Home Blog Page 2350

મુખ્ય પ્રધાનને હસ્તે ‘મન કી બાત’ પુસ્તકનું વિમોચન

ગાંધીનગરઃ વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ તરત જ તેમણે પ્રધાનસેવક તરીકે દેશની જનતા સાથે સંવાદ દ્વારા લોકતંત્રને મજબૂત અને ઉજ્જવળ બનાવવા “મન કી બાત” નામથી રેડિયો વાર્તાલાપ શરૂ કર્યો હતો, આ કાર્યક્રમ આકાશવાણીના માધ્યમથી તેમની વાત કરોડો દેશવાસીઓના મનની વાત બની ગઈ છે.

રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલેને હસ્તે “મન કી બાત ૧.૦”પુસ્તકનું વિમોચન થયું હતું. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ સંવાદને પ્રાધાન્ય આપતા રહ્યા છે. તેઓ જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે “સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ” થકી જનતા જનાર્દન સાથે સંવાદ સાધીને રાજ્યની જનતા સાથે જોડાઈ રહ્યા હતા.

અનસ્ટોપેબલ ઇન્ડિયા ફાઉન્ડેશન (Unstoppable India Foundation)ના ચેરમેન  મેહુલ મકવાણાએ જણાવ્યું હતું કે  “મન કી બાત 1.0” સ્મૃતિસંગ્રહ અલગ-અલગ વિષયો, શક્તિઓ, વ્યક્તિઓ અંગેના તેમના વિચારને સરળ ભાષા અને શૈલીમાં તૈયાર કરી છે. “મન કી બાત 1.0” સ્મૃતિસંગ્રહ કોઈ પુસ્તક નથી, પણ સ્મૃતિઓનો સંગ્રહ છે. જે વરસો વરસ સુધી આપણને સૌને, દેશ અને દુનિયાને પથ દર્શાવતો રહેશે, માર્ગદર્શિત કરાવતો રહેશે તેવી મને શ્રદ્ધા છે.

 

 

 

 

મેક્સવેલની પ્રશંસા કરતાં ગંભીરે સાધ્યું કોહલી પર નિશાન

નવી દિલ્હીઃ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાન સામે ડબલ સેન્ચુરી બનાવી હતી અને ટીમને વિજય અપાવ્યો હતો. ગૌતમ ગંભીરે મેક્સવેલની પ્રશંસા કરતાં વિરાટ કોહલી પર નિશાન સાધ્યું હતું. ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ICC વનડે વિશ્વ કપમાં દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ મેચમાં સદી ફટકારીને દિગ્ગજ સચિન તેંડુલકરની 49મી વનડે સદીના રેકોર્ડની બરાબરી કરી હતી. કોહલીએ 121 બોલમાં 101 રન ફટકાર્યા હતા, જે તેની કેરિયરની ધીમી ઇનિંગ્સોમાંથી એક હતી જોકે તેના ફેન્સે તેની ભરપૂર પ્રશંસા કરી હતી, પણ વિશ્લેષકોએ તેની ટીકા કરી હતી.

ગંભીરે કહ્યું હતું કે વિરાટે જો મેક્સવેલે બનાવેલા 195 રનની જગ્યાએ હોત તો તેણે સિંગલ્સ લઈને ડબલ્સ સેન્ચ્યુરી પૂરી કરી હોત, પણ મેક્સવેલે સિક્સ મારીને બેવડી સદી પૂરી કરી હતી- આ તફાવત છે બંને ક્રિકેટરોમાં. ગંભીરે સચિનની બરોબરી કરવા માટે વિરાટની પ્રશંસા કરી હતી, પણ તેણે ધીમી સદી ફટકારવા બદલ ટીકા પણ કરી હતી.

તેણે કહ્યું હતું કે વિરાટની ધીમી રમતથી ભારતને નુકસાન થવાની શક્યતા હતી. તેણે કહ્યું હતું કે કોહલીએ મેચમાં છેલ્લી પાંચ-છ ઓવરો ધીમી રમ્યો હતો. એ એટલા માટે કે તે સદીની નજીક હતો પણ મારું માનવું છે કે સ્કોર બોર્ડ પર પર્યાપ્ત રન હતા. તેઓ સારી પિચ પર બેટિંગ કરી રહ્યા હતા. વિરાટ અને ગંભીરના સંબંધોમાં થોડી ખટાશ આવી ગઈ છે.

 

 

 

 

 

 

 

દિલ્હીમાં પ્રદૂષણ ઓછું કરવા કૃત્રિમ વરસાદનું આયોજન

નવી દિલ્હીઃ ગેસ ચેમ્બર બનેલી દિલ્હીમાં વાયુ ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં બનેલી છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના જણાવ્યાનુસાર દિલ્હીના આનંદ વિહારમાં AQI 453, આરકે પુરમમાં 453, પંજાબી બાગમાં 444 અને ITOમાં 441 નોમધવામાં આવ્યો હતો. દિલ્હી સરકારે પ્રદૂષણને લીધે બધી સ્કૂલોને ડિસેમ્બરની શિયાળાની રજાઓને રિશિડ્યુલ કરતા નવથી 18 નવેમ્બર સુધી કરી દીધી છે. સરકાર દિલ્હીમાં પ્રદૂષણ ઓછું કરવા કૃત્રિમ વરસાદનું આયોજન પણ કરી રહી છે.  

ગાઝિયાબાદમાં AQI બહુ ખરાબ શ્રેણીમાં છે. ગૌતમ બૌદ્ધ નગરના જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષ વર્માએ ઉદ્યોગો અને બિલ્ડરોને સાઇટો પર પ્રદૂષણવિરોધી ઉપાયો વધારવા નિર્દેશ આપ્યા છે. તેમણે સરકારી અધિકારીઓને નોએડા અને ગ્રેટર નોએડામાં NGT માપદંડોનું ઉલ્લંઘન કરનારાની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યા છે. તેમણે બધાં બાંધકામ પ્રવૃત્તિ પર હાલ પ્રતિબંધ લગાવી દીધો છે.

દિલ્હીના ડિસિઝન સપોર્ટ સિસ્ટમના આંકડા અનુસાર દિલ્હીમાં બુધવારે 38 ટકા પ્રદૂષણ માટે પડોશી રાજયો- ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં પરાલી સળગાવવાથી નીકળતો ધુમાડો જવાબદાર હતો. ગુરુવારે શહેરમાં પ્રદૂષણના સ્તરને પરાલી સળગાવવાની ઘટનાઓનું યોગદાન 27 ટકા અને શુક્રવારે 12 ટકા રહેવાની આશંકા છે.પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું હતું કે હવાની ગતિ આટલી વાર સુધી ક્યારેય સ્થિર નથી રહેતી. જો અમે નવા પ્રદૂષણ પર કાબૂ નહીં મેળવ્યો તો સ્તર બહુ વધી જશે એટલે અમે કડક પગલાં લઈ રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર એપ આધારિત ટેક્સીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

 

 

 

 

 

ઈશ્વરની અનોખી ભેટઃ અનુકંપા

ગયા અઠવાડિયે જાણીતા રીસર્ચ ગ્રુપ ‘હુરુન ઈન્ડિયા’એ પોતાનું વાર્ષિક ‘એડલગિવ હુરુન ફિલાન્થ્રોપી લિસ્ટ 2023’ બહાર પાડ્યું, જેમાં દેશના દિગ્ગજ 119 દાનવીરોનાં નામ છે. આ ધનાઢ્યોએ આખા વરસ દરમિયાન 8,445 કરોડ રૂપિયાનું દાન કર્યું. ઉલ્લેખનીય વાત એ છે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 59% વધુ દાન કરવામાં આવ્યું. આ યાદીમાં સૌથી મોટા દાનવીર શિવ નાદર છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં વસતા અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી (આઈટી) ક્ષેત્રની પ્રખ્યાત કંપની ‘એચ.સી.એલ ટેક્નોલોજીસ’ના સ્થાપક શિવ નાદર દરરોજ આશરે સાડાપાંચ કરોડ રૂપિયાનું દાન કરે છે.

ભગવાને મનુષ્યને આપેલી એક અદભુત ને અનોખી ભેટ છે સંવેદના. માણસને અનુભવાતી બીજી અનેક લાગણીઓનું એ જન્મસ્થાન છે. માનવીનો પરિચય પણ તેની સંવેદનાઓને આધારે જ થતો હોય છે.

આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. કલામ સાહેબ કહેતા, ‘આઈ ઍમ નૉટ અ હૅન્ડસમ ગાય, બટ આઈ કૅન ગિવ માય ‘હૅન્ડ’ ટુ ‘સમ’ વન હુ નીડ્સ હેલ્પ.

સંત અથવા સંતત્વનો પરિયચ પણ આ જ રીતે આપી શકાય. અન્યનાં હિતનું સાતત્ય એ હકીકત જ સંતત્વનો પરિચય છે, પરોપકાર એ સંત-હૃદયનો સહજ ધબકાર છે, અને તેમાંય કોઈ પણ અપેક્ષા વિનાનો પરોપકાર તે સંતત્વ’ની શ્રેષ્ઠ ઊંચાઈની ઓળખ આપે છે.

રામચરિતમાનસના ઉત્તરકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી લખે છેઃ ‘અન્યનું હિત કરવાથી મોટું કોઈ કર્તવ્ય નથી.’

ભારતીય સંતપરંપરામાં આ સિદ્ધાંતો મૂર્તિમાન જોવા મળે છે.

ગુરુ નાનક જ્યારે કિશોરવયના હતા, ત્યારે એક વાર તેમણે કેટલાક સાધુ-મહાત્માઓને ભૂખ્યા જોયા. અને એમનું હૃદય ભાવાર્દ થઈ ગયું. તેમણે સંત-મહાત્માઓના વરિષ્ઠ સાધુને કહ્યું, ‘મારી પાસે પૈસા છે તે તમને આપું છું. તમે ભોજનની વ્યવસ્થા કરી લેજો.’

એ વરિષ્ઠ સંતે પૂછ્યું કે, ‘બેટા! આ પૈસા ક્યાંથી લાવ્યો?’

નાનકે કહ્યું, ‘પિતાજીએ મોટા શહેરમાં જઈ વેપાર કરવા માટે આપ્યા છે.’

ત્યારે તે સાધુએ કહ્યું, ‘તો પછી વેપાર માટે જ વાપરને, અમને કેમ આપે છે ?’

ગુરુ નાનક સહસા બોલી ઊઠ્યા કે, ‘હું પિતાની આજ્ઞા મુજબ જ કરી રહ્યો છું. આપ જેવા સાધુઓને જમાડવા એના કરતાં વધુ સારો વેપાર ક્યો?’

આપણી મહાન સંતપરંપરાએ તો આપણને કેવળ મનુષ્યોની જૂનહીં, પરંતુ મૂક-અબોલ પશુ- પંખીની પણ ચિંતા કરવાનું શીખવ્યું છે. સૌનું હિત કરવાની આ ઊંડી સંવેદના એ વસુધૈવ કુટુમ્બકમ્- સમસ્ત પૃથ્વી એક પરિવારની આપણી સનાતન ભારતીય સંસ્કૃતિનો પર્યાય છે.

૧૯૮૭નું એ વર્ષ. ગુજરાત તે વખતે કારમા દુષ્કાળની ભીસમાં આવી ગયેલું, મેઘરાજાની રીસ અને ઠેર-ઠેર પાણી માટે ચીસ. સમગ્ર ગુજરાતનું તે સમયનું આ રેખાચિત્ર હતું. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આ અરસામાં ગુજરાતનું પશુધન બચાવવા કૅટલ કેમ્પો શરૂ કરાવેલા. સાથે સાથે અન્ય પાંજરાપોળો તથા ગૌશાળામાં પણ બનતી સહાય કરવી શરૂ કરી હતી. ‘પશુ કલ્યાણ કેન્દ્ર’ના નામથી આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવેલા આ કેટલ કૅમ્પોના સેવાકાર્યને સરકારશ્રીએ પણ ખૂબ નોંધનીય અને ઉલ્લેખનીય બતાવેલું, સાથે સાથે આ રાહતકાર્યમાં પ્રમુખસ્વામી મહારાજે કોઈ પણ નાત-જાત કે ધર્મની ભેદરેખા રાખી નહોતી, જેની નોંધ આજે પણ એ ખેડૂતોના માનસપટ ઉપર શિલાલેખ સમાન કોતરાયેલી છે.

આપણાં શાસ્ત્રોમાં સમાયેલી આ વિરલ અને વિશિષ્ટ સંવેદનાઓ આપણા મહાન સંતોના જીવનમાં અક્ષરશઃ ચરિતાર્ય છે. તેઓની જીવનશૈલી છે. આવો, એમનાં પગલે લોકહિતની ભાવના-સંવેદનાને આપણા જીવનમાં સાકાર કરીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કોરાનાના 11 નવા કેસો, એક પણ મોત નહીં     

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,405 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,295 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,947 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 10 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 177 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.59 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,75,903 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 132 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ચાટ બોર્ડ

દિવાળી સ્પેશ્યલ રેસિપી

ચાટ બોર્ડ

ચાટ બોર્ડ એ કોઈપણ પાર્ટીની શાન છે. ચાટ પહેલાંથી બનાવી દેવામાં આવે તો તે નરમ થઈ જાય છે. ઉપરાંત દરેકની પસંદગી અલગ હોય છે. ત્યારે પાર્ટીમાં આ પ્રકારનું ચાટ બોર્ડ દરેકને પસંદ પડે એવો ચાટ માટેનો સૌથી મજેદાર અને સ્વાદિષ્ટ વિકલ્પ છે.

સામગ્રીઃ કટોરી ચાટ પુરી, પાણી નિતારેલું દહીં, કાંદો 1, ટામેટું 1, મગ, ચણા, કાકડી, લસણની ચટણી, કોથમીર-ફુદીનાની ચટણી, ગળી ચટણી, લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, જીરુ પાઉડર 1 ટી.સ્પૂન, ચાટ મસાલો 1 ટી.સ્પૂન, મીઠું સ્વાદ મુજબ, ઝીણી સેવ તેમજ દાડમના દાણા સજાવટ માટે

રીતઃ મગ અને ચણાને અલગ અલગ ધોઈને પાણીમાં 4 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ મગ અને ચણા બાફી લેવા. કાંદા અને ટામેટાં ઝીણાં સમારી લેવા.

Reena Mohnot

એક મોટી અને થોડી ઉંડી પ્લેટમાં પાણી નિતારેલું દહીં પાથરી દો. તેની ઉપર ઝીણાં સમારેલાં કાંદા, કાકડી, ટામેટાં તેમજ બાફેલાં ચણા અને મગ પાથરી દો. ફરીથી દહીંની ઉપર લેયર પાથરી દો. ત્યારબાદ ફરતે ઉપર લસણની ચટણી, આમલીની ગળી ચટણી, લીલી તીખી ચટણી પાથરીને ઉપર થોડું થોડું મીઠું, લાલ મરચાં પાઉડર, જીરુ પાઉડર, ચાટ મસાલો ભભરાવીને ઝીણી સેવ તેમજ દાડમના દાણા વડે ડેકોરેટ કરી દો. આ પ્લેટની ફરતે કટોરી ચાટ પુરી ગોઠવી દો એટલે ચાટ બોર્ડ તૈયાર છે.

(રીના મોહનોત)

(સાયન્સ ગ્રેજ્યુએટ રીના મોહનોતને એમની પેશન રાજસ્થાની રસોઈકળા તરફ દોરી ગઈ અને નિર્માણ થયું ક્લાઉડ કિચન, ધોરા!  જે અમદાવાદના સ્વાદ રસિયાઓને પીરસે છે અસલ પરંપરાગત રાજસ્થાની સ્વાદિષ્ટ વાનગીઓ! અનેક કઠિનાઈ, પેન્ડેમિકનો ફટકો સહીને પણ ક્લાઉડ કિચન ચાલુ રાખવાના મક્કમ નિર્ધારને કારણે રીનાબહેન, ટાઈમ્સ ફુડ એવોર્ડ, રાષ્ટ્રવ્યાવી મેરીટ એવોર્ડ અને મહિલાપ્રેન્યોર જેવા અનેક એવોર્ડના સતત વિજેતા રહ્યાં છે!)

અભિનેત્રી પાયલ ઘોષ મોહમ્મદ શામીને પરણવા તૈયાર છે, પણ એક શરતે…

મુંબઈઃ હાલ રમાતી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધામાં ફાસ્ટ બોલર મોહમ્મદ શામી કાતિલ ફાસ્ટ બોલિંગ કરીને ભારતીય ટીમની જીતમાં મોટું યોગદાન આપી રહ્યો છે. અત્યાર સુધીમાં એણે 4 મેચમાં 16 વિકેટ લીધી છે. બે મેચમાં એણે ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ પણ જીત્યો છે. આ સફળતા વચ્ચે એને બોલીવુડની એક અભિનેત્રી તરફથી લગ્નની ઓફર મળી છે.

અભિનેત્રીમાંથી નેતા બનેલી પાયલ ઘોષે કહ્યું છે કે પોતે શામીની બીજી પત્ની બનવા તૈયાર છે. એણે આ ઓફર પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. એમાં તેણે લખ્યું છે: ‘શામી તું તારું અંગ્રેજી સુધારી લે, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.’ પાયલ ઘોષ કોલકાતામાં જન્મેલી છે. તે ફિલ્મોમાં કામ કરવા માટે મુંબઈ આવી હતી. બોલીવુડમાં એ ખાસ જાણીતી થઈ નથી. 2020માં એ કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેના નેતૃત્વ હેઠળની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયામાં જોડાઈ હતી અને હાલ પાર્ટીમાં મહિલાઓની પાંખની ઉપપ્રમુખ છે.

મોહમ્મદ શામીએ 2014માં હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. 2015માં એમને એક પુત્રી રત્ન પ્રાપ્ત થયું હતું. પરંતુ પતિ-પત્ની વચ્ચે વિખવાદ થતાં તેઓ અલગ થઈ ગયાં છે.

રિશી સુનક, પત્ની અક્ષતાએ ડાઉનિંગ સ્ટ્રીટ નિવાસે ઉજવ્યો દિવાળી કાર્યક્રમ

લંડનઃ બ્રિટનના ભારતીય મૂળના હિન્દૂ વડા પ્રધાન રિશી સુનક અને એમના પત્ની અક્ષતા મૂર્તિ-સુનકે ગઈ કાલે અહીં એમના સત્તાવાર નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવાળી તહેવાર નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં હિન્દૂ સમુદાયના મહેમાનોને આમંત્રિત કર્યાં હતાં.

સુનકના કાર્યાલયે તે કાર્યક્રમની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ‘વડા પ્રધાન રિશી સુનકે અંધકાર પર પ્રકાશના વિજયનો આનંદ દર્શાવતા દિવાળી તહેવારની ઉજવણી પૂર્વે આજે રાતે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં હિન્દૂ સમુદાયના મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. સમગ્ર બ્રિટનમાં તેમજ દુનિયાભરમાં વસતાં દરેક જણને દિવાળીની શુભેચ્છા.’

તે પ્રસંગે અક્ષતા મૂર્તિ આછા ગુલાબી રંગનાં કુર્તામાં અને હાથમાં બંગડીઓ સાથે સજ્જ થયાં હતાં જ્યારે રિશી સુનક ઔપચારિક લુકમાં હતા.

રિશી સુનક ભારતના પંજાબી મૂળના છે અને ધર્મનિષ્ઠ હિન્દૂ છે. પોતાનો જન્મ જ્યાં થયો હતો તે સાઉથમ્પ્ટન શહેરના મંદિરમાં અવારનવાર દર્શન કરવા જતા હોય છે. સુનક દંપતીએ તાજેતરમાં ભારતના પ્રવાસ વખતે નવી દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી.

(તસવીર સૌજન્યઃ @10DowningStreet)

સુવિચાર – ૦૯ નવેમ્બર, ૨૦૨૩

સુવિચાર – ૦૯ નવેમ્બર, ૨૦૨૩

૦૯ નવેમ્બર, ૨૦૨૩

૦૯ નવેમ્બર, ૨૦૨૩