવા 21 યુદ્ધજહાજો અને પાંચ સબમરીન છે જે છેલ્લા નવ વર્ષમાં સ્વદેશી ટેક્નોલોજી વડે દેશના જ શિપયાર્ડમાં બનાવવામાં આવ્યા છે.’

‘તદુપરાંત, નૌકાદળે રૂ. 1.15 કરોડના ખર્ચવાળા 12 શિપબિલ્ડિંગ કોન્ટ્રાક્ટ કર્યા છે, જે અંતર્ગત ભારતીય જહાજવાડાઓમાં 65 જહાજોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે,’ એવી જાણકારી પણ વાઈસ-એડમિરલે આપી.

વાઈસ-એડમિરલ ત્રિપાઠીએ વધુમાં કહ્યું કે, ‘ભારતની સમુદ્રી સુરક્ષા ઉપર આવે એવા કોઈ પણ જોખમનો સામનો કરવા માટે પશ્ચિમી નૌકા કમાન્ડે લક્ષ્ય અપનાવ્યું છે – ‘મિશન તૈનાત અને યુદ્ધ માટે તૈયાર’.

‘ભારતીય તથા વૈશ્વિક અર્થતંત્ર માટે દરિયાઈ ક્ષેત્રની સલામતી સુનિશ્ચિત કરવા માટે ભારતીય નૌકાદળ મહત્ત્વપૂર્ણ ફરજ બજાવી રહ્યું છે.’

ભારતની સુરક્ષા કાજે સહકાર અને વિદેશી નીતિ ઉદ્દેશ્યોને બળ પૂરું પાડવા માટે વિદેશી દેશોના નૌકાદળો સાથે રાજદ્વારી સંપર્ક જાળવી રાખવા પર એડમિરલ ત્રિપાઠીએ ભાર મૂક્યો હતો અને જાણકારી આપી કે દેશે આ સંદર્ભમાં વીતી ગયેલા વર્ષમાં અનેક દેશોના નૌકાદળો સાથે ભાગીદારી કરીને અનેક સંયુક્ત લશ્કરી કવાયતોનું આયોજન પણ કર્યું છે.

(તસવીરકારઃ દીપક ધુરી)

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૧ ડિસેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૧ ડિસેમ્બર, ૨૦૨૩

પ્રગતિનો સાચો આધાર ઈચ્છાઓ નહીં પરંતુ શુભેચ્છાઓ હોય છે.

આજની વધતી જતી ઈચ્છાઓ ને પૂરી કરવા માટે જે વિકાસ થયો તેણે મનુષ્યને માનસિક તણાવ આપેલ છે. માટે જ પ્રગતિનો સાચો આધાર ઈચ્છાઓ નહીં પરંતુ શુભેચ્છાઓ હોય છે.

નવી શોધની પ્રણેતા જરૂરિયાત છે ન કે ઈચ્છા. બધાની જરૂરિયાત લગભગ એકસરખી હોય છે. જરૂરિયાત પૂરી કરવા વાળું સાધન કે પદાર્થ બધા માટે સુખ આપનાર હોય છે. પરંતુ બધાની ઈચ્છાઓ એક સરખી નથી હોતી. વિવિધ મનુષ્યો ની અલગ અલગ ઈચ્છાઓ પૂરી કરવા ના હેતુથી આજે બજાર એવી વસ્તુઓથી ભરાયેલ છે કે જેની વાસ્તવમાં જરૂરિયાત જ નથી. ઈચ્છાઓને જબરજસ્તીથી આવશ્યકતા બનાવવાનો આત્મઘાતી – નૈતિકતા વગરનો રસ્તો માનવ ને વિનાશ તરફ ધકેલી રહેલ છે. બધી જગ્યાએ સાધનો છે પરંતુ સંતોષ નથી, શાંતિ નથી. આ એવો કાંટાથી ભરેલ રસ્તો છે કે જ્યાં મનુષ્યને સુખના બદલે મળે છે અગ્નિ જેવો શેક. આનું કારણ છે અનિયંત્રિત ઈચ્છાઓ. માત્ર ઈચ્છાઓ કરવાથી કોઈ વસ્તુ નથી મળતી પરંતુ તેના માટે સખત પુરુષાર્થ કરવો પડે છે. સામાન્ય રીતે સારી ઇચ્છાઓ ને પુરી કરવાનો કોઈને કોઈ રસ્તો તો મળી જ રહે છે. પરંતુ ઈચ્છાઓને પૂરી કરવાનો નૈતિક રસ્તો ક્યાંય નથી દેખાતો. હવે વ્યક્તિની મુશ્કેલીઓ વધતી જાય છે. અંદરની ઈચ્છા બહાર આવવા માંગે છે પરંતુ બહાર ઈચ્છા પૂરી કરવાનો કોઈ રસ્તો દેખાતો નથી. ઈચ્છા જો અંદર રાખે તો ચેન નથી પડતું અને બહાર પ્રગટ કરે તો તે પૂરી નથી થઈ શકતી. મનુષ્ય સામાન્ય રીતે ખોટા રસ્તા તરફ આકર્ષિત થાય છે. પરિણામે ઈચ્છાઓ પતનના રસ્તે લઈ જાય છે. ઈચ્છાઓ અંગે જેટલું વધુ વિચારીશું તેટલી તે આપણા મન ઉપર પકડ મજબૂત બનાવતી જશે. ઈચ્છાઓ વધે છે તો ભાગ્ય ઘટે છે અને ઈચ્છાઓ ઘટે છે તો ભાગ્ય વધે છે. ઈચ્છાઓની કોઈ મર્યાદા નથી હોતી જ્યારે સાધનોની મર્યાદા હોય છે.

આત્માને તૃપ્ત કરવા માટે, સુખનો અનુભવ કરાવવા માટે ઈશ્વરીય જ્ઞાનનું મનન ચિંતન જરૂરી છે. જે સેકન્ડે મનુષ્ય મનનમાં મગન બની જાય છે તે સેકન્ડથી ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય છે. જેવી રીતે પ્રકાશને જોઈને જંગલી જાનવર ભાગે છે એવી જ રીતે જ્ઞાન પ્રકાશ, જ્ઞાન આનંદથી ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય છે. ઈચ્છાઓની સરખામણી પાણીના વમળમાં ફસાવવા સાથે કરવામાં આવે છે. જ્યાં સુધી મનુષ્ય કિનારે ઊભો છે ત્યાં સુધી સલામત છે. પરંતુ જ્યારે તે કિનારો છોડીને પાણીના વમળમાં છલાંગ લગાવે છે ત્યારે તે તરફડીયા મારવા લાગે છે. જો તે શારીરિક આરામ નો અનુભવ કરવા માંગે છે તો તેણે પાણીના વમળમાંથી બહાર નીકળવું પડશે. આજ વાત ઈચ્છાઓને પણ લાગુ પડે છે. જો તે આવશ્યકતાઓને પૂરી કરવા માટે પુરુષાર્થ કરી રહેલ છે તો સમજો તે કિનારા પર છે, સલામત છે તથા શાંત છે. પરંતુ જો તે ઈચ્છાઓને વશ થઈ તેને પૂરી કરવામા લાગે છે તો સમજો તે પગ પાણીમાં મૂકી રહેલ છે. તે વમળમાં ફસવાની તથા તેના પરિણામે તરફડીયા મારવાની તૈયારી કરી રહેલ છે. પાણીના વમળમાં બીજા પણ ફસાયેલ છે તે વિચાર બેચેનીને દૂર નથી કરી શકતો.

વધુ આવતા અંકમાં….

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

નિફ્ટી રેકોર્ડ સ્તરે બંધ, મિડકેપ, સ્મોલકેપ શેરોમાં પણ તેજી

અમદાવાદઃ શેરબજારનો મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી પહેલી ડિસેમ્બરે નવી સપાટી સર કરી હતી. ડિસેમ્બર સિરીઝનો પ્રારંભ તેજી સાથે થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ રેકોર્ડ ઊંચાઈએ બંધ રહ્યા હતા. સપ્ટેમ્બર ત્રિમાસિકના GDPના ડેટા પ્રોત્સાહક આવ્યા છે. એક્ઝિટ પોલમાં બે રાજ્યોમાં ભાજપ આગળ, ટેક્સ કલેક્શનમાં મજબૂત ઉછાળો, FII પરત ફરતાં અને આઠ મુખ્ય ઇન્ડસ્ટ્રીઝના પ્રોત્સાહક દેખાવથી બજારનું સેન્ટિમેન્ટ તેજીમય થઈ ગયું છે. જેથી ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 20,291ના નવા શિખરે પહોંચ્યો હતો.

સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં શુક્રવારે શેરબજારના કામકાજ તેજી સાથે થયાં હતા. BSE સેન્સેક્સ 493 પોઇન્ટની તેજી સાથે 67,481ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 134 પોઇન્ટ ઊછળીને 20,268ની સપાટીએ બંધ રહ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સ સતત 15મા દિવસે રેકોર્ડ સ્તરે બંધ થયો હતો. નિફ્ટીના 50માંથી 31 સ્ટોક્સ વધીને બંધ થયા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.96 લાખ કરોડનો વધારો થયો હતો.

આ સપ્તાહે બજાર પાંચ મહિનાની સૌથી મોટી તેજી જોવા મળી હતી. નિફ્ટી અને સેન્સેક્સ આ સપ્તાહે આશરે બે ટકાએ વધીને બંધ થયા હતા. નિફ્ટી મિડકેપમાં ત્રણ ટકા અને નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ બે ટકાની તેજી સાથે બંધ થયો હતો.

BSE પર કુલ 3872 શેરોમાં ટ્રેડિંગ થયાં હતાં, જેમાં 2139 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1603 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 130 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 373 શેરોએ નવી 52 સપ્તાહ ઊંચાઈએ પહોંચ્યા હતા, જ્યારે 23 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટી સર કરી હતી.

 

 

 

 

રેલવેના ટિકિટ ચેકરની મારપીટ કરનાર આવકવેરા અધિકારીને 6 મહિનાની જેલ

મુંબઈઃ 2016ની સાલમાં બનેલી એક ઘટનાને લગતા કેસમાં અદાલતે હાલમાં ચુકાદો આપીને એ મહત્ત્વ પર ભાર મૂક્યો છે કે કોઈ વ્યક્તિ ગમે તેટલા ઉંચા પદ પર હોય, એણે સરકારી નોકરો સાથે આદરપૂર્વક વાત કરવી જોઈએ. આ કેસ મુંબઈનો છે, જેમાં રિશીકુમાર સિંઘ નામના એક વરિષ્ઠ આવકવેરા અધિકારીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન પર સુજિતકુમાર ગુપ્તા નામના એક ટિકિટ ચેકર પર હુમલો કરવા બદલ 6 મહિનાની જેલની સજા કરવામાં આવી છે અને રૂ. એક લાખની રકમનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

બનાવની વિગત એવી છે કે, 2016ના ઓક્ટોબરમાં સીએસટી સ્ટેશન પર ટીસી ગુપ્તાએ ટિકિટ બતાવવા માટે અટકાવ્યા બાદ રિશીકુમાર સિંઘ ભડકી ગયા હતા. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. સિંઘે પોતાની ઓળખ સહાયક ઈન્કમ ટેક્સ કમિશનર તરીકે આપી હતી અને મામલો બીચકી જતાં એમણે ગુપ્તાની મારપીટ કરી હતી. પરંતુ રેલવે પોલીસે સિંઘની ધરપકડ કરી હતી અને એમની સામે આઈપીસીની કલમ 353, 332 અને 323 અંતર્ગત ગુનો નોંધ્યો હતો. બાદમાં સિંઘને એક સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. સેશન્સ જજ ડો. સ્વપ્નિલ તૌશિકરે સિંઘને અપરાધી જાહેર કર્યા હતા અને આદેશ આપ્યો હતો કે એ ગુપ્તાને વળતરપેટે રૂ. 50,000નો દંડ ચૂકવે. સિંઘ પૂરેપૂરી રકમનો દંડ ચૂકવીને જામીન પર છૂટી ગયા હતા અને સેશન્સ જજના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવાનો વિકલ્પ જાળવી રાખ્યો હતો.

રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં રણવીર સિંહને મળ્યો એવોર્ડ

નવી દિલ્હીઃ બોલીવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ જેદ્દામાં રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ધ રેડ સીઃ ઓનરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં અનેક ઇન્ટરનેશનલ સ્ટાર્સ પહોંચ્યા હતા. રણવીર સિંહને ફિલ્મોમાં કન્ટ્રિબ્યુશન માટે શેરોન સ્ટોન દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો. એવોર્ડ મેળવીને ખુશ થયેલા રણવીર સિંહે ઓડિયન્સમાં બેઠલા હોલીવૂડ સ્ટાર જોની ડેપને આઇડલ ગણાવ્યો હતો.

શેરોન સ્ટોને રણવીરનું નામ જાહેર કરતી વખતે તેની પ્રશંસા કરતાં કહ્યું હતું કે મને રણવીરને મળીને આનંદ થયો, તે કેટલો સારો છોકરો છે. એક એવોર્ડ પ્રાપ્ત કરવા માટે તેનું મંચ પર સ્વાગત કરતાં મને ખરેખર બહુ આનંદ થઈ રહ્યો છે. આ આ શબ્દો સાંભળીને રણવીર ખુશ થયો હતો અને જ્યારે મંચ પર તે ગયો. ત્યારે તેણે તેને સ્ક્રીન આઇડલ ગણાવ્યો હતો.

 

રણવીરે જોની ડેપ તરફ ઇશારો કરતાં કહ્યું હતું કે હું થોડી વાર માટે ઓફ સ્ક્રિપ્ટ જવા ઇચ્છું છું. મારા એક સ્ક્રીન આઇડલ અહીં હાજર છે. તમારી ઉપસ્થિતિમાં એવોર્ડ મેળવવો એ કેટલા સન્માનની વાત છે. તમે મને ક્રાફ્ટ વિશે જે કંઈ શીખવાડ્યું છે, એના માટે આભાર તમારો. માસ્ટર ઓફ ટ્રાન્સફોર્મેશન, વર્સેલિટી. તમે બહુ પ્રેરણાદાયી છો.

જોની ડેપ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં હતા. તેમણે તેમની ભૂતપૂર્વ પત્ની એમ્બર હર્ડ સાથેના કેસ મામલે ન્યૂઝમાં રહ્યા હતા. એમ્બરે તેમના પર કેટલાય પ્રકારના ગંભીર આરોપ લગાવ્યા હતા. ડેપે હાલમાં દર્ડની વિરુદ્ધ માનહાનિનો કેસ જીત્યો છે. હવે તે ફરીથી કામ પર ફોક્સ કરી રહ્યો છે.

 

 

 

કંગના 2024માં લોકસભા ચૂંટણી લડવાની નથી

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે એવા અહેવાલોને રદિયો આપ્યો છે કે પોતે 2024ની લોકસભા ચૂંટણી લડવાની છે. હાલમાં તેજસ ફિલ્મમાં જોવા મળેલી કંગના વિશે તાજેતરમાં એવા અહેવાલો વાંચવા મળ્યા હતા કે તે રાજકારણમાં પ્રવેશવાની છે અને ચંડીગઢ મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાની છે. તે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે અને અભિનેત્રીમાંથી નેતા બનેલાં કિરણ અનુપમ ખેરની જગ્યાએ ચંડીગઢમાં ભાજપનાં ઉમેદવાર બનશે. આ અહેવાલોને કંગનાએ આજે નકારી કાઢ્યા છે.

ઈન્ટરનેટ પર પોતાનાં રાજકારણ પ્રવેશ વિશે વાઈરલ થયેલા અહેવાલને નકારી કાઢવા માટે કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો સહારો લીધો છે. એમાં તેણે એક હિન્દી સમાચારની તસવીર શેર કરીને કહ્યું છે કે, ‘આ સમાચાર ખોટા છે. આમાં મથાળામાં જે લખ્યું છે એવું હું બોલી જ નથી.’ (હેડિંગમાં લખ્યું છેઃ ‘ચંડીગઢવાસીયોં મૈં આ રહી હૂં આપકે શહર’). કંગનાએ વધુમાં લખ્યું છે: ‘આ સમાચાર અને મથાળું વાંચીને મારાં સગાસંબંધીઓ અને મિત્રો મને એની તસવીર મોકલી રહ્યાં છે. હેડલાઈનમાં લખ્યું છે એવું હું બોલી જ નથી… બધી અફવાઓ છે.’

ઉલ્લેખનીય છે કે, કંગનાએ તાજેતરમાં એવો સંકેત આપ્યો હતો કે તે રાજકારણમાં પ્રવેશ કરશે. એણે એમ કહ્યું હતું કે ‘ભગવાન શ્રીકૃષ્ણની કૃપા હશે તો હું લોકસભાની આગામી ચૂંટણી લડીશ.’ કંગનાએ ભાજપની સરકારની કામગીરીની અવારનવાર પ્રશંસા કરતી રહી છે.

મુખ્ય મંત્રીનું સિંગાપોરને વાઇબ્રન્ટ ગુજરાતમાં સહભાગી થવા આમંત્રણ

સિંગાપોરઃ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશન સાથે જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી શુક્રવારે સિંગાપોર પહોંચ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના પ્રમોશન અને સમિટમાં સિંગાપોરની સહભાગિતા પ્રેરિત કરવા આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્ય મંત્રીએ સિંગાપોર પ્રવાસનો પ્રારંભ સિંગાપોરના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર શ્રીયુત ગેન કિમ યોંગ સાથેની મુલાકાત બેઠકથી કર્યો હતો. ત્યાર બાદ તેમણે સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેક્નોલોજી ઓફિસર સોપનેન્દુ મોહંતી તેમ જ સિંગાપોર બિઝનેસ ફેડરેશનના CEO શ્રીયુત પ્રસુન મુખર્જી અને ડેલિગેશન સાથે બેઠક યોજી હતી.

મુખ્ય મંત્રીના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે સિંગાપોરના વેપાર અને ઉદ્યોગ મંત્રી ગેન કિમ યોંગ સાથે મુલાકાતમાં સિંગાપોર અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય વેપાર- વણજ અને રોકાણો અંગે ચર્ચા કરી હતી.

આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં રિન્યુઅલ એનર્જી, ઇલેક્ટ્રિક વેહિકલ્સ, સેમિકન્ડક્ટર, ફૂડ પ્રોસેસિંગ અને ડેરી પ્રોડક્ટ જેવાં ઈમર્જિંગ સેક્ટરમાં મૂડીરોકાણ લાવવા માટે સરકાર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે લોજિસ્ટિક સેક્ટરની ઉપયોગિતા સંદર્ભે જણાવ્યું હતું કે ગ્લોબલી કનેક્ટેડ મલ્ટિપલ લોકેશન્સ અને લાંબી કોસ્ટલ લાઇનને કારણે ગુજરાત ભારતનું લોજિસ્ટિક હબ તરીકે ઊભરી રહ્યું છે.

મુખ્ય મંત્રીએ સિંગાપોરના ઉદ્યોગ અને વેપાર મંત્રીને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ બેઠકમાં મંત્રી ગેન કિમે જણાવ્યું હતું કે ભારતમાં વિકાસની અપાર સંભાવનાઓ રહેલી છે અને સિંગાપોરની કંપનીઓ ભારત સરકારના સહયોગથી કામ કરવા તત્પર છે.

તેમણે કહ્યું હતું કે સિંગાપોરને સાઉથ ઇસ્ટ એશિયા રિજનમાં ફ્રૂટ, વેજીટેબલ્સ અને ડેરી પ્રોડક્ટ માટેનું હબ બનાવવા માટે ગુજરાત જેવા સક્ષમ રાજ્ય સાથેનો સહયોગ તેમના માટે લાભદાયી બનશે. તેમણે ગુજરાત ડેલિગેશનને સિંગાપોર પોર્ટની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. એ સાથે જ સિંગાપોરે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાની તત્પરતા દર્શાવી હતી.

 

 

 

 

 

હવાઈ ઈંધણ ૪.૬% સસ્તું કરાયું, કમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ.૨૧ મોંઘું થયું

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય માનદંડને અનુરૂપ રહીને ભારતમાં જેટ ફ્યૂઅલ અથવા એવિએશન ટર્બાઈન ફ્યૂઅલ (એટીએફ)ની કિંમતમાં આજે 4.6 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એક મહિનામાં એટીએફની કિંમતમાં આ બીજી વાર ઘટાડો કરાયો છે. જોકે કમર્શિયલ વપરાશ માટેના 19 કિ.ગ્રા. વજનના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 21નો વધારો કરવામાં આવ્યો છે. 19 કિ.ગ્રા.નું કમર્શિયલ એલપીજી સિલિન્ડર મુંબઈમાં હવે રૂ. 1,749ના ભાવે મળશે. ગઈ 16 નવેમ્બરે આ દરમાં રૂ. 77નો ઘટાડો કરવામાં આવ્યો હતો.

ઘરેલુ વપરાશ માટેના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી અને 14.2 કિલોગ્રામનું સિલિન્ડર રૂ. 903 ભાવે યથાવત્ છે. એટીએફની કિંમત પ્રતિ કિલોલિટર રૂ. 1,06,155.67 છે. દરેક એરલાઈનને થતા કુલ ખર્ચમાં એટીએફનો હિસ્સો 40 ટકા જેટલો હોય છે.

યોગા એ વિશ્વને માનવ કલ્યાણ માટેની અમૂલ્ય ભેટઃ દ્રૌપદી મુર્મુ

લોનાવલાઃ યોગા એ ભારત તરફથી વિશ્વને અપાયેલી એક અમૂલ્ય ભેટ છે, જે વિશ્વ અને માનવજાતના સ્વાસ્થય માટે કલ્યાણકારી અને આશીર્વાદરૂપ છે. ૨૦૧૫થી અનેક દેશોમાં યોગા દિનની ઉજવણી થાય છે, યુનાઇટેડ નેશન (UN) દ્વારા પણ યોગાને માનવજગતની હેલ્થ માટે ઉપયોગી અને પવિત્ર માર્ગ ગણાવવામાં આવ્યો છે. આ માર્ગને આપણે સ્કૂલોના વિદ્યાર્થીઓ સુધી લઈ જઈ નવી પેઢીને તેનો લાભ ઉપલબ્ધ બનાવી શકીએ છીએ, આ હેતુથી સરકારે નવી એજયુકેશન પોલિસી-૨૦૨૦માં યોગાને સ્થાન આપ્યું છે.

આ શબ્દો દેશનાં પ્રેસિડન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુના છે, મહારાષ્ટ્રના પુણે નજીક લોનાવાલા સ્થિત સુપ્રસિદ્ધ કૈવલ્યધામ હાલ તેના શતાબ્દી વરસની ઉજવણી કરી રહ્યું છે, આ ઉજવણીના ભાગરૂપ કૈવલ્યધામે સ્કૂલ્સમાં યોગાના શિક્ષણ વિશે તાજેતરમાં યોજેલા રાષ્ટ્રીય પરિષદનું ભારતનાં પ્રેસિડન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ઉદઘાટન કર્યુ હતું. કૈવલ્યધામ યોગા અંગેના સંશોધન, શિક્ષણ અને પદ્ધતિઓ-પ્રયોગો માટે જાણીતું છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બઈસની પણ વિશેષ હાજરી રહી હતી.

આ પ્રસંગે પ્રેસિડન્ટે વધુમાં કહ્યું હતું કે યોગા એ દરેક વ્યકિતના ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ માર્ગમાં સહયોગી બનીને મહત્વની ભૂમિકા ભજવી શકે છે.  આ પ્રોસેસમાં વૈજ્ઞાનિક અભિગમ પણ સમાઈ જાય છે. પ્રેસિડન્ટે કૈવલ્યધામ દ્રારા ચલાવાતી સ્કૂલ કૈવલ્ય વિધા નિકેતનની પ્રવૃતિઓને બિરદાવી હતી, તેમણે કૈવલ્યધામના આ વિષયમાં થઈ રહેલા પ્રયાસોમાં વિશ્વાસ વ્યકત કર્યો હતો.