Home Blog Page 2313

IND vs AUS: વિશાખાપટ્ટનમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદ ફરી એકવાર એકબીજાનો સામનો કરશે, પરંતુ આ વખતે ફોર્મેટ T20 હશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી એટલે કે 23 નવેમ્બર, ગુરુવારથી પાંચ મેચની T20 શ્રેણી રમાશે. પ્રથમ મેચ વિશાખાપટ્ટનમના ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 100 છે. અહીં ટોસ મહત્વની ભૂમિકા ભજવે છે.

  • વિશાખાપટ્ટનમના ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ જીતનારી ટીમોની જીતની ટકાવારી 66.66 છે. આવી સ્થિતિમાં આ મેદાન પર ટોસ ‘બોસ’ બની જાય છે.
  • ઓસ્ટ્રેલિયન ટીમે આ મેદાન પર ટી20 મેચ રમી છે, જેમાં તેણે 3 વિકેટથી જીત મેળવી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાની અહીં જીતની ટકાવારી 100 છે.
  • 10 વર્ષમાં (2012-2022), આ મેદાન પર ત્રણ T20 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમોનો સરેરાશ સ્કોર 129 રન રહ્યો છે. જ્યારે પાછળથી બેટિંગ કરનારી ટીમોએ 3 માંથી 2 મેચ જીતી છે.
  • મેદાન પર સૌથી વધુ ટોટલ 179 રન છે, જે ભારત દ્વારા 2022માં દક્ષિણ આફ્રિકા સામે બનાવવામાં આવ્યા હતા. ગ્રાઉન્ડ પર સૌથી ઓછો સ્કોર 82 રન છે, જે શ્રીલંકાએ 2016માં ભારત સામે બનાવ્યો હતો.
  • અત્યાર સુધી કોઈ પણ બેટ્સમેને T20માં આ મેદાન પર ટ્રિપલ ડિજિટનો સ્કોર બનાવ્યો નથી. અહીં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ રૂતુરાજ ગાયકવાડના નામે છે, જેણે 2022માં દક્ષિણ આફ્રિકા સામે 57 રન બનાવ્યા હતા.
  • અહીં સૌથી મોટો ટોટલ 127 રનનો છે, જે ઓસ્ટ્રેલિયાએ 2019માં ભારત સામે હાંસલ કર્યો હતો.
  • ભારતીય ટીમે અહીં કુલ ચાર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 2 જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ અનિર્ણિત રહી હતી.

સૂર્યકુમાર યાદવ પ્રથમ વખત ભારતની કમાન સંભાળશે

નોંધનીય છે કે આ પહેલીવાર હશે જ્યારે સૂર્યકુમાર યાદવ કોઈપણ ફોર્મેટમાં ભારતની કમાન સંભાળશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ T20 મેચ રમાશે, જેમાં સૂર્યા ટીમની કેપ્ટનશીપ કરશે.

રણબીર-રશ્મિકાની ‘એનિમલ’ ફિલ્મને ‘A’ સર્ટિફિકેટ; 1 ડિસેમ્બરથી થિયેટરોમાં રિલીઝ

મુંબઈઃ રણબીર કપૂર, રશ્મિકા મંદાના, અનિલ કપૂર, બોબી દેઓલ અભિનીત આગામી હિન્દી ફિલ્મ ‘એનિમલ’ને સેન્સર બોર્ડે પાસ કરી છે, પણ એમાં હિંસા દર્શાવવામાં આવી હોવાથી એને ‘A’ સર્ટિફિકેટ આપ્યું છે. સંદીપ રેડ્ડી વાંગા દિગ્દર્શિત આ ફિલ્મનું ટ્રેલર નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું છે. ફિલ્મમાં પિતાના પ્રેમ માટે તરસતા અને એને લીધે અંડરવર્લ્ડની દુનિયા તરફ ધકેલાઈ જતા પુત્રની વાર્તા છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે પિતા બલબીરસિંહ (અનિલ કપૂર) ધંધામાં વ્યસ્ત રહેતા હોવાથી પુત્ર (રણબીર કપૂર)થી દૂર રહે છે. આ પીડા પુત્રને નકારાત્મક બનવા પ્રેરિત કરે છે. પરંતુ એ પિતાથી નારાજ થવાને બદલે એમને અધિક પ્રેમ કરે છે.

ફિલ્મમાં પિતા-પુત્ર વચ્ચેના કડવાશભર્યા અને જટિલ સંબંધને દર્શાવવામાં આવ્યો છે. રણબીર આદર્શ પુત્ર બનવા માટે તેનાથી બનતું શ્રેષ્ઠ કરે છે. ફિલ્મ વળાંક ત્યારે લે છે જ્યારે પિતા પર ગોળીબાર કરાય છે અને ત્યાંથી પુત્રની શરૂ થાય છે બદલો લેવાની સફર. તે એક સીધાસાદા છોકરામાંથી ખૂંખાર હિંસક ગેંગસ્ટર બની જાય છે. ફિલ્મમાં બોબી દેઓલે નકારાત્મક ભૂમિકા ભજવી છે. રશ્મિકા રણબીરની પત્ની બની છે, પણ રણબીર એના પિતાની અંધભક્તિ કરે એ તેને પસંદ નથી. ફિલ્મમાં એવો રક્તપાત બતાડવામાં આવ્યો છે કે દેશી દર્શકો મોટા સ્ક્રીન પર એવું જોવા ટેવાયેલા નથી. હુમલાખોરોને રણબીર કુહાડીથી જે રીતે મોતને ઘાટ ઉતારે છે તે દ્રશ્યોની પ્રેરણા કોરિયન ફિલ્મ ‘ઓલ્ડબોય’માંથી લેવામાં આવી હોય એવું લાગે છે. રણબીર કપૂરે જ કહ્યું છે કે,’ એનિમલ’ ફિલ્મનું પાત્ર પોતે એની જિંદગીમાં અત્યાર સુધીમાં ભજવેલું સૌથી જટિલ અને અવળું છે.

આ ફિલ્મ 3 કલાક અને 21 મિનિટ લાંબી છે. તે આવતી 1 ડિસેમ્બરથી થિયેટરોમાં રિલીઝ થવાની છે. જુઓ ફિલ્મનું ટ્રેલર અને ગીત.

વયોવૃદ્ધ કરતાં યુવા થઈ રહ્યા છે ઓનલાઇન ફ્રોડનો શિકાર

નવી દિલ્હીઃ અનિચ્છનીય કોલ અને મેસેજથી ડિજિટલ છેતરપિંડીનો શિકાર સિનિયર સિટિઝનો કરતાં નાની વયના લોકો થઈ રહ્યા છે. વળી, છેતરપિંડી કરવા માટે અવાજની ક્લોનિંગ અથવા હેરાફેરી દ્વારા છેતરપિંડીની ઓળખમાં પડકાર યથાવત્ છે.

અજાણ્યા ફોન નંબરની ઓળખ કરવામાં મદદ કરતી એપ ટ્રુ કોલરના મુખ્ય એક્ઝિક્યુટિવ અધિકારી એલેન મામેદીએ કહ્યું હતું કે ભારતમાં 27 કરોડ લોકો આ એપનો ઉપયોગ કરે છે. દેશમાં દૈનિક ધોરણે આ એપ દ્વારા 50 લાખ સ્પમ કોલની સૂચનાઓ છે.તેમણે કહ્યું હતું કે હવે વયોવૃદ્ધો કરતાં વધુ યુવાઓ આ પ્રકારની છેતરપિંડીનો શિકાર થઈ રહ્યા હોય.

TRAIના સચિવ વી રઘુનંદને પણ ટ્રકોલરના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે યુઝર્સની સામે ટેક્નિકલ સમસ્યાઓ દૂર કરવાન પ્રયાસ જારી છે. ગ્રાહકોને અનિચ્છનીય કોલ અને સંદેશમાંથી રાહત આપવા માટે ટ્રાઇ, (ડુ નોટ ડિસ્ટર્બ) DND એપની હાલની ખામીઓ દૂર કરવાના પ્રયાસ કરી રહી છે. માર્ચ, 2024 સુધી બધા એન્ડ્રોઇડ ફોન માટે આ એપ કારગત બનાવવાના પ્રયાસમાં છે. એના માટે ટ્રાઇએ એક એજન્સીને પોતાની સાથે જોડી છે. કેટલાક એન્ડ્રોઇડ ફોન માટે આ સમસ્યાને મોટા ભાગે દૂર કરવામાં આવી છે. માર્ચ સુધી એપને બધા એન્ડ્રોઇડમાં ઉપયોગ કરવા માટે અનુકૂળ બનાવવાના પ્રયાસમાં જારી છે.  વળી, iફોન બનાવતી એપલે DND એપને એક્સેસ આપવાથી ઇનકાર કરી દીધો હતો.

 

 

 

 

 

‘તુલસી દેવી-શાલીગ્રામ’ ભગવાનના વિવાહની ભવ્ય ઉજવણી

“तुलसी श्रीसखी शिवे पापहारिणी पुण्यदे।
नमस्ते नारदनुते नमो नारायणप्रिये ॥”

‘જેના આંગણામાં તુલસીનો ક્યારો ત્યાં વસે મારા નંદનો દુલારો’ આજે દેવઉઠી અગિયારસ એટલે કે તુલસી વિવાહ. વિશ્વના સૌથી શ્રેષ્ઠ વિવાહ હોય તો એ છે તુલસી વિવાહ. આજના દિવસે સમગ્ર દેશમાં જુદા-જુદા સ્થળોએ મોટા પાયે તુલસી વિવાહના આયોજન કરવામાં આવે છે.

 કેમ કરાય છે તુલસી વિવાહ

હિન્દૂ સંસ્કૃતિમાં દરેક તહેવાર, ઉત્સવ, પર્વ, પ્રસંગ પાછળ કોઈને કોઈ કથા હોય છે. કારતક સુદ અગિયારસના દિવસે તુલસી વિવાહ કેમ મનાવવામાં આવે છે એની પાછળ પણ ધાર્મિક કથા છે.

કહેવાય છે કે જલંધર નામના અસુર સાથે વૃંદાના લગ્ન થયા હતા. પત્નીના સતિત્વના કારણે જલંધર અસુરીવૃત્તિ નો હતો છતા એના પર વિજય મેળવવો કઠીન હતો. એ પોતાના અભિમાનથી દરેક જીવ, ઋષિમુની અને દેવને હેરાન કરતો. વૃંદા ધાર્મિક અને પરમ વિષ્ણુ ભક્ત હતી. દેવો પરેશના થઈ બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ શિવજીને વાત કરી. શિવજીએ વિષ્ણુને સહાય કરવાનું કહ્યું. વિષ્ણુ ભગવાને છલ કરી વૃંદાનું સતિત્વ ભંગ કર્યુ અને જલંધર મરાયો. આ વાતની જાણ જ્યારે વુંદાને થઈ ત્યારે એમને ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો.

 

આ સાંભળી દેવ ઋષિઓએ વૃંદાને વિનંતી કરી અને એમની માફી માંગી. વિષ્ણુ ભગવાન પોતાના ભક્તની ભક્તિથી પરિચિત હતી. એમને વૃંદાને આશ્વાસન આપ્યું કે એ ફરી તુલસીના છોડ તરીકે અવતરણ થશે. હું પથ્થર સ્વરૂપે હોઈશ ત્યારે આપણા લગ્ન થશે. સાથે જ વચન પણ આપ્યું કે તમારી હાજરી વગરનું ભોજન હું ક્યારેય નહીં આરોગું. માટે જ આજે પણ ભગવાનના થાળમાં પ્રથમ તુલસી મુકવામાં આવે છે.

ભગવાન વિષ્ણુ શાલિગ્રામ સ્વરૂપે કારતક મહિનાના શુકલ પક્ષે માતા તુલસી સાથે વિવાહ કરે છે. આ લગ્ન વિશ્વના સૌથી ઉત્તમ લગ્ન ગણાય છે. કહેવાય છે કે જે ઘરે દીકરી નથી હતી. એ પરિવાર તુલસી વિવાહનો ઉત્સવ ધામધૂમથી ઉજવે છે. આ પ્રસંગ કરવાથી કન્યાદાન કર્યાનું પુણ્ય મળે છે.

ચાલીસ વર્ષથી થાય છે અહીં તુલસી વિવાહ

અમદાવાદના કામેશ્વર મહાદેવ મંદિરના પ્રાગણમાં છેલ્લા ચાલીસ વર્ષથી ભવ્ય લગ્નોત્સવની જેમ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સંસ્થાના માનદમંત્રી નટુભાઈ પટેલ કહે છે, ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપના માતા તુલસી સાથે આનંદ ઉત્સવથી લગ્ન કરવામાં આવે છે. જેમાં કૃષ્ણ પક્ષ અને તુલસી પક્ષ બંનેના ત્યાં દિવાળીએથી જ લગ્નની તૈયારીઓ શરૂ થઈ જાય છે. સાંજે 5 કલાકે ભગવાનની જાનનું આગમન થશે. 5.55 વાગે માતા તુલસી અને ભગવાનનો હસ્તમેળાપ કરાવવામાં આવશે. સાંજે 7.15 તુલસી માતાની વિદાય કરાશે. આ ઉપરાંત લગ્ન પહેલા તમામ વિધી એટલે કે રાસ-ગરબા, વરઘોડો, છાબ, મામેરું પણ કરવામાં આવે છે. આ વખતે ખાસ લગ્ન ગીતો ગાનારી બહેનોને બોલવવામાં આવ્યા છે. સૌ સાથે મળી ધામધૂમથી ભગવાન વિષ્ણું અને તુલસી માતાના લગ્ન કરાવીશું.

લાલાના લગ્ન તો કરાવવા જ પડે

અમદાવાદની અનેક ભજન મંડળીની બહેનો પણ પોતાના લાલાના લગ્ન કરાવવા ઉતાવળા હોય છે. આ વિશે તુલસી વિવાહના આયોજક જોલીબહેન ભટ્ટ ચિત્રલેખા.કોમને કહે છે, અમે પાંચ વર્ષથી અમારા લાલાના અને તુલસી માતાના વિવાહનું શણગાર સાથે ભવ્ય આયોજન કરીએ છીએ. બધી બહેનો સાથે મળી દિવસો પહેલા તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ. આજે સાંજે પણ લાલાના અને તુલસી માતાના ધામધૂમથી લગ્ન કરાવીશું.

 શહેરના મંદિરોમાં તુલસી વિવાહની તૈયારીઓ

શહેરના ભાગવદ વિદ્યાપીઠમાં પણ તુલસી વિવાહનું આયોજન કરાયું છે. આ ઉપરાંત શહેરના કામેશ્વર મહાદેવ મંદિર, ઈસરો પાસેના પરમધામ ચિન્મય મિશન સંસ્થા, નારણપુરાના રાધાકૃષ્ણ મંદિર, સોલા રોડ પર આવેલા અંબાજી મંદિર, ઓઢવના રણછોડરાયજી મંદિર, દરિયાપુરના રણછોડરાયજી મંદિરમાં તુલસી વિવાહનું આયોજન કર્યુ છે.

હેતલ રાવ

તસવીરઃપ્રજ્ઞેશ વ્યાસ

420: કેરળમાં પોલીસે ક્રિકેટર શ્રીસાન્ત સામે નોંધી છેતરપિંડીની ફરિયાદ

કાન્નૂરઃ કેરળ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા કાન્નૂર જિલ્લાની પોલીસે ક્રિકેટર એસ. શ્રીસાન્ત તથા બીજા બે જણ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. આ ફરિયાદીએ એવો આરોપ મૂક્યો છે કે શ્રીસાન્ત તથા રાજીવ કુમાર અને વેંકટેશ કિણી નામના અન્ય બે જણે 2019ની 25 એપ્રિલથી અલગ અલગ તારીખોએ એવો દાવો કરીને પોતાની પાસેથી રૂ. 18.70 લાખની રકમ લીધી હતી કે તેઓ કર્ણાટકના કોલૂરમાં એક સ્પોર્ટ્સ એકેડેમી બાંધશે, જેમાં શ્રીસાન્ત ભાગીદાર હશે.

સરીશ ગોપાલન નામના ફરિયાદે કહ્યું છે કે એકેડેમીમાં પોતાને પણ ભાગીદાર બનાવવાની તકની ઓફર કરાયા બાદ પોતે એમાં પૈસા ઈન્વેસ્ટ કર્યા હતા. પોલીસે શ્રીસાન્ત તથા અન્ય બે જણ સામે ભારતીય ફોજદારી કાયદાની કલમ 420 (છેતરપિંડી) હેઠળ ફરિયાદ નોંધી છે.

ટાટા ટેકના IPOને બીજા દિવસે પણ પ્રોત્સાહક પ્રતિસાદ

નવી દિલ્હીઃ ટાટા ટેકના IPOને બીજા દિવસે પણ પ્રોત્સાહક પરિષદ મળ્યો હતો અને અત્યાર સુધી એ 11 ગણો ભરાઈ ગયો છે. એની પેરેન્ટ કંપની ટાટા મોટર્સના શેરહોલ્ડર્સ પણ ઇસ્યુ ભરી રહ્યા છે. તેમના અનામત હિસ્સો બે દિવસમાં અત્યાર સુધી 16 ગણો ભરાઈ ગયો છે. એની રૂ. 3042 કરોડની ઓફર ફોર સેલ ઇશ્યુ સબસ્ક્રિપ્શન માટે 22 નવેમ્બરે ખૂલ્યો હતો. અને રોણકારો મૂડીરોકાણ કરવાથી ચૂકતા નથી. મોટા ભાગના નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ શેર સસ્તા વેલ્યુએશન પર મળી રહ્યા છે. જેથી આમાં મૂડીરોકાણ કરવાથી ચૂકવા જેવું નથી.કંપનીનો IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ દ્વારા લોન્ચ કરવામાં આવી રહ્યો છે. ટાટા મોટર્સ, ટાટા કેપિટલ ગ્રોથ ફંડ-1 અને આલ્ફા ટીસી હોલ્ડિંગ આ IPOમાં તેમનો હિસ્સો વેચી રહ્યાં છે. કંપનીએ લાયક સંસ્થાકીય ખરીદદારો માટે 50 ટકા, બિન-સંસ્થાકીય ખરીદદારો માટે 15 ટકા અને છૂટક રોકાણકારો માટે 35 ટકા અનામત રાખ્યા છે. કંપનીએ તેના શેરધારકો માટે 6,085,027 ઇક્વિટી શેર અને તેના કર્મચારીઓ માટે 2,028,342 ઇક્વિટી શેર અનામત રાખ્યા છે.

ટાટા ટેકના IPOમાં શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 475થી 500 પ્રતિ શેરની વચ્ચે નક્કી કરવામાં આવી છે. આ સાથે રિટેલ રોકાણકારો એક સમયે ઓછામાં ઓછા 30 શેર ખરીદી શકે છે. આ કિસ્સામાં તમારે ઓછામાં ઓછા રૂ. 15,000નું રોકાણ કરવું પડશે. કંપનીના શેરની ફાળવણી 27 નવેમ્બર, 2023 નક્કી કરવામાં આવી છે. શેરનું લિસ્ટિંગ BSE અને NSE પર 29 નવેમ્બર, 2023એ થશે.  ગ્રે માર્કેટની વાત કરીએ તો આ શેરના iPOની અપર પ્રાઇસ બેન્ડ રૂ. 395 એટલે કે 79 ટકા પર છે.

 

 

 

રાજ્યના ટ્રાફિક બ્રિગ્રેડના 9000 કર્મચારીઓને ક્રમશઃ છૂટા કરાશે

અમદાવાદઃ રાજ્યમાં ટ્રાફિક બ્રિગેડમાં કામ કરતા કર્મચારીઓ માટે માઠા સમાચાર છે. હાલમાં જ રાજ્યનાં શહેરોમાં ટ્રાફિકનું સંચાલન કરી રહેલા 9000થી વધુ ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓને ક્રમશઃ છૂટા કરવા માટેનો ઓર્ડર રાજ્ય પોલીસ વડા તરફથી કરવામાં આવ્યો હતો. એક જ જગ્યાએ પાંચ કે 10 વર્ષ સુધી કામ કરી રહેલા જવાનોને ક્રમશઃ છૂટા કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડા તરફથી થયેલા આદેશ પ્રમાણે રાજયમાં ટ્રાફિક નિયમનની વ્યવસ્થા માટે ટ્રાફિક પોલીસની મદદમાં આશરે 9000 ટ્રાફિક બ્રિગેડના સભ્યોની માનદસેવા લેવામાં આવી રહી છે.

હવે રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાયે ટ્રાફિક બ્રિગ્રેડ (TRB) પર્સનલમાં મોટા પાયે ફેરબદલ કરવાની પણ જાહેરાત કરી છે. રાજ્યમાં સર્વિસમાં 10 વર્ષ કે તેથી વધુ વર્ષની સર્વિસ કરી હોચ એવી 1100 કર્મચારીઓ છે અને કમસે કમ 3000 કર્મચારીઓ કે જેમણે પાંચ વર્ષની સર્વિસ પૂરી કરી હોય અને જે કર્મચારીઓએ ત્રણ વર્ષ પૂરાં કર્યાં હોય તેવા 2300 કર્મચારીઓ છે, એમ નોટિફિકેશન કહે છે.

રાજ્યમાં પોલીસની મદદ માટે 9000થી વધુ TRB કર્મચારીઓ છે, જેઓ લાંબા સમયથી છે, જે વહીવટી રીતે યોગ્ય નથી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે TRBની ભૂમિકા માટે અને લાઇફટાઇમ નિયુક્તિ ના હોવાને કારણે સમયાંતરે આ નિમણૂકોની સમીક્ષા કરવાની જરૂર પડે છે.

આ TRBની ખાલી પડનારી જગ્યાઓને ફરીથી ભરવામાં આવશે, જેથી અન્ય લોકોને ટ્રાફિક બ્રિગ્રેડમાં સેવા કરવાની તક મળી રહે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે 10 વર્ષની સેવા કરનારા કર્મચારીઓને 30 નવેમ્બરે સેવામુક્ત કરવામાં આવશે અને જે કર્મચારીઓને પાંચ વર્ષથી સેવા આપતા કર્મચારીઓને 31 ડિસેમ્બરે કાર્યમાંથી મુક્ત કરવામાં આવશે. આ સાથે જે કર્મચારીઓએ ત્રણ વર્ષ સુધી સેવા આપી હોય તેમને 31 માર્ચ, 2024 સુધી કાર્યમુક્ત કરી દેવામાં આવશે.

 

 

 

અમેરિકાની સરકારમાં જવાબદારીનો ગંભીર અભાવ પ્રવર્તે છે: કાશ પટેલ

વોશિંગ્ટનઃ ભારતીય-અમેરિકન એટર્ની (વકીલ) અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારના ભૂતપૂર્વ અધિકારી  કશ્યપ પ્રમોદ ‘કાશ’ પટેલનું કહેવું છે કે અમેરિકાની સરકારમાં જવાબદારીનો ગંભીર અભાવ પ્રવર્તે છે અને જે લોકો પદ ધરાવે છે તેમણે જ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. પટેલ લિખિત અંગ્રેજી પુસ્તક ‘ગવર્મેન્ટ ગેંગસ્ટર’માં અમેરિકાની અમલદારશાહીની ખૂબ જ ઝાટકણી કાઢવામાં આવી છે અને અમેરિકાની સરકાર ‘બૂરી હાલત’માં છે એવું દર્શાવાયું છે.

પટેલે એમના પુસ્તકમાં એવો આક્ષેપ કર્યો છે કે અમેરિકાની અમલદારશાહીમાં મોટા પાયે ઘૂસણખોરી થઈ છે. તેમાં એક વર્ગમાં એવા લોકોનું વર્ચસ્વ છે જેમણે કાયદો તોડ્યો છે.

43 વર્ષના કાશ પટેલે લખ્યું છે કે પોતે ડેમોક્રેટ અને રિપબ્લિકન, એમ બંને પક્ષની સરકારો દરમિયાન 16 વર્ષ સુધી રહ્યા હોવાથી એમને આ પુસ્તક લખવાનંr સૂઝ્યું છે. પટેલે ડોનાલ્ડ ટ્રમ્પના શાસન હેઠળ કાર્યવાહક સંરક્ષણ પ્રધાનના ચીફ ઓફ સ્ટાફ તરીકે કામગીરી બજાવી હતી. એમનું પુસ્તક આ વર્ષના શિયાળાની મોસમમાં સ્ટેન્ડ્સ પર આવશે.

દિલ્હીમાં રૂ. 350ની લૂંટ માટે યુવકે નિર્મમ હત્યા કરી

નવી દિલ્હીઃ એક 16 વર્ષીય કિશોરે બીજા 17 વર્ષીય યુવકના માથા, ગળા અને કાનો પર 60થી વધુ વાર ચાકુથી કર્યા હતા. આ હત્યા તેણે માત્ર રૂ. 350 લૂંટવા માટે કર્યા હતા. આ દુર્ઘટના નોર્થ ઇસ્ટ દિલ્હીના વેલકમ વિસ્તારમાં બની હતી. આ હત્યા કરનાર યુવકની હરકતો CCTVમાં કેદ થઈ ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પહેલાં યુવકે ગળું દબાવ્યું, એ પછી તેના પર ચાકુથી વાર કર્યા. ત્યાર બાદ હત્યા કર્યા પછી તેણે ડેડ બોડી પાસે ડાન્સ કરવાનું શરૂ કર્યું. વિડિયોમાં યુવકે ના તો માત્ર આંખો પર વાર કર્યા, બલકે માથાને ધડથી અલગ કરવાના પ્રયાસ પણ કર્યા હતા. પોલીસે આ યુવકની ધરપકડ કરી છે. પોલીસે તેની ઓળખ જાહેર નથી કરી. પોલીસે જણાવ્યું હતું કે આ યુવક સ્કૂલનો ડ્રોપ આઉટ છે. જાફરાબાદનો રહેવાસી આ યુવક હત્યા કરી ત્યારે નશામાં ધૂત હતો.

પોલીસના જણાવ્યાનુસાર યુવકે મૃતકને લૂંટવાના પ્રયાસ કર્યા હતા. જ્યારે તેણે પાસે પડેલા પૈસા દેવાથી પણ ઇનકાર કર્યો, ત્યારે હત્યા કરનાર યુવકે ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું. ઘાયલ યુવકને GTB હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. CCTV ફુટેજની મદદથી પોલીસ ખૂની સુધી પહોંચી હતી.

આ હત્યા કરનાર યુવકે લાશને ઘસેડી હતી. તેણ હત્યા બાદ પણ ચહેરા પર લાત મારી રહ્યો હતો. ચાકુ લઇને ડાન્સ કરી રહ્યો હતો. મૃતદેહને આરોપીએ 20થી 25 મીટર સુધી ઘસેડી હતી. આશ્ચર્ય એ વાતનું હતું કે આરોપી આ યુવકનું નામ સુધ્ધાં નહોતો જાણતો. તેનો ઇરાદો માત્ર તેને લૂંટવાનો હતો.

 

 

 

 

 

ઇઝરાયેલ-હમાસના સીઝફાયર બાદ પણ યુદ્ધ જારી રહેશેઃ વ્હાઇટ હાઉસ

નવી દિલ્હીઃ હમાસની સાથે બંધકોને છોડવા અને સીઝફાયર (સંઘર્ષ વિરામ) સમજૂતી કર્યાના એક દિવસ પછી ઇઝરાયેલે કહ્યું હતું કે સંઘર્ષ વિરામ સમજૂતી પહેલા અમલમાં નહીં આવે. પહેલાં અપેક્ષા હતી કે બંને પક્ષો ગુરુવાર સુધી  કામચલાઉ રીતે યુદ્ધને અટકાવી દેશે.

ઇઝરાયેલના રાષ્ટ્રીય સિક્યોરિટી સલાહકાર તઝાચી હનેગ્બીએ બંધકોને છોડવા માટે કોઈ વિલંબ કરવા માટે હવે કોઈ કારણ નથી. જોકે મિડિયા રિપોર્ટ અનુસાર હજી બંને પક્ષો વચ્ચે કેટલીક બાબતો નક્કી કરવામાં આવી રહ્યાનું લાગી રહ્યું છે. બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી અનુસાર ચાર દિવસોમાં હમાસે કમસે કમ આશરે 240 બંધકોમાંથી 50ને છોડવાના રહેશે અને સામે પક્ષે ઇઝરાયેલે પેલેસ્ટિનિયન કેદીઓનેને બદલામાં છોડવા પડશે.

બીજી બાજુ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂની સાથે સૂર પુરાવતાં વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે ચાર દિવસ પછી અને હાલમાં થયેલી સમજૂતી બાદ પણ હમાસની વિરુદ્ધ યુદ્ધ જારી રહેશે. ઇઝરાયેલના પબ્લિક બ્રોડકાસ્ટર કેને એક અધિકારીના હવાલાથી જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી પર હમાસ અને મધ્યસ્થી કરનાર કતારે હસ્તાક્ષર નથી કર્યા.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું હતું કે હમાસ હજી પણ જોખમી છે અને સમજૂતી પૂરી થયા બાદ પણ પેલેસ્ટાઇન ઇસ્લામિક ગ્રુપ સોદા સામે યુદ્ધ જારી રાખવામાં આવશે. લડાઈ હજી ખતમ નથી થઈ, યુદ્ધ હજી પૂરું નથી થયું, એમ તેમણે કહ્યું હતું.