Home Blog Page 2289

“શાંતિ બિઝનેસ સ્કૂલ”ને એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ એનાયત

અમદાવાદઃ જાણીતી મેનેજમેન્ટ એજ્યુકેશન પ્રદાન કરતી સંસ્થા શાંતિ બિઝનેસ સ્કૂલને “કોલેજ દુનિયા” દ્વારા આયોજિત “કનેક્ટ – એન એજ્યુકેશન સમિટ”માં “એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવી છે. શાંતિ બિઝનેસ સ્કૂલનાં ડિરેક્ટર “ડો. નેહા શર્મા” અને ‘તેજીન્દર સિંઘ ધત, ડીન એડમિશન’ દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ડો. નેહા શર્માએ કહ્યું હતું કે આ એવોર્ડ વાઇબ્રન્ટ શાંતિ બિઝનેસ સ્કૂલના દરેક ટીમ મેમ્બર દ્વારા કરવામાં આવેલી સખત મહેનત અને પ્રતિબદ્ધતાનું પ્રમાણપત્ર છે. આપણે ઇન્ડસ્ટ્રીઝ રેડી પ્રોફેશનલ્સ અને સોશિયલી રિસ્પોન્સિબલ સિટિઝન નર્ચર કરવાનું ચાલુ રાખવા માટે સખત પ્રયાસ કરતા રહેવું જોઈએ.” આ એજ્યુકેશન સમિટની થીમ “ઇનોવેશન ઇન એજ્યુકેશન – ધી કી ટુ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા” હતી.

આ સમિટમાં દેશમાંથી સંસ્થાઓ અને યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો, ત્યાં એક પેનલ ચર્ચા પણ થઈ હતી, જે સમિટનું મુખ્ય આકર્ષણ હતી. ચર્ચાની થીમ હતી “યુનિવર્સલ એક્સેસ ટુ એજ્યુકેશન : લિવિંગ નો વન બિહાઇન્ડ”. શાંતિ બિઝનેસ સ્કૂલનાં ડિરેક્ટર ડો. નેહા શર્માએ ચર્ચામાં ભાગ લીધો અને થીમ પર તેમનાં મંતવ્યો શેર કર્યા. SBS અમદાવાદને તેની રોબસ્ટ પ્લેસમેન્ટ પ્રિપરેશન, ફેકલ્ટી રિસર્ચ આઉટપુટ, સ્ટ્રોંગ ઇન્ડસ્ટ્રી કનેક્ટ અને ઇન્ડસ્ટ્રી રેલેવન્ટ કરિક્યુલમને કારણે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

 

 

 

 

“ઝરુખો”ના ઉપક્રમે ભાષાશાસ્ત્રી, લેખક, વિવેચક બાબુ સુથારનું વક્તવ્ય

મુંબઈઃ ગુજરાતી તથા ભાષાશાસ્ત્ર વિષય સાથે બે વાર એમ. એ. થયેલા તથા યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાથી ભાષાશાસ્ત્રમાં પીએચ. ડી. થયેલા અમેરિકાસ્થિત કવિ, લેખક, વિવેચક તથા ભાષાશાસ્ત્રી બાબુ સુથાર સાંઈલીલા વેલ્ફેર ટ્રસ્ટના “ઝરુખો” કાર્યક્રમમાં “ટૂંકી વાર્તા દેશ-વિદેશની” એ વિષય પર વક્તવ્ય આપશે.

    આ નિમિત્તે તેઓ કાફકા તથા અન્ય જાણીતા સર્જકોની તથા કેટલાક અજાણ્યા વાર્તાકારોની વાર્તાઓ વિશે વાત કરશે. વક્તવ્યના અંતે ભાવકો તેમની સાથે પ્રશ્નોત્તરી કરશે.

“ઝરુખો”નો આ કાર્યક્રમ સંજય પંડ્યાના સંચાલનમાં બીજી ડિસેમ્બર શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે બીજે માળે, સાંઈબાબા મંદિર, સાંઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. રસ ધરાવતા સર્વ ભાવકો/ શ્રોતાઓને જાહેર નિમંત્રણ છે.

 

 

 

ઇન્ટર-સ્કૂલ ફૂટબોલ સ્પર્ધામાં 26 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

મુંબઈઃ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES) સંચાલિત ટી.પી. ભાટિયા કોલેજ ઓફ સાયન્સ, કાંદિવલી (વેસ્ટ) દ્વારા ગઈ 28 અને 29 નવેમ્બરે કોલેજના મેદાનમાં ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં શહેરની અનેક શાળાઓની છોકરીઓ તેમ જ છોકરાઓની 26 ટીમોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધાનું ઉદઘાટન ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ અધિકારી, મુંબઈ સબર્બનનાં વર્ષા સાળવીએ કર્યું હતું. વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં એમણે આ પ્રકારની ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરવા બદલ ટી.પી. ભાટિયા કોલેજને અભિનંદન આપ્યાં હતાં અને કહ્યું હતું કે આને લીધે વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધામાં ભાગ લેવાની તક મળે છે.પ્રોફેશનલ રેફરીઓના નિરીક્ષણ હેઠળ ટર્ફ ઉપર રમવાના રોમાંચનો વિદ્યાર્થીઓએ અનુભવ કર્યો હતો. સ્પર્ધાની સમાપ્તિ બાદ શિક્ષક હસન દ્વારા ટીમ લીડર્સનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. નીલેશ અને મધુકર પિસળની આયોજન ટીમે ખેલાડીઓની તમામ જરૂરિયાતોની સંભાળ લીધી હતી. વિજેતા ટીમ, ફર્સ્ટ રનર્સ-અપ અને સેકન્ડ રનર્સ-અપ ટીમને આકર્ષક ટ્રોફીઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત શ્રેષ્ઠ ખેલાડી, શ્રેષ્ઠ ગોલકીપર, શ્રેષ્ઠ ડીફેન્ડર અને શ્રેષ્ઠ સ્ટ્રાઇકર ખેલાડીઓને પણ એમના અસાધારણ દેખાવ માટે વિશેષ ટ્રોફીઓ આપવામાં આવી હતી.

પ્રિન્સિપાલ ડો. સંગીતા શ્રીવાસ્તવે હાર-જીતનો ખ્યાલ કર્યા વિના સાચી ખેલદિલીની ભાવના સાથે રમવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં. એમણે કહ્યું હતું કે આ પ્રકારની ખેલકૂદ સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને સાચો આનંદ આપે છે અને એમનામાં શારીરિક તથા માનસિક શક્તિને વિક્સાવે છે.

 

 

 

ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા આયોજિત ICACની બેઠકનું યજમાન ભારત

મુંબઈઃ ટેક્સટાઇલ મંત્રાલય બીજી ડિસેમ્બરથી પાંચમી ડિસેમ્બર સુધી મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી (ICAC)ની 81મી બેઠકની યજમાની કરશે. આ બેઠકમાં 35 દેશોના 400થી વધુ પ્રતિનિધિઓ ભાગ લે એવી શક્યતા છે. આશરે આઠ વર્ષના અંતરાલ પછી ICAC માટે આ આયોજનની યજમાની કરવી એ સન્માનની વાત છે.

કેન્દ્રીય કપડા અને વેપાર-ઉદ્યોગ પ્રધાન પીયૂ। ગોયલ દ્વારા ઉદઘાટન થનારા ચાર દિવસીય સંમેલનમાં વિવિધ કપેસ ઉત્પાદક, ઉપભોક્તા દેશોના સરકારી પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિ મહત્ત્વના બિઝનેસ ડેલિગેટ્સ, વૈજ્ઞાનિકો અને સંશોધકો ભાગ લેશે. ICAC કપાસને કવર કરતી એક આંતરિક સરકારી સંસ્થા છે, જને યુનાઇટેડ નેશન્સ દ્વારા માન્યતા પ્રાપ્ત છે. 1939માં રચાયેલી આ સંસ્થાના 28 દેશો સભ્ય છે, જેમાં બ્રાઝિલ, ઇજિપ્ત, ફ્રાન્સ, સુડાન અને અમેરિકાની સાથે ભારત આ ફોરમના સંસ્થાપક દેશોમાંનો એક છે. આ સિવાય ફોરમના સભ્યો નથી તેવા દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.

આ પહેલાં વર્ષ 2015માં આ ફોરમની યજમાની ભારતે કરી હતી. ત્યારે આ ફોરમની થીમ હતી ખેતથી કપડાં સુધીઃ કપાસના વિવિધ પાસા વિષર પર આધારિત હતી. છેલ્લાં છ દાયકાઓમાં પાંચમી વાર ICACની બેઠક ભારતમાં આયોજિત કરવામાં આવી રહી છે.

ICACની બેઠક વિશ્વ કપાસ ઉદ્યોગ માટે મહત્ત્વની છે, કેમ કે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ માટે આ ફોરમ એક મંચ પૂરો પાડે છે. આ મંચ પર કપાસ ઉત્પાદક, ઉપભોક્તા અને વેપારી દેશોના ઉદ્યોગ અને સરકારી નેતાઓ વિચારવિમર્શની તક પૂરી પાડે છે.

 

 

 

 

મૅનેજમેન્ટ-ગુરુની સાચી ઓળખ

દુનિયાઆખીના મૅનેજમેન્ટગુરુ, કૉર્પોરેટના ખેરખાંઓની સમજમાં ન આવે એવું હમણાં કંઈ બની ગયું. ઓપનએઆઈના સૅમ અલ્ટમૅનને કંપનીના બોર્ડે કાઢી મૂક્યો, એમના સ્થાને નવાં સીઈઓ આવ્યાં. બીજા દિવસે એ સીઈઓએ પણ રાજીનામું આપી દીધું અને ત્રીજા સીઈઓ આવ્યા. આ દરમિયાન ઓપનએઆઈમાં 49 ટકા હિસ્સો ધરાવતા માઈક્રોસોફ્ટે મૅનેજમેન્ટને કહ્યું કે સૅમ જ બરાબર છે એટલે ચોથા દિવસે સૅમ અલ્ટમૅન પાછા પોતાના પદ પર બિરાજિત થઈ ગયા.

થોડા સમય પહેલાં અમેરિકાની કાર્નેગી યુનિવર્સિટીના અધિકારીઓએ માણસની સફળતા-નિષ્ફળતાના વિષયનો અભ્યાસ કરવા ૧૦ હજાર વ્યક્તિઓની મુલાકાત લીધી. મુલાકાતોનું તારણઃ  ‘માણસની સફળતાનો આધાર જ તેની બુદ્ધિ, કામ કરવાની આવડત અને હુન્નરીય કળા-કૌશલ્ય ઉપર છે. તે પછીના ક્રમે આવે છે તેના લોક– સંપર્કો પર, સંબંધો પર.’

સંચાલન, વ્યવસ્થાપન કે પ્રબંધનનાક્ષેત્રમાં આગળ વધી રહેલા સંચાલકો, વ્યવસ્થાપકોને કદાચ આ તારણ ઘડીક આંચકો આપી જાય એવું છે. માણસ એ બુદ્ધિશાળી પ્રાણી છે. ભગવાને આપેલા બુધિશક્તિથી જ તે પૃથ્વી પરનાં અન્ય પ્રાણીઓ કરતાં અલગ સાબિત થયો છે. વિશ્વના માનવઈતિહાસ સામે નજર કરીએ ત્યારે જણાય છે કે માનવજીવનને લગતાં તમામ ક્ષેત્રોમાં પોતાના બુદ્ધિબળ માણસ અનેકવિધ સંશોધનો કરી ખૂબ પ્રગતિ સાધી છે. પોતાની સંચાલન-વ્યવસ્થાપન શક્તિથી માણસે ઘણો વિકાસ પણ કર્યો છે.

ગામડાની છાપરાંવાળી પ્રાથમિક શાળાથી લઈ વિરાટ વિશ્વવિદ્યાલયોનું, નાની લુહારી કોઢથી મહાકાય કારખાનાં અને રિફાઈનરીઓનું, શેરીના પાનના ગલ્લાથી લઈ વિરાટકાય શૉપિંગમૉલનું સંચાલન કરવું તે આજે માણસ માટે ડાબા હાયની રમત છે. સાથે સાથે ખ્યાતનામ વિશ્વવિદ્યાલયોમાં અનુભવી અધ્યાપકો દ્વારા પીરસાતું સંચાલન કે પ્રબંધનનું જ્ઞાન જે તે વ્યક્તિની સંચાલનકળાને વધુ ધારદાર બનાવી રહ્યું છે. મૅનેજમેન્ટ ક્ષેત્રમાં એક સાચી, પરંતુ કડવી વાસ્તવિક્તા સંચાલકોએ સ્વીકારવી પડી છે કે ધંધા-વ્યાપારમાં યંત્ર અને નાણાંના પ્રબંધન કરતાં માનવ-પ્રબંધનનું, હ્યમુન મૅનેજમેન્ટનું મહત્ત્વ વિશેષ છે.

એક વાર એક વિશાળ બહુરાષ્ટ્રીય કૉર્પોરેશનના પ્રમુખને પૂછવામાં આવ્યું કે, તેમની કંપની શું બનાવે છે ત્યારે તેમણે કહેલું ‘હું કાંઈ વાહનો કે પગરખાંની દોરી બનાવતો નથી. હું માત્ર માણસો તૈયાર કરું છું, કારણ કે માણસો આ બધી વસ્તુઓ બનાવે છે. કૉર્પોરેશનના એક સંચાલકની આ નિખાલસ કબૂલાત જ જણાવે છે કે પ્રબંધનમાં માનવનું અસ્તિત્વ મહત્ત્વનું છે. મહાપુરુષોનાં જીવનમાં ડોકિયું કરીએ તો તેમણે આ વાસ્તવિકતાને ક્યારેય વિસારી નથી.

અમેરિકન પ્રમુખ રુઝવેલ્ટે કહ્યું છે કે, સફ્ળતાના સૂત્રમાં મહત્ત્વનું તત્ત્વ જો કોઈ હોય તો તે માણસ સાથે કઈ રીતે રહેવું, એની સાથે કાર્ય કેવી રીતે એ છે.

બી.એ.પી.એસ. સંસ્થાનું ૬૫ વર્ષ સુધી સંચાલન કરનાર પ્રમુખસ્વામી મહારાજે માનવસંબંધો અને માનવ લાગણીઓને મહત્ત્વ આપ્યું છે. 2009ના જુલાઈમાં સ્વામીશ્રી બોચાસણમાં હતા ત્યારે એમનાં દર્શન કરવા માટે આઈઆઈએમ-ઈન્દોરના ડાયરેક્ટર રવિચંદ્રન્ પધારેલા. પ્રમુખસ્વામી મહારાજ સાથેની પ્રથમ મુલાકાતમાં જેતેઓને સ્વામીશ્રીની વિનમ્રતા, સરળતા અને સાધુતા સ્પર્શી હતી. રવિચંદ્રનજી ઈન્દોરથી મોટરમાર્ગે આખી રાતની મુસાફરી કરીને પધાર્યા છે તે જાણ થતાં જ પ્રમુખસ્વામી મહારાજે વ્યવસ્થાપક સંતોને જણાવ્યું કે, ‘સાહેબને કહેજો કે ઉજાગરો કરીને આવ્યા છે. તો આરામ કરીને નીકળે, જેથી તેમને અને વિશેષ તેમના ડ્રાઈવરને આરામ મળી જાય. તેણે સતત ગાડી ચલાવી હશે.’

સંતોએ આ સંદેશો રવિચંદ્રનને આપ્યો ત્યારે એ બોલી ઊઠ્યા કે ‘આ એવી બાબત છે, આઈઆર્ઈએમમાં નથી ભણાવતા. અમે વિદ્યાર્થીઓને બીજું ઘણું શીખવીએ છીએ, પરંતુ લોકોની સંભાળ લેવાનું મહત્ત્વનું કામ ચુકાઈ જાય છે.’

સંચાલનની સાચી સફળતા માનવીની સારસંભાળમાં છે. એક ચિંતકે કહ્યું છે એમ, ‘નોબડી કૅર્સ હાઉ મચ યૂ નો, અન્ટિલ ધે નો હાઉ મચ યૂ કૅર અર્થાત્ તમે કેટલી દરકાર કરો છો એની જાણ ન થાય ત્યાં સુધી તમે કેટલા જ્ઞાની છો તેની કોઈને પડી નથી.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કોરાનાના 58 નવા કેસો, એક પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 58 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,944 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,298 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,328 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 31 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 318 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,77,608 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 102 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

અમેરિકામાં ખાલિસ્તાનીની હત્યાનું ષડયંત્ર ઘડવાનો ભારતીય નાગરિક પર અમેરિકાનો આરોપ

વોશિંગ્ટનઃ ભારતવિરોધી, ખાલિસ્તાની ઉગ્રવાદી અને ‘શીખ્સ ફોર જસ્ટિસ’ સંગઠનના નેતા ગુરપતવંતસિંહ પન્નૂની હત્યાનું કાવતરું કથિતપણે ઘડવાના આરોપસર અમેરિકાના સત્તાવાળાઓએ નિખિલ ગુપ્તા નામના ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. નાણાંના બદલામાં અમેરિકાની ધરતી પર અમેરિકન નાગરિકની હત્યાનું કાવતરું ઘડવાનો અમેરિકી સરકારે ગુપ્તા પર આરોપ મૂક્યો છે. અમેરિકી અધિકારીઓએ 52 વર્ષીય ગુપ્તાને છટકું ગોઠવીને પકડ્યો હતો. ગુપ્તાએ વેશ બદલીને આવેલા એક ફેડરલ એજન્ટને હિટમેન (ભાડૂતી હત્યારા) તરીકે સમજીને એને એક લાખ ડોલરની રોકડ રકમમાં હત્યા માટે રોક્યો હતો. ગુપ્તાને હાલ ચેક પ્રજાસત્તાક દેશમાં પકડવામાં આવ્યો છે. ચેક અને અમેરિકા વચ્ચે ગુનેગારોની સોંપણી બાબતમાં કરાર થયેલા છે. તેથી હવે ગુપ્તાની સોંપણી અમેરિકાને કરી દેવામાં આવશે. અમેરિકાની અદાલતમાં તેની પર મુકદ્દમો ચલાવવામાં આવશે અને જો તે ગુનેગાર ઠરશે તો એને 20 વર્ષની જેલની સજા થઈ શકે છે.

એવો અહેવાલ છે કે, ગયા મે મહિનામાં ભારત સરકારે નિખિલ ગુપ્તાને પોતાના કર્મચારી તરીકે ભરતી કર્યો હતો. ગુપ્તાની ધરપકડ કરીને અમેરિકાના સત્તાવાળાઓએ પન્નૂની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. આ કાવતરામાં ભારત સરકાર સંડોવાયેલી છે એવો અમેરિકાએ ભારત પર આરોપ પણ મૂક્યો છે. ભારત સરકાર તેને નકારી ચૂકી છે, પણ ગુપ્તાના મામલે તપાસ પણ કરાવી રહી છે.

સધર્ન ડિસ્ટ્રીક્ટ ઓફ ન્યૂયોર્કના અમેરિકી એટર્ની ડેમિયન વિલિયમ્સે એક નિવેદનમાં કહ્યું કે, અમેરિકાની ધરતી પર અમેરિકાના નાગરિકની હત્યાનો પ્રયાસ કરાય તેને અમે જરાય સાંખી નહીં લઈએ. જે કોઈ વ્યક્તિ આવો ગુનો કરશે એની સામે તપાસ કરવામાં આવશે અને એની સામે અમેરિકાની અદાલતમાં મુકદ્દમો ચલાવાશે.

તેલંગણા વિધાનસભા ચૂંટણી: ચિરંજીવી, અઝહરુદ્દીન, એનટીઆર જૂનિયરે મતદાન કર્યું

હૈદરાબાદઃ 2014માં આંધ્ર પ્રદેશમાંથી અલગ થઈને નવા રાજ્ય બનેલા તેલંગણામાં 119-સભ્યોની વિધાનસભા ચૂંટણીમાં આજે મતદાનનો દિવસ છે. સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો હતો, જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. 106 મતવિસ્તારોમાં મતદાનનો સમય સવારે 7થી સાંજે પાંચ વાગ્યા સુધીનો રહેશે જ્યારે નક્સલવાદી હિંસાગ્રસ્ત 13 મતવિસ્તારોમાં સાંજે ચાર વાગ્યે મતદાન પ્રક્રિયા સમાપ્ત કરી દેવાશે. રાજ્યમાં 3.26 કરોડ મતદારો રજિસ્ટર્ડ થયા છે. ચૂંટણીમાં 2,290 ઉમેદવારોએ ઝૂકાવ્યું છે. રાજ્યમાં છેલ્લી બે મુદતથી કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળના ભારત રાષ્ટ્ર સમિતિ (અગાઉના તેલંગણા રાષ્ટ્ર સમિતિ) પક્ષનું શાસન છે. આ વખતે કોંગ્રેસ, ઓવૈસીની આગેવાની હેઠળની AIMIM અને ભાજપા તરફથી લડત છે.

સવારે વહેલા જઈને મતદાન કરનાર નામાંકિત વ્યક્તિઓમાં તેલુગુ અભિનેતો ચિરંજીવી, અલ્લૂ અર્જુન, એન.ટી.આર. જૂનિયર તથા ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો સમાવેશ થાય છે.

સુવિચાર – ૩૦ નવેમ્બર, ૨૦૨૩

સુવિચાર – ૩૦ નવેમ્બર, ૨૦૨૩

૩૦ નવેમ્બર, ૨૦૨૩

૩૦ નવેમ્બર, ૨૦૨૩