Home Blog Page 2328

વર્લ્ડ કપ પ્રાઈઝ મની: વિજેતાને મળશે 33 કરોડ રૂપિયા

વર્લ્ડ કપ હવે અંતિમ તબક્કામાં છે. 46 દિવસના આ મોટા ઈવેન્ટમાં ભારતમાં 47 મેચ રમાઈ છે. હવે છેલ્લી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમને-સામને થશે. ભારત અત્યાર સુધીમાં બે વખત ચેમ્પિયન બન્યું છે અને ઓસ્ટ્રેલિયા પાંચ વખત ટાઈટલ જીતવામાં સફળ રહ્યું છે. ટીમ ઈન્ડિયાની નજર 12 વર્ષ બાદ વિજેતા બનવા પર છે. આ મેચ જીતનારી ટીમ પર પૈસાનો વરસાદ થશે. આઈસીસીએ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી દીધી હતી. તેણે ટુર્નામેન્ટ માટે રૂ. 83.29 કરોડ (US$10 મિલિયન)નું બજેટ નક્કી કર્યું હતું. તેમાંથી વિજેતા ટીમને 33.31 કરોડ રૂપિયા (ચાર મિલિયન યુએસ ડોલર) મળશે. સાથે જ ફાઈનલમાં હારનારી ટીમને 16.65 કરોડ રૂપિયા (બે મિલિયન યુએસ ડોલર)થી સંતોષ માનવો પડશે.

સેમી ફાઈનલ અને ગ્રુપ રાઉન્ડમાં હારેલી ટીમોને પણ પૈસા મળ્યા હતા

સેમિફાઇનલમાં હારેલી ટીમોને રૂ. 6.66 કરોડ (US$800,000) મળ્યા હતા. દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડને સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ગ્રૂપ રાઉન્ડમાં બહાર થઈ ગયેલી છ ટીમો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડને પણ પૈસા મળ્યા છે. આ છ ટીમોને રૂ. 83.29 લાખ (US$100,000) મળ્યા હતા.

સેમીફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું

ભારતે સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલની ટિકિટ બુક કરી લીધી છે. આ સાથે જ કાંગારૂ ટીમે દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી હતી. હવે 20 વર્ષ બાદ બંને ટીમો ફરી એકવાર ટાઈટલ મેચમાં સામસામે ટકરાશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું.

ટીમ ઈન્ડિયાની નજર બદલો લેવાની છે

ભારતની નજર 2003માં મળેલી હારનો બદલો લેવા પર છે. તેણે 2019 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને સેમિફાઇનલમાં હરાવીને હારનો બદલો લીધો હતો. હવે તેની નજર બીજા વેર પર છે. ટીમ ઈન્ડિયા 20 વર્ષ પહેલા અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવા માંગશે.

વર્લ્ડકપ ફાઈનલ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી 2023 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ દર્શકોને દાયકાઓ સુધી યાદ હશે? વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં યોજાનારી આ મેચને રોમાંચક બનાવવા માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)એ તૈયારીઓ કરી લીધી છે. ફાઈનલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં સુરક્ષા કર્મચારીઓ અને અન્ય સ્ટાફ સહિત લગભગ 1.40 લાખ લોકોની હાજરી હશે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્શલ પણ આ શાનદાર મેચ જોવા માટે હાજર રહેશે. આ પહેલીવાર છે જ્યારે ક્રિકેટ મેચ દરમિયાન એર શો થશે અને એરફોર્સની સૂર્ય કિરણ ટીમ સ્ટેડિયમની ઉપરથી પસાર થશે. આ ઉપરાંત અંતમાં લેસર લાઈટ અને આતશબાજી સાથે નરેન્દ્ર મોદીના દર્શન એવા હશે કે પ્રેક્ષકો આનંદિત થઈ જશે, પરંતુ આ બધાની વચ્ચે મોટો પ્રશ્ન એ છે કે આ ફાઈનલ મેચની આટલી ભવ્ય તૈયારીઓ શા માટે કરવામાં આવી રહી છે.

 

દુનિયા ભારતની તાકાત જોશે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચને અભૂતપૂર્વ બનાવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે આ મેચ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંબંધિત છે. તેમના નામે માત્ર સ્ટેડિયમ નથી, પરંતુ ભૂતકાળમાં તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં, ભારતમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું સપનું તેમના સમયમાં જ જોવા મળ્યું હતું. આવી સ્થિતિમાં જીસીએ અને બીસીસીઆઈ ફાઈનલ મેચને લાંબા સમય સુધી યાદગાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જ કારણ છે કે જ્યારે મેચ દરમિયાન લાઈવ પર્ફોર્મન્સ અને લેસર શોની સાથે આતશબાજી થશે તો દર્શકો ચોક્કસપણે આશ્ચર્યચકિત થઈ જશે. એર શો અદ્ભુત રોમાંચ આપશે.

અમદાવાદનો દાવો મજબૂત થશે

ગુજરાત સરકાર 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાનીને સુરક્ષિત કરવા માટે કામ કરી રહી છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત સરકારે પણ ગોલિમ્પિક નામની સંસ્થાની રચના કરી છે. જે રાજ્યમાં ઓલિમ્પિક ગેમ્સ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ભારત સરકાર સાથે સંકલન કરીને ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાનો દાવો કરશે. આ બીજું સૌથી મોટું કારણ છે કે જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2023 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે તેની પૂરી તાકાત લગાવી દીધી છે. એક સફળ અને યાદગાર ઇવેન્ટ ચોક્કસપણે ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે અમદાવાદના દાવાને મજબૂત કરશે, જે પહેલેથી જ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી છે.

આ સ્થળ ઘટનાનું કેન્દ્ર બનશે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મોટેરામાં આવેલું છે. હાલમાં અહીં સુધી મેટ્રોની સીધી કનેક્ટિવિટી છે. ભવિષ્યમાં આ સ્ટેડિયમને વધુ કનેક્ટિવિટી આપવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને મોટા સ્પોર્ટ્સ હબ તરીકે વિકસાવી રહી છે, આ સેન્ટર મોટા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું આયોજન કરવા માટેનું કેન્દ્ર બનશે. આ જ કારણ છે કે ICCએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. જેમાં એર શોથી માંડીને ધૂમ મચાવતા ખલાસી ગીતની રજૂઆત સુધીની દરેક બાબતો ઉમેરવામાં આવી છે. આદિત્ય ગઢવી ગોટી લો ગીત રજૂ કરશે. જ્યારે બીજી ઇનિંગ સમાપ્ત થશે, ત્યારે લેસર અને લાઇટ શો થશે. મેચ પહેલા પ્રથમ એર શોનું આયોજન કરવામાં આવશે, જે 15 મિનિટ સુધી ચાલશે.

પાકિસ્તાનમાં મોંઘવારી દર સૌપ્રથમ વાર 40 ટકાને પાર

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સામાન્ય લોકોની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જઈ રહી છે. પાકિસ્તાનની સરકાર દ્વારા જારી થયેલા આંકડા અનુસાર શોર્ટ ટર્મ ઇન્ફ્લેશન ચાર મહિનામાં સૌપ્રથમ વાર 40 ટકાને પાર થયો છે. આ કિંમતોમાં થયેલો વધારો વધતા ગેસના ભાવને કારણે થયો છે. ગેસની કિંમતો ગયા વર્ષની તુલનાએ 1100 ટકા વધી ગયા છે.

પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જારી આંકડા અનુસાર 16 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં મોંઘવારી દર ગયા વર્ષની સરખામણીએ 41.9 ટકા રહ્યો છે. એ દરમ્યાન ગેસની કિંમતો 1100 ટકા વધી છે. ઘઉંના લોટની કિંમતમાં 86.4 ટકા,  મરચાં પાઉડર 82 ટકા, પોણિયા બાસમતી ચોખામાં 77 ટકા, ચામાં 55 ટકા અને સુગર 50 ટકા મોંઘી થઈ ગઈ છે. બીજી બાજુ ડુંગળીની કિંમત ગયા વર્ષની તુલનાએ 36 ટકા, ટામેટાં 14 ટકા, સરસિયાનું તેલ ચાર ટકા, ઘી બે ટકા અને ચણાની દાળમાં નોંધપાત્ર સસ્તી થઈ છે.

પાકિસ્તાનમાં શોર્ટ ટર્મ ઇન્ફલેશનમાં સાપ્તાહિત ધોરણે 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગયા સપ્તાહે ગેસની કિંમતોમાં 480 ટકા, ચાની કિંમતોમાં નવ ટકા અને મસૂરમાં 5.3 ટકા, મીઠામાં 2.9 ટકા, બટાટામાં બે ટકાનો વધારો થયો હતો, જ્યારે સાપ્તાહિક આધારે વીજળીના દરોમાં 16 ટકા, ટામેટાંની કિંમતોમાં 11 ટકા, સુગરમાં ચાર ટકા અને ડીઝલ 2.2 ટકા સસ્તું થયું હતું.

પાકિસ્તાનના 17 શહેરોનાં 50 બજારોમાં હાલ 51 કોમોડિટીની કિંમતો સામેલ કરવામાં આવે છે. વાર્ષિક આધારે ફુગાવાના દર 48.35ની મહત્તમ રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો, જે મે મહિના પ્રારંભે પહોંચ્યો હતો. સપ્ટેમ્બરમાં મોંઘવારી દરમાં સુધારો થયો હતો, પરંતુ એ 29 ટકાની ઉપર હતો અને હવે એ 40 ટકાને પાર પહોંચ્યો છે.

 

 

 

 

 

 

ઈન્સ્ટન્ટ કલાકંદ બરફી

દિવાળી પર્વ હજુ ચાલુ છે. સગાં સંબંધીઓનું આગમન પણ ચાલુ છે. તો તેમનું ઈન્સ્ટન્ટ કલાકંદ બરફીથી સ્વાગત કરી લો. આ બરફી ગેસ સ્ટવના ઉપયોગ વિના બહુ જ ત્વરાથી બની જાય છે!

સામગ્રીઃ

  • દળેલી સાકર ½ કપ
  • એલચી પાવડર ½ ટી.સ્પૂન
  • પનીર 2 કપ
  • મિલ્ક પાઉડર ½ કપ
  • પીળો ખાવાનો રંગ અથવા તમારી પસંદગીનો રંગ ¼ ટી.સ્પૂન
  • ડ્રાય ફ્રુટના ટુકડા

રીતઃ પનીરને ખમણી લો અથવા હાથેથી બારીક ભૂકો કરી લો. પનીરના ભૂકામાં દળેલી સાકર, એલચી પાઉડર તેમજ મિલ્ક પાઉડર મેળવી લો. મિલ્ક પાઉડર ગળ્યો હોવાથી આ બરફીમાં સાકરનું પ્રમાણ થોડું ઓછું લઈ શકાય છે. આ મિશ્રણ મિક્સ કરતી વખતે જ તે ઢીલું થતું જાય છે, જેથી દૂધ ઉમેરવાની જરૂર નથી.

આ મિશ્રણને બે ભાગમાં વહેંચી લો. સફેદ ભાગને એક બાજુએ રાખી લો. હવે વધેલા મિશ્રણમાં પીળો અથવા તમને જોઈતો રંગ મેળવી લો. એક ટ્રેમાં ઘી ચોપડેલું બટર પેપર ગોઠવીને તેની ઉપર સફેદ મિશ્રણ પાથરી દો. ત્યારબાદ તેની ઉપર પીળા રંગનું મિશ્રણ પણ પાથરી દો. ઉપરથી ડ્રાયફ્રુટના ટુકડા ભભરાવીને તેને તવેથા અથવા ચપટા તળિયાવાળી વાટકીથી દાબીને પ્લેન કરી લો.

આ ટ્રેને ફ્રીજમાં 2 કલાક માટે રહેવા દો. ત્યારબાદ તેને બહાર કાઢી લો. એક પ્લેટમાં ટ્રેને ઉથલાવી દો. આ કલાકંદ બરફીના ચોરસ અથવા લંબચોરસ ચોસલા કરી લો. આ બરફી એરટાઈટ કન્ટેનરમાં રેફ્રીજરેટરમાં અઠવાડિયા સુધી સારી રહે છે!

ફટાકડાના તણખાથી લાગી આગઃ 30 બાળકો દાઝ્યા

મહેસાણા: બ્રાહ્મણવાડા ગામમાં એક મોટી દુર્ઘટના ટળી છે. ઊંઝાના બ્રાહ્મણવાડા મુકામે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો હતો. એ દરમિયાન ફટાકડા ફૂટતી વખતે ગેસના ફુગ્ગાઓમાં આગ લાગી હતી. જેને કારણે 30 જેટલા લોકો દાઝ્યા છે. હાલ આ તમામ ઇજાગ્રસ્તોને ઊંઝાના જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ નથી થઈ.

ઊંઝાના બ્રાહ્મણવાડા મુકામે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અચાનક આગ લાગી જવાને કારણે અફરાતફરીનો માહોલ છવાયો હતો. આ બેદરકારી કોને લીધે થઈ હતી, એ જણાવા નથી મળ્યું. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઊંઝાના બ્રાહ્મણવાડા મુકામે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, ત્યારે અંદાજે બપોરે 12:30 કલાકે બનાવ બન્યો હતો.

જેમાં મહોત્સવ દરમિયાન ફટાકડા ફૂટવાને કારણે ગેસના ફુગ્ગાઓમાં આગ ભભૂકી હતી. આ આગને કારણે 30 જેટલા બાળકો દાઝયા.

આ તમામ બાળકોને સ્થળ પર પ્રાથમિક સારવાર, સ્થાનિક દવાખાને તેમ જ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી વધુ સારવાર અર્થે દર્દીઓને જનરલ હોસ્પિટલ ઊંઝામાં રિફર કરાયા હતા.

 

 

 

 

 

 

 

યોગી સરકાર ધુરંધર બોલર શમીને સ્ટેડિયમની ભેટ આપશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડ કપના સ્ટાર તરીકે ઊભરી આવ્યો છે જેમાં તેણે સતત વિકેટો લઈને ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં પહોંચાડી દીધી છે. ગયા બુધવારે રમાયેલી સેમી ફાઇનલ મેચમાં તેણે સાત વિકેટ ઝડપીને ભારતીય ટીમ માટે ફાઇનલમાં પહોંચવાનું સરળ બનાવી દીધું હતું. જ્યારે દેશને તેની સિદ્ધિ પર ગર્વ છે, ત્યારે તેના હોમ ટાઉન અમરોહામાં ઉજવણીનો માહોલ છે. જ્યારે ઉત્તર પ્રદેશ સરકારે અહીં મિની સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી ત્યારે તેમની ઉજવણી બમણી થઈ ગઈ છે.

ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા મોહમ્મદ શમીના ગામ સહસપુર અલીનગરમાં સ્ટેડિયમ બનાવવાની સૂચના આપવામાં આવી છે. જે બાદ DM રાજેશ ત્યાગીના નિર્દેશ પર મુખ્ય વિકાસ અધિકારીએ તેમની ટીમ સાથે શુક્રવારે સહસપુર અલીનગરની મુલાકાત લીધી અને સ્ટેડિયમ માટે જમીનની શોધ શરૂ કરી.

તે જ સમયે DM રાજેશ ત્યાગીએ કહ્યું કે મુખ્ય વિકાસ અધિકારી તેમની ટીમ સાથે મોહમ્મદ શમીના ગામમાં સ્ટેડિયમ બનાવવા માટે એક હેક્ટર જમીન જોવા પહોંચ્યા અને તેમણે સ્ટેડિયમ માટેનો પ્રસ્તાવ તૈયાર કરીને સરકારને મોકલી દીધો છે.

ઉત્તર પ્રદેશના ડેપ્યુટી CMએ પત્રકારોને જણાવ્યું હતું કે મોહમ્મદ શમીના ગામમાં જે સ્ટેડિયમ બનાવવામાં આવશે, એના માટે યોગ્ય જમીનની પસંદગી કરવામાં આવી રહી છે. અહીં જૃ ટૂંક સમયમાં સારું સ્ટેડિયમ બનીને તૈયાર થઈ જશે.

શ્વેતા શારદા મિસ યુનિવર્સ 2023ની ફાઇનલમાં પહોંચી

 સેલ્વાડોરઃ મિસ યુનિવર્સ 2023 પેજન્ટ 18 નવેમ્બરે અલ સાલ્વાડોરમાં આયોજિત થઈ રહી છે, જેમાં વિશ્વની 90 ખૂબસૂરત હસીનાઓ પોતપોતાના દેશને રિપ્રેઝન્ટ કરતી નજરે ચઢશે. તે 23 વર્ષીય શેવેતા શારદા મિસ યુનિવર્સ 2023ની ફાઇનલમાં પહોંચી ગઈ છે.

શ્વેતા શારદાનો જન્મ 24 મે, 2000એ ચંડીગઢમાં થયો હતો. તેનું પાલનપોષણ તેની માતાએ એકલા હાથે કર્યું છે. 16 વર્ષની વયે તે મુંબઈ આવી ગઈ હતી. તેણ ગ્રેજ્યુએશન IGNOU દિલ્હીમાંથી પૂરું કર્યું છે. તેણે કેટલાય ડાન્સ રિયાલિટી શો જેવા કે ડાન્સ દીવાને, ડાન્સ પ્લસ અને ડાન્સ ઇન્ડિયામાં ભાગ લીધો હતો. ઝલક દિખલા જામાં તેણ કોરિયોગ્રાફર તરીકે કામ કરી ચૂકી છે.ઓગસ્ટમાં શારદાએ મુંબઈમાં આયોજિત મિસ દીવા યુનિવર્સ 2023 એવોર્ડ જીત્યો હતો. એ સાથે તેણે મિસ યુનિવર્સ માટે પણ ક્વોલિફાય કરી લીધું હતું.

ફિનાલેમાં તેણે પોતાની માતાને જીવનની અસર કરતી વ્યક્તિ બતાવી હતી. તે કહે છે કે તેની લાઇફની સૌથી પ્રાઉડ મોમેન્ટ ત્યારે હતી, જ્યારે દીપિતા પાદુકોણ અને માધુરી દીક્ષિતે તેને ડાન્સિંગ સ્ટેપ શીખવાડ્યા હતા. શારતાના ઇન્સ્ટાગ્રામ પર પાંચ લાખ ફોલોઅર્સ છે. આ સિવાય તેણે શાંતનુ મહેશ્વરીની સાથે મસ્ત આંખે વિડિયોમાં પણ કામ કર્યું છે. હરનાઝ કૌર સંધુ પછી હવે ભારતની પાસે શારદા શ્વેતાના રૂપમાં ફરી એક વાર મિસ યુનિવર્સનો તાજ જીતવાની તક છે.

 

 

 

 

 

 

MP ચૂંટણીઃ કોંગ્રેસનું ‘કમલ’ ખીલશે કે ભાજપનો શિવ-રાજ કરશે?

નવી દિલ્હીઃ મોદીની ગેરન્ટી કે રાહુલની મોહબ્બતની દુકાન? મધ્ય પ્રદેશની જનતા કઈ દુકાન અને કઈ ગેરન્ટીવાળી પ્રોડક્ટ લે છે, એના માટેની બધી પ્રક્રિયા થઈ ગઈ છે. મધ્ય પ્રદેશની ચૂંટણીની 230 વિધાનસભાની બેઠકો પર મત પડી ચૂક્યા છે. ચૂંટણી પંચ અનુસાર રાજ્યમાં 76.22 ટકા મતદાન થયું છે. મધ્ય પ્રદેશના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન થયું છે.

આમ તો રાજ્યની બધી બેઠકો કોંગ્રેસ- ભાજપ માટે મહત્ત્વની છે, પણ એમાં છ સીટો પર લોકોની નજર ચોંટેલી છે.આ સીટો છે- છીંદવાડા, દિમની, ચુરહટ, દતિયા, બુઢની અને ઇન્દોર-1.

વર્ષ 2018માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં 230 બેઠકો પર 75.6 ટકા મતદાન થયું હતું. ત્યારે કોંગ્રેસને 114 સીટો અને ભાજપને 109 સીટો મળી હતી. ત્યાર્ ભાજપને કોંગ્રેસ કરતાં 0.1 ટકા વધુ મતો મળ્યા હતા, પરંતુ સરકાર કોંગ્રેસે બનાવી હતી. ભાજપને 41 ટકા અને કોંગ્રેસને 40.9 ટકા મતો મળ્યા હતા.

વર્ષ 2013માં ચૂંટણીમાં ભાજપને 165 સીટો મળી હતી, જ્યારે કોંગ્રેસની સીટો 71થી ઘટીને 58એ પહોંચી હતી. ત્યારે ભાજપને 44.9 ટકા મતો મળ્યા હતા, જ્યાર કોંગ્રેસને 36.4 ટકા મત મળ્યા હતા. વર્ષ 2003થી 2018 સુધી માત્ર એક વાર સત્તા પરિવર્તન થયું છે. એ વખતે 75 ટકાથી વધુ મતદાન થયું હતું. આ વખતે પણ મતદાન વધુ થયું છે. તો શું ભાજપની વિરુદ્ધ સત્તાવિરોધી લહેરનું આ પરિણામ છે. એ તો હવે ત્રીજી ડિસેમ્બરે જ માલૂમ પડશે.

 

 

 

 

ટીમ ઇન્ડિયાની પ્રેક્ટિસ જર્સીના રંગ પર ભડકી મમતા

અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતી કાલે વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાવાની છે. આ પહેલાં ભારતીય ટીમની જર્સી પર રાજકારણ શરૂ થયું છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ ભારતીય ટીમની જર્સીને લઈને સવાલો ઉઠાવ્યા છે. તેમણે ભાજપને નિશાન બનાવતાં કહ્યું હતું કે  ભારતીય ટીમ સહિત વિવિધ સંસ્થાઓને ભગવાકરણ કરવાના પ્રયાસ કરવાના આરોપ લગાવ્યા હતા. આ નિવેદન પર ભાજપે પલટવાર કરતા કહ્યું કે મમતાએ આખા કોલકાતાને વાદળી અને સફેદ રંગમાં રંગી દીધું છે.

કોલકાતાના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે તે (ભાજપ) હવે દેશને બધું ભગવા રંગમાં રગવાનો પ્રયાસ કરી રહ્યો છે. અમને આપણા ભારતીય ખેલાડી ઉપર ગર્વ છે અને  મને વિશ્વાસ છે કે તેઓ વર્લ્ડ કપ જીતશે. પરંતુ પહેલા પ્રેક્ટિસ ખેલાડીઓ બ્લુ કલરની જર્સી પહેરતા જે હવે ભગવા કલરની થઇ ગઈ છે. મેટ્રો સ્ટેશનોને પણ ભગવા રંગે રંગવામાં આવી રહ્યા છે. આ અસ્વીકાર્ય છે.  આ સિવાય દરેક વસ્તુઓનાં નામ પણ નમો રાખવામાં આવી રહ્યા છે.

આ નિવેદન પછી ભાજપની પ્રતિક્રિયા સામે આવી હતી. ભાજપના નેતા શિશિર બજોરિયાએ કહ્યું હતું કે અમે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની સારી બાબતોને આવકારીએ છીએ. જ્યારે તેઓ કહી રહ્યા છે કે ભારતીય ટીમનું ભગવાકારણ થઇ રહ્યું છે, કારણ કે તેઓ પ્રેક્ટિસ દરમિયાન કેસરી કલરની જર્સી પહેરે છે તો હું પૂછવા માગીશ કે ત્રિરંગા વિશે શું જ્યાં કેસરી કલર ટોચ પર છે? આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સૂર્યના પ્રથમ કિરણનો રંગ કેવો હોય છે? આ રીતે તેમણે મમતા પર પલટવાર કર્યો હતો.

 

 

 

કોરાનાના 28 નવા કેસો, એક પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 28 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,536 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,295 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,084 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 15 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 175 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,76,536 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 108 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.