Home Blog Page 24

મોટો નિર્ણય: જ્ઞાન સહાયકની ભરતીમાં વયમર્યાદા વધીને 48 વર્ષ કરાઈ

ગુજરાતની સરકારી પ્રાથમિક અને સરકારી અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓમાં લાંબા સમયથી ચાલી રહેલી શિક્ષકોની અછતને દૂર કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા અમલી ‘જ્ઞાન સહાયક (પ્રાથમિક) યોજના’ના મૂળ નિયમોમાં વ્યાપક ફેરફારો કરતો એક નવો સુધારા ઠરાવ સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યો છે. આ નવા સુધારા અંતર્ગત હવે જ્ઞાન સહાયક બનવા ઈચ્છતા શિક્ષકો માટેની મહત્તમ વયમર્યાદામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભરતીની સમગ્ર પ્રક્રિયા, ઉમેદવારોના મેરીટ બનાવવાની પદ્ધતિ તેમજ શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટેના નિયમો પણ સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યા છે.

વયમર્યાદા ૪૦ થી વધારીને ૪૮ વર્ષ કરાઈ: અનુભવીઓને મળશે તક

શિક્ષણ વિભાગના નવા ઠરાવ મુજબ, જ્ઞાન સહાયકની ભરતી માટે ઉમેદવારની મહત્તમ ઉંમર જે અત્યાર સુધી ૪૦ વર્ષની હતી, તેને સીધી વધારીને હવે ૪૮ વર્ષ કરી દેવામાં આવી છે. એટલે કે, હવે ૪૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા લાયકાત ધરાવતા ઉમેદવારો પણ આ યોજના હેઠળ શિક્ષક બનવા માટે ઓનલાઈન અરજી કરી શકશે. સરકારનું માનવું છે કે વયમર્યાદા વધારવાના આ કલ્યાણકારી નિર્ણયથી વર્ષોથી જ્ઞાન પીરસવાનો અનુભવ ધરાવતા અને લાયક ઉમેદવારોને રોજગારીની ઉત્તમ તક મળશે. આ સાથે જ શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ પણ ખૂબ જ ઝડપથી અને ગુણવત્તાસભર રીતે ભરી શકાશે.

મેરીટ પદ્ધતિમાં ફેરફાર અને ‘એક ઉમેદવાર, એક જ જિલ્લો’ નો નવો નિયમ

ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક, સરળ અને સંપૂર્ણપણે ગુણવત્તા આધારિત બનાવવા માટે મેરીટ બનાવવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરાયો છે.

TET ગુણના આધારે પસંદગી: નવા નિયમો અનુસાર, ધોરણ ૧ થી ૫ માં શિક્ષણ કાર્ય માટે TET-1 (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ-૧) અને ધોરણ ૬ થી ૮ માટે TET-2 ના પરિણામમાં મેળવેલા ગુણોને જ આખરી આધાર ગણીને પ્રાદેશિક સ્તરે જિલ્લાવાર મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.

જિલ્લાની પસંદગી પર મર્યાદા: નવી જોગવાઈ હેઠળ હવે ઉમેદવારે અરજી કરતી વખતે માત્ર અને માત્ર એક જ જિલ્લાની ફરજિયાત પસંદગી કરવાની રહેશે. ઉમેદવારે જે તે પસંદ કરેલા જિલ્લાની મેરીટ યાદીના ક્રમ મુજબ જ તેને શાળામાં જ્ઞાન સહાયક તરીકે સેવા આપવાની તક પૂરી પાડવામાં આવશે.

ઓનલાઈન પ્રક્રિયા અને SMC દ્વારા કરાર આધારિત નિમણૂક

નવી વહીવટી પારદર્શિતાના ભાગરૂપે, તમામ જિલ્લા શિક્ષણ સમિતિઓ દ્વારા પોતપોતાના જિલ્લાની શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓની સચોટ વિગતો સત્તાવાર ભરતી પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવામાં આવશે. ખાલી જગ્યાઓની આ યાદી સાર્વજનિક થયા બાદ, કમ્પ્યુટર સંચાલિત મેરીટ લિસ્ટના આધારે ઉમેદવારોને શાળાની પસંદગી કરવાનો મોકો મળશે. ઓનલાઈન સિસ્ટમ દ્વારા ફાળવણી થયા બાદ, સંબંધિત શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC – School Management Committee) દ્વારા ઉમેદવાર સાથે નિયત શરતોને આધીન કરાર આધારિત નિમણૂક પત્ર આપવામાં આવશે.

કાયમી શિક્ષકો આવતા જ કરારનો આપોઆપ અંત

શિક્ષણ વિભાગે આ ઠરાવમાં એક મહત્વની બાબત સ્પષ્ટ કહી દીધી છે કે આ નિમણૂક સંપૂર્ણપણે ૧૧ મહિનાના કરાર આધારિત જ રહેશે. જે તે શાળામાં જો કાયમી ધોરણે નવા શિક્ષકની ભરતી કરવામાં આવે, અન્ય કોઈ સ્થળેથી શિક્ષકની બદલી થાય અથવા તો કોઈ કાયમી શિક્ષકની પુનઃસ્થાપના થવાના કારણે ખાલી જગ્યા ભરાઈ જાય, તો તે શાળામાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકનો કરાર તે જ દિવસથી આપોઆપ સમાપ્ત (ટર્મિનેટ) થઈ જશે. જો કે, આવા સંજોગોમાં કરારમુક્ત થયેલા ઉમેદવારના હિતનું રક્ષણ કરવા માટે તેનું નામ ફરીથી પ્રતીક્ષા યાદી (વેઇટિંગ લિસ્ટ) માં મૂકી દેવામાં આવશે જેથી ભવિષ્યની ખાલી જગ્યા પર તેને ફરીથી પ્રાધાન્ય મળી શકે.

 

TMCના ભૂતપૂર્વ ધારાસભ્ય શૌકત મોલ્લાના ઘરે NIAના દરોડા

કોલકાતાઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ગુરુવારે ભાંગરના દક્ષિણ બામુનિયા વિસ્તારમાં TMCના ભૂતપૂર્વ ધારાસભ્ય શૌકત મોલ્લાના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં દક્ષિણ બામુનિયા વિસ્તારમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ વિસ્ફોટની તપાસ NIAને સોંપવાની માગ ઊઠી હતી. NIAએ થોડા સમય પહેલાં આ કેસમાં TMC નેતા વાહિદુલ ઇસ્લામ સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી.

કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ના જવાનો સાથે NIAની ટીમ સવારે મોલ્લાના ઘરે પહોંચી હતી અને વ્યાપક તલાશી અભિયાન હાથ ધર્યું હતું.

પુત્ર ઇમરાન મોલ્લા તપાસ ટીમ સાથે રહ્યા

આશરે 10 વાહનોમાં આવેલી NIAની ટીમે બામુનિયા ગામના અનેક ઘરોની પણ મુલાકાત લીધી હતી. એક અધિકારીના જણાવ્યા મુજબ તપાસ ટીમ પહોંચી ત્યારે શૌકત મોલ્લા ઘરે હાજર નહોતા. તેમના પુત્ર ઇમરાન મોલ્લા તલાશી દરમિયાન NIAની ટીમ સાથે રહ્યા હતા. ભાંગરના બામુનિયા ગામમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF)એ આ કેસની NIA તપાસની માગ કરી હતી. દક્ષિણ 24 પરગણા જિલ્લાના દક્ષિણ બામુનિયા ગામમાં 19 માર્ચે થયેલા દેશી બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આરોપ છે કે ઘટના સમયે ત્યાં બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા. તપાસ એજન્સીએ શૌકત મોલ્લાના કાર્યાલયની પણ તલાશી લીધી હતી. તલાશી દરમિયાન તેમની પત્ની અને પુત્રી પણ ઘરે પહોંચી ગયાં હતાં. અધિકારીઓ વિસ્ફોટ કેસ સાથે સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છે અને જરૂરી માહિતી એકત્રિત કરી રહ્યા છે. આ દરમિયાન વિસ્તારમાં તેમ જ મોલ્લાના નિવાસસ્થાનની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી. NIAની ટીમે TMC નેતા વાહિદુલ ઇસ્લામના ઘરે પણ તલાશી લીધી હતી. એ ઉપરાંત વિસ્ફોટ બાદ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારા લોકોનાં ઘરોમાં પણ તપાસ કરવામાં આવી હતી. શૌકત મોલ્લાએ 2016 અને 2021ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. તાજેતરમાં પશ્ચિમ બંગાળ સરકારે તેમની સુરક્ષા પણ પાછી ખેંચી લીધી હતી.

દિગ્ગજ ફિલ્મનિર્માતા પહેલાજ નિહલાનીનું 76 વર્ષની વયે નિધન

નવી દિલ્હી: દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને Central Board of Film Certification (CBFC)ના ભૂતપૂર્વ અધ્યક્ષ પહેલાજ નિહલાનીનું 76 વર્ષની વયે નિધન થયું છે. તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાનું ભારતીય ફિલ્મનિર્માતાઓના સૌથી મોટા સંગઠન Indian Motion Picture Producers’ Association (IMPA)ના અધ્યક્ષ અભય. સિંહાએ પુષ્ટિ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પહેલાજ નિહલાની લાંબા સમયથી લીવર સંબંધિત બીમારી હતી. તેઓ ફિલ્મજગતની જાણીતી હસ્તી હતા અને તેમણે અનેક સફળ તથા લોકપ્રિય ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. તેમના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ છે. તેઓ માત્ર સફળ નિર્માતા જ નહીં, પરંતુ કડક અને ચર્ચાસ્પદ સેન્સર બોર્ડપ્રમુખ તરીકે પણ જાણીતા હતા.

તેમના ફિલ્મી કારકિર્દી દરમિયાન તેમણે અનેક હિટ ફિલ્મોને સમર્થન આપ્યું હતું. તેમાં ઇલ્જામ, આગ હી આગ, શોલા ઓર શબનમ અને આંખે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ખાસ કરીને આંખે 1990ના દાયકાની સૌથી મોટી હિટ ફિલ્મોમાં ગણાય છે અને આજે પણ તેને તેમની સૌથી સફળ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.

પહેલાજ નિહલાનીએ અનેક મોટા કલાકારોને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ તક આપી હતી. તેમણે અભિનેતા ગોવિંદાને 1986માં આવેલી ફિલ્મ ઇલ્જામ દ્વારા લોન્ચ કર્યા હતા. એ જ રીતે અભિનેતા ચંકી પાંડેએ પણ આગ હી આગ ફિલ્મ દ્વારા પોતાના કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ઉપરાંત ગોવિંદા અને ચંકી પાંડે અભિનીત 1993ની ફિલ્મ આંખેં તે સમયની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ રહી હતી. આ સિવાય તેમણે અક્ષયકુમાર અને સની દેઓલને પણ સ્ટાર બનાવ્યા હતા.

તેમની ફિલ્મોગ્રાફીમાં અનેક જાણીતી ફિલ્મોનો સમાવેશ થાય છે. ફિલ્મનિર્માતા તરીકેના યોગદાન ઉપરાંત, પહેલાજ નિહલાનીએ 2015થી 2017 દરમિયાન CBFCના અધ્યક્ષ તરીકે પણ કામગીરી સંભાળી હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેઓ કડક સેન્સરશિપ નીતિઓને કારણે સતત ચર્ચામાં રહ્યા હતા. તે સમયગાળા દરમિયાન અનેક ફિલ્મોને લઈને વિવાદો પણ ઊભા થયા હતા. પહેલાજ નિહલાનીના નિધનથી ભારતીય ફિલ્મજગતે એક મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી વ્યક્તિ ગુમાવી છે.

કબીરવાણી: માટીની વાણીમાં જીવનનું સત્ય

માટી કહે કુમ્હાર સૌ, કયા તૂ સૌદે મોહિ,

એક દિન એસા હોયેગા, મેં રોંદૂંગી તોહિ.

 

જ્યારે જ્યારે કબીરજી માનવીના જીવનની વિડંબનાનું વર્ણન કરે છે, ત્યારે તેમના શબ્દો ધારદાર બનીને સીધી ચોટ કરે છે. માટીને ગૂંદતા કુંભારને જોઈને કબીરજીએ કેટલો ઊંડો તાત્ત્વિક વિચાર કર્યો છે!

દેહ, જેનું સર્જન પંચમહાભૂતોમાંથી થયું છે અને મરણ બાદ ફરી પંચમહાભૂતોમાં જ વિલીન થવાનો છે, તે નશ્વર છે. દેહાભિમાનનું ઘડીના છઠ્ઠા ભાગમાં નિરસન થઈ જાય તેવો આ ઉપદેશ છે.

જે માટી કુંભારના પગ તળે ચગદાઈ રહી છે, તેની મહત્તા દર્શાવતા કબીરજી માટીના મુખે કુંભારને અને ઉપમા દ્વારા આપણને સમજાવે છે કે, એક દિવસ આ નશ્વર દેહ પણ માટીમાં ભળી જવાનો છે.

માત્ર બે પંક્તિની આ સાખીમાં કબીરજી ઉપદેશ આપતા નથી, પરંતુ એક નિરીક્ષણ રજૂ કરે છે. સામાન્ય લાગતી ઘટનામાંથી અધ્યાત્મની ઊંચાઈ શોધી આપવાની તેમની ક્ષમતા તેમને આગવી કક્ષામાં મૂકે છે.

કબીરજી હંમેશાં શાશ્વત પ્રશ્નોની ગૂઢતાને અત્યંત સરળ શબ્દોમાં આપણી સામે મૂકી દે છે. ત્યારબાદ તેના પર વિચાર કરવાનું કાર્ય આપણું છે. કારણ કે, આચરણ વિનાની વિચારણા નિરર્થક છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

માલવીય નગર અગ્નિકાંડ: હોટેલ માલિક લવકેશ બજાજની ધરપકડ

નવી દિલ્હી: દિલ્હીના માલવીય નગરમાં આવેલી હોટેલમાં થયેલા ભીષણ અગ્નિકાંડ મામલે પોલીસે હોટેલના માલિક લવકેશ બજાજની ધરપકડ કરી છે. હાલ તેની ઘટના અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ લવકેશ બજાજ અને તેના બે ભાગીદારોને પકડવા માટે દિલ્હી પોલીસે અનેક ટીમો બનાવી હતી. આ ટીમોએ દિલ્હીનાં વિવિધ સ્થળોએ દરોડા પણ પાડ્યા હતા.

હોટલ અંગે અનેક ચોંકાવનારા ખુલાસા
હોટેલમાલિક લવકેશ બજાજની ધરપકડ બાદ હવે દિલ્હી પોલીસ હોટેલ મેનેજર જય મિશ્રાની શોધમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. જે ફ્લોરિશ સ્ટે- Flourish Stay હોટેલમાં આગ લાગી હતી અને 21 લોકોનાં મોત થયાં હતાં, તે હોટેલ અંગે અનેક મોટા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે હોટેલના માલિકે કથિત રીતે માત્ર ચાની દુકાન (Tatkal Licence) માટે અરજી કરી હતી. હોટેલને B & B (બેડ એન્ડ બ્રેકફાસ્ટ) શ્રેણી હેઠળ માત્ર છ રૂમ ચલાવવાની મંજૂરી મળી હતી. જોકે પોલીસના જણાવ્યા મુજબ માલિક 26 રૂમનું સંચાલન કરી રહ્યો હતો. હોટેલના પ્રથમ માળે રેસ્ટોરાં અને બેઝમેન્ટમાં રસોડું પણ ચલાવવામાં આવતું હતું.

આફ્રિકી દેશોના અનેક નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો
માલવીય નગરમાં થયેલા આ ભીષણ અગ્નિકાંડમાં અત્યાર સુધી 21 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો પણ સામેલ છે. માલવીય નગરની નજીક એક મોટી હોસ્પિટલ આવેલી હોવાથી આફ્રિકી દેશો સહિત વિદેશમાંથી ઘણા લોકો સારવાર માટે અહીં આવતા રહે છે. ઘટના સમયે પણ આફ્રિકી દેશોમાંથી આવેલા અનેક પરિવારો હોટેલમાં રોકાયા હતા, જેમાંથી ઘણા લોકોનાં મોત થયાં હતાં.

આ દુર્ઘટના બાદ દિલ્હી પોલીસ, MCD, પર્યટન વિભાગ અને અન્ય સરકારી એજન્સીઓ વચ્ચે જવાબદારીને લઈને આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે.

વિચારની પાંખે માનવીની સ્પેસ સફર

સન 2001માં એક અમેરિકન યુવાનને વિચાર આવ્યો કે મંગળ ગ્રહ (Mars) પર લીલાછમ છોડ અથવા ગ્રીનહાઉસ (Greenhouse) ઉગાડી શકીએ તો? આ વિચારને અમલમાં મૂકવા એ યુવાન રશિયા (Russia) ગયો, રિયુઝેબલ રૉકેટ (Reusable Rocket) ખરીદવા. પરંતુ કિંમત સાંભળીને તે ઠંડો પડી ગયો. નિરાશ થવાને બદલે, વળતા પ્રવાસ દરમિયાન વિમાન (Plane)માં તેણે લેપટોપ (Laptop) ખોલીને ગણતરી શરૂ કરી કે રૉકેટ બનાવવા માટેનું રૉ-મટીરિયલ (Raw Material) કેટલામાં પડે. તેને સમજાયું કે જો જાતે રૉકેટ બનાવવામાં આવે તો સ્પેસ ટ્રાવેલ (Space Travel)નો ખર્ચ 90 ટકા જેટલો ઓછો કરી શકાય.

એ યુવાન એટલે એલન મસ્ક (Elon Musk). એ રાત્રે વિમાનમાં જન્મેલો એક વિચાર એટલે આજે અબજો ડૉલરની કંપની સ્પેસએક્સ (SpaceX). જે સમયે દુનિયા સ્પેસ ટ્રાવેલ (Space Travel)ને સરકારનું કામ માનતી હતી, ત્યારે યુવા એલનના મગજમાં આવેલા રિયુઝેબલ રૉકેટ (Reusable Rocket)ના વિચારએ આખી દુનિયાનો અવકાશ-ઇતિહાસ બદલી નાખ્યો.

હજારો વર્ષો પહેલાં પથ્થરની ગુફાઓમાં પશુ જેવું જીવન જીવતો માનવી આજે ચંદ્ર (Moon) અને મંગળ (Mars) પર નિવાસસ્થાન તથા ટૂર-ટ્રાવેલ (Tour & Travel)ના આયોજન કરી રહ્યો છે. આજે માનવની વિકાસકૂચ સુવિધાઓનાં સાધનોની હારમાળા સર્જી રહી છે. પરંતુ આ વિકાસ, આ પ્રગતિ શેને આભારી છે?

જો કોઈ કહે કે વિજ્ઞાન (Science)ની હરણફાળ, તો એક રીતે એ સાચો જવાબ છે. પરંતુ વધુ સચોટ જવાબ છે – એક વિચાર (Idea). મગજમાં આવેલો એક આઈડિયા (Idea). પ્રાચીન કાળથી આજ સુધી માનવપ્રગતિનો ઇતિહાસ એ મનુષ્યના મસ્તિષ્કમાં જન્મેલા વિચારોની ગાથા છે, તેમજ એ વિચારોના સર્જનાત્મક અનુસરણ અને પરિણામોની પ્રાપ્તિનો ઇતિહાસ છે.

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (Dr. A.P.J. Abdul Kalam) પોતાની આત્મકથા (Autobiography)માં જણાવે છે કે, “બાળપણથી જ મને આકાશનાં રહસ્યો અને પક્ષીઓના ઉડ્ડયન (Flight) પ્રત્યે ખૂબ આકર્ષણ હતું. ભલે હું સીધોસાદો ગામડાનો છોકરો હતો, પરંતુ મને શ્રદ્ધા હતી કે એક દિવસ હું પણ આકાશમાં ઊડીશ. અને ખરેખર, રામેશ્વરમ (Rameswaram)માંથી આકાશમાં વિચરનાર હું પ્રથમ છોકરો બન્યો.”

એક સામાન્ય સાગરખેડુના બાળકને આકાશની ઊંચાઈએ પહોંચાડવા માટેનું મુખ્ય પરિબળ હતું – વિચાર (Thought). એટલે જ કહેવાયું છે કે જ્યારે વિચારનું વાવેતર થાય છે, ત્યારે તે ક્રિયા (Action)માં પરિણમે છે.

દક્ષિણ આફ્રિકા (South Africa)માં પ્રેક્ટિસ કરતા મોહનદાસ કરમચંદ ગાંધી (Mohandas Karamchand Gandhi) એક વખત ડરબન (Durban)થી પ્રિટોરિયા (Pretoria) જવા માટે રેલવે (Railway)ની ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને પોતાની સીટ પર ગોઠવાયા હતા. રાત્રે નવ વાગ્યે મારિત્સબર્ગ સ્ટેશન (Maritzburg Station) પર એક ગોરો ટિકિટ ચેકર તેમના કમ્પાર્ટમેન્ટમાં આવ્યો. તેણે તેમની ટિકિટ તપાસી અને ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં તેમને થર્ડ ક્લાસમાં જવા કહ્યું. રકઝક થતાં તેણે પોલીસની મદદથી યુવા બેરિસ્ટર (Barrister)ને કમ્પાર્ટમેન્ટની બહાર ફેંકી દીધા.

તે સમયે તેમના મનમાં વિચાર આવ્યો: “મારે મારા હક માટે લડવું જોઈએ.”

24 વર્ષના આ યુવાન, બિનઅનુભવી બેરિસ્ટરના આ વિચારમાં સ્વરાજ (Swaraj)ની હિલચાલના ભણકારા હતા. તેમના આ વિચારે માત્ર આફ્રિકનોમાં જ નહીં, પરંતુ ભારતની તે વખતની 30 કરોડ જનતામાં પણ આઝાદી (Freedom)ની ભૂખ જગાડી દીધી.

ગાંધીજીના હક માટે લડવાના માત્ર એક વિચારે એવો પ્રચંડ પવન ફૂંક્યો કે 150 વર્ષની અંગ્રેજોની ગુલામી (British Rule)ની ગંઠાઈ ગયેલી સાંકળોને ઓગાળી દીધી. ટ્રેન (Train)ના ડબ્બામાંથી બહાર ફેંકાયેલી વ્યક્તિના પ્રબળ વિચારે આખા સામ્રાજ્ય (Empire)ને બહાર ફેંકી દીધું. આ વિચારની કરામત નહીં તો શું છે?

વિચારની આટલી શક્તિ (Power) અને સામર્થ્ય હોવા છતાં, વિચારવું એ કઠિન કાર્ય છે. વિચારને અઘરું કાર્ય કહેવાનું કારણ એટલું છે કે વિચાર અને વિકાસ (Development) જેમ સાથે ચાલે છે, તેમ વિચાર અને વિનાશ (Destruction) પણ સહચારી છે.

વિચાર યોગ્ય, નિયંત્રિત (Controlled) અને સર્જનાત્મક (Creative) હોય તો ચોક્કસ વિકાસને નોતરે છે. પરંતુ અયોગ્ય, અનિયંત્રિત (Uncontrolled) અને વિધ્વંસાત્મક (Destructive) વિચાર વિનાશ સર્જે છે. કોઈની પ્રગતિમાં દાઝવાથી શરૂ થયેલી વૈચારિક પ્રક્રિયા આતંકવાદ (Terrorism) સુધી પહોંચે છે; તેના મૂળમાં આ અવળો વિચાર જ હોય છે.

તેથી જ વચનામૃત (Vachanamrut)માં ભગવાન સ્વામિનારાયણ (Bhagwan Swaminarayan) કહે છે કે, “અવળા વિચારનો ત્યાગ કરવો અને સવળો વિચાર હોય તે જ ગ્રહણ કરવો.”

વિચાર (Thought) એ માનવીની સૌથી મોટી શક્તિ (Power) છે. એ જ વિચાર માનવીને ગુફાઓમાંથી અવકાશ (Space) સુધી પહોંચાડે છે અને એ જ વિચાર તેને પતનના માર્ગે પણ દોરી શકે છે. તેથી વિચારોનું સંવર્ધન, સંયમ અને શુદ્ધિકરણ એ જ સાચી પ્રગતિનો પાયો છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

મુઝફ્ફરપુરની હોસ્પિટલના ICUમાં લાગી આગઃ ચાર લોકોનાં મોત

મુઝફ્ફરપુરઃ બિહારના મુઝફ્ફરપુરમાં ગુરુવારે વહેલી સવારે એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. આગની ઘટના પ્રસાદ હોસ્પિટલના પાંચમા માળે આવેલા ICUમાં બની હતી. જેને કારણે ICUમાં ધુમાડો ફેલાયો હતો. ICUમાંથી 20 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અગ્નિશામક વિભાગને સવારે 3:55 વાગ્યે આગ લાગ્યાની જાણ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અત્યાર સુધી ચાર લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે.

શોર્ટ સર્કિટને કારણે લાગી આગ

મુઝફ્ફરપુર અગ્નિશામક વિભાગના અધિકારી રામ નિવાસ પાંડે જણાવ્યું હતું કે અમે ICUમાંથી 15થી 20 દર્દીઓને બચાવ્યા હતા, જેમાંથી બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. બાકીના દર્દીઓને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દર્દીઓને લઈને ભાગ્યા પરિવારજનો

પરિવારજનોના જણાવ્યાનુસાર હોસ્પિટલમાં ફાયર કન્ટ્રોલ સિસ્ટમ કાર્યરત નહોતી. આગ લાગ્યાની જાણ થતાં જ હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. દર્દીઓ અને તેમના પરિવારજનો જીવ બચાવવા માટે કોઈક રીતે હોસ્પિટલની બહાર નીકળી ગયા હતા. જોકે ICU વોર્ડમાં દાખલ દર્દીઓ માટે આ દુર્ઘટના અત્યંત ભયાનક સાબિત થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ગૂંગળામણ (ધુમાડાને કારણે શ્વાસ રૂંધાવાથી) અનેક દર્દીઓનાં મોત થયાં હતાં.

મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. બિહારના મુખ્ય મંત્રીએ X પર લખ્યું હતું કે મુઝફ્ફરપુરની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાને કારણે ચાર લોકોનાં મોત થવાની ઘટના અત્યંત દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ છે. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ કપરા સમયમાં શક્તિ અને ધૈર્ય પ્રદાન કરે. મૃતકોના પરિવારજનોને તાત્કાલિક 4-4 લાખ રૂપિયાનું અનુગ્રહ અનુદાન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

પંચાંગ 04/06/2026

૦૪ જૂન ૨૦૨૬

સૂર્યકુમાર યાદવ આઉટ, શ્રેયસ અય્યર બન્યો નવો T20 કિંગ

ભારતીય ક્રિકેટ જગતમાંથી આ સમયે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના T20 ફોર્મેટના સુકાનીપદને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને સેલેક્ટર્સે એક અત્યંત ચોંકાવનારો અને સાહસિક નિર્ણય લીધો છે. મિડલ ઓર્ડરના ભરોસાપાત્ર બેટ્સમેન શ્રેયસ અય્યરને હવે સત્તાવાર રીતે ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અય્યર હવે વર્તમાન કેપ્ટન સૂર્યકુમાર યાદવ (SKY) ની જગ્યા લેશે અને આગામી સીરીઝથી ભારતીય ટીમની કમાન સંભાળશે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય T20 ટીમમાં પરિવર્તનની જે અટકળો ચાલી રહી હતી, તેના પર આ નિર્ણય સાથે જ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. આ ફેરફાર સાથે જ ભારતીય ટૂંકા ફોર્મેટના ક્રિકેટમાં હવે એક નવા યુગ અને એક નવી વિચારધારાની શરૂઆત થવા જઈ રહી છે.

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ અને ફોર્મ પર કેમ ઉઠ્યા સવાલો?

છેલ્લા કેટલાક સમયથી સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ અને ખાસ કરીને તેની વ્યક્તિગત બેટિંગ શૈલી પર ક્રિકેટ વિવેચકો અને પસંદગીકારો દ્વારા સતત સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા. T20 વર્લ્ડ કપ દરમિયાન અને ત્યાર બાદ રમાયેલી મહત્વની મેચોમાં પણ સૂર્યાનું પ્રદર્શન ક્રિકેટ ચાહકો અને ટીમ મેનેજમેન્ટની અપેક્ષાઓ મુજબનું રહ્યું ન હતું.

આ સિવાય, તાજેતરમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની સીઝનમાં પણ સૂર્યકુમાર યાદવ પોતાના બેટથી કોઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો અને રન બનાવવા માટે સતત સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. સૂર્યાનું આ નબળું ફોર્મ અને મેદાન પર પ્રેશર હેન્ડલ કરવાની ક્ષમતામાં આવેલો ઘટાડો જોઈને મુખ્ય પસંદગીકાર અને ટીમ મેનેજમેન્ટે ભવિષ્યના રોડમેપ માટે નવા અને લાંબા ગાળાના કેપ્ટનની શોધ શરૂ કરી દીધી હતી, જે અંતે શ્રેયસ અય્યર પર આવીને અટકી છે.

કેમ શ્રેયસ અય્યર જ બન્યો સેલેક્ટર્સની પહેલી પસંદ?

શ્રેયસ અય્યર ઘણા લાંબા સમયથી ભારતીય મિડલ ઓર્ડરની કરોડરજ્જુ રહ્યો છે અને તે એક અત્યંત પરિપક્વ અને ભરોસાપાત્ર બેટ્સમેન તરીકે ઓળખાય છે. અય્યર પાસે માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો જ નહીં પરંતુ કેપ્ટનશીપનો પણ બહોળો અનુભવ છે. તેણે ડોમેસ્ટિક ક્રિકેટ (ઘરઆંગણાના ક્રિકેટ) માં મુંબઈની ટીમ અને હાઈ-પ્રોફાઈલ ટૂર્નામેન્ટ IPL માં વિવિધ ફ્રેન્ચાઈઝીઓ માટે શાનદાર કેપ્ટનશીપ કરી છે.

મેદાન પર તેની સ્ટ્રેટેજી, શાંત સ્વભાવ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ દબાણ વગર યોગ્ય નિર્ણયો લેવાની કળાને કારણે તે હંમેશા એક લીડર તરીકે ઉભરી આવ્યો છે. ટીમ મેનેજમેન્ટ અને કોચિંગ સ્ટાફની નજરમાં T20 ફોર્મેટમાં યુવા ખેલાડીઓને સાથે રાખીને આગળ વધવા માટે શ્રેયસ અય્યર અત્યારે સૌથી યોગ્ય અને સક્ષમ ઉમેદવાર સાબિત થયો છે.

આગામી રોડમેપ અને અય્યર સામેના મોટા પડકારો

શ્રેયસ અય્યરના કેપ્ટન બનવાની સાથે જ ભારતીય ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે તમામ ક્રિકેટ જગતની નજર એ વાત પર રહેશે કે અય્યરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા આગામી વિદેશી પ્રવાસો, દ્વિપક્ષીય સીરીઝ અને ભવિષ્યના મોટા આઈસીસી (ICC) ટૂર્નામેન્ટ્સમાં કેવું પ્રદર્શન કરે છે.

ક્રિકેટ એક્સપર્ટ્સનું માનવું છે કે નવો કેપ્ટન આવવાની સાથે જ ટીમમાં મોટા ફેરફારો જોવા મળશે:

નવા યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા માટે વધુ તકો મળી શકે છે.

ટીમના બેટિંગ ઓર્ડર (Batted Order) અને પાવરપ્લેની રણનીતિમાં મહત્વના ફેરફારો જોવા મળશે.

અય્યર સામે માત્ર પોતાની બેટિંગ સુધારવાનો જ પડકાર નથી, પરંતુ સમગ્ર ટીમને એકજૂથ કરીને ફરીથી વિશ્વની નંબર 1 ટીમ બનાવવાની અને ટ્રોફીઓ જીતાડવાની મોટી જવાબદારી તેના ખભા પર આવી ગઈ છે.