Home Blog Page 2345

દિવાળી તહેવાર, ધનતેરસનો દિવસઃ દેશભરની બજારોમાં ખરીદીની મચી છે ધૂમ

દિવાળી-2023 તહેવારના 10 નવેમ્બર, શુક્રવારે ધનતેરસ દિવસ હોઈ દેશભરમાં સોના-ચાંદી, વાસણની ખરીદી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બધા શહેરો, નગરોની બજારોમાં, જ્વેલરી શોરૂમ્સ, દુકાનોમાં, રસ્તાઓ પરના સ્ટોલ્સ પર કે ફેરિયાઓ પાસેથી ચીજવસ્તુઓની ખરીદી માટે લોકોની ભારે ગિરદીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તસવીર નાગપુર (મહારાષ્ટ્ર)ના જ્વેલરી શોરૂમની છે.

રાંચી (ઝારખંડ)ની વાસણ બજાર

ગુવાહાટી (આસામ)ના જ્વેલરી શોરૂમનું દ્રશ્ય

નવી દિલ્હી

કોલકાતા (પશ્ચિમ બંગાળ)

જયપુર (રાજસ્થાન)

મથુરા (ઉત્તર પ્રદેશ)

ભોપાલ (મધ્ય પ્રદેશ)

ચેન્નાઈ (તામિલનાડુ)

બેંગલુરુ (કર્ણાટક)

ધનતેરસે રૂ. 30,000 કરોડના સોના-ચાંદીનું વેચાણ

નવી દિલ્હીઃ  દેશમાં ધનતેરસના દિવસે સોના-ચાંદીની ધૂમ ખરીદી કરવામાં આવી રહી છે. દેશમાં દિવાળી તેજીનો માહોલ છે. દેશમાં જ્વેલર્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે રૂ. 27,000 કરોડ સોનાનું અને 400 ટન ચાંદીનું વેચાણ થયું છે. દેશમાં આશરે રૂ. 30,000 કરોડનાં સોનાનું અને રૂ. 3000 કરોડના ચાંદીનું વેચાણ થયું છે, એમ ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોડાએ જણાવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે ધનતેરસે રૂ. 25,000 કરોડના સોના-ચાંદીના વેચાણ થયાં હતાં. ગયા વર્ષે તો સોનાનો ભાવ પણ પ્રતિ 10 ગ્રામ રૂ. 52,000 હતો, જે આ વખતે પ્રતિ 10 ગ્રામ રૂ. 62,000  સુધી પહોંચ્યો હતો. કીમતી ધાતુ ચાંદી રૂ. 58,000 પરથી વધીને પ્રતિ કિલો રૂ. 72, 000એ છે.

દેશમાં આશરે ચાર લાખ જેટલા નાના-મોટા જ્વેલર્સ છે કે જેમાંથી 1,85,000 તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ માન્યતા પ્રાપ્ત છે. 2,25,000 નાના જ્વેલર્સ છે, જેમને હજુ BIS માન્યતા પ્રાપ્ત નથી, કેમ કે તેA નાના વિસ્તારમાં આવેલા છે. દેશમાં પ્રતિ વર્ષ સોનું 800 ટન અને ચાંદી 4000 કિલો વિદેશમાંથી આયાત કરવામાં આવે છે.

કેટના રાષ્ટ્રિય અધ્યક્ષ બીસી ભરતિયા અને નેશનલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલના જણાવ્યા અનુસાર ધનતેરસના દિવસે શ્રી ગણેશ જી, શ્રી લક્ષ્મીજી, શ્રી કુબેર જીની મૂર્તિઓ અથવા ચિત્રોની ખરીદી કરવામાં આવી રહી છે, જ્યારે આ દિવસે વાહનો, સોના-ચાંદીના દાગીના, સાવરણી સાથે વાસણો, રસોડાના ઉપકરણો, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદી પણ શુભ માનવામાં આવે છે.

 

 

 

 

 

કોંગ્રેસને હિન્દુઓના ટેકાની નથી જરૂરઃ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

નવી દિલ્હીઃ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં નામ ના હોવા પર પાર્ટીના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું હતું કે નારાજગીનું કોઈ કારણ નથી. કોંગ્રેસને હિન્દુઓના ટેકાની જરૂર નથી અથવા હિન્દુ ધર્મ ગુરુને સ્ટાર પ્રચારક બનાવવાનો હેતુ છે, એમાં પક્ષને કોઈ ખામી નજર આવતી હોય.

તેમણે કહ્યું હતું કે મેં અનુભવ્યું છે કે કોંગ્રેસમાં કેટલાક એવા નેતા છે, જે ભગવાન રામથી નફરત કરે છે. આ નેતા હિન્દુ શબ્દથી પણ નફરત કરે છે. તેઓ હિન્દુ ધાર્મિક ગુરુઓનું પણ અપમાન કરવા ઇચ્છે છે.  તેમને પસંદ નથી કે પાર્ટીમાં એક હિન્દુ ધર્મગુરુ હોવો જોઈએ.

તેમણે કહ્યું હતું કે ગાંધી પરિવાર વિના કોંગ્રેસની કોઈ ઓળખ નથી. વિપક્ષના I.N.D.I.A. ગઠબંધનમાં પ્રિયંકા ગાંધીથી વધુ લોકપ્રિય કોઈ બીજા નેતા નથી. જો કોંગ્રેસ વડા પ્રધાન મોદીને ટક્કર આપવા ઇચ્છતી હોય તો પક્ષે પ્રિયંકા ગાંધીને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવા જોઈએ.

તેમણે કહ્યું હતું કે જે રામને નફરત કરે છે તે હિન્દુ હોઈ શકે નહીં. રામ મંદિરને રોકવા માટે જે પ્રયાસો કરવામાં આવ્યા છે તે આખી દુનિયા જાણે છે. તેમણે કહ્યું હતું કે મંદિરમાં જઈને કોઈ હિન્દુ નથી બની જતો કે મસ્જિદમાં જઈને કોઈ મુસ્લિમ બની જતો નથી. જો ઇસા મસીહમાં વિશ્વાસ નથી કરતો તે ક્રિશ્ચિયન હોઇ શકે નહીં.

 

 

 

 

 

 

રશ્મિકા ડીપફેક વીડિયો કેસમાં શું પગલાં લીધાં: મહિલા પંચ (દિલ્હી પોલીસને)

નવી દિલ્હીઃ ઈન્ટરનેટ પર ફેલાયેલા દક્ષિણ તેમજ હિન્દી ભાષી ફિલ્મોની અભિનેત્રી રશ્મિકા મંદાનાનાં ડીપફેક વીડિયો વિશેના મીડિયા અહેવાલોને સ્વયં લક્ષમાં લઈને દિલ્હી મહિલા પંચે દિલ્હી પોલીસને આદેશ આપ્યો છે કે તે આ ઘટના અંગેનો ‘એક્શન ટેકન રિપોર્ટ’ તેને આપે.

મહિલા પંચે દિલ્હી પોલીસને આપેલી નોટિસમાં જણાવાયું છે કે, અહેવાલો અનુસાર, અભિનેત્રીએ પણ આ મામલે પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે કોઈકે વીડિયોમાં પોતાની તસવીર સાથે ગેરકાયદેસર રીતે છેડછાડ કરી છે. પંચને જાણવા મળ્યું છે કે આ કેસમાં આજની તારીખ સુધી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી. આ ખૂબ જ ગંભીર બાબર છે.

પંચે આદેશ આપ્યો છે કે દિલ્હી પોલીસ આ બાબતમાં નોંધાયેલી એફઆઈઆર ફરિયાદની કોપી, આરોપી વિશેની વિગત તેમજ એક્શન ટેકન રિપોર્ટ 17 નવેમ્બર સુધીમાં તેને સુપરત કરે. દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષા સ્વાતિ મલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું છે કે, ‘AI  ટેક્નોલોજી વડે જનરેટ કરાયેલા અભિનેત્રી રશ્મિકાનાં ડીપ ફેક વીડિયોનો મામલો દિલ્હી મહિલા પંચે સ્વયં લક્ષમાં લીધો છે અને દિલ્હી પોલીસને નોટિસ મોકલી છે. આ કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જે વ્યક્તિએ આ નકલી વીડિયો બનાવ્યો હોય એની સામે કડક પગલું ભરવું જ જોઈએ.’

બેવડી ઋતુને લીધે શહેરમાં રોગચાળો વકર્યો

અમદાવાદઃ રાજ્યમાં હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે, સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.  આ બેવડી ઋતુને લીધે રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં શરદી, તાવ, ખાંસી સહિત ટાઈફોડના અને ઝાડા-ઊલટી તેમજ કમળાના કેસો સતત નોંધાઈ રહ્યા છે.

શહેરમાં રોગચાળો વકરતાં હોસ્પિટલોમાં દર્દીઓથી ઊભરાઈ રહી છે. છેલ્લા પાંચ દિવસમાં જ પાણીજન્ય રોગના 150 કેસ નોંધાયા છે જ્યારે ટાઇફોઈડના 62, ઝાડા-ઊલટીના 61, કમળાના 27 કેસ નોંધવામાં આવ્યા છે. શહેરમાં ઘેરેઘેર બીમારીના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. AMC અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ શરદી—ખાંસીના 2000 જેટલા કેસ નોંધાયા છે.શહેરમાં શરદી, ખાંસી અને વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો નોંધાયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1433 દર્દીઓને નોંધાયા છે. ગયા સપ્તાહે 1273 કેસ નોંધાયા હતા. આમ 15 દિવસના અરસામાં તાવ, ખાંસી અને વાયરલના 2706 દર્દીઓને નોંધાયા હતા.

સોલામાં અત્યારે રોજના અંદાજે 1500 જેટલા દર્દીઓને નાનીમોટી બીમારીને લઈને આવી રહ્યા છે. છેલ્લા સપ્તાહે ડેન્ગ્યુના કેસમાં સામાન્ય ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહે 17 કેસ આવ્યા હતા.. જ્યારે તેના પહેલાના અઠવાડિયે 21 કેસ હતા. અને એક મહિનામાં ડેન્ગ્યુના કુલ 133 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા.

 

 

 

 

 

ચક્ર વડા

દિવાળી સ્પેશ્યલ રેસિપી

ચક્ર વડા

સામગ્રીઃ અળદ દાળ 1 કપ, કાંદા 1, આદુ 1 ઈંચ, જીરુ 1 ટી.સ્પૂન, લીલાં મરચાં 2-3, ચપટી હીંગ, આખા ધાણા 1 ટી.સ્પૂન, તળવા માટે તેલ

દહીંમાં ઉમેરવા માટેની સામગ્રીઃ કાંદા 1, આદુ 1 ઈંચ, દહીં 2 કપ, શેકેલો જીરા પાઉડર 2 ટી.સ્પૂન, મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, મીઠું સ્વાદ મુજબ, લીલાં મરચાં 1-2, કોથમીર ધોઈને સમારેલી 1 કપ

રીતઃ અળદ દાળને ધોઈને 4-5 કલાક માટે પાણીમાં ભીંજવી દો. ત્યારબાદ તેને મિક્સીમાં બારીક પીસી દો.  હવે તેમાં 1 કાંદો ઝીણો સમારી ઉમેરો. આદુ ખમણીને તેમજ મરચાંને બારીક સુધારીને ઉમેરો.આખા ધાણાને અધકચરા વાટીને ઉમેરી દો. ચપટા હીંગ તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને એક કળછી વડે મિશ્રણને એકસરખું હલાવો. જ્યાં સુધી ખીરું ફૂલીને થોડું ઉપર આવે.

Reena Mohnot

એક મોટી તપેલીમાં પાણી ગરમ કરી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરીને વડા તળી લો. વડા તળી લીધા બાદ તેને તપેલીના ગરમ પાણીમાં પલાળી દો. દરમ્યાન દહીંને ફેંટી લો અને તેમાં 1 કાંદો ઝીણો સમારેલો, લીલા મરચાં ઝીણાં સમારેલાં, મીઠું સ્વાદ મુજબ ઉમેરીને મિક્સ કરી લો. હવે વડાને પાણીમાંથી બહાર કાઢીને બંને હાથેથી દાબીને પાણી નિતારી લો અને એક પ્લેટમાં મૂકીને ઉપર મસાલાવાળું દહીં રેડી દો. હવે તેની ઉપર શેકેલો જીરા પાઉડર, મરચાં પાઉડર તેમજ ઝીણી સમારેલી કોથમીર ભભરાવીને ચક્ર વડાની પ્લેટ પીરસો.

(રીના મોહનોત)

(સાયન્સ ગ્રેજ્યુએટ રીના મોહનોતને એમની પેશન રાજસ્થાની રસોઈકળા તરફ દોરી ગઈ અને નિર્માણ થયું ક્લાઉડ કિચન, ધોરા!  જે અમદાવાદના સ્વાદ રસિયાઓને પીરસે છે અસલ પરંપરાગત રાજસ્થાની સ્વાદિષ્ટ વાનગીઓ! અનેક કઠિનાઈ, પેન્ડેમિકનો ફટકો સહીને પણ ક્લાઉડ કિચન ચાલુ રાખવાના મક્કમ નિર્ધારને કારણે રીનાબહેન, ટાઈમ્સ ફુડ એવોર્ડ, રાષ્ટ્રવ્યાવી મેરીટ એવોર્ડ અને મહિલાપ્રેન્યોર જેવા અનેક એવોર્ડના સતત વિજેતા રહ્યાં છે!)

છેલ્લા એક-વર્ષમાં શેરબજારની તુલનાએ સોના-ચાંદીમાં રોકાણકારો માલામાલ

નવી દિલ્હીઃ ધનતેરસે સોના-ચાંદી ખરીદવા શુભ માનવામાં આવે છે. આ કારણે મોટી સંખ્યામાં લોકો સોનાની ખરીદી માટે ધનતેરસની રાહ જુએ છે. વળી, આ કીમતી ધાતુઓના મૂલ્યમાં ક્યારેય ઘટાડો નથી થતો. છેલ્લા એક વર્ષમાં સોનાએ 21.84 ટકા વળતર આપ્યું છે, જ્યારે ચાંદીએ 21.05 ટકા વધી છે. સોના-ચાંદીએ છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સ અને નિફ્ટી કરતાં વધુ વળતર આપ્યું છે.

છેલ્લાં પાંચ વર્ષમાં સોના અને ચાંદીની કિંમતો બમણી થઈ ગઈ છે. વર્ષ 2016માં 24 કેરેટ સોનાની કિંમત રૂ. 29,900 હતી, જે આજે આશરે રૂ. 60,579 છે. એક વર્ષ પહેલાં 24 કેરેટ સોનાની કિંમત રૂ. 50,062 હતી. જ્યારે છેલ્લા એક વર્ષમાં NSE નિફ્ટીએ 7.09 ટકા અને સેન્સેક્સે 6.46 ટકા વળતર આપ્યું છે.

છેલ્લાં 30 વર્ષોમાં સોનાએ રોકાણકારોને નોંધપાત્ર રિટર્ન આપ્યું છે. 1993માં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ. 4598 હતી. એ સમયથી માંડીને અત્યાર સુધી સોનાએ આશરે 1222 ટકા રિટર્ન રોકાણકારોને આપ્યું છે. વર્ષ 2003માં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ. 5830 હતી, જે 2013માં રૂ. 30,510 થઈ હતી. વર્ષ 2003 અને 2013થી માંડીને અત્યાર સુધી 24 કેરેટ સોનાની કિંમત 942 ટકા અને 99 ટકા વધી ચૂકી છે.

સોનાની કિંમતો વર્ષ 2018માં ધનતેરસે રૂ. 32,600 હતી, જે વર્ષ 2019માં વધીને રૂ. 38,200 થઈ હતી. ત્યાર બાદ કોરોના કાળમાં સોનાની કિંમતો પ્રતિ 10 ગ્રામે ઊછળીને રૂ. 51,000એ પહોંચી હતી. જ્યારે વર્ષ 2022માં ધનતેરસે સોનાના ભાવ આશરે પ્રતિ 10 ગ્રામે રૂ. 50,000 હતા.

 

 

 

 

 

 

નયનતારાનું બોલીવુડને ગુડબાય! શાહરૂખની ‘જવાન’ ફિલ્મ કારણરૂપ?

મુંબઈઃ દક્ષિણભાષી ફિલ્મોમાં લોકપ્રિય બનેલી અભિનેત્રી નયનતારાની ઓળખ ‘લેડી સુપરસ્ટાર’ તરીકેની છે. તેણે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પણ પ્રવેશ કરવાનું નક્કી કર્યું હતું અને શાહરૂખ ખાન અભિનીત ‘જવાન’ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેની એક્ટિંગને દર્શકોએ વખાણી છે, પણ બોલીવુડમાં આ ફિલ્મ તેની પહેલી અને છેલ્લી છે.

ટાઈમ્સ નાઉના અહેવાલ અનુસાર, બોક્સ ઓફિસ પર ‘જવાન’ ફિલ્મની સફળતાનો શ્રેય માત્ર શાહરૂખ ખાનને આપવામાં આવ્યો છે. એને લીધે નયનતારાનાં પ્રશંસકો નારાજ થઈ ગયા હોવાનું મનાય છે. તદુપરાંત, એવું જાણવા મળ્યું છે કે ‘જવાન’ ફિલ્મ માટે નયનતારાને જે રોલ ઓફર કરાયો હતો તે બાદમાં ઘણો નાનો કરી દેવાયો હતો. એને કારણે નયનતારાએ હવે પછી બોલીવુડમાં કામ ન કરવાનું નક્કી કર્યું હોવાનું મનાય છે. તે માત્ર દક્ષિણી ફિલ્મોમાં જ કામ કરશે. પોતાને જો કોઈ બોલીવુડ ફિલ્મની ઓફર કરાશે તો એને નકારી કાઢશે. આ વિશે જોકે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી અને નયનતારાએ આ વિશે કોઈ પ્રત્યાઘાત પણ દર્શાવ્યાં નથી.

કહેવાય છે કે, અમુક દિવસો પહેલાં નયનતારા મુંબઈમાં સંજય લીલા ભણસાલીના કાર્યાલયની બહાર જોવા મળી હતી. એની સાથે સંજય દત્ત પણ હતો. તેથી એવી અટકળો વહેતી થઈ છે કે ભણસાલી એમની આગામી હિન્દી ફિલ્મ ‘બૈજુ બાવરા’માં સંજય અને નયનતારાને ચમકાવશે. પરંતુ હવે નયનતારાએ જે નિર્ણય લીધો છે તે પછી એ ભણસાલીની ફિલ્મમાં કામ કરશે કે નહીં તે પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે.

RBIએ NRIને સોવેરિન ગ્રીન બોન્ડ ખરીદવાની મંજૂરી આપી

મુંબઈઃ રિઝર્વ બેન્કે એક નોટિફિકેશન જારી કરીને NRIને વર્ષ 2023024 માટે સરકારના સોવેરિન ગ્રીન બોન્ડમાં નિયંત્રણો વગર મૂડીરોકાણ કરવા માટે મંજૂરી આપી દીધી છે. નાણાકીય વર્ષ 2023-24માં સરકાર દ્વારા જારી કરવામાં આવેલા બધા સોવેરિન બોન્ડ FAR- એટલે કે ફુલ્લી એક્સેબલ રૂટ- હેઠળ વિશિષ્ટ સિક્યોરિટી તરીકે ઓળખવામાં આવવવાનો બેન્કે નિર્ણય લીધો હતો.બેન્કે કહ્યું હતું કે આ નોટિફિકેશન તત્કાળ અસરથી લાગુ થશે. સરકારની ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રીન બોન્ડ થકી રૂ. 20,000 કરોડ દેવાં લેવાની યોજના છે.

ગ્રીન બોન્ડ દેશો, કંપનીઓ અને વિવિધ સંગઠનો દ્વારા ફંડ પ્રોજેક્ટ એકત્ર કરવા માટે ઇસ્યુ કરવામાં આવે છે, જેની જશવાયુ અને પર્યાવરણ પર સકારાત્મક અસર પડે છે. આ ગ્રીન બોન્ડ થકી રોકાણકારોએ નિશ્ચિત આવક ચુકવણી કરવામાં આવે છે. ગ્રીન પ્રોજેક્ટોમાં  રિન્યુએબલ એનર્જી, ક્લીન ટ્રાન્સપોર્ટેશન અને ગ્રીન બિલ્ડિંગ્સનો સમાવેશ થાય છે.

 

 

વર્લ્ડ કપ-2023: ટીમ ઈન્ડિયાને કેવી રીતે હરાવવી? ગિલક્રિસ્ટે બતાવ્યો ‘માસ્ટર પ્લાન’

સિડનીઃ વર્તમાન ક્રિકેટ વર્લ્ડ કપ-2023માં ભારતીય ટીમ પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 પ્રાપ્ત કરીને ધમાકેદાર રીતે સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે. રોહિત શર્માના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમે હજી સુધી એકેય મેચ ગુમાવી નથી. તમામ આઠ લીગ મેચ જીતી બતાવી છે. છેલ્લી લીગ મેચ 15મીના રવિવારે નેધરલેન્ડ્સ સામે રમશે. ભારતીય બેટર્સના ધરખમ દેખાવ અને કાતિલ બોલરોના તરખાટ સામે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા જેવી શક્તિશાળી ટીમ હારી ચૂકી છે.

ભારતીય ટીમની વિજયકૂચને કેવી રીતે રોકવી એ વિશે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટર એડમ ગિલક્રિસ્ટે એક યોજના જણાવી છે. તે ઉપરાંત એણે ચાર ખેલાડીના નામ પણ જણાવ્યા છે જેની તરફથી હરીફ ખેલાડીઓને સૌથી વધારે જોખમ રહેશે.

‘ફોક્સ ક્રિકેટ’ સાથેની વાતચીતમાં, ગિલક્રિસ્ટે કહ્યું કે, આ વખતની વર્લ્ડ કપમાં ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ, બંને ખૂબ જ જબરદસ્ત રહી છે. આ ટીમ લક્ષ્યાંકને ચેઝ કરવામાં બાકીની ટીમો કરતાં ચડિયાતી સાબિત થઈ છે. ટીમમાં વિરાટ કોહલી જેવો તગડો બેટર છે જેને ચેઝ કરતા બહુ સરસ આવડે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમને હરાવવી હોય તો હરીફ ટીમે ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગ કરવાનું કહેવું જોઈએ. કારણ કે, મોહમ્મદ શામી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ જેવા ફાસ્ટ બોલરો સામે દિવસની સરખામણીમાં રાતના રમવું હરીફ બેટર્સ માટે થોડુંક આસાન રહેશે.