Home Blog Page 2366

આઇસી15 ઇન્ડેક્સ 1,469 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટો કિંગ ગણાતા એફટીએક્સના સ્થાપક સામ બેન્કમેન-ફ્રાઇડને કરોડો ડોલરના કૌભાંડ માટે દોષિત ઠેરવવામાં આવ્યા એ ઘટનાને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મોટો ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.35 ટકા (1,469 પોઇન્ટ) ઘટીને 42,362 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 43,831 ખૂલ્યા બાદ 43,910ની ઉપલી અને 42,268ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી ફક્ત કાર્ડાનો (2.19 ટકા) વૃદ્ધિ થઈ હતી. સોલાના, પોલકાડોટ, ડોઝકોઇન અને શિબા ઇનુ 3થી 12 ટકાની રેન્જમાં ઘટ્યા હતા.

અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજદરમાં મોટો વધારો નહીં થવાનો અંદાજ આપ્યો હોવાથી બિટકોઇનનો ભાવ ક્રિસમસ સુધીમાં 35,000 ડોલર કરતાં વધુ જવાની ધારણા છે. જો ફુગાવામાં ઘટાડો થશે તો વ્યાજદરમાં પણ ઘટાડો થઈ શકે છે. એની અસર તળે ઈક્વિટીમાં વૃદ્ધિ થઈ શકે છે.

ભૂટાનના રાજા ત્રણ-દિવસ ભારતની મુલાકાતે…

ભારતના મિત્રદેશ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક ભારતની ત્રણ-દિવસની યાત્રા પર આવ્યા છે. 3 નવેમ્બર, શુક્રવારે આસામના ગુવાહાટી સ્થિત લોકપ્રિય ગોપીનાથ બોર્ડોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આગમન કર્યું હતું. ત્યાં આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિશ્વા શર્માએ એમનું સ્વાગત કર્યું હતું. ભૂટાન નરેશ બાદમાં ગુવાહાટીમાં આવેલા કામાખ્યા માતાનાં મંદિરમાં દર્શન કરવા ગયા હતા. ભૂટાનના રાજા ભારતમાંના રોકાણ દરમિયાન નવી દિલ્હી અને મહારાષ્ટ્ર પણ જશે. નવી દિલ્હીમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ પ્રધાન એસ. જયશંકર તથા બીજા વરિષ્ઠ અધિકારીઓને મળશે.

ભૂટાનના રાજાનું ગુવાહાટી એરપોર્ટ પર સ્વાગત કરતા આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિશ્વા શર્મા.

(તસવીર સૌજન્યઃ @mygovassam, @MEAIndia, CMOfficeAssam)

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૩ નવેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૩ નવેમ્બર, ૨૦૨૩

પરીક્ષા આપતી વિદ્યાર્થિનીનું હાર્ટ એટેક આવતાં મોત

અમરેલીઃ રાજ્યમાં હવે પ્રતિ દિન બેત્રણ કિસ્સાઓ હાર્ટએટેકના આવી રહ્યા છે. ગઈ કાલે અંકલેશ્વરમાં 10 વર્ષની એક બાળકીનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. જ્યારે આજે અમરેલીમાં એક વિદ્યાર્થિનીનું હૃદય બંધ પડી જતાં મોત થયું છે. આ વિદ્યાર્થિની સ્કૂલમાં પેપર લખતાં લખતાં અચાનક ઢળી પડી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીની શાંતાબા ગજેરા સ્કૂલમાં નવમા ભણતી એક વિદ્યાર્થિની સ્કૂલમાં પરીક્ષાનું પેપર લખી રહી હતી. તે પેપર લખતાં અચાનક ઢળી પડી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તારણમાં તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે મોતનું સ્પષ્ટ કારણ પોસ્ટમોર્ટમ રપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ અટેકથી સુરતમાં ત્રણ તો ભાવનગર અને વડોદરામા એકનું મોત થયું છે. સુરતના કતારગામ વિસ્તારમાં શેરબજારનું કામ કરતા 48 વર્ષીય વ્યક્તિને હાર્ટ અટેક આવતા તેઓ બાથરૂમમાં ઢળી પડી હતી. તે ઉપરાંત ટેલરિંગનું કામ કરતા વસંત ભાઈ ચૌધરીને છાતીમાં દુખાવો થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું. બમરોલીમાં વિસ્તામાં યુવક ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘરે બેઠો હતો ત્યારે અચાનક જ તેમની તબિયત લથડી હતી અને બાદ હાર્ટ અટેક આવતા તે ઘરમાં જ ઢળી પડ્યો હતો. ભાવનગર શહેરના રસાલા કેમ્પમાં રહેતા આધેડ મહિલાનું હાર્ટ અટેક થી મોત થયું છે. વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા 46 વર્ષિય અમિત પ્રવીણચંદ્ર દેસાઈનું હાર્ટ એટેકથી મોત થયું છે.

 

 

 

 

 

 

USમાં ગેરકાયદે પ્રવેશ કરતા 97,000 ભારતીયો હિરાસતમાં

નવી દિલ્હીઃ અમેરિકામાં આશરે 97,000 ભારતીયો જાનમાલના નુકસાન છતાં ખતરનાક રસ્તાથી પ્રવેશવાના પ્રયાસ કર્યા હતા, આ લોકોમાં 700થી વધુ તો બાળકો હતો. ઓક્ટોબર, 2022 અને સપ્ટેમ્બર, 2023 દરમ્યાન એક વર્ષમાં ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ કરતા સમયે રેકોર્ડ 96,917 ભારતીયોની ધરપકડ થઈ હતી.

અમેરિકી કસ્ટમર એન્ડ બોર્ડર પ્રોટેક્શને આ ખુલાસો કર્યો હતો, એમાં 3,00,10ને કેનેડા તરફથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા પકડવામાં આવ્યા હતા, જ્યારે બીજી તરફ 41,770ને મેક્સિકોની બોર્ડર તરફથી પકડવામાં આવ્યા હતા. બાકીના લોકોને અમેરિકામાં પ્રવેશ થયા પછી પકડવામાં આવ્યા હતા.

છેલ્લા એક વર્ષમાં આશે 97,000 ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશને મામલે પકડવામાં આવ્યા હતા. અમેરિકામાં આવા ગેરકાયદે પ્રવેશનારાઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ આંકડો પાંચ ગણો વધી ગયો છે. 2019-20માં 19,883 ભારતીયોને ગેરકાયદે પ્રવેશના મામલે પકડવામાં આવ્યા હતા.

ગુજરાત, પંજાબના લોકો વધુ

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાવાળા લોકોમાં ગુજરાત અને પંજાબના વધુ લોકો છે, જે અમેરિકામાં વસવાટ કરવા ઇચ્છે છે. આ લોકોમાંથી જે લોકોને પકડવામાં આવે છે, તેમને ચાર શ્રેણીમાં વહેંચવામાં આવે છે. સિંગલ્, એકલાં બાળકો, પરિવારની સાથે બાળકો અને ફેમિલી. અત્યાર સુધી જેટલા લોકો પકડાયા છે, એમાં 730 તો બાળકો છે, જ્યારે 84,000 એકલા જ અમેરિકામાં ઘૂસવાના પ્રયાસ કરી રહ્યા હતા. સ્થાનિક મિડિયાના અહેવાલ અનુસાર પ્રતિ વર્ષ બહુબધા ભારતીયો ગેરકાયદે પ્રવેશના પ્રયાસમાં પકડાઈ જાય છે, પરંતુ માત્ર કેટલાકનો દેશનિકાલ કરવામાં આવે છે, કેમ કે તેઓ માનવીય આધારે ત્યાં શરણ ઇચ્છતા હોય છે.

 

 

 

 

 

 

ગાઝા, વેસ્ટ બેન્કમાં 1.2 અબજ ડોલરની સહાયતાની જરૂરઃ યૂએન

જિનેવાઃ સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાના માનવતાવાદી કાર્યાલય તરફથી આજે જણાવવામાં આવ્યું છે કે ઈઝરાયલના તાબા હેઠળના ગાઝા સ્ટ્રીપમાં 27 લાખ લોકો અને વેસ્ટ બેન્કમાંના પાંચ લાખ લોકોની જરૂરિયાતોની સંભાળ લેવા માટે આ વર્ષના અંત સુધીમાં અંદાજે 1 અબજ 20 લાખ ડોલરની રકમની સહાયતાની જરૂર પડશે. યૂએન ઓફિસ ફોર કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ કાર્યાલયે ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધની શરૂઆત વખતે એવી અપીલ કરી હતી કે આશરે 13 લાખ લોકોની સંભાળ લેવા માટે 29 કરોડ 40 લાખ ડોલરના ભંડોળની આવશ્યક્તા છે.

સંસ્થાના પ્રવક્તા જેન્સ લાર્કેએ કહ્યું છે કે, પહેલા કરતાં પરિસ્થિતિ હવે વધારે બગડી ગઈ છે. ઈઝરાયલી સેનાએ ગીચ વસ્તીવાળા ભાગોમાં બોમ્બમારો કરતાં ગાઝાનાં રહેવાસીઓ માટે સહાય પૂરવઠો મોકલવાનું રોકી દેવું પડ્યું છે. હજારો લોકો માર્યા ગયા છે. ઈઝરાયલના બોમ્બમારાને કારણે સહાયતાકર્મીઓ આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો રહેવાસીઓ સુધી પહોંચાડવા અસમર્થ છે.

USમાં 1.15 કરોડ ડોલરની હેલ્થકેર છેતરપિંડીમાં ભારતીય દોષી

ન્યુ યોર્કઃ અમેરિકાના એટર્ની વિકાસ ખન્નાએ જાહેરાત કરી હતી કે ભારતમાં સ્થિત એક માર્કેટિંગ કંપનીના માલિક 1.15 કરોડ ડોલરની હેલ્થકેરની છેતરપિંડી કરવાનો અને ગેરકાયદે લાંચ આપવા અને લેવાના કાવતરામાં પોતાની ભૂમિકાનો સ્વીકાર કર્યો છે. ભારતીય ચિંતન અંજારિયાએ નેવાર્કની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પોતાનાના ગુનાનો સ્વીકાર કર્યો છે, જેમાં તેમણે કાયદાનું ઉલ્લંઘન કરીને અને હેલ્થકેર છેતરપિંડી કરીને કાવતરા રચવાનો આરોપ લગાવ્યો હતો.

કોર્ટના દસ્તાવેજો અનુસાર ફેબ્રુઆરી, 2017થી મે, 2022 સુધી અંજારિયાની ઓર્થોટિક બ્રેસ સપ્લાય કંપની ટેલિમેડિસિન કંપનીઓ અને ટેસ્ટિંગ લેબોરટરીઝની સાથે લાંચ આપવા અને લેવાની ભૂમિકામાં હતી, જેમાં મેડિકેરના ખોટા અને છેતરપિંડીવાળા દાવા પ્રસ્તુત કર્યા હતા.

અંજારિયાએ ભારતમાં એક માર્કેટિંગ કંપની પર નિયંત્રણ કર્યું હતું, જેના દ્વારા તે અને તેમના ષડયંત્રકારોએ ઓર્થોટિક બ્રેસિઝ અને કેન્સર જેનેટિક્સ ટેસ્ટ (CGX) માટે મેડિકેર લાભાર્થીઓની ઓળખ કરી હતી.

કંપનીના કર્મચારીઓએ લાભાર્થીઓને બોલાવ્યા હતા અને ટેસ્ટિંગ વગર ઓર્થોટિક બ્રેસિઝ અને CGX સ્વીકાર કરવા માટે તેમના પર દબાણ કર્યું હતું. ત્યાર બાદ અંજારિયાએ ડોકટરની સલાહને અમેરિકાસ્થિત ઓર્થોટિક બ્રેસ સપ્લાયર્સ અને ટેસ્ટિંગ લેબોરેટરીઝ સુધી પહોંચાડ્યા હતા, જેની સાથે અંજારિયા અને તેમની કંપનીની પાસે વધારાની લાંચની વ્યવસ્થા કરી હતી.

ઓવરઓલ અંજારિયા અને તેમના ષડયંત્રકારોએ મેડિકેરને 1.15 કરોડ ડોલરથી વધુનું નુકસાન પહોંચાડ્યું હતું. અમેરિકામાં હેલ્થકેર ઠેતરપિંડી માટે મહત્તમ 10 વર્ષની જેલની સજા છે અને ગેરકાયદે લાંચ આપવાના કાવતરા માટે મહત્તમ પાંચ વર્ષની જેલની સજા છે. બંને મામલાઓમાં 2.50 લાખ ડોલરનો દંડ અથવા જેલ અથવા ગુના કે લાભથી બમણું – જે મોટું હોય, દંડનીય છે. અંજારિયાને 12 માર્ચ, 2024એ સજા સંભળાવવામાં આવશે.

 

 

 

 

ભારત સામેના આગામી મુકાબલાથી અમે ગભરાતા નથી: વાન ડેર ડુસેન (SA બેટર)

કોલકાતાઃ ગઈ કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને 55 રનમાં ઓલઆઉટ કરીને 302 રનના જબ્બર માર્જિનથી જીત હાંસલ કરીને ભારતીય ટીમે વર્લ્ડ કપ-2023માં પોતાની અપરાજિત આગેકૂચ જાળવી રાખી છે. આ બહોળી જીતથી રોહિત શર્મા અને તેના સાથીઓ સેમી ફાઈનલમાં પહોંચી ગયા છે. સ્પર્ધામાં ભારતનો દબદબો વધી ગયો છે. ત્રણ ફાસ્ટ બોલર – જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શામીએ તરખાટ મચાવીને 9 બેટરને આઉટ કર્યા હતા. શ્રીલંકા ટીમ માત્ર 19.4 ઓવર જ રમી શકી હતી. વ્યક્તિગત હાઈએસ્ટ સ્કોર 14 રનનો હતો જે 10મા ક્રમે આવેલા કસુન રજિથાએ નોંધાવ્યો હતો. ભારત હવે પાંચ નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સાઉથ આફ્રિકા સામે રમશે. ટેમ્બા બવૂમાની આગેવાની હેઠળની સાઉથ આફ્રિકન ટીમ 7માંથી 6 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં ભારત બાદ બીજા ક્રમે છે. સાઉથ આફ્રિકા એક મેચ હારી છે – નેધરલેન્ડ્સ સામે. સામે છેડે, અપરાજિત રહેલી ભારતીય ટીમની શક્તિ અને ખેલાડીઓનો આત્મવિશ્વાસ ખૂબ વધી ગયા છે.

આમ છતાં, સાઉથ આફ્રિકાનો બેટર રાસી વાન ડેર ડુસેન કહે છે, ‘ભારત સામેના આગામી મુકાબલાથી અમે જરાય ગભરાટમાં નથી કે ચિંતિત નથી. આ સ્પર્ધામાં અમે અમારું ફોકસ જાળવવામાં સફળ રહ્યા છીએ કે અમારે શું કરવું છે અને અમારે કઈ રીતે રમવું છે. તેથી સામે કઈ ટીમ છે એની અમે પરવા કરતા નથી. અમને ખબર છે કે અમે અમારા ફોકસ અનુસાર રમીશું તો ધાર્યું પરિણામ મેળવી શકીશું. ભારતમાં ભારતીય ટીમ સામે રમવું એ બહુ મોટો મુકાબલો કહેવાય. એ ટીમ સ્પર્ધામાં ખૂબ જ સરસ રમી રહી છે. ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓ છે. એમની પાસે સારી બેટિંગ લાઈન-અપ છે અને જોરદાર બોલિંગ આક્રમણ છે. દબાણમાં સારો દેખાવ કરવાનો અમારી સમક્ષ પડકાર છે. અમે અહીંયા અગાઉ એમની સામે રમી ચૂક્યા છીએ અને એમને હરાવી ચૂક્યા પણ છીએ. એટલે ભલે આ વર્લ્ડ કપ છે તે છતાં અમારે મન ખાસ કંઈ અલગ નથી.’

સાઉથ આફ્રિકાએ ગઈ 1 નવેમ્બરે પુણેમાં ન્યૂઝીલેન્ડને 190 રનથી પરાજય આપ્યો હતો. એમાં વાન ડેર ડુસેને 119 બોલમાં 9 ચોગ્ગા, પાંચ છગ્ગા સાથે 133 રન ફટકાર્યા હતા. ઓપનર-વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે 114 રન ફટકાર્યા હતા અને બંનેએ બીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી.

ભૂમિ પેડણકરે ઉર્ફી જાવેદના લુકને કર્યો કોપી

નવી દિલ્હીઃ ઉર્ફી જાવેદ અતરંગી કપડાં માટે જાણીતી છે. આઉટફિટના અવનવા પ્રયોગ કરતી રહે છે અને વારંવાર આ કારણે લોકોના મેણાંટોણાં પણ સાંભળ્યા કરે છે. હાલમાં લોકોએ જ્યારે બોલીવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડણેકરને જોઈ તો તેમને ઉર્ફીની યાદ આવી ગઈ હતી. નેટિઝન્સ ત્યાં સુધી કહેવા લાગ્યા કે હવે દરેક જણ ઉર્ફી બનવા ઇચ્છે છે. ભૂમિનો આ વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

ભૂમિએ મરૂન રંગનું સ્કર્ટ અને ટોપ પહેર્યાં હતાં. તેનું ટોપ બોડીથી એકદમ ચપોચપ હતું. લોકો કહી રહ્યા હતા કે તે શ્વાસ પણ શાંતિથી નહોતી લઈ રહી અને એ કપડાંઓમાં તે બહુ અનકન્ફર્ટ હતી. એક યુઝરે લખ્યું હતું કે હવે બધા ઉર્ફી બનવા ઇચ્છે છે, જ્યારે બીજાએ કોમેન્ટ કરી હતી કે અમને ઓરિજિનલ ભૂમિ જોઈએ છે, ના કે ફેકવાળી. એક અન્ય યુઝરે લખ્યું હતું કે તે બહુ અનકમ્ફર્ટેબલ લાગતી હતી. તે શ્વાસ પણ નથી લઈ શકતી. અન્યએ લખ્યું હતું કે તે ઉર્ફીથી શું ઓછી છે?

34 વર્ષીય ભૂમિનો એક વધુ વિડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે. એમાં તેના એબ્સ જોઈને લોકો હેરાન છે અને બહુ ખરાબ રીતે તેને ટોણા મારી રહ્યા છે. તેની ડ્રેસિંગ સેન્સને પણ ખરાબ બતાવી રહ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ભૂમિ આ વર્ષે ‘ભીડ’, ‘અફવા’, ‘થેન્કયુ ફોર કમિંગ’માં દેખાઈ હતી. તેની આગામી ફિલ્મ ‘ધ લેડી કિલર’ છે, એમાં અર્જુંન કપૂર પણ છે.

 

 

 

 

 

 

સાપનું ઝેર વેચનાર એલ્વિશ યાદવને તાત્કાલિક પકડવો જોઈએઃ મેનકા ગાંધી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ પોલીસે રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાઈ કરવા બદલ યૂટ્યૂબર અને બિગ બોસ ટીવી શોના વિજેતા એલ્વિશ યાદવ સામે એફઆઈઆર ફરિયાદ નોંધી છે. ભારતીય જનતા પાર્ટીનાં સંસદસભ્ય અને પીપલ ફોર એનિમલ્સ (પીએફએ) સંસ્થાનાં સ્થાપક મેનકા ગાંધીનું કહેવું છે કે, ‘એલ્વિશ યાદવની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. આ ગ્રેડ-1 અપરાધ છે, જે માટે અપરાધીને સાત વર્ષની જેલની સજા થાય… અમારી સંસ્થાએ છટકું ગોઠવીને આ લોકોને પકડ્યા હતા. યાદવ તેના વીડિયોમાં સાપ જેવા ખતરનાક પ્રાણીઓનો ઉપયોગ કરતો હતો. બાદમાં અમને જાણવા મળ્યું હતું કે એ નોઈડા અને ગુરુગ્રામ જેવા સ્થળોએ પાર્ટીઓમાં સાપનું ઝેર વેચે છે.’ એલ્વિશ યાદવ હાલ ફરાર છે. પોલીસ એને શોધી રહી છે. યાદવે એક અજ્ઞાત સ્થળેથી પોતાનું વીડિયો નિવેદન સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે જેમાં એણે પોતાની સામેના આરોપોને નકારી કાઢ્યા છે.

ઉલ્લેખનીય છે કે, યૂટ્યૂબ પર મૂકેલા વીડિયોમાં એલ્વિશ યાદવને કોબ્રા સહિતના સર્પ સાથે જોવા શકાય છે. એમાંના ઘણા સાપ તો એવા છે જેમની જાતિ લુપ્ત થવાને આરે આવી ગઈ છે. મેનકા ગાંધીનું કહેવું છે કે સાપનું ઝેર કાઢી લેવું ગુનો ગણાય છે, કારણ કે સાપમાંથી ઝેર કાઢી લેવામાં આવે તો એ મરી જાય. એમનું ઝેર તેઓ જે ખાય એને પચાવવાનું કાર્ય કરતું હોય છે. આ કુદરતે જ નિર્માણ કરેલી પ્રક્રિયા છે.