Home Blog Page 2309

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૪ નવેમ્બર, ૨૦૨૩


ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૪ નવેમ્બર, ૨૦૨૩

આખા યૂરોપમાં એમેઝોન વિરુદ્ધ હડતાળ-વિરોધ; ‘બ્લેક ફ્રાઈડે’ના દિવસે કંપનીનો ધંધો ઠપ

લંડનઃ અમેરિકાની ઈ-કોમર્સ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની એમેઝોન તેના કર્મચારીઓનો પગાર વધારે એવી માગણીના ટેકામાં આજે આખા યૂરોપમાં કંપનીની કાર્યપદ્ધતિ સામે વિરોધ થયો છે. ગ્રાહકો દ્વારા તેની સેવાનો બહિષ્કાર કરાયો છે અને કંપનીના કર્મચારીઓ હડતાળ પર ગયા છે. યૂએનઆઈ ગ્લોબલ યૂનિયન દ્વારા એક સંકલિત ઝુંબેશ આદરવામાં આવી છે – ‘મેક એમેઝોન પે’ આ પ્રચાર અંતર્ગત યૂરોપના 30થી વધારે દેશોમાં હડતાળ અને વિરોધ થઈ રહ્યો છે. અમેરિકામાં ગઈ કાલે ‘રાષ્ટ્રીય થેંક્સગિવિંગ હોલીડે’ની ઉજવણી કરવામાં આવી હતી, પણ આજે આખા યૂરોપમાં એમેઝોન વિરુદ્ધ બ્લેક ફ્રાઈડે મનાવવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે, થેંક્સગિવિંગ હોલીડેને કારણે તો ગ્રાહકો વધારે ખરીદી કરતા હોય છે અને તે મૂડ અઠવાડિયા સુધી ચાલતો હોય છે. આને કારણે ઘણા રીટેલરો વેચાણ વધારવા માટે કિંમતમાં કાપ મૂકતા હોય છે. અમેરિકામાં તો મોટા સ્ટોર્સમાં ગ્રાહકોની ભીડ જામતી હોય છે, લાંબી લાઈનો લાગતી હોય છે.

અહેવાલો અનુસાર, જર્મનીમાં એમેઝોનના આશરે 750 કર્મચારીઓ પગારવધારાની માગણી માટે એક દિવસની હડતાળ પર ઉતરી ગયા છે. બ્રિટનના કોવેન્ટ્રીમાં એમેઝોનના વેરહાઉસ ખાતે 200 કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. ફ્રાન્સમાં પણ એમેઝોનના ધંધાને માઠી અસર પડી છે. ઈટાલીમાં પણ કામદારોના સંગઠને બ્લેક ફ્રાઈડે મનાવવાનું નક્કી કર્યું છે. સ્પેનમાં કામદારોના યૂનિયને એમેઝોનના દસ દિવસના વેચાણના આખરી દિવસ, સોમવારે કંપનીના વેરહાઉસ અને ડિલિવરી કામદારો માટે દરેક શિફ્ટમાં એક-કલાકની હડતાળ પાડવાનું એલાન કર્યું છે.

એમેઝોનના પ્રવક્તાએ કહ્યું કે અમે કર્મચારીઓને ઉચિત પગાર આપીએ છીએ. એમને પ્રતિ કલાક 14 યૂરો (15.27 ડોલર)નો સ્ટાર્ટિંગ પગાર તથા અતિરિક્ત લાભો આપીએ છીએ. કર્મચારીઓની માગણી છે કે એમને પ્રતિ કલાક 18.69 ડોલરનો પગાર આપવામાં આવે અને કામકાજની પરિસ્થિતિ બેહતર કરવામાં આવે.

રાજ્યમાં ઠંડીમાં વધારોઃ માવઠાને લીધે ગાજવીજ વરસાદની શક્યતા

અમદાવાદ: રાજ્યમાં હાલના તાપમાનમાં ઘટાડો થયો છે, પણ ઠંડીનો ચમકારો આવતાં પહેલાં માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવેમ્બરમાં રાજ્યમાં ભારે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગે રાજ્યમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદની આગાહી કરી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગઈ કાલ રાતથી રાજ્યમાં પવનની દિશા બદલાઈને પૂર્વથી ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થયા છે. આ ફેરફારને કારણે રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. સિઝનમાં પ્રથમ વાર અમદાવાદમાં ઠંડીનો પારો 16 ડિગ્રીએે પહોંચ્યો છે. જ્યારે વડોદરામાં પણ ઠંડીનો પારો બે ડિગ્રી ઘટી 16 ડિગ્રી નોંધાયો હતો. તો સુરતમાં પણ પારો બે ડિગ્રી ઘટી 19.6 થતાં ઠંડી વધી ગઈ છે. સૌથી વધુ ઠંડી હાલ નલિયામાં જણાઈ રહી છે.હવામાન વિભાગ પ્રમાણે  બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર-સોમનાથ, કચ્છ અને દીવના જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓ અને દમણ, દાદરા નગર હવેલીમાં ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં થોડાં સ્થળો, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર-સોમનાથ, બોટાદ અને દીવમાં મોટા ભાગનાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. તથા કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ ઉપરાંતના બાકીના વિસ્તારોમાં જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

 

 

 

 

 

 

રવિવારે યોજાશે અદાણી અમદાવાદ મેરેથોન 2023

અમદાવાદ: 24 નવેમ્બર, 2023: અદાણી અમદાવાદ મેરેથોન 2023 શહેરમાં 26 નવેમ્બર,2023 (રવિવાર)ના રોજ યોજાનારી મેગા ઈવેન્ટ માટે તમામ સુવિધાઓ સાથે સજ્જ છે.

અદાણી અમદાવાદ મેરેથોનની સાતમી આવૃત્તિમાં 20,000થી વધુ સહભાગીઓ નવા કોર્સમાં દોડતા જોવા મળશે, જે શહેરના મધ્યમાં સ્થિત છે. દોડવીરો સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા મનોહર રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી ખાતેથી શરૂ થઈ ત્યાં જ પૂર્ણ થશે. જે રૂટ આઇકોનિક અટલ બ્રિજ પરથી પણ પસાર થશે.

આ મેગા ઈવેન્ટમાં ફુલ મેરેથોન (42.195 કિમી), હાફ મેરેથોન (21.097 કિમી), 10 કિમી રન અને 5 કિમી રન ઉપરાંત, 7મી એડિશનમાં ખાસ વ્હીલચેર કેટેગરી જોવા મળશે.

આ પ્રસંગે અમદાવાદના ડેપ્યુટી કમિશનર પોલીસ નીતા દેસાઈ, અમદાવાદ એડિશનલ કમિશનર પોલીસ નિરજ કુમાર બડગુજર, રિવરફ્રન્ટ પોલિસી સ્ટેશન અમદાવાદના પીઆઈ એમવી પટેલ, અદામી અમદાવાદ 2023 માટે મેડિકલ ઈનચાર્જ કાર્ડિયોલોજિસ્ટ એન્ડ ફિઝિશિયન ડૉ. નેહલ સાધુ તેમજ રેસ ડિરેક્ટર ડેવ કેન્ડી ઉપસ્થિત રહેશે.

વ્યવસ્થાઓ વિશે માહિતી આપતાં, નાયબ પોલીસ કમિશનર નીતા દેસાઈએ જણાવ્યું હતું કે, “સુગમ સંચાલન માટે અમારી પાસે પોલીસ વિભાગ તરફથી બે મુખ્ય ઘટકો છે – ટ્રાફિક અને કાયદો અને અમલીકરણ – અમે અદાણી અમદાવાદ મેરેથોન 2023નો ભાગ બનવા માટે ઉત્સાહિત છીએ કારણ કે આવા કાર્યક્રમોમાં ભાગ લેવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે અમદાવાદના લોકોને વિનંતી કરીએ છીએ કે તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને શહેરના કાર્યક્રમમાં પૂરા દિલથી ભાગ લે.”

અમદાવાદ-રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલે જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમ માટે લગભગ એક હજાર પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં ભાગ લેનારાઓ અને દર્શકો બંને માટે ટ્રાફિક વ્યવસ્થાપન કરવા સમગ્ર શહેરમાં લગભગ 700 અધિકારીઓ તૈનાત છે. સુરક્ષા હેતુઓ માટે સમગ્ર રૂટ પર મેડિકલ સુવિધાઓ સાથે, દોડવીરો માટે બે જગ્યા ધરાવતા પાર્કિંગ ફાળવવામાં આવ્યા છે.”

અદાણી અમદાવાદ 2023ના મેડિકલ ઈન્ચાર્જ ફિઝિશિયન એન્ડ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નેહલ સાધુએ જણાવ્યું હતું કે, “મેરેથોન ઈવેન્ટમાં, પ્રતમ વખત સ્ટાર્ટ-ફિનિશ પોઈન્ટ પર આખી મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યાં અમે સહભાગીઓને પ્રાથમિક તબીબી સારવાર પૂરી પાડવા માટે સક્ષમ છીએ. મેરેથોનના રૂટમાં પ્રત્યેક 1 કિમીની રેન્જમાં ઓન-કોલ 108 એમ્બ્યુલન્સ, નર્સિંગ અને હાઇડ્રેશન કેન્દ્રો ઉપલબ્ધ હશે. અમે આશા રાખીએ છીએ કે કોઈ ગંભીર તબીબી સમસ્યાઓ નહીં હોય, અને આવા સંજોગો ટાળવા માટે તમામ સહભાગીઓએ હાઇડ્રેટેડ રહેવું જોઈએ.”

રેસ ડિરેક્ટર ડેવ કેન્ડીએ જણાવ્યું હતું કે, “અમદાવાદમાં આવવા બદલ હું ઉત્સુક છું. અદાણી અમદાવાદ મેરેથોનમાં આ મારું પ્રથમ વર્ષ છે. અત્યારે તે ખૂબ જ સારી ભારતીય મેરેથોન છે, પરંતુ તેમાં રેસ ડિરેક્ટર તરીકે તેને આગામી વર્ષોમાં વર્લ્ડ ક્લાસ ઈવેન્ટ બનાવવાનો પ્રયાસ કરીશ. અમે ઈવેન્ટને નાના શહેરોમાંથી મોટા મહાનગરમાં લઈ આવ્યા છીએ. જે આ ઈવેન્ટની રૂપરેખામાં વધારો કરવાનું અમારુ મહત્વનું પ્રથમ પગલું છે”

ભારતની બીજી સૌથી મોટી ફૂલ મેરેથોન, જે ભારતીય સશસ્ત્ર દળોના ચેમ્પિયન #Run4OurSoldiers પહેલ પ્રત્યે આભાર અને સન્માન વ્યક્ત કરે છે. જેમાં 2500થી વધુ સશસ્ત્ર અધિકારીઓ અને સેંકડો પોલીસ અધિકારીઓ દોડવીર તરીકે ભાગ લેતા જોવા મળશે. તેનું ફ્લેગ ઓફ સુપ્રસિદ્ધ ભારતીય ક્રિકેટર મિતાલી રાજ અને ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર દ્વારા કરવામાં આવશે.

સચિન પાઇલટનું દર્દ કોંગ્રેસની હારનું કારણ બનશે?

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં 25 નવેમ્બરે મતદાન થશે. ભાજપ-કોંગ્રેસ સહિત બધા પક્ષોએ ચૂંટણીપ્રચારના માધ્યમથી જનતા સુધી પહોંચવાના પ્રયાસ કર્યા છે, પરંતુ ત્રીજી ડિસેમ્બર નેતાઓનાં કામકાજ પર જનતાની આખરે મહોર લાગશે.  આમ છતાં અશોક ગહેલોત અને સચિન પાઇલટની વચ્ચે જે મતભેદો છે એ 2020માં જોવા મળ્યા હતા. એનું દર્દ સચિન પાઇલટને ખૂંચતું રહ્યું છે.

સચિન પાઇલટનું દર્દ સમયાંતરે બહાર આવતું રહ્યું છે. પાઇલટે ફરી એક વાર એ પળોને યાદ કરતાં કહ્યું હતું કે મારા વિસે ઘણુબધું કહેવામાં આવ્યું છે, આરોપ લગાડવામાં આવ્યા છે, પરંતુ મેં ક્યારેય ધીરજ નથી ખોવાના પ્રયાસ નથી કર્યા. મેં સંયમથી કામ કર્યું છે.

તેમણે કહ્યું હતું કે મેં હંમેશાં મર્યાદિત ભાષાનો પ્રયોગ કર્યો છે. મેં લોકતંત્રમાં જો વિરોધીઓની ટીકા કરી છે તો પણ સંયમિત ભાષાનો પ્રયોગ કર્યો છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે મતદાનની તારીખ આવતાં- આવતાં તેઓ વડા પ્રધાન મોદી અને અશોક ગહેલોતના –બંનેના લાડલા બની ગયા?  આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે જો કોઈ નેતાને લાડલા બનવું હોય તો તેણે પબ્લિકના લાડલા બનવું જોઈએ. લાડલા બનવા માટે કોઈ નેતાની જરૂર નથી.  ત્યાગ, તપસ્યા, સમપર્ણ, સેવા અને જનતાની વચ્ચે રહીને જે સંબંધ કાયમ રહે છે, એ મૂડી હોય છે અને હું એ દિશામાં કામ કરી રહ્યો છું, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

મેઘના ગુલઝાર, વિકી કૌશલ, સાન્યા મલ્હોત્રા સુવર્ણ મંદિરની મુલાકાતે

આગામી હિન્દી ફિલ્મ ‘સામ બહાદુર’ની રિલીઝ પૂર્વે ફિલ્મની દિગ્દર્શિકા મેઘના ગુલઝાર એમનાં બે કલાકાર – વિકી કૌશલ અને સાન્યા મલ્હોત્રાની સાથે અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં દર્શન કરવા ગયાં હતાં અને ફિલ્મની સફળતા માટે ઈશ્વર પાસે આશીર્વાદ માગ્યાં હતાં.

ભારતના ભૂતપૂર્વ લશ્કરી વડા અને દેશના પહેલા ફિલ્ડ માર્શલ સામ માણેકશાના જીવન પર આધારિત ‘સામ બહાદુર’ ફિલ્મ આવતી 1 ડિસેમ્બરથી દેશભરમાં થિયેટરોમાં રિલીઝ થવાની છે. બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદ કરાવવા માટે વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની સરકારની આગેવાની હેઠળ ભારતે 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ કર્યું હતું અને એમાં તેને હરાવ્યું હતું. તે યુદ્ધ વખતે ભારતીય સેનાના વડા સામ માણેકશા હતા.

‘સામ બહાદુર’માં વિકી કૌશલે સામ માણેકશાનો રોલ ભજવ્યો છે. ફાતિમા સના શેખ બની છે ઈન્દિરા ગાંધી, સાન્યા મલ્હોત્રાએ ભજવ્યો છે સામ માણેકશાના પત્ની સિલૂ માણેકશાનો રોલ જ્યારે મોહમ્મદ ઝીશન અય્યૂબ બન્યો છે પાકિસ્તાની લશ્કરી વડો યાહ્યા ખાન.

નારાયણમૂર્તિથી વિરુદ્ધ ગેટ્સનો આઇડિયાઃ ત્રણ દિ કામ, ચાર દિ આરામ

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસો પહેલાં દેશ નહીં, વિદેશમાં પણ એક મુદ્દો ચર્ચાનું કારણ બન્યો હતો. IT કંપનીના સંસ્થાપક એન. આર. નારાયણમૂર્તિએ એક કાર્યક્રમમાં સપ્તાહમાં 70 કલાક કામ કરવાની વાત કહી હતી. જ્યારે આ મુદ્દે ચર્ચા ચાલુ થઈ ગઈ હતી. હવે વિશ્વના ચોથા ક્રમાંકના શ્રીમંત વ્યક્તિ બિલ ગેટ્સે નારાયણમૂર્તિના નિવેદનથી બિલકુલ વિરુદ્ધ આઇડિયા આપ્યો છે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને લઈને વાત કરતાં કહ્યું છે કે એને કારણે મનુષ્યોના કામ કરવાનો સમય ઓછો થઈ જશે.

માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સે કહ્યું હતું કે ભવિષ્યમાં એવું ક્યારેય નહીં થાય કે કોઈ ટેક્નોલોજી મનુષ્યોની જગ્યા લઈ લે, પણ એની મદદથી પ્રોફેશનલ લોકોનો સપ્તાહમાં  કામ કરવાના સમયમાં ઘટાડો થશે. તેમણે કહ્યું હતું કે AIની મદદથી મનુષ્યોને સપ્તાહમાં ત્રણ દિવસ કામ અને ચાર દિવસ આરામ કરવાનું ચલણ શરૂ થશે.તેમણે વધુમાં કહ્યું હતું કે આવનારા સમયમાં AIને સમાજ સંપૂર્ણ રીતે અપનાવી લેશે. મનુષ્યોનું જીવન માત્ર નોકરી કરવા માટે જ નથી, પણ રચનાત્મક કાર્યો માટે પણ AIને લગાવવું જોઈએ. AIની મદદથી સપ્તાહમાં વ્યક્તિ કામ કરીને એના માટે સમય કાઢી શકે છે અને કદાચ એ યોગ્ય રહેશે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આવનારા ભવિષ્યમાં એવું થશે કે મશીનોની જરૂરિયાત વધી જશે, પણ AI કોઈ પણ પ્રકારથી મનુષ્યોની નોકરીઓને ખાશે નહીં, પણ એને હંમેશાં માટે બદલી કાઢશે. લોકોની પાસે વધુ સમય હશે ને લોકો પોતાના માટે અને પોતાનાઓ માટે સમય કાઢી શકશે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન યોજનામાં બુલેટ ઝડપે ચાલી રહ્યું છે કાર્ય

મુંબઈઃ દેશની પહેલી બુલેટ ટ્રેન યોજના – મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરમાં કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. યોજનામાં, 100 કિલોમીટરના અંતરમાં આવતા અનેક પૂલનું બાંધકામ પૂરું થતાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. 40 મીટર લાંબા ફૂલ સ્પેન બોક્સ ગર્ડર્સ અને સેગમેન્ટલ ગર્ડર્સ બેસાડવાનું કામ પૂરું થયું છે. ફૂલ સ્પેન લોન્ચિંગ ટેકનિકને કારણે બાંધકામ પ્રક્રિયા 10 ગણી ઝડપી બની શકી છે. મેટ્રો રેલવે યોજનાઓમાં વાયડક્ટ્સ (પૂલ) બાંધવા માટે પરંપરાગત સ્પેન-બાય-સ્પેન પ્રક્રિયાનો ઉપયોગ કરાયો હતો.

આ પૂલ ગુજરાતમાં છ નદીઓ – પાર, પૂર્ણા, મીંઢોળા, અંબિકા, ઔરંગા અને વેંગણિયા પર બાંધવામાં આવ્યા છે.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ કામગીરીની એક વીડિયો ક્લિપ X (ટ્વિટર) પર શેર કરીને કામકાજ વિશે અપડેટ આપ્યું છે. એની સાથે તેમણે લખ્યું છે: ‘21મી નવેમ્બર, 2023 સુધીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિઃ 251.40 કિલોમીટરમાં પિલર્સ બેસાડવામાં આવ્યા છે. એલિવેટેડ સુપર-સ્ટ્રક્ચર થયું છે 103.24 કિ.મી.માં.’

ECની નોટિસ છતાં કોંગ્રેસ દ્વારા ‘પનોતી-એ-આઝમ’ પોસ્ટર જારી

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે (EC)એ હાલમાં વડા પ્રધાનને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના શરમજનક અને અપમાનજનક નિવેદનની વિરુદ્ધ તેમને કારણ બતાવો નોટિસ જારી કરી હતી, તેમ છતાં કોંગ્રેસ પક્ષે શુક્રવારે PM મોદીને લઈને પનોતીવાળું એક પોસ્ટર જારી કરીને નવો વિવાદ ઊભો કર્યો છે. આ પહેલાં ICC મેન્સ વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાથી ભારત હારી જતાં રાહુલે PMનો અર્થ પનોતી મોદી બતાવ્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસે એ પોસ્ટર જારી કર્યું છે.

આ પોસ્ટરમાં 1960ની ભારતીય મહાકાવ્ય ઐતિહાસિક ડ્રામા ફિલ્મ મુગલ-એ-આઝમની પેરોડી છે. એમાં pM મોદીને પડદાની પાછળ ઝાંખતા દર્શાવવામાં આવ્યા છે, જેમાં બોલ્ડ ટેક્સ્ટમાં લખવામાં આવ્યું છે પનોતી-એ-આઝમ (Panati-e-Azam).

કોંગ્રેસના પંજાબ કમ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક એવું પોસ્ટર શેર કર્યું છે, જેની સાથે પંજાબીમાં લખ્યું છે કે હવે સમય આવી ગયો છે. આ પોસ્ટરમાં PM મોદી જેવા દેખાતા એક કેરિકેચરને ડાન્સ કરતાં દેખાડવામાં આવ્યું છે, જ્યારે બેકગ્રાઉન્ડમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારતમાં થયેલા જુલમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે- જેમાં કોવિડ રોગચાળો, ચંદ્રયાન-2, વર્લ્ડ કપ 2023 ફાઇનલ અને નોટબંધી સામેલ છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 21 નવેમ્બરે રાજસ્થાનના બાલોતરામાં એક સભાને સંબોધતા કહ્યું હતું કે અમદાવાદમાં PM મોદીની સાથે ભારતની હારનો ઉલ્લેખ કર્યો હતો. આ કંઈ પહેલી વાર નથી જ્યારે કોંગ્રેસ પાર્ટીએ વડા પ્રધાન પર હુમલો કર્યો હોય, આ પહેલાં પણ કોંગ્રેસે મોતના સોદાગર અને નીચ આદમીથી માંડીને ચાવાળા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

 

 

 

 

 

‘ભારતમાં ઘૂસી આવેલા કેટલાક આતંકવાદીઓ નિવૃત્ત પાકિસ્તાની સૈનિકો છે’

શ્રીનગરઃ ભારતીય સેનાની ઉત્તરીય કમાન્ડના વડા લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું કહેવું છે કે પાકિસ્તાનમાંથી સરહદ પાર કરીને જે આતંકવાદીઓ ભારતમાં ઘૂસી આવ્યા છે એમાંના કેટલાક પાકિસ્તાની સેનાના નિવૃત્ત સૈનિકો છે.

રાજૌરીમાં આતંકવાદીઓ સાથે થયેલા અથડામણમાં શહીદ થયેલા ભારતીય સેનાના પાંચ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં લેફ્ટેનન્ટ જનરલ દ્વિવેદીએ કહ્યું કે, ‘અથડામણમાં આપણા પાંચ જવાન શહીદ થયા એનું દુઃખ છે, પણ અમે બે ખૂંખાર આતંકવાદીઓને ખતમ કર્યા છે. આતંકવાદીઓ ઓટોમેટિક શસ્ત્રો વડે સજ્જ હતા અને ઘણી તાલીમ પામેલા હતા. એમને પોતાની સલામતીની પણ કોઈ પરવા નહોતી. અમારો અંદાજ છે કે પાકિસ્તાનમાંથી 20-25 આતંકવાદીઓ ભારતમાં ઘૂસી આવ્યા છે. અમે સ્થાનિક લોકોની મદદ સાથે પરિસ્થિતિ પર અંકુશ મેળવી લઈશું. ખતમ કરી દેવાયેલા બંને આતંકવાદીઓએ દાંગડી, કન્ડી, રાજૌરી વિસ્તારોમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી. અમે એમને ખતમ તો કરી શક્યા, પણ ઘણો સમય લાગી ગયો, કારણ કે એ બંને જણ તાલીમબદ્ધ હતા. આપણા જવાનોએ એમની સામે લડવામાં ઘણી હિંમત બતાવી હતી.’