Home Blog Page 2412

ક્રોમા અને લંડનની નથિંગ બ્રાન્ડ વચ્ચે ભાગીદારી

મુંબઈઃ લંડનસ્થિત કન્ઝ્યૂમર ટેક ક્ષેત્રની જાણીતી બ્રાન્ડ નથિંગએ ભારતમાં ટાટા ગ્રુપની માલિકીની ક્રોમા સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી અંતર્ગત, ગ્રાહકો ભારતમાં તમામ ક્રોમા સ્ટોર્સમાંથી નથિંગના ઉત્પાદનો ખરીદી શકશે

 

ગ્રાહકો નથિંગ ફોન (1) અને નથિંગ ફોન (2), ઓડિયો પ્રોડક્ટ્સ પસંદગીના ક્રોમા પ્રીમિયમ સ્ટોર્સમાંથી ખરીદી શકશે. વધુમાં, આ ભાગીદારીની ઉજવણી રૂપે નથિંગ અને ક્રોમા કંપનીઓ ખાસ કરીને ICICI બેન્ક કાર્ડધારકોને નથિંગ ફોન (2) પર રૂ. 3,000નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપશે. નથિંગ કંપનીએ તેના નથિંગ ફોન (1) યૂઝર્સ માટે નથિંગ OS 2.0.4 અપડેટ રિલીઝ કર્યું છે.

ટેસ્લાના ત્રીજા ત્રિમાસિકમાં ચોખ્ખા નફામાં 44 ટકાનું ગાબડું

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષમાં ટેસ્લાનો ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક આધારે 44 ટકા ઘટ્યો હતો. ઇલેક્ટ્રિક વાહન સોલર પેનલ અને બેટરી ઉત્પાદક કંપનીનો જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ચોખ્ખી આવક 1.86 અબજ અમેરિકી ડોલર થઈ હતી. કંપનીની શેરદીઠ આવક 95 સેન્ટ ઘટીને 53 સેન્ટ થઈ છે.

કંપનીની કુલ આવક નવ ટકા વધીને 23.35 અબજ અમેરિકી ડોલર થઈ છે. વિશ્લેષકોએ આવક 24.19 અબજ ડોલર રહેવાનો અંદાજ વ્યક્ય કર્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે આ મહિનાના પ્રારંભમાં જુલાઈ-સપ્ટેમ્બરમાં 4,35,059 વાહનોનું વેચાણ થયું છે, જે ગયા વર્ષના સમાન ગાળાની તુલનાએ 27 ટકા વધુ છે. કંપનીએ જણાવ્યું હતું કે ચોખ્ખો નફો અંદાજિત 73 સેન્ટની તુલનાએ 66 ટકા શેરદીઠ રહ્યો હતો, જે અંદાજ કરતાં ઓછો હતો.

બીજી બાજુ કેન્દ્ર સરકાર નવી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસી પર કામ કરી રહી છે અને એ નીતિ હેઠળ કંપનીને ઇમ્પોર્ટ ટેક્સમાં ભારે છૂટ અપાય એવી શક્યતા છે. સરકાર ઇમ્પોર્ટ ડ્યુટી ટેક્સને 100 ટકાથી ઘટાડીને 15 ટકા કરે એવી શક્યતા છે.

સરકાર ટેસ્લા જેવા હાઇ ટેક્નોલોજીવાળા વાહન ઉત્પાદકોને ભારત આવવા માટે મોટી ઓફર આપે એવી શક્યતા છે. જો આ મુદ્દે સહમતી બનશે તો ટેસ્લા જેવી લક્ઝરી કારો સરળતાથી દેશમાં વેચાણ થશે.

 

 

 

 

 

 

‘સિંઘમ અગેન’ના કલાકાર તરીકે ટાઈગર શ્રોફનો ઉમેરો કરાયો

મુંબઈ: દિગ્દર્શક રોહિત શેટ્ટી ‘સિંઘમ’ શ્રેણીની નવી ફિલ્મ બનાવી રહ્યા છે – ‘સિંઘમ અગેન’. આ ફિલ્મના કલાકારોમાં ટાઈગર શ્રોફનો ઉમેરો કરવામાં આવ્યો છે. શેટ્ટીએ આની જાણકારી એમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે. એમણે ટાઈગરને આવકારતાં લખ્યું છે, ‘મળો સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઓફિસર એસીપી સત્યાને… અમારી ટીમમાં સ્વાગત છે, ટાઈગર.’

આ લખાણ આપીને શેટ્ટીએ આ એક્શન-પેક્ડ ફિલ્મમાં ટાઈગરના લુકની તસવીર પણ શેર કરી છે. ‘સિંઘમ અગેન’માં અજય દેવગન, દીપિકા પદુકોણ, કરીના કપૂર-ખાન, અક્ષય કુમાર અને રણવીર સિંહ પણ ચમકશે.

 

 

 

ભારત 2027 સુધી ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે

નવી દિલ્હીઃ ભારત વર્ષ 2027 સુધી વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે, જેનો GDP વર્ષ 2030 સુધીમાં બે ગણાથી વધુ વધીને સાત લાખ કરોડ ડોલર થઈ જશે, એમ જેપી મોર્ગનના એશિયા પ્રશાંત ઇક્વિટી રિસર્ચના મેનેજિંગ ડિરેક્ટર જેમ્સ સુલિવને જણાવ્યું હતું.

વૈશ્વિક માર્કેટમાં જારી રહેલી અનિશ્ચિતતાની વચ્ચે ભારતીય અર્થતંત્રના વિકાસ દર પર વિશ્વની નજર ટકેલી છે. ભારતીય અર્થતંત્ર પર વિશ્વના દિગ્ગજોનો વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે. જેપી મોર્ગન દ્વારા આગામી સાત વર્ષો માટે આપેલા અંદાજોમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે.

 

તેમણે કહ્યું હતું કે આગામી કેટલાંક વર્ષોમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગ્રોથને વેગ આપવાનું કામ કરશે અને GDPમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું યોગદાન 17 ટકાથી વધીને આશરે 25 ટકા થવાની શક્યતા છે. આ સાથે નિકાસ બે ગણાથી વધુ- એક લાખ કરોડ ડોલરથી વધુ થવાની શક્યતા છે.

ભારતીય અર્થતંત્રમાં મોટા પાયે ફેરફારોને જોતાં બજારમાં સ્પષ્ટ તકો ઊભી થશે. ચીનના અર્થતંત્રમાં આ ટ્રેન્ડ 2005 પછી નથી જોવા મળ્યો.

ભારતનો આર્થિક વિકાસ દર અન્ય દેશોની તુલનાએ વધુ રહ્યો છે. મોંઘવારી દર અન્ય દેશોની તુલનાએ ઓછો હોવાની સાથે ભારતે સારો દેખાવ કર્યો છે. ભારત છ ટકા વિકાસ દરે વિકાસ કરી રહ્યું છે. વિશ્વના અનેક દેશો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મધ્યમ ટર્મમાં ભારત સૌથી ઝડપથી વિકાસ કરતું અર્થતંત્ર દેખાઈ રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

તમને માહિતી-જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરતાં આવડે છે?

આજે ઈઝરાયલ-હમસ વિગ્રહ એના ચરમ પર છે ત્યારે ફિલૉસૉફર, રાજકારણી અને મુત્સદ્દી, સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું વિધાન યાદ આવે છેઃ મૅન હૅઝ લર્ન્ટ ટુ સ્વિમ લાઈક અ ફિશ ઈન વૉટર, હી હૅઝ લર્ન્ટ ટુ ફ્લાય ઈન સ્કાય ઍઝ અ બર્ડ, બટ હી ડિડન્ટ લર્ન ટુ વૉક લાઈક અ હ્યુમન બીઈંગ… ધિઝ ઈઝ ધી એજ ઑફ ગાઈડેડ મિઝાઈલ્સ ઍન્ડ મિસગાઈડેડ મૅન અર્થાત્ અવનવી શોધખોળ અને સુવિધાસજ્જ માળખા રચીને માણસ નામદામ તો ખૂબ કમાયો, જંગી સ્ટીમરમાં બેસીને દરિયા ઓળંગતો થયો, વિરાટ વિમાનમાં બેસીને ગગનગામી થયો, પરંતુ પોતે જ શોધેલાં સરંજામને કેવી રીતે વાપરવાં એનું મૅન્યુઅલ કદાચ વાંચવાનું ભૂલી ગયો.

એક વાતનો વિચાર કરીએ કે, બૉમ્બ, મિસાઈલ્સ જેવાં આધુનિક, પણ ઘાતક શસ્ત્રો બનાવનારા કંઈ અશિક્ષિત નથી. એમણે વિશ્વનાં શ્રેષ્ઠ કહેવાય એવાં વિદ્યાધામોમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય છે, પરંતુ માહિતી અને જ્ઞાનને સત્કાર્યમાં વાપરવાને બદલે માત્ર પોતાની કીર્તિ કમાવા પાછળ જ ખર્ચે તો એ વિનાશ નોતરી શકે. આવું ન બને તે માટે રોજ સવારે ઊઠીને એક વિચાર કરવોઃ ખરેખર અગત્યનું શું છે?

દરરોજ સવારે ઊઠીને ખાવું-પીવું, બેસવું-ચાલવું, વૉટ્સઍપ ચેક કરવા, ફૉરવર્ડ કરવા, કામ-ધંધો કરવો, સંબંધ વધારવા એટલું જ જો માણસને કરવાનું હોય તો એ ઍનિમલ લાઈફ થઈ. મોડી રાતે રસ્તા પર બે કૂતરાં રોટલાના ટુકડા માટે ઝઘડે અને સવારે કૉર્પોરેટ ઑફિસના ૩૫મા માળે બેસીને માણસ અડધો એકર જમીન માટે લડે- બંનેની વૃત્તિ તો એક જ થઈને?

સત્તા-સંપત્તિ અને ભોગવિલાસથી સમૃદ્ધ બનવું એ આપણી સાચી ઓળખ નથી. પ્રાયઃ નામના મેળવ્યા બાદ માણસ સ્વછંદ સ્વાભિમાન-સ્વમહત્ત્વકાંક્ષામાં રાચ્યા કરે, તેથી પોતાના કાર્ય પ્રત્યેની કર્તવ્યનિષ્ઠામાં આકસ્મિક રીતે ઘટાડો નોંધાવા લાગે છે, કારણ કે હવે તેણે સ્વમાં જ પૂર્ણ સંતોષ માની લીધો છે, જે તેની પ્રગતિ ઉપર રોક લગાવી દે છે. માણસને પ્રસિદ્ધિના નશામાંથી છોડાવવા ઈશ્વર તેના કાર્યમાં નિષ્ફળતાનાં બમ્પર મૂકે છે, જે ખૂબ જ જરૂરી હોય છે. આનાથી એ પોતાના કાર્યમાં સાચી સમજણ શીખે છે.

અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન્! અર્જુને કર્મફળપ્રદાતા ઈશ્વરને માનીને પોતાનું કર્તવ્ય દઢપણે બજાવ્યું તો આજે ભગવાન શ્રીકૃષ્ણની સાથે અર્જુનને કરોડો લોકો પૂજે છે. મહાપુરુષોનાં જીવનમાંથી એક નિષ્કર્ષ ચોક્કસ નીકળે છે કે, ઈન્સ્ટેડ ઑફ નેમ, ધે ઑલ્વેઝ ગો ફૉર ઑનેસ્ટ ઍન્ડ એથિકલ હાર્ડવર્ક અર્થાત્ આ લોકોએ નામદામને ગૌણ ગણીને ઈમાનદારીથી થતા અથાગ પરિશ્રમને મહત્વ આપ્યું.

અમેરિકાના લોકપ્રિય અને પ્રથમ રાષ્ટ્રપ્રમુખ જ્યૉર્જ વૉશિગ્ટન એક વાર પોતાની ઑફિસમાં એક બહુ મોટી પોસ્ટ માટે અથવા બહુ મોટા પદ માટે લાયક વ્યક્તિની નિમણૂક કરવા માટે સેક્રેટરીએ એમની સમક્ષ મૂકેલાં નામનું લિસ્ટ વાંચતા હતા. એ યાદીમાં એમના એક ખાસ મિત્રનું નામ આવ્યું. બધાને થયું કે સાહેબ એને જ પસંદ કરશે, પરંતુ લિસ્ટમાં આગળનાં નામો જોતાં બીજી એક વ્યક્તિનું નામ આવ્યું. આ એ વ્યક્તિ હતી, જેણે શ્રીમાન જ્યૉર્જ વૉશિંગ્ટનનો વિરોધ કરવાની એક પણ તક જતી કરી નહોતી. આમ છતાં એ વાત પર, પોતાના અંગત ગમા-અણગમા પર ધ્યાન ન આપતાં એમણે પોતાના વિરોધીની કર્તવ્યનિષ્ઠા પર નજર રાખીને એની જ પસંદગી કરી. આજે પણ એક સફળ રાષ્ટ્રપતિ તરીકે જ્યૉર્જ વૉશિંગ્ટનને લાખો લોકો યાદ કરે છે.

આવા જ એક અન્ય અમેરિકન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રેગનના કહેવા પ્રમાણે ‘જો માણસ કાર્યનો યશ કોને મળશે? એનો વિચાર ન કરે તો તેની પ્રગતિની સીમા નથી.’ આવા આદર્શો આપણને સદગુણયુક્ત સત્કાર્યો કરવા પ્રેરે છે, નામ તો નિમિત્ત માત્રની ઓળખ છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

ટેક્સ ચોરી મામલે CM યોગીએ કર્યું નક્કર આયોજન

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ટેક્સ ચોરી અટકાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા અને આવક વધારવા માટે નવા સ્રોત તપાસવાનો નિર્દેશ આપ્યો છે. ટેક્સની કાર્યવાહીની ગુપ્તતાનો ભંગ કરવાવાળા કર્મચારીઓને ઓળખી કાઢવા અને તેમની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાના નિર્દેશ તેમણે આપ્યા છે.

તેમણે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષમાં આવકની પ્રાપ્તિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં નાણાપ્રધાન સુરેશ ખન્ના અને મંત્રી, આબકારી પ્રધાન નીતિન અગ્રવાલ પણ હાજર રહ્યા હતા. તેમણે GST, વેટ, આબકારી સહિત વિવિધ આવકનાં સાધનોની સમીક્ષા કરતા વિભાગના અધિકારીઓને દિશા-નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક સુધી વિવિધ કરસાધનો થકી અત્યાર સુધી રૂ. 92,000 કરોડથી વધુની આવક પ્રાપ્ત થઈ હતી, જેમાં GST/ વેટથી રૂ. 52,000 કરોડ, આબકારી ટેક્સ તરીકે રૂ. 20,000 કરોડ સ્ટોપ એન્ડ રજિસ્ટ્રેશનથી રૂ. 13,000 કરોડ અને ટ્રાન્સપોર્ટેશનથી રૂ. 4700 કરેડથી વધુની આવક થઈ હતી.

તેમણે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 2.62 લાખ કરોડની આવકનો લક્ષ્યાંક માટે નક્કર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આવકની ચોરી એ રાષ્ટ્રીય ક્ષતિ છે. GSTની ચોરી સહિત વિવિધ ટેક્સ ચોરી રોકવા માટે સજાગતા વધારવાની જરૂર છે.

તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા સુધીમાં વિવિધ માધ્યમથી અત્યાર સુધી રૂ. 92,000 કરોડથી વધુ થઈ છે. દરેક વિભાગે નોંધપાત્ર આવક કરી છે. આ રકમ પ્રદેશના વિકાસ ને લોકકલ્યાણકારી કાર્યોમાં ખર્ચ થશે. તેમણે ટેક્સ ચોરી અટકાવવા માટે સજાગતા જરૂરી હોવાનું જણાવ્યું હતું.

 

 

 

 

 

 

 

 

નર ચિતલનું આ યુદ્ધ કયારેક તેમના મૃત્યુનું કારણ પણ બને છે

સામાન્ય રીતે ચિતલ હરણ એ એક મોટા નર અને માદા ચિતલના સમુહમાં રહેતા હોય છે. સમુહમાં રહેવાનું સૌથી મોટું કારણ એ છે કે વધુ આંખો જે શિકારી પ્રાણી પર નજર રાખી શકે અને વધુ કાન જે એક નાનામાં નાનો અવાજ પણ સાંભળીને બાકીના બધાને સચેત કરી શકે.

ચિતલમાં સંવનન કાળના સમયે સમુહની માદા ચિતલ સાથે સંવનન માટે નર ચિતલમાં લડાઈ થાય છે. આ લડાઈ કયારેક ખૂબ લાંબો સમય ચાલે છે, અને બંને નર લડતા લડતા પોતાના સમૂહ થી દૂર જતા રહે છે. આ બંને નર ચિતલ લડાઈમાં એટલા વ્યસ્ત હોય છે કે આવા સમયે આસપાસના વાઘ, સિંહ, દિપડા કે ધોલ (wild Dogs) તેમના માંથી એકાદનો ઘણીવાર શિકાર પણ કરી લે છે. આમ નર ચિતલનું આ યુદ્ધ કયારેક તેમના મૃત્યુનું કારણ પણ બને છે.

કોરાનાના 48 નવા કેસો, એક પણ મોત નહીં      

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 48 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,99,728 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,037 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,384 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 47 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 307 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,378 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.57 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,73,863 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 143 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ભારતની UPI સિસ્ટમનાં અમેરિકી અધિકારીએ વખાણ કર્યા

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના નાણાં વિભાગના એક અધિકારીએ ભારતની UPI (યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) સિસ્ટમની પ્રશંસા કરી છે. એમણે કહ્યું છે કે ભારતની UPI સિસ્ટમ સિંગાપોર અને સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ) સહિતના દેશો સાથે દ્વિપક્ષીય વ્યવહારો-સંબંધોને આગળ વધારવામાં મદદરૂપ થઈ રહી છે.

અમેરિકાના નાણાં વિભાગમાં આંતરરાષ્ટ્રીય બાબતો માટેના નાયબ સેક્રેટરી જય શામબાગે હાર્વર્ડ લૉ સ્કૂલ ખાતે આપેલા વક્તવ્યમાં નવી ટેક્નોલોજી અને દેશો વચ્ચેના આર્થિક વ્યવહારો (પેમેન્ટ) વિશે પોતાના વિચાર રજૂ કર્યા હતા. એમણે કહ્યું કે, ASEAN દેશો તેમની ઝડપી ચુકવણીની વ્યવસ્થાઓને બહુપક્ષીય રીતે એકબીજા સાથે જોડવાની વધારે મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. આમાં, ભારત તેની UPI સિસ્ટમ દ્વારા અન્ય દેશોની વચ્ચે દ્વિપક્ષીય વ્યવહારો-સંબંધોને આગળ વધારતા એક અધિકારક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે.

વિરાટને ગાળો દેવી નહીં, એનાથી એ જોશમાં આવી જાય છેઃ રહીમ

પુણેઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપમાં આજે અહીંના MCA સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાઉન્ડ-રોબિન મેચ રમાવાની છે. તે પૂર્વે બાંગ્લાદેશના વિકેટકીપર અને બેટર મુશ્ફિકુર રહીમે જણાવ્યું છે કે, હું ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીનું ક્યારેય સ્લેજિંગ કરતો નથી, કારણ કે મેચ દરમિયાન અપશબ્દો સંભળાવવાથી વિરાટ જોશમાં આવી જાય છે અને વધારે રન કરે છે. એટલે હું તો કાયમ અમારા બોલરોને કહું છું કે વિરાટને શક્ય એટલો જલદી આઉટ કરી દેવો. અમારી બે ટીમની મેચ હોય ત્યારે હું જ્યારે પણ બેટિંગ કરવા જાઉં ત્યારે દર વખતે એ મને સ્લેજ કરતો હોય છે. એ ખરેખર લડાયક વૃત્તિવાળો છે. એ કોઈ મેચ હારવાનું પસંદ કરતો નથી. એની સાથેની સ્પર્ધા અને એની સામે રમવાનો પડકાર મને ખરેખર બહુ ગમે છે.’

કોહલીએ બાંગ્લાદેશ સામે અત્યાર સુધીમાં 19 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 73.13ની સરેરાશ સાથે 1,097 રન કર્યા છે. ODI વર્લ્ડ કપમાં, ભારત બાંગ્લાદેશ સામે અત્યાર સુધીમાં પાંચમાંથી ચાર મેચ જીત્યું છે. 2007ની વર્લ્ડ કપમાં તે હારી ગયું હતું.

શાકીબ અલ હસન ઈજાગ્રસ્ત છે, કદાચ આજની મેચમાં નહીં રમે

દરમિયાન, બાંગ્લાદેશ માટે ચિંતાના સમાચાર છે. એમનો 36 વર્ષીય કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર શાકીબ અલ હસન કદાચ આજની મેચમાં રમી નહીં શકે. શાકીબના ડાબા હાથનો સ્નાયૂ ખેંચાઈ ગયો છે. આ ઈન્જરી એને અમુક દિવસો પહેલાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ વખતે થઈ હતી.

બાંગ્લાદેશના કોચ ચાંડિકા હથુરુસિંઘેએ કહ્યું છે કે શાકિબને મેડિકલ સ્ટાફ 100 ટકા ફિટ જાહેર કરશે તો જ આજે ભારત સામે રમશે. જો એ ફિટ નહીં હોય તો એને રમાડવાનું અમે જોખમ નહીં લઈએ. શાકિબે ગઈ કાલે સાંજે એમસીએ સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ સત્ર વખતે બેટિંગ કરી હતી અને થોડુંક દોડ્યો પણ હતો, પણ બોલિંગ કરી નહોતી.

શાકિબે અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીતવાળી મેચમાં 30 રનમાં 3 વિકેટ લીધી હતી અને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં એણે 40 રન કર્યા હતા. એ મેચ જોકે ન્યૂઝીલેન્ડ 8-વિકેટથી હારી ગયું હતું.