નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 8 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,384 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,294 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,904 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 27 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 194 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,75,536 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 31 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મેલબર્નઃ આ શહેરથી આશરે 110 કિ.મી. દૂર આવેલું ડેલેસફોર્ડ નગર પર્યટકોમાં ઘણું લોકપ્રિય છે. ત્યાં ગઈ કાલે સાંજે એક દુઃખદ ગમખ્વાર બનાવ બન્યો હતો. રોયલ ડેલેસફોર્ડ હોટેલ નામના એક પબમાં અનેક મહેમાનો-ગ્રાહકો મોજ માણી રહ્યાં હતાં ત્યારે એક ધસમસતી કાર ઘૂસી આવી હતી અને ઘણા લોકોને કચડી નાખ્યા હતા. એમાંના પાંચ જણના મરણ થયા હતા અને બીજા અનેકને ઈજા થઈ છે. મૃતકોમાં બે બાળકનો પણ સમાવેશ થાય છે. ચાર જણના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જ્યારે ગંભીર રીતે જખ્મી થયેલી એક છોકરીને હેલિકોપ્ટરની મદદથી મેલબર્નની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પણ બાદમાં એનું મૃત્યુ થયું હતું. મૃતકો બે પરિવારનાં સભ્યો હતાં જેઓ એકબીજાંને જાણતાં હતાં.
અનેક લોકો હોટેલની બહારના ભાગમાં ઘાસની લોન પર બેસીને ખાણીપીણીની મજા માણી રહ્યાં હતાં ત્યારે અચાનક એક એસયૂવી કાર ધસમસતી ત્યાં આવી હતી અને ઘણા ટેબલ-ખુરશીઓ સાથે અથડાઈ હતી. કારે કેટલાકને ફંગોળી દીધા હતા તો કેટલાકને કચડી નાખ્યા હતા. ભોગ બનેલા લોકો સ્થાનિક રહેવાસીઓ નહોતાં. એમની ઓળખ કરવાની હજી બાકી હતી. કારે કરેલા અકસ્માતનું ખરું કારણ પણ હજી જાણવા મળ્યું નથી. કારનો ડ્રાઈવર 66 વર્ષનો શખ્સ હતો. પોલીસે તેને પકડી લીધો હતો. એની ટેસ્ટ લેવાતાં એના શરીરમાં આલ્કોહોલ ન હોવાનું માલુમ પડ્યું હતું. એને મામુલી ઈજા થઈ છે અને એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ પોલીસ એને તાબામાં લેશે અને પૂછપરછ કરશે.
ચંડીગઢઃ સાપનું ઝેર સપ્લાઈ કરવાના કેસમાં હરિયાણાનિવાસી યૂટ્યૂબર એલ્વિશ યાદવ સામે ઉત્તર પ્રદેશના નોઈડા શહેરની પોલીસે એફઆઈઆર ફરિયાદ નોંધી છે. આ સંદર્ભમાં હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે કહ્યું છે કે કેસની કાર્યવાહીમાં પોતાનો કોઈ પ્રભાવ નથી અને તપાસમાં જો એલ્વિશ ગુનેગાર જણાશે તો પોલીસ એની સામે પગલું ભરશે, એવું તેમણે ભારપૂર્વક કહ્યું છે. ‘અમારે આ કેસમાં કંઈ કહેવું નથી. જો એણે (એલ્વિશ યાદવે) કંઈ ખોટું કર્યું હશે તો એને સજા કરવામાં આવશે,’ એમ ખટ્ટરે કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, એલ્વિશ યાદવ ‘બિગ બોસ OTT-સીઝન 2’નો વિજેતા બન્યો છે. તેના પ્રશંસકો સાથેના મિલન સમારંભમાં ખટ્ટર મંચ પર હાજર રહ્યા હતા અને ઉક્ત શોમાં વિજેતા બનવા બદલ એમણે એલ્વિશને અભિનંદન આપ્યા હતા. ઘણા ઈન્ટરનેટ યૂઝર્સે આ માટે ખટ્ટરની ટીકા કરી છે. એલ્વિશ યાદવ ગઈ 18 ઓગસ્ટે ચંડીગઢમાં ખટ્ટરને એમના સત્તાવાર નિવાસસ્થાને મળવા ગયો હતો. ત્યારે ખટ્ટરે એને અભિનંદન આપ્યા હતા.
નોઈડા અને પડોશના હરિયાણાના ગુરુગ્રામ શહેરમાં યોજાતી રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે સાપનું ઝેર સપ્લાઈ કરવા માટે કોબ્રા સહિતના સાપનું ઝેર સપ્લાઈ કરવાના આરોપસર પોલીસે એલ્વિશ યાદવ સહિત છ જણ સામે ફરિયાદ નોંધી છે. પોલીસે આ કેસમાં પાંચ જણની ધરપકડ કરી છે. એલ્વિશ હજી ફરાર છે.
રેવ પાર્ટીઓ વાસ્તવમાં કેફી દ્રવ્યોના સેવન માટેની ગેરકાયદેસર ખાનગી મિજબાનીઓ (ઉજાણીઓ) હોય છે. તેમાં ભાગ લેનારાઓને સમય જતાં ભોગવવું પડે છે. આવી પાર્ટીઓમાં હાઈ પ્રોફાઈલ મહેમાનોને આમંત્રિત કરવામાં આવે છે.
રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાઈ કરવાની પ્રવૃત્તિઓમાં પોતાની સંડોવણી હોવાનો એલ્વિશે અજ્ઞાત સ્થળેથી રિલીઝ કરેલા અંગત યૂટ્યૂબ વીડિયો નિવેદનમાં રદિયો આપ્યો છે અને કહ્યું છે કે જો આ કેસમાં પોતે સંડોવાયો છે એવું એને જણાશે તો એ પોલીસને શરણે આવી જશે.
આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.
આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.
આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.
આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.
આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.
આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.
આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
મહાદેવ સટ્ટાબાજી એપ કેસને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ વચ્ચે IT મંત્રાલયે રવિવારે મોટી કાર્યવાહી કરી. મંત્રાલયે મહાદેવ બુક ઓનલાઈન અને અન્ય 21 સટ્ટાબાજીની એપ્સ અને વેબસાઈટ્સ સામે બ્લોક કરવાનો આદેશ જારી કર્યો છે. EDની ભલામણ બાદ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69A હેઠળ આ આદેશ જારી કરવામાં આવ્યો છે. આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘છત્તીસગઢ સરકારને કલમ 69A આઈટી એક્ટ હેઠળ વેબસાઈટ/એપને બંધ કરવાની ભલામણ કરવાનો અધિકાર છે. રાજીવ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દોઢ વર્ષથી તેની તપાસ કરવામાં આવી રહી હોવા છતાં આ એપ અંગે આવી કોઈ અપીલ કરવામાં આવી નથી. ઇડી તરફથી પ્રથમ અને એકમાત્ર અપીલ આવી અને તેના પર કાર્યવાહી કરવામાં આવી. છત્તીસગઢ સરકારને આવી જ વિનંતી કરતા કોઈએ રોકી ન હતી.
ભાજપે કોંગ્રેસ પર પ્રહારો તેજ કર્યા
જી તરફ મહાદેવ સટ્ટાબાજીની એપ સાથે જોડાયેલા કૌભાંડને લઈને ભાજપે રવિવારે કોંગ્રેસ પર હુમલો તેજ કર્યો. ભાજપે રાહુલ ગાંધી તેમજ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને આ કેસમાં નાણાંની લેવડ-દેવડમાં તેમની ભૂમિકા સ્પષ્ટ કરવા જણાવ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ આક્ષેપ કર્યો હતો કે આ કેસમાં જે તથ્યો સામે આવ્યા છે તે દર્શાવે છે કે ભ્રષ્ટાચાર અને છેતરપિંડીની નવી પદ્ધતિઓ શોધવામાં કોંગ્રેસનો કોઈ મુકાબલો નથી. ત્રિવેદીએ કહ્યું હતું કે, ‘ભ્રષ્ટાચારની નવી પદ્ધતિઓ શોધતી હોય કે તેના માટે નવા માપદંડો ગોઠવવાની હોય, કોંગ્રેસ પાર્ટી આજે તેનો જીવતો જાગતો પુરાવો છે કે તેની સાથે કોઈ બરોબરી કરી શકતું નથી. હવે તેણે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
નિવેદનમાં ચોંકાવનારા આરોપો સામે આવ્યા
તમને જણાવી દઈએ કે EDએ શુક્રવારે દાવો કર્યો હતો કે ફોરેન્સિક વિશ્લેષણ અને કેશ કુરિયરના નિવેદનમાં ચોંકાવનારા આરોપો સામે આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર્સે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને અત્યાર સુધીમાં લગભગ 508 કરોડ રૂપિયા ચૂકવ્યા છે અને આ તપાસનો વિષય છે. એજન્સીએ કથિત એજન્ટ, 38 વર્ષીય અસીમ દાસ, રાયપુરમાં તેની પાસેથી 5.39 કરોડ રૂપિયાની રોકડ વસૂલ કર્યા પછી તેની ધરપકડ કરી હતી. તેમને એપના પ્રમોટર્સ વતી યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)થી ખાસ કરીને સત્તાધારી કોંગ્રેસ પાર્ટી (છત્તીસગઢમાં)ના ચૂંટણી પ્રચાર ખર્ચ માટે મોટી માત્રામાં રોકડ પહોંચાડવા માટે મોકલવામાં આવ્યો હતો.
બિહારની રાજધાની પટનામાં વંદે ભારત, શતાબ્દી અને રાજધાની એક્સપ્રેસ ટ્રેનોને ઉડાવી દેવાની ધમકી મળી છે. રાજેન્દ્ર નગર ટર્મિનલના સ્ટેશન મેનેજરને એક અજાણ્યા વ્યક્તિએ પોસ્ટ દ્વારા ધમકીભર્યો પત્ર મોકલ્યો છે. આરોપીએ 1.5 કરોડની માંગણી કરી છે. જો પૈસા નહીં ચૂકવવામાં આવે તો નોર્થઈસ્ટ એક્સપ્રેસની જેમ રાજધાની, શતાબ્દી અને વંદે ભારત ટ્રેનોને ઉડાવી દેવામાં આવશે. સ્ટેશન મેનેજરની અરજી પર રેલ્વે પોલીસે આ અંગે કેસ નોંધ્યો છે. પોલીસે પત્ર મોકલનારની ઓળખ કરીને તેની ધરપકડ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. વરિષ્ઠ રેલ્વે પોલીસ અધિકારીએ કહ્યું કે એવું લાગે છે કે કોઈ તોફાની તત્વોએ કોઈને ફસાવવા અથવા હેરાન કરવાના ઈરાદાથી ધમકીભર્યો પત્ર મોકલ્યો છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. આ પહેલા તાજેતરમાં પટના જંકશન અને ગયા-પટના મેમુ ટ્રેનમાં બોમ્બ હોવાનો કોલ આવ્યો હતો. રેલવે પોલીસે બંને કેસમાં આરોપીઓની ધરપકડ કરી હતી.
રેલ્વે પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે સામાન્ય પોસ્ટ દ્વારા રાજેન્દ્ર નગર સ્ટેશન મેનેજર શેખર ચંદને એક પત્ર પહોંચ્યો હતો. તેણે પત્ર ખોલીને વાંચ્યો તો તે ચોંકી ગયો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે ‘અઢી કરોડ રૂપિયા નહીં તો રાજધાની, શતાબ્દી અને વંદે ભારત ટ્રેન નહીં બચે. જ્યારે પ્રથમ અક્ષરને અવગણવામાં આવ્યો ત્યારે તેનો નમૂનો નોર્થ ઈસ્ટ એક્સપ્રેસમાં દેખાયો. સરનામું અને નામ પહેલા જેવું જ છે.’ ધમકીભર્યા પત્રથી રેલવે અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. બાદમાં આ અંગેની માહિતી રેલવે પોલીસને આપવામાં આવી હતી. આ પત્ર પટનાના રામકૃષ્ણ નગર WMJ રોડના રહેવાસી કમલ દેવ સિંહના નામે લખવામાં આવ્યો છે. રેલવે પોલીસ અધિકારીએ જણાવ્યું કે હાલમાં તમામ તથ્યો પર તપાસ ચાલી રહી છે. આ મામલાની તમામ બિંદુઓથી તપાસ કરવામાં આવી રહી છે.
પટનાના તમામ સ્ટેશનો પર તકેદારી રાખવા સૂચના
રાજધાની, શતાબ્દી અને વંદે ભારત ટ્રેનોને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા જ પટનાના તમામ સ્ટેશનોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. GRP અને RPF સ્ટેશનો પરથી પસાર થતી ટ્રેનોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પરિસરમાં તપાસ કરી રહી છે. દાનાપુર આરપીએફના વરિષ્ઠ કમાન્ડન્ટ પ્રકાશ કુમાર પાંડાએ જણાવ્યું કે જીઆરપી આ મામલાની તપાસ કરી રહી છે. આરપીએફ અને જીઆરપી દ્વારા સાવચેતીના સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે.
કોલકાતાઃ આજે વિરાટ કોહલીની ઐતિહાસિક 49મી ODI સદી જોયા બાદ અહીંના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોને ભારતના બોલરોએ ઘેલાં કરી દીધા. કોહલીના અણનમ 101 રનના જોરે ભારતે સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ કપ-2023 મેચમાં પોતાના હિસ્સાની 50 ઓવરમાં પાંચ વિકેટે 326 રન કર્યા બાદ ભારતના બોલરોએ એક વધુ ધમાકેદાર પરફોર્મન્સ બતાવીને આફ્રિકાના બેટર્સની હાલત ખરાબ કરી નાખી હતી. ટેમ્બા બવૂમાના નેતૃત્ત્વ હેઠળની ટીમ માત્ર 27.1 ઓવર રમી શકી અને 83 રનમાં ઓલઆઉટ થઈને મેચ 243 રનથી હારી ગઈ. ટીમમાં હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર રહ્યો 14 રન – માર્કો યાન્સનનો.
ભારતની જેમ સ્પર્ધાની સેમી ફાઈનલમાં પહોંચી ગયેલી સાઉથ આફ્રિકાની ટીમે આજે અત્યંત ખરાબ, અપેક્ષાવિહોણી બેટિંગ કરી. ભારતના જુસ્સાદાર બોલરોનો સામનો કેવી રીતે કરવો એની તેના બેટર્સને ખબર જ પડી નહોતી. ટીમના અત્યંત ખતરનાક અને ઈન-ફોર્મ બેટર, ઓપનર-વિકેટકીપર ક્વિન્ટન ડી કોક (5)ને મોહમ્મદ સિરાજે ક્લીન બોલ્ડ કર્યા બાદ આફ્રિકન ટીમની દશા બેઠી હતી. બવૂમા (11)ને ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ બોલ્ડ કરીને મોટું અપસેટ સર્જ્યું હતું. તે પછી નિયમિત રીતે વિકેટ પડતી જ રહી. આફ્રિકાના ધરખમ બેટર્સ, જેવા કે, રાસી વાન ડેર ડુસેન (13), એડન મારક્રમ (9), હેનરીક ક્લાસેન (1) અને ડેવિડ મિલર (11) વામણા પુરવાર થયા.
જાડેજાએ 9 ઓવર ફેંકી જેમાં 33 રન આપીને 5 વિકેટ લીધી – બવૂમા, ક્લાસેન, મિલર, કેશવ મહારાજ (7) અને કેગીસો રબાડા (6). શમીએ વાન ડેર ડુસેન અને મારક્રમને આઉટ કર્યા તો, ડાબોડી ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે યાન્સન અને લુન્ગી એનગીડી (0)ને તંબૂ ભેગા કર્યા.
10-ટીમવાળી સ્પર્ધામાં રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમનો આ સતત 8મો વિજય છે. હવે 12 નવેમ્બરે ભારતીયો નેધરલેન્ડ્સ સામે થશે, જે તેમની આખરી લીગ મેચ હશે. સાઉથ આફ્રિકા તેની આખરી લીગ મેચ 10 નવેમ્બરે અમદાવાદમાં અફઘાનિસ્તાન સામે રમશે. રાઉન્ડ રોબિન તબક્કાને અંતે ટોચની ચાર ટીમ સેમી ફાઈનલમાં રમશે. ભારત, સાઉથ આફ્રિકા ઉપરાંત અન્ય બે સ્થાન માટે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રસાકસી જામી છે. પહેલી સેમી ફાઈનલ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી સેમી ફાઈનલ 16 નવેમ્બરે ઈડન ગાર્ડન્સમાં રમાશે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.