મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આજે જ તેણે એના પ્રશંસકોની આતુરતાનો અંત લાવીને પોતાની આગામી નવી ફિલ્મ ‘ડંકી’નું ટીઝર રિલીઝ કર્યું છે. ‘ડ્રોપ 1’ શિર્ષક સાથેનો આ ટીઝર-વીડિયો જોઈને એવું લાગે છે કે ‘ડંકી’ ફિલ્મ એક્શન, સામાજિક-રાજકીય કોમેડી, પ્રેમ અને અસ્પષ્ટતા-અંધકારનું મિશ્રણ હશે. તે હાલમાં જ રિલીઝ થયેલી શાહરૂખ અભિનીત ‘જવાન’ ફિલ્મ કરતાં સાવ જુદા જ પ્રકારની ફિલ્મ છે. ટીઝરમાં જણાવી દેવામાં આવ્યું છે કે ફિલ્મનું બીજું ટીઝર ટૂંક સમયમાં રિલીઝ કરાશે.
ટીઝરના આરંભમાં એક રણ જોવા મળે છે જેમાં શાહરૂખ અને તેની ટૂકડીની ઝલક જોવા મળે છે. તેની ટૂકડીમાં તાપસી પન્નૂ, વિકી કૌશલનો સમાવેશ થાય છે. એમની પર ખૂબ દૂરના સ્થળેથી કોઈક શૂટર નિશાન તાંકે છે. બેકગ્રાઉન્ડમાં સોનૂ નિગમના સ્વરમાં ગીત સંભળાય છે ‘બડી દૂર સે આયે હૈં’. ફિલ્મમાં શાહરૂખ હાર્ડીના પાત્રમાં છે જ્યારે તાપસી બની છે મનૂ, વિક્રમ કોચર બન્યો છે બગ્ગૂ, વિકી કૌશલ છે સુખી, અનિલ ગ્રોવર ચે બલ્લી અને બોમન ઈરાની છે ગુલાટી.
વાસ્તવિક જીવનના અનુભવોમાંથી બનાવવામાં આવેલી ‘ડંકી’ ફિલ્મ પ્રેમ અને મિત્રતાના મિશ્રણ સમી છે. તે આ વર્ષની 22 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે.
A story of simple and real people trying to fulfill their dreams and desires. Of friendship, love, and being together… Of being in a relationship called Home!
A heartwarming story by a heartwarming storyteller. It’s an honour to be a part of this journey and I hope you all come… pic.twitter.com/AlrsGqnYuT
બીજિંગઃ દુનિયામાં એક તરફ, યૂક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા દોઢ વર્ષ કરતાંય વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. તો બીજી તરફ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધે દુનિયાની ઊંઘ હરામ કરી દીધી છે. એવામાં હવે ચીન ત્રીજો મોરચો ખોલવાની તૈયારીમાં હોય એવું લાગે છે. એણે તાઈવાનને ઝપટમાં લેવા માટે પોતાના 43 લશ્કરી વિમાન અને 7 યુદ્ધજહાજોને તાઈવાન તરફ મોકલ્યા છે. તાઈવાનનું કહેવું છે કે પોતે ચીનના આ દબાણ સામે ઝૂકી જશે નહીં.
તાઈવાનનો દાવો છે કે ચીનના 43 લડાયક વિમાનોએ તાઈવાનની હવાઈ સીમાનો ભંગ કર્યો છે. સાથોસાથ, ચીને સાત યુદ્ધજહાજોને પણ તાઈવાનના સમુદ્રમાં મોકલ્યા છે. આ મામલે ચીને મર્યાદા ઓળંગી દીધી છે. ચીન ‘એક રાષ્ટ્ર’ ધોરણ અંતર્ગત તાઈવાનને પોતાનો અવિભાજ્ય ભાગ માને છે. જ્યારે તાઈવાન પોતાને સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર માને છે.
નવી દિલ્હીઃ દેશમાં રોડ દુર્ઘટના સતત વધી રહી છે. દેશમાં રસ્તા દુર્ઘટનાઓમાં 12 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022માં કુલ 4,61,312 રોડ અકસ્માતો નોંધાયા હતા, જેમાં 1,68,491 લોકોનાં મોત થયાં છે, એમ અહેવાલ કહે છે. આ રોડ અકસ્માતોમાં મૃતકોમાં 9.4 ટકા અને ઘાયલ થનારાઓમાં 15.3 ટકાનો વધારો થયો છે. આ અહેવાલ આવ્યાના એક દિવસ પછી પંજાબના સંગરૂરમાં રોડ અકસ્માતમાં એક બાળક સહિત છ લોકોનાં મોત છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એક કાર એક મોટા ટેન્કર સાથે અથડાઈ હતી, જેને કારણે મોટા ભાગનાં લોકોના ઘટનાસ્થળે મોત થયાં હતા.
અહેવાલ કહે છે કે દેશમાં સૌથી વધુ રોડ અકસ્માત દિલ્હીમાં નોંધાયા છે. દિલ્હીમં 5652 અકસ્માતો નોંધાયા છે. ત્યાર બાદ ઇન્દોરમાં 4680, જબલપુરમાં 4046, બેંગલુરુમાં 3822, ચેન્નઈમાં 3452, ભોપાલમાં 3312, મલ્લાપુરમ 2991,મ જયપુરમાં 2687, હૈદરાબાદ 2516 અને કોચી 2432નો ક્રમાંક આવે છે. દેશમાં 1દ લાખની વસતિ ધરાવતાં 50 શહેરોમાં કુલ રોડ અકસ્માતોમાં 46.37 ટકા દુર્ઘટનાઓ બની છે. 2021ની તુલનાએ 2022માં ચેન્નઈ, ધનબાદ, લુધિયાના, મુંબઈ, પટના અને વિઝાગને છોડીને બધી 10 લાખથી વધુ વસતિ ધરાવતાં શહેરોમાં અકસ્માતો અને મોતની સંખ્યામાં વધારો થયો છે.
રોડ અકસ્માતોમાં વધારો થવાનું મોટું કારણ ઓવરસ્પીડિંગ છે, એ સાથે નશામાં ડ્રાઇવિંગ કરવું, ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરવાનું અને લાપરવાહાથ ડ્રાઓઇવિંગ કરવાનું વગેરે સામેલ છે. આ સિવાય બાઇકથી થયેલા અકસ્માતોમાં આશરે 50,000 લોકોનાં મોત થયાં છે. બાઇકની પાછલી સીટસવાર 1,337 લોકોનાં મોત થયાં છે. એમાંથી મોટા ભાગનાએ હેલ્મેટ નહોતી પહેરી.
અહેવાલ જણાવે છે વર્ષ 2022માં 68 ટકા મોત ગેરામીણ વિસ્તારોમાં થયા હતા, જ્યારે શહેરી વિસ્તારોમાં 32 ટકા મોત થયાં છે.
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય. કેજરીવાલે EDને જવાબ આપતાં સમન્સને ગેરકાનૂની અને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે. આ નોટિસ ભાજપના કહેવાથી મોકલવામાં આવી છે અને આ નોટિસ EDએ પરત લેવી જોઈએ. આ નોટિસ મને ચૂંટણીપ્રચારથી રોકવા માટે સમન્સ મોકલવામાં આવ્યા છે, એમ તેમણે કહ્યું હતું. EDએ કેજરીવાલને આબકારી નીતિ કૌભાંડ મામલે મની લોન્ડરિંગ મામલે પૂછપરછ માટે બોલાવ્યા હતા. જોકે હવે ED કેજરીવાલને બીજા સમન્સ જારી કરવાની તૈયારીમાં છે, એવું સૂત્રોએ કહ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણીના રાજ્ય મધ્ય પ્રદેશના સિંગરોલીમાં કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન બપોરે એક રોડ-શોમાં ભાગ લેશે. કેજરીવાલ મધ્ય પ્રદેશના સિંગરોલી માટે દિલ્હીથી રવાના થશે. અત્યાર સુધી આ મામલે બે ધરપકડ થઈ ચૂકી છે. આવામાં આમ આદમી પાર્ટીને શંકા છે કે ક્યાંક તેમના વડાને પણ જેલભેગા ના કરવામાં આવે. પાર્ટીએ દાવો કર્યો હતો કે પૂછપરછ પછી કેજરીવાલની ED ધરપકડની શક્યતા છે. પાર્ટીએ આ વિસે મૌન ધારણ કર્યું છે કે શું કેજરીવાલ ED સમક્ષ હાજર થશે કે નથી.
આ સૌપ્રથમ વાર છે કે કેજરીવાલને EDએ સમન્સ મોકલ્યા છે. આ પહેલાં CBIએ આ મામલે તેમની પૂછપરછ કરી હતી. આ વર્ષે એપ્રિલમાં દિલ્હી લિકર કેસમાં કેજરીવાલથી CBIએ નવ કલાક પૂછપરછ કરી હતી, એમાં તેમને આશરે 56 સવાલો પૂછવામાં આવ્યા હતા. કેજરીવાલે આ મામલાને મનઘડંત ગણાવ્યો હતો.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 39 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,329 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,294 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,802 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 19 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 247 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,75,129 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 100 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
દિવાળીના તહેવારનું આગમન ખૂબ નજીકમાં છે. લોકો આ રોશનીના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી શકે, ઘર ઘરમાં દીવડાનો ઝગમગાટ થઈ શકે એ માટે મુંબઈના ધારાવી વિસ્તારના કુંભારવાડા મોહલ્લામાં પ્રજાપતિ-કુંભાર જ્ઞાતિનાં કારીગરો માટીનાં અલગ-અલગ પ્રકારના, દીવડા-કોડિયા તૈયાર કરી રહ્યાં છે. આ દીવડા દીપોત્સવી પર્વમાં અમીર કે ગરીબ, તમામ લોકોનાં ઘરનાં ઓટલે કે ઉંબરે કે બારી પર મૂકાય છે. (તસવીરકારઃ દીપક ધુરી)
નવી દિલ્હીઃ ગુજરાત રાજ્ય સહિત દેશમાં અનેક ઠેકાણે હાર્ટ એટેકને કારણે યુવા વ્યક્તિઓનાં ઓચિંતા મરણના કેસ વધી રહ્યા છે ત્યારે ભારત સરકાર હસ્તકની સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા એક કેસ-સ્ટડી હાથ ધરવામાં આવ્યો હતો અને તેના અહેવાલમાં એણે જણાવ્યું છે કે આ મરણોમાં કોરોનાવાઈરસનું રસીકરણ કોઈ પણ રીતે જવાબદાર નથી.
અનેક કિસ્સાઓમાં તંદુરસ્ત પુખ્ત વયનાં યુવાઓનાં થયેલા મરણ પાછળના કારણો વિશે અસ્પષ્ટતા પ્રવર્તે છે ત્યારે ICMR સંસ્થા દ્વારા તપાસ કરવામાં આવી છે. તેણે કરેલા તારણોની સમીક્ષા કરવાનું અને પ્રકાશન થવાનું હજી બાકી છે. સંસ્થાએ દેશમાં 18-45ની વયનાં પુખ્ત લોકોમાં ઓચિંતા મરણના વધી ગયેલા કિસ્સાઓ સાથે સંકળાયેલા પરિબળો વિશે તપાસ કરાવી છે. તેને એવું જણાયું છે કે હાર્ટ એટેકને કારણે યુવા વ્યક્તિઓનાં થયેલા મરણોમાં બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી તથા અન્ય આરોગ્ય સંબંધિત પ્રશ્નો મુખ્યત્વે કારણરૂપ છે. ICMRના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે અભ્યાસ અનુસાર, કોવિડ રસીકરણ તો વાસ્તવમાં પુખ્ત વયનાં લોકોમાં ઓચિંતા મરણનું જોખમ ઘટાડે છે. ઓચિંતા મરણની તકો વધારે એવા કેટલાક પરિબળો ધ્યાનમાં આવ્યા છે. જેમ કે, મૃતકોનાં પરિવારોમાં ઓચિંતા મરણના કિસ્સાઓનો ઈતિહાસ રહ્યો હોય, કોવિડ બીમારી માટે હોસ્પિટલમાં સારવાર લેવી પડી હોય, અમુક વ્યવહારો જેમ કે વધુ પડતો શરાબ પીવો અને મૃત્યુ નિપજ્યું હોય એના અમુક સમય પૂર્વે જ તીવ્ર શારીરિક વ્યાયામ કે પ્રવૃત્તિ કરી હોય.
તાજેતરમાં 31 ઑક્ટોબરે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની જન્મજયંતી દેશભરમાં એકતા દિવસ તરીકે ઊજવાઈ. લોખંડી પુરુષનું બિરુદ પામનાર સરદારનું એક વિઝન હતું કે ભારત એક અખંડ રાષ્ટ્ર બને. આ માટે નાનાં નાનાં રજવાડાંને ભારતીય સંઘમાં ભળી જવા સમજાવવામાં તેમણે નોંધપાત્ર ભૂમિકા ભજવી.
દેશ-દુનિયાના મહાન પુરુષોએ ઈતિહાસ સર્જ્યો છે તેનું એક કારણ તેમનું વિઝન, દૂરંદેશી છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી આદિ સ્વાતંત્ર્યસેનાનીનું એક વિઝન નિશ્ચિત હતું તો આજે આપણે સ્વતંત્ર ભારતમાં આઝાદીનો શ્વાસ લઈએ છીએ. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પોતાની આત્મકથામાં એક વાત નોંધી છેઃ ‘હું ભારતના ઘણા યુવાનોને મળ્યો છું. તેઓમાં અસાધારણ શક્તિ હોવા છતાં તેઓ તે શક્તિનાં યોગ્ય ફળ પ્રાપ્ત નથી કરી શકતા. આનું એક કારણ એ છે કે તેમની પાસે વિઝન અર્થાત્ દૂરંદેશી નથી, કરેલા સંકલ્પોનું એક સ્પષ્ટ ચિત્ર નથી. આથી બને છે એવું કે શું કરીશું, શું થશે ફેઈલ જઈશું તો જેવા વિચારોમાં એ અટવાયા કરે છે અને પોતાની યુવાની વેડફી નાખે છે.’
વર્ષો પહેલાં ચીનના સ્પૉર્ટ્સ કમિશનના ચૅરમૅન માઓ ઝેદોન્ગે નક્કી કર્યું કે ઑલિમ્પિક્સની બધી જ રમતમાં ચીન અગ્ર ક્રમાંકે હોવું જોઈએ. આ વિઝન સાથે તેમણે બાસ્કેટ બૉલની રમત પસંદ કરી. આ રમતમાં ખેલાડીની ઊંચાઈ છ ફૂટથી વધુ હોય તો સારો દેખાવ કરી શકે, જ્યારે ચીનની પ્રજાનાં શરીરનાં બંધારણ જ ઠીંગણા કદનાં છે. તો શું કરવું? આના ઉપાય રૂપે માઓ ઝેદોન્ગે ચીનમાં સૌથી ઊંચું કદ ધરાવતી એક કન્યા ફેંગ ઝ્ડગીને પસંદ કરી. 15 વર્ષની એ છોકરીને દેશ માટે બાસ્કેટ બૉલ રમવાનું કહ્યું. ફેંગે પ્રૅક્ટિસ શરૂ કરી. તે 28 વર્ષની થઈ ત્યારે ચીનનો એક ઊંચામાં ઊંચો પુરુષ સ્પૉર્ટ્સ કમિશને શોધી ફેંગને કહ્યું કે ‘દેશના ભવિષ્ય માટે તું આની સાથે લગ્ન કર.’
(Vao ming)
ફેંગ ઝડગીએ કમિશનની વાત માની પેલા ઊંચી હાઈટવાળા યુવાન સાથે લગ્ન કર્યાં. 1980ની 12 સપ્ટેમ્બરે ચીનમાં એક અસાધારણ બાળકનો જન્મ થયો. જેનું નામ હતું યાઓમિંગ (Vao ming). જન્મ સમયે તેના શરીરનું બંધારણ અને વજન જોઈ સૌ આશ્ચર્યચક્તિ થઈ ગયા. તે પળે ચીન સ્પૉર્ટ્સ કમિશનના વડા કહે, આ બાળકની અમે વર્ષોથી રાહ જોતા હતા. આ બાળક યુવાન થયો ત્યારે તેની ઊંચાઈ થઈ સાડાસાત ફૂટ, તે યાઓ મિંગે બાસ્કેટ બૉલમાં અનેક મેડલ મેળવ્યા, ચીન ઑલિમ્પિક્સમાં ચીનનું પ્રતિનિધિત્વ કર્યું. આને કહેવાય વિઝન, વિઝનનું પરિણામ.
કોઈ પણ કાર્ય માટે જ્યારે એક વિઝન અથવા લક્ષ નક્કી કરવામાં આવે છે, ત્યારે આપણને આપણી સુષુપ્ત શક્તિનો પરિચય થાય છે. આગળ જતાં આ જ શક્તિ આપણી સિદ્ધિનું મુખ્ય ચાલકબળ બની જતું હોય છે. તેથી સંકલ્પને સાકારત્વ સત્વર પ્રાપ્ત થાય છે.
અમેરિકન લેખક અને ઉદ્યોગપતિ જૅક વેલ્સ કહે છે, ‘ગુડ લીડર્સ ક્રિયેટ એ વિઝન, આર્ટિક્યુલેટ ધ ઝન, પૅશનેટ્લી ઓન ધ વિઝન ઍન્ડ રિલેન્ટલેસ્લી ડ્રાઈવ ઈટ ટુ કમ્પ્લિશન’ અર્થાત્ સારા નેતા એક વિઝન બનાવે છે, વિઝનને સ્પષ્ટ કરે છે, પૂરી લગન સાથે એ વિઝનના માલિક બની જાય છે, અને તેને સતત પૂર્ણ કરીને જંપે છે. ખરેખર, વ્યક્તિ માત્રે જોયેલું વિઝન તેને સફ્ળતા સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે.
માટે યુવાને પોતાની યુવાનીના ટૂંકા ગાળામાં જ સંકલ્પસિદ્ધિનું મિશન પાર પાડવાનું છે અને તેના માટે વિઝન નિશ્ચિત કરવાનું છે. જો એમાં મોડું થશે તો એ જીવનનું મૂરત ચૂકી જવાશે. ખલાસી ભરતીની તક લઈને હોડી પાણીમાં તરતી મૂકે છે, પરંતુ એક ભરતી ચૂક્યો તો પૂરા ચોવીસ કલાકની રાહ જોવી પડે.
તો, ઊભા થાઓ, હિંમત રાખો, મજબૂત બનો, તમારા પર પૂરેપૂરી જવાબદારી લો અને વિઝન સાથે પુરુષાર્થ કરવા મંડી પડો. તમારા ભાગ્યના દ્રષ્ટા તમે જ બની શકો છો.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)