Home Blog Page 2330

87 ટકા ભારતીયાને પેટ્રોલથી ચાલતી કાર પસંદ:  રિપોર્ટ

અમદાવાદઃ દેશમાં યુઝ્ડ કારના વેચાણમાં પ્રભાવશાળી 88 ટકાનો વધારો નોંધાયો છે. દેશભરમાં કાર્સ24એ આશરે રૂ. 1760 કરોડની કાર વેચી છે, જે લોકોના વાહનોને અપગ્રેડ કરવાના નોંધપાત્ર વલણને દર્શાવે છે. આ સીઝનમાં યુવાનોએ સૌથી વધુ કાર ખરીદી હતી, એમ કાર્સ24નો ડ્રાઇવ ટાઈમ ત્રિમાસિક અહેવાલ કહે છે. કંપનીના કો-ફાઉન્ડર ગજેન્દ્ર જાંગીડે તહેવારોની સીઝન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે જે જેમ સીઝન સમાપ્ત થવાના આરે છે. તેમ, અસંખ્ય ભારતીયો માટે કારની માલિકીનાં સપનાંને જીવંત થતાં જોવાનો અત્યંત આનંદ અનુભવીએ છીએ.

 

બેંગલુરએ તહેવારોની સીઝનમાં કારની ખરીદીમાં મોખરાનું સ્થાન લીધું હતું, જે ગ્રાહકોની મજબૂત માંગને કારણે અન્ય તમામ શહેરોને પાછળ મૂકી અગ્રણી બન્યું છે. અમદાવાદ અને દિલ્હીએ પણ નવરાત્રી દરમિયાન ઉજવણીમાં વધારો કરતાં કારના વેચાણમાં 67 ટકાનો વધારો થયો હતો, જેમાં ખાસ કરીને GrandI10 અને બલેનો સૌથી વધુ વેચાઈ હતી.

કારની ખરીદીના તાજેતરના ઉછાળામાં હેચબેકના વેચાણો સૌથી વધુ હતાં, જેનો કુલ વેચાણમાં 65 ટકા હિસ્સો રહ્યો હતો. સ્વિફ્ટ, બલેનો, ગ્રાન્ડ i10, અલ્ટો અને ક્વિડ જેવા લોકપ્રિય મોડલ્સે ખાસ કરીને ટૂ-વ્હીલરમાંથી ટ્રાન્ઝિશન કરનારા અર્થાત પ્રથમ વખત કાર ખરીદનારાઓમાં નોંધપાત્ર આકર્ષણ મેળવ્યું હતું. જોકે મારુતિ સુઝુકીએ પસંદગીની બ્રાન્ડ તરીકે વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. મારૂતિ વિટારા બ્રેઝા, ફોર્ડ ઈકોસ્પોર્ટ, મારુતિ અર્ટિગા, હ્યુન્ડાઈ ક્રેટા અને ટાટા નેક્સનના વેચાણો વધ્યા હતા.

દિલ્હીના લોકોએ મેટ્રો માર્કેટમાં સૌથી વધુ કાર વેચી હતી, લખનૌમાં સૌથી વધુ લોકોએ મેટ્રોપોલિટન માર્કેટમાંથી કાર વેચી હતી, ત્યાર બાદ પુણે અને અમદાવાદનો ક્રમ રહ્યો છે.

આ તહેવારોમાં ભારતમાં 87 ટકા કાર ખરીદનારાઓએ પેટ્રોલ વાહનો પસંદ કર્યાં છે. આ તહેવારોની સીઝનમાં સિલ્વર કલરની કારે કાર માલિકોમાં ટોચની પસંદગી તરીકે ઊભરી આવ્યો છે. તહેવારોની સીઝન (ઓણમ-દિવાળી) દરમિયાન દરરોજ રૂ. 4.7 કરોડની લોનનું વિતરણ કરવામાં આવ્યું છે.

કંપની દરરોજ 500થી વધુ લોન અરજીઓ પર પ્રક્રિયા કરે છે, જેમાં દર 10 મિનિટે યુઝ્ડ કાર લોનનું વિતરણ કરવામાં આવે છે. ટાયર-2 શહેરોએ 10માંથી સાત કારને ધિરાણ મેળવવાની સાથે ધિરાણ આપવા માટે ઉચ્ચ આશય દર્શાવ્યો છે.  સૌથી વધુ ધિરાણવાળી કાર બ્રાન્ડ મારુતિ અને હ્યુન્ડાઈ હતી અને હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 માટે મહત્તમ લોન આપવામાં આવી હતી. કાર્સ24 હવે ભારતમાં 180+ કરતાં વધુ શહેરોમાં હાજરી ધરાવે છે.

 

દિલ્હીના CM પદેથી અરવિંદ કેજરીવાલ રાજીનામું આપશે?

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે સંમેલનને સંબોધિત કરતાં કહ્યું હતું કે શું તેઓ ધરપકડ થવાની સ્થિતિમાં પણ જેલમાંથી મુખ્ય પ્રધાન તરીકે કામ કરતા રહેશે કે રાજીનામું આપશે? તેમણે કહ્યું હતું કે મને મુખ્ય મંત્રીપદની કોઈ લાલચ નથી. હું કદાચ વિશ્વનો પહેલો મુખ્ય મંત્રી છું, જેણે 49 દિવસો પછી વગર કોઈના કહ્યે રાજીનામું આપી દીધું હતું.

તેમણે કાર્યકર્તા સંમેલનમાં ચૂંટણીનો શંખનાદ કર્યો હતો. તેમણે કાર્યકર્તાઓને ઘેરેઘેર જઈને ભાજપના કાવતરાઓ વિશે જણાવવા નિર્દેશ આપતાં કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને અહીંથી એક પણ સીટ ના મળવી જોઈએ.

તેમણે કહ્યું હતું કે અમે લોકો જેલ જવાથી નથી ડરતા. હું તો એક વાર 15 દિવસ જેલમાં રહી આવ્યો છું. જેલ જવાથી તમે પણ નહીં ડરતા. જો ભગત સિંહ આટલા દિવસ જેલમાં રહી શકે, મનીષ સિસોદિયા નવ મહિના જેલમાં રહી શકે. સત્યેન્દ્ર જેલ એક વર્ષ જેલમાં રહી શકે તો આપણ પણ જેલ જવાથી ના ડરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે રાજીનામું તો હું મારા જૂતાની નોક પર લઈને ચાલુ છું. મારે જેલથી સરકાર ચલાવવી જોઈએ કે રાજીનામું આપવું જોઈએ –એ માટે લોકોથી વિચારવિમર્શ કરી રહ્યો છું. મેં બધા વિધાનસભ્યો અને કોર્પોરેટરો સાથે ચર્ચા કરી છે. આજે મેં કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી છે. દિલ્હીની જનતાની મરજી વિના અમે કાંઈ નહીં કરીએ. દિલ્હીની જનતા જેમ કહે એમ અમે કરીશું.

 

 

 

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૭ નવેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૭ નવેમ્બર, ૨૦૨૩

આઇસી15 ઇન્ડેક્સ 1,755 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એક વાર ઘટાડો થયો છે. અમેરિકન સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશને હેશડેક્સના બિટકોઇન ઈટીએફના કન્વર્ઝન બાબતે નિર્ણય લેવામાં વિલંબ કર્યો હોવાનું આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ હોવાનું મનાય છે.

3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.67 ટકા (1,755 પોઇન્ટ) ઘટીને 46,051 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 47,806 ખૂલ્યા બાદ 48,106ની ઉપલી અને 45,272ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સમાંથી ઘટેલા મુખ્ય કોઇન સોલાના, ચેઇનલિંક, કાર્ડાનો અને પોલીગોન હતા, જેમાં 8થી 13 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો. એકમાત્ર વધનાર કોઇન ડોઝકોઇન 5.03 ટકા વૃદ્ધિ પામ્યો હતો.

દરમિયાન, સિક્યોરિટીઝ માર્કેટના વ્યવહારો પર ચાંપતી નજર રાખતી સંસ્થા આઇઓસ્કોએ ક્રીપ્ટો અને ડિજિટલ એસેટ્સ માર્કેટ માટેની નીતિવિષયક ભલામણો ધરાવતો આખરી અહેવાલ બહાર પાડ્યો છે.

હોલીવુડ પોપગાયિકા દુઆ લિપા વર્લ્ડ કપ ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરવાની નથી

અમદાવાદઃ આવતા રવિવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધાની ફાઈનલમાં મુકાબલો થશે. આ મેચ સાથે જ સ્પર્ધાના સમાપન નિમિત્તે એક રંગારંગ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવનાર છે. મોદી સ્ટેડિયમમાં હાજર રહેનાર સવા લાખથી પણ વધારે દર્શકોને મનોરંજનનો એક્સ્ટ્રા ડોઝ મળવાનો છે. તે મનોરંજક કાર્યક્રમમાં હોલીવુડની પોપ આઈકન ગાયિકા દુઆ લિપા પણ પરફોર્મ કરવાની છે એવા અગાઉ અહેવાલો હતા, પણ હવે માલુમ પડ્યું છે કે તે માત્ર એક અફવા હતી. સમર્થનવાળા સમાચાર છે કે દુઆ અમદાવાદમાં ફાઈનલ મેચમાં પરફોર્મ કરવાની નથી. એ સ્ટેજ પરફોર્મન્સ આપશે એવી અફવા ખોટી સાબિત થઈ છે. સ્ટાર સ્પોર્ટ્સ ચેનલે X પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલા એક વીડિયોને લીધે અફવા બજાર ગરમ થયું હતું. દુઆ લિપા ત્રણ વખત પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ જીતી ચૂકી છે.

દુઆ લિપા સાથે હાલમાં પ્રસારિત કરાયેલા એક વર્ચ્યુઅલ કાર્યક્રમ ‘AskDua’માં શુભમન ગિલ, કે.એલ. રાહુલ, કેન વિલિયમસન જેવા ક્રિકેટરો તથા અન્યો જોડાયાં હતાં. એ વખતે દુઆને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. તે વીડિયો સ્ટાર સ્પોર્ટ્સે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. તે કાર્યક્રમમાં શુભમન ગિલે દુઆને પૂછી લીધું હતું કે, ‘તું ક્લોઝિંગ સેરેમનીમાં કયું ગીત ગાવાની છો?’ ત્યારે ગાયિકાએ કહ્યું હતું, ‘‘ફિઝિકલ’ શિર્ષકવાળું ગીત’. રાહુલે સવાલ પૂછ્યો હતો કે, ‘તું કાર્યક્રમ વખતે કયા નંબરનું જર્સી પહેરીશ?’ ત્યારે દુઆએ જવાબમાં કહ્યું, ‘22 નંબરનું’, કારણ કે એને તે પોતાનો લકી નંબર માને છે. આ વીડિયો ગઈ 15 નવેમ્બરે સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો હતો અને એને કારણે દુઆના પરફોર્મન્સ વિશેની અફવા ફેલાઈ હતી. આમ, રંગારંગ કાર્યક્રમમાં દુઆ તો નથી આવવાની, પણ સંગીતકાર પ્રીતમ અને જોનિતા ગાંધી જરૂર પરફોર્મ કરવાના છે.

દુઆ લિપા ભારતમાં ત્રણ વખત આવી ચૂકી છે. 2019ના નવેમ્બરમાં એ પહેલી જ વાર ભારત આવી હતી અને સ્ટેજ પરફોર્મન્સ આપ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર દુઆ લિપાનાં 9 કરોડ ફોલોઅર્સ છે.

 

રાજ્યમાં દિવાળીના તહેવારોમાં 2200થી વધુ અકસ્માતના બનાવો

અમદાવાદઃ દિવાળીમાં છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મોટા ભાગના રસ્તાઓ ખાલીખમ છે, તેમ છતાં છેલ્લા ત્રણ દિવસોમાં રાજ્યમાં કુલ 2000થી વધુ અકસ્માતો થયા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દૈનિક ધોરણે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે.

ગાંધીનગરના રાંધેજા-પેથાપર હાઇવ પર ગઈ કાલે રાત્રે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચ લોકોનાં મોત થયાં છે. પૂર ઝડપે કાર ચલાવી રહેલા કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. રાંધેજા-પેથાપુર રોડ પર કાર ઝાડ સાથે ટકરાઈ હતી, જેમાં માણસાના 17થી 19 વર્ષની ઉંમરના પાંચ યુવાનોનાં મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ પાંચેય ભાઈ પિતરાઈ ભાઈ હતા.

દિવાળીના તહેવારોમાં સામાન્ય રીતે આગના બનાવો સૌથી વધારે બનતા હોય છે. દર વર્ષે 108 ઇમર્જન્સી કોલમાં વધારો થતો હોય છે. ત્યારે આ વર્ષે દિવાળી, બેસતું વર્ષ અને ભાઇબીજ એમ ત્રણ દિવસમાં 108 એમ્બ્યુલન્સને વિવિધ પ્રકારના 12,806 જેટલા કોલ મળ્યા હતા, જેમાં 2253 જેટલા અકસ્માતના કોલ છે. સૌથી વધુ અકસ્માત નવા વર્ષના દિવસે થયા હતા. સામાન્ય દિવસો કરતાં તહેવારના ત્રણ દિવસમાં ઇમર્જન્સી કોલની સંખ્યામાં સાત ટકા જેટલા વધારો થયો છે. સૌથી વધુ ઇમર્જન્સી કોલ ચાર મહાનગરમાં વડોદરાને બાદ કરતાં ખેડા, દાહોદ, નવસારી, વલસાડ, પંચમહાલ અને બનાસકાંઠામાં મળ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 306 અકસ્માત થયા છે.

 

 

 

સોશિયલ મિડિયા મિત્રએ મહિલા બોક્સરને નાઇજિરિયામાં બંધક બનાવી

ગુવાહાટીઃ આસામના ગુવાહાટીમાં રહેતી એક મહિલા બોક્સર અને સર્ટિફાઇડ જિમ ટ્રેનરને તેમના મિત્રએ નાઇજિરિયામાં બંધક બનાવી લીધી છે. મહિલા બોક્સરની ઓળખ બરનાલી બૌરા સૈકિયા તરીકે કરવામાં આવી છે. તે નાઇજિરિયાના મિત્રથી સોશિયલ મિડિયા દ્વારા સંપર્ક આપી હતી. ત્યાર બાદ તે તેને મળવા ગઈ હતી. પ્રારંભમાં તો બધું ઠીકઠાક હતું, પરંતુ એ પછી તેને એક રૂમમાં બંધક બનાવી લેવામાં આવી હતી અને તેના ઘરના ફોન કરીને ખંડણી માગવામાં આવવા લાગી.

પ્રાપ્ત માહિતી અનુસાર બરનાલીના તેના મિત્ર કિંગ અને તેના સાથી ડેનિયલે તેને બંધક બનાવી લીધી હતી. તે લોકો હવે મહિલા બોક્સરના ઘરે ફોન કરીને પૈસાની માગ કરી રહ્યા છે. બરનાલીના પતિ નયન સૈકિયા દ્વારા કિંગ તેમના ઘરના લોકોને ઓળખવા લાગ્યો હતો. એ પછી બરનાલી અને તે ચેટ કરવા લાગ્યા હતા. મિત્રતા એટલી ઘનિષ્ઠ થઈ ગઈ કે બરનાલીએ એક દિવસ ટુરિસ્ટ વિસા પર નાઇજિરિયા જવાનો નિર્ણય કર્યો હતો અને 28 ઓક્ટોબરે બેન્ગલુરુથી લાગોસની ફ્લાઇટ પકડીને તે નાઇજિરિયા પહોંચી હતી.

નાઇજિરિયામાં જઈને તે કિંગથી મિત્ર બનીને મળી, પણ તેને તેની મિત્રને બંધક બનાવી લીધી હતી.  ત્રણ દિવસ સુધી બરનાલી પોતાના ઘરનો સંપર્ક નહોતી સાધી શકી. ચોથા દિવસે તેણે એક વોટ્સએપ કોલ કરીને ઘરવાળા પાસે મદદ માગી હતી. તેણે જણાવ્યું હતું કે તેને એક રૂમમાં બંધ કરી દેવામાં આવી છે અને તેને ખાવાનું પણ નથી આપવામાં આવતું. તેની ફરિયાદ આસામના દિસપુર પોલીસ સ્ટેશનમાં થઈ છે.

 

 

 

 

‘ભારતપે’ છેતરપિંડી કેસઃ ગ્રોવર પતિ-પત્નીને અમેરિકા જતા રોકી દેવાયા

નવી દિલ્હીઃ ફિનટેક (ફાઈનાન્શિયલ ટેક્નોલોજી) કંપની ‘ભારતપે’ દ્વારા કથિતપણે કરાયેલી છેતરપિંડી (કરોડો રૂપિયાના દુરુપયોગ) કેસના સંબંધમાં કંપનીના સહ-સંસ્થાપક અશનીર ગ્રોવર અને એમના પત્ની માધુરી જૈનને વિદેશ જતા અટકાવી દેવામાં આવ્યા છે. દંપતી સામે ઈશ્યૂ કરવામાં આવેલા લૂકઆઉટ સર્ક્યૂલર (LOC)ને પગલે એમને દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અટકાવી દેવામાં આવ્યા હતા. પતિ-પત્ની ગુરુવારે રાતે ન્યૂયોર્ક જઈ રહ્યાં હતાં ત્યારે એમને દિલ્હી પોલીસની આર્થિક ગુનાઓની તપાસ કરતી પાંખ (EoW) દ્વારા ઈશ્યૂ કરવામાં આવેલા લૂક આઉટ સર્ક્યૂલરના આધારે રોકવામાં આવ્યા હતા.

શું મામલો છે? આર્થિક ગુના પાંખ એવી ફરિયાદોમાં તપાસ કરી રહી છે કે ગ્રોવર અને એમના પરિવાર દ્વારા કથિતપણે સંચાલિત બોગસ માનવ સંસાધન કન્સલ્ટન્સી કંપનીઓને ભારતપે કંપની દ્વારા ગેરકાયદેસર રીતે પેમેન્ટ કરવામાં આવ્યું છે. ગયા જૂન મહિનામાં EoW વિભાગે પૈસાના કથિત દુરુપયોગ બદલ ભારતપે સંચાલિત રેઝિલિયંટ ઈનોવેશન પ્રા.લિ. કંપનીને રૂ. 81.3 કરોડનું નુકસાન પહોંચાડવાના આરોપમાં ગ્રોવર દંપતી તથા એમના પરિવારના અન્ય અમુક સભ્યો વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી.

આ મામલો હિતોનાં ટકરાવનો છે. ભારતપેના સંચાલનમાં આર્થિક ગેરરીતિ થયાનું આર્થિક ગુના શાખાની તપાસમાં માલુમ પડ્યું હોવાનો અહેવાલ છે. ગ્રોવરના પરિવાર સાથે સંકળાયેલી આઠ એચ.આર. કન્સલ્ટન્સી કંપનીઓએ બંધ કરી દેવાયેલા બેન્ક ખાતાઓ સાથેના ખોટા બિલ આપ્યા હતા સંભવિત છેતરપિંડી સૂચવે છે. તપાસ પરથી માલુમ પડ્યું છે કે આ અલગ અલગ કંપનીઓ (કે સંસ્થાઓએ) સમાન રજિસ્ટર્ડ સરનામું શેર કર્યું હતું જેનાથી એમની કાયદેસરતા અને સ્વતંત્રતા વિશે ચિંતા ઊભી થઈ છે. આ સંભવિત રીતે હિતોના ટકરાવનો મામલો સૂચવે છે.

ગ્રોવરે X (ટ્વિટર) પ્લેટફોર્મ પર વિસ્તૃત સંદેશમાં લખ્યું છે કે, ‘ગયા મે મહિનામાં એફઆઈઆર નોંધવામાં આવી હતી, પરંતુ તે પછી એમને EoW વિભાગ તરફથી કોઈ સમન્સ મોકલવામાં આવ્યું નથી. દિલ્હી એરપોર્ટ પરથી ઘેર પાછા ફર્યાના સાત કલાક પછી પણ કોઈ સમન્સ કે સંદેશો મળ્યો નથી. હું 16-23 નવેમ્બર સુધી અમેરિકા જતો હતો. ઈમિગ્રેશન ખાતે અધિકારીઓએ અમને કહ્યું કે સાહેબ LOC ઈશ્યૂ કરવામાં આવ્યું છે… અમારે EoW સાથે ચેક કરવું પડશે.’ મને આશ્ચર્ય એ વાતનું છે કે મેં મહિનામાં એફઆઈઆર નોંધવામાં આવી તે પછી હું ચાર વખત વિદેશ જઈ આવ્યો છું, પણ ક્યારેય કોઈ સમસ્યા નડી નહોતી. મને એક વાર પણ સમન્સ મોકલવામાં આવ્યું નથી. એ દરમિયાન અમારી ફ્લાઈટ જતી રહી અને

EoW તરફથી ઈમિગ્રેશનને જણાવવામાં આવ્યું હતું કે અમને બેઉને ઘેર પાછા જવા દેવામાં આવે. આખરે આજે સવારે મને EoW તરફથી મારા ઘેર સમન્સ મોકલવામાં આવ્યું હતું. હું હંમેશની જેમ એમને સહકાર આપીશ.

છેતરપિંડીના આ કેસમાં જો ગ્રોવર, એમના પત્ની માધુરી તથા અન્યો કસુરવાર સાબિત થસે તો એમને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. 2022ના ડિસેમ્બરમાં ભારતપે કંપનીએ જ સ્થાપક અશનીર ગ્રોવર અને એમના પરિવાર વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં છેતરપિંડી અને કંપનીના નાણાંની ઉચાપત વિશેનો સિવિલ કેસ નોંધાવ્યો હતો. માધુરી જૈન ત્યારે ભારતપેમાં એક વિભાગનાં વડાં હતાં. ફોરેન્સિક ઓડિટમાં અનેક પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ કરાયા બાદ માધુરીને 2022ના આરંભમાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ માર્ચ, 2022માં અશનીરે પણ સીઈઓ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ભારતપે કંપનીએ અલ્વારેઝ અને માર્સલ, શાર્દુલ અમરચંદ મંગલદાસ અને PwC કંપનીને કોર્પોરેટ ગવર્નન્સ રીવ્યૂ કરવાની તેમજ એ નક્કી કરવાની જવાબદારી સોંપી હતી કે ગ્રોવરે ઈરાદાપૂર્વક કોઈ ગેરરીતિ તો આચરી નથીને. બાદમાં કંપનીના બોર્ડમાંથી પણ ગ્રોવરની હકાલપટ્ટી કરવામાં આવી હતી.

ગાઝામાં યુદ્ધ વિરામનો UNમાં પ્રસ્તાવઃ ઇઝરાયેલનો માનવાથી ઇનકાર

વોશિંગ્ટનઃ સંયુક્ત રાષ્ટ્ર પરિષદ (UN)એ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધમાં તત્કાળ અટકાવવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ગાઝામાં એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો આ પ્રકારનો પહેલો પ્રસ્તાવ છે. 15 સભ્યોવાળી કાઉન્સિલનો આ પ્રસ્તાવ 12-0થી પાસ કરવામાં આવ્યો છે. જોકે ઇઝરાયેલે આ પ્રસ્તાવ માનવાથી ઇનકાર કર્યો છે.

ઇઝરાયેલે કહ્યું હતું કે બંધકોને છોડાવ્યા વિના એ હમાસને હુમલાથી બચવા માટે કોઈ રાહત નહીં આપે. આમ પણ ગાઝા પટ્ટીમાં હવે જરૂરૂ ચીજવસ્તુઓની કોઈ અછત નથી. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયેલ સેનાની ઘેરાબંધી અને હુમલાને પગલે ગાઝા પટ્ટીના 23 લાખ લોકોને જરૂરી ચીજવસ્તુઓની ખેંચ ભોગવવી પડી હતી. એટલે સીમિત યુદ્ધવિરામ લાગુ કરીને જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે પગલાં લેવાવાં જોઈએ.UNના આ પ્રસ્તાવના મતદાનમાં અમેરિકા, રશિયા અને બ્રિટને ભાગ નહોતો લીધો. અમેરિકા અને બ્રિટને મતદાનનો બહિષ્કાર કર્યો હતો. રશિયાએ માનવીય આધારે સ્થાયી યુદ્ધવિરામની માગનો વિરોધ કરીને મતદાનમાં ભાગ નહોતો લીધો. વળી, આ પ્રસ્તાવમાં સંઘર્ષ વિરામ અને હમાસ તરફથી સાત ઓક્ટોબરે ઇઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાનો કોઈ ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો.

બીજી બાજુ પેલેસ્ટેનિયન શરણાર્થીઓ માટે UN રાહત અને કાર્ય એજન્સીએ બળતણની અછતને કારમે મધ્ય અને દક્ષિણી ગાઝાપટ્ટીમાં અનેક પેયજળો અને સીવેજ સુવિધાઓને સસ્પેન્ડ કરવાની ઘોષણા કરી છે. ગાઝા શહેરને ઇઝરાયેલની ઘેરાબંધીને કારણે જરૂરી ચીજવસ્તુઓ અને બળતણના સપ્લાયમાં અડચણ થવાને કારણે માનવીય સંકટ ઊભું થયું છે.

 

 

 

 

 

એપલના ચાઇનીઝ વેન્ડરે ભારતને બદલે વિયેતનામમાં મૂડીરોકાણ કર્યું

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી ચીનથી એપલનો મોહભંગ થઈ રહ્યો છે. એપલના કેટલાય ચીની વેન્ડરો વિશ્વના અન્ય દેશોમાં કામકાજ કરવાની યોજના બનાવી રહ્યા છે. હાલમાં એપલના એક ચીની વેન્ડર લક્સશેરે આશ્ચર્યજનક રીતે 330 મિલિયન ડોલરનું મૂડીરોકાણ વિયેતનામમાં કરી દીધું છે. આમ કંપનીએ ભારતને બદલે વિયેતનામમાં મૂડીરોકાણ કર્યું છે.  

ચીની કંપની લક્સશેર એપલ માટે પ્રોડક્ટ બનાવતી સૌથી મોટી કમ્પોનેન્ટ અને ફિનિશ્ડ પ્રોડક્ટ બનાવતી કંપની છે. કંપનીએ હવે ચીનમાંનું મૂડીરોકાણ વિયેતનામ શિફ્ટ કરી ચૂકી છે.  કંપનીએ કહ્યું હતું કે ભારત અને ચીનના વણસેલા રાજકીય સંબંધોને કારણે કંપની ભારતમાં મૂડીરોકાણ વધારવા નથી ઇચ્છતી. કંપનીએ છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતમાં કામકાજ વધારવાના ભારે પ્રયાસ કર્યા હતા. લક્સશેર એરપોર્ડનો સપ્લાય કરતી એપલની મુખ્ય સપ્લાયર કંપની છે.કંપનીના વિયેતનામના બેક ગિયાંગ નામના ઉત્તરીય રાજ્યમાં 330 મિલિયન ડોલરનું મૂડીરોકાણ કરવાની જાહેરાત છે. કંપની વિયેતનામમાં અત્યાર સુધી 504 મિલિયન ડોલરનું મૂડીરોકાણ કરી ચૂકી છે.

એપલે સપ્લાય ચેઇનના વૈવિધ્યકરણની યોજના હેઠળ ચીનમાં કામકાજ કરતી કંપનીઓને બહાર શિફ્ય કરવાની યોજના છે. કંપની એ પછી ભારતમાં સ્માર્ટ ડિવાઇસ, કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ, ટચ પેન અને સ્માર્ટ વોચ, પોઝશનિંગ ટેગ હવે સ્માર્ટ વોચ વગેરે બનાવવાની યોજના પર કાર્યરત છે.

કંપનીએ આ યોજનાને વિયેતનામમાં શિફ્ટ કરી દીધી છે. કંપનીનું યુનિટ વિયેનમામમાં 70 એકરમાં ફેલાયેલું છે અને આગામી 12થી 24 મહિનામાં આ કામ પૂરું કરી લેશે. કંપની વિયેતનામમાં વર્ષ 2019થી મૂડીરોકાણ કરી રહી છે. વળી, કંપનીને આ વર્ષે પ્લાન્ટ લગાવવાની મંજૂરી મળી ગઈ છે.