ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૩૦ નવેમ્બર, ૨૦૨૩
ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૩૦ નવેમ્બર, ૨૦૨૩
ગુજરાતમાં અનુભવાયો ઠંડીનો ચમકારો
ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. જેમાં કમોસમી વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો થયો છે. તેમજ 15 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચુ રહ્યું છે. તથા 12 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તેમજ મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી ઘટાડો થતા દિવસે પણ ઠંડક રહી છે. અમદાવાદ અને ડીસાનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહ્યુ છે. તેમજ ભુજ 16 ડિગ્રી, કંડલા 16 ડિગ્રી, અમરેલી 16 ડિગ્રી સાથે પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહ્યું છે. 3 દિવસ બાદ તાપમાનનો પારો વધારે ગગડે તેવી શક્યતા છે. ભરશિયાળે આવેલા માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે. હજુ તો ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ છે. ત્યાં જાણે આખા રાજ્યમાં ચોમાસુ બેઠું હોય તેવી સ્થિતિ માવઠાએ કરી દીધી હતી.

ગુજરાતના ખેડૂતોના માથા પરથી માવઠાની આફત ટળી ગઈ
કમોસમી આવેલા વરસાદ જાણે આખા રાજ્યને ઘેરી વળ્યો હતો. સૌરાષ્ટ્રમાં અને ઉત્તરગુજરાતમાં તો ઘણી જગ્યાએ કરા વર્ષાને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. માવઠાંને કારણે કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો ખેતીને ઘણું નુકસાન થયું છે. ભરશિયાળે આવેલા ચોમાસા જેવા વરસાદે જગતના તાતને ચિંતામાં મુકી દીધો, ત્યારે હવે હવામાન વિભાગે કરેલી આગાહી ખેડૂતો માટે મુશ્કેલીમાં રાહત આપનારી છે. કારણ કે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના ખેડૂતોના માથા પરથી માવઠાની આફત ટળી ગઈ છે.
વિરાટ કોહલી હાલ ક્યાં છે?
મુંબઈઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર વિરાટ કોહલીએ ટીમના આગામી સાઉથ આફ્રિકા પ્રવાસ પૂર્વે બ્રેક લીધો છે. તે એની પત્ની અનુષ્કા અને પુત્રી વામિકા સાથે લંડનમાં રજા માણવા ગયો હોવાનું જાણવા મળ્યું છે. એક યૂઝરે તેના મોબાઈલ ફોનમાં કોહલીને ઝડપી લીધો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. એમાં કોહલી અનુષ્કા અને વામિકા સાથે દેખાય છે. ત્રણેય જણ લંડનના હાઈડ પાર્કના વિન્ટર વન્ડરલેન્ડની મુલાકાતે ગયાં હતાં.
(તસવીર સૌજન્યઃ વિરાટ કોહલી X – ટ્વિટર)
ટીમ ઈન્ડિયા આવતા મહિને સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે, પણ કોહલી એ પ્રવાસમાં વન-ડે અને ટ્વેન્ટી-20 મેચોની શ્રેણીઓમાં રમવાનો નથી. માત્ર બે-મેચની ટેસ્ટ શ્રેણીમાં જ રમશે. ભારતીય ટીમ હાલ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે પાંચ T20I મેચોની શ્રેણી રમી રહી છે, પરંતુ એમાં પણ કોહલી, કેપ્ટન રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ જેવા સીનિયર ખેલાડીઓ નથી. એ તમામને ક્રિકેટ બોર્ડે આરામ આપ્યો છે. હાલમાં જ ODI વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. કોહલીએ એમાં 11 મેચોમાં 95.62ની સરેરાશ સાથે 765 રન કરીને સ્પર્ધામાં વર્ચસ્વ જમાવ્યું હતું અને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’નો એવોર્ડ જીત્યો હતો. ફાઈનલ મેચમાં પણ એણે હાફ-સેન્ચબરી ફટકારી હતી.
દૂષિત આયુર્વેદિક સિરપ પીવાથી પાંચનાં મોત, ત્રણની ધરપકડ
અમદાવાદઃ ખેડા જિલ્લામાં બે દિવસમાં પાંચ વ્યકિતનાં શંકાસ્પદ મોત થયાં હતાં. આ લોકોનાં મિથાઇલ આલ્કોહલયુક્ત ઝેરીલા સિરપ પીવાને લીધે પાંચ લોકોનાં મોત થયાં હતાં. બીમાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ પોલીસે જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદના બિલોદરા ગામમાં બે દિવસમાં બે લોકોના તો મહુધા તાલુકાના બગડુ ગામે પણ બે વ્યકિતનાં શંકાસ્પદ મોત થયાં હતાં. હાલમાં એક વ્યકિત ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ કેસમાં Sog, LCB, નડિયાદ રૂરલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ખેડાના એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું છે કે એક આયુર્વેદિક સિરપ પીધા બાદ પાંચ લોકોનાં મોત અને બે લોકોને અસર પહોંચી છે. આ આયુર્વેદિક સિરપ બિલોદરા ગામના કરિયાણાની દુકાનમાંથી આ લોકોએ ખરીદ્યું હતું.
આ અંગેની માહિતી મળતા તાત્કાલિક પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી.આ સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે ‘બિલોદરા ગામની ચાર વ્યક્તિ છે. અશોકભાઇ, નટુભાઇ અને અર્જુનભાઇ અને અશોકભાઇનું પણ આ રીતે જ મોત થયું હતુ. આ ચાર મોત થયા પણ પોલીસને આ અંગેની કોઇ જાણ કરવામાં આવી ન હતી.’
તેમણે કહ્યું હતું કે આ સિરપ કરિયાણાની દુકાનમાં મળતી હતી. ગામ લોકોને શંકા છે કે બિલોદરા ગામનાં જે ત્રણ લોકોનું મોત થયું છે તેમણે આ સિરપ પીધાની આશંકા છે. દુકાનદારને ઝડપી લેવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે આ દુકાનદાર રૂ. 100ની બોટલ લાવીને રૂ. 130માં વેચતો હતો. આ આયુર્વેદિક પીણું તેણે છેલ્લા એક સપ્તાહમાં 50થી 60 લોકોને વેચ્યું છે. તેને જે લોકોને આ સિરપ વેચી હતી તેમના નામનું એક લિસ્ટ બનાવીને તમામ લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ અન્ય કોઇની ખરાબ બગડી ન હતી.
ચીનમાં તાવ-ન્યુમોનિયાના હાહાકાર વચ્ચે ગુજરાત સરકાર એક્શન મોડમાં
ચીનમાં વાઇરસના પ્રકોપે અમદાવાદની હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ ગોઠવાયા છે. અમદાવાદની સોલામાં વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધીને 1,393 થયા છે. તેમાં હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે કે જરૂર જણાશે તો આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવશે.

હોસ્પિટલમાં વાયરલ ઈન્ફેક્શનના કેસમાં ઉછાળો નોંધાયો છે. ચીનમાં ભેદી તાવ-ન્યુમોનિયાના પ્રકોપ વચ્ચે રાજ્ય સરકારે એલર્ટ આપ્યું હતું. બીજી તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ ગોઠવાયા છે, જરૂર જણાશે તો આઈસોલેશન વોર્ડ પણ શરૂ કરાશે. હોસ્પિટલમાં વેન્ટિલેટર, પીપીઈ કિટ, એન્ટી વાયરલ દવાનો જથ્થો ઉપલબ્ધ છે. બીજી તરફ સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં શરદી, તાવ, ખાંસી સહિતના વાયરલ ઈન્ફેક્શનના કેસમાં ઉછાળો નોંધાયો છે, ગત સપ્તાહે વાયરલના 871 કેસ હતા, જોકે આ સપ્તાહે 1,393 કેસમાં દર્દીઓને સારવાર આપવી પડી છે.

સોલા સિવિલ હોસ્પિટલના સૂત્રોના કહેવા પ્રમાણે છેલ્લા એક મહિનામાં વાયરલના 4790 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. એક સપ્તાહમાં ડેન્ગ્યુના 146 શંકાસ્પદ કેસ હતા, જેમાંથી 6ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, મેલેરિયાના 252 શંકાસ્પદ કેસ હતા, જેમાંથી એકેય રિપોર્ટ પોઝિટિવ નથી. ચિકન ગુનિયાના 19 શંકાસ્પદ દર્દીમાંથી બેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ઝાડાના 12 કેસ અને વાયરલ હિપેટાઈટિસના 2, ટાઈફોઈડમાં એક દર્દીને સારવાર આપવી પડી છે. સોલા સિવિલમાં બાળકો માટેની ઓપીડીમાં જે કે નોંધાય છે તેમાંથી 25 ટકા જેટલાને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે પુખ્ત વયના દર્દીમાં આ રેશિયો આઠથી 12 ટકા જેટલો છે.
મોરબી દુર્ઘટના કેસઃ સુપ્રીમ કોર્ટે આરોપી જયસુખ પટેલની જામીન અરજી ફગાવી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે, અત્યારે નીચલી કોર્ટ કે હાઈકોર્ટ પાસે જામીન મેળવવા માટે પ્રયત્ન કરો.ઓક્ટોબર 2022નાં કેબલ બ્રિજ તૂટવાના લીધે 135થી વધુ લોકોના મોત થયા હતા અને SITના રિપોર્ટમાં ઓરેવા કંપનીની બેદરકારી હોવાનું જણાવાયું છે.હવે 12 ડિસેમ્બરે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજીઓ પર સુનાવણી થશે. 21 નવેમ્બરે જયસુખ પટેલે વચગાળાના જામીન મેળવવા સુપ્રીમ કોર્ટમા અરજી કરી હતી. અગાઉ હાઇકોર્ટે જે કર્મચારીઓને જામીન આપ્યા હતા. તેની સામે પીડિત પક્ષ સુપ્રીમ કોર્ટ પણ ગયો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો.

30 ઓકટોબરે મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટ્યો હતો
ગત વર્ષે 30 ઓકટોબરે મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટ્યો હતો. આ બ્રિજ તૂટતા મચ્છુ નદીમાં પડવાથી 135 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ, કંપનીના બે મેનેજર, બ્રિજનું રીપેરીંગ કામ કરનાર દેવપ્રકાશ સોલ્યુશનના બે કોન્ટ્રાકટર, બે ટિકિટ વેચનાર ક્લાર્ક અને ત્રણ સિક્યુરિટી ગાર્ડનો સમાવેશ થાય છે. આ આરોપીઓ પૈકી ટિકિટ આપનાર બે કલાર્ક અને ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને એક મેનેજર દિનેશ દવે એમ કુલ છ આરોપીઓને હાઈકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. મુખ્ય આરોપી જયસુખ પટેલ, ઓરેવા કંપનીના મેનેજર દીપક પારેખ અને કોન્ટ્રાકટર પ્રકાશ પરમારની જામીન અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.
વિદેશ મંત્રાલયે પન્નુ કેસમાં ભારતીય વિરુદ્ધના કેસને ચિંતાજનક ગણાવ્યો
ભારતીય વિદેશ મંત્રાલયે ખાલિસ્તાની અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત ષડયંત્રના સંબંધમાં ભારતીય નાગરિક વિરુદ્ધ યુએસમાં કેસ દાખલ કરવાને ચિંતાજનક ગણાવ્યું છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે તે સરકારની નીતિઓની વિરુદ્ધ છે. ભારત. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર મામલાને ભારત સરકારની નીતિની વિરુદ્ધ ગણાવ્યો હતો. અરિંદમ બાગચીએ ગુરુવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘અમે અગાઉ કહ્યું હતું તેમ, દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ પર યુએસ સાથે ચર્ચા દરમિયાન, યુએસ પક્ષે સંગઠિત ગુનેગારો અને આતંકવાદીઓ વચ્ચેના જોડાણથી સંબંધિત કેટલાક ઇનપુટ્સ શેર કર્યા હતા. અમે આવા ઇનપુટને ખૂબ જ ગંભીરતાથી અને ઉચ્ચ સ્તરે લઈએ છીએ. કેસના તમામ પાસાઓની તપાસ માટે એક સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
Matter of concern: India on US charging Indian national in case relating to plot to kill separatist
Edited video is available on PTI Videos (https://t.co/L2D7HH3xZ2) #PTINewsAlerts #PTIVideos @PTI_News pic.twitter.com/4n7azUosZx
— PTI News Alerts (@PTI_NewsAlerts) November 30, 2023
પ્રવક્તાએ કહ્યું, ‘જ્યાં સુધી એક વ્યક્તિ વિરુદ્ધ એક ભારતીય અધિકારી સાથે કથિત રીતે જોડાણ કરવા બદલ યુએસ કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો છે, તે ચિંતાનો વિષય છે. અમે તે અગાઉ પણ કહ્યું છે અને હું ફરીથી પુનરાવર્તન કરવા માંગુ છું કે આ સરકારની નીતિની પણ વિરુદ્ધ છે.
શું છે સમગ્ર મામલો
તમને જણાવી દઈએ કે અમેરિકામાં ફેડરલ પ્રોસિક્યુટર્સે એક ભારતીય નાગરિક પર એક શીખ અલગતાવાદી નેતાની હત્યાના નિષ્ફળ ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. ન્યુ યોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટ માટે યુએસ એટર્ની મેથ્યુ જી. નિખિલ ગુપ્તા, 52, પર હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં મહત્તમ 10 વર્ષની જેલની સજા છે, ઓલ્સને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ગુપ્તા પર સોપારી આપીને હત્યાનું કાવતરું ઘડવાનો પણ આરોપ છે, જેમાં વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા થઈ શકે છે.
અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે ગુપ્તાએ ન્યૂયોર્ક શહેરમાં રહેતા એક શીખ અલગતાવાદી નેતાની હત્યા માટે હત્યારાને એક લાખ યુએસ ડોલર આપવાનું સ્વીકાર્યું હતું. આરોપો અનુસાર, ‘9 જૂન, 2023 ના રોજ અથવા તેની આસપાસ, ગુપ્તાએ હત્યાનો કોન્ટ્રાક્ટ એડવાન્સ પેમેન્ટ તરીકે આપ્યો હતો, જેના માટે તેણે ન્યૂયોર્કના મેનહટનમાં હત્યારાને 15 હજાર યુએસ ડોલર રોકડ આપવા માટે એક સહયોગીની વ્યવસ્થા પણ કરી હતી.
વાયુસેનાની તાકાત વધુ વધશે, 97 તેજસ ફાઈટર જેટ અને 150 પ્રચંડ હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી
સશસ્ત્ર દળોની તાકાત વધુ વધવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લડાયક ક્ષમતાને વધારવા માટે, 97 તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ અને લગભગ 156 પ્રચંડ હેલિકોપ્ટરના વધારાના માલસામાનની ખરીદી માટે પ્રારંભિક મંજૂરી મળી ગઈ છે. વાયુસેના અંદાજે રૂ. 65,000 કરોડના ખર્ચે આ વિમાનો ખરીદશે.

સુખોઈ-30ને અપગ્રેડ કરવામાં આવશે
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી) એ ભારતીય વાયુસેના દ્વારા તેના સુખોઈ-30 ફાઈટર ફ્લીટને અપગ્રેડ કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું. મેગા પ્રોક્યોરમેન્ટ પ્રોજેક્ટ્સ અને સુખોઈ-30 અપગ્રેડ પ્રોગ્રામ પર 1.3 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે.

આવતા વર્ષે વધુ એરક્રાફ્ટ એરફોર્સમાં જોડાશે
ભારતીય વાયુસેના પહેલાથી જ તેજસ MK-1 જેટના બે સ્ક્વોડ્રનનું સંચાલન કરી રહી છે. તેમાં પ્રારંભિક અને અંતિમ ઓપરેશનલ ક્લિયરન્સ વેરિઅન્ટમાં 20 સ્ક્વોડ્રનનો સમાવેશ થાય છે. અગાઉ, ફેબ્રુઆરી 2021માં સંરક્ષણ મંત્રાલય દ્વારા HALને 83 LCA MK1A વેરિઅન્ટ્સ માટે US $6 બિલિયનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, જે 2024 સુધીમાં ડિલિવર થવાની ધારણા છે. તેને મિગ-21 દ્વારા બદલવામાં આવશે.
સ્વદેશી ફાઈટર પ્લેન એરફોર્સના કાફલામાં જોડાઈ રહ્યા છે
આત્મનિર્ભર ભારત પર ભાર મૂકતા ભારતીય વાયુસેના પણ સ્વદેશી બનાવટના એરક્રાફ્ટ તરફ વળી રહી છે. અગાઉ, ભારતીય વાયુસેનાએ તેના કાફલામાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા બનાવેલા પ્રથમ લાઈટ ફાઈટર પ્લેનનો સમાવેશ કર્યો હતો. આ બે સીટર એલસીએ તેજસ તમામ હવામાન પરિસ્થિતિઓ માટે યોગ્ય છે.
ભારતીય વાયુસેનાએ એચએએલને 18 બે સીટર તેજસ પ્લેનનો ઓર્ડર આપ્યો હતો. આઠ તેજસ વિમાન વર્ષ 2023-2024 સુધીમાં ભારતીય વાયુસેનાને સોંપવામાં આવશે. બાકીના 10 વિમાનો 2026-27 સુધીમાં સોંપવામાં આવશે. તાજેતરમાં પીએમ મોદીએ પણ બેંગલુરુમાં ઉડાન ભરીને તેજસની પ્રશંસા કરી હતી.
શુભમન ગિલને કેપ્ટન બનાવવા પર દિગ્ગજ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ
ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા ઓપનર શુભમન ગિલ IPLની 17મી સીઝનમાં ગુજરાત ટાઇટન્સ ટીમની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. હાર્દિક પંડ્યાની ‘ઘર વાપસી’ બાદ ગુજરાત ટાઇટન્સે ટીમ ઇન્ડિયાના ‘પ્રિન્સ’ને પોતાના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. આઈપીએલની છેલ્લી સિઝન ગિલ માટે ધમાકેદાર હતી. તેણે સૌથી વધુ રન બનાવ્યા બાદ ઓરેન્જ કેપ જાળવી રાખી હતી. દિગ્ગજ ક્રિકેટર એબી ડી વિલિયર્સ ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યાથી ખુશ નથી. ડી વિલિયર્સનું કહેવું છે કે ગિલની જગ્યાએ આ સિનિયર ખેલાડીને કેપ્ટન બનાવવામાં આવ્યો હોત તો સારું થાત. ગુજરાત ટાઇટન્સને IPLમાં પ્રવેશ્યાને માત્ર 2 વર્ષ થયા છે. હાર્દિક પંડ્યાએ બંને વર્ષ ટીમની કમાન સંભાળી હતી. પંડ્યાએ કેપ્ટનશીપમાં પદાર્પણ કરતી વખતે પ્રથમ સિઝનમાં જ ગુજરાતને ચેમ્પિયન બનાવ્યું હતું. હાર્દિક પંડ્યા હવે વેપાર પર મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે, જ્યાં તેણે અગાઉ ઘણા વર્ષો વિતાવ્યા હતા. પંડ્યા મુંબઈ ગયા પછી ગુજરાત ટાઇટન્સમાં કેપ્ટનશિપ માટે ઘણા વિકલ્પો હતા. ગુજરાતે IPLની આગામી સિઝન માટે કેન વિલિયમસન અને રાશિદ ખાનને જાળવી રાખ્યા છે. પરંતુ ફ્રેન્ચાઇઝીએ ટીમની કમાન શુભમન ગિલને સોંપી દીધી છે.

એબી ડી વિલિયર્સે ગિલને કેપ્ટન બનાવવા પર સવાલ ઉઠાવ્યા
ઘણા દિગ્ગજો કહે છે કે ગિલને વહેલી તકે કેપ્ટન બનાવવો એ ફ્રેન્ચાઇઝી તરફથી સારો નિર્ણય છે, પરંતુ ઘણા એવા છે જેમણે તેના પર પ્રશ્નો ઉઠાવ્યા છે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સનું માનવું છે કે ફ્રેન્ચાઈઝીએ ગિલને વહેલી તકે કેપ્ટન બનાવ્યો હતો અને તેઓએ આ યુવાનને થોડા વધુ દિવસો માટે ખેલાડી તરીકે રમતા રાખવો જોઈતો હતો. ડી વિલિયર્સે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘જો ગિલ કોઈ બીજાની કેપ્ટનશીપમાં રમ્યો હોત તો તેની પાસેથી ઘણું શીખ્યો હોત. જ્યારે કેન વિલિયમસનને રિટેન કરવામાં આવ્યો ત્યારે મને લાગ્યું કે અનુભવી ખેલાડીને સુકાનીપદ આપવાની આ એક સારી તક છે. શુભમન ગિલને ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની તક મળી હોત અને બીજી આઈપીએલ સિઝનમાં વધુ સારું પ્રદર્શન કરવાની તક મળી હોત.
ટાટા ટેક્નોલોજીનું રેકોર્ડ લિસ્ટિંગઃ 8 IPOમાં નોંધપાત્ર વળતર
નવી દિલ્હીઃ ટાટા ટેક્નોલોજીએ ગુરુવારે ટ્રેડિંગ ડેબ્યુમાં 180 ટકાની છલાંગ લગાવી હતી. ટાટા ગ્રુપની પહેલી કંપની ટાટા ટેક્નોલોજી ગુરુવારે ટોચના 10 સક્રિય શેરોમાંનો એક હતો. સવારે એક કલાકના ટ્રેડિંગમાં 23.98 લાખ શેરોના ટ્રેડિંગ થયાં હતાં. કંપની ઓટો, એરો અને ભારે મશીનરી ઉત્પાદકોને એન્જિનિયિરિંગ અને ટેક્નોલોજી સર્વિસિસ આપે છે. આ IPOની ઇશ્યુ પ્રાઇસ રૂ. 500 હતી, પણ સવારે ખૂલતાં એની કિંમત રૂ. 1200એ પહોંચી હતી. ત્યારે એ વધીને રૂ. 1400 થઈ હતી. આ શેર ટ્રેડિંગ સેશનને અંતે રૂ. 1326.70 બંધ આવ્યો હતો. આ શેરનું NSE પર માર્કેટ કેપ રૂ. 53.82 લાખ રહ્યું હતું.
રોકાણકારોએ આ IPOને 69.43 વધુ સબસ્ક્રાઇબ કર્યો હતો. જે હાલમાં આવેલા IPOમાં સૌથી વધુ હતો. ટાટા ટેકના શેર લિસ્ટ થતા IPOના રોકાણકારો માલામાલ થયા હતા. કંપનીના IPOનું કદ 3042 કરોડ હતું, જેની સામે કંપનીને રેકોર્ડ 1.50 લાખ કરોડથી વધુ અરજીઓ મળી હતી. રિટેલ ઇન્વેસ્ટરોનો ક્વોટા 16 ગણો અને QIBનો નિયત ક્વોટ 203 ગણો ભરાયો હતો. ગ્રુપનો 19 વર્ષમાં આ પહેલો IPO હતો.
વર્ષ 2023માં અત્યાર સુધી IPO માર્કેટમાં સ્ટોક માર્કેટે રેકોર્ડ બનાવ્યા છે. છેલ્લા 11 મહિનામાં IPOમાં 48 શેરોનાં લિસ્ટિંગ થઈ ચૂક્યા છે, એમાં માત્ર ચાર જ IPOમાં રોકાણકારોને નુકસાન થયું છે, જ્યારે 44 એટલે કે આશરે 92 ટકા IPOએ રોકાણકારોને નોંધપાત્ર રિટર્ન આપ્યું છે. એમાંથી આઠ IPOમાં રોકાણકારોને 100 ટકા વળતર પ્રાપ્ત થયું છે. એમાં કેટલાક IPO 50થી 96 ટકા રિટર્ન આપ્યું છે.

