Home Blog Page 2355

ગુજરાતમાં નિર્મલા સિતારમણને હસ્તે 12 GST સેવા કેન્દ્રનું લોકાર્પણ

કેન્દ્ર સરકારના નાણાં અને કોર્પોરેટ અફેર્સ વિભાગના મંત્રી નિર્મલા સીતારમણના હસ્તે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના વાપીની જ્ઞાનધામ સ્કૂલ ખાતે જીએસટી સેવા કેન્દ્રની સાથે રાજ્યના 12 જીએસટી સેવા કેન્દ્રનું ઇ-લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે જણાવ્યું કે, બોગસ બીલિંગ અટકાવવા માટે શરૂ થઈ રહેલા જીએસટી સેવા કેન્દ્રમાં બાયોમેટ્રીક સિસ્ટમથી જીએસટી નંબર મેળવવા માટેની તમામ પ્રોસેસ પાસપોર્ટ મેળવતી વખતે કરવાની હોય તે મુજબની જ છે, માત્ર પોલિસ વેરિફિકેશન કરવાનું રહેતું નથી. ગુજરાતમાં મુખ્ય મુખ્ય જગ્યા પસંદ કરી જીએસટી સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. દરેક કચેરીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક સરખું છે. લોકોને સરળતા પડે તે મુજબ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જે બદલ ગુજરાત જીએસટી ટીમને બિરદાવું છું. ગુજરાત બિઝનેસનું હબ છે ત્યારે પાયલોટ પ્રોજેકટ તરીકે ગુજરાતમાં શરૂ થયેલા જીએસટી સેન્ટર અન્ય રાજ્યો માટે મોડલ બનશે.

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, મેરા બિલ, મેરા અધિકાર અંતર્ગત મોટી સફળતા મળી છે, 20 ટકા વધારા સાથે 1 લાખ કરોડથી વધુ જીએસટી કલેક્શન થયું છે. જીએસટી સેવા કેન્દ્ર દ્વારા કોઈ પણ કરદાતા કે વિક્રેતાને તકલીફ પડશે નહી પરંતુ સુવિધામાં વધારો થશે. કોઈ પણ બોગસ રજિસ્ટ્રેશન થશે નહી. આ સેન્ટરો ઉપયોગી બનશે. વધુમાં તેમણે વાપીમાં જ આ કાર્યક્રમ થવાના કારણ અંગે કહ્યું કે, વાપીમાં એશિયાની જુનામાં જુની જીઆઈડીસી છે, સ્કૂલ, હોસ્પિટલ અને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણમાં પણ અગ્રેસર ફાળો રહ્યો છે.

એપમાં બિલ અપલોડ કરનાર ૬ ગ્રાહકોને રૂ. 10 લાખનું ઈનામ અપાયુ

મેરા બિલ, મેરા અધિકારી લકી ડ્રોમાં રૂ. 10 લાખનું ઈનામના વિજેતા બનનાર ૬ ભાગ્યશાળી ગ્રાહકોનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદના ગૃહિણી સ્મિતાબેન રાજેન્દ્રસિંહ રાજએ રૂ. 651ના પિઝા ખરીદીનું બીલ, સુરત કતારગામના ડો. મિતેશ અરવિંદભાઈ આંબલિયાએ રેસ્ટોરન્ટમાં ભોજનનું રૂ. 665નું બિલ, અમદાવાદના શિક્ષક હર્ષદ અંબાલાલ પટેલે ગ્રોસરી ખરીદીનું રૂ. 1734નું બિલ, ભૂજના પોલીસ કોન્સ્ટેબલ રોહિત નાથુભાઈ રાઠોડે ઘર સામાન ખરીદીનું રૂ. 228નું બિલ, અમદાવાદ ચાંદખેડાના પુનિત સત્યપ્રકાશ શર્માએ કપડા ખરીદીનું રૂ. 1500નું બિલ અને અમદાવાદના અતુલભાઈ સોમાણીએ મિઠાઈ ખરીદીનું બિલ મેરા બિલ, મેરા અધિકારી એપમાં અપલોડ કર્યુ હતુ. આ લકી ડ્રોમાં આ 6 ગ્રાહકો વિજેતા થતા તેઓને રૂ. 10 લાખના ઈનામનો ચેક મંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

આ લોકાર્પણ કાર્યક્રમમાં વલસાડ ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડ, ધરમપુર અને ઉમરગામના ધારાસભ્ય સર્વ ભરતભાઇ પટેલ, અરવિંદભાઈ પટેલ અને રમણલાલ પાટકર, જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારા, વીઆઈએ પ્રમુખ સતિષભાઈ પટેલ અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે સહિત વાપીના ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

‘સૈમ બહાદુર’નું શાનદાર ટ્રેલર થયું રિલીઝ, દમદાર ડાયલોગ્સ

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ તેની આગામી ફિલ્મ સૈમ બહાદુરને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. તેણે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક ઘણા સમય પહેલા શેર કર્યો હતો. આ પછી થોડા સમય પહેલા આવેલા આ ફિલ્મના ટીઝરને પણ ચાહકો તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. હવે ફિલ્મનું દમદાર ટ્રેલર પણ શેર કરવામાં આવ્યું છે. ફિલ્મમાં વિકી કૌશલ દેશના પહેલા ફિલ્ડ માર્શલ અને કઠિન વ્યક્તિત્વ સામ બહાદુરની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલર બહાર આવ્યાને થોડી જ મિનિટો થઈ હશે પરંતુ દેશભક્તિમાં ડૂબેલા વિકી કૌશલના અભિનયએ આ થોડી મિનિટોમાં બધાને પ્રભાવિત કર્યા છે. વિકી કૌશલ ટ્રેલરમાં દમદાર ડાયલોગ્સ બોલતા જોવા મળે છે.

ટ્રેલરમાં વિકી કૌશલની દમદાર સ્ટાઈલ અને શાનદાર ડાયલોગ્સ

ટ્રેલરમાં વિકી કૌશલની દમદાર સ્ટાઈલ અને ડાયલોગ્સે પાકિસ્તાનનો પાયો હચમચાવી દીધો છે. જેમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કહ્યું, સેમ, તારો કંઈ કરવાનો ઈરાદો નથી ? તો વિકી કૌશલે કહ્યું, તમને શું લાગે છે. આ દરમિયાન ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, તમે આ ન કરી શકો. આ સાંભળ્યા બાદ વિકી કૌશલે એવો ડાયલોગ કહ્યો જેનાથી શો ચોરાઈ ગયો. તેઓ કહેતા જોવા મળ્યા કે, હું આ કરી શકતો નથી કે હું તે નહીં કરીશ… ક્ષમતા અને ઇરાદામાં તફાવત છે, વડા પ્રધાન…

ફિલ્મ 1 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

ફિલ્મની વાત કરીએ તો વિકી કૌશલ ઉપરાંત સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ તેમાં જોવા મળશે. આ બંનેએ આમિર ખાનની દંગલમાં ધૂમ મચાવી છે. હવે આ જોડી વિકી કૌશલની ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં સાકિબ અયૂબ, મોહમ્મદ જીશાન અયૂબ, નીરજ કબી અને એડવર્ડ સોનેનબ્લિક જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન મેઘના ગુલઝારે કર્યું છે અને આ ફિલ્મ 1 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આઇસી15 ઇન્ડેક્સ 425 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ રોકાણકારોના ઓલ્ટરનેટિવ કોઇન તરફના ઝુકાવને લીધે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.96 ટકા (425 પોઇન્ટ) ઘટીને 43,795 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 44,420 ખૂલ્યા બાદ 44,512ની ઉપલી અને 43,659ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી અવાલાંશ, યુનિસ્વોપ, કાર્ડાનો અને બિટકોઇન 1થી 3 ટકા ઘટ્યા હતા, જ્યારે ચેઇનલિંક, ડોઝકોઇન, બીએનબી અને સોલાના ટોચના વધેલા કોઇન હતા. બિટકોઇન 34,000 ડોલરની સપાટીની આસપાસ ચાલી રહ્યો હતો.

દરમિયાન, બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને ફાઇનાન્શિયલ કંડક્ટ ઓથોરિટીએ સ્ટેબલકોઇન અને ક્રીપ્ટો એસેટ્સ માટે નિયમનકારી માળખાનો મુસદ્દો જાહેર કર્યો છે. એના વિશે જનતા પાસેથી મંતવ્યો મગાવવામાં આવ્યાં છે. હોંગકોંગના સિક્યુરિટીઝ એન્ડ ફ્યુચર્સ કમિશનને ટોકનાઇઝ્ડ સિક્યોરિટીઝ તથા અન્ય ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ ઓફર કરવાને લગતી આવશ્યકતાઓ સંબંધે માર્ગદર્શિકા જાહેર કરી છે.

દિવ્યાંગ પારિતોષિક માટે ૩૦ નવેમ્બર પહેલાં અરજી કરી શકાશે

અમદાવાદઃ જિલ્લાની મદદનીશ નિયામક રોજગાર કચેરીના રોજગાર અધિકારી જણાવે છે કે દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૩ની નીચે દર્શાવેલી કેટેગરીમાં રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મગાવવામાં આવે છે, જેમાં

  • શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ- સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ.
  • દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા
  • દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ

દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો રોજગારની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in પરથી અથવા મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, બ્લોક નં-એ-બી, અસારવા બહુમાળી ભવન, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદથી વિનામૂલ્યે મેળવી શકાશે.

આ અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, છેલ્લાં ત્રણ માસની અંદરનું દાક્તરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, દિવ્યાંગતા દર્શાવતા પોસ્ટકાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવા પડશે. આ પારિતોષિક માટે નોકરીદાતા તેમ જ પ્લેસમેન્ટ ઓફિસરોએ પણ ફોર્મમાં દર્શાવેલી કોલમ મુજબની પૂરેપૂરી વિગતો જણાવવી તેમ જ તેને સંબંધિત જરૂરી બિડાણો અચૂક સામેલ કરવાના રહેશે.

આ ભરેલા અરજીપત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, બ્લોક નં-એ-બી, અસારવા બહુમાળી ભવન, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ ખાતે મોડામાં મોડા ૩૦ નવેમ્બર સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય એ રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે.

અધૂરી વિગતવાળી કે નિયત સમયમર્યાદા બાદની આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં. વધુ માહિતી માટે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, બ્લોક નં.-એ-બી, અસારવા બહુમાળી ભવન, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદનો સંપર્ક સાધવા નાગરિકોને વિનંતી છે.

 

 

 

 

ઈરફાન પઠાણે અફઘાનિસ્તાનના વર્લ્ડ કપ ક્રિકેટરોને આપી પાર્ટી

મુંબઈઃ ભારતમાં રમાતી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધામાં અફઘાનિસ્તાનની ટીમે પ્રભાવક કામગીરી બતાવી છે. પોઈન્ટ્સ ટેબલમાં તેણે 7 મેચમાં 8 પોઈન્ટ મેળવીને 6ઠ્ઠા સ્થાને છે. આજે ઓસ્ટ્રેલિયા સામે પોતાની લીગ મેચમાં પણ તેણે પ્રશંસનીય બેટિંગ દેખાવ કર્યો છે અને 50 ઓવરમાં પાંચ વિકેટે 291 રનનો સ્કોર નોંધાવ્યો છે. ઓપનર ઈબ્રાહિમ ઝદરાન 129 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એણે 143 બોલનો સામનો કર્યો હતો જેમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

આ અફઘાનિસ્તાન ટીમના ખેલાડીઓને ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી ચેનલ પર એક્સપર્ટ કોમેન્ટેટર ઈરફાન પઠાણે પોતાના નિવાસસ્થાને પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, ગાયક અદનાન સામી અને બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટીએ પણ હાજરી આપી હતી. અદનાન સામીએ ટ્વિટર પર આ પાર્ટીની તસવીરો શેર કરી છે. એણે કેપ્શનમાં લખ્યું છેઃ ‘ઈરફાન પઠાણના ઘેર અફઘાનિસ્તાન ટીમના ખેલાડીઓ સાથે સુંદર સંધ્યાકાળ. હાસ્ય, પ્રેમ, કબાબ અને કાબુલી પુલાવ.’

ઉલ્લેખનીય છે કે, ઈરફાન પઠાણને અફઘાનિસ્તાનના ખેલાડીઓ સાથે સારી મિત્રતા છે. આ પાર્ટીમાં ઈરફાનનો ભાઈ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસૂફ પઠાણ પણ ઉપસ્થિત હતો.

પછાત વર્ગ માટે અનામત 50ની જગ્યાએ 65 ટકા કરવા નીતિશ કુમારનો પ્રસ્તાવ

બિહારના સીએમ નીતિશ કુમારે મંગળવારે વિધાનસભામાં અનામતનો વ્યાપ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. નીતિશ કુમારે બિહારમાં અનામત 50 થી વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. EWS ના 10 ટકા આરક્ષણ સહિત, તે 75 ટકા થશે. આ પહેલા વિધાનસભામાં જાતિ આધારિત વસ્તીગણતરી પર બોલતા સીએમ નીતિશ કુમારે કહ્યું હતું કે આ કામ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવ્યું છે, કેટલીક જાતિઓની સંખ્યા વધવા કે ઘટવા પર જે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે તે ખૂબ જ બોગસ છે.

મંગળવારે નીતીશ કુમારે બિહાર વિધાનસભામાં રજૂ કરાયેલા જાતિ આધારિત આર્થિક સર્વે પર કહ્યું હતું કે 1990માં પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહે મને જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે સલાહ આપી હતી. ત્યારબાદ અમે આ અંગે પીએમ વીપી સિંહને મળ્યા. જ્યારથી હું બિહારનો મુખ્યપ્રધાન છું ત્યારથી હું જાતિ આધારિત ગણતરી માટે પ્રયત્નો કરી રહ્યો છું, પરંતુ દરેકની સહમતિથી આ શક્ય બન્યું છે.

વસ્તી ગણતરી વૈજ્ઞાનિક રીતે હાથ ધરવામાં આવી

નીતિશ કુમારે વિધાનસભામાં કહ્યું કે આખી વસ્તી ગણતરી ખૂબ જ વૈજ્ઞાનિક રીતે કરવામાં આવી છે, કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે કેટલીક જાતિઓની સંખ્યા વધી કે ઓછી થઈ છે, આ ખૂબ જ બોગસ વાત છે. તેમણે કહ્યું કે અમે અપીલ કરીએ છીએ કે સમગ્ર દેશમાં જ્ઞાતિની વસ્તી ગણતરી કરવામાં આવે. મહિલા સાક્ષરતા પર બોલતા નીતિશ કુમારે કહ્યું કે બિહારમાં મહિલા સાક્ષરતામાં સુધારો થયો છે.

આ અનામતની વર્તમાન સ્થિતિ છે

હાલમાં, બિહારમાં પછાત વર્ગો અને અત્યંત પછાત વર્ગો માટે 27 ટકા અનામતની જોગવાઈ છે. આ સિવાય ST માટે 17 ટકા, ઉચ્ચ જાતિ માટે 10 ટકા, વિકલાંગ માટે 3 ટકા અને સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે 1 ટકા અનામતની જોગવાઈ હતી. આ સિવાય મહિલાઓ માટે પણ 3 ટકા અનામત હતું જે સમાપ્ત થઈ ગયું છે. દરખાસ્ત મુજબ, અનુસૂચિત જાતિનું અનામત 16થી વધારીને 20, અનુસૂચિત જનજાતિ માટે 1થી 2 અને પછાત અને સૌથી પછાત વર્ગનું અનામત 27થી વધારીને 43 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોંગ્રેસ પર પ્રહારો કર્યા અને કહ્યું કે તે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) માટે કામ કરતું નથી. કોંગ્રેસ માત્ર પોતાના લોકોને જ આગળ લઈ ગઈ. પીએમ મોદીએ મધ્યપ્રદેશના સીધીમાં કહ્યું, કોંગ્રેસે એવા લોકોને જ પ્રમોટ કર્યા જેઓ દિલ્હી દરબારમાં જતા હતા. એસસી, એસટી અને ઓબીસીના અસરકારક નેતૃત્વને ક્યારેય ઉભરી આવવા દીધું ન હતું. આ દરબારી માનસિકતાને કારણે લોકો સવાર-સાંજ મોદીને ગાળો આપે છે. મોદીને ગાળો આપતા તેઓ ઓબીસી સમુદાયને ગાળો આપવા લાગ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી પાર્ટીઓ જાતિ ગણતરીની માંગ કરી રહ્યા છે, એમ કહીને કે મોદી સરકારે OBC વર્ગ માટે કંઈ કર્યું નથી. વિધાનસભાની ચૂંટણીમાં OBC અને જાતિની વસ્તી ગણતરીનો મુદ્દો એક મુદ્દો બનીને ઉભરી આવ્યો છે. કારણ કે કોંગ્રેસે કહ્યું હતું કે જો તે ચૂંટણી જીતશે તો તે બિહારમાં કરાયેલા જાતિ સર્વેની જેમ રાજ્યમાં પણ આગળ વધશે.

શું કહ્યું પીએમ મોદીએ?

પીએમ મોદીએ કહ્યું, આમંત્રણ મળ્યા છતાં, કોંગ્રેસ દેશના પ્રથમ દલિત મુખ્ય માહિતી કમિશનર (CIC) ના શપથ ગ્રહણમાં હાજર રહી ન હતી. તેમણે કહ્યું કે, હિરાલાલ સામરિયાને પ્રથમ દલિત મુખ્ય માહિતી કમિશનર બનાવવા માટે બોલાવવામાં આવેલી બેઠકનો કોંગ્રેસે બહિષ્કાર કર્યો હતો, જોકે કોંગ્રેસને સમયસર આમંત્રણ આપવામાં આવ્યું હતું.

PM મોદીએ શું કર્યો દાવો?

પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસનો દરેક પગલે જુઠ્ઠું બોલવાનો ઈતિહાસ છે. તેમણે કહ્યું કે, “કોંગ્રેસે હંમેશા ગરીબો, મહિલાઓ, યુવાનો સાથે જૂઠું બોલ્યું અને ખેડૂતોને લોન માફીના ખોટા વચનો પણ આપ્યા.”

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૭ નવેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૭ નવેમ્બર, ૨૦૨૩

World Cup 2023 : બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર

વર્લ્ડ કપ 2023: બાંગ્લાદેશની ટીમને વર્લ્ડ કપ 2023ની મધ્યમાં મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને વર્લ્ડ કપ 2023ની 38મી મેચમાં શ્રીલંકા સામે બેટિંગ કરતી વખતે ડાબા હાથની તર્જની આંગળીમાં ઈજા થઈ હતી. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન પોતાની તર્જની આંગળીમાં ઈજાના કારણે વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયો છે. બાંગ્લાદેશની ટીમને વર્લ્ડ કપ 2023ની 8 મેચમાં 2 જીત અને 6 હાર મળી છે. બાંગ્લાદેશની ટીમ પહેલાથી જ વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશે તેની છેલ્લી લીગ સ્ટેજની મેચ 11 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે.

ઈજાના કારણે કેપ્ટન ટુર્નામેન્ટમાંથી બહાર

બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન 11 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ 2023ની મેચ રમી શકશે નહીં. શાકિબ અલ હસનનું ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ 2023માં ન રમવું બાંગ્લાદેશની ટીમ માટે મોટો ઝટકો છે. 6 નવેમ્બરે દિલ્હીમાં શ્રીલંકા સામે રમાયેલી વર્લ્ડ કપ મેચમાં 280 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે શાકિબ અલ હસને 65 બોલમાં 82 રન બનાવ્યા હતા. શાકિબ અલ હસનની ઇનિંગ્સમાં 12 ફોર અને 2 સિક્સ સામેલ હતી. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ફિઝિયો બાયજેદુલ ઈસ્લામ ખાને શાકિબ અલ હસનની ઈજા અંગે મોટું અપડેટ આપતા કહ્યું કે, ‘શાકિબ અલ હસનની ડાબી તર્જની આંગળીમાં ઈજા થઈ હતી, પરંતુ તેણે પેઈનકિલર લઈને બેટિંગ ચાલુ રાખી હતી. સોમવારે દિલ્હીમાં શ્રીલંકા સામે રમાયેલી વર્લ્ડ કપ મેચ બાદ શાકિબ અલ હસનનો ઉતાવળમાં એક્સ-રે કરવામાં આવ્યો હતો. એક્સ-રેમાં શાકિબ અલ હસનના ડાબા પીઆઈપી જોઈન્ટમાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ. શાકિબ અલ હસનના સ્વસ્થ થવામાં ત્રણથી ચાર અઠવાડિયા લાગી શકે છે. શાકિબ અલ હસન આજે પુનર્વસન માટે બાંગ્લાદેશ જવા રવાના થશે.

શાકિબ ટાઇમ આઉટને કારણે ચર્ચામાં આવ્યો હતો

બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન સોમવારે શ્રીલંકા સામે રમાયેલી વર્લ્ડ કપ મેચમાં ટાઇમ આઉટ થવાને કારણે ચર્ચામાં આવ્યો હતો. આ મેચમાં શાકિબ અલ હસનની અપીલ પર શ્રીલંકાના અનુભવી બેટ્સમેન એન્જેલો મેથ્યુસને ‘ટાઈમ આઉટ’ આપવામાં આવ્યો હતો. એન્જેલો મેથ્યુસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ રીતે આઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. શાકિબ અલ હસને મેથ્યુસ સામે ટાઈમ આઉટની અપીલ કરી અને અમ્પાયર મારાઈસ ઈરાસ્મસે તેને આઉટ જાહેર કર્યો.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલની કારને અકસ્માત નડ્યો, એકનું મોત, 5 ઘાયલ

ભાજપના સ્ટાર પ્રચારક અને નરસિંહપુરથી ભાજપના ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ રોડ અકસ્માતમાં ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે છિંદવાડાથી નરસિંહપુર આવતી વખતે અમરવાડા પાસે આ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રોંગ સાઇડથી આવી રહેલા મોટરસાઇકલ સવારો સાથે તેમનું વાહન અથડાયું હતું. આ દુર્ઘટનામાં અન્ય ચારથી પાંચ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પ્રહલાદ પટેલને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.

શિક્ષકનું મૃત્યુ

આ માર્ગ અકસ્માતમાં મોટરસાઇકલ સવાર એક શિક્ષકનું મોત નીપજ્યું હતું, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોને છિંદવાડાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ નાસી છૂટ્યા હતા. તેને સામાન્ય ઈજાઓ થઈ છે. ઘટના સ્થળે ટોળાએ કેન્દ્રીય મંત્રી પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં બાઇક પર સવાર નિરંજન ચંદ્રવંશીનું મોત નીપજ્યું હતું. ભુલા મોહગાંવના રહેવાસી નિરંજન ચંદ્રવંશી ઉચ્ચ માધ્યમિક શિક્ષક છે. તેમની પત્ની ગૃહિણી હોવાનું કહેવાય છે. અકસ્માતમાં નિખિલ નિરંજન (7 વર્ષ), સંસ્કાર નિરંજન (10 વર્ષ) અને જતીન બસંત ચંદ્રવંશી (17 વર્ષ) ઘાયલ થયા હતા. આ ગંભીર માર્ગ અકસ્માતમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલના APS આદિત્ય પણ ઘાયલ થયા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ છિંદવાડાથી નરસિંહપુર પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત છિંદવાડા જિલ્લાના અમરવાડામાં સિંગોડી બાયપાસ પાસે થયો હતો. મૃતકો રોંગ સાઇડથી બાઇક પર બાળકો સાથે શાળાએથી ઘરે પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં પ્રહલાદ પટેલનું વાહન પણ રોડ પરથી ઉતરી ખેતરમાં ગયું હતું. કારની એરબેગ ખુલી જતાં પ્રહલાદ પટેલ નાસી છૂટ્યો હતો. કારમાં મુસાફરી કરી રહેલા અન્ય લોકોને પણ કોઈ મોટી ઈજા થઈ નથી.ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેને જોવા માટે ભાજપના ઉમેદવાર વિવેક બંટી સાહુ હોસ્પિટલ પહોંચ્યા હતા.