Home Blog Page 2385

પંચાંગ 28/10/2023

ટાટા ગ્રુપ ભારતમાં બનાવશે આઈફોન

મુંબઈઃ ટાટા ગ્રુપે તાઈવાનની ઈલેક્ટ્રોનિક્સ કંપની વિસ્ટ્રોનની ભારતમાંની બિઝનેસ કામગીરીઓ 12.5 કરોડ ડોલર (આશરે રૂ. 1,040 કરોડ)માં હસ્તગત કરી લીધો છે. આને પગલે ગ્રુપ ભારતમાં એપલ કંપનીના આઈફોનનું ઉત્પાદન કરશે અને એસેમ્બ્લિંગ કરશે. તે આઈફોન ભારતમાં તેમજ વૈશ્વિક બજારોમાં વેચાશે. આ સાથે ભારતમાં આઈફોનનું ઉત્પાદન કરનાર ટાટા ગ્રુપ ભારતની પહેલી કંપની બની છે.

આ જાણકારી કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી છે. એમણે લખ્યું છે કે અઢી વર્ષની અંદર ટાટા ગ્રુપ ભારતમાં આઈફોન બનાવવાનું શરૂ કરશે જે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચાણ માટે મૂકાશે.

 

આઇસી15 ઇન્ડેક્સમાં 549 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.29 ટકા (549 પોઇન્ટ) ઘટીને 42,004 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 42,553 ખૂલ્યા બાદ 42,628ની ઉપલી અને 41,495ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના મોટાભાગના કોઇન ઘટ્યા હતા, જેમાં યુનિસ્વોપ, પોલકાડોટ, પોલીગોન, મેટિક અને અવાલાંશ મુખ્ય હતા.

દરમિયાન, તાઇવાને વર્ચ્યુઅલ એસેટ મેનેજમેન્ટ ઓર્ડિનન્સનો મુસદ્દા ખરડો રજૂ કરીને ક્રીપ્ટોના નિયમન માટેનું પહેલું પગલું ભર્યું છે. નોંધપાત્ર ઘટનામાં રિપલે કરોડો એક્આરપીને બિટસ્ટેમ્પ અને બિટસો એક્સચેન્જોમાં ટ્રાન્સફર કર્યા છે.

બીજાં લગ્ન માટે સરકારની મંજૂરી જરૂરી

નવી દિલ્હીઃ આસામના મુખ્ય મંત્રી હેમંત બિશ્વા સરમાએ સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. હવે સરકારી કર્મચારીની જો પત્ની જીવિત છે અને તે બીજાં લગ્ન કરવા ઇચ્છે તો તેણે એ માટે સરકારની મંજૂરી લેવી પડશે. રાજ્યના બધા સરકારી કર્મચારીઓએ બીજાં લગ્ન માટે મંજૂરી લેવી પડશે, પછી ભલે તેમનો ધર્મ એની મંજૂરી આપતો હોય.

સરકાર દ્વારા જારી થયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સરકારી કર્મચારી- જેની પત્ની જીવિત છે, તે સરકારની મંજૂરી વગર બીજાં લગ્ન નહીં કરી શકે. પછી ભલે એના પર લાગુ થતા પર્સનલ લો હેઠળ તેને બીજાં લગ્ન માટે મંજૂરી હોય.

કેટલાક ધર્મોમાં બીજાં લગ્ન કરવાની મંજૂરી છે, પરંતુ આવા કેસોમાં કરકારી કર્મચારીઓને બીજાં લગ્ન માટે સરકારની મંજૂરી લેવાની રહેશે. એ પછી સરકાર નક્કી કરશે તે તેને મંજૂરી આપવી કે નહીં, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકાર સામે વારંવાર આવા કેસો સામે આવે છે, જ્યારે પતિના મોત પછી બંને પત્નીઓમાં પેન્શનને લઈને ઝઘડો થવા લાગે છે. આ કેસોમાં ઉકેલ લાવવો બહુ મુશ્કેલ હોય છે. આવામાં વિધવા પેન્શનથી વંચિત રહી જાય છે. તેમણે દાવો કર્યો હતો કે આ નિયમ પહેલેથી હતો. બસ એને લાગુ નહોતો કરવામાં આવ્યો. તેમણે કહ્યું હતું કે હિન્દુ હોય કે મુસ્લિમ, સરકારી કર્મચારીઓને બીજાં લગ્ન માટે સરકારની મંજૂરી લેવાની રહેશે.

 

 

 

 

 

દિલ્હીમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસઃ મુલાકાતીઓનો જબ્બર પ્રતિસાદ

નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે ‘ભારત મંડપમ’માં 27 ઓક્ટોબર, શુક્રવારથી ‘ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ’ પ્રદર્શન-કાર્યક્રમની 7મી આવૃત્તિનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું છે. આ પ્રદર્શન એશિયા ખંડનું સૌથી મોટું ટેલિકોમ, મીડિયા અને ટેક્નોલોજી મંચ સમાન છે. આ પ્રદર્શન 29 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. પહેલા જ દિવસે મુલાકાતીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા અને વિવિધ ભારતીય કંપનીઓ અને સંસ્થાઓનાં સ્ટોલ્સની મુલાકાત લઈ લેટેસ્ટ ટેક્નોલોજીવાળા મોબાઈલ ફોન તથા અન્ય પ્રોડક્ટ્સ વિશેની જાણકારી મેળવી હતી.

આ પ્રદર્શનના આયોજનનો ઉદ્દેશ્ય અત્યાધુનિક ટેક્નોલોજીઓના ડેવલપર, ઉત્પાદક અને નિકાસકાર તરીકે દુનિયામાં ભારતનું સ્થાન મજબૂત કરવાનો છે.

વડા પ્રધાન મોદીએ પ્રદર્શન નિહાળ્યું હતું.

વડા પ્રધાન મોદીએ કહ્યું, વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બનવાની સફરમાં ગતિ લાવવાનું કામ ટેક્નોલોજી કરે છે.

કાર્યક્રમમાં રિલાયન્સ જિયોના આકાશ અંબાણી, બિરલા ગ્રુપના કુમારમંગલમ બિરલા, એરટેલના સુનિલ મિત્તલ તથા ઉદ્યોગક્ષેત્રના અન્ય મહારથીઓએ હાજરી આપી હતી.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૭ ઓક્ટોબર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૭ ઓક્ટોબર, ૨૦૨૩

MP/MLA કોર્ટનો ચુકાદોઃ ગેન્ગસ્ટર મુખ્તાર અન્સારીને 10 વર્ષની કેદ

ગાઝીપુરઃ ઉત્તર પ્રદેશની ગાઝીપુર MP/MLA કોર્ટે માફિયા મુખ્તાર અન્સારીને ગેન્ગસ્ટર મામલે 10 વર્ષની જેલની સજા આપી છે. એ સાથે કોર્ટે રૂ. પાંચ લાખનો દંડ ફટકાર્યો છે. ગાઝીપુરના કરંડા સ્ટેશનમાં મુખ્તાર અંસારીની વિરુદ્ધ કપિલદેવ સિંહની હત્યાનો કેસ નોંધાયો હતો. એના પર MP-MLA કોર્ટના જજ અરવિંદ કુમાર મિશ્રની કોર્ટે મુખ્તારની સાથે સોનુ યાદવ પર પાંચ વર્ષની સજા અને રૂ. બે લાખનો દંડ ફટકાર્યો હતો. આ સાથે મુખ્તારના ભાઈ અને BSP સાંસદ અફઝલ અન્સારીને ચાર વર્ષની સજા આપવામાં આવી હતી. તેના પર રૂ. એક લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ પહેલાં સુધી તે જામીન પર હતો, જ્યારે મુખ્તાર પહેલેથી બાંદા જેલમાં બંધ હતો.

આ પહેલાં પણ ગેન્ગસ્ટરને એક અન્ય કેસમાં માફિયાને 10 વર્ષની સજા થઈ ચૂકી છે. મુખ્તાર અન્સારીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેવાની, કેમ કે કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ અજય રાયના ભાઈ અવધેશ રાયની હત્યાના મામલે તેમને ઉંમરકેદની સજા થઈ ચૂકી છે. મુખ્તાર હાલ બાંદા જેલમાં બંધ છે.

ગાઝીપુરના કરંડા સ્ટેશનમાં મુખ્તાર અન્સારીની વિરુદ્ધ કપિલદેવ સિંહની હત્યાનો કેસ નોંધાયો હતો. આ કેસમાં MP/MLA કોર્ટના જજ અરવિંદ કુમાર મિશ્રની કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ સુનાવણી માટે મુખ્યાર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બાંદા જેલથી હાજર કરવામાં આવ્યો હતો. આ ચુકાદો સાંભળ્યા પછી તેના ચહેરા પર ગમગીની છવાઈ હતી અને તે ટેન્શનમાં આવી ગયો હતો.

 

 

 

 

વહીદા રેહમાનને ફાળકે એવોર્ડ ઘણો વહેલો મળવો જોઈતો હતો: અમિતાભ

મુંબઈઃ હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચને દંતકથાસમાન અભિનેત્રી વહીદા રેહમાનની મુક્તકંઠે પ્રશંસા કરી છે અને કહ્યું છે કે એમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ ઘણો વહેલો આપવો જોઈતો હતો.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાઈ ગયેલા 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિતરણ સમારોહમાં વહીદા રેહમાનને દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. વહીદા ‘ગાઈડ’, ‘પ્યાસા’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’, ‘દિલ્હી-6’, ‘કાગઝ કે ફૂલ’ સહિત અનેક ફિલ્મોમાં ભજવેલી ભૂમિકા માટે પ્રખ્યાત થયાં છે. એમની ફિલ્મી કારકિર્દી સાત દાયકા જેટલી લાંબી રહી છે.

અમિતાભ બચ્ચને એમના દ્વારા સંચાલિત જ્ઞાન-આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ના 54મા એપિસોડમાં સ્પર્ધકોને આમંત્રિત કર્યા હતા. રૂ. 80,000ની ઈનામી રકમવાળા સવાલમાં એમને બચ્ચન દ્વારા પૂછવામાં આવ્યું હતું: ‘’પ્યાસા’ અને ‘ગાઈડ’ જેવી ફિલ્મોની કઈ અભિનેત્રીને 2023માં ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ આપવામાં આવ્યો હતો?’ સ્પર્ધકોને એ માટે આ વિકલ્પો આપવામાં આવ્યા હતાઃ શર્મિલા ટાગોર, વહીદા રેહમાન, ઝીનત અમાન, સાયરાબાનુ.

સાચો જવાબ ‘વહીદા રેહમાન’ હતો.

તે વિશે અમિતાભ બચ્ચને કહ્યું હતું, ‘વહીદા રેહમાનને દેવ આનંદની જન્મશતાબ્દી દિવસની પૂર્વસંધ્યાએ દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. દેવ આનંદના 100મા જન્મદિન નિમિત્તે વહીદાજીને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે એક સંયોગ હતો. વહીદાજી દ્રષ્ટાંતરૂપ કલાકાર છે. મારું માનવું છે કે એમને આ એવોર્ડ ઘણો વહેલો આપવાની જરૂર હતી. એ મારાં ફેવરિટ કલાકાર છે. હું એમનો મોટો પ્રશંસક છું. મને એમની સાથે કામ કરવાનું સદ્દભાગ્ય સાંપડ્યું છે. તે સરળ સ્વભાવનાં અને નેક દિલ મહિલા છે.’

અમિતાભ અને વહીદા રેહમાને ‘કભી કભી’, ‘અદાલત’, ‘ત્રિશુલ’, ‘નમક હરામ’ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

સરકારે બાસમતી નિકાસનું લઘુતમ મૂલ્ય ઘટાડીને 950 ડોલર કર્યું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બાસમતી ચોખાનું ન્યૂનતમ મૂલ્ય પ્રતિ ટન 1200 ડોલરથી ઘટાડીને 950 ડોલર પ્રતિ ટન કરી દીધી છે. બાસમતી ચોખાની ન્યૂનતમ કિંમત વધુ રહેવાને કારણે નિકાસ પર પ્રતિકૂળ અસર પડી રહી હતી. બાસમતી ચોખાની ન્યૂનતમ કિંમત ઘટાડ્યાની જાણ વેપાર મંત્રાલયે એક્સપોર્ટ પ્રમોશન સંસ્થા APEDAને મોકલી દીધી છે.સરકારે ઓગસ્ટમાં ખાદ્ય ફુગાવો વધવાને કારણે સ્થાનિક બજારમાં બાસમતી ચોખાનો પુરવઠો જાળવી રાખવા માટે બાસમતીની નિકાસ માટેની ફ્લોર પ્રાઇઝમાં વધારો કર્યો હતો. જોકે હવે સ્થાનિક બજારમાં બાસમતી ચોખામાં નવો પાક આવવા લાગતાં સરકારને આવતા એક મહિનામાં કિંમતોમાં ઘટાડાની અપેક્ષા છે.
જોકે બાસમતી ચોખાની કિંમતો ઊંચી રહેવાને કારણે નિકાસમાં ઘટાડો થતાં ખેડૂતોએ અને ટ્રેડર્સે મહત્ત્વનાં રાજ્યોમાં ચૂંટણી હોવાથી દેખાવો કર્યા હતા. વળી, આંતરરાષ્ટ્રીય બજારમાં પાકિસ્તાનના બાસમતી ચોખાની કિંમતોની તુલનાએ ભારતીય ચોખાની ઊંચી કિંમતો હોવાથી માગમાં ઘટાડો થયો હતો.એપ્રિલથી ઓગસ્ટના સમયગાળામાં ભારતીય બાસમતી ચોખાની નિકાસ ગયા વર્ષના સમાનગાળામાં 12 ટકા વધીને 20 લાખ ટને પહોંચી, જે મૂલ્યની દ્રષ્ટિએ રૂ. 2200 કરોડ થતી હતી. જોકે લઘુતમ મૂલ્ય વધુ હોવાને કારણે ધીમો વધારો થયો હતો.

 

 

વર્ષ 2023નું આખરી ચંદ્રગ્રહણ આવતીકાલે; ધ્યાનમાં રાખવા જેવી અમુક બાબત

મુંબઈઃ આ વર્ષનું આખરી અને બીજું ચંદ્રગ્રહણ આવતીકાલે 28 ઓક્ટોબરે, શરદ પૂનમના દિવસે થવાનું છે. આ ગ્રહણ આંશિક અથવા ખંડગ્રાસ હશે. આ વર્ષે પહેલું ચંદ્રગ્રહણ 5 મેના રોજ થયું હતું. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી હિન્દૂ ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું રહેશે. ચંદ્રગ્રહણ વિશેની કેટલીક મહત્ત્વની બાબતો નીચે મુજબ છેઃ

વર્ષનું આખરી ચંદ્રગ્રહણ ક્યાં દેખાશે?

વર્ષનું આખરી ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. આ ઉપરાંત હિંદ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, પશ્ચિમ અને દક્ષિણ પ્રશાંત મહાસાગર, આફ્રિકા, યૂરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા ખંડના ભાગોમાં દેખાશે. દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગના લોકોને આ ગ્રહણ જોવા મળશે.

વર્ષનું આખરી ચંદ્રગ્રહણ કઈ રાશીમાં અને કયા નક્ષત્રમાં થશે?

આ ચંદ્રગ્રહણ મેષ રાશી અને અશ્વિન નક્ષત્રમાં થવાનું છે. આ ગ્રહણની અસર તમામ 12 રાશીઓ પર થશે.

ભારતીય સમય અનુસાર ચંદ્રગ્રહણ કેટલા વાગ્યે શરૂ થશે અને સમાપ્ત થશે?

ભારતીય સમયાનુસાર આ ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરની રાતે 11.32 વાગ્યાથી શરૂ થશે અને 29 ઓક્ટોબરે રાતે 2.22 વાગ્યે સમાપ્ત થશે. 29 ઓક્ટોબરે રાતે 1.44 વાગ્યે ચંદ્રગ્રહણ અંતિમ ચરણમાં રહેશે.

સુતક કાળ

આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી હિન્દૂધર્મીઓ ધાર્મિક દ્રષ્ટિએ તેને લગતા નિયમોનું પાલન કરશે. સુતક કાળમાં કોઈ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો ગ્રહણના બરાબર 9 કલાક પહેલા શરૂ થાય છે. ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 28 ઓક્ટોબરે બપોરે 3.15 કલાકે શરૂ થશે. સુતક કાળ દરમિયાન તમામ મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. સુતક દરમિયાન કોઈ પૂજા કે ધાર્મિક વિધિ કરવામાં આવતી નથી. સુતક કાળ ગ્રહણ સમાપ્તિ સાથે પૂરો થાય છે.

ચંદ્રગ્રહણ ક્યારે થાય છે?

જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડતાં ચંદ્રગ્રહણ થયું એમ કહેવાય. પૃથ્વીનો પડછાયો આંશિક રીતે ચંદ્ર પર છવાય તો આંશિક કે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થયું કહેવાય અને જો પૃથ્વીના પડછાયાથી ચંદ્ર સંપૂર્ણપણે ઢંકાઈ જાય તો ખગ્રાસ ચંદ્રગ્રહણ થયું કહેવાય.

કઈ રાશી પર ચંદ્રગ્રહણની શુભ અસર પડશે?

જ્યોતિષીઓના મંતવ્ય મુજબ આ ચંદ્રગ્રહણની મિથુન, કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશીનાં લોકો માટે લાભદાયી અસર રહેશે.

ચંદ્રગ્રહણ વખતે શું ન કરવું જોઈએ?

ચંદ્રગ્રહણના સમય દરમિયાન અન્ન સેવન કરવાની મનાઈ છે.