Home Blog Page 2296

ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુમાં આવી બાધા, હજુ પણ લાગશે સમય

ઉત્તરાખંડના ઉત્તરકાશીના સિલ્ક્યારામાં ટનલની અંદર હજુ પણ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હાલ અકસ્માતના 17મા દિવસે બચાવ કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. એક તરફ, કામદારો ગમે ત્યારે બહાર આવે તેવી ધારણા છે. એક પાઇપ જે ડ્રિલિંગ દ્વારા અંદર ગઈ હતી તે બચાવમાં અવરોધ બની રહી છે. જેના કટિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

ઉત્તરકાશીના સિલ્ક્યારામાં નિર્માણાધીન ટનલમાં છેલ્લા 17 દિવસથી ચાલી રહેલું બચાવ અભિયાન આજે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. હાલ ટનલમાં ફસાયેલા 41 મજૂરોને ગમે ત્યારે બહાર કાઢી શકાય છે. દરમિયાન, બચાવમાં આવી રહેલી સમસ્યાનો ઉકેલ પણ મળી ગયો છે. હજુ સુધી એક પણ મજૂરને સુરંગમાંથી બહાર કાઢવામાં આવ્યો નથી. મળતી માહિતી મુજબ હજુ એક પાઈપ કાપવાની બાકી છે. જેના માટે એજન્સીઓ કામમાં વ્યસ્ત છે. હાલમાં કામદારોને બહાર લાવવામાં એક કલાકનો સમય લાગી શકે છે.

મેડિકલ સ્ટાફ ટનલ પર પહોંચી ગયો

બચાવ કામગીરીના કારણે ટનલની અંદર અસ્થાયી તબીબી સુવિધાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. રેસ્ક્યુ ઓપરેશન અંતિમ તબક્કામાં પહોંચતા મેડિકલ સ્ટાફ સિલ્ક્યારા ટનલ પર પહોંચી ગયો છે. સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવ્યા બાદ અહીં સ્વાસ્થ્ય પ્રશિક્ષણ આપવામાં આવશે. જો કોઈ સમસ્યા હોય તો આરોગ્ય વિભાગ દ્વારા 8 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને તબીબો અને નિષ્ણાતોની ટીમ તૈનાત કરવામાં આવી છે.

બચાવ બાદ મેડિકલ તપાસ કરવામાં આવશે

હાલમાં, એવું કહેવામાં આવ્યું છે કે ટનલમાંથી બચાવ માટે, NDRF અને SDRFના એક-એક જવાન અંદર જશે અને એક પછી એક 41 મજૂરોને બહાર કાઢશે. જે બાદ તમામ કામદારોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. કામદારોને બહાર કાઢતા પહેલા જ સ્ટ્રેચર, ગાદલા અને પલંગને ટનલની અંદર લઈ જવામાં આવ્યા છે.

CAAના નિયમ માર્ચ, 2024 સુધી બનાવી દેવાશેઃ કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજયકુમાર મિશ્રાએ રવિવારે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના ઠાકુરનગરમાં દલિત મતુઆ સમાજના ઉત્સવમાં ભાગ લેવા દરમ્યાન કહ્યું હતું કે કેન્દ્ર દ્વારા સિટિઝનશિપ એમેડમેન્ટ એક્ટ (CAA)ના નિયમો 30 માર્ચ, 2024 સુધી તૈયાર કરી લેવામાં આવશે. જોકે તૃણમૂલ કોંગ્રેસે એને લોકસભાની-2024ની ચૂંટણી લક્ષી નિવેદન ગણાવ્યું હતું.

તેમણે મતુઆના વાર્ષિક રાસ ઉત્સવમાં કહ્યું હતું કે હું તમને વિશ્વાસ આપું છે કે મતુઆ સમાજના સભ્યો તેમની નાગરિકતા નહીં ગુમાવે. તેઓ બધા સુરક્ષિત છે. મારી પાસે તાજી માહિતી છે કે માર્ચ, 2024 સુધી CAAના નિયમો તૈયાર કરી લેવામાં આવશે.

કેન્દ્રએ પહેલાં કહ્યું હતું કે કેન્દ્ર CAA માટેના કાયદા બનાવવાની પ્રક્રિયા કરી લેશે. ઠાકુરનગરમાં 2021ની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ગૃહપ્રધાન અમિત શાહે ઘોષણા કરી હતી કે દેશમાં કોવિડના રસીકરણ પછી કેન્દ્ર CAA લાગુ કરશે. જોકે ભાજપે આ મુદ્દે ત્યારથી અત્યાર સુધી કાંઈ કહ્યું નથી.

2020માં સંસદમાં પસાર કરેલા CAA 2015થી પહેલાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બંગલાદેશથી ભારતમાં પ્રવેશ કરેલા બિન મુસલમાનોને નાગરિકતા આપે છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું કહેવું છે કે CAA ગેરબંધારણીય છે, કેમ કે આ એક ધર્મનિરપેક્ષ દેશમાં નાગરિકતા ધર્મને જોડે છે. મતુઆ દલિત નામશૂદ્ર સમાજનો હિસ્સો છે, જે ધાર્મિક ઉત્પીડનથી બચવા માટે 1947માં ભારતના વિભાજન અને 1971ના બંગલાદેશના યુદ્ધ દરમ્યાન પૂર્વ પાકિસ્તાનથી વિસ્થાપિત થયા હતા.

 

 

 

 

 

હૈદરાબાદી પનીર મસાલા

લાલ મરચાંની ગ્રેવી સાથે પનીર ઘણીવાર હોટલમાં ખાવામાં આવે છે. તેમજ ઘરમાં પણ બનાવવામાં આવે છે. આ લીલા રંગની મસાલા ગ્રેવી દેખાવે તો આકર્ષક બને જ છે. ઉપરાંત તે ચટપટી અને સ્વાદિષ્ટ પણ બને છે.

સામગ્રીઃ

  • પનીર
  • દહીં 1 કપ
  • કાંદા 4
  • લસણ 1 કપ
  • લીલા મરચાં 6-7
  • આદુ 1 ઈંચના બે ટુકડા
  • તેલ પનીર તળવા માટે તથા વઘાર માટે
  • કોથમીર ધોઈને સુધારેલી 1 કપ
  • ફુદીનાના ધોયેલા પાન 1 કપ
  • જીરૂ પાવડર 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો 1 ટે.સ્પૂન
  • હળદર પાઉડર 1 ટી.સ્પૂન
  • કાળાં મરી પાઉડર 1 ટી.સ્પૂન
  • ફ્રેશ ક્રીમ અથવા મલાઈ 1 કપ
  • કોથમીર સજાવટ માટે 2 ટે.સ્પૂન

સૂકા મસાલાઃ

  • લવિંગ 6-7 કળી
  • મોટી એલચી 2 નંગ
  • લીલી એલચી 5-6 નંગ
  • તજનો 1 ઈંચનો ટુકડો
  • સૂકાં લાલ મરચાં 2
  • જીરૂ 1 ટે.સ્પૂન
  • કાળા મરી 7-8 નંગ

રીતઃ એક કઢાઈમાં 1 કપ જેટલું તેલ ગરમ કરી તેમાં પનીરના લંબચોરસ ટુકડા કરીને તળીને એક પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ તેલમાં કાંદા લાંબી સ્લાઈસમાં સુધારેલા, લસણ, આદુનો ટુકડો તેમજ લીલા મરચાં બે ટુકડામાં કટ કરેલા નાખીને તળી લો. હવે તેમાં કોથમીર તેમજ ફુદીનો નાખીને 2 મિનિટ સાંતળીને ગેસ બંધ કરીને આ મિશ્રણ ઠંડું થવા મૂકી દો. કાંદા લસણ ઠંડા થાય એટલે મિક્સીમાં બારીક પેસ્ટ કરી લો.

કઢાઈમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરુ, એલચી, તજનો ટુકડો, લવિંગ તથા મરીનો વઘાર કરીને કાંદાની ગ્રેવી મેળવી દો. તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી સાંતડો લગભગ 5-10 મિનિટ સુધી. ત્યારબાદ તેમાં દહીં મેળવીને 5 મિનિટ સુધી ગ્રેવી હલાવતાં રહો. ગેસની આંચ મધ્યમ રાખવી. 5 મિનિટ બાદ તેમાં સૂકા મસાલા મેળવી 2 મિનિટ સાંતડીને ક્રીમ અથવા મલાઈ મેળવીને ફરીથી સાંતડો. 10 મિનિટ માટે ગેસની આંચ મધ્યમ રાખીને કઢાઈ ઢાંકીને થવા દો. વચ્ચે વચ્ચે ગ્રેવીને તવેથા વડે હલાવતા રહો. થોડીવાર બાદ તેમાં કસૂરી મેથી મેળવીને તેમાંનું તેલ છૂટું પડે એટલે પનીરના ટુકડા ઉમેરી દો. સાથે ઝીણી સુધારેલી કોથમીર પણ મેળવીને ગેસ બંધ કરી દો.

ચીનની રિયલમી હવે પ્રીમિયમ ફોન લોન્ચ કરવા તૈયાર

નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદક રિયલમીએ કહ્યું હતું કે કંપનીએ પાંચ વર્ષ પહેલાં એકમ સ્થાપિત કર્યા પછી બે કરોડ (200 મિલિયન)થી વધુ મોબાઇલ ચીનની બહાર મોકલ્યા છે. ડેટાથી એ માલૂમ પડે છે કે આ સફળતા હાંસલ કરનારી પાંચમી સૌથી સ્મર્ટફોન ઉત્પાદક કંપની છે.

ચીની ઉપભોક્તા હાર્ડવેર દિગ્ગજ BBK ઇલેક્ટ્રોનિક્સની માલિકીની રિયલમી- જે ઓપ્પો અને વિવો બ્રાન્ડની પણ માલિક છે, એણે કહ્યું હતું કે બીજા ત્રિમાસિકમાં કંપનીએ ચીનની બહાર બે કરોડ સ્માર્ટફોન શિપ કર્યા છે. માર્કેટ એનાલિટિક્સ કંપની કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના ડેટાથી માલૂમ પડે છે કે માત્ર ચાર કંપનીઓ –વિવો, હુવેઇ, સેમસંગ અને એપલે જ હજી સુધી આટલા સ્માર્ટફોન શિપ કરવામાં ઓછો સમય લીધો છે. વૈશ્વિક સ્તરે માત્ર 14 કંપનીઓ છે, જેમણે અત્યાર સુધી બે કરોડથી વધુ ફોન મોકલ્યા છે.

આ વિશે કંપનીના ચીફ માર્કેટિંગ ઓફિસર જુ ક્યુએ કહ્યું હતું કે અમે બજારમાં ત્યારે સ્માર્ટફોન બજારમાં મૂક્યો હતો, જ્યારે બજારમાં 700થી વધુ સ્માર્ટફોનની બ્રાન્ડ હાજર હતી, પણ અમને ગર્વ છે કે અમે છેલ્લાં પાંચ વર્ષમાં વિશ્વની ટોચની 10 બ્રાન્ડોમાં સામેલ થવા માટે સક્ષમ થયા છીએ.

કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ અનુસાર 2017માં બજારમાં 700થી વધુ સ્માર્ટફોનની બ્રાન્ડ હતી, જે સંખ્યા ઘટીને સપ્ટેમ્બરમાં આશરે 250 થઈ ગઈ હતી. તેમણે કહ્યું હતું કે કંપની હવે રિયલમી GT 5 પ્રોની સાથે પ્રીમિયમ ફોનને ટક્કર આપવા માટે તૈયાર છે.

 

 

 

 

‘રાહુલજી 50 વર્ષના થયા, કોઈક સાથી ગોતી લો’: ઓવૈસીની ટીકા

હૈદરાબાદઃ તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરના ગુરુવારે એક જ ચરણમાં મતદાન યોજાવાનું છે. એ માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. અમુક પક્ષોના નેતાઓ એકબીજાની આકરી ટીકા કરતા અચકાતા નથી. વડા પ્રધાન અને ભાજપાના ટોચના નેતા નરેન્દ્ર મોદી અને AIMIM પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી વચ્ચે મૈત્રી છે એવી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીનો ઓવૈસીએ વળતો જવાબ આપ્યો છે. એમણે કહ્યું છે, ‘રાહુલજી તમે 50 વર્ષના થયા. એકલું લાગતું હશે. કોઈક સાથી શોધી લો.’

આંધ્ર પ્રદેશથી છૂટા થઈને તેલંગણ અલગ રાજ્ય બન્યું ત્યારથી અહીં કે. ચંદ્રશેખર રાવનું રાજકીય વર્ચસ્વ છે. આ વખતની ચૂંટણીમાં એમની ભારત રાષ્ટ્ર સમિતિને હરાવીને સત્તા કબજે કરવા કોંગ્રેસ કૃતનિશ્ચયી છે. રાહુલ ગાંધી અને એમના બહેન પ્રિયંકા ગાંધી આ માટે પક્ષનો જોરદાર પ્રચાર કરી રહ્યાં છે. કેન્દ્રની શાસક ભારતીય જનતા પાર્ટી પણ તેલંગણામાં રાજ મેળવવા પ્રયત્નશીલ છે. આમ, ચારેય મુખ્ય પાર્ટી એકબીજાની કટ્ટર હરીફ બની છે.

ગઈ 25 નવેમ્બરે એક જાહેર સભામાં રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે, ‘AIMIM અને બીઆરએસ, આ બેઉ ભાજપાના મિત્રપક્ષો છે. મોદીજીના બે યાર છે – ઓવૈસી અને કે.સી.આર.’ એમની તે ટિપ્પણીનો ઓવૈસીએ આજે જવાબ આપ્યો છે. એમણે વધુમાં કહ્યું, ‘અમે કોઈને ત્રાસ દેતા નથી, પણ જો કોઈ અમને ત્રાસ દે તો અમે એમને છોડતા નથી.’  119-બેઠકો ધરાવતી તેલંગણા વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી હાથ ધરવા અને પરિણામની જાહેરાત માટે 3 ડિસેમ્બરનો દિવસ નિર્ધારિત કરાયો છે. આ રાજ્યની સાથે અન્ય ચાર રાજ્ય – મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મણીપુરમાં પણ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે.

સિલ્ક્યારા સુરંગમાં ખોદકામ પૂરું, હવે બહાર કઢાશે મજૂરો

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાના પ્રયાસ સતત જારી છે.  ઉત્તરાખંડની સિલ્ક્યારા સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે ચલાવવામાં આવેલું રેસ્ક્યુ ઓપરેશન પૂરું થઈ ચૂક્યું છે. વર્ટિકલ ડ્રિલિંગનું કામ પૂરું થઈ ચૂક્યું છે. મજૂરોના પરિવારજનોને પણ સુરંગ પાસે બોલાવવામાં આવ્યા છે. NDRF-SDRFની ચીમ સુરંગની અંદર દાખલ થઈ ચૂકી છે. બે એમ્બ્યુલન્સ પણ સિલ્ક્યારાની અંદર લઈ જવામાં આવી છે. સોમવારે કાટમાળને રેટ હોલ માઇનિંગ નિષ્ણાતો સ્થળે પહોંચ્યા હતા. ચારધામ યાત્રા માર્ગ પર બની રહેલી સુરંગમાં રેટ હોલ માઇનિંગના નિષણાતોની મદદ લેવામાં આવી હતી.

ઘટનાસ્થળે રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કર ધામી પણ પહોંચ્યા છે. હવે મજૂરોથી દૂરી માત્ર ત્રણ મીટર પર છે. અધિકારીઓનું કહેવું છે કે સાંજે પાંચ કલાક સુધી કોઈ પણ સમયે તેમને બહાર કાઢી લેવામાં આવશે. સિલ્ક્યારા સુરંગથી બહાર 41 એમ્બ્યુલન્સને ડોક્ટર્સની સાથે તહેનાત કરવામાં આવી છે, જેથી તત્કાળ તેમને સહાય કરવામાં આવી શકાય.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને ફરી ફોન કરીને ટનલમાં ફસાયેલા મજૂરોની રાહત અને બચાવ કાર્ય અંગે માહિતી લીધી હતી. તેમણે કહ્યું હતું કે અંદર ફસાયેલા કામદારોની સુરક્ષાની સાથે બહાર રાહત કાર્યમાં લાગેલા લોકોની સુરક્ષા માટે પણ ખાસ કાળજી લેવી જોઈએ.પ્રાપ્ત માહિતી મુજબ માઈનીંગ વચ્ચે સિલ્ક્યારામાં વરસાદ શરૂ થયો છે. આવી સ્થિતિમાં બચાવ કાર્યમાં લાગેલી ટીમોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

 

 

 

 

 

 

બુમરાહની રહસ્યમય ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ઈન્ટરનેટ પર વાઈરલ

અમદાવાદઃ ભારતની રાષ્ટ્રીય ટીમનો મુખ્ય સ્ટ્રાઈક બોલર જસપ્રિત બુમરાહ આઈપીએલ સ્પર્ધામાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વતી રમે છે. આ ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા રોહિત શર્માનો અનુગામી બનશે એવી અફવાને પગલે બુમરાહે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ભેદભરમવાળી સ્ટોરી પોસ્ટ કરી છે. એમાં તેણે માત્ર આટલું જ લખ્યું છે: ‘ક્યારેક મૌન જ શ્રેષ્ઠ ઉત્તર બને છે.’ બુમરાહની આ પોસ્ટને કારણે પ્રશંસકોમાં હલચલ મચી ગઈ છે. સૌ એવી અટકળો લગાડવા માંડ્યા છે કે પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન બનાવવાની ટીમની હિલચાલથી બુમરાહ ખુશ નથી. ઉલ્લેખનીય છે કે, પંડ્યા આઈપીએલની છેલ્લી બે આવૃત્તિમાં ગુજરાત ટાઈટન્સ વતી રમ્યો હતો, પણ આવતા વર્ષની આવૃત્તિ માટે મુંબઈ ટીમે એને ગુજરાત પાસેથી રૂ. 15 કરોડમાં ખરીદી લીધો છે.

અમદાવાદમાં શીખ-પંજાબી પરિવારમાં જન્મેલા બુમરાહની પોસ્ટ પરથી લોકો એવું અનુમાન લગાડી રહ્યા છે કે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું સુકાન સોંપાય એ બુમરાહને ગમ્યું નથી. રોહિતના અનુગામી બનવાની બુમરાહની પોતાની ઈચ્છા હોય એવું લાગે છે.

વડોદરાના વતની પંડ્યાના નેતૃત્ત્વ હેઠળ ગુજરાત ટાઈટન્સ ટીમે 2022માં વિજેતાપદ હાંસલ કર્યું હતું અને આ વર્ષની સ્પર્ધામાં તે ફાઈનલમાં પહોંચી હતી અને રનર્સ-અપ ટ્રોફી મેળવી હતી. ગુજરાત ટાઈટન્સના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ કહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં પાછા જોડાવાની હાર્દિક પંડ્યાએ જ ઈચ્છા વ્યક્ત કરી હતી.

બીજી એક નોંધનીય બાબત એ છે કે બુમરાહે સોશિયલ મીડિયા પર મુંબઈ ઈન્ડિયન્સના સત્તાવાર હેન્ડલ્સ પર અનફોલો કર્યું છે.

અનેક યૂઝર્સનો ગૂગલ ડ્રાઈવ ડેટા ગાયબ: કંપની તપાસ કરી રહી છે

મુંબઈઃ દુનિયાભરમાં સૌથી લોકપ્રિય ક્લાઉડ સ્ટોરેજ પ્લેટફોર્મ છે ગૂગલ ડ્રાઈવ. દરરોજ કરોડો લોકો આનો ઉપયોગ કરે છે. ગૂગલ કંપનીની જીમેલ સેવાનો વપરાશ કરતા મોટા ભાગના યૂઝર્સનો ડેટા અને ફાઈલ્સ ગૂગલ ડ્રાઈવ પર સ્ટોર કરવામાં આવ્યા છે. લોકોનું માનવું છે કે ક્લાઉડ સ્ટોરેજમાં અને તે પણ ગૂગલ ડ્રાઈવ પર ડેટા અને ફાઈલ્સનો સંગ્રહ કરવો ખૂબ સુરક્ષિત છે અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે એને આસાનીથી એક્સેસ પણ કરી શકાય છે. પરંતુ અમુક ગૂગલ ડ્રાઈવ યૂઝર્સની ફરિયાદ છે કે એમની અંગત ફાઈલ્સ અચાનક ગાયબ થઈ ગઈ છે.

ગૂગલ કમ્યુનિટી સપોર્ટ સાઈટ પર એક યૂઝરે રિપોર્ટ કર્યો છે કે એણે ગયા મે મહિનાથી અત્યાર સુધીમાં સંઘરેલો બધો ડેટા ગાયબ થઈ ગયો છે. એની ડ્રાઈવ મે, 2023 પૂર્વેની સ્થિતિમાં પાછી આવી ગઈ છે. મે મહિનાથી લઈને આજ સુધીનો ડેટા ગાયબ છે. ફોલ્ડર સ્ટ્રક્ચર મે મહિના પૂર્વેના સ્ટેટસ પર પાછું આવી ગયું છે.

ટેક્નોલોજી ક્ષેત્રમાં અમેરિકાની વિશ્વવિખ્યાત ગૂગલ કંપનીએ આ સમસ્યાનો સ્વીકાર કર્યો છે અને નવા ગૂગલ કમ્યુનિટી સપોર્ટ થ્રેડમાં લખ્યું છે કે, ‘ડેસ્કટોપ યૂઝર્સના જૂજ લોકોને નડેલી સમસ્યાની અમે તપાસ કરી રહ્યા છીએ અને વધુ અપડેટ્સ સાથે ફોલો-અપ કરીશું.’

ગૂગલ કંપનીએ એ પણ નોંધ લીધી છે કે ગૂગલ ડ્રાઈવ ડેસ્કટોપ વર્ઝન 84.0.0.0 થી લઈને 84.0.4.0 માં સિન્ક્રોનાઈઝ બાબતે કંઈક સમસ્યા થઈ છે. યૂઝરનું કહેવું છે કે ગૂગલની સપોર્ટ ટીમે એને ડેટા રીકવરી પ્રોસેસ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું જેથી ડેટા રીસ્ટોર થઈ શકે, પરંતુ એમાં સફળતા મળી નથી.

ગૂગલ ડ્રાઈવ ટીમના એક સભ્યએ યૂઝર્સ જોગ ચેતવણી રૂપે સલાહ આપી છે કે ડેસ્કટોપ માટેની ગૂગલ ડ્રાઈવના યૂઝર્સે ‘ડિસકનેક્ટ એકાઉન્ટ’ પર ક્લિક કરવું નહીં.

AMAના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સનો દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદઃ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ના નિરંતર શિક્ષણ મોડેલ આધારિત વિવિધ પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કાર્યક્રમોએ માર્કેટિંગ અને સેલ્સ, હ્યુમન રિસોર્સ, ઇન્ટરનેશનલ બિઝનેસ, એડવર્ટાઇઝિંગ અને બ્રાન્ડ, ફાઇનાન્સ, હેલ્થકેર અને હોસ્પિટલ, બેન્કિંગ અને ડિજિટલ માર્કેટિંગ જેવા ક્ષેત્રમાં નવીન કાર્યક્રમોનું આયોજન કરી એક અજોડ માર્ગ પ્રસ્થાપિત કર્યો છે.

આજે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી સાન બર્નાર્ડિનો (CSUSB) USAના સહયોગથી AMAના પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સ અનન્ય બ્રાન્ડ-વેલ્યુ ધરાવે  છે.

AMA દ્વારા ૨૫ નવેમ્બર, ૨૦૨૩એ જાન્યુઆરીથી જૂન, ૨૦૨૩ની પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામની બેચ માટે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય મહેમાન માનનીય રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રિન્ટિગ અને સ્ટેશનરી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એનાયત કર્યા હતા. મંત્રીએ મેનેજમેન્ટ પ્રેક્ટિસ આધારિત સશક્ત અને સ્વ-નિર્ભર ભારતનું સરકારનું વિઝન અને મિશન રજૂ કર્યું હતું.

 

 

 

 

 

ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું નિધન

 આપણું શરીર ‘સ્ટીમ એન્જિન’ જેવું છે.” લાંબું અને સારું જીવન જીવવું હોય તો હાંઠેકડા, ડૂચાની જેમ બધો કચરો શરીરમાં ખોસ-ખોસ ના કરાય.” બીજું,  ‘માણસને વાંચો એના  જીવનમાંથી જ હ્યુમન ઇન્ટ્રેસ્ટ સ્ટોરી મળે.’  ‘હું એવો જ ફોટો પાડું જેની પર હું લખી શકું’ … આ શબ્દો છે પદ્મશ્રી ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના.

27 નવેમ્બર સોમવાર દેવ દિવાળીએ એમનું નિધન થયું છે. આ સાથે ગુજરાતને એક ઉત્તમ ફોટો જર્નાલિસ્ટની ખોટ પડશે. દાયકાઓ સુધી અગ્રણી અખબારમાં લોકજીવન અને સાંપ્રત ઘટનાઓને ઝવેરીલાલ મહેતાની કલમ અને કેમેરાએ વાચા આપી.

ગુજરાત સમાચારના વરિષ્ઠ ફોટો જર્નાલિસ્ટ સુરેશ મિસ્ત્રી જે ઘટનાઓ, એસાઇનમેન્ટ, ડાર્કરૂમથી માંડી તમામ બાબતોમાં ઝવેરીલાલની સાથે રહ્યા. એમને નજીકથી કામ કરતા જોયા. સુરેશ મિસ્ત્રી ચિત્રલેખા.કોમને કહે છે, ઝવેરીલાલ દલપતરામ મહેતાનો જન્મ  7 ઓગસ્ટ, 1928, હળવદમાં થયો હતો.

ગુજરાતના આ પ્રતિષ્ઠત ફોટો જર્નાલિસ્ટે ધ્રાંગધ્રામાં મેટ્રિક સુધી શિક્ષણ લીધું હતું. ત્યાર બાદ સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં શિક્ષણ લીધું. ઝવેરીલાલ મહેતાનો મુંબઈ નિવાસ સંઘર્ષનો સમય બની રહ્યો. એ જમાનામાં મુંબઈમાં ‘ચેત મછંદર’ નામના સામયિકમાં પ્રૂફવાચનનું કામ કર્યું હતું

. વર્ષો પહેલાં અમદાવાદની અરવિંદ મિલમાં ટેક્સટાઇલ આર્ટિસ્ટ તરીકેની નોકરી મળી એ પછી અમદાવાદને જ મુકામ બનાવ્યું. અરવિંદ મિલમાં 17 વર્ષ ફરજ બજાવી. મિલની નોકરી સાથે તેઓ સ્વતંત્ર છબીકાર તરીકે પણ કામ કરતા રહ્યા. ઝવેરીલાલ લાઇફ એટલે કે જીવન- માનવરસ વિષયને સ્પર્શતી તસવીરો પાડી એના પર લખતા હતા. ‘જનસત્તા’ દૈનિકમાં ‘મારે જીવવું છે’ શીર્ષક હેઠળ છપાતી અને વડોદરાના ‘લોકસત્તા’માં પુનર્મુદ્રિત આ કટારથી તેમની લોકપ્રિયતા વધતી ગઈ.

1972માં તેઓ ‘ગુજરાત સમાચાર’ દૈનિકમાં જોડાયા. ત્યારથી તેમની લોકપ્રિયતા નિરંતર વધતી જ રહી છે. ધારાવાહિક નવલકથાઓમાં આબેહૂબ પાત્રોના ઊભા ફોટા મૂકવાની પ્રથા શરૂ કરવાનું શ્રેય ઝવેરીલાલને ફાળે જાય છે. એમણે તસવીર કંડારતી ક્યારેય ફ્લેશનો ઉપયોગ કર્યો નથી. કારકિર્દીની શરૂઆતમાં તેઓ રોલીકોલ કેમેરા, પેન્ટૅક્સ K-1000, નિકોન કેમેરા વાપરતા ત્યાર બાદ ડિજિટલ યુગમાં પણ જુદા-જુદા કેમેરા સાથે કામ કર્યું.સુરેશ મિસ્ત્રી કહે છે, ફોટોગ્રાફીમાં ઝવેરીલાલ રઘુ રાય તથા કિશોર પારેખને ગુરુ અને પ્રેરણામૂર્તિ માનતા હતા. તેઓ કદી સ્પર્ધામાં ભાગ લેતા નહોતા. તસવીરોનાં પ્રદર્શનો કરવાનું ટાળતા. ઝવેરીલાલ કહેતા કે મારી ફોટો સ્ટોરી રોજ સવારે લાખો લોકો વાંચે છે તો પછી બંધ ઓરડામાં ગણ્યાગાંઠ્યા લોકો માટે પ્રદર્શન શું કામ કરવાનું?  બીજું ઝવેરીલાલનો સ્વભાવ બહિર્મુખી હતો..એ મોટા નેતા હોય કે સેલિબ્રિટી નીડરતાથી રોકડું પરખાવી દેતા.

 માણસનો ચહેરો વાંચવાની એમની કળાને કારણે અમરસિંહ ચૌધરીથી માંડી હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કંઈક હળવી ટકોર કરી સલાહ આપતા તો સૌ માની પણ લે. દિલ્હી જેવી રાજધાનીમાં ફરજ બજાવતા ત્યારે કોઈ પણ ભોગે પોતાની તસવીરો,  કેમેરા રોલ ગુજરાત સુધી પહોંચાડતા. દિલ્હીમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઈંદીરા ગાંધી જોડે રાખડી બંધાવતા. રઘુરાય , ભવાનસિંહ જેવા અનેક દિગ્ગજો સાથે એમને કામ કરવાની તક મળી.સોશિયલ મીડિયા પહેલાંના યુગમાં છાપાની રાહ જોતા લોકો ઝવેરીલાલના ફોટા અને લખાણને માણવા આતુર રહેતા. વહેલી સવારે  છાપા સાથે ઝવેરીલાલની ઉત્તમ ફોટો સ્ટોરીની લોકોને ખૂબ જ અપેક્ષાઓ રહેતી. એક કલાકાર હોવાથી ઝવેરીલાલ તસવીરોમાં લાઇટ, એન્ગલ અને કમ્પોઝિશનનું ધ્યાન રાખતા. અખબારના માલિકો પણ એમની સાથે હળવી મજાક કરી લેતા અને માન-સન્માન આપતા.

તસવીર-પત્રકારત્વ માટે 1998માં રાજ્ય સરકારે તેમને એવૉર્ડ આપ્યો હતો. ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માન આપવામાં આવ્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)