Home Blog Page 2334

મોહમ્મદ શામી વિશે રાહુલ ગાંધીનું જૂનું ટ્વીટ હવે વાઈરલ થયું છે

મુંબઈઃ રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023ની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ગઈ કાલે મુંબઈમાં રમાઈ ગયેલી સેમી ફાઈનલ મેચમાં ભારતે વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની શાનદાર સદીઓ અને 7-વિકેટવાળી મોહમ્મદ શામીની કાતિલ ફાસ્ટ બોલિંગની મદદથી ન્યૂઝીલેન્ડને 70-રનથી હરાવ્યું હતું.

શામીના બોલિંગ દેખાવે તો ભારતીય ક્રિકેટપ્રેમીઓને ઘેલાં કરી દીધાં છે. વિક્રમસર્જક દેખાવ બદલ શામી પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક સમય એવો હતો જ્યારે નિષ્ફળ જવા બદલ સોશિયલ મીડિયા પર શામીને ટ્રોલ કરવામાં આવ્યો હતો, તેની ખરાબ રીતે ટીકા કરવામાં આવી હતી અને કોઈકે તો એવું કહ્યું હતું કે શામી પાકિસ્તાન જતો રહે. પરંતુ એ વખતે ઘણા લોકોએ શામીનું સમર્થન પણ કર્યું હતું. એમાંના એક હતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી. 2021ની 25 ઓક્ટોબરે ગાંધીએ કરેલું ટ્વીટ ગઈ કાલની સેમી ફાઈનલ બાદ ઈન્ટરનેટ પર વાઈરલ થયું છે.

ગઈ કાલની મેચમાં ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન અને ડેરિલ મિચેલ બેટિંગમાં જામી ગયા હતા અને 100+ની ભાગીદારી નોંધાવી ચૂક્યા હતા. એવામાં મિડ-ઓન સ્થાને ઊભેલા શામીએ વિલિયમસનનો એક અત્યંત સહેલો કેચ પડતો મૂક્યો હતો. એને લીધે કેટલાક ઓનલાઈન ટ્રોલર્સ ફરી સક્રિય થયા હતા. એમણે ઈન્સ્ટાગ્રામ પર શામી વિશે કેટલીક અપમાનજનક ટિપ્પણીઓ શરૂ કરી હતી. કેટલાકે શામીને ગાળ પણ દીધી હતી. કોઈકે લખ્યું કે શામી પાકિસ્તાની છે. પરંતુ, 33મી ઓવરમાં બાજી પલટાઈ હતી. શામીએ જ વિલિયમસનને આઉટ કર્યો હતો અને ભારતે રાહતનો શ્વાસ લીધો હતો. એ વિકેટ પડતાં મેચમાં ભારતીય ટીમે કમબેક કર્યું હતું. શામીએ એ પછી જબરદસ્ત તરખાટ મચાવ્યો હતો અને એક પછી એક કિવી બેટરને પેવિલિયનમાં મોકલતો રહ્યો હતો. આખરે વ્યક્તિગત 7 વિકેટ લઈને તેણે ભારતને જીત અપાવી હતી.

મેચ પૂરી થયા બાદ સોશિયલ મીડિયા પર શામીના ગુણગાન ગવાતા થયા હતા. એમાં જ રાહુલ ગાંધીનું જૂનું ટ્વીટ ફરી વાઈરલ થયું હતું જેમાં રાહુલે લખ્યું હતું: ‘મોહમ્મદ શામી અમે બધાં તમારી સાથે છીએ. આ લોકોનાં મનમાં ઘૃણા ભરી છે, કારણ કે એમને કોઈ પ્રેમ કરતું નથી. એમને માફ કરી દેજો.’ હવે શામીએ જોરદાર બોલિંગ કરીને એની ટીકા કરનારાઓની બોલતી બંધ કરી દીધી છે.

દિલ્હીમાં ભારત-ડેનમાર્ક સંબંધો પર ચર્ચા, 6Gમાં ભારત અગ્રણી ભૂમિકા ભજવી શકે છે

સીટીઆઈએફ ગ્લોબલ કેપ્સ્યુલ ડેનમાર્ક અને દુબે એન્ડ પાર્ટનર્સ, લો ફર્મે સંયુક્ત રીતે ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે “રિફ્લેક્શન્સ ઓન ઈન્ડો ડેનિશ બિઝનેસ એન્ડ સોશિયલ રિલેશન્સ” વિષય પર એક મેળાવડાનું આયોજન કર્યું હતું. ડેનિશ એમ્બેસેડર ફ્રેડી સ્વેને આ પ્રસંગે હાજરી આપી હતી અને બંને મિત્ર દેશો વચ્ચેના સંબંધોની વર્તમાન અને ભાવિ દિશાઓ વિશે વિગતવાર તેમના મંતવ્યો રજૂ કર્યા હતા.

ભારત-ડેનમાર્કનો વેપાર વધ્યો

ભારતના યુવાનો માટેના તેમના “એપ્રોચ મી” અભિયાન અને ઈન્ડો-ડેનિશ બિઝનેસ એસોસિએશનની રચના સાથે ભારત અને ડેનમાર્ક વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન અસાધારણ રહ્યું છે. તે બંને દેશોના વ્યવસાયો માટે નવી તકો શોધવા અને તેમને દરેક સંભવિત રીતે સુવિધા આપવા માટે અથાક મહેનત કરી રહ્યો છે. તેમના અસાધારણ પ્રયાસોને કારણે બંને દેશો વચ્ચેના વેપારના જથ્થામાં વધારો થયો છે, જે હવે યુએસ $5 બિલિયનથી વધુ છે. આ દરમિયાન, પ્રોફેસર રામજી પ્રસાદ, 6G ટેક્નોલોજીના પ્રણેતા અને પ્રવાસી ભારતીય પુરસ્કારના વિજેતા, અતિથિ વિશેષ હતા. તેમણે બંને દેશો વચ્ચે ટેક્નોલોજી ભાગીદારીની શક્યતાઓ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ 6G ટેક્નોલોજીમાં ભારત કેવી રીતે નેતૃત્વની ભૂમિકા ભજવી શકે છે તેના પર વિગતવાર વર્ણન કર્યું હતું.

પ્રોફેસર પ્રસાદના શબ્દોમાં, “ભારત પાસે ટેકનિકલી લાયકાત ધરાવતા અને અત્યંત બુદ્ધિશાળી એન્જિનિયરોની વિપુલતા સાથે 6G ટેક્નોલોજીમાં વિશ્વ લીડર બનવાની ક્ષમતા છે”. ભારતના યુવાનો માટેના તેમના “એપ્રોચ મી” અભિયાન અને ઈન્ડો-ડેનિશ બિઝનેસ એસોસિએશનની રચના સાથે ભારત અને ડેનમાર્ક વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન અસાધારણ રહ્યું છે. તે બંને દેશોના વ્યવસાયો માટે નવી તકો શોધવા અને તેમને દરેક સંભવિત રીતે સુવિધા આપવા માટે અથાક મહેનત કરી રહ્યો છે.

ડેનમાર્ક ભારતના કૃષિ ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.આ પ્રસંગે, રાજ દુબે, જેઓ ભારત-ડેનિશ સંબંધોના કટ્ટર સમર્થક છે, તેમણે બંને મિત્ર દેશો વચ્ચેના સંબંધોને વધુ વિકસિત કરવા માટે તેમના વિચારો રજૂ કર્યા. ડેનમાર્ક સાઠના દાયકાની શરૂઆતથી ભારતમાં કૃષિ ક્ષેત્રે સક્રિયપણે સામેલ છે અને તેને સમર્થન આપી રહ્યું છે. ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં અદ્યતન તકનીકો અને અનુભવ સાથે, ડેનમાર્ક આ ક્ષેત્રમાં નવી તકો શોધવા માટે બિહાર જેવા કૃષિ-કેન્દ્રિત રાજ્યો સાથે હાથ મિલાવી શકે છે.

સામાજિક સૂચકાંકો પર વિશ્વના સૌથી પ્રગતિશીલ દેશ તરીકે, ડેનમાર્કે વિવિધ સામાજિક પરિમાણો પર ખૂબ જ વ્યવસાયિક રીતે સંચાલિત સામાજિક સહાય પ્રણાલી વિકસાવી છે. ભારત ચકાસાયેલ સામાજિક લાભ કાર્યક્રમો અને પ્રક્રિયાઓને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે શીખી શકે છે અને તેનો લાભ લઈ શકે છે.

ડેનમાર્ક ભારતના વિકાસમાં સકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે

ભારત અને ડેનમાર્ક બંને મજબૂત લોકશાહી મૂલ્યો ધરાવે છે અને તમામ સરકારી નીતિઓમાં સામાજિક કલ્યાણ મુખ્ય છે. બંને દેશોનો કલ્યાણકારી અભિગમ ભારતની ગરીબ વસ્તી માટે આરોગ્ય અને પોષણ કાર્યક્રમોના અમલીકરણ માટે હાથ મિલાવવામાં પરિણમી શકે છે. આવા અમલીકરણમાં ડેનમાર્ક ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. IIC ખાતે મંગળવારે યોજાયેલા ઓપન હાઉસ સત્રમાં દિલ્હી સ્થિત યોગ પ્રશિક્ષક અને સંશોધન વિદ્વાન અમિત દેશમુખે રાજદૂત અને ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ ‘યોગ ફોર ટાઇપ 2 ડાયાબિટીસ રિહેબિલિટેશન’ કાર્યક્રમ રજૂ કર્યો હતો. ઘટનાની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી.

યોગ ફોર ટાઇપ 2 ડાયાબિટીસ રિહેબિલિટેશન’ કાર્યક્રમની વિગતો રજૂ કરી 

મંગળવારે IIC ખાતે આયોજિત ઓપન હાઉસ સત્રમાં દિલ્હી સ્થિત યોગ ટ્રેનર અને સંશોધન વિદ્વાન અમિત દેશમુખે પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજદૂત અને મહાનુભાવો સમક્ષ ‘યોગ ફોર ટાઇપ 2 ડાયાબિટીસ રિહેબિલિટેશન’ કાર્યક્રમની વિગતો રજૂ કરી હતી.

‘ડોન 3’ માટે ઓફર: પ્રિયંકાનાં જવાબની રાહ જુએ છે ફરહાન અખ્તર

મુંબઈઃ અમુક મહિના પૂર્વે દિગ્દર્શક ફરહાન અખ્તરે જાહેરાત કરી હતી કે તેઓ એમની ‘ડોન’ ફિલ્મની શ્રેણીની ત્રીજી આવૃત્તિ તરીકે ‘ડોન 3’ ફિલ્મ બનાવશે, પણ એમાં હિરો તરીકે શાહરૂખ ખાન નહીં હોય પણ રણવીરસિંહ હશે. એમની તે જાહેરાતને કારણે શાહરૂખના પ્રશંસકોને આશ્ચર્ય થયું હતું. જાહેરાત કરવામાં આવી છે તે પછી એવી અટકળો થઈ રહી છે કે ફિલ્મમાં હિરોઈન કોણ હશે? અમુક નામ આગળ આવ્યા છે, પણ એવું લાગે છે કે આ ફિલ્મ સાઈન કરીને પ્રિયંકા ચોપરા-જોનસ બોલીવુડમાં કમબેક કરવાનું પસંદ કરશે. પ્રિયંકા ‘ડોન’ અને ‘ડોન 2’માં શાહરૂખની હિરોઈન તરીકે ‘રોમા ભગત’ (જંગલી બિલ્લી)નો રોલ કરી ચૂકી છે. અમેરિકન ગાયક નિક જોનસ સાથે લગ્ન કરીને તે અમેરિકામાં સ્થાયી થઈ છે.

અહેવાલો અનુસાર, પ્રિયંકા ચોપરા હાલ મુંબઈ આવી હતી ત્યારે ફરહાન અખ્તરે એને ‘ડોન 3’માં કામ કરવાની ઓફર કરી હતી. બંને વચ્ચે આ મુદ્દે એકથી વધારે વખત મીટિંગ થઈ હતી, પરંતુ પ્રિયંકાએ હજી સુધી એમને જવાબ આપ્યો નથી. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

જો પ્રિયંકા ઓફરનો સ્વીકાર કરશે તો રણવીર સાથે તેની આ ત્રીજી ફિલ્મ થશે. આ પહેલાં એણે રણવીર સાથે ‘દિલ ધડકને દો’ અને ‘બાજીરાવ મસ્તાની’માં કામ કર્યું છે. ‘દિલ ધડકને દો’માં બેઉ ભાઈ-બહેનની ભૂમિકામાં હતાં જ્યારે ‘બાજીરાવ મસ્તાની’માં પ્રિયંકા રણવીરની પત્ની ‘કાશીબાઈ’ બની હતી.

સહારા ગ્રુપ સામેની તપાસ ચાલુ રહેશેઃ માધબી પુરી બુચ (SEBI ચેરપર્સન)

મુંબઈઃ દેશમાં મૂડી બજારની કેન્દ્રીય નિયામક સંસ્થા સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નાં ચેરપર્સન માધબી પુરી બુચે આજે અહીં FICCI  સંસ્થાના એક કાર્યક્રમમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું અવસાન થયું હોવા છતાં ગ્રુપ વિરુદ્ધ રીફંડ ભંડોળને લગતા કેસમાં ‘સેબી’ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ ચાલુ રાખવામાં આવશે. આ મામલો ગ્રુપ દ્વારા લેવામાં આવેલા પગલાં વિશેનો છે અને વ્યક્તિની હયાતીની પરવા કર્યા વિના કેસની તપાસ ચાલુ રાખવામાં આવશે.

રેગ્યૂલેટરી નિયમોના ઉલ્લંઘન બદલ સહારા ગ્રુપને SEBIનો આદેશ

2011માં, સેબી સંસ્થાએ સહારા ગ્રુપની બે કંપની – સહારા ઈન્ડિયા રીયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ અને સહારા હાઉસિંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડને આદેશ કર્યો હતો કે ઓપ્શનલી ફૂલ્લી કન્વર્ટિબલ બોન્ડ્સ (OFCD)ના માધ્યમથી એમણે આશરે 3 કરોડ ઈન્વેસ્ટરો પાસેથી મેળવેલું ભંડોળ એમને પરત કરી દે.

સેબીએ એવો ચુકાદો આપ્યો હતો કે સહારા ગ્રુપની કંપનીઓએ આ ભંડોળ સેબીએ ઘડેલા નિયમોનો ભંગ કરીને મેળવ્યું હતું. આ ચુકાદાને પગલે બંને કંપનીને ઈન્વેસ્ટરોને 15 ટકા વ્યાજના દરે ફંડ પરત કરવાનું કહેવામાં આવ્યું હતું. ઈન્વેસ્ટરોને વળતર ચૂકવી શકાય એ માટે સહારા ગ્રુપને શરૂઆતમાં રૂ. 24,000 કરોડની રકમ સેબી પાસે જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. સહારા ગ્રુપે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે તેણે 95 ટકા ઈન્વેસ્ટરોને રીફંડ ઓલરેડી આપી દીધું છે.

કશ્મીરમાં 39 જણનો ભોગ લેનાર બસ અકસ્માતની તપાસ માટે સમિતિ રચાઈ

શ્રીનગરઃ જમ્મુ અને કશ્મીરના ડોડા જિલ્લાના અસ્સાર ગામ નજીક ગઈ કાલે એક બસને નડેલા ભયાનક અકસ્માતના કારણ વિશે તપાસ કરવા આ કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રએ ત્રણ-સભ્યોની એક સમિતિની રચના કરી છે. સમિતિના સભ્યો છેઃ ડો. રવિકુમાર ભારતી (ડોડા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ), સુપ્રીન્ટેન્ડિંગ એન્જિનીયર અને આસિસ્ટન્ટ રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસર. સ્થાનિક લોકોનો આરોપ છે કે જિલ્લામાં આ સ્થળે રસ્તાઓની હાલત એટલી બધી ખરાબ છે કે અહીં અવારનવાર અકસ્માતો થાય છે. ઘણા લોકો બેફામ વાહન ડ્રાઈવ કરે છે અને વાહનોમાં વધારેપડતો માલસામાન ભરે છે, જેને કારણે પણ અકસ્માતો થાય છે.

અકસ્માતમાં ઘાયલ થયેલા એક જણનું આજે હોસ્પિટલમાં મૃત્યુ થતાં મરણાંક વધીને 39 થયો છે. અકસ્માતમાં 20 જેટલા બસ પ્રવાસીઓને ઈજા થઈ હતી. બસ ગઈ કાલે રસ્તા પરથી સરકીને, ગબડીને 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.

કોલકાતામાં બીજી સેમી ફાઈનલઃ સાઉથ આફ્રિકાએ ટોસ જીતી બેટિંગ લીધી

કોલકાતાઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023માં અહીંના ઈડન ગાર્ડન્સ મેદાન પર આજે ઓસ્ટ્રેલિયા સામેની બીજી સેમી ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બવૂમાએ ટોસ જીત્યો છે અને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. મુકાબલો છે પાંચ વખત વર્લ્ડ કપ જીતી ચૂકેલા ઓસ્ટ્રેલિયા અને પહેલી વાર ટ્રોફી જીતવાની આશા રાખતા સાઉથ આફ્રિકા વચ્ચે. વર્તમાન વર્લ્ડ કપમાં પોઈન્ટ્સ ટેબલમાં સાઉથ આફ્રિકા બીજા નંબરે છે જ્યારે ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબરે. ગઈ કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ ગયેલી પહેલી સેમી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70-રનથી પરાજય આપ્યો હતો. ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

આજની સેમી ફાઈનલ પર વરસાદના વિઘ્નનું જોખમ રહેલું છે. ‘વેધર.કોમ’ના જણાવ્યા મુજબ, આજે કોલકાતામાં વરસાદ પડવાની 70 ટકા સંભાવના છે. બપોરે 1 વાગ્યે આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું હતું. આને કારણે કરોડો ક્રિકેટપ્રેમીઓમાં નિરાશા ફેલાઈ ગઈ છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 76 ટકા રહેવાની સંભાવના છે. આ મેચ માટે રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો છે, પરંતુ આવતીકાલે (શુક્રવારે) પણ વરસાદ પડવાની 60 ટકા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ધારો કે વરસાદને કારણે રિઝર્વ દિવસે પણ મેચનું પરિણામ નહીં આવે તો સાઉથ આફ્રિકા પોઈન્ટ્સ ટેબલમાં ઓસ્ટ્રેલિયાથી આગળ હોવાના આધારે ફાઈનલ માટે ક્વાલિફાઈ થશે.

પ્રકાશપર્વએ અંતરમાં પ્રકાશ પ્રગટાવીએ…

હિંદુ પંચાંગ પહેલાં સંવત 2079એ વિદાય લીધી અને આપણે સંવત 2080માં પ્રવેશી ગયા. નવા વર્ષના મંગળ પ્રભાતે હજારો-લાખો શ્રદ્ધાળુઓ સવારના પહોરમાં ઊઠીને પોતપોતાના ઈષ્ટદેવનાં દર્શને જતા હોય છે. સામાન્ય રીતે ભક્તો મંદિરે દર્શને કરીને સંતોના આશીર્વાદ લેવા આવે ત્યારે પોતાની-પોતાના પરિવારનાં સુખશાંતિ, આરોગ્ય સારાં રહે એવા આશીર્વાદ લેતા હોય છે. આ નૂતન વર્ષે એક ભાઈએ મને કહ્યું, સ્વામી, આમ તો હું દર વર્ષે એક ચોક્કસ રકમ દાનધર્માદા પાછળ ખર્ચતો હોઉં છું. મને આશીર્વાદ આપો કે આ વર્ષે એ રકમમાં વૃદ્ધિ થાય, સંપત્તિનો અહંકાર ન આવે, નાનામોટા દરેક પ્રત્યે સમાદર દાખવું. આટલું કહી, આશીર્વાદ લઈ એ સજ્જન જતા રહ્યા.

કેટલો સરસ સંકલ્પ. અલબત્ત, એવું નથી કે આવા સંકલ્પ માત્ર આ ભાઈએ જ કર્યો હશે. પણ મને આ સમાદરવાળી વાત સ્પર્શી ગઈ. મોટા ભાગના લોકો પોતાનામાં સજ્જનતા પ્રગટાવવાનો પ્રયત્ન કરતા રહેતા હોય છે; અને એ પામવા માટે વિવિધ પ્રેરણાસ્રોતનો આશરો પણ લેતા હોય છે. પરંતુ આ સજ્જનતા, જ્યાંથી આવી છે, એવા ભગવાન અને ભગવાનના ધારક સંત જ્યારે આ પૃથ્વી ઉપર આપણા જેવા માનવ થઈને ૫ધારે છે ત્યારે તેઓનું વર્તન જ આપણને એ સજ્જનતા શીખવી જતું હોય છે.

ભગવાન શ્રીરામ વનયાત્રા દરમિયાન સીતા-લક્ષ્મણની સાથે એક સાંજે શૃંગબેરપુર પહોંચ્યા. શૃંગબેરપુર ભીલોની નગરી, અભાવમાં જીવનારી પ્રજા. નગરીના રાજા હતા નિષાદરાજ ગૃહ. એમને ખબર પડી કે અયોધ્યાના રાજકુમારનું આગમન થયું છે તો તેઓ દોડીને આવ્યા, ફળ, ફૂલની ભેટ ધરી ભગવાનને દંડવત્ પ્રણામ કર્યાં. તેના પ્રેમને નીરખતાં ભગવાને ગુહને પોતાની પાસે બેસાડી તેના ક્ષેમકુશળ પૂછ્યા. ત્યાર બાદ ગૃહે પોતાની નગરીમાં પધારીને સેવાનો લાભ આપવા ભગવાન શ્રીરામને વિનંતી કરી ત્યારે પ્રભુ શ્રીરામે પ્રેમસભર પ્રત્યુત્તર આપ્યોઃ ‘મિત્ર! તારો પ્રેમ અદભુત છે, પણ પિતાની આજ્ઞાથી મારે વનમાં જ નિવાસ કરવાનો હોવાથી, તારા નગરમાં નહીં આવી શકું.’

ભગવાન શ્રીરામે વનવાસી ગૃહને પોતાના મિત્ર કહ્યા! પોતાની નજીક બેસાડ્યા! આ જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કહે છે કે રામરાજ્યનો પ્રારંભ અહીંથી જ થઈ ગયો હતો; જયાં રાજા અને પ્રજા પરસ્પર મિત્ર બની રહે, જ્યાં રાજા નાનામાં નાની વ્યક્તિને પણ પોતાની સમીપ બેસાડે, તેના ખબરઅંતર પૂછે અને તેને પ્રેમ કરે તે જ રામરાજ્ય.

ભગવાનને મન કોઈ નાનું નથી અને કોઈ મોટું નથી. સૌને તેઓ સમાનભાવે પ્રેમ આપે છે. એ જ રીતે ભગવાનના ધારક સંતની પણ આ જ પ્રકૃતિ હોય છે.

વળી સજ્જનતાનું પહેલું લક્ષણ જ એ કે તે વ્યક્તિમાં વિનમ્રતા જન્મ, તેને વ્યક્તિ વ્યક્તિ પ્રત્યે ઘૃણા તો લેશમાત્ર હોય જ નહીં, ઉપરથી તેને સૌમાં ભગવાનનાં દર્શન થતાં હોય. ભગવાન અને સંતના જીવનમાં રહેલી નમ્રતા અને સૌ પ્રત્યેના પ્રેમનું વલણ જો આપણા જીવનમાં વણાઈ જાય તો વગર પ્રયત્ને સજ્જનતા આપણામાં નિવાસ કરીને રહે! આપણા ઘરમાં, અડોશ-પડોશમાં, ઑફિસ-દુકાનમાં કે સમાજમાં… વ્યક્તિ ભલે પદ-હોદ્દાની દૃષ્ટિએ નાની હોય, પણ આપણા તરફથી તેને અપાયેલો આદર સામેની વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અને આપણામાં નમ્રતા-સજ્જનતાનો અનેક ગણો ગુણાકાર કરી આપે છે.

તો ચાલો, આ નૂતન વર્ષે આપણે પણ સૌનો આદર કરીએ, જે સમાજે આપ્યું તેને પાછું વાળી ઋણસ્વીકાર કરીએ, સૌમાં ભગવાનનાં દર્શન કરીએ તથા ભગવાન અને સંતના માર્ગે ચાલી, સ્વયંમાં સજ્જનતાનો સૂર્યોદય પ્રગટાવીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

રાશિ ભવિષ્ય 16/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.

અમેરિકા-ચીનના લશ્કર વચ્ચે દૂરસંચાર ફરી શરૂ કરાવવા જિનપિંગ, બાઈડન સહમત

સેન ફ્રાન્સિસ્કોઃ અમેરિકાના પ્રમુખ જો બાઈડન સાથે દ્વિપક્ષીય શિખર મંત્રણા કરવા માટે ચીનના પ્રમુખ શી જિનપિંગ અમેરિકા આવ્યા છે. કેલિફોર્નિયાના સેન ફ્રાન્સિસ્કો શહેરથી લગભગ 40 કિ.મી. દૂર આવેલા ગ્રામીણ વિસ્તારના વિશાળ બંગલા ‘ફિલોલી એસ્ટેટ’ ખાતે બંને નેતા વચ્ચે ગઈ કાલે શિખર સંમેલન યોજાયું હતું. લગભગ ચાર કલાક સુધી ચાલેલી આ મંત્રણામાં બંને નેતા એમના દેશના લશ્કર વચ્ચે સમાનતાના આધાર પર અને આદર રાખીને ઉચ્ચ સ્તરીય સંદેશવ્યવહાર ફરી શરૂ કરાવવા માટે સહમત થયા હતા.

(તસવીર સૌજન્યઃ @WhiteHouse)

તેઓ એ મુદ્દે પણ સહમત થયા છે કે બંને દેશ વચ્ચેના મતભેદો ઉકેલી શકાય એવી સ્થિતિમાં રહેવા જોઈએ અને સંબંધો બગડવા ન જોઈએ. બંને નેતાએ બાદમાં સાથે જ બપોરનું ભોજન લીધું હતું અને બંગલાના ગાર્ડનમાં લટાર મારી હતી.

જિનપિંગ ફિલોલી એસ્ટેટ ખાતે આવી પહોંચ્યા ત્યારે બાઈડને એમનું સ્વાગત કર્યું હતું. આ જ સ્થળે વાર્ષિક એશિયા-પેસિફિક આર્થિક સહકાર અંગેનું શિખર સંમેલન મળવાનું છે. બાઈડન અને જિનપિંગ છેલ્લે ઈન્ડોનેશિયાના બાલી ખાતે 2022ના સપ્ટેમ્બરમાં G20 શિખર સંમેલન દરમિયાન મળ્યા હતા. ગઈ કાલની શિખર મંત્રણામાં બાઈડન અને જિનપિંગે મધ્યપૂર્વ, ઈરાન, યૂક્રેન, તાઈવાન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, કેફી દ્રવ્યોના દૂષણ, પર્યાવરણમાં ફેરફાર જેવા મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરી હતી.

પંચાંગ 16/11/2023