Home Blog Page 2367

સમસ્યાઓના સમાધાન માટે વિશાળ બુદ્ધિ તથા નિર્ણય શક્તિ જોઈએ

આજે જેટલા પણ બાળ મજદૂરો છે તેમનો જન્મ પણ તેમના માતા-પિતા દ્વારા જ થયો છે. માતા-પિતા દ્વારા સંતાન પ્રાપ્તિનો આધાર કામ-વાસના છે. જે ફક્ત લગ્ન જીવન પૂરતી જ મર્યાદિત હોય તેવું નથી. જેના કારણે ગેરકાયદેસરના બાળકો ઉત્પન્ન થતા રહે છે.

સામાજિક બંધનો તથા લોકલાજના કારણે માતા -પિતા તેમને સ્વીકાર કરી શકતા નથી. આવા બાળકો અનાથ બની પેટની આગ ઠારવા માટે ભટકવા માટે મજબૂર બને છે. સરકાર આવા બાળકોને ઉદ્ધાર માટે કાયદા બનાવે છે પરંતુ સમસ્યાનુ મૂળ ગેરકાયદેસરની કામવાસના પ્રવૃત્તિ છે જેને રોકવા માટે કોઈ કાયદો નથી, પરિણામે દર વર્ષે આવા બાળકોની સંખ્યા વધતી જ જાય છે. આથી ઈશ્વરીય શ્રીમત અનુસાર સંયમ યુક્ત જીવનના ફાયદાનો પ્રચાર કરી લોકોમાં મર્યાદિત જીવનનું મહત્વ ઉત્પન્ન કરી આ સમસ્યાને સમાપ્ત કરી શકાય છે.

હવે આપણે કાયદેસર બનેલ પરિવારો ઉપર એક નજર નાખીએ. ઉદાહરણ રૂપે – એક વ્યક્તિ 12 વર્ષની ઉંમરથી મજૂરી કરી રહેલ છે કારણ કે તેના પિતા બીમાર હતા અને 5 ભાઈઓમાં તે સૌથી મોટો હતો. પાંચેય ભાઈઓને ઘરની પરિસ્થિતિના કારણે નાની ઉંમરથી કમાવવું પડ્યું. હવે 20 વર્ષની ઉંમરે મોટા છોકરાના લગ્ન 18 વર્ષની એક એવી કન્યા સાથે થયા કે જે 7 ભાઈ બહેનોમાં સૌથી મોટી હતી. તેને 12 વર્ષની ઉંમર થી માંની સાથે મજૂરી કરવી પડી. બંનેને પોતાના માતા-પિતા તરફથી કાંઈ જ ન મળ્યું. હવે તેમણે એ નિર્ણય કરવાનો છે કે જે દુઃખ દર્દમાંથી તેઓ પસાર થયા છે તેમાંથી તેમના બાળકો મુક્ત રહે. જે રીતે કોઈ સાધન બનાવતા પહેલા તેનો રંગ, આકાર, ગુણ, ટકાઉપણું વગેરેનું પૂરું જ્ઞાન તથા તાલીમ જરૂરી છે તેવી જ રીતે લગ્ન જીવન શરૂ કરનાર વ્યક્તિઓએ એ બાબતનું પાલન કરવું જોઈએ કે ભલે સંતાન ન હોય અને જો હોય તો તે સમાજની કોઈપણ મુશ્કેલીને વધારવા વાળાના હોય.

આ જવાબદારી સરકારની પહેલા દરેક માતા-પિતાની છે. રહેવા માટે મકાન તથા ખાવા માટે પૂરતા અન્ન વગરના દંપતિઓએ બાળ મજૂરોની સંખ્યા વધારવાનું મહાન પાપ ના કરવું જોઈએ. આવું ત્યારે જ શક્ય બનશે કે જ્યારે લગ્ન જીવનમાં સંયમ તથા બ્રહ્મચર્યની ઉપયોગીતાનો સ્વીકાર કરવામાં આવે. આ માટે લોકોને માનસિક રૂપથી તૈયાર કરવામાં આવે. ઘણી સમસ્યાઓના મૂળમાં જૂની, ચિલાચાલુ દેહઅભિમાન ઉપર આધારિત વાતો હોય છે, જે પ્રત્યે જાગૃતિ ઉત્પન્ન કરવાથી પણ સમાધાન મળી શકે છે. સામાન્ય માન્યતા છે કે વંશ વૃદ્ધિ માટે પોતાનું જ લોહી હોવું જોઈએ. પરંતુ આ સંકુચિત માન્યતાને વર્તમાન સમસ્યાઓ થી ભરેલ સમાજમાં કોઈ મહત્વ ન આપવું જોઈએ. સમસ્યાઓના સમાધાન માટે વિશાળ બુદ્ધિ તથા ત્રણે કાળને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાની શક્તિ હોવી જોઈએ. ધરતી ઉપર આવેલ મનુષ્યને કાયમ માટે દરેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળે આ વિચાર સાથે દરેક સંકુચિત વિચારધારાઓની જંજીરોને તોડી નાખવી જોઈએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

એપલની આવક ભારતમાં ઓલટાઇમ ઊંચી સપાટીએ

મુંબઈઃ iફોન ઉત્પાદક એપલે સપ્ટેમ્બર, 2023એ પૂરા થતા સમયગાળાના પરિણામો જાહેર કર્યાં છે. કંપનીની ત્રીજા ત્રિમાસિક ગાળામાં આવક એક ટકો ઘટીને 89.5 અબજ ડોલરની આવક થઈ હતી. કંપનીની ત્રિમાસિક ગાળામાં iફોનની આવક ત્રણ ટકા 43.8 અબજ ડોલરની હતી.

કંપનીના CEO ટિમ કુકે કહ્યું હતું  કે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં iફોનની આવક અમારી અપેક્ષાઓ કરતાં વધી ગઈ છે. ભારતમાં આવક ઊંચા રેકોર્ડની સાથે-સાથે ચીન, લેટિન અમેરિકા, મધ્ય-પૂર્વ, દક્ષિણ એશિયા સહિતનાં ઘણાં બજારોમાં ત્રિમાસિક રેકોર્ડ બનાવવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે ભારતમાં મધ્યમ વર્ગ બહોળો છે, જેથી કંપનીનું મુખ્ય ધ્યાન ભારત તરફ કેન્દ્રિત છે. કંપનીએ દેશમાં તેનો પહેલો  રિટેલ સ્ટોર  મુંબઈમાં શરૂ કર્યો હતો.  ત્યાર બાદ દિલ્હીમાં શરૂ કર્યો હતો.ય તેમણે આ સ્ટોર્સ વિશે કહ્યું હતું કે  અમે ત્યાં બે રિટેલ સ્ટોર્સ ખોલ્યા છે અને તેઓ અમારી અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે.

કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં ભારતમાં કુલ રૂ. 49,321 કરોડની આવક ઊભી કરી છે. આવકમાં આ વધારો કંપનીના ઉત્પાદન વેચાણમાં 48 ટકા વધારાને કારણે થયો છે. આ સમયગાળામાં ચોખ્ખો નફો 76 ટકા વધીને રૂ. 2229 કરોડ થયો છે.

તેમણે ભારતને કંપની માટે રોમાંચક બજાર ગણાવ્યું છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં Appleની એકંદર આવક અગાઉના ક્વાર્ટરની તુલનામાં ઘટી છે, પરંતુ ભારતમાં આવકે સર્વકાલીન ઉચ્ચ વિક્રમ સ્થાપ્યો છે.

 

 

 

 

કોરાનાના 14  નવા કેસો, એક પણ મોત નહીં         

 નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 14  નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,343 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,294 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,826 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 19 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 242 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,75,225 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 96 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

વાસ્તુ: તહેવારના દિવસોમાં ઘરમાં સકારાત્મકતા વધારવા શું કરવું?

દિવાળી આવે એટલે બધે સફાઈ શરુ થઇ જાય. ક્યારેક પ્રેમથી તો ક્યારેક પરાણે બોણી પણ મંગાય. પણ શું ઘર, રસ્તાઓ કે સોસાયટીને સાફ કરીએ એટલે સફાઈ થઇ ગઈ? ખરેખર તો મનની સફાઈ જરૂરી છે. મનમાં લોભ, લાલચ, દ્વેષ, વૈમનસ્ય, લોલુપતા હોય અને બાકી બધું ચકાચક હોય તો એ શું કામનું? અન્યને દુખી કરીને કરેલો દેખાડો સુખ આપે ખરો? જયારે અગ્નિનો દોષ હોય ત્યારે વ્યક્તિને અન્યનું નુકશાન કરીને પોતાનું સારું કરવાની ઈચ્છા જાગી શકે. સોસાયટી પ્રમુખ ઇશાન કે ઉત્તરમાં હોય તો પણ એમને આવી ઈચ્છાઓ જાગે. જ્યાં સુધી મન સાફ નહિ હોય ત્યાં સુધી જીવનમાં અંધકારની  પ્રતીતિ થશે. એમાં સદભાવના આવતા જ દિવાળી આવશે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: હું લગ્ન પહેલા એક નાના ગામમાં રહેતી હતી. હવે હું અમદાવાદ રહું છુ. અમારા વિસ્તારમાં એટલી ધૂળ છે કે દિવસમાં ત્રણ વાર સફાઈ કરવી પડે છે. આના કરતા તો અમારા ગામમાં ઓછી ધૂળ ઉડતી. વળી રાત્રે બે વાગે પણ માણસો હોર્ન વગાડીને જાય. ચારેબાજુ કારણ વિનાની લાઈટો ચાલુ રહે છે. બધા જ ભાગી રહ્યા છે. પણ કોઈને ખબર નથી કે ક્યાં પહોંચવાનું છે. અલગ જ શહેર છે. જોકે મારે હવે અહિયાં જ રહેવાનું છે.

મારા સાસુ કહે છે કે દિવાળીની સફાઈ કરવી જોઈએ. આટલી ઓછી સફાઈ કરીએ છીએ કે હવે પછી નવી સફાઈ કરવાની? ગમે તેટલી સફાઈ કરીશું બે કલાકમાં ધૂળ ચડી જશે. શું લોકોના મનમાં સફાઈ ન થાય? અમારી સોસાયટીમાં કેટલાક લોકો દાદાગીરી કરીને બધાને દબાવીને બેસી ગયા છે એમની સફાઈ ન થાય? રાવણ દહનના દિવસે આવા લોકોને જ રાવણના બદલે દહન કરી દે તો? ગુંડો શબ્દ મેં સાંભળેલો. પણ ગુંડી શબ્દ મેં અમારે ત્યાં આવીને જ સાંભળ્યો. અને પોતે ગુંડી છે એવું કોઈ કહે? દિવાળી પર આ બધાની સફાઈ ન થાય?

જવાબ: આપણે જે બદલી શકીએ છીએ એ બદલવું જોઈએ. જે નથી બદલી શકતા એ સ્વીકારવું જોઈએ અને શું બદલી શકીશું અને શું નહિ એની સમજણ આપણામાં હોવી જોઈએ. સફાઈ ક્યાં અને કેવી રીતે કરવી એની સમજણ બધામાં નથી હોતી. લોકો વિરોધ કરવાનું ભૂલી જ ગયા છે. એટલે જ આવા ગુંડા, ગુંડીઓ ફાવી રહ્યા છે. જેમ ધૂળ વારંવાર આવી જાય છે એમ નકારાત્મક મેસેજ પણ વારંવાર આવતા રહે છે. જેને કારણે પણ ભીરુતા આવે. વળી ગુંડો પૈસા માંગે અને તમે ન આપો તો? બની શકે એને પણ તમારો ડર લાગે. મનની સફાઈ ખુબ જરૂરી છે. પણ માનવ દહન થી કશું નહિ થાય. એક ગુંડાને બાળશો તો નવો આવી જશે. મૂળ સદી રહ્યા હોય ત્યારે ડાળીઓ કાપવા કરતા મૂળને જ બચાવવા જોઈએ.

આપ શાંત મનથી પૂરી હિંમત સાથે વિચારો. યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો. પહેલાના જમાનામાં આંગણામાં પાણી છાંટતા. જેનાથી બહારની ધૂળ ઘરમાં ન આવે. રાત્રે હોર્ન વગાડવો એ ભીરુતાની નિશાની છે. અચાનક કોઈ આવી જશે તો? મોટા ભાગના ગુન્હા કાલ્પનિક ભયથી પણ થાય છે. મન શાંત હોય તો મનની તાકાત પણ વધે જ. બાકી સોસીયલ મીડ્યાના શહેનશાહ તો ઘણા મળશે.

સુચન: ઇલેક્ટ્રિક લાઈટ કે મીણબત્તી કરતા માટીના કોડિયા વધારે સકારાત્મક છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

શનિવારથી માથેરાન મિની ટ્રેન સેવા ફરી શરૂ

મુંબઈઃ પડોશના રાયગડ જિલ્લામાં આવેલા લોકપ્રિય હિલસ્ટેશન માથેરાન માટેની ટોય-ટ્રેન સેવા (નેરોગેજ) 4 નવેમ્બર, શનિવારથી ફરી શરૂ થશે. ચોમાસાની મોસમને કારણે આ સેવા બંધ રાખવામાં આવી હતી જે શનિવારથી ફરી શરૂ કરવાની મધ્ય રેલવેએ જાહેરાત કરી છે. રેલવેએ આ સાથે ‘માથેરાનની રાણી’ ટોય-ટ્રેન સેવાનું સમયપત્રક પણ બહાર પાડ્યું છે. આ ટ્રેન તળેટીના નેરળ સ્ટેશનેથી પહાડ પર વસેલા માથેરાન સુધી લઈ જાય છે.

ચોમાસાને કારણે નેરળથી અમન લોજ સુધીની સેવા બંધ કરવામાં આવી હતી, અમન લોજથી માથેરાન સુધીની સેવા ચાલુ હતી. હવે નેરળથી માથેરાન સુધી ટ્રેન ફરી શરૂ કરાશે. મિની ટ્રેનમાં એન્જિન સાથે છ ડબ્બા હશે. એક ડબ્બો વિસ્ટાડોમ હશે. નેરળથી ચોથું સ્ટેશન માથેરાન આવે છે. તેની વચ્ચે જુમ્માપટ્ટી, વોટરપાઈપ અને અમન લોજ સ્ટેશનો આવે છે. મુંબઈ મહાનગરથી સૌથી નજીકનું અને ખૂબ જ મનમોહક એવું માથેરાન હિલસ્ટેશન ટ્રેન માર્ગે બે-અઢી કલાકમાં પહોંચી શકાય છે. દિવાળી તહેવાર અને વેકેશન નિમિત્તે અહીં પર્યટકો મોટી સંખ્યામાં આવે છે.

(તસવીર સૌજન્યઃ @Central_Railway)

મિની ટ્રેનનું ટાઈમટેબલઃ

નેરળથીઃ

પહેલી ગાડીઃ સવારે 8.50 વાગ્યે છૂટશે અને 11,30 વાગ્યે માથેરાન પહોંચશે.

બીજી ગાડીઃ નેરળથી 10.25 વાગ્યે છૂટશે અને બપોરે 1.05 વાગ્યે માથેરાન પહોંચશે.

(આ બંને ગાડીની સેવા દરરોજ ઉપલબ્ધ છે)

માથેરાનથીઃ

પહેલી ગાડીઃ બપોરે 2.45 વાગ્યે છૂટશે અને સાંજે 5.30 વાગ્યે નેરળ પહોંચશે.

બીજી ગાડીઃ બપોરે 4.00 વાગ્યે છૂટશે અને સાંજે 6.40 વાગ્યે નેરળ પહોંચશે.

(આ ટ્રેન સેવા દરરોજ ઉપલબ્ધ છે)

અમેરિકામાં તેલંગણાનિવાસી ગ્રેજ્યુએટ વિદ્યાર્થી પર હિચકારો હુમલો

ન્યૂયોર્કઃ અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં વરુણ રાજ પૂચા નામનો એક ભારતીય વિદ્યાર્થી જિમ્નેશ્યમમાં તેની પર કરાયેલા હિચકારા હુમલાને કારણે ગંભીર રીતે ઘાયલ થયો છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગ્રેજ્યુએટ વિદ્યાર્થી વરુણ તેલંગણા રાજ્યનો છે અને આ બાબતમાં મદદરૂપ થવાની તેના પરિવારજનોએ તેલંગણા સરકારને વિનંતી કરી છે. સરકારે મદદ કરવાની ખાતરી આપી છે. વરુણ ઈન્ડિયાના રાજ્યમાં રહે છે. એક જિમ્નેશ્યમમાં તેના માથા પર છરા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તે હાલ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને કેસમાં વધુ તપાસ ચાલુ છે.

અમેરિકાની સરકારે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે વરુણ સંપૂર્ણપણે સાજો થઈ જાય એવી શુભેચ્છા વ્યક્ત કરી છે. પ્રવક્તાએ કહ્યું છે કે, આ કેસમાં કોઈ પણ પ્રશ્નના જવાબ માટે અમે સ્થાનિક પોલીસતંત્રની મદદ લઈ રહ્યા છીએ.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૩ નવેમ્બર, ૨૦૨૩

૦૩ નવેમ્બર, ૨૦૨૩

Chitralekha Gujarati – November 13, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 03/11/2023