બેંગલુરુઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL)ના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.ત્યાર બાદ તેમણે બેંગલુરુમાં સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી હતી. આ એક ઐતિહાસિક તક હતી. આ ઉડાનનો અનુભવ શેર કરતાં PM મોદીએ જણાવ્યું હતું કે તેમણે તેજસ પર સફળતાપૂર્વક ઉડાન પૂરી કરી છે અને આ અનુભવ અવિશ્વસનીય રહ્યો હતો.
તેઓ જેટના મેન્યુફેક્ચરિંગ હબનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા. મોદી સરકાર સંરક્ષણ ઉત્પાદનોના સ્વદેશી ઉત્પાદન પર સતત ભાર મૂકી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર ફોટો શેર કરતાં લખ્યું હતું કે ભારતીય એરફોર્સ, DRDO અને HAL તેમજ તમામ ભારતીયોને આ ક્ષણ બદલ ખૂબ ખૂબ અભિનંદન. વડા પ્રધાન મોદીએ 45 મિનિટ સુધી લડાકૂ વિમાન તેજસમાં ઉડાન ભરી હતી.
Successfully completed a sortie on the Tejas. The experience was incredibly enriching, significantly bolstering my confidence in our country’s indigenous capabilities, and leaving me with a renewed sense of pride and optimism about our national potential. pic.twitter.com/4aO6Wf9XYO
તેજસ ભારતીય કંપની નિર્મિત સ્વદેશી કોમ્બેટ એરક્રાફ્ટ છે. આ એક ફાઇટર જેટ છે, જેમાં બે પાઇલટ બેસી શકે છે. તેને લિફ્ટ એટલે કે લીડ-ઇન ફાઇટર ટ્રેનર કહેવામાં આવે છે. તેજસ એક પ્રકારનું ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ પણ છે, જરૂર પડે ત્યારે ગ્રાઉન્ડ પર પણ હુમલો કરવા સક્ષમ છે. એરફોર્સે HAL પાસેથી 123 તેજસ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, જેમાંથી 26 એરક્રાફ્ટની ડિલિવરી કરવામાં આવી છે. આ તમામ તેજસ માર્ક-1 એરક્રાફ્ટ છે. આગામી દિવસોમાં, HAL આ એરક્રાફ્ટના વધુ અપગ્રેડેડ વર્ઝન એરફોર્સને સોંપશે, જે 2024 અને 2028 ની વચ્ચે આપવામાં આવશે.
નવી દિલ્હીઃ IPL 2024ને લઈને ચોંકાવનારા સમાચાર છે.ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એક વાર જૂની ટીમ તરફ પ્રયાણ કરે એવી શક્યતા છે. હાર્દિકની હવે તેની જૂની ટીમ મુંબઈ ઇન્ડિયન્સમાં વાપસી નક્કી છે.
અહેવાલો મુજબ મુંબઈને ટ્રેડ વિન્ડોથી ટીમમાં સામેલ કરે એવી શક્યતા છે. જોકે આ બાબતે સત્તાવાર જાહેરાત 26 નવેમ્બર સુધી કરવામાં આવશે, કેમ કે 26 નવેમ્બર ટ્રેડ વિન્ડો દ્વારા ખેલાડીઓની અદલાબદલી કરવાની છેલ્લી તારીખ છે. વર્ષ 2015માં હાર્દિકે IPL કેરિયરનો પ્રારંભ મુંબઈ ઇન્ડિયનમાંથી કર્યો હતો. ત્યાર બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન બનીને હાર્દિકે ટીમને પહેલી સીઝનમાં ચેમ્પિયન બનાવી હતી. 2023માં હાર્દિકે ટીમને ફાઇનલમાં પણ પહોંચાડી હતી. હવે હાર્દિક ઘર વાપસી કરે એવી શક્યતા છે.
: IPLની હરાજી નજીક આવી રહી છે તેની સાથે-સાથે તમામ ફ્રેન્ચાઇઝીમાં ઝડપથી ટ્રેડિંગ ચાલી રહ્યું છે. હવે અફવાઓના બજર પણ ગરમ છે કે જલદીથી હાર્દિક પંડ્યા તેની પહેલી આઈપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયનમાં પરત આવી શકે છે.
Hardik Pandya.
-Left MI when he was declined captaincy.
-GT took at his worst and made hik C
-When MI offered him money and captaincy, he left GT and came back to Mi.
-was in talks with mi after IPL and started a rift with GT.
-Backbited Mi in these 2 Years.
આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હાર્દિકને ટ્રેડ કરવા માટે ગુજરાત ટાઈટન્સ સાથે વાતચીત ચાલી રહી છે. તેથી જો હાર્દિક મુંબઈ આવે છે તો તેની જગ્યાએ ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને કેપ્ટન બનાવી શકાય છે. બીજી બાજુ, મુંબઈ ઈન્ડિયન્સ પણ રોહિત શર્મા માટે અલગ પ્રકારનો રોલ તૈયાર કરી રહી છે. આ સ્થિતિમાં કદાચ રોહિત શર્મા અથવા જોફ્રા આર્ચરમાંથી કોઈ એકને બહાર થવાનો વારો આવે. રોહિતની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સે પાંચ IPL ટાઈટલ જીત્યા છે, એટલે મુંબઈ મેનેજમેન્ટ માટે આવો નિર્ણય લેવો કોઈ સરળ કામ નથી.
હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સ સાથે ખાસ સંબંધ રહ્યો છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત પણ આ ટીમ દ્વારા જ કરી હતી, એ સમયે તેને 10 લાખ રૂપિયાના બેઝ પ્રાઇસ પર ખરીદવામાં આવ્યો હતો. દર વર્ષે સારા પ્રદર્શન બતાવતાં વર્ષ 2016માં તેને ટીમ ઇન્ડિયામાં જવા માટે દરવાજા ખૂલી ગયા હતા.
જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની 199 બેઠકો માટે મતદાન સવારથી શરૂ થઈ ગયું છે. વિધાનસભાની 199 બેઠકો પર 1863 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય EVMમાં કેદ થશે. રાજસ્થાનમાં સવારે 11 કલાક સુધી 24.74 ટકા મતદાન થયું હતું. મુખ્ય મંત્રી અશોક ગહેલોતે જોધપુરમાં મતદાન કર્યું હતું. તેમણે મતદાન પછી જીતવાનો વિશ્વાસ દર્શાવતાં કહ્યું હતું કે રાજ્યમાં ફરી એક વાર કોંગ્રેસની સરકાર બનશે.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) તરફથી સંયુક્ત રૂપે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ચૂંટણીમાં 1875 ઉમેદવારોમાંથી આશરે 17 ટકાએ ગુનાઇત કેસો જાહેર કર્યા છે, જેમાં 36 ઉમેદવારો પર બળાત્કાર સહિત મહિલાઓની વિરુદ્ધ ગુનાના આરોપ છે. વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા સુવ્યવસ્થિત પૂરી કરવા માટે 1,70,000થી વધારે સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે, જેમા રાજસ્થાન પોલીસના 70,000થી વધારે જવાન, 18,000 રાજસ્થાન હોમગાર્ડ, 2000 રાજસ્થાન બોર્ડરના હોમગાર્ડ અને અન્ય રાજ્યોના 16,000 હોમગાર્ડ તેમ જ આરએસીની 120 કંપનીઓ સામેલ છે.
મતદાન કેન્દ્ર પર અથડામણ
રાજસ્થાનના ચુરુમાં મતદાન દરમિયાન એક મતદાન કેન્દ્ર પર અથડામણની ઘટના બની છે. એક પોલિંગ એજન્ટનો આરોપ છે કે ત્યાંના 4-5 લોકોએ તેના પર હુમલો કર્યો અને તેમને ઈજા પહોંચાડી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી છે.
રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા એ જયપુરમાં એક પોલિંગ બૂથ પર મતદાન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં લોકોને મતદાન કરવા અપીલ કરી.
राजस्थान विधानसभा चुनाव के लिए आज वोट डाले जाएंगे। सभी मतदाताओं से मेरा निवेदन है कि वे अधिक से अधिक संख्या में अपने मताधिकार का प्रयोग कर वोटिंग का नया रिकॉर्ड बनाएं। इस अवसर पर पहली बार वोट देने जा रहे राज्य के सभी युवा साथियों को मेरी ढेरों शुभकामनाएं।
કોંગ્રેસના ઉમેદવાર સચિન પાયલોટ, રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપના વસુંધરા રાજે સહિત ઘણા દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું છે. મતદાનની પહેલા વસુંધરા રાજે મંદિરમાં દર્શન કરવા ગયા હતા.
અમદાવાદ: જાણીતા આર્ટિસ્ટ અને નેચરલ ડાઇ એક્સપર્ટ રુબી જાગ્રતના નવતર વિચારને પરિણામે રચાયેલા અબિરે હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં શુક્રવારે તેના બહુપ્રતિક્ષિત 7મા વાર્ષિક આર્ટ શો અને એવોર્ડ સેરેમનીનું ઉદઘાટન કર્યું હતું. કળા જગતમાં નવા તરંગો ઉત્પન્ન કરતું અબિર કુદરતી પ્રતિભાઓને શોધવા, તેમને માર્ગદર્શન પૂરું પાડવા તથા વર્ચ્યુઅલ અને ભૌતિક બંને પ્રદર્શનો દ્વારા તેમને યોગ્ય મંચ ઉપલબ્ધ બનાવવા માટેનું સમર્પિત પ્લેટફોર્મ છે.
અબિરનું ધ્યેય આર્ટ કમ્યુનિટીને રચનાત્મક સંવાદમાં સાંકળવાની સાથે-સાથે જ આ સર્જનાત્મક પ્રયાસમાં અભિન્ન યોગદાન તરીકે વિચારો અને સૂચનોનું મૂલ્યાંકન કરવાનું છે. અબિરના વિઝનના હાર્દમાં કળાની ઉજવણી અને કલાકારો અને આશ્રયદાતાઓ વચ્ચે અર્થપૂર્ણ જોડાણોની સ્થાપના છે, જે સક્રિય રીતે ભારતના શહેરી અને ગ્રામીણ ખૂણામાંથી ઊભરતી પ્રતિભાઓને શોધી રહી છે.
આ પહેલ વિશે વાત કરતાં રુબી જાગ્રતે જણાવ્યું હતું કે અબીર એ માત્ર એક મંચ નથી, પરંતુ એક સમૃદ્ધ સમુદાય છે, જે જીવનમાં પરિવર્તન લાવવાની કળાની શક્તિમાં વિશ્વાસ ધરાવે છે. અમે પ્રતિભાને પોષવા, કલાની ઉજવણી કરવા અને સર્જકોને આશ્રયદાતાઓ સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છીએ. ફર્સ્ટ ટેક 2023 આર્ટ શો અને એવોર્ડ સમારંભ એ આપણા દેશમાં અતુલ્ય પ્રતિભાને ઓળખવા માટેનું એક મંચ છે. આ ઇવેન્ટને મળેલો જબરદસ્ત પ્રતિસાદ કલાની દુનિયામાં અબિરની વધતા જતા પ્રભાવને પ્રતિબિંબિત કરે છે.
આ વર્ષની ઇવેન્ટને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જેમાં દેશભરના 466 જેટલા જિલ્લાઓમાંથી 2,800 આર્ટવર્ક સબમિટ કરવામાં આવ્યાં હતાં. આમાંથી, 93 અત્યંત પ્રતિભાશાળી કલાકારોને આર્ટ શો માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે 10 આર્ટવર્ક્સ પ્રતિષ્ઠિત ફર્સ્ટ ટેક 2023 એવોર્ડના વિજેતા તરીકે ઊભરી આવ્યા હતા.
પીએસપી પ્રોજેક્ટ્સના CMD અને CEO પ્રહલાદભાઈ પટેલે અતિથિ વિશેષ તરીકે એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહી એવોર્ડ વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ વર્ષની ઇવેન્ટ માટેની પ્રતિષ્ઠિત જ્યુરી પેનલમાં કલા જગતના મહાનુભાવોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં શંપા શાહ, અખિશ વર્મા, મુરલી ચીરોથ, ડો. નુઝહત કાઝમી અને વસુધા થોઝુરનો સમાવેશ થાય છે. મહત્વાકાંક્ષી કલાકારો તેમની રચનાઓ કળા જગતના વિશાળ સમુદાય સમક્ષ પ્રદર્શિત કરવા માટે સક્ષમ બને તે માટે તેમને સશક્ત બનાવવા માટે અબીર પ્રતિબદ્ધ છે. તે ડિજિટલ પ્રદર્શન, જૂથ પ્રદર્શનો અને માર્ગદર્શન માટે તકો ઉપલબ્ધ બનાવીને આ સુવિધા પૂરી પાડે છે. આ ઉપરાંત, તે પુરસ્કારો અને નાણાકીય સહાય દ્વારા ઉભરતી પ્રતિભાઓને ટેકો આપે છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 36 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,655 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,297 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,195 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 16 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 241 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,77,211 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 94 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
ઈન્સ્ટન્ટ ખમણ સાથે દેશી ચટણી ગામ તરફની પારંપરિક રીત પ્રમાણે બનાવશો તો ખમણનો સ્વાદ તો બમણો થઈ જશે. ઉપરાંત રસોઈની આપણી પરંપરા પણ જળવાઈ રહેશે અને બાળકો પણ પિઝા, બર્ગરનો સ્વાદ છોડીને ઘરની રસોઈ ખાતાં થઈ જશે!
સામગ્રીઃ
મોગર દાળ 500 ગ્રામ
લીંબુનો રસ 7 ટે.સ્પૂન અથવા ખાટી છાશ 1 કપ
8-10 લીલા મરચાં
મીઠું સ્વાદ મુજબ
હળદર ½ ટી.સ્પૂન
ઈનો પાવડર 2 ટી.સ્પૂન
લીલા નાળિયેરનું ખમણ 2 કપ
ચટણી માટેઃ
7-8 લીલાં મરચાં
લીલા નાળિયેરના ટુકડા 1 કપ
કાકડી અડધી
લીંબુનો રસ 2
8-10 લીલા મરચાંના ટુકડા
એક કાચું લીલું ટામેટું
રીતઃ મોગર દાળને 2-3 પાણીએથી ધોઈને પાણીમાં પલાળી રાખવી. ત્યારબાદ એ પાણી કાઢીને ફરીથી 2 પાણીએથી ધોઈને તેને મિક્સીમાં બારીક પીસી લેવી. હવે તેમાં 5 ટે.સ્પૂન લીંબુનો રસ નાખો અને લીલા મરચાંને ઝીણાં સમારીને નાખો. હળદર નાખીને મીઠું પણ સ્વાદ મુજબ ઉમેરીને 5 મિનિટ માટે ઢાંકી રાખો.
ઢોકળા બાફવાના વાસણમાં પાણી ઉકાળવા મૂકી દો. પાણી ઉકળવા માંડે એટલે ખમણના ખીરામાં 2 ટી.સ્પૂન ઈનો પાઉડર નાખી તેની ઉપર 2 ટી.સ્પૂન લીંબુનો રસ નાખીને મિશ્રણને એકસરખું 1 મિનિટ માટે હલાવીને તેલ ચોપડેલી થાળીમાં રેડી દો. આ થાળી બાફવા માટે મૂકીને વાસણ ઢાંકી દો. 25 મિનિટ બાદ ચપ્પૂથી તપાસી જુઓ, જો ચપ્પૂ ચોખ્ખું બહારી નીકળી આવે એટલે કે, ચપ્પૂ પર ખમણનું ખીરું ચોંટ્યું ના હોય તો ખમણ તૈયાર છે. ખમણની થાળી નીચે ઉતારી લો. 2 મિનિટ બાદ ખમણના ચપ્પૂ વડે ચોરસ ટુકડા કટ કરી લો.
એક વઘારિયામાં 3 ટે.સ્પૂન તેલ ગરમ કરી 2 ટી.સ્પૂન રાઈ તતડાવો. આ વઘાર ખમણની થાળી પર રેડીને તવેથા વડે ફેલાવી દો. ત્યારબાદ વઘારિયામાં ફરીથી 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી લીલાં મરચાંના 2-2 ટુકડા કરી તે તેલમાં સાંતડી લો. મરચાં પર થોડું મીઠું તેમજ હળદર છાંટીને મિક્સ કરી લો. ખમણ ઉપર નાળિયેરનું ખમણ પણ ભભરાવી દો.
ચટણી માટે કોથમીર ધોઈને મોટા ટુકડામાં સમારીને મિક્સીમાં ઉમેરો, તેમાં કાકડીના ટુકડા લીંબુનો રસ, લીલાં નાળિયેરના ટુકડા, લીલાં મરચાના ટુકડા પણ ઉમેરો. કાચાં ટમેટાંના ટુકડા તેમજ થોડા રાંધેલાં ખમણના 4-5 ટુકડા મેળવીને, સ્વાદ મુજબ મીઠું ઉમેરી થોડું પાણી નાખીને ચટણી પીસી લો.
ખમણ પીરસતી વખતે થાળીમાં ચટણી તેમજ તેલમાં સાંતડેલા લીલાં મરચાંના ટુકડા પણ મૂકવા.
શું તમે ક્યારેય ધર્મ પરિવર્તનનો વિચાર કર્યો છે? વિશ્વમાં સહુથી પહેલા ધર્મના નિયમ બન્યા એ નિયમો માનવ જાતિને સુવ્યવસ્થિત જીવન આપવા માટે બન્યા. કુદરત અને અન્ય જીવો સાથે સંતુલિત જીવનના નિયમો જે માણસને સુખી બનાવવા સક્ષમ હોય એ નિયમોને ધાર્મિક નિયમો કહેવામાં આવતા. જેમાં દરેક પદાર્થ અથવા જીવનું એક ચોક્કસ સ્થાન છે અને તેમને સન્માન આપવું જરૂરી છે એની સમજણ હતી. જે તત્વો જીવન સાથે જોડાયેલા હતા એની પૂજા થતી હતી. આહાર, વિહાર અને વિચાર ત્રણેયની સાચી સમજણ પણ એમાં હતી. એમાં વિજ્ઞાન, તત્વજ્ઞાન અને સમાજ વિજ્ઞાન પણ જોવા મળે છે. આ ધર્મના કોઈ અધિપતિ ન હતા. કે પોતાને મોટા દેખાડવાની ક્યાંય હોડ પણ ન હતી. જો આ ધર્મનું પરિવર્તન કરીએ તો પછી માણસ તરીકે જીવવાના નિયમો બદલાય. આવું તો કોને ગમે? આપણા આવાજ નિયમોમાંના રહેણાંક સાથે જોડાયેલા નિયમો એટલે વાસ્તુ નિયમો. જે પોતાના મકાન થકી સુખી થવાના નિયમોનું જ્ઞાન આપે છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: મને ક્યારેક એવું થાય છે કે મારે ધર્મ બદલી નાખવો છે. ક્યારેક એવું થાય છે કે કોઈ એવી જગ્યાએ જતી રહું જ્યાં સાચા નિયમોથી જીવતા લોકો મળે. દુર ક્યાંક જંગલમાં, સાવ એવા વાતાવરણમાં જ્યાં પ્રદુષણ નથી, જ્યાં માનવ મન પણ સાફ છે. ભલે એમની પાસે ધન વૈભવ નથી પણ જીવનનું સુખ અને સમજણ છે. સ્વાર્થી માણસો અને ધતીગો થી હું થાકી ગઈ છુ. આ રીલ્સની દુનિયામાં સાવ અજ્ઞાની માણસ પણ જ્ઞાન દર્શાવી શકે છે. અને સાચું ખોટું જાણ્યા વિના બધા મંડી પડે છે. આપણી પૌરાણિક વાર્તાઓને સમજ્યા વિના કોઈ પણ તર્ક સાથે રજુ થઇ રહી છે. વિવિધ ધર્મના લોકો પોતાની લીટી મોટી કરવા ભાગી રહ્યા છે. જેમણે સંસાર છોડ્યાનો દાવો કરે છે એમનાથી માયા છૂટતી નથી. સંતો કરોડોના આશ્રમો માં રહે છે. આ ક્યાંનો સન્યાસ છે? ગુરુત્વ ધરાવતા ગુરુ ઘટી ગયા છે. તમારા પર વિશ્વાસ છે. તમે સાચી સલાહ આપો એવી અપેક્ષા છે.
જવાબ: બહેન શ્રી. આપણા દેશમાં આત્માને મહત્વ આપવામાં આવ્યું છે. હું તમારી થાળીમાં એક હજાર વાનગી મુકું તો તમે એમાંથી કેટલી ખાઈ શકશો? જે તમને સહુથી વધારે પ્રિય છે એ પહેલા લેશો. આ જ રીતે આપણી આસપાસ ઘણું બધું ન ગમતું થતું હશે. એની સામે થોડુક આપણને ગમતું પણ થતું હશે. બસ, એના તરફ નજર કરો. આજના સમાજની દિશા ભૌતિકતા ભણી વધારે જોવા મળે છે. જેમાં તમારા જેવા લાગણી પ્રધાન લોકો વિચલિત થાય એવું બની શકે. પણ શું તમે આ બધું બદલવા સક્ષમ છો? વળી ધર્મ એટલે જીવવાના નિયમો. બની શકે અન્યના એ નિયમોની સમજણ અલગ હોય. તમે જેને ધર્મ માંનો છો એને માની અને ચાલ્યા કરો. કોઈ અન્ય વિચારધારા સાથે જોડાવાથી તમે તમારા મૂળભૂત વિચારો બદલી શકશો? તમારા ઘરનું દ્વાર વાયવ્યમાં છે. તેથી વિચારો વધારે આવે છે. દરરોજ શિવપૂજા કરો. વહેલા ઉઠો અને પાણી વધારે પીવો. ચોક્કસ સારું લાગશે.
ભાગવત પુરાણના પુસ્તક ક્ર. 10ના અધ્યાય 22નો 35મો શ્લોક સમાજનું ઋણ ચૂકવવાનો બોધ આપે છે. કોઈકે સાચું જ કહ્યું છે, “કમાવું સહેલું છે, પણ સમાજને પાછું આપવું અઘરું છે.” કોઈ માણસને પૈસા આપવાની વાત તો જવા દો, બીજું પણ કંઈ આપવાનું મુશ્કેલ હોય છે. એક વખત માણસ કંઈક આપી દે તોપણ તેનું ગુમાન આવતું અટકાવવાનું એનાથીય વધારે આકરું છે.
પાંચ મોટા બિઝનેસમૅનનાં નામ વિચારો. તમે જોઈ શકશો કે એ દરેકે સમાજને કોઈક ને કોઈક રીતે મદદ કરી છે. સમાજનું ઋણ અદા કર્યા વગર કોઈનો બિઝનેસ ફૂલ્યોફાલ્યો છે ખરો? જો તેમણે બીજી કોઈ દેખીતી રીતે મદદ નહીં કરી હોય તોય તેમાંથી કોઈકે મોટા પ્રમાણમાં રોજગારનું સર્જન થયું હશે, કોઈકે સામાન્ય માણસને ઓછા ખર્ચે ટેક્નૉલૉજી પૂરી પાડી હશે, કોઈકે શૈક્ષણિક સંસ્થાઓ બનાવી હશે, તો કોઈકે આરોગ્ય સેવા માટેની સંસ્થાઓ સ્થાપી હશે.
સુપ્રસિદ્ધ કલાકાર, લેખક, ગાયક અને પોતાના શૉનું દિગ્દર્શન કરનાર શેખર સેને પોતાના એક કાર્યક્રમમાં આ સુંદર પંક્તિઓ રજૂ કરી હતીઃ
खुद की कमाई खुद खाना यह इंसान की प्रकृति हैं।
दूसरों की कमाई छीन के खाना यह इंसान की विकृति हैं।
पर खुद की कमाई दूसरों के साथ बाँट कर खाना यह हमारी संस्कृति हैं।
થોડાં વર્ષો પહેલાંની આ વાત છે. મારાં ફઈએ મને પૂછ્યું, “ગૌરવ, તું ઘણા વખતથી પર્સનલ ફાઇનાન્સનું કામ કરે છે. કોઈને પૈસા કમાવા માટે ટૂંકી ને ટચ સલાહ આપવી હોય તો તું શું કહેશે?” મેં પલકવારમાં જવાબ આપ્યો, “સમાજ પાસે લીધેલું પાછું આપવું.”
25 વર્ષની મારી કારકિર્દીમાં હું એક વાત શીખ્યો છું. જેઓ કોઈ પણ પ્રકારનો અહંકાર લાવ્યા વગર (પોતાના મન કે નામથી સંકળાયા વગર) સમાજનું ઋણ ચૂકવે એ જ માણસ ધનવાન કહેવાય.
સમાજ પાસેથી લીધેલું સમાજને પાછું ચૂકવવાની શરૂઆત કરનારના ઘરમાં ધનનો પ્રવાહ આવવા લાગે છે. ભગવાન એવા જ માણસને શોધતો હોય છે, જેઓ તેના ‘વિશ્વાસુ ઍજન્ટ’ તરીકે કામ કરી શકે. ભગવાનને લાગે કે તમે પ્રામાણિક અને વિશ્વાસુ છો, તો એ તમને કામે રાખી લે છે. એ કર્યા બાદ ભગવાન તમને એટલું ધન આપતો રહેશે કે તમારી પાસે આવેલો માણસ ભૂખ્યો પાછો ન જાય.
પોતે ભગવાને આપેલું ધન નહીં, પણ પોતાના પૈસા આપી રહ્યો છે એવો ભાવ જાગે ત્યારે સમસ્યા સર્જાય છે. આ ભાવ અહંકારનો છે અને એ જાગે ત્યારે ભગવાન તમને આપેલી ઍજન્સી પાછી ખેંચી લે છે.
ક્યારેક આપણને એવા માણસોનો ભેટો થઈ જાય છે કે જેઓ કહેવા માટે તો એમ જ કહેતા હોય છે કે પોતે ભગવાનના નામે આ બધું કરી રહ્યા છે અથવા તો ભગવાન તેમને આ બધું કરાવી રહ્યો છે. માણસ આવું બોલવા માટે મોં ખોલે એ જ દર્શાવે છે કે તેનામાં સૂક્ષ્મરૂપે અહંકાર છે. જો માણસ સંઘરો કરવાને બદલે કંઈક સમાજને પાછું આપી રહ્યો હોય તો આવો સૂક્ષ્મ અહંકાર પણ ચલાવી લેવાય એવો છે, કારણ કે સંઘરેલું ધન સડી જતાં વાર નથી લાગતી. એક જગ્યાએ ભેગું થયેલું સ્થિર પાણી પણ જે રીતે બગડી જાય છે એ જ હાલ ધનના પણ થાય છે.
ઉપર આપણે સમાજનું ઋણ ચૂકવનારા બિઝનેસમૅનોની વાત કરી, પણ હું તો ત્યાં સુધી કહું છું કે બિઝનેસમૅન જવા દો, જે કોઈ માણસને દુનિયા આજે યાદ કરે છે એણે ગુમાન કર્યા વગર કોઈક ને કોઈક સ્વરૂપે સમાજ પ્રત્યેનું કરજ ચૂકવ્યું જ હશે.
અહંકાર અસલામતીની ભાવનામાંથી જન્મે છે. અહંકાર આવ્યા બાદ માણસને એવું લાગ્યા કરે છે કે જો એ સમાજને આપ-આપ કર્યે રાખશે તો પોતાનું ધન ખૂટી જશે. આથી અસલામતીની ભાવનાથી પિડાઈને માણસ સંઘરો કરવા લાગે છે અને સંઘરેલું ધન સડી જાય છે. આથી જ ગુજરાતીમાં કહેવત છેઃ કંજૂસનું ધન કાંકરા બરાબર.
આમ, ભાગવત પુરાણના ઉક્ત શ્લોકના આધારે કહી શકાય કે ધનનો સંગ્રહ કરવો નહીં અને કોઈ પણ આસક્તિ કે ઘમંડ રાખ્યા વગર સમાજનું ઋણ ચૂકવવું. સદા ધનવાન રહેવા માટેનો આ અચૂક ઉપાય છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)