ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની ચાર વર્ષ બાદ આજે ઘરવાપસી થઈ છે. 2019થી શરીફ લંડનમાં રહેતા છે. તેઓ લાહોરમાં જનસભાને સંબોધિત કરશે. 73 વર્ષીય શરીફને એવેનફીલ્ડ ને અલ-અજીજિયા મામલામાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તોશાખાના મામલે તેમને અપરાધી જાહેર કરવામાં આવ્યા હતા. તેઓ આ કેસોમાં જામીન પર હતા. તેઓ 2019માં સારવાર માટે UK ચાલ્યા ગયા હતા.
ગુરુવારે પાકિસ્તાનની એક સ્થાનિક કોર્ટે નવાઝ શરીફની ધરપકડ પર સ્ટે લગાવ્યા બાદ તેમનો પાકિસ્તાન પાછા ફરવાનો માર્ગ મોકળો થયો હતો. શરીફ આજે લંડનથી પાકિસ્તાનના ઇસ્લામાબાદ પહોંચ્યા છે.વર્ષ 2018માં કોર્ટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવીને તેમને જેલમાં ધકેલી દીધા હતા. એ પછી તેમને સારવાર માટે વિદેશ જવા માટે 2019માં કોર્ટે મંજૂરી આપી હતી. ત્યાર પછી શરીફ લંડનમાં જ રહેતા હતા.
તેમના સ્વાગતમાં એરપોર્ટ પર તેમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના હજારો કાર્યકરો ઊમટી પડ્યા હતા. શરીફના ભાઈ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ કાર્યકરોને નવાઝ શરીફનુ ભવ્ય સ્વાગત કરવા માટે અપીલ કરી હતી.
શરીફ 1976થી રાજનીતિમાં સક્રિય છે અને 1981માં તે પંજાબ રાજ્યના નાણાં મંત્રી બન્યા હતા. 1985માં તેઓ સીએમ પણ બન્યા હતા. એ પછી પાકિસ્તાન મુસ્લિમ લીગ સાથે તેમણે છેડો ફાડ્યો હતો અને પોતાની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝની સ્થાપના કરી હતી.
1990માં તેઓ પહેલી વખત પાકિસ્તાનાન વડા પ્રધાન બન્યા હતા. જોકે રાષ્ટ્રપતિ ગુલામ ઇશાક ખાન સાથે ટકરાવને પગલે રાષ્ટ્રપતિએ તેમને ભ્રષ્ટાચારના મામલામાં વડા પ્રધાનપદેથી હટાવી દીધા હતા. 1997માં તેઓ ફરી પાકિસ્તાના વડા પ્રધાન બન્યા હતા. તેમના આ કાર્યકાળમાં કારગિલ વોર થયું હતું. આ યુદ્ધના માસ્ટર માઇન્ડ ગણાતા આર્મી ચીફ પરવેઝ મુશરફે નવાઝ શરીફ પાસે સત્તા આંચકી લીધી હતી.
બેંગલુરુઃ ભાજપે કર્ણાટકની સિદ્ધારમૈયાની સરકાર પર તીખો હુમલો કર્યો છે. ભાજપે શ્રૃંગેરીના વિધાનસભ્ય ટીડી રાજેગૌડાના એક નિવેદનને લઈને કોંગ્રેસ સરકાર પર હુમલો કર્યો છે. કોંગ્રેસના વિધાનસભ્ય મારે મારું કામ કરાવવા માટે અત્યારે પણ પૈસા આપવા પડે છે. ભાજપે X પર કહ્યું છે કે આ ભ્રષ્ટાચારીઓ દ્વારા અને ભ્રષ્ટાચારીઓ માટે સરકાર છે.
કર્ણાટકના શ્રૃંગેરીથી કોંગ્રેસના વિધાનસભ્ય ટીડી રાજગૌડાએ આ સપ્તાહના પ્રારંભમાં એ કહીને વિવાદ કર્યો છે કે તેઓ હજી પણ કામ કરાવવા માટે પૈસા આપે છે. કેરે અને નેમ્મારુ ગ્રામ પંચાયત સીમા પર જનસંપર્ક કાર્યક્રમમાં બોલતાં કોંગ્રેસના વિધાનસભ્યએ લાંચ પર નિશાન સાધતાં કહ્યું હતું કે જો સમયમર્યાદાની અંદર કામ થાય તો હું પૈસા આપું છું. લાંચ અને ટિપ આપવામાં અંતર છે. મલનાડમાં લોકો મિલનસાર છે ને તેમનું કામ સમય પર થઈ જાય તો ટિપ આપે છે.
તેમણે કહ્યું હતું કે અધિકારીઓને શ્રીમંત અને ગરીબની વચ્ચે ભેદભાવ નહીં કરવો જોઈએ. બધાએ ગરિમા બનાવી રાખવી જોઈએ અને એ ધ્યાન રાખવું જોઈએ કે ગરીબોની સાથે અન્યાય ના થાય.
ಈ #ATMSarkara ದಲ್ಲಿ ಕೆಲಸವಾಗಲು ಶಾಸಕರೂ ಲಂಚ ಕೊಡಬೇಕು. ಇದು ಸ್ವತಃ ಕಾಂಗ್ರೆಸ್ ಶಾಸಕ ಟಿ. ಡಿ. ರಾಜೇಗೌಡರೇ ಒಪ್ಪಿಕೊಂಡಿರುವ ಸತ್ಯ.
ಇದು ಭ್ರಷ್ಟರಿಂದ ಭ್ರಷ್ಟರಿಗಾಗಿ ಮತ್ತು ಭ್ರಷ್ಟರಿಗೋಸ್ಕರವೇ ಇರುವ ಸರ್ಕಾರ ಎಂಬುದು ಸಾಬೀತಾಗಲು ಇನ್ನೇನೂ ಉಳಿದಿಲ್ಲ.
ભાજપે રાજેગૌડાના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે વિધાનસભ્યએ ખુદ ભ્રષ્ટાચારનો સ્વીકાર કર્યો છે અને રાજેગૌડાને તરત કાઢી મૂકવાની માગ કરી હતી. વિધાનસભ્યોને પણ આમ ATM સરકારમાં કામ કરવા માટે લાંચ આપવી જોઈએ.
રાજેગૌડાએ પછીથી વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે તેમનું નિવેદન અધિકારીઓથી લોકોને પરેશાન ના કરવા અને લાંચ ના વસૂલવા સંદર્ભે હતું.
અમદાવાદઃ રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. 20થી 40 વર્ષના યુવાનો સૌથી વધુ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે ગરબા રમતા હાર્ટ એટેકથી મોત થયું હોય તેવી વધુ એક ઘટના બની છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ 8 લોકોએ જીવ ગુમાવ્યાં છે.
અમદાવાદના હાથીજણમાં ગરબે ઘૂમતા 28 વર્ષના યુવકનું હાર્ટ અટેકને કારણે મોત થયું હતું. અમદાવાદમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તે ઢળી પડ્યો હતો, યુવકને તાબડતોડ હોસ્પિટલમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે સારવાર મળે પહેલા જ દુર્ભાગ્યવશ તેમનું મોત થયું હતું.
રાજકોટમાં ત્રણનાં મોત
રાજકોટના ધોરાજીના ભાદર બે ડેમના પાટિયામાં સમારકામ કરતાં શ્રમિક યુવકનું હાર્ટ અટેકને કારણે નિધન થયું છે. આ યુવક ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની હોવાનું સામે આવ્યું છે. આશુ કુમાર દિનેશભાઈ સોનકાર નામના 28 વર્ષીય ડેમના પાટિયા સમારકામ કામ કરતી વખતે અચાનક ઢળી પડ્યો હતો. રાજકોટ પોપટપરા મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા સવાઈસિંહ હાલાજી સોઢા નામના જવાનનું મૃત્યુ થયું છે. રાજકોટમાં હાર્ટ એકેટના કારણે બિલ્ડરનું મોત થયું છે. રૈયા રોડ પર આવેલા અમૃતા પાર્ક સોસાયટીમાં નિવાસસ્થાને જયેશ ઝાલાવડિયા નામના બિલ્ડરનો હાર્ટ અટેકે ભોગ લીધો.
ગરબે ઘૂમતા યુવકનું મોત
ખેડાના કપડવંજમાં છઠ્ઠા નોરતે ગરબે ઘૂમતા યુવકનું મોત થયું છે. કપડવંજમા વીર શાહ નામનો યુવક ગરબે ઘૂમતો હતો. આ સમયે તેમને અચાનક નાકમાંથી લોહી નીકળતા તેને ત્વરિત હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય. ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો છે, શારીરિક રીતે સ્વસ્થ 17 વર્ષીય યુવકને હાર્ટએટેકથી મોત થતા પરીવાર સહિત ગ્રામજનો સ્તબ્ધ છે.
હાર્ટઅટેકથી બેનાં મોત
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં બે વ્યકિઓનાં હાર્ટ એટેકથી મોત થયા છે. વડોદરામાં માંજલપુર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય જગદીશ પરમારનું હાર્ટ એટેકથી મોત થયું છે. ચાલુ રિક્ષામાં હાર્ટ એટેક આવતા સારવાર દરમ્યાન મોત થયું છે અને બીજું મોત હરણી વિસ્તારમાં રહેતા શંકર રાણાનું હાર્ટ એટેકથી મોત થયું છે. શંકર રાણા ગરબાની મોજ માણી રહ્યો હતો, એ ગરબે ઘૂમતા તે અચાનક ઢળી પડ્યો હતો. તે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા.
દ્વારકામાં હૃદયરોગના હુમલાએ વધુ એકનો ભોગ લીધો છે. ખંભાળિયાના મોટા આંબલા ગામે આતિમભાઈ બસીરભાઈ સંઘાર નામના 31 વર્ષના યુવાન ખાનગી કંપનીમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન હાર્ટ એટેક આવતાં તેનું મોત થયું હતું.
શહેરના AMA,IIM વિસ્તારની એકદમ નજીક આવેલા અપંગ માનવ મંડળ સાથે જોડાયેલા તમામ વય જુથના દિવ્યાંગ લોકોએ નવરાત્રિ મહોત્સવની ઉજવણી દરમિયાન ગરબાની મોજ માણી હતી.
‘માં ‘ભગવતી ગરબાના કાર્યક્રમ માં વિકલાંગ બાળકો પોતાની આગવી શૈલીમાં ગરબે ઘુમ્યા હતા. દિવ્યાંગ બાળકોને ગરબે ઘુમતા જોવા આનંદ કરવવા તેમજ આ કાર્યક્રમને હ્રદય સ્પર્શી બનાવવા સામાજિક સંસ્થાઓ ના અગ્રણીઓ, ગરબાના જજિંગ માટે જાણિતા નિર્ણાયકોએ સહકાર આપ્યો હતો.
નવરાત્રી મહોત્સવમાં ડો.ઉમેશભાઈ ગુર્જર તરફથી શાળાના બાળકોને ગરબા નિમિત્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતુ.
દિવ્યાંગો માટેના આ કાર્યક્રમમાં દર્શુકેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી ગુજરાત વૈશ્ય સભા તરફથી પણ ફાળાની સહાય કરવામાં આવી હતી.
અપંગ માનવ મંડળના બ્રિજીતા ક્રિશ્ચયન ચિત્રલેખા.કોમને કહે છેઃ નવરાત્રી મહોત્સવ પછી આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે.
ત્યારે 28 ઓક્ટોબરના રોજ સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્ધારા તૈયાર થયેલ સુશોભન સામગ્રી દિવા, તોરણ, મોબાઈલ પાઉચ અને બીજી હાથ બનાવટની ચીજ વસ્તુઓનું પણપ્રદર્શન અને વેચાણનું આયોજન કરવામાં આવેલું છે.
એમસીએકસ (મલ્ટી કોમોડિટીઝ એસચેંજ) હાલ ચર્ચામાં છે, ખાસ કરીને તેનું નવું ટ્રેડિંગ પ્લેટફોર્મ શરૂ થયાના પ્રથમ દિવસોમાં જ વારંવાર નિષ્ફળ જવાને કારણે આ ચર્ચા પ્રકાશમાં આવી હતી, તાજેતરમાં જ આ એકસચેંજે તેને ટ્રેડિંગ સોફટવેર આટલા વરસોથી પુરાં પાડનાર ૬૩ મુન્સ ટેકનોલોજિસ (અગાઉનું નામ ફાઈનાન્સિયલ ટેકનોલોજિસ) સાથે તેના ઓડિન નામના ટ્રેડિંગ સોફટવેરનો કોન્ટ્રેકટ રદ કરીને એ ટીસીએસ જેવી જાણીતી-પ્રતિષ્ઠિત કંપનીને આપ્યા પછીની આ વાત છે. આવા પ્રયાસ એમસીએકસે અગાઉ પણ કર્યા હતા અને છેલ્લી ઘડી સુધીના પ્રયાસ નિષ્ફળ ગયા બાદ તેણે ૬૩ મુન્સ સાથેનો કરાર ત્રણથી ચાર વાર રિન્યુ કરવો પડયો હતો.
આવું ઘણીવાર થયા બાદ પણ એમસીએકસે ટીસીએસને કરાર આપી દીધો અને પ્રથમ દિવસથી જ તેના ટ્રેડિંગમાં એક યા બીજી ક્ષતિઓ-સમસ્યાઓ ઊભી થતા ટ્રેડર્સ-બ્રોકર્સ સભ્યોની ફરિયાદો વધવા લાગી હતી, અલબત્ત, ટીસીએસના સતત પ્રયાસથી આ સ્થિતી હવે થાળે પડી રહી હોવાનું જાણવા મળે છે. જોકે એમસીએકસની આમાં નામોશી થઈ એ નોંધવું રહયું. આને કારણે ટ્રેડર્સ વર્ગમાં એક પ્રકારનો ભય રહી શકે. કારણ કે ટેકનિકલ ગુંચ એ સોદાની અધ્ધરતા ઊભી કરી શકે છે.
નિયમન તંત્ર સેબીએ એમસીએકસને નવા ટ્રેડિંગ સોફટવેર માટે મંજુરી આપી હતી, જો કે આવી મંજુરી આપવામાં ખોટું થયું ન કહી શકાય, પણ એ પછી ટ્રેડિંગમાં સતત ગુંચ-ટેકનિકલ ક્ષતિ સર્જાતી રહે, સોદા પાર ન પડે અથવા અમુક કોમોડિટીઝમાં સોદા થાય, અમુકમાં ન થાય એવું બન્યું હતું, તેમછતાં નિયમન તંત્ર સવાલ ઊઠાવ્યા કે નહી? તેના સવાલોને યોગ્ય જવાબ મળ્યા કે નહી? જે પણ હોય આખરે દોષ તો એકસચેંજનો જ ગણાય, જેણે ટેસ્ટ કર્યા બાદ નવું ટ્રેડિંગ મંચ કાર્યરત બનાવ્યું હોવાછતાં આમ બન્યું. અર્થાત કયાંક તો કાચું કપાયું હતું. જોકે પોતાના સભ્યોને તકલીફ ન પડે અને તેમના ઉકેલ આવે એ માટે એકસચેંજ અને ટીસીએસ સતત પ્રયત્નશીલ રહયા અને મેમ્બર્સને સહન કરવું પડે નહી એવા પગલાં લેતા રહયા હતા.
એકસચેંજની સિસ્ટમ સામે ફરિયાદો
એમસીએકસના ટ્રેડિંગ સભ્યો ટ્રેડિંગ દરમ્યાન વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહયા હોવાની ફરિયાદ થતી રહી હતી, આ વિશે એકસચેંજનું વારંવાર ધ્યાન પણ દોરાયું હતું. સોદાઓના ભાવોમાં પણ ગુંચવણો ઊભી થઈ હતી. સોદાના કન્ફર્મેશનમાં વિલંબ થયો હતો, ભાવોમાં ભળતા તફાવત દેખાઈ રહયાની ફરિયાદ પણ થઈ હતી. ભાવો અપડેટ થઈ રહયા નહોતા, નવા ઓર્ડર લઈ શકાતા નહોતા. આ સંજોગોમાં ટ્રેડર્સ વર્ગને નુકશાન ભોગવવાનું આવે તો કોણ જવાબદાર રહેશે? કોણ એકશન લેશે? સામાન્ય સંજોગ કરતા એકસચેંજનું ટ્રેડિંગ દૈનિક વોલ્યુમ પચાસ ટકા નીચે ગયું છે. આવી સ્થિતીમાં એકસચેંજ સહિત દેશની અને ઉધોગની વિશ્વસનીયતા સામે સવાલ ઊભા થાય એ સહજ છે.
ટ્રેડિંગ વોલ્યુમનું પતન કયારથી?
વાસ્તવિકતા એ છે કે એમસીએકસની સ્થાપના મુળ ફાઈનાન્સિયલ ટેકનોલોજીસે કરી હતી, આમ એમસીએકસના મુળ સ્થપાક જિજ્ઞેશ શાહ હતા, આજે પણ ઘણાં લોકો એવું માને છે કે એમસીએકસ જીજ્ઞેશ શાહનું છે. જયારે કે છેલ્લા દસ વરસથી સરકારે એમસીએકસને બીજી મેનેજમેન્ટને સોંપી દીધું હતું. આ વાત જાહેર હોવાથી તેની ચર્ચામાં પડયા વિના આપણે જોયું છે કે એફટી (ફાઈનાન્સિયલ ટેકનોલોજિસ) ના હાથમાં એમસીએકસ હતું ત્યારે તેનો વિકાસ કેવો જબરદસ્ત હતો, તેણે જગતમાં સફળતાની ઊંચાઈના કેવા ડંકા વગાડયા હતા, અને છેલ્લા દસ વરસમાં મેનેજમેન્ટ બદલાયા બાદ એમસીએકસની દશા શું થતી ગઈ છે અને હાલ શું છે એ સૌની નજર સામે છે.
એમસીએકસ જયારે ૬૩ મુન્સ ટેકનોલોજીસનું હતું
અહી એ નોંધવું મહત્વનું છે કે એમસીએકસ જયારે ફાઈનાન્સિયલ ટેકનોલોજીસ-૬૩ મુન્સના મેનેજમેન્ટ હેઠળ હતું ત્યારે તેણે વિવિધ મહત્વના સીમાચિન્હો હાંસલ કર્યા હતા, જેમ કે એમસીએકસ ૨૦૧૨ માં પ્રથમ લિસ્ટેડ એકસચેંજ બન્યું હતું, તેનો આઈપીઓ ૫૪ ગણો વધુ ભરાયો હતો. તેના રૂ. ૧૦ ના શેરનો દસ વરસમાં ભાવ રૂ. ૧૦૩૨ સુધી ગયો હતો. તેણે રૂ.૫૦ કરોડની સામે બેંકો-શેરધારકોને ૧૧૫૩ કરોડ રૂપિયાના ડિવિડંડ અને બોનસના લાભ આપ્યા હતા. તેણે ૧૦ વરસમાં ૯૬૩ કરોડ રૂપિયાની કેશ રિઝર્વ ઊભી કરી હતી. એકસચેંજે દસ લાખ જોબ ઊભી કરી હતી. એમસીએકસનું ટર્નઓવર ૨૦૧૨-૧૩માં ભારતના જીડીપી કરતા બમણું હતું. સૌથી ધ્યાનકર્ષક બાબત મુજબ એમસીએકસ તેના પ્રથમ માત્ર ૧૦૦૦ દિવસમાં યુનિકોર્ન બની ગયું હતું. આખરે સૌથી શ્રેષ્ઠ અને ગૌરવની વાત એ હતી કે એમસીએકસ એ સમયે ગોલ્ડ, સિલ્વર, નેચરલ ગેસ, ક્રુડના કામકાજ માટે વિશ્વના ટોચનું અગ્રણી સ્થાન પામ્યું હતું.
૬૩ મુન્સના નવા પ્લાન
દરમ્યાન ૬૩ મુન્સ ટેકનોલોજીસે હવેપછી સંભવત ડિસેમ્બરથી ત્રણ નવા ક્ષેત્રમાં ઝંપલાવવાનું નકકી કર્યુ છે, જેમાં સાયબર સિકયુરિટી, વેબ ૩.૦, બ્લોકચેન અને લીગલટેકનો સમાવેશ થાય છે. આ તમામ વિષય વર્તમાન અને ભાવિ સમય માટે અતિઆવશ્યક ગણાય છે, જેની ડિમાંડ સતત રહેશે અને વધશે એવી શકયતા ઊંચી છે.
દાતા જ્યારે આદરપૂર્વક દાન કરે છે અને દાન સ્વીકારનાર જ્યારે એટલા જ માનથી તેનો સ્વીકાર કરે છે ત્યારે તેઓ બન્ને સ્વર્ગમાં સ્થાન પામે છે. તેનાથી વિપરીત, જો દાતા અપમાનાસ્પદ રીતે-તિરસ્કારપૂર્વક દાન આપે અને દાન સ્વીકારનાર પણ જો એ જ રીતે એનો સ્વીકાર કરે તો બન્ને નરકમાં જાય છે (4.235)
મનુસ્મૃતિના ઉપરોક્ત શ્લોકમાં આ અત્યંત મહત્ત્વપૂર્ણ બોધ આપવામાં આવ્યો છે.
અહીં થોડાં વર્ષો પહેલાનો એક કિસ્સો યાદ આવે છે. હું મારા મિત્રો સાથે એક લગ્નમાં ગયો હતો. બીજા કેટલાક મિત્રો હજી આવ્યા ન હતા. મને બાજુના બેંક્વેટ હૉલમાં થોડો કોલાહલ સંભળાયો અને મેં જિજ્ઞાસાવશ ત્યાં ડોકિયું કર્યું તો સ્ત્રીઓ અને પુરુષો મળીને આશરે 70-80 જણનો સમૂહ ત્યાં દેખાયો. સ્ટેજ પરથી આધેડ વયની એક મહિલાને 75 હજાર રૂપિયાનો ચેક આપવામાં આવી રહ્યો હતો અને એ પ્રસંગના ફોટા લેવાઈ રહ્યા હતા. બીજા બધા લોકો તાળીઓ પાડીને એ ઘટનાને વધાવી રહ્યા હતા. દાતાઓની ઉદારતા બદલ પ્રસંશાનાં પુષ્પોની વર્ષા થઈ રહી હતી.
તેમણે કોઈ નાનકડા ગામમાંથી આવેલી આ આધેડ મહિલાને કિડની પ્રત્યારોપણ માટે 75 હજાર રૂપિયાની સહાય કરી હતી. આપણે સાચું શું અને ખોટું શું અથવા તો સારું શું અને ખરાબ શું એ બાબતે કોઇ પણ ટિપ્પણી કર્યા વગર ફક્ત એટલું વિચારવું રહ્યું કે આટલા બધા લોકોની વચ્ચે ચેક સ્વીકારતી વખતે મહિલાના મનમાં કયા વિચારો ચાલતા હશે.
એ ચેક તેની સારવાર માટે ચોક્કસપણે કામને કામમાં આવવાનો હતો પણ શું તમને લાગે છે કે એ ચેક આપવા માટે આવો કાર્યક્રમ યોજવાની જરૂર હતી? દાન આપનારે દાન લેનારની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ અને એ વ્યક્તિનું ગૌરવ સચવાય એ પ્રમાણે દાન આપવુ જોઈએ. એ જ રીતે દાન સ્વીકારનારે પણ ગરિમાપૂર્વક દાનનો સ્વીકાર કરવો જોઈએ.
અન્ય એક ઘટનામાં એક હૉસ્પિટલના જનરલ વોર્ડમાં બિછાનાંની સંખ્યા વધારવા માટે ભંડોળ એકઠું કરવામાં આવી રહ્યું હતું. ટ્રસ્ટીઓ નાણાં ઉભાં કરવા માટે ઘણી જહેમત ઉઠાવી રહ્યા હતા. એ કામ માટે આશરે 85 લાખ રૂપિયાની આવશ્યકતા હતી.
એક વડીલ ટ્રસ્ટીઓને મળવા માટે વિનંતી કરી. રહ્યા હતા. તેમણે અગાઉથી ટ્રસ્ટીઓની ઍપોઇન્ટમેન્ટ લીધી ન હતી. તેઓ લગભગ નજીકના કોઈ નાના શહેરમાંથી આવ્યા હોય એવું લાગતું હતું. દોઢેક કલાક રાહ જોયા બાદ તેમને ટ્રસ્ટીઓને મળવા જવા દેવાયા.
વાસ્તવિકતા એવી હતી કે થોડાં વર્ષો પહેલાં એ સજ્જનનાં પત્નીની સારવાર આ જ હૉસ્પિટલમાં થઈ હતી. તેઓ જનરલ વૉર્ડ માટે ફૂલ નહીં ને ફૂલની પાંખડી સમાન 5,000 રૂપિયાની રકમ આપવા ઇચ્છતા હતા. એ રકમ તેમના એક મહિનાના પેન્શન જેટલી હતી.
ટ્રસ્ટીએ એ રકમ તો સ્વીકારી પરંતુ એ સ્વીકારતી વખતે તેમના ચહેરા ઉદાસીનતા જોવા મળી. મનુસ્મૃતિના શ્લોક ક્રમાંક 4.235માં કહેવામાં આવ્યું છે કે દાન આપતી અને લેતી વખતે ગરિમા જળવાવી જોઈએ. આપણે એ પણ સાંભળતાં આવ્યા છીએ કે જમણા હાથેથી દાન આપો તો ડાબા હાથને પણ ખબર પડવી જોઈએ નહીં.
મનુએ ઉક્ત શ્લોકમાં સ્વર્ગ અને નરકમાં જવાની વાત પણ કરી છે. આવી કોઈ જગ્યા છે કે નહીં એ તો ઈશ્વર જ જાણે, પરંતુ એ બન્ને શબ્દો સાંભળીએ ત્યારે આપણા મનમાં અલગ-અલગ લાગણીઓ જન્મે છે. જ્યાં સુખ અને શાંતિ તથા પ્રસન્નતા હોય એને આપણે સ્વર્ગ કહીએ છીએ અને જ્યાં અહંકાર, ઈર્ષ્યા, અસલામતી હોય એ જગ્યાને આપણે નરક કહીએ છીએ.
જો દાતાને દાન આપતી વખતે જો કોઈ મોટું કામ કર્યાની લાગણી થતી હોય તો એ તેમનો અહમ્ કહેવાય. દાન આપવા બદલ તેમની કદર થશે. એ કદરદાનીથી થોડો સમય તેમને સારું લાગશે, પરંતુ પછીથી તેમને એની આદત પડી જશે. કદર પામવા માટે તેમણે સતત કંઈક આપતાં રહેવું પડશે અને લોકો આવી સ્થિતિનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયત્ન કરે એ શક્ય છે. આવા દાતાનુ જીવન નરક સમાન બની જવાની શક્યતા હોય છે.
આ જ રીતે જો દાન સ્વીકારનાર વ્યક્તિ ઘમંડ રાખીને દાનનો સ્વીકાર કરે તો પરોક્ષ રીતે એ કોઈકની લાગણીઓ છુપાવી રહ્યો છે એમ કહી શકાય. ખાસ જણાવવાનું કે દાન આપનાર વ્યક્તિ દાન આપીને કોઈના પર ઉપકાર કરતા નથી. શક્ય છે કે આ ભવની કે ગયા ભવની કોઈ લેણાદેણી બાકી હોય. દાન મેળવનાર વ્યક્તિની ફરજ છે કે તે જ્યારે સમર્થ બને ત્યારે તેણે સમાજ પ્રત્યેનું ઋણ પાછું વાળવું જોઈએ.
દાન સ્વીકારનાર વ્યક્તિ ગરિમાપૂર્વક જો દાન સ્વીકારે તો દાતા ઋણ મુક્ત થઈ જાય છે. દાનમાં કેટલી રકમ આપવામાં આવે છે એનું કોઈ મહત્ત્વ હોતું નથી. આપણે દાતાના કાર્યને ઓછું આંકીએ એ પણ ઘમંડની એક નિશાની કહી શકાય. ટૂંકમાં, દાનની બાબતે આ શ્લોકમાં અત્યંત મહત્ત્વપૂર્ણ બોધ આપવામાં આવ્યો છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
મુંબઈઃ સાહિત્યના શોખીનો માટે મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા કલાગુર્જરીના સહયોગથી આયોજિત પરિસંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કવિ સુરેશ દલાલનાં વિવિધ કાવ્ય સંપાદનોમાંથી ચૂંટલાં કાવ્યો તથા વિવિધ કાવ્યપ્રકારોની પ્રસ્તુતિ મુકેશ જોષી દ્વારા કરવામાં આવશે.
કવિ ઉમાશંકર જોશીએ કહ્યું હતું, ” કવિતા આત્માની માતૃભાષા છે ” . કવિતા ભાવકની સંવેદનાને સંકોરે છે, એ ભાવકને વધુ સંવેદનશીલ બનાવે છે. ગુજરાતી કવિતા પાસે ઉત્તમ રચનાઓનો પટારો છે!
છું શૂન્ય પણ એ ના ભૂલ
ઓ અસ્તિત્વના પ્રભુ
તું તો હશે કે કેમ પણ
હું તો જરૂર છું!
જેવો શૂન્ય પાલનપુરીનો શેર હોય કે …
દુનિયામાં કંઈકનો કરજદાર છું ‘મરીઝ ‘
ચૂકવું બધાનું દેણ, જો અલ્લાહ ઉધાર દે!
જેવો ‘મરીઝ’નો શેર હોય, ગુજરાતી કાવ્યસૃષ્ટિએ ભાવકના હૃદયને તરબોળ રાખ્યું છે.
આવી ઉત્તમ કાવ્ય રચનાઓ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને કલાગુર્જરી દ્વારા “કાવ્યવૈભવ” કાર્યક્રમમાં રજૂ થશે. ” આપણો સાહિત્ય -વૈભવ” શૃંખલાનો આ ત્રીજો ભાગ છે જેની પરિકલ્પના કવિ મુકેશ જોષીની છે. કવિ મુકેશ જોષી તથા કવિ સંજય પંડ્યા દ્વારા થનારી રજૂઆતને સંગીતકાર ગાયક સુરેશ જોશીના તરન્નુમનો પણ સાથ મળશે.
ગઝલ શિબિરના બે સહભાગી મિત્રો રક્ષા શાહ અને મૃદુલ શુક્લ પણ રચના રજૂ કરશે. આ જાહેર કાર્યક્રમ કલાગુર્જરી, દશરથલાલ જોશી પુસ્તકાલય, સ્ટેશન રોડ, વિલે પાર્લે પશ્ચિમના સરનામે ૨૨ ઓક્ટોબર રવિવાર સાંજે છ વાગ્યે યોજાવાનો છે.
નવી દિલ્હીઃ ગગનયાન મિશનને 2025માં લોંચ કરવામાં આવે. આ પહેલાં આજે એટલે કે 21 ઓક્ટોબરે ટેસ્ટ ફ્લાઇટ (TV-D1)ને લોંચ કરવામાં આવશે. ઇસરો દ્વારા એને લોંચ કરવામાં આવ્યું હતું. આ પહેલું માનવયુક્ત મિશન હશે. ઇસરોના ચીફના જણાવ્યા પ્રમાણે મિશન ગગનયાનની ફાઇનલ લોંચથી પહેલાં દર મહિને ઓછામાં ઓછી એક ઉડાન લોંચ થતી રહેશે. તેમણે કહ્યું કે દર મહિનામાં ઓછામાં ઓછું એક પ્રક્ષેપણ કરશે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના મહત્ત્ત્વાકાંક્ષી ગગનયાન મિશન હેઠળ પ્રથમ માનવરહિત ફ્લાઇટ ટેસ્ટમાં ટેકનિકલ ખામીને સુધારીને 10 વાગ્યે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ સફળ પ્રક્ષેપણ વિશે માહિતી આપતાં ઈસરોના વડા એસ સોમનાથે કહ્યું, ‘ટીવી-ડી1 મિશનની સફળ સિદ્ધિની જાહેરાત કરતાં મને ખૂબ આનંદ થાય છે. આ મિશનનો ઉદ્દેશ પરીક્ષણ વાહન દ્વારા ગગનયાન કાર્યક્રમ માટે ક્રૂ વહન સિસ્ટમનું નિદર્શન કરવાનો હતો.
તેમણે એમ પણ કહ્યું હતું કે ક્રૂ મોડ્યુલ MAC પર ગયું હતું, જે ધ્વનિની ઝડપથી થોડું વધારે છે, અને ક્રૂ એસ્કેપ સિસ્ટમને કાર્ય કરવા માટે અબોર્ટ સ્ટેટ શરૂ કર્યું હતું. ક્રૂ એસ્કેપ સિસ્ટમે ક્રૂ મોડ્યુલને વાહનથી દૂર ઉપાડ્યું અને ટચ-ડાઉન સહિતની કામગીરી કરી. તે પછી તેણે સમુદ્રમાં ખૂબ સારી રીતે પોતાનું કામ પૂરું કર્યું અને અમારી પાસે આ બધાની પુષ્ટિ કરવા માટે ડેટા છે.
ગગનયાન મિશનનો ઉદ્દેશ 2025માં ત્રણ દિવસના મિશનમાં 400 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં માનવોને મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો છે. આ ક્રૂ મોડ્યુલ સાથે પરીક્ષણ વાહન મિશન સમગ્ર ગગનયાન કાર્યક્રમ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 35 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,040 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,291 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,457 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 32 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 292 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 20,610 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.57 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,73,087 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 108 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.