Home Blog Page 2415

પુણેના સ્ટેડિયમમાં ભારત, બાંગ્લાદેશના ખેલાડીઓએ કરી નેટ પ્રેક્ટિસ

હાલ ભારતમાં રમાઈ રહેલી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધા-2023 અંતર્ગત ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે 19 ઓક્ટોબર, ગુરુવારે રાઉન્ડ-રોબિન મેચ રમાનાર છે. તેની પૂર્વસંધ્યાએ, બુધવારે અમુક ભારતીય ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ કરી હતી. હેડ કોચ રાહુલ દ્રવિડના નિરીક્ષણ હેઠળ રવિન્દ્ર જાડેજા, શુભમન ગિલ અને ઈશાન કિશન નેટ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. બાદમાં સાંજના સમયે બાંગ્લાદેશના ૩ ખેલાડીઓએ પણ નેટ્સમાં પ્રેક્ટિસ કરી હતી – હસન મેહમુદ, મુશ્ફીકુર રહીમ અને તંઝીદ હસન. (તસવીરકારઃ દીપક ધુરી)

વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ભારત તેની ત્રણેય મેચ જીત્યું છે. આ જીત તેણે ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પર મેળવી છે.

 

 

ગાઝા હોસ્પિટલ પરનો હુમલો ઈઝરાયલે નહોતો કર્યો: બાઈડન

તેલ અવીવઃ હમાસ-પેલેસ્ટીન સાથે ઈઝરાયલનું હાલ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અમેરિકાના પ્રમુખ જો બાઈડન આજે ઈઝરાયલની મુલાકાતે પહોંચ્યા છે. ગાઝા સ્ટ્રીપમાં ગઈ કાલે 500 જણનો ભોગ લેનાર એક હોસ્પિટલ પરના ભયાનક હુમલાને લીધે દુુનિયાભરમાં અરેરાટી સાથે રોષ વ્યાપી ગયો છે ત્યારે બાઈડને ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહૂ પર પોતાનો સંપૂર્ણ ભરોસો વ્યક્ત કર્યો છે. એમણે કહ્યું કે, ગાઝાની હોસ્પિટલ પર ગઈ કાલે રાતે કરવામાં આવેલો હુમલો ‘કોઈ અન્ય ટોળકી’નું કૃત્ય છે, ઈઝરાયલે તે હુમલો કર્યો નહોતો.

ગાઝામાં આવેલી અલ અહલી હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટમાં 500થી વધુ લોકોના જાન ગયા હતા અને બીજાં ઘણા લોકો જખ્મી થયાં છે. ઈઝરાયલના સંરક્ષણ દળોએ આ હુમલા માટે ઈસ્લામી જિહાદ આતંકવાદી સંગઠન હમાસને દોષી ગણાવ્યું છે. ઈઝરાયલી દળોનું કહેવું છે કે હમાસે ફાયર કરેલું રોકેટ નિષ્ફળ ગયું હતું.

આજે તેલ અવીવમાં, નેતાન્યાહૂ સાથેની બેઠક દરમિયાન ઈઝરાયલનું સમર્થન કરીને બાઈડને કહ્યું કે, ‘આખી દુનિયા જોઈ રહી છે. ઈઝરાયલ અમેરિકાની જેવા જ મૂલ્ય ધરાવે છે. ગઈ કાલે ગાઝાની હોસ્પિટલમાં વિસ્ફોટને કારણે જે જાનહાનિ થઈ એનાથી હું ખૂૂબ જ દુઃખી થયો છું. મને જે કંઈ જાણવા મળ્યું છે તેના પરથી એવું લાગે છે કે આ હિચકારું કૃત્ય કોઈ અન્ય ટોળકીનું છે, તમારું (ઈઝરાયલનું) નહીં.’

નેશનલ ફિલ્મ એવોર્ડઃ ક્રિતી સેનને ફેમિલી સાથે ઉજવણી કરી

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનન માટે આજનો દિવસ ખાસ છે. એક્ટ્રેસને દેશનાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને હસ્તે નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આવામાં ક્રિતીના આનંદની કોઈ સીમા નહોતી. ફિલ્મ ‘મિમી’ માટે એક્ટ્રેસને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ ક્રિતીએ એક સરોગેટ મધરની ભૂમિકા ભજવી હતા. જેની લોકોએ ઘણો પસંદ કર્યો હતો.

દેશનાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળ્યા પછી ક્રિતી સેનને તેના ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ લખી હતી. તેણે તેના ફેન્સની સાથે ખુશી શેર કરી હતી. કૃતિએ તેના માતા-પિતાની સાથે બે ફોટો પણ શેર કર્યા હતા. આ ફોટોમાં એક્ટ્રેસ તેની માતાના ખોળામાં બેઠી છે અને સિલ્વર કમળ ફ્લોન્ટ કરી રહી છે.  જ્યારે બીજા ફોટોમાં તે પિતાને પ્રશસ્તિ પત્ર બતાવી રહી છે. બીજા ફોટોમાં ક્રિતીને તેના પિતા વહાલ વરસાવતા દેખાઈ રહ્યા છે.

તેણે આ ફોટો તો શેર કર્યા છે, પણ એ દરમ્યાન તે તેની બહેન નૂપુર સેનનને ઘણી મિસ કરી હતી. આ ફોટો સાથે ક્રિતીએ કેપ્શનમાં લખ્યું છે- આ અહેસાસને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. આજનો દિવસ મારા માટે જિંદગીના સૌથી યાદગાર દિવસોમાંનો એક રહેશે. આ સિવાય ક્રિતીએ રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ લેતા ફોટો ને વિડિયો શેર કર્યા હતા. ક્રિતી સેનન તેના માતાપિતા સાથે એવોર્ડ લેવા પહોંચી હતી. ત્યારે તેણે વ્હાઇટ સિલ્કની સાડી પહેરી હતી. તે ઘણી ખૂબસૂરત લાગતી હતી.

 

 

 

 

 

 

આયોજકોએ રાસ-ગરબાનું આયોજન બંધ કરતાં ખેલૈયા છેતરાયા   

અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રી જામતી જાય છે. આજે ચોથું નોરતું છે. રાજ્યમાં તમામ નાનાં-મોટાં શહેરો અને ગામડાઓમાં પાર્ટી પ્લોટમાં અને ક્લબોમાં નાના-મોટા રાસ-ગરબાનાં આયોજનો થતાં હોય છે, પણ આ ગરબાનાં આયોજનોમાં પણ છેતરપિંડી થવા લાગી છે. ભાડજમાં ગરબાના આયોજનમાં ખેલૈયાઓ રઝળી પડ્યા હતા, કેમ કે રાતોરાત પાર્ટી પ્લોટમાં આયોજકોએ રાસ-ગરબાનું આયોજન બંધ કરી દીધું છે. રાજ્યમાં ક્યાંક નકલી પાસનો પણ વેપાર થઈ રહ્યો છે.

શહેરના ભાડજ વિસ્તારમાં આયોજકોએ રાસ-ગરબાના નવ દિવસના પાસ તો વેચ્યા હતા, પણ ખેલૈયાઓ રાસ-ગરબા રમવા પાર્ટી પ્લોટમાં પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી કે અહીં ગરબાનું આયોજન બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાંભળીને ખેલૈયાઓ ખૂબ હતાશ થયા હતા અને ખરીદેલા પાસના પૈસા પરત આપવાની માગ કરી રહ્યા હતા. અહીં એક દિવસના પાસની કિંમત રૂ. 499 રાખવામાં આવી છે. ત્યારે આવી મોટી રકમ વસૂલ્યા બાદ પણ ગરબા ન રમાતા ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમનો ગુસ્સો સાતમા આસમાને હતો, કેમ કે રમવાની મજા અધૂરી રહી ગઈ અને પૈસા જવાથી છેતરાવાની લાગણી થઈ હતી.

આ ગરબાના પાસ પર જગદીપ મહેતા કે જેઓ ઓર્કેસ્ટાના સંચાલક છે, તેમને અને કલાકારોને આજે સવારે જ ગરબા માટે આવવાની ના પાડવામાં આવી હતી. તેમને આ વિશે કોઈ વધુ માહિતી ના હોવાનું તેમણે જણાવ્યું હતું.

શહેરરના SP રિંગ રોડ પર આવેલા સાયન્સ સિટી સર્કલ પાસે એટ 7 સીઝના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ત્રીજા દિવસે ખેલૈયાઓને ગરબા ન રમાડવામાં આવતાં ભારે હંગામો થયો હતો. આમ પૈસાથી પાસ ખરીદીને ખેલૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા હતા, ત્યારે ગરબા સ્થળે પહોંચીને ખબર પડી કે ગરબા રમાડવાના નથી. ત્યારે પાસના રૂપિયા વસૂલીને પણ ગરબા ન રમાડવામાં આવતા ખેલૈયાઓ રઝળી પડ્યા હતા.

 

શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો 50 લાખ શ્રમિકોએ મેળવ્યો લાભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શક નેતૃત્વ હેઠળ ઓક્ટોબર 2022માં શ્રમિક અન્નપૂર્ણા યોજનાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી હતી, અને આજે માત્ર એક વર્ષના સમયગાળા દરમિયાન રાજ્યના લગભગ 50 લાખ શ્રમિકો આ યોજના હેઠળ રૂપિયા 5 માં ભોજનનો લાભ મેળવી ચૂક્યા છે.

શ્રમિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા બાંધકામની સાઇટ પર ભોજનની ડિલીવરી પણ કરવામાં આવે છે. અત્યારે 50થી વધુ બાંધકામ શ્રમિકો જ્યાં કામ કરતા હોય તેવી બાંધકામ સાઇટ પર ભોજનની ડિલીવરી કરવામાં આવે છે. હાલ, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરાની 13 સાઇટ પર શ્રમિકો માટે ભોજન પહોંચાડવામાં આવે છે.

શ્રમિક અન્નપૂર્ણા યોજના શું છે

ગુજરાત સરકારે 18 જુલાઈ, 2017ના રોજ ગુજરાતના જે બાંધકામ શ્રમિકો તેમજ તેમના પરિવારજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ નક્કી કરેલાં શહેરોના કડિયાનાકા પર કાઉન્ટર શરૂ કરીને શ્રમિકો-કામદારોને માત્ર દશ રૂપિયામાં ટિફિન ભરી આપવામાં આવતું હતું. શ્રમિકો જે સમયે કામ પર નીકળે ત્યારે ટિફિન ભરાવી લે એ રીતે સવારે સાતથી અગિયાર વાગ્યા સુધી ત્યાં કાઉન્ટર પર ભોજન વિતરણ થતું. કોરોનાકાળ દરમિયાન આ યોજના બંધ કરવામાં આવી હતી. જો કે હવે ફરી આ યોજનાનો લાભ લાભાર્થીઓ લઈ રહ્યાં છે.

શ્રમિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા બાંધકામની સાઇટ પર ભોજનની ડિલીવરી પણ કરવામાં આવે છે. અત્યારે 50થી વધુ બાંધકામ શ્રમિકો જ્યાં કામ કરતા હોય તેવી બાંધકામ સાઇટ પર ભોજનની ડિલીવરી કરવામાં આવે છે. હાલ, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરાની 13 સાઇટ પર શ્રમિકો માટે ભોજન પહોંચાડવામાં આવે છે.

10 જિલ્લાઓમાં 118 કડિયાનાકા પર શ્રમિકોને ભોજન

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યમાં 10 જિલ્લાઓમાં 118 કડિયાનાકા પર ભોજન પ્રદાન કરવામાં આવે છે. આ જિલ્લાઓમાં અમદાવાદ (47 કડિયાનાકા), ગાંધીનગર (4 કડિયાનાકા), વડોદરા (12 કડિયાનાકા), સુરત (18 કડિયાનાકા), નવસારી (3 કડિયાનાકા), રાજકોટ (9 કડિયાનાકા) અને મહેસાણા (7 કડિયાનાકા), વલસાડ (6 કડિયાનાકા), પાટણ (8 કડિયાનાકા) અને ભાવનગર (4 કડિયાનાકા) નો સમાવેશ થાય છે.

આ યોજના અંતર્ગત શ્રમિકોને ભોજનમાં કઠોળનું શાક, બટાકા અને મિક્ષ શાક, રોટલી, ભાત, અથાણું/મરચાં, ગોળ, દર ગુરુવારે ખીચડી-કઢી તેમજ અઠવાડિયામાં એક વખત સુખડી અથવા તો શીરો આપવામાં આવે છે. પ્રતિ ભોજન અત્યારે સરકાર તરફથી રૂપિયા 37ની સબસીડી ચૂકવીને માત્ર રૂપિયા5માં શ્રમિકોને ભોજન પૂરું પાડવામાં આવે છે.

ઈ-નિર્માણ કાર્ડથી શ્રમિકો મેળવે છે ભોજન

શ્રમિક અન્નપૂર્ણાના તમામ કેન્દ્રો ઉપર ઈ-નિર્માણ કાર્ડની મદદથી ભોજન શ્રમિકો ભોજન મેળવે છે. કાર્ડનો ક્યુઆર (QR) કોડ સ્કેન કરાવીને ટિફિનમાં કે સ્થળ પર જ એક સમયનું ભોજન શ્રમિકો મેળવી શકે છે. જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોય તેમના માટે બૂથ પર જ બાંધકામ શ્રમિકોની હંગામી ધોરણે નોંધણી થાય છે અને 15 દિવસ સુધી તેઓ ભોજન મેળવી શકે છે.

મુંબઈગરા માટે ચેતવણીઃ દિલ્હી કરતાં પણ મુંબઈની હવા ખરાબ

મુંબઈઃ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીને અત્યાર સુધી દેશનું સૌથી વધારે પ્રદૂષિત શહેર તરીકે ઓળખવામાં આવતું હતું, પણ હવે એનું સ્થાન દેશના આર્થિક પાટનગર મુંબઈએ લીધું છે. મુંબઈની હવાની ગુણવત્તા ગત્ ચોમાસાની ઋતુમાં સારી હતી, પરંતુ ચોમાસાએ વિદાય લેતાં જ શહેરની હવાની ક્વાલિટીમાં બગાડો થયો છે. મુંબઈ દેશનું સૌથી વધારે પ્રદૂષિત શહેર તરીકે ગણાવાઈ રહ્યું છે. ગઈ કાલે, મુંબઈનો એર ક્વાલિટી ઈન્ડેક્સ 111 AQI હતો. આની સરખામણીમાં દિલ્હીનો AQI 88 છે.

‘સફર’ નામક સંસ્થા દ્વારા હાલમાં જ દેશના મહત્ત્વના શહેરોમાં હવાની ગુણવત્તાનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. એના પરથી માલૂમ પડ્યું છે કે મુંબઈની હવામાં રજકણોનું પ્રમાણ વધી ગયું છે.

કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો મંજૂર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને દિવાળી પૂર્વે સરકારે ભેટ આપી છે. કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા (ડીયરનેસ અલાવન્સ – DA) અને પેન્શનધારકોનાં ડીયરનેસ રિલીફ (DR)માં ચાર ટકાના વધારાને કેન્દ્રીય પ્રધાનમંડળે મંજૂર કર્યો છે.

આ નિર્ણયને પગલે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હાલના 42 ટકાથી વધીને 46 ટકા થશે. આ નિર્ણયથી 47 લાખ કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થશે. આ વધારો 1 જુલાઈ, 2023થી લાગુ થશે.

ખાદી ભાવના અને સ્વદેશી મૂલ્યો ઉપર ચર્ચા

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી (NIFT) ગાંધીનગર, જે ફેશન અને ડિઝાઇન ઉદ્યોગમાં તેના નોંધપાત્ર યોગદાન માટે પ્રખ્યાત છે, તેણે ખાદીની ભાવના અને સ્વદેશીના સાર પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રેરણાત્મક ઇવેન્ટનું આયોજન કર્યું હતું.

પ્રતિષ્ઠિત નિષ્ણાતો અને વ્યાવસાયિકો દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આત્મનિર્ભરતાની ભાવનાને માન આપીને ખાદીના સાંસ્કૃતિક, આર્થિક અને પર્યાવરણીય મહત્વ વિશેની આપણી સમજને વધુ ઊંડી બનાવવાનો હતો.

આ કાર્યક્રમ નિફટ ગાંધીનગરના વાઇબ્રન્ટ ઓડિટોરિયમમાં યોજવામાં આવ્યો હતો. નિફટ ગાંધીનગરના નિયામક પ્રો. ડૉ. સમીર સૂદે કહ્યું કે,  સાંસ્કૃતિક સંરક્ષણ અને પર્યાવરણીય જવાબદારીના પ્રમાણપત્ર તરીકે આ નૈતિકતાનું પ્રતિનિધિત્વ કરતી ખાદી ભારતના સમૃદ્ધ કાપડ વારસા અને સ્થાનિક કારીગરોની અસાધારણ કારીગરીનું પ્રતીક છે.

આ ઈવેન્ટની ખાસિયત એ હતી કે નિફટ ગાંધીનગરની ટેક્સટાઈલ ડિઝાઈનની વિદ્યાર્થિની પ્રતિક્ષા ચૌધરી દ્વારા પઠન કરવામાં આવેલી મનમોહક રચના હતી, જે ખાદી સાથેના તેના ઊંડા જોડાણ અને તેના સાંસ્કૃતિક મહત્વને આબેહૂબ રીતે દર્શાવે છે.

પ્રો. ડૉ. સમીર સૂદ, નિયામક, નિફટ ગાંધીનગર, જણાવે છે કે ઇવેન્ટનું હાર્દ એક આંતરદૃષ્ટિપૂર્ણ પેનલ ચર્ચામાં છે, જે ખાદી અને સ્વદેશી સાથે ઊંડે ઊંડે ગૂંથાયેલા વિશિષ્ટ નિષ્ણાતો અને વ્યાવસાયિકો દ્વારા કરવામાં આવ્યું હતું: નિફટ ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર, સુમિતા અગ્રવાલ દ્વારા સંચાલિત પેનલ ચર્ચામાં ખાદી અને સ્વદેશીના બહુવિધ પાસાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તેમના સાંસ્કૃતિક, આર્થિક અને પર્યાવરણીય મહત્વની શોધ કરવામાં આવી હતી.

પ્રો. ડૉ. સમીર સૂદે વધુમાં વાત કરતા કહ્યું કે, ખાદીની ઐતિહાસિક સફરને ટ્રેસ કરીને, 1915 પછીના ભારતમાં મહાત્મા ગાંધીના આગમનને પ્રકાશિત કરીને અને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન એકતાના પ્રતીક તરીકે ખાદીની મહત્ત્વની ભૂમિકાને સમજાવીને પેનલ ચર્ચા શરૂ થઈ હતી. ખાદીને ફેશનેબલ બનાવી શકાય કે કેમ તે અંગે પેનલે સવાલો ઉઠાવ્યા હતા.  કાર્તિકેય દ્વારા યુવાનોને તેમની પહેલ દ્વારા ખાદીને મોખરે લાવવાની તેમની ક્ષમતાને રેખાંકિત કરીને એક માનસિકતા તરીકે ફેશનને ફરીથી વ્યાખ્યાયિત કરવા પ્રેરણા આપી હતી.

નિષ્કર્ષમાં, પેનલના સભ્યોએ અર્થશાસ્ત્ર અને ખાદીના ગાઢ આંતરસંબંધ પર ભાર મૂક્યો હતો, જેમાં ખાદી ટકાઉ આર્થિક વિકાસ મોડેલ તરીકે સેવા આપે છે. ખાદીની પસંદગી સ્થાનિક કારીગરો અને ગ્રામીણ સમુદાયોને ટેકો આપે છે અને પર્યાવરણીય ટકાઉપણુંમાં ફાળો આપે છે. તે એક કાપડ છે જે આત્મનિર્ભરતા અને આર્થિક સશક્તિકરણને મૂર્ત બનાવે છે, જે તેને ભારતના આર્થિક લેન્ડસ્કેપ માટે મૂલ્યવાન સંપત્તિ બનાવે છે. ખાદીના આર્થિક મહત્વને ઓળખવા અને તેની પ્રશંસા કરવાથી વ્યક્તિઓ અને સમાજોને અર્થતંત્ર અને પર્યાવરણ બંનેને લાભ થાય તેવા માહિતગાર પસંદગીઓ કરવાની શક્તિ મળે છે.

નિફટ ગાંધીનગર દ્વારા 15 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર, 2023 દરમિયાન અધિકારીઓ, પ્રાધ્યાપકો અને કર્મચારીઓની સક્રિય ભાગીદારી સાથે ‘સ્વચ્છતા અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આંતર-વિભાગીય સ્પર્ધાએ તંદુરસ્ત સ્પર્ધા અને મિત્રતાની ભાવના ઉમેરી. આ પહેલના સંયોજક પ્રોફેસર વિશાલ ગુપ્તાએ સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત કરી હતી.

ગાઝાની હોસ્પિટલ પર હુમલામાં 500 લોકોનાં મોતઃ UNએ કરી ટીકા

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 12 દિવસથી યુદ્ધ જારી છે. મંગળવારે ગાઝાની હોસ્પિટલમાં મોટો હુમલો થયો છે. આ હુમલામાં આશરે 500 લોકો માર્યા ગયા છે, એવો દાવો હમાસના આરોગ્ય મંત્રાલયે કર્યો છે. હોસ્પિટલમાં લોકો હાજર હતા, જે પહેલેથી ઘાયલ અને વિસ્થાપિત હતા. ઇઝરાયેલ તરફથી હુમલા પછી લોકો ઘણા ગુસ્સામાં છે, એમ મંત્રાલયે કહ્યું હતું.

આ હુમલામાં હવે વિવિધ દેશોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. અમેરિકા અને અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ આ હુમલાને ખોટો ગણાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહા સચિવ એન્ટોનિયો ગુટેરેસે ગાઝા હોસ્પિટલ પર ઘાતક હુમલાની આકરી નિંદા કરી છે.

તેમણે X પર પોસ્ટ કર્યું છે કે હું પીડિતોના પરિવારોની સાથે છું. હોસ્પિટલ અને આરોગ્ય કર્મચારીઓ આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા હેઠળ સંરક્ષિત છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે અમારી પાસે ગુપ્ત સૂત્રો પાસેથી આવેલી માહિતી મુજબ ઇઝરાયેલ ગાઝાની હોસ્પિટલો પર કોઈ હુમલો નહોતું કરી રહ્યું પણ હુમલામા જે રોકેટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એ એમનાં ઉપકરણોથી મેળ નહોતાં ખાતાં.

ગાઝાની હોસ્પિટલ પર થયેલા હુમલાની ફ્રાન્સે પણ ટીકા કરી કરી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને કહ્યું હતું કે હોસ્પિટલ પર હુમલો કરવો એને યોગ્ય ઠેરવી ના શકાય. ફ્રાંસ ગાઝામાં અલ-અહલી અરબ હોસ્પિટલ પર હુમલાની નિંદા કરે છે. આ હુમલાને લઈને ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે ગાઝા હોસ્પિટલ પર થયેલો હુમલો ઇસ્લામિક જેહાદ જવાબદાર છે.

ડચ ક્રિકેટર પોલ વૈન મિકેરનની હ્દયસ્પર્શી જર્ની, જાણો…

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023માં બે દિવસમાં બે મોટા ઊલટફેર જોવા મળ્યા છે. નેધરલેન્ડસને દક્ષિણ આફ્રિકાને 38 રનથી માત આપીને આ ટુર્નામેન્ટનો મોટો અપસેટ સર્જ્યો છે. 43 ઓવરની આ મેચમાં નેધલેન્ડસે પહેલાં બેટિંગ કરતાં દક્ષિણ આફ્રિકાને 246 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. એના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 42.5 ઓવરમાં 207 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

નેધરલેન્ડ્સની આ જીતમાં બોલર પોલ વેન મિકેરને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે નવ ઓવરની બોલિંગમાં બે વિકેટ લીધી હતી. મિકેરેને એડન માર્કરમ અને માર્કો જોન્સનને આઉટ કર્યા હતા, જે ક્યારેય પણ બેટિંગથી મેચનું પાસું પલટી શકે છે. મિકેરનેની બોલિંગે નેધરલેન્ડ્સની જીત સરળ કરી દીધી હતી. આ દેખાવ પછી ચારે બાજુ મિકેરનની ચર્ચા થઈ રહી છે.

પોલ વૈન મિકેરનની જૂની સ્ટોરી સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહી છે. આ ક્રિકેટર બે વર્ષ પહેલાં ફૂડ ડિલિવરી કરતો હતો. મિકેરને નવેમ્બર, 2020માં એ વાતનો ખુલાસો કર્યો હતો કે તે કોરોના રોગચાળાને કારણે ઉબર ઇટ્સમાં ફૂડ ડિલિવરી કરવા માટે મજબૂતર હતો. તેણે ટ્વીટમાં કહ્યું હતું કે ક્રિકેટ રમવું જોઈતું હતું. હવે વિન્ટરમાં બચવા માટે ઉબર ઇટ્સમાં ફૂડ ડિલિવરી કરી રહ્યો છું.

તેણે ઓક્ટોબર, 2020માં એ કામ શરૂ કર્યું હતું, જ્યારે કોરોના રોગચાળાને કારણે ભારતમાં રમાનારા T20 વર્લ્ડ કપને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. એ ટુર્નામમેન્ટ UAEમાં આયોજિત કરવામાં આવ્યો હતો. તેણે વર્લ્ડ કપની મેચમાં ટીમને જીત અપાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.