Home Blog Page 2331

વિજ્ઞાન કેન્દ્રો બન્યાં છે રાજ્યનાં આકર્ષક વૈજ્ઞાનિક પ્રવાસન સ્થળો

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રચાર માટે અને વિદ્યાર્થીઓને ઇનોવેશન કરવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડવાના ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ઉદ્દેશથી વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા રાજ્યના પાટણ, ભાવનગર, ભુજ અને રાજકોટમાં ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટર (RSC)નું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ રૂ. 100 કરોડને ખર્ચે બનાવવામાં આવ્યાં છે અને આ સેન્ટરો આજે વિજ્ઞાન વિષય અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા લોકો માટે આકર્ષણના કેન્દ્રો બન્યાં છે. આ સેન્ટરોના લોકાર્પણથી અત્યાર સુધીમાં 11 લાખથી વધુ મુલાકાતીઓ આ રિજિયોનલ સાયન્સ સેન્ટરોની મુલાકાત લઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધુ 7.50 લાખ લોકોએ પાટણમાં આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી છે.

આ ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટરોના ઉદઘાટનથી રાજ્યમાં અત્યંત વ્યવસ્થિત અને વિચારપ્રેરક વૈજ્ઞાનિક પ્રવાસન સ્થળોની રચના થઈ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે વધુ ને વધુ લોકો આકર્ષાય તે હેતુથી આ સેન્ટરોમાં અનેક જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાજ્યના તમામ જિલ્લાઓ, વિવિધ રાજ્યો અને વિદેશોમાંથી પણ લોકો વૈજ્ઞાનિક સંશોધનના આ કેન્દ્રો તરફ આકર્ષાયા છે. ઇન્ટરેક્ટિવ ગેલેરીઓ ઉપરાંત, આ સેન્ટર્સ વિવિધ વૈજ્ઞાનિક આઉટરિચ પ્રવૃત્તિઓ હાથ ધરે છે.

આ પ્રવૃત્તિઓમાં જિલ્લા કક્ષાની ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ, જિલ્લા કક્ષાની ગુજરાત STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ) ક્વિઝ, વર્લ્ડ સ્પેસ વીક, સ્કાય ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ્સ, નેશનલ મેથેમેટિક્સ ડે, નેશનલ સાયન્સ ડે, મિશન Life પર અવેરનેસ પ્રોગ્રામ, જનભાગીદારી દ્વારા ઇવેન્ટ્સ અને વર્કશોપ જેવી ઘણી મેગા ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. આ રિજિયોનલ સાયન્સ સેન્ટરો “લોકોને વિજ્ઞાન સુધી અને વિજ્ઞાનને લોકો સુધી લઈ જવું”ના થીમને અનુસરે છે. આ સેન્ટરોએ નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પ્રયોગોમાં જોડાવા, તેમ જ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં રસ અને જિજ્ઞાસા જગાડવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

GUJCOST દ્વારા વધુ ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટર

GUJCOST આગામી સમયમાં વડોદરા, સુરત, જામનગર અને જૂનાગઢમાં વધુ ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટરોની સ્થાપના કરી રહ્યું છે. આ સેન્ટરો વૈજ્ઞાનિક શિક્ષણ, ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો, વર્કશોપ અને શૈક્ષણિક કાર્યક્રમો માટે હબ તરીકે કાર્યરત થશે. આ ઉપરાંત GUJCOST એ રાજ્યના 23 જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર્સની કામગીરી શરૂ કરી છે અને રાજ્યના બાળકો અને નાગરિકોને તેમના ઘરઆંગણે એક મંચ પૂરો પાડવાનો પ્રયાસ કર્યો છે, જેથી દરેક વ્યક્તિને વૈજ્ઞાનિક અનુભવો અને શૈક્ષણિક સંસાધનો સરળતાથી ઉપલબદ્ધ કરાવી શકાય તે સુનિશ્ચિત થાય.

 

 

 

 

 

 

 

જિયો ફાઈનાન્શિયલનાં ડિરેક્ટર તરીકે ઈશા અંબાણીની નિમણૂકને RBIની મંજૂરી

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના ચેરમેન અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી માટે સારા સમાચાર છે. રિલાયન્સ ગ્રુપની જિયો ફાઈનાન્શિયલ સર્વિસીસ કંપનીના ડિરેક્ટર તરીકે એમની પુત્રી ઈશા અંબાણી-પિરામલ તથા અન્ય બે વ્યક્તિની નિમણૂકને ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે જિયો ફાઈનાન્શિયલ એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની (NBFC) છે.

જિયો ફાઈનાન્શિયલ કંપનીએ એક રેગ્યૂલેટરી સંદેશમાં જણાવ્યું છે કે, ‘આપને એ જણાવતા અમને આનંદ થાય છે કે કંપનીના ડિરેક્ટર તરીકે ઈશા મુકેશ અંબાણી, અંશુમાન ઠાકુર અને હિતેશકુમાર સેઠિયાની કરાયેલી નિમણૂકને આરબીઆઈએ નવેમ્બર 15, 2023 તારીખના પત્ર દ્વારા મંજૂરી આપી છે.’

જિયો ફાઈનાન્શિયલ સર્વિસીસ કંપનીની નેટવર્થ છે રૂ. 1.2 લાખ કરોડ. સ્થાપનાના સમયે આ કંપની વિશ્વમાં સૌથી વધુ મૂડી ધરાવતી ફાઈનાન્શિયલ સર્વિસીસ કંપનીઓમાંની એક હતી.

બંને દેશોના PM ‘ફાઇનલ’ જોવા હાજર રહે એવી શક્યતા

અમદાવાદઃ વિશ્વ કપની ફાઇનલ 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 20 વર્ષ પછી બંને ટીમો ફાઇનલમાં સામસામે હશે. આ મેચને યાદગાર બનાવવા માટે BCCIએ ખાસ તૈયારીઓ શરૂ કરી છે. અહેવાલો અનુસાર આ ફાઇનલ મેચ જોવા માટે બંને દેશોના વડા પ્રધાનો સ્ટેડિયમમાં હાજર રહે એવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી PM રિચર્ડ માર્લ્સ પણ મેચ જોવા માટે આવે એવી સંભાવના છે. BCCIએ આ બધાને ફાઇનલ મેચ જોવા નિમંત્રણ મોકલ્યાં છે.

વડા પ્રધાન મોદી સિવાય ફાઇનલ મેચ જોવા ગૃહપ્રધાન અમિત શાહ પણ સ્ટેડિયમમાં પહોંચે એવી શક્યતા છે. આ પહેલાં વડા પ્રધાન મોદી આ વર્ષે માર્ચમાં ભારત—સ્ટ્રેલિયાની વચ્ચે રમાયેલી બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી ટેસ્ટ જોવા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. ત્યારે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની આલ્બનીઝ પણ એ મેચ જોવા હાજર રહ્યા હતા. એ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી.   


વિશ્વ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા આઠમી વખત રમવા મેદાનમાં ઊતરશે, જ્યારે ટીમ ઇન્ડિયા ચોથી વખત વર્લ્ડ કપની ફાઇનલ રમશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેચ નિહાળવા 19 નવેમ્બરે બપોર બાદ અમદાવાદ આવશે. મેચ નિહાળ્યા બાદ તેઓ ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ તેઓ 20 નવેમ્બરે સવારે રાજસ્થાન ચૂંટણીપ્રચાર માટે રવાના થશે.

વર્લ્ડ કપની ફાઇનલ જોવા માટે ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની અને કપિલ દેવ પણ સ્ટેડિયમમાં મેચ જોવા આવે એવી શક્યતા છે. વર્લ્ડ કપની મેચની ફાઇનલ યાદગાર બનાવવા માટે એરફોર્સ અમદાવાદના આકાશમાં લડાકૂ વિમોનોથી કરતબ બતાવશે અને ક્રિકેટ ફેન્સનું મનોરંજન કરશે.

 

 

 

 

 

 

મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન જારી

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન જારી છે. મધ્ય પ્રદેશની 230 અને છત્તીસગઢની બીજા તબક્કાની 70 બેઠકો પર મતદાન થશે.. મધ્ય પ્રદેશમાં 2533 અને છત્તીસગઢમાં 958 ઉમેદવારોના ભાવિનો ફેંસલો EVMમાં કેદ થશે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. MPમાં 64,626 મતદાન કેન્દ્રો છે, જ્યારે બીજા તબક્કામાં છત્તીસગઢના 22 જિલ્લાની કુલ 70 વિધાનસભા સીટો પર મતદાન થશે.

મધ્ય પ્રદેશમાં CM શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના કેન્દ્રીય મંત્રીઓનું રાજકીય ભવિષ્ય માટે ચૂંટણી મહત્ત્વની છે, જ્યારે કમલનાથ અને દિગ્વિજય સિંહ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું પણ રાજકીય ભવિષ્ય દાવ પર છે.રાજ્યમાં 5.6 કરોડથી વધુ નોંધાયેલા મતદાતાઓ છે.

ચૂંટણી અધિકારીના જણાવ્યાનુસાર 47 સીટો અનુસૂચિત જનજાતિ અને 35 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે પ્રદેશની જનતાના આશીર્વાદ ભાજપ સાથે છે.

 

મધ્ય પ્રદેશમાં સવારે 11 કલાક સુધી 27.62 ટકા, ગુનામાં 28.75 ટકા, ભોપાલમાં 19.03 ટકા, જબલપુરમાં 25.94 અને દતિયામાં 29.22 ટકા મતદાન થયું હતું.  પાછલી ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે 230માંથી 114 સીટો જીતી હતી, જ્યારે ભાજપને 109 સીટો મળી હતી.

 છત્તીસગઢમાં કુલ મતદારોની સંખ્યા 1.63 કરોડ છે, જેમાં 81.42 લાખ પુરુષ મતદારો છે, જ્યારે 81.72 લાખ મહિલા મતદારો છે. રાજ્યમાં સવારે 11 કલાક સુધી 10.09 ટકા મતદાન થયું હતું.

 

 

 

 

કોરાનાના 26 નવા કેસો, એક પણ મોત નહીં     

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 26 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,536 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,295 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,069 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 12 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 172 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,76,428 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 77 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

અવાજનું પ્રદૂષણ વધારતા સેંકડો મોડીફાઈડ સાઈલેન્સર્સનો મુંબઈ ટ્રાફિક પોલીસે નાશ કર્યો

મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં હવાનું પ્રદૂષણ ખૂબ બગડી ગયું છે. એર ક્વાલિટી ઈન્ડેક્સ (AQI) ઘણો ખરાબ થયો છે. આવી જ હાલત અવાજના પ્રદૂષણની પણ છે. પ્રદૂષણ ફેલાવનારાઓ સામે મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ પોલીસે પગલાં/કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે હવામાં તેમજ અવાજનું પ્રદૂષણ ફેલાવતા વાહનોમાં બેસાડવામાં આવેલા મોડીફાઈડ સાઈલેન્સર્સ જપ્ત કરીને એનો નાશ કર્યો છે. ટ્રાફિક પોલીસ વિભાગે એવા વાહનોના 584 મોડીફાઈડ સાઈલેન્સર્સને દક્ષિણ મુંબઈ સ્થિત પોલીસ મુખ્યાલયના મેદાનમાં ગોઠવી રોડ રોલર હેઠળ કચડાવી દઈને એનો નાશ કરી દીધો છે.

છેલ્લા એક પખવાડિયામાં ટ્રાફિક પોલીસે જુદા જુદા ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ 5,866 કારચાલકોને દંડ ફટકાર્યો હતો. ગઈ 7 નવેમ્બરથી પોલીસે પ્રદૂષણ નિયંત્રણ નિયમોનો ભંગ કરનાર 20,000થી વધારે કાર/ટ્રક ચાલકો અને ટૂ-વ્હીલર ચાલકોને દંડ ફટકાર્યો છે.

જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) પ્રવીણ પડવાલે કહ્યું કે હવાનું પ્રદૂષણ ફેલાવતા 2,051 વાહનો પકડવામાં આવ્યા છે અને એમના ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

છત્તીસગઢના રાયપુર ઉત્તર મતવિસ્તારમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મહિલાઓ સંભાળે છે

રાયપુર: 90-સભ્યોની છત્તીસગઢ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આજે બીજા તબક્કામાં 70 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં મતદાન પ્રક્રિયા ગઈ 7 નવેમ્બરે હાથ ધરવામાં આવી હતી. આજે છત્તીસગઢની  સાથે મધ્ય પ્રદેશમાં 230 બેઠકોની વિધાનસભાની ચૂંટણી માટે પણ મતદાન યોજવામાં આવી રહ્યું છે. આ રાજ્યમાં ચૂંટણી એક જ તબક્કામાં યોજાઈ રહી છે. બંને રાજ્યમાં મતગણતરી અને પરિણામની જાહેરાત માટે 3 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.

છત્તીસગઢમાં રાજધાની શહેર રાયપુરમાં ઉત્તર મતવિસ્તાર એક વિશિષ્ટતા ધરાવે છે. અહીંના તમામ 201 મતદાન કેન્દ્રોમાં ચૂંટણી પંચે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માત્ર મહિલાઓને જ સોંપી છે. દેશના ચૂંટણી ઈતિહાસમાં આ પગલું પહેલી જ વાર ભરવામાં આવ્યું છે. આ બેઠક પરના તમામ મતદાન કેન્દ્રોમાં પ્રીસાઈડિંગ ઓફિસરથી લઈને મતદાન અધિકારીઓ અને કર્મચારીઓ – તમામ મહિલાઓ જ છે. જિલ્લા વહીવટીતંત્રએ આ જાણકારી આપી છે.

ચૂંટણી પંચે 804 મહિલાઓને આ પ્રક્રિયા માટે સેવામાં ઉતારી છે. એટલું જ નહીં, બીજી 200 જેટલી મહિલાઓને અનામત રાખવામાં આવી છે જેમને જરૂર પડશે તો સેવામાં સામેલ કરવામાં આવશે. આ બેઠક પર ચૂંટણી નિરીક્ષક અધિકારી પણ મહિલા છે – વિમલા આર. એવી જ રીતે, એમનાં સંપર્ક અધિકારી પણ મહિલા જ છે. તમામ પોલિંગ બૂથમાં સુરક્ષા બંદોબસ્ત પણ મહિલા પોલીસ કર્મચારીઓ જ સંભાળી રહી છે. ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢનાં વડા ચૂંટણી અધિકારી પણ આઈએએસ અધિકારી છે – રીના બાબાસાહેબ કાંગળે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૭ નવેમ્બર, ૨૦૨૩

૧૭ નવેમ્બર, ૨૦૨૩

ઈશ્વરની અમૂલ્ય ભેટ સમાન બાળપણ આજે ખરાબ રસ્તે જઈ રહ્યું છે

આજના ભૌતિકતાથી ભરેલ આ યુગમાં વ્યસન પ્રધાન વાતાવરણના પ્રભાવમાં એવા બાળકો પણ છે કે જેઓ વધુ પૈસાની આશા એટલા માટે રાખે છે કે પોતાના મોજ મસ્તીના શોખ પૂરા કરી શકાય. વડીલો ટકોર કરે તો તેઓ કહે છે કે અમે જમા કરેલ પૈસા થી મોજ મજા કરીએ છીએ. આનું કારણ છે અશ્લીલ જાહેરાતો, નૈતિકતા વગરનો પહેરવેશ, મોબાઈલનો દૂર ઉપયોગ વિગેરે. આ બાબતો બાળકોના મનને ખરાબ અસર કરે છે. જે બાળપણને યાદ કરીને મોટી વ્યક્તિઓના રુવાટા ઉભા થઈ જાય છે, જેને ઈશ્વરની અમૂલ્ય ભેટ ગણવામાં આવે છે તે બાળપણ જ આજે ખરાબ રસ્તે જઈ રહ્યું છે. સરકારે બાળ કલ્યાણના અનેક કાર્યક્રમો બનાવ્યા છે. સામાજિક સંસ્થાઓ, મજુર સંગઠનો, મીડિયા વગેરે આ વિષય અંગે કાર્યરત છે. આ અંગે કોર્ટ કાર્યવાહીને પણ સરળ બનાવવામાં આવી છે. પરંતુ દરેક કાનુની મદદની પોતાની મર્યાદા હોય છે. બાળ મજૂરીની સમસ્યાનો સીધો સંબંધ મનુષ્યના ચરિત્ર નૈતિકતા, પવિત્રતા તથા આત્મ- નિયંત્રણ સાથે છે. જ્યાં સુધી મનુષ્ય પોતે ઈશ્વર સાથેનો પ્રેમ, કરુણા ભાવ, શ્રેષ્ઠ ચરિત્રવાન જીવન, ત્યાગ, તપસ્યા, નિ:સ્વાર્થ ભાવનાને નહીં અપનાવે ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવી શકે.

આ ભારત દેશનો એક સમય એવો પણ હતો કે જ્યારે અહીં દરેક બાળક રાધા અને મોહન સમાન અને દિવ્ય ગુણોથી સંપન્ન હતા. તે દુનિયામાં ન તો બાળ મજૂરી હતી, ન લડાઈ ઝગડા, ન માનસિક તણાવ, ન નાણાકીય તંગી કે ન તો બીમારીઓ હતી. સમયે બાળકો જન્મથી જ સતોપ્રધાન બુદ્ધિ વાળા હતા. તે સમયે અભ્યાસ રમત-રમતમાં થતો હતો. તે દૈવી બાળકોના માતા-પિતા પણ દૈવી હતા. તેઓ કર્મેન્દ્રિય જીત, પ્રકૃતિ જીત, માયા જીત દેવતા હતા. એ સમયે યોગબળથી જ એક છોકરો અને એક છોકરીનો જન્મ થતો હતો તથા પિતાની સંપૂર્ણ સંપત્તિ ભાગ પાડ્યા વગર એક એક જ વારસદાર ( છોકરા) ને મળી જતી હતી. પવિત્ર તથા યોગી જીવનની પદ્ધતિ અપનાવીને આજે પણ તે યુગનો અનુભવ કરી શકાય છે. પવિત્રતા તથા યોગબળની ધારણા માટેનું શિક્ષણ વિનામૂલ્યે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દરેકને આપી રહેલ છે. આજે યોગી તથા દૈવી ગુણ સંપન્ન બનીને આપણે આપણા બાળકોને ઉજવળ ભવિષ્ય આપી શકીએ છીએ.


વર્તમાન સમયે ભૂખમરો અને અભાવ થી દુનિયા પીડાઈ રહી છે. સાધનો મેળવવાની મનુષ્યની આશા વર્ષો સુધી અધૂરી રહી જાય છે. જૈન ધર્મના પ્રસિદ્ધ વ્યાખ્યાતા આચાર્ય મહાપ્રજ્ઞ એ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે સંસારમાં સાધનોની પ્રાપ્તિની મર્યાદા છે પરંતુ મનુષ્યની ઈચ્છાઓની કોઈ મર્યાદા નથી. જન સંખ્યાનો વધારો અને ઉપલબ્ધ સાધનોની પ્રાપ્તિની મર્યાદા જોતા મનુષ્યની ઈચ્છાઓ ઓછી થવી જોઈતી હતી પરંતુ થઈ રહ્યું છે તેનાથી ઊલટું. આજે મનુષ્યની ઈચ્છા પ્રાપ્તિ થયા વગર તેનું ખાવું-પીવું, ઉઠવું-બેસવું, પ્રેમ સંબંધોને જાળવવા વિગેરે મુશ્કેલ બની રહેલ છે. ઈચ્છાઓની આગમાં સળગતો મનુષ્ય અંદરથી અસહનશીલ તથા બહારથી આસલામત છે. આ સ્થિતિમાં મન તથા આંખો સમાધાન શૉધી રહ્યા છે. પ્રશ્ન એ થાય છે કે શું ઈચ્છાઓને પૂરી કરવાના પ્રયત્નમાં જીવનની તમામ શક્તિઓ લગાવી દઈએ કે ઈચ્છાઓને સમાપ્ત કરી દઈએ. કયો રસ્તો યોગ્ય છે?

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)