ધરમસાલાઃ ભારતનો વાઈસ-કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આવતા રવિવારે અહીં ન્યૂઝીલેન્ડ સામે રમાનાર વર્લ્ડ કપ-2023ની મેચમાં નહી રમે. એને ગઈ કાલે પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચ વખતે ઘૂંટણમાં ઈજા થઈ હતી, પરિણામે એને માત્ર ત્રણ બોલ ફેંક્યા બાદ મેદાન છોડી જવાની ફરજ પડી હતી. એ ઘટના બાંગ્લાદેશના દાવ વખતે 9મી ઓવર વખતે થઈ હતી. બેટર લિટન દાસે ફટકારેલા બોલને જમણા પગથી રોકવા જતાં એ લપસી ગયો હતો. શરીરનો બધો ભાર ડાબા પગ પર આવી ગયો હતો, પરિણામે એ કણસવા લાગ્યો હતો.
ટીમના ફિઝિયોથેરપિસ્ટ તરત જ મેદાન પર દોડી ગયા હતા અને પંડ્યાનો પ્રાથમિક ઉપચાર કર્યો હતો, પરંતુ પંડ્યા આગળ રમી શકે એવી સ્થિતિમાં નહોતો અને પેવિલિયનમાં પાછો ફર્યો હતો. એની અધૂરી ઓવર વિરાટ કોહલીએ ઓફ્ફ-બ્રેક બોલ ફેંકીને પૂરી કરી હતી.
બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે હાર્દિક પંડ્યાની ઈજાના સ્કેન લેવામાં આવ્યા છે અને તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તેની સ્થિતિ પર બીસીસીઆઈની મેડિકલ ટીમનું સતત નિરીક્ષણ રહેશે. એ 20 ઓક્ટોબરે ટીમના અન્ય સાથીઓની ભેગો ધરમસાલાની ફ્લાઈટમાં નહીં જાય. તે સીધો લખનઉ જશે જ્યાં ભારતીય ટીમ 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામે મેચ રમવાની છે. મોટે ભાગે તે મેચમાં રમવા માટે પંડ્યા ફિટ થઈ જશે એવી ધારણા છે.
નવી દિલ્હીઃ દેશને પહેલી રેપિડ ટ્રેનની ભેટ મળી છે. વડા પ્રધાન મોદીએ રેપિડ રેલનું ઉદઘાટન કર્યું છે. તેમણે રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનો શુભારંભ સાથે સાહિબાબાદને દુહાઇ ડિપોથી જોડનારી પહેલી રેપિડેક્સ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી.
તેમણે સાહિબાબાદ રેપિડએક્સ સ્ટેશન પર દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરના પ્રાયોરિટી સેક્શનનું ઉદઘાટન કર્યું હતું. આ ટ્રેનનું નામ ‘નમો ભારત’ રાખવામાં આવ્યું છે. આ ટ્રેનમાં 21 ઓક્ટોબરથી સામાન્ય પ્રવાસીઓ પ્રવાસનો આનંદ માણી શકશે.પહેલા તબક્કામાં દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરના 17 કિમી લાંબા રૂટને શરૂ કરવામાં આવ્યો છે. આ કોરિડોરની કુલ લંબાઈ 82 કિમી છે, જેમાં 14 કિમીનો હિસ્સો દિલ્હીમાં છે, જ્યારે 68 કિમીનો હિસ્સો ઉત્તર પ્રદેશમાં છે.
PM @narendramodi is on board the Regional Rapid Train Namo Bharat with co-passengers who are sharing their experiences, including on how this train service will have a positive impact. pic.twitter.com/pIsZ5vnXcM
વડા પ્રધાન મોદીએ રેપિડ ટ્રેનમાં ઉદઘાટન કર્યા પછી સ્કૂલનાં બાળકોની સાથે પ્રવાસનો આનંદ માણ્યો હતો. તેમણે ચાલક દળ સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાને આઠ માર્ચ, 2019એ આ પ્રોજેક્ટ માટે પાયાનો પથ્થર મૂક્યો હતો.
A significant enhancement to India's transportation infrastructure! The Delhi-Meerut RRTS Corridor will bring a substantial transformation to regional connectivity. https://t.co/WxdtLzrAxE
આ રેપિડેક્સ ટ્રેનની ઝડપ પ્રતિ કલાક 100થી 160 સુધીની હશે.એ 17 કિમીનું અંતર 15થી 17 મિનિટમાં પૂરું કરશે. દરેક સ્ટેશને 30 સેકન્ડ માટે થોભશે. આ ટ્રેનમાં કુલ છ કોચ હશે, જેમાં મહિલાઓ માટે અલગ કોચ હશે. આ ટ્રેન દર પાંચ મિનિટે ઉપલબ્ધ હશે. દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 30,000 કરોડથી વધુના ખર્ચે વિકસિત કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેન ગાઝિયાબાદ, મુરાદનગર તથા મોદીનગર શહેરો દ્વારા એક કલાકથી પણ ઓછા સમયમાં દિલ્હીથી મેરઠને જોડશે.
તો, એ જ કે ત્રણેવ અદાકારે એક સત્ય ઘટના આધારિત અલગ અલગ ફિલ્મોમાં કામ કર્યું. એ ઘટના એટલે ફેમસ નાણાવટી-કેસ. પહેલાં આવી 1968માં આર.કે. નૈય્યર દિગ્દર્શિત સુનીલ દત્ત નિર્મિત-અભિનિત ‘યે રાસ્તે હૈ પ્યાર કે.’ તે પછી વિનોદ ખન્નાની ગુલઝાર દિગ્દર્શિત ‘અચાનક.’ છેલ્લે 2016માં આવી અક્ષયકુમારની ટીનુ દેસાઈ દિગ્દર્શિત ‘રુસ્તમ.’
તાજેતરમાં ગુલઝારની અચાનકની રિલીઝનાં 50 વર્ષ થયાં ને આ કેસ તથા એ ઘટનાથી પ્રેરિત ફિલ્મો સાંભરી આવે છે. પત્રકારમિત્ર દિલીપ ઠાકૂર નોંધે છે કે રિશી કપૂરની જે ફિલ્મથી સ્ટારપદ પર પ્રતિષ્ઠા થઈ તે ‘બૉબી’ આવી 28 સપ્ટેમ્બર, 1973ના રોજ અને ‘અચાનક’ આવી 1 ઑક્ટોબરે, 1973ના દિવસે. મીન્સ કે ‘બૉબી’ રિલીઝ થઈ એના પછીના જ અઠવાડિયે.
હવે, ‘બૉબી’ અને ‘અચાનક’ અથવા રાજ કપૂર અને ગુલઝારની સરખામણી કરવા જઈએ તો પરાણે જોક કરવા જેવું લાગે. હા, કહેવા ખાતર કહી શકાય કે બન્ને સર્જકની માધ્યમ પર જબરી હથોટી. જો કે ગુલઝારે માત્ર 30 દિવસમાં બનાવેલી અને સમીક્ષકો જેની પર ઓવારી ગયેલા એ ‘અચાનક’ 21 દિવસમાં થિએટરમાંથી કાઢી લેવી પડી, જ્યારે ‘બૉબી’ રાજ કપૂર માટે દૂઝણી ગાય સાબિત થઈ.
1958માં મુંબઈ જ નહીં, પણ દેશઆખાને હચમચાવી દેનારી ઘટના એટલે નાણાવટી કેસ. નેવી અફ્સર કાવસ માણેકશૉ નાણાવટીએ બેવફા પત્ની સિલ્વિયા તથા એના પ્રેમી મિસ્ટર પ્રેમ આહુજાની હત્યા કરી. અને શરૂ થયો એક હાઈ પ્રોફાઈલ કેસઃ કે. એમ. નાણાવટી વર્સીસ સ્ટેટ. આ ઘટના પર આધારિત ‘અચાનક’નો સ્ક્રીનપ્લે લખેલો ગ્રેટ ખ્વાજા એહમદ અબ્બાસેઃ
મેજર રણજિત ખન્ના (વિનોદ ખન્ના) 1971ની ભારત-પાકિસ્તાનની જીવસટોસટની લડાઈ લડીને પાછો ફરે છે, પણ ઘરે આવીને એ શું જુએ છે? એ જુએ છે કે પત્ની (લીલી ચક્રવર્તી) અને એનો (મેજર રણજિત ખન્નાનો) મિત્ર પ્રકાશ (અભિનેતા રવિરાજ) પ્રેમમાં છે. મેજર રણજિત બન્નેને શૂટ કરે છે, પોલીસ મેજર રણજિતનો પિછો પકડે છે અને… મેજર રણજિત ભાગે છે ભાગે છે ભાગે છે અને, વર્તમાનમાંથી ભૂતકાળમાં અને ફરી વર્તમાનમાં ફંગોળાતી ફિલ્મ આગળ ભાગતી જાય છે.
આર્મીમાં દુશ્મનથી બચવાની તાલીમનો આ રીતે ઉપયોગ કરવો પડશે એવું સપનામાંય ન ધારતો મેજર રણજિત ગાઢ જંગલમાં પોલીસ અને એના ડાઘિયાં કૂતરાંને હાથતાળી આપતો નાસે છે એ દશ્યો મને આજેય યાદ છે. આવું જ એક દશ્ય એટલે એક ફ્લૅશબૅક. પત્નીના ખોળામાં માથું નાખીને મેજર રણજિત પડ્યો છે. બન્ને મસ્તીએ ચડ્યાં છે. એવામાં મેજર પત્નીને સિગારેટનો હળવો ડામ દે છે. પત્ની ચોંકી ઊઠતાં કહે છેઃ “ફરી આવું ન કરતો. કેમ કે મને આગથી ખૂબ ડર લાગે છે. હું મરી જાઉં તો મારો અગ્નિસંસ્કાર ન કરતો, મને દાટી દેજે.” ત્યારે મેજર રણજિત હસી પડે છેઃ “અરે ગાંડી, મૃત્યુ પછી કોઈને કંઈ જ દરદ થતું નથી.”
સત્ય ઘટનાવાળા કે.એમ. નાણાવટીને આજીવન કેદની સજા થયેલી. પાંચેક વરસ સજા ભોગવ્યા બાદ ગવર્નર વિજયાલક્ષ્મી પંડિતે એની સજા માફ કરેલી, જ્યારે ગુલઝારે ફાંસીની સજાવાળો સવાલ પબ્લિક પર છોડી અંત ઓપન રાખેલો, જે માટે ફિલ્મફેરે એમને બેસ્ટ ડિરેક્ટરની ટ્રોફી એનાયત કરેલી. પોતે મહાનની કક્ષામાં આવતા કવિ અને ગીત-સંગીતને આગવું મહત્વ આપતા હોવા છતા એ કથાપ્રવાહને અવરોધશે એવું લાગતાં અચાનકમાં ગીત રાખ્યાં નહોતાં.
માંડ સવા-દોઢ કલાકની ફિલ્મ અચાનકમાં વિનોદ ખન્નાની ભૂમિકા પડકાર રૂપ હતી. એક એવી વ્યક્તિ, જે પોતાની પત્નીને દિલફાડ પ્રેમ કરે છે એની જ એ ઠંડા કલેજે હત્યા કરે છે. પળવારમાં હીરોમાંથી વિલન. અને કહેવું જોઈએ કે વિનોદ ખન્નાએ બેસ્ટ પરફૉરમન્સ આપેલો. ગુલઝાર સાથે આ પહેલાં એણે ‘મેરે અપને’માં કામ કરેલું.
ગુલઝારના આસિસ્ટન્ટ ડિરેક્ટર રાજ સિપ્પીએ ‘અચાનક’નું નિર્માણ કરેલું. ‘અચાનક’ની રિલીઝનાં ચારેક વર્ષ બાદ રાજ સિપ્પીએ વિનોદ ખન્ના-વિદ્યા સિંહા-અમજદ ખાનને લઈને જકડી રાખતી થ્રિલર ‘ઈનકાર’ બનાવી. રાજભાઈની ‘ઈનકાર’ જેવી જ એક યાદગાર ફિલ્મ એટલે ‘સત્તે પે સત્તા.’
વલસાડ: મુંબઈ-અમદાવાદ હાઇવે પર પારડી નજીક વહેલી સવારે એક ખાનગી બસમાં આગ લાગી હતી. આ બસમાં 16 પ્રવાસીઓ હતા. આ અકસ્માતમાં વ્યક્તિને કોઈ જાનહાનિ કે ઇજા નથી. હાઇવે પર પૂરપાટ ઝડપે દોડી રહેલી બસનું ટાયર ફાટ્યા બાદ બસમાં આગ લાગી હતી. આ બનાવને કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.
પ્રાપ્ત માહિત અનુસાર અમદાવાદથી કર્ણાટકના બેલગામ જતી ભાગ્ય લક્ષ્મી ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ વલસાડ જિલ્લાના પારડીના ખડકીના બ્રિજ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે આ ઘટના બની હતી, એમ પોલીસે જણાવ્યું હતું. આ ઘટનામાં તમામ પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો. આ બસમાં સવાર તમામ મુસાફરો મીઠી નીંદર માણી રહ્યા હતા.
જોકે બસમાં આગ લાગતાં બસમાં સવાર મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. સળગતી બસમાંથી મુસાફરો પોતાનો જીવ બચાવી ઊતરી ગયા હતા. પહેલા બસના એક ભાગમાંથી આગની શરૂઆત થઈ હતી, પરંતુ થોડી જ વારમાં આખી બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી.
આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ત્રણ ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા. આ બસમાં મુસાફરોનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આ બનાવને પગલે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે બે કલાકથી વધુ સમય સુધી જામ રહ્યો હતો. આ ઘટનાને કારણે પોલીસ પણ દોડતી થઈ હતી અને હાઇવે પરના વાહન વ્યવહારને યથાવત્ કરવા પ્રયાસો કર્યા હતા.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 45 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,99,728 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.દેશમાં અત્યાર સુધી 5,32,038 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,425 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 302 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 12,168 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.57 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,73,979 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 116 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા ટૂંક સમયમાં જ ‘UT 69’ હિન્દી ફિલ્મમાં જોવા મળશે.
કુન્દ્રાએ ગઈ મધરાતે X પ્લેટફોર્મ પર કરેલા એક ટ્વીટે ખળભળાટ મચાવી દીધો છે. એમાં તેમણે લખ્યું છે, ‘અમે અલગ થઈ ગયા છીએ અને હું તમને વિનંતી કરું છું કે અમને આ કપરા સમયમાં એકલાં રહેવા દેજો.’ આ લખાણની સાથે તેમણે તૂટેલું દિલ દર્શાવતા ઈમોજીનો ઉપયોગ કર્યો છે. કુન્દ્રાના આ ટ્વીટને કારણે દંપતીનાં પ્રશંસકો અને નેટયૂઝર્સ ગુંચવણમાં પડી ગયાં છે.
‘યૂટી 69’ ફિલ્મ આ વર્ષની ત્રીજી નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રાજ કુન્દ્રાએ પોર્નોગ્રાફી કેસના સંબંધમાં થયેલા જેલવાસ દરમિયાન પોતાને ભોગવવી પડેલી મુસીબતોને દર્શાવી છે. કહેવાય છે કે રાજ કુન્દ્રા આ ફિલ્મના માધ્યમથી એમની પર મૂકવામાં આવેલા આરોપોનો જવાબ આપશે અને પોતાની પ્રતિષ્ઠા સ્વચ્છ કરવાનો પ્રયાસ કરશે. આ ફિલ્મનું દિગ્દર્શન શાહનવાઝ અલીએ કર્યું છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ કુન્દ્રાએ મીડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કર્યું હતું.
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જો બાઈડન ઉપર કટાક્ષ કરીને અમેરિકન પ્રમુખપદ માટે હવે પછીની ચૂંટણીમાં રીપબ્લિકન પાર્ટીનાં ઉમેદવાર નિક્કી હેલીએ જણાવ્યું છે કે દુનિયા હાલ સળગી રહી છે અને આ સમસ્યાનો સામનો કરવા માટે અમેરિકાને એક નવી, મજબૂત નેતાગીરીની જરૂર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મૂકેલી એક પોસ્ટમાં સાઉથ કેરોલીનાનાં ભૂતપૂર્વ ગવર્નર અને યૂએન સંસ્થામાં અમેરિકાનાં ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ લખ્યું છેઃ ‘આખી બાબતમાં શરમ આવે એવી વાત એ છે કે બાઈડન જો અફઘાનિસ્તાન મામલે આટલા બધા નબળા રહ્યા ન હોત, યૂક્રેનના મામલે આટલા બધા ધીમા રહ્યા ન હોત, ઈરાનને આટલું બધું ઉત્તેજન આપતા ન હોત અને સરહદ પર આટલા બધા ગેરહાજર રહેતા ન હોત તો આજે છે એવી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ ન હોત. દુનિયા સળગી રહી છે અને આ સમસ્યાનો સામનો કરવા માટે અમેરિકાને એક મજબૂત નેતૃત્વની જરૂર છે.’
ભારતીય-અમેરિકન નેતા નિક્કી હેલીએ 2024માં નિર્ધારિત અમેરિકન પ્રમુખપદની ચૂંટણી માટે રીપબ્લિકન પાર્ટીમાંથી પોતાની ઉમેદવારીની જાહેરાત ગયા ફેબ્રુઆરીમાં કરી હતી. તેઓ સૌપ્રથમ 2004માં સાઉથ કેરોલીના ધારાસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં. તેના છ વર્ષ બાદ 2010માં તેઓ રાજ્યના પ્રથમ મહિલા ગવર્નર તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. 2011માં તેમણે પદ સંભાળ્યું ત્યારે આ પદ ધારણ કરનાર અમેરિકાનાં સૌથી યુવાન વયનાં ગવર્નર બન્યાં હતાં. સમય જતાં તેઓ યૂએન સંસ્થામાં ડોનાલ્ડ ટ્રમ્પના દૂત બન્યાં હતાં. એ પદ પર તેઓ 2018 સુધી રહ્યાં હતાં.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.