Home Blog Page 2285

હવાઈ ઈંધણ ૪.૬% સસ્તું કરાયું, કમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ.૨૧ મોંઘું થયું

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય માનદંડને અનુરૂપ રહીને ભારતમાં જેટ ફ્યૂઅલ અથવા એવિએશન ટર્બાઈન ફ્યૂઅલ (એટીએફ)ની કિંમતમાં આજે 4.6 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એક મહિનામાં એટીએફની કિંમતમાં આ બીજી વાર ઘટાડો કરાયો છે. જોકે કમર્શિયલ વપરાશ માટેના 19 કિ.ગ્રા. વજનના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 21નો વધારો કરવામાં આવ્યો છે. 19 કિ.ગ્રા.નું કમર્શિયલ એલપીજી સિલિન્ડર મુંબઈમાં હવે રૂ. 1,749ના ભાવે મળશે. ગઈ 16 નવેમ્બરે આ દરમાં રૂ. 77નો ઘટાડો કરવામાં આવ્યો હતો.

ઘરેલુ વપરાશ માટેના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી અને 14.2 કિલોગ્રામનું સિલિન્ડર રૂ. 903 ભાવે યથાવત્ છે. એટીએફની કિંમત પ્રતિ કિલોલિટર રૂ. 1,06,155.67 છે. દરેક એરલાઈનને થતા કુલ ખર્ચમાં એટીએફનો હિસ્સો 40 ટકા જેટલો હોય છે.

યોગા એ વિશ્વને માનવ કલ્યાણ માટેની અમૂલ્ય ભેટઃ દ્રૌપદી મુર્મુ

લોનાવલાઃ યોગા એ ભારત તરફથી વિશ્વને અપાયેલી એક અમૂલ્ય ભેટ છે, જે વિશ્વ અને માનવજાતના સ્વાસ્થય માટે કલ્યાણકારી અને આશીર્વાદરૂપ છે. ૨૦૧૫થી અનેક દેશોમાં યોગા દિનની ઉજવણી થાય છે, યુનાઇટેડ નેશન (UN) દ્વારા પણ યોગાને માનવજગતની હેલ્થ માટે ઉપયોગી અને પવિત્ર માર્ગ ગણાવવામાં આવ્યો છે. આ માર્ગને આપણે સ્કૂલોના વિદ્યાર્થીઓ સુધી લઈ જઈ નવી પેઢીને તેનો લાભ ઉપલબ્ધ બનાવી શકીએ છીએ, આ હેતુથી સરકારે નવી એજયુકેશન પોલિસી-૨૦૨૦માં યોગાને સ્થાન આપ્યું છે.

આ શબ્દો દેશનાં પ્રેસિડન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુના છે, મહારાષ્ટ્રના પુણે નજીક લોનાવાલા સ્થિત સુપ્રસિદ્ધ કૈવલ્યધામ હાલ તેના શતાબ્દી વરસની ઉજવણી કરી રહ્યું છે, આ ઉજવણીના ભાગરૂપ કૈવલ્યધામે સ્કૂલ્સમાં યોગાના શિક્ષણ વિશે તાજેતરમાં યોજેલા રાષ્ટ્રીય પરિષદનું ભારતનાં પ્રેસિડન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ઉદઘાટન કર્યુ હતું. કૈવલ્યધામ યોગા અંગેના સંશોધન, શિક્ષણ અને પદ્ધતિઓ-પ્રયોગો માટે જાણીતું છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બઈસની પણ વિશેષ હાજરી રહી હતી.

આ પ્રસંગે પ્રેસિડન્ટે વધુમાં કહ્યું હતું કે યોગા એ દરેક વ્યકિતના ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ માર્ગમાં સહયોગી બનીને મહત્વની ભૂમિકા ભજવી શકે છે.  આ પ્રોસેસમાં વૈજ્ઞાનિક અભિગમ પણ સમાઈ જાય છે. પ્રેસિડન્ટે કૈવલ્યધામ દ્રારા ચલાવાતી સ્કૂલ કૈવલ્ય વિધા નિકેતનની પ્રવૃતિઓને બિરદાવી હતી, તેમણે કૈવલ્યધામના આ વિષયમાં થઈ રહેલા પ્રયાસોમાં વિશ્વાસ વ્યકત કર્યો હતો.

 

 

 

 

શું રાજકારણમાં પ્રવેશ કરશે મહેન્દ્ર સિંહ ધોની?

રાંચીઃ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ફોટો સોશિયલ મિડિયા પર ઝડપથી વાઇરલ થઈ જાય છે, પરંતુ આ વખતના ફોટોમાં કંઇક વિશેષ છે. મહેન્દ્ર સિંહના આ ફોટો ભાજપના નેતાઓની સાથેની મુલાકાતના છે, જેને લઈને અફવા બજાર ગરમ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાંચી એરપોર્ટ પર પ્રદેશ ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ દીપક પ્રકાશ, રાંચીના વિધાનસભ્ય સીપી સિંહ અને કાંકેના વિધાનસભ્ય સમરી લાલે ક્રિકેટર મહેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી હતી. જોકે આ મુલાકાત સંયોગથી હતી કે આયોજિત હતી એ હજી માલૂમ નથી પડ્યું.

ગૃહપ્રધાન અમિત શાહના રાંચીના આગમન દરમ્યાન ભાજપના નેતાઓ તેમના સ્વાગત માટે એરપોર્ટ પર હાજર હતી. ભાજપના નેતાઓની સાથે આ મુલાકાત અનેક લોકો અલગ-અલગ અર્થો કાઢી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ધોની રાજકારણમાં આવશે? જોકે ફોટાઓ વાઇરલ થયા પછી બજાર ગરમ છે.

વાસ્તવમાં ધોનીના સંન્યાસ લીધા પછી તેને પોલિટિક્સમાં પ્રવેશવાની સૌથી પહેલાં ઓફર ભાજપ તરફ આપવામાં આવી હતી. ઝારખંડના ભાજપ એકમે તેમને આ ઓફર આપી હતી. એ સમયે ભાજપના નેતા સાંસદ નેતા સંજય સેઠે કહ્યું હતું કે ધોની ઇચ્છશે તો તેઓ રાંચી આવશે, ત્યારે આ મુદ્દે વાત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ધોનીની ઇચ્છા પર બધું નિર્ભર છે.

કોંગ્રેસે પણ ધોનીના રાજકારણમાં આવવાની ચર્ચાઓનું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસ નેતા રાજેશ ઠાકુરે કહ્યું હતું કે રાજકારણમાં આવવા પર મહેન્દ્ર સિંહ ધોનીનું સ્વાગત છે.

 

 

 

‘ભારત માતા કી જય’ના સૂત્રોચ્ચાર સાથે મોદીનું ભવ્ય સ્વાગત

દુબઈઃ વડા પ્રધાન મોદી 28મી કોન્ફરન્સ ઓફ પાર્ટી (COP28) શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ગુરુવારે રાત્રે દુબઈ પહોંચ્યા હતા. તેઓ પહેલી ડિસેમ્બરે થનારી COP28ની વર્લ્ડ ક્લાયમેટ એક્શન શિખર સંમેલનમાં ભાગ લેશે.

વડા પ્રધાન મોદી દુબઈ એરપોર્ટ ઊતર્યા અને એક હોટેલની બહાર તેમની રાહ જોઈ રહેલા ભારતીય પ્રવાસીઓએ ‘સારે જહાં સે અચ્છા ગાયું’ અને ‘ભારત માતા કી જય’ સાથે-સાથે ‘વંદે માતરમ’નો સૂત્રોચ્યાર કર્યો હતો. દુબઈ પહોંચ્યા પછી વડા પ્રધાને સોશિયલ મિડિયા X પર કહ્યું હતું કે તેઓ શિખર સંમેલનની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે, જેનો ઉદ્દેશ એક સારી પ્લેનેટ બનાવવાનો છે. દુબઈમાં વડા પ્રધાન મોદીના સ્વાગત માટે ભારતીય સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

એક વિડિયોમાં પ્રવાસી ભારતીયો ‘મોદી-મોદી,’ ‘અબ કી બાર મોદી સરકાર,’ ‘અબ કી બાર 400 પાર’ અને ‘વંદે માતરમ’ જેવાં સૂત્રો લગાવતાં સાંભળી શકાય છે. એક અન્ય વિડિયોમાં વડા પ્રધાન મોદીના સભ્યોથી હાથ મિલાવતા અને વાતચીત કરતા જોઈ શકાય છે.

પ્રવાસી ભારતીયોમાંથી એકે વડા પ્રધાન મોદી સાથે મુલાકા પર આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે હું 20 વર્ષથી UAEમાં રહી રહ્યો છું, પરંતુ આજે મારું કોઈ પોતાનું આ દેશમાં આવ્યું હોય એવું લાગે છે. વિશ્વમાં ભારતની શાન વધારનારા હીરો જ ભારતનો હીરો છે.એક અન્ય ભારતીયએ કહ્યું હતું કે અમે વડા પ્રધાન મોદીને અહીં જોઈને ઘણા ખુશ છીએ. વિશ્વને PM મોદી જેવા નેતાની જરૂર છે.

વડા પ્રધાન મોદી UAEમાં વર્લ્ડ ક્લાયમેટ એક્શન શિખર સંમેલનના ઉદઘાટન સેશનને સંબોધિત કરશે અને ત્રણ ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોમાં ભાગ લેશે, જેમાંથી બેની સહ-યજમાની ભારત દ્વારા કરવામાં આવશે.

 

 

કોરાનાના 71 નવા કેસો, એક પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 71 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,02,015 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.દેશમાં અત્યાર સુધી 5,33,298 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,365 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 37 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 352 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,77,729 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 121 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

‘હમાસ આતંકવાદી સંગઠન નથી’: પેલેસ્ટાઈનના ભારતસ્થિત રાજદૂતનો ખુલાસો

કોઝીકોડેઃ ભારતમાં પેલેસ્ટાઈન રાષ્ટ્રના રાજદૂત અદનાન અબૂ અલ-હૈજાએ અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘હમાસ કોઈ આતંકવાદી સંગઠન નથી, પણ સ્વતંત્રતા સેનાનીઓ છે, જેઓ કબજા સામે લડી રહ્યા છે.’ અલ-હૈજાએ ઈઝરાયલની આકરી ટીકા કરી હતી અને કહ્યું કે, ‘કબજો કરનારા જ આતંકવાદી છે અને એમણે પેલેસ્ટાઈનમાંથી ચાલ્યા જવું જોઈએ. પેલેસ્ટાઈનને અન્ય દેશોની જેમ શાંતિ અને સ્વતંત્રતાપૂર્વક રહેવા દેવું જોઈએ.’

હમાસ સાથે ઈઝરાયલના હાલ ચાલી રહેલા યુદ્ધમાં પેલેસ્ટાઈનનાં લોકોને સાથ આપવા બદલ અલ-હૈજાએ કેરળ રાજ્યનાં લોકોનો આભાર માન્યો છે. એમણે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે, ‘રાજધાની શહેર તરીકે પૂર્વ યેરુસલેમ સાથે પેલેસ્ટાઈન રાષ્ટ્રની સ્થાપના નહીં કરાય તો ઈઝરાયલ સાથે ઘર્ષણ કાયમ ચાલુ રહેશે.’ ઈઝરાયલ-હમાસ યુદ્ધ દરમિયાન પેલેસ્ટાઈનની જનતા માટે વિમાન મારફત રાહત સામગ્રી મોકલવા બદલ અલ-હૈજાએ ભારત સરકારનો આભાર માન્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગઈ 7 ઓક્ટોબરે હમાસના 2,000 જેટલા ઉગ્રવાદીઓએ પડોશના ઈઝરાયલની સરહદ ઓળંગીને ઈઝરાયલ પર ઓચિંતો હુમલો કર્યો હતો અને 1,200 જણને મારી નાખ્યા હતા અને બીજા ઘણાયને ઘાયલ કર્યા હતા. ઉગ્રવાદીઓ 250 જેટલા લોકોને ઉપાડી ગયા હતા અને ગાઝા સ્ટ્રીપમાં એમને બાનમાં રાખ્યા હતા. તે હુમલાને પગલે ઈઝરાયલે ગાઝામાં હમાસના અડ્ડાઓ પર જોરદાર હવાઈ આક્રમણ કર્યું હતું.

હમાસના શાસનવાળા ગાઝા સ્ટ્રીપની સરકારનો દાવો છે કે ઈઝરાયલના હુમલામાં 14,000થી વધારે લોકો માર્યા ગયા છે જેમાં 5,000થી વધારે બાળકો છે. હાલ હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ અમલમાં છે. આ માટે બંનેએ એક સમજૂતી કરી છે. યુદ્ધવિરામ મૂળ ચાર દિવસનું હતું, પરંતુ ત્યારબાદ એને એક-એક દિવસ વધારવામાં આવ્યું છે. આજે એનો સાતમો દિવસ છે. હમાસ અને ઈઝરાયલ, એમણે પકડેલા એકબીજાના નાગરિકોને થોડા થોડા કરીને મુક્ત કરી રહ્યા છે.

સિમ કાર્ડને લગતા નવા નિયમો આજથી અમલમાં

મુંબઈઃ કેન્દ્ર સરકારના ટેલિકમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા મોબાઈલ ફોનના સિમ કાર્ડને લગતા નવા નિયમો ગયા ઓગસ્ટ મહિનામાં ઘડ્યા હતા. તે આજે 1 ડિસેમ્બરથી અમલમાં મૂકવામાં આવ્યા છે. આ નિયમો અનેક ફેરફારો લાવશે, જેમ કે, સિલ્ક કાર્ડના જથ્થાબંધ વેચાણ પર પ્રતિબંધ, PoS ફ્રેન્ચાઈઝીઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે અને સિમ કાર્ડ ડિલરોનું પોલીસ વેરિફીકેશન ફરજિયાત રહેશે. બીજા પણ કેટલાક ફેરફારો છે. આ બધાય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના દૂષણને નાબૂદ કરવાનો અને ચકાસણીની કામગીરીને વધારે કડક બનાવવાનો છે.

આજથી અમલમાં આવેલા ફેરફારોની એક ઝલકઃ

ટેલિકોમ એજન્ટો માટે રજિસ્ટ્રેશન: પોઈન્ટ-ઓફ-સેલ (PoS) એજન્ટોએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની સાથે એક કરાર કરવો પડશે કે તેઓ કોઈ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં કરે. જો PoS એજન્ટો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા પકડાશે તો એમને રૂ. 10 લાખની રકમનો દંડ થઈ શકે છે અને એમની સેવા ત્રણ વર્ષ માટે રદબાતલ કરી દેવામાં આવશે.

KYC નિયમોઃ નવા સિમ કાર્ડની ખરીદી માટે અથવા હાલના ફોન નંબર પર નવું સિમ કાર્ડ ખરીદવાની અરજી કરતી વખતે ડેમોગ્રાફિક વિગતો આપવી ફરજિયાત રહેશે. આ વિગતો સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિના આધાર કાર્ડ પરના ક્યૂઆર કોડને સ્કેન કરીને મેળવવામાં આવશે. અગાઉના ગ્રાહકને અપાયેલો મોબાઈલ નંબર ડિસકનેક્ટ કરાય એના 90 દિવસ પછી જ નવી વ્યક્તિને મોબાઈલ નંબર આપવામાં આવશે. ધારકે સિમ કાર્ડ બદલી માટે સમગ્ર KYC (નો યોર કસ્ટમર) પ્રક્રિયા પૂરી કરવાની રહેશે.

સિમ કાર્ડની બલ્ક ખરીદી: સરકારે ડિજિટલ ક્ષેત્રે થતી છેતરપિંડીને રોકવા માટે સિમ કાર્ડના જથ્થાબંધ વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તે છતાં, KYC નિયમોના પાલન અંતર્ગત બિઝનેસગૃહો, કોર્પોરેટ કંપનીઓ કે કાર્યક્રમોના આયોજન માટે સિમ કાર્ડ વેચવાની પરવાનગી રહેશે. એ માટે તમામ વ્યક્તિગત સિમ કાર્ડ ધારકોની KYC વિગત મેળવવાની રહેશે. એવા ગ્રાહકો એક આઈડી કાર્ડ પર વધુમાં વધુ 9 સિમ કાર્ડ ખરીદી શકશે.

‘Let Communities Lead’ 2023 થીમ પર ઉજવવામાં આવશે ‘વર્લ્ડ એઈડ્સ ડે’  

આખા વિશ્વમાં 1 ડિસેમ્બરના `વર્લ્ડ એઇડ્સ ડે` (World AIDS Day) તરીકે ઉજવવામાં આવે છે. લોકોને એચ.આઈ.વી./ એઈડ્સ વિશે સાચી અને સંપૂર્ણ જાણકારી અને માહિતી મળે, તેના વિશેની ગેર-માન્યતાઓ દૂર થાય, જેથી એચ.આઈ.વી.ગ્રસ્ત વ્યક્તિઓ પ્રત્યે ધૃણા તથા ભેદભાવ દૂર થાય અને તેઓના હક તથા સન્માનની જાળવણી થાય તે હેતુથી 1લી ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં “વિશ્વ એઈડ્સ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.

સન. 1988ની  1લી ડિસેમ્બરના રોજ પ્રથમ વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે  1લી ડિસેમ્બર, 2023ના રોજ 36મા વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે અલગ અલગ થીમને આધારે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની વિશ્વ એઈડ્સ દિવસની થીમ છે Let Communities Lead એટલેકે  “દરેક સમુદાય એચ.આઈ.વી./ એઈડ્સની નાબૂદી માટે નેતૃત્વ લે”.

ભારત સરકારના નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન(NACO)ના નેજા હેઠળ સમ્રગ ભારતમાં નેશનલ એઇડ્સ કટ્રોલ પ્રોગ્રામની અમલવારી થઇ રહી છે. ગુજરાતમાં રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્થાપિત ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા આ કાર્યક્રમનું અમલીકરણ થઇ રહ્યું છે.

આ સંદર્ભે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદ જીલ્લાના પીએચઓ(PHO) અધિકારી ડૉ. કાર્તિક શાહ કહે છે કે, Sustainable Development Goals (SDGs) અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં એચ.આઇ.વી./એઇડસને નાબૂદ કરવાનો છે. રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંસ્થા, નવી દિલ્હીના સર્વે અનુસાર ગુજરાતમાં પ્રત્યેક એકલાખ વસ્તીમાં એચ.આઇ.વી લોકોની સંખ્યા વર્ષ2017ની સરખામણીમાં 7 થી ઘટીને વર્ષ 2021માં 4 થઈ ગઈ છે. વર્ષ ૨૦૧૦ની સરખામણીમાંથી એઇડ્સ સંબંધિત મૃત્યુમાં વર્ષ 2021માં રાજયમાં ૬૦%નો ઘટાડો જોવા મળ્યો છે.

વધુમાં ડો. શાહ કહે છે, NACO દ્વારા 2019 માં પ્રસિદ્ધ કરાયેલ જિલ્લા અંદાજ મુજબ, ગુજરાતના 33 જિલ્લાઓને એચ.આઈ.વી.ના દર મુજબ 4 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે, ઉચ્ચ દર, મધ્યમ દર, ઓછો દર, ખૂબ ઓછો દર. જે મુજબ ચાર જિલ્લા (અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ) ઉચ્ચ દરની શ્રેણીમાં, 9 જિલ્લા (આણંદ, બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, સુરેંદ્રનગર અને વલસાડ) મધ્યમ દરની શ્રેણીમાં, 11  જિલ્લા (અમરેલી, ભરુચ, દાહોદ, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, નવસારી, પંચમહાલ, પાટણ, અરવલ્લી અને મોરબી) ઓછા દરની શ્રેણીમાં તથા 9  જિલ્લા (નર્મદા, પોરબંદર, તાપી, ડાંગ, છોટાઉદેપુર, બોટાદ, દેવભૂમી દ્વારકા, ગીર-સોમનાથ અને મહીસાગર ) ખૂબ ઓછા દરની શ્રેણીમાં આવે છે.

એચ.આઈ.વી./ એઈડ્સએ ડાયાબિટીશ તથા હાઈપર ટેન્શનની જેમ ક્રોનિલ મેનેજેબલ ડિસિઝ (લાંબી વ્યવસ્થાશીલ બિમારી) છે. આધુનિક સારવાર-એન્ટી રિટ્રો વાયરલ (એ. આર. વી.) ટ્રીટમેન્ટ નિયમિત લેવાથી એચ.આઇ.વી. સાથે પણ દરેક વ્યક્તિ એના કુદરતી આયુષ્ય મુજબનું જીવન જીવી શકે છે.

ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા રાજયમાં એચ.આઈ.વી.  એઈડ્સના અટકાવ અને નિયંત્રણ માટે વિવિધ કાર્યક્ર્મો અમલીકરણમાં છે. જેમાં લક્ષીત દરમ્યાનગીરી કાર્યક્રમ અંતર્ગત અતિ જોખમી વર્તણુક ધરાવતા લોકોમાં કોર જુથ (ધંધાદારી દેહવિક્રય કરતી મહિલાઓ – FSW, સજાતીય સંબંધ ધરાવતા પુરુષો – MSM અને સિરીંજથી નશો કરનારા – IDU) તેમજ બ્રિજ જુથો (સ્થળાંતર કરનારા – માઇગ્રન્ટસ અને ટ્રકર્સ) માટે રાજ્યમાં ૯૫ લક્ષીત દરમ્યાનગીરી પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે, જેમાં જોખમી જાતિય વર્તણૂક ધરાવતી વ્યક્તિઓના જોખમી વર્તણૂકની તરાહમાં ફેરફાર કરી તેઓને જરૂરી સેવાઓ (કાઉંસેલીંગ, કોન્ડોમ વિતરણ, વર્તન પરિવર્તનનું સાહિત્ય વગેરે) ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વર્ષ ૨૦૨૩-૨૪ (સપ્ટેમ્બર’૨૩ અંતિત) માં કુલ ૩૧૨૨૩૮ની લક્ષીત જુથની વસતીને આવરી લેવાયેલ છે.

જાતીય રોગ પ્રસાર નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત હાલમાં રાજ્યમાં કુલ ૧૫૫ STD ક્લિનિક્સ (૬૦ સરકારી STD ક્લિનિક્સ અને ૯૫ બિનસરકારી સંસ્થાઓ) કેન્દ્રો કાર્યરત છે. વર્ષ ૨૦૨૩-૨૪ (સપ્ટેમ્બર’૨૩ અંતિત) માં કુલ ૬૩૬૭૨ દર્દીઓ સરકારી STD ક્લિનિક્સ ખાતે નોંધાયેલા હતા જે પૈકી ૩૪૫૬૬ STD એપિસોડના દર્દીઓને સારવાર આપેલ છે.

મૂળભૂત સેવા વિભાગ અંતર્ગત હાલમાં રાજ્યમાં કુલ ૨૭૨૦ આઇ.સી.ટી.સી/એફ.આઇ.સી.ટી.સી કેન્દ્રો કાર્યરત છે. વર્ષ ૨૦૨૩-૨૪ (સપ્ટેમ્બર’૨૩ અંતિત) માં આઇ.સી.ટી.સી. જનરલ સુવિધા હેઠળ કુલ ૮૧૨૧૯૬ વ્યક્તિઓનું HIV પરીક્ષણ કરવામાં આવ્યુ હતું, જે પૈકી ૩૯૩૭ વ્યક્તિઓ (૦.૪૮%) HIV પોઝીટીવ જણાયેલ હતા. માતાપિતાથી બાળકમાં સંક્રમિત થતા એચ.આઇ.વી. ચેપની અટકાયત માટે વર્ષ ૨૦૨૩-૨૪ (સપ્ટેમ્બર’૨૩ અંતિત) માં કુલ ૮૨૭૧૬૨ સગર્ભા મહિલાઓનું HIV પરીક્ષણ કરવામાં આવેલ હતું જે પૈકી ૨૮૩ (૦.૦૪%) મહિલાઓ એચ.આઇ.વી.પોઝીટીવ જણાયેલ હતી.

કાળજી, સંભાળ અને સારવાર કાર્યક્રમ અંતર્ગત હાલમાં રાજ્યમાં ૪૭ એન્ટી રીટ્રોવાઇરલ ટ્રીટમેન્ટ (ART) કેન્દ્રો કાર્યરત છે. વર્ષ ૨૦૨૩-૨૪ (સપ્ટેમ્બર’૨૩ અંતિત) સુધીમાં કુલ ૧૫૬૦૬૨ દર્દીઓ એ.આર.ટી. સેન્ટર ખાતે નોંધાયેલ છે, જે પૈકી ૧૩૩૫૫૯ દર્દીઓએ એ.આર.ટી.ની સારવાર શરુ કરી હતી તેમજ ૮૨૧૬૦ દર્દીઓ એ.આર.ટી. સેન્ટર ખાતે હાલમાં સારવાર લઇ રહ્યાં છે.

જયારે આ સંદર્ભે એઈડ્સ હેલ્થકેર ફાઉન્ડેશન ઈન્ડિયા કેર્સના એમ્બેસેડર રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્ર સિંહ ગોહિલ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, આ વર્ષે પ્રથમ વખત અમેરિકન સંસ્થા, એઇડ્સ હેલ્થકેર ફાઉન્ડેશન, જેનો હું બ્રાન્ડ એમ્બેસેડર છું, ગુજરાત સરકારને 1લી ડિસેમ્બરે અમદાવાદ ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી માટે સહયોગ આપશી. એઈડ્સ રોગચાળાને 36 વર્ષ થયા બાદ પણ એ સંર્પુણરીતે નાશ થયો નથી. વિશ્વ એઈડ્સ દિવસ 1લી ડિસેમ્બર 2023ના અવસરે, આપણે બધાએ સાથે આવવું જોઈએ, આ મુદ્દાને અવગણવો જોઈએ નહીં. સમગ્ર વિશ્વમાં એઈડ્સ ફેલાવા પર નિયંત્રણ લાવવાના ઉદ્દેશ સાથે રોજ આ મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ.

(હેતલ રાવ)

૦૧ ડિસેમ્બર, ૨૦૨૩

૦૧ ડિસેમ્બર, ૨૦૨૩

Chitralekha Gujarati – 11 December, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.