Home Blog Page 237

ગુજરાતનું રૂ. 4,08,053 કરોડનું વિક્રમી બજેટ, ક્યા ક્ષેત્ર માટે શું છે જાહેરાતો?

ગાંધીનગર: ગુજરાત સરકારે બુધવારે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું તેનું બજેટ રજૂ કર્યું. જેમાં રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું રૂ. ૪.૦૮ લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા ગુજરાત વિધાનસભામાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું, જે તેમનું સતત પાંચમું વાર્ષિક બજેટ છે.

કનુભાઈ દેસાઈએ પોતાના ભાષણમાં કહ્યું કે બજેટ પાંચ સ્તંભો પર આધારિત છે – સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર-માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને હરિયાળી વૃદ્ધિ – જે આગામી વર્ષો માટે એક વ્યાપક યોજના બનાવવાના સરકારના પ્રયાસો પર ભાર મૂકે છે.

બજેટ સત્ર સોમવારથી શરૂ થયું હતું અને 25 માર્ચ સુધી ચાલુ રહેવાનું છે, જેમાં બજેટ ચર્ચા અને ત્યારબાદની ચર્ચા બેઠકોનો નોંધપાત્ર ભાગ ભજવશે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ પુષ્ટિ આપી છે કે આ સમયગાળા દરમિયાન સત્રમાં 26 બેઠકોનો સમાવેશ થશે.

વિધાનસભાના સત્તાવાર રેકોર્ડ અનુસાર, તાજેતરના વર્ષોમાં બજેટનું કદ સતત વધ્યું છે. 2022-23માં, રાજ્યનું બજેટ 2,43,965 કરોડ રૂપિયા હતું, જે 2023-24 માટે 3,01,021 કરોડ રૂપિયા, 2024-25માં 3,32,465 કરોડ રૂપિયા અને 2025-26માં 3,70,250 કરોડ રૂપિયા થયું છે.

આમ, આ વર્ષનું બજેટ નાણાકીય યોજનાઓમાં સતત વિસ્તરણને પ્રતિબિંબિત કરે છે. ગયા વર્ષના બજેટમાં વિકાસલક્ષી પહેલોની શ્રેણી પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં પાંચ વર્ષમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું ‘વિકસિત ગુજરાત ફંડ’ અને ૨૦૨૫-૨૬માં ૫,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. કૃષિ, શહેરી આવાસ અને જળ સંસાધનો સહિત અન્ય ક્ષેત્રો માટે નોંધપાત્ર ખર્ચનો સમાવેશ થતો હતો.

દરેક ઘરે શુદ્ધ પાણી પહોંચાડવા 100 કરોડની ફાળવણી 

ઘર સુધી નિયમિત ગુણવત્તાયુકત પાણી પહોંચાડવું એ અમારી સરકારની પ્રતિબદ્ધતા છે. 32 શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા મિશન-દૈનિક પાણી પુરવઠો- “જીવન ધારા” અમલમાં મૂકવામાં આવશે. જેના માટે ₹100 કરોડની જોગવાઇ કરું છું.

ગુજરાતને ડમ્પ ફ્રી રાજ્ય બનાવવાનો પ્લાન 

ગુજરાત “ડમ્પ ફ્રી” રાજ્ય બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેના ભાગરૂપે ડમ્પ સાઇટ પર સંગ્રહિત 253 લાખ મેટ્રીક ટનથી વધુ કચરાને વૈજ્ઞાનિક રીતે દૂર કરેલ છે. તેમજ બાકી રહેતી તમામ સાઇટને ડમ્પ ફ્રી કરી તેનો ઉપયોગ જાહેર હેતુ માટે કરવાનું આયોજન છે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 5600 કરોડની ફાળવણી 

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામ અને તેના પરાઓના જોડાણ તેમજ રસ્તાઓના રખરખાવ તથા કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. જે માટે ₹5600 કરોડની જોગવાઇ.

 ‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર’  માટે 800 કરોડની ફાળવણી 

રાજ્યના અલગ અલગ વિસ્તારોના આશરે 1155 કિ.મી. લંબાઈના રસ્તાઓને ‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર’ તરીકે ઘોષિત કર્યા છે. જે રાજ્યના સર્વાંગી વિકાસ, રોજગાર અને આધુનિક ઇન્‍ફ્રાસ્ટ્રકચરની દિશામાં મહત્વપૂર્ણ કડી છે. જેના માટે ₹800 કરોડની જોગવાઇ.  

2026ને ગુજરાત પ્રવાસન વર્ષ જાહેર કરાયું 

ગુજરાત પાસે સફેદ રણના સૌંદર્યથી દરિયાના ઘૂઘવતાં મોજા સુધી, સૂર્યમંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, ગીરની ગર્જનાથી સોમનાથ સુધી પ્રકૃતિનું વૈવિધ્ય અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત કરવા વર્ષ 2026ને “ગુજરાત પ્રવાસન વર્ષ” તરીકે ઉજવવાની જાહેરાત કરું છું.  

સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 236 કરોડની જોગવાઈ 

વિશ્વના આઇકોનિક પ્રવાસન સ્થળ તરીકે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ઉભરી આવ્યું છે. જેના કારણે પરિવહન, હોસ્પિટાલિટી અને હસ્તકળા જેવા ક્ષેત્રોમાં રોકાણને મોટો વેગ મળ્યો છે. જેણે સ્થાનિક આદિવાસી સમુદાય માટે વિશાળ રોજગારીની તકોનું સર્જન કર્યું છે. આ વિસ્તારની આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા માટે ₹236 કરોડની જોગવાઇ કરું છું.

“સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ઉજવણી કરાશે 

સમગ્ર ભારતવર્ષની આન, બાન, શાન અને સ્વાભિમાનનું પ્રતિક એટલે સોમનાથ. વારંવાર થયેલા હુમલા છતાં પણ 1 હજાર વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતૂટ આસ્થાના કારણે આજે પણ ગર્વભેર અડીખમ ઊભું રહ્યું છે. આ અવસરને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલ “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરાશે.

સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવાશે 

સરકારે સોમનાથ જેવી પવિત્ર વિરાસત સાથે વિકાસને જોડીને “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્રને સાકાર કર્યો છે. વડાપ્રધાનના ‘વન સ્ટેટ : વન ગ્લોબલ ડેસ્ટિનેશન’ના વિઝનને સાકાર કરવા સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવવાનો પ્લાન.

“અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન”  જાહેર 

અંબાજી યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે “અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન” અંતર્ગત ₹300 કરોડની જોગવાઇ.

ભક્તો માટે મોટી જાહેરાતો 

પવિત્ર યાત્રાધામ બહુચરાજીના નવનિર્માણ, જૂનાગઢના ગીરનાર ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળામાં અને માઁ નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹55 કરોડની જોગવાઇ કરવામાં આવી.

કડાણા ડેમ સોલર પ્રોજેક્ટ માટે 150 કરોડની ફાળવણી 

રાજ્યના વિવિધ જળાશયો અને નહેરોની જળસપાટીનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન છે. જેના માટે ₹150 કરોડની જોગવાઇ.

અંબાજીમાં કોપર પ્રોજેક્ટ માટે 613 કરોડની ફાળવણી 

આત્મનિર્ભર ભારતની પહેલને સાકાર કરવા રાજ્ય પાસે સંગ્રહિત પરંતુ હાલમાં વણવપરાયેલ વિપુલ ખનીજ સંસાધનો અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મેળવવામાં આવશે. જે પૈકી અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર-લેડ-ઝીંક ખાણ બનશે. જે આયાતની નિર્ભરતા ઘટાડશે. આ માટે ₹613 કરોડની જોગવાઇ.

લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્પાદન કરવા ₹300 કરોડની જોગવાઇ

તેમજ અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્પાદન કરવાનું આયોજન છે. જેનાથી પ્રદૂષણની સમસ્યાઓને હલ કરવામાં મદદ મળશે. જેના માટે ₹300 કરોડની જોગવાઇ.

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનું ફંડ વધાર્યું 

નાગરિક સેવાઓને વિશ્વસ્તરીય બનાવવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાલની જોગવાઇમાં લગભગ 17% જેટલો વધારો કરી ₹16 હજાર 116 કરોડની જોગવાઇ.

સ્માર્ટ પાર્કિંગ ઊભા કરાશે 

રાહદારીઓની પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરી સુલભ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા શહેરો અને નગરપાલિકાઓમાં ₹100 કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કીંગ બનાવવાશે.

5 નવા સેટેલાઈટ ટાઉન વિકસાવાશે 

રાજ્યમાં આવેલ મોટા શહેરો પરનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. જેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસરના વિકાસનું આયોજન છે. જેને રીજનલ રેપિડ ટ્રાન્‍ઝીટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે.

અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે

આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. જેના માટે કુલ ₹1278 કરોડની જોગવાઇ.

પૂરક પોષણ યોજના માટે 972 કરોડની ફાળવણી 

3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત ₹972 કરોડની જોગવાઇ.

નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ 

 નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના શાળા પ્રવેશમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો થયેલ છે. જેના માટે ₹1250 કરોડની જોગવાઇ.

“નમો કૌશલ્ય લક્ષ્મી યોજના”ની જાહેરાત 

મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યની ITIમાં અભ્યાસ કરતી તમામ દિકરીઓ માટે નવી “નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” જાહેર કરું છું. જેના માટે ₹40 કરોડની જોગવાઇ.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે મોટી ફાળવણી 

વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક સહાય મળી રહે તે માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલી છે. જેના માટે ₹2848 કરોડની જોગવાઇ.

6 ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર

રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ એમ 6 ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કર્યાં છે. જે અંતર્ગત દરેક ક્ષેત્રની જરૂરિયાત મુજબ પ્રોજેક્ટ તૈયાર કરેલ છે. જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ, રોજગાર સર્જન અને મૂડી રોકાણને પ્રોત્સાહન મળશે. જેના માટે ₹2000 કરોડની જોગવાઇ કરું છું.

વિકસિત ગુજરાત ફંડ માટે 10 હજાર કરોડની જોગવાઈ 

50 હજાર કરોડના વિકસિત ગુજરાત ફંડ મારફતે વિકાસ કાર્યોને ગતિ આપવાનો સરકારનો દ્રઢ સંકલ્પ છે. જેના ભાગરૂપે આ વર્ષે વિકસિત ગુજરાત ફંડમાં ₹10 હજાર કરોડની જોગવાઇ. વિકસિત ગુજરાત ફંડ હેઠળ રાજ્યના વિકાસ માટે લાંબાગાળાના અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

બે એક્સપ્રેસ વે માટે વધુ 3000 કરોડની જોગવાઈ 

રાજ્યના મહત્વના સ્થળોને જોડતા નમો શક્તિ એકસપ્રેસ વે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેકટ માટે વધુ ₹3000 કરોડની જોગવાઇ કરું છું. આ પ્રોજેકટ સંસ્કૃતિ અને પ્રવાસનનો સંગમ ધરાવતો હાઇવે બની રહેશે.

મત્સ્ય ઉદ્યોગ માટે શું? 

રાજ્યના મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રને આવક, રોજગાર અને પોષણનો મજબૂત આધાર બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યની હાલની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવાના લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે ₹1340 કરોડની જોગવાઇ.

ગૌમાતા સંવર્ધન માટે 500 કરોડની જોગવાઈ 

પશુઓના સંવર્ધન, સંરક્ષણ, રોગ નિદાન અને તેને લગતી માળખાકીય સુવિધાઓમાં સહાય આપી દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 10%થી વધુ લઇ જવાશે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ, ગૌસંવર્ધન તથા ગૌકલ્યાણ પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. જેના માટે ₹500 કરોડની જોગવાઇ.

કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ વ્યાજ સહાય માટે મોટી જાહેરાત 

ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા ₹1539 કરોડની જોગવાઇ કરું છું.

4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્‍ટની સ્થાપના કરાશે 

સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે. જેમાં અનાજ સંગ્રહથી લઇને રાજ્યના 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્‍ટની સ્થાપના કરવામાં આવશે. જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે. જેના માટે ₹112 કરોડની જોગવાઇ.

ખેડૂતો માટે 1565 કરોડની ફાળવણી 

ખેડૂતોને ખેતીક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેકટર, પાવરટીલર, સીડડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઇ આવે છે. નાના-સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹1565 કરોડની જોગવાઇ.

GIDC માટે મોટી જાહેરાત 

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને આગળ વધારતાં આગામી સમયમાં 25 જી.આઇ.ડી.સી.ને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે. જેમાં ₹1250 કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદ્રઢીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત ₹50 કરોડના રોકાણથી 120 મીની GIDCના નવીનીકરણનું આયોજન છે.

પાંચ નવી GIDC બનશે 

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં ત્રણ એમ પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે.

ટેક્સટાઈલ ઉદ્યોગ માટે મોટી જાહેરાત

રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે “ગુજરાત ટેક્સટાઇલ પોલિસી” અંતર્ગત ₹67 હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ થયેલ છે. જેને લીધે બે લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જાયેલ છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે ₹2755 કરોડની ફાળવણી.

ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્‍સિલની સ્થાપના કરાશે 

રાષ્ટ્રની માલસામાન નિકાસમાં 26% થી વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન, તાલીમ, આર્થિક અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્‍સીલ (GEPC)ની સ્થાપના કરવાની જાહેરાત કરી છે.

આગામી અઠવાડિયામાં બજેટની તપાસ અને ચર્ચા સભ્યો દ્વારા કરવામાં આવશે.

IPAC વિવાદ: મમતા સરકાર પર પુરાવાઓ સાથે છેડછાડના ગંભીર આરોપ

નવી દિલ્હીઃ બંગાળની ચૂંટણી પહેલાં રાજકીય તાપમાન વધ્યું છે. બંગાળમાં થયેલી iPAC રેડ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સોગંદનામું દાખલ કર્યું છે. આ એફિડેવિટમાં પશ્ચિમ બંગાળ સરકાર અને મુખ્ય મંત્રી મમતા બેનર્જી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. એજન્સીનો દાવો છે કે તપાસમાં અવરોધ ઊભો કરવા માટે પ્રભાવ, સત્તા અને Z+ સુરક્ષાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

EDએ સીધો મમતા બેનર્જી પર નિશાન સાધતાં આરોપ લગાવ્યો છે કે ડિજિટલ પુરાવાઓ સાથે છેડછાડ કરવામાં આવી છે. એફિડેવિટમાં EDએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં “કાનૂનહીનતા” છે અને નિષ્પક્ષ તપાસ માટે આ મામલો CBIને સોંપવો જોઈએ.

IPAC ઓફિસમાંથી CCTV સ્ટોરેજ દૂર કરાયું

ડિજિટલ પુરાવા અંગે EDએ સૌથી મોટો આરોપ મૂક્યો છે. એફિટેવિટ મુજબ IPAC ઓફિસમાં કોમ્પ્યુટર ડેટાનો બેકઅપ લેવા દેવામાં આવ્યો નહોતો. CCTV સ્ટોરેજ ડિવાઇસ દૂર કરી દેવામાં આવ્યા અને તપાસ પહેલાં જ રેકોર્ડ સાથે છેડછાડ કરવામાં આવી હતી.

એજન્સીના જણાવ્યા મુજબ આ માત્ર વહીવટી ભૂલ નથી પરંતુ આયોજનબદ્ધ રીતે પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ છે, જે કાયદા મુજબ ગંભીર ગુનો બને છે.

મુખ્ય મંત્રીની Z+ સુરક્ષાથી દબાણ બનાવાયું

EDએ આરોપ લગાવ્યો છે કે મુખ્ય મંત્રીની Z+ સુરક્ષાનો ઉપયોગ કરીને તપાસ એજન્સીઓ અને સાક્ષીઓ પર દબાણ બનાવાયું હતું. એજન્સીએ પ્રશ્ન ઉઠાવ્યો કે Z+ સુરક્ષા વ્યક્તિની સલામતી માટે હોય છે; જો તેનો ઉપયોગ તપાસને પ્રભાવિત કરવા અથવા એજન્સીઓને ડરાવવા માટે થાય તો તે સત્તાનો દુરુપયોગ અને બંધારણી નૈતિકતાનું ઉલ્લંઘન ગણાય.

પશ્ચિમ બંગાળમાં કાનૂનનું રાજ ખતમ

EDએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રાજ્યમાં કાનૂનહીનતા છે અને નિષ્પક્ષ તપાસ માટે CBIને જવાબદારી સોંપવી જોઈએ, કારણ કે સ્થાનિક પોલીસ પર વિશ્વાસ રાખી શકાય તેમ નથી. એજન્સી મુજબ આ માત્ર ફોજદારી તપાસ નહીં પરંતુ બંધારણીય શાસનની નિષ્ફળતાનો મુદ્દો છે.

સલમાનની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલી સલીમ ખાન માટે લખી ભાવુક પોસ્ટ

સલમાન ખાનની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીએ સલીમ ખાન માટે એક ભાવનાત્મક નોંધ લખી છે. જાણો તેણીએ તેના વિશે શું કહ્યું.

બોલિવુડના દિગ્ગજ પટકથા લેખક અને સલમાન ખાનના પિતા સલીમ ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. ડૉક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલીમ ખાનને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આખો ખાન પરિવાર સતત હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યો છે, જ્યારે ચાહકો સલીમ ખાનના ઝડપી સ્વસ્થ થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન સલમાન ખાનની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સોમી અલીએ સલીમ ખાન માટે એક પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં તેણે સલીમ ખાનને તેના પિતા ગણાવ્યા છે અને તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.

સોમી અલીએ સલમા ખાન અને હેલન સાથે સલીમ ખાનનો ફોટો શેર કર્યો. તેણીએ એક લાંબી ભાવનાત્મક નોંધ પણ લખી. તેમાં તેણીએ લખ્યું, “સલીમ ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તે સાંભળીને મારું હૃદય તૂટી ગયું.”

દુનિયા માટે તેઓ એક મહાન અને પ્રખ્યાત લેખક છે જેમણે અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સને સ્થાપિત કરવામાં મદદ કરી અને શોલે જેવી શાનદાર ફિલ્મો બનાવી. મારા માટે તેઓ એક પિતા જેવા હતા. તેમના ઘરમાં રહેતા મને પુત્રીની જેમ પ્રેમ કરવામા આવતો, તેમની સાથે ભોજનમાં સામેલ કરવામાં આવતી, અને શ્રદ્ધા વિશેની ચર્ચાઓમાં પણ હું જોડાતી, જ્યાં બધા ધર્મોનું સન્માન કરવાની વાત થતી.

તેમણે મને શીખવ્યું કે ભગવાન અંધવિશ્વાસ કરતાં મહાન છે અને વાર્તા કહેતી વખતે સત્ય હંમેશા નાટક પાછળ છુપાયેલું હોવું જોઈએ. તેમની પ્રતિભાએ સિનેમાનો ઇતિહાસ રચ્યો. તેમની માનવતાએ લોકોને પ્રેરણા આપી. હું તેમની શક્તિ અને ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરું છું. તે મારા માટે શબ્દો કરતાં વધુ મહત્વ ધરાવે છે.

મંગળવારે સવારે સલીમ ખાનને લીલાવતી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે શરીરમાં સોજો આવવાની ફરિયાદ કરી હતી. તેમની તબિયત બગડતી હોવાના સમાચાર મળતા જ સલમાન ખાન અને તેમનો પરિવાર તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા. મોડી રાત્રે, એવા અહેવાલો સામે આવ્યા હતા કે સલીમ ખાનને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પરિવારના સભ્યો હોસ્પિટલમાં આવવાનું ચાલુ છે.

બાળકોના સોશિયલ મિડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાગવાની શક્યતા

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની જેમ પર હવે ભારત સરકાર પણ બાળકો અને કિશોરો માટે સોશિયલ મિડિયા પર વય આધારિત પ્રતિબંધ લગાવવાને મુદ્દે ગંભીરતાથી વિચાર કરી રહી છે. દિલ્હીમાં ચાલી રહેલા ‘AI ઇમ્પેક્ટ સમિટ 2026’ દરમિયાન કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ખાતરી આપી કે સરકાર હાલમાં વિવિધ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ સાથે આ મુદ્દે ચર્ચા કરી રહી છે.

વૈશ્વિક ટ્રેન્ડ સાથે આગળ વધશે ભારત

તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વિશ્વના ઘણા દેશોએ હવે સ્વીકારી લીધું છે કે સોશિયલ મિડિયા માટે વય મર્યાદા નક્કી કરવી જરૂરી છે. તેમણે કહ્યું હતું કે સરકાર હાલ ડીપફેક અને વય મર્યાદા જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે. સરકારનો હેતુ આ નિયમોને લાગુ કરવાનો “યોગ્ય અને અસરકારક રસ્તો” શોધવાનો છે, જેથી બાળકોને ડિજિટલ દુનિયાનાં જોખમોથી સુરક્ષિત રાખી શકાય.

ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોનાં ઉદાહરણ

ભારતનું આ પગલું તેવા વૈશ્વિક દેશોથી પ્રેરિત છે, જેઓ પહેલેથી જ આવા કડક કાયદા બનાવી ચૂક્યા છે. ડિસેમ્બર, 2025માં ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મિડિયા સંપૂર્ણપણે પ્રતિબંધિત કરનાર વિશ્વનો પહેલો દેશ બન્યો. ડેન્માર્કે 15 વર્ષ અને સ્પેને તાજેતરમાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પર પ્રતિબંધના નિયમોને મંજૂરી આપી છે. ડીપફેક, ‘ડિજિટલ અરેસ્ટ’ અને ઓનલાઇન બ્લેકમેઇલિંગ જેવા કેસોમાં ઝડપથી વધારો થવાને કારણે ભારત પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે.

મોટી ટેક કંપનીઓ પર પડશે મોટી અસર

દેશની વસ્તી 140 કરોડથી વધુ છે અને અહીં મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ) અને ગૂગલ (યૂટ્યુબ) જેવાં પ્લેટફોર્મ્સનો વિશ્વમાં સૌથી મોટો યુઝર આધાર છે. જો ભારત ઉંમર આધારિત પ્રતિબંધ લાગુ કરે છે, તો આ ટેક દિગ્ગજો પર મોટી વેપારી અસર પડી શકે છે. જોકે કેન્દ્રીય મંત્રીએ હજી સુધી કોઈ ચોક્કસ કંપની કે પ્લેટફોર્મનું નામ લીધું નથી, પરંતુ સુરક્ષાના દ્રષ્ટિકોણથી નિયમન જરૂરી હોવાનું સ્પષ્ટ કર્યું છે.

મહારાષ્ટ્ર, બિહાર અને હરિયાણા સહિત 10 રાજ્યો માટે રાજ્યસભા ચૂંટણીની જાહેરાત

નવી દિલ્હીઃ રાજ્યસભાની 10 રાજ્યોમાં ખાલી થતી 37 બેઠકો માટે 16 માર્ચે ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે આ અંગે માહિતી આપી છે. ચૂંટણી પંચે રાજ્યસભા માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. આ ચૂંટણી એ સભ્યોની જગ્યાઓ ભરવા માટે યોજાશે જેમનો કાર્યકાળ એપ્રિલ, 2026માં પૂર્ણ થઈ રહ્યો છે. કુલ 10 રાજ્યોની 37 બેઠકો માટે મતદાન થશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કાર્યક્રમ મુજબ 26 ફેબ્રુઆરી, 2026એ નોટિફિકેશન બહાર પડશે. ઉમેદવારી નોંધણી, તપાસ અને નામ પાછું ખેંચવાની પ્રક્રિયા નક્કી સમયમર્યાદા મુજબ પૂર્ણ થશે. તમામ બેઠકો માટે 16 માર્ચ 2026એ મતદાન થશે અને એ જ દિવસે મતગણતરી પણ હાથ ધરાશે.

આ ચૂંટણી મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, આસામ, છત્તીસગઢ, હરિયાણા, તેલંગાણા અને હિમાચલ પ્રદેશની બેઠકો માટે યોજાશે. રાજકીય પક્ષોએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને રાજ્યોમાં ચૂંટણીની હલચલ તેજ બની છે.

ચૂંટણી કાર્યક્રમ:

  • નોટિફિકેશન બહાર પડશે — 26 ફેબ્રુઆરી 2026
  • ઉમેદવારી નોંધણીની છેલ્લી તારીખ — 5 માર્ચ 2026
  • ઉમેદવારી પત્રોની તપાસ — 6 માર્ચ 2026
  • નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ — 9 માર્ચ 2026
  • મતદાન — 16 માર્ચ 2026, સવારે નવથી સાંજે ચાર વાગ્યા સુધી
  • મતગણતરી — 16 માર્ચ 2026, સાંજે પાંચ વાગ્યાથી
  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ — 20 માર્ચ 2026 સુધી

આ તમામ બેઠકો માટે 16 માર્ચ, 2026એ મતદાન યોજાશે અને રાજકીય પક્ષોએ ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે.

‘એલ.જે. ચેકમેટ ચેમ્પિયન’ ચેસ ટુર્નામેન્ટમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ 

અમદાવાદ: એલ.જે. યુનિવર્સિટીએ “એલજે ચેકમેટ ચેમ્પિયન” ઇન્ટરનેશનલ રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. ૨૦૦૦ ખેલાડીઓએ જેમાં ભાગ લીધો હતો તેવી આ ઇવેન્ટ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE) ખાતે આ પ્રકારની પ્રથમ ટુર્નામેન્ટ છે, જે વૈશ્વિક સ્તરે ચેસ ઇવેન્ટ્સ માટે એક સંપૂર્ણપણે નવો ધોરણ સ્થાપિત કરે છે. FIDE (વર્લ્ડ ચેસ ફેડરેશન)ના નેજા હેઠળ આયોજિત એક જ સંસ્થા તરફથી વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટના ટાઇટલ માટે આયોજકોએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સને સત્તાવાર રીતે અરજી કરી છે. આ ટુર્નામેન્ટનો હેતુ સ્પર્ધાત્મક ચેસમાં એક નવો વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કરવાનો છે.એલ.જે. યુનિવર્સિટી કેમ્પસમાં આ વિશાળ ટુર્નામેન્ટનું બે દિવસીય કરાયું હતું. જેમાં 9 સ્પર્ધાત્મક રાઉન્ડનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમનું સંચાલન ચીફ આર્બિટર અનંથરામન રથિનમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ ભારતમાં સૌથી વરિષ્ઠ FIDE રેન્કિંગ ધરાવતા અને વર્લ્ડ ચેસ ફેડરેશનના આર્બિટર્સ કમિશનમાં સેવા આપતા અત્યંત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય આર્બિટર છે.આ કાર્યક્રમ અંગે L.J. યુનિવર્સિટીના પ્રમુખ ડૉ. મનીષ શાહે કહ્યું, “મને ગર્વ છે કે L.J. યુનિવર્સિટીએ ‘ચેસની દુનિયા’માં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. અમે યુવાનોને રમતગમત અને શિક્ષણ બંનેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં માનીએ છીએ. અમે LJ પોલિટેકનિકમાં ટ્રાયલ કર્યું હતું જ્યાં વિદ્યાર્થીઓને ચેસ અને રુબિક્સ ક્યુબનો પરિચય કરાવવામાં આવ્યો હતો, તે ધ્યાનમાં રાખીને કે તેઓ તાર્કિક વિચારસરણી અને સમસ્યાનું નિરાકરણ કરવાની કુશળતા વિકસાવે. અમે ફક્ત ચેસની રમતમાં જ નહીં પરંતુ તમામ રમતોમાં શ્રેષ્ઠતા મેળવવા અને રમતવીરોને તેમના લક્ષ્યો અને સપના પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. જો અમારા કેમ્પસમાંથી કોઈપણ વિદ્યાશાખામાં રાષ્ટ્રીય ચેમ્પિયન હોય તો મને ખૂબ આનંદ થશે. તાજેતરમાં અમે વેદાંત ત્રિવેદીને U-19 વર્લ્ડ કપ જીતવામાં યોગદાન આપતા જોયા છે, તેથી અમને આશા છે કે આ પ્રકારનો પ્રયાસ વિદ્યાર્થીઓને પ્રેરણા આપશે.”ટુર્નામેન્ટમાં વિવિધ કેટેગરીમાં નોંધપાત્ર પ્રદર્શન જોવા મળ્યું, જેમાં રેટેડ કેટેગરીમાં ક્રુણાલ કે સોલંકી, સૌમિલ નાયર અને એ.જી.એમ ગીત એચ ડાભીએ ટોચના ત્રણ સ્થાન મેળવ્યા. એલ.જે. સ્પેશિયલ પ્રાઇઝ કેટેગરીમાં, યથાર્થ રાણપુરાએ પ્રથમ સ્થાન મેળવ્યું, ત્યારબાદ આયુષ પ્રજાપતિ અને જશ મિસ્ત્રીનો ક્રમ આવ્યો, જ્યારે ગર્લ્સ કેટેગરીમાં, ખુશી ચૌહાણ વિજેતા બન્યા અને ઝરાફશા શેખે બીજું સ્થાન મેળવ્યું.

એલ.જે. પોલિટેકનિક અને કોર્પોરેટ સ્કીલ ડેવલપમેન્ટ તાલીમના મહેશ કાલેએ જણાવ્યું કે, “ચેસ વિદ્યાર્થીઓમાં તાર્કિક વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. છેલ્લા ત્રણ વર્ષમાં, અમે આવી માનસિક રમતો રજૂ કરી છે, અને અમે તેમની વધતી જતી રુચિ અને જોડાણ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. ગયા વર્ષે, અમે લગભગ 800 ખેલાડીઓ સાથે એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. આ વર્ષે ભાગીદારી 2,100ને વટાવી ગઈ છે, જે નોંધપાત્ર છે. છેલ્લા બે દિવસથી, સહભાગીઓએ નવ રાઉન્ડમાં સ્પર્ધા કરી છે, જે ખૂબ જ અસામાન્ય છે, કારણ કે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે અડધો કલાક પણ સતત બેસતા નથી. આ ટુર્નામેન્ટ દ્વારા, તેઓએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડના આ સીમાચિહ્નરૂપ પ્રયાસ સાથે તાર્કિક વિચારસરણી, ધીરજ અને ખંત વિકસાવી છે.”ટુર્નામેન્ટના ગ્રાઉન્ડબ્રેકિંગ ફોર્મેટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેસ સંચાલક મંડળોનું પણ ધ્યાન ખેંચ્યું છે. ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF)ની ઇવેન્ટ કમિટીના સભ્ય અને માય સ્પોર્ટ ટ્રિપ લિમિટેડના સ્થાપક અંકિત દલાલે તેના વૈશ્વિક પ્રભાવ પર ભાર મૂકતા કહ્યું કે, “ચેસના ઇતિહાસમાં આ એક અસાધારણ ઘટના છે. L.J. યુનિવર્સિટીએ એક માપદંડ સ્થાપિત કર્યો છે અને વિશ્વને એક નવી શક્યતા આપી છે કે આ પ્રકારની ટુર્નામેન્ટ ચેસનું ભવિષ્ય છે. વર્લ્ડ ચેસ ફેડરેશન પણ વિશાળ ચેસ ચાહકો અને રમી શકે તેવા ખેલાડીઓની વિશાળ સંખ્યાને સમાવવા માટે તેમની સિસ્ટમોને ફરીથી સેટ કરી રહ્યું છે. ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના ઇતિહાસમાં પણ, આ પહેલી વાર છે જ્યારે મહત્તમ સંખ્યામાં ખેલાડીઓ નવા છે અને આ ઇવેન્ટથી આંતરરાષ્ટ્રીય રેટિંગ મેળવી શકે છે.”

અમેરિકાએ ઈરાન નજીક 50થી વધુ ઘાતક લડાકુ વિમાનો કર્યા તહેનાત

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં તણાવ ફરી એક વાર ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકાએ છેલ્લા 24 કલાકમાં ઈરાન નજીક 50થી વધુ અદ્યતન લડાકુ વિમાનો તહેનાત કર્યા છે. બીજી તરફ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમિનીએ અમેરિકાને ચેતવણી આપી છે કે તેમના પાસે વિશ્વની સૌથી શક્તિશાળી સેનાને પણ હરાવવાની અને અમેરિકન યુદ્ધજહાજોને સમુદ્રમાં ડુબાડી દેવાની સંપૂર્ણ ક્ષમતા છે.

અમેરિકાનો મોટો સૈન્ય ઘેરાવ, F-35 અને F-22 તહેનાત

બંને દેશોના તણાવને ધ્યાનમાં રાખીને અમેરિકાએ પોતાની વાયુસેના અને નૌસેનાને હાઈ એલર્ટ પર રાખી છે. અહેવાલ મુજબ અમેરિકાએ F-16, F-22 અને F-35 જેવાં વિશ્વના સૌથી ઘાતક લડાકુ વિમાનો ઈરાન આસપાસના બેઝ પર મોકલ્યાં છે. આ સૈન્ય તહેનાતી એવા સમયે થઈ રહી છે જ્યારે જિનિવામાં પરમાણુ કાર્યક્રમ મુદ્દે બંને દેશો વચ્ચે પરોક્ષ ચર્ચા ચાલી રહી છે. અમેરિકા તેને સુરક્ષા માટેની “તૈયારી” ગણાવી રહ્યું છે.

વિશ્વની સૌથી મોટી તાકાત પણ પડી શકે: ખોમિની

ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમિનીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૈન્ય શક્તિ સંબંધિત નિવેદનો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે અમેરિકા જે તાકાત પર ગર્વ કરે છે તેને એવો આંચકો આપી શકાય છે કે તે ફરી ઊભું ન રહી શકે. તેમણે કહ્યું હતું “યુદ્ધજહાજ ખતરનાક હથિયાર હોઈ શકે, પરંતુ તેનાથી પણ વધુ ખતરનાક તે હથિયાર છે જે યુદ્ધજહાજને સમુદ્રમાં ડુબાડી શકે.

હોર્મુઝ જળમાર્ગ બંધ, મિસાઇલ પરીક્ષણ

આ તણાવ વચ્ચે ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને સૈન્ય અભ્યાસ માટે તાત્કાલિક રીતે બંધ કર્યો છે. ઈરાની મિડિયાના જણાવ્યા અનુસાર લાઈવ-ફાયર ડ્રિલ દરમિયાન મિસાઇલ દાગવામાં આવી. નોંધનીય છે કે વિશ્વનું લગભગ 20 ટકા તેલ આ માર્ગથી પસાર થાય છે. ઈરાનની આ કાર્યવાહી વિશ્વ માટે મોટી ચેતવણી તરીકે જોવામાં આવી રહી છે.

૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬

વાહ ભાઈ વાહ! ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬

ટાઈમપાસ પાંઉ

કોઈકવાર પારંપરિક, રોજીંદી વાનગીથી અલગ ટાઈમપાસ નાસ્તો કરવાની મઝા જ કંઈક હટકે હોય, ખરું ને? સુરતનું પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ ટાઈમપાસ પાંઉ પણ આવો જ નાસ્તો છે. જે ઘરના રસોડે બની શકે છે!!

સામગ્રીઃ પાંઉ 4, ચીઝ ક્યુબ 4, મેયોનિઝ 7-8 ટે.સ્પૂન, કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન, કોબી ખમણેલી 1 કપ, સિમલા મરચું ઝીણું સમારેલું 2 ટે.સ્પૂન, ટામેટું સમારેલું 2 ટે.સ્પૂન, 1 કાંદો ઝીણો સમારેલો, કોથમીર ધોઈને સમારેલી 1 કપ, સ્વાદ મુજબ મીઠું, શેઝવાન ચટણી 1 ટી.સ્પૂન, ટોમેટો કેચ-અપ 2 ટે.સ્પૂન, બટેટાની સાદી કે મસાલા વેફર

ચટણી માટેઃ ધોઈને સમારેલી કોથમીર 1 કપ, લીલું લસણ અથવા સૂકા લસણની કળી 7-8, સ્વાદ મુજબ મીઠું, આદુનો ટુકડો 2 ઈંચ, લીલા મરચાં 2, લીંબુનો રસ 1 ટે.સ્પૂન, શીંગદાણા 2 ટે.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું

રીતઃ લીલી ચટણી માટેની સામગ્રી મિક્સીમાં લઈને પીસીને ચટણી તૈયાર કરી લેવી.

એક બાઉલમાં ખમણેલી કોબી, સમારેલાં કાંદા, સિમલા મરચાં, ટામેટાં લઈને તેમાં 3 ટે.સ્પૂન મેયોનિઝ, કાળા મરી પાઉડર, લીલી ચટણી 1 ટી.સ્પૂન, ટોમેટો કેચ-અપ તેમજ શેઝવાન ચટણી, સમારેલી કોથમીર, સ્વાદ મુજબ મીઠું (મીઠું સહેજ ઓછું જ લેવું, કેમ કે, ચટણી તેમજ ચીઝ, મેયોનિઝમાં પણ હોય છે.)

પાંઉને વચ્ચેથી કટ કરી લેવા. અંદરની બંને સાઈડ પર બટર તેમજ લીલી ચટણી લગાડી લો. ત્યારબાદ થોડું થોડું મેયોનિઝ પણ લગાડી લેવું અને 1 થી 2 ટે.સ્પૂન જેટલું વેજીટેબલનું પૂરણ તેમાં મૂકીને ઉપરથી એક ચીઝ ક્યુબ ખમણીને પાંઉ બંધ કરીને પાંઉના ઉપરના ભાગ ઉપર બટર લગાડી દેવું.

તૈયાર કરેલા પાંઉને ગ્રીલ કરી લો. અથવા

પાંઉને નોન-સ્ટીક તવા કે ગ્રીલ તવા ઉપર 1 ચમચી જેટલું બટર ગરમ કરીને, બંને બાજુએથી 1-2 મિનિટ ગેસની મધ્યમ-ધીમી આંચે શેકીને ગ્રીલ કરી લેવા.

પાંઉ શેકાયા બાદ તેને ખોલીને વેજીટેબલના પૂરણની ઉપર 6-7 વેફર ગોઠવીને પાંઉને ફરીથી પેક કરી લો અને ચટણી કે મેયોનિઝ સાથે પીરસો.