Home Blog Page 2420

છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીનાં મોતઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાત કસ્ટોડિયલ ડેથમાં દેશમાં પ્રથમ ક્રમાંકે છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીનાં મોત થયાં છે. 2019-20ની તુલનાએ વર્ષ 2021-22માં 24 મોત સાથે કસ્ટોડિયલ ડેથમાં બમણો વધારો થયો છે. આ સ્ફોટક ખુલાસો ગુજરાત લો-કમિશનના અહેવાલમાં થયો છે. આ અંગે ગુજરાત કોંગ્રેસે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પોલીસ તંત્રની કામગીરી પર વારંવાર પ્રશ્નાર્થ ઊભો થાય છે, કારણ કે પોલીસ કર્મચારીઓ બેફામ રીતે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે.

રાજ્યમાં ‘માનવ અધિકારોનું’ મોટા પાયે ઉલ્લંઘન અને સત્તાના દુરુપયોગમાં રાચતી ભાજપ સરકારના શાસનમાં સતત વધી રહેલા કસ્ટોડિયલ ડેથ પોલીસ તંત્રની અમાનવીય કામગીરીને ઉજાગર કરે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે જણાવ્યું હતું કે રાજ્યમાં સતત વધી રહેલા કસ્ટોડિયલ ડેથના કિસ્સાઓ ચિંતાનો વિષય છે. સભ્ય સમાજ કાયદાના શાસનથી ચાલે છે.

કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ન્યાયતંત્રમાં વિશ્વાસ ટકી રહે એ માટે પણ તટસ્થ અને પારદર્શક તપાસ થવી જોઈએ. માનવ અધિકારનું સન્માન અને માનવ અધિકારના ઉલ્લંઘનને રોકવા માટે માનવ અધિકાર કાયદાનો કડક અમલ થવો જરૂરી છે.

130 પોલીસ સ્ટેશનમાં CCTV કેમેરા નથી

સુપ્રીમ કોર્ટના 24 જુલાઈ 2015ના ચુકાદામાં CCTV કેમેરા લગાવવા માટે આદેશ છતાં ગુજરાતમાં 130 પોલીસ સ્ટેશનમાં આજ સુધી સુધી CCTV કેમેરા લગાવવામાં આવ્યા નથી. CCTV કેમેરા લગાવવાથી માનવ અધિકારના ઉલ્લંઘનને રોકી શકવામાં મદદ મળી શકે અને સત્તાધીશોને શિસ્ત જાળવવામાં મદદરૂપ થાય છે.

છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીનાં કસ્ટોડીયલ ડેથ સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. પોલીસ ટોર્ચર, સમયસર મેડfકલ ટ્રીટમેન્ટ ન મળે સહિતનાં કારણોને કારણે આરોપીઓનાં મોત થયા છે.

 

 

 

 

 

અમેરિકામાં ટેસ્લા કંપની ખામીયુક્ત હજારો ‘મોડેલ X’ કાર પાછી મગાવશે

ન્યૂયોર્કઃ અમેરિકાની ઓટોમોબાઈલ રેગ્યૂલેટર સંસ્થા નેશનલ હાઈવે એન્ડ ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે ટેસ્લા કંપની તેના ખામીયુક્ત 54,676 ‘મોડેલ X’ મોટરકાર સહિતના વાહનોને પાછા મગાવશે. લૉ બ્રેક ફ્લૂઈડમાં તેમજ વોર્નિંગ લાઈટમાં ખામી ધ્યાનમાં આવી છે. ટેસ્લાએ એક સોફ્ટવેર અપડેટ કર્યું છે, જે તેના ગ્રાહકોને મફતમાં ઈન્સ્ટોલ કરી આપશે. સંબંધિત વાહનો ટેસ્લાએ 2021-2023 વચ્ચે બનાવ્યા હતા.

‘મોડેલ X’ મોટરકારો-વાહનોમાંની ખામીને કારણે કોઈ અકસ્માત સર્જાયો હોવા, કોઈને ઈજા થઈ હોવા કે કોઈનું મૃત્યુ નિપજ્યું હોવા વિશે પોતાને કોઈ જાણકારી નથી એમ ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદક ટેસ્લા કંપનીએ કહ્યું છે.

સ્ટીયરિંગ કન્ટ્રોલ અને પાવર સ્ટીયરિંગ ગુમાઈ જતા હોવાના અહેવાલોને પગલે ટેસ્લાના 2,80,000 મોડેલ 3 અને મોડેલ Y વાહનોમાં તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પુતિન-શી જિનપિંગની ચીનમાં મુલાકાતઃ દ્વિપક્ષી સંબંધોને મજબૂત કરશે

નવી દિલ્હીઃ ચીન અને રશિયાના સંબંધો પશ્ચિમી દેશો સાથે વણસેલા છે. હાલ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ચીન પહોંચ્યા છે, જ્યાં તેઓ સૌથી નજીકના સહયોગી અને ‘પ્રિય મિત્ર’ શી જિનપિંગની સાથે અસીમિત ભાગીદારી આગળ વધારવા પર વાતચીત કરશે. યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ચીને વેપાર અને કૂટનીતિ –બંને ક્ષેત્રોમાં રશિયાનો સાથ આપ્યો છે. તેઓ અહીં એક શિખર સંમેલનમાં તેમના દ્વિપક્ષી સંબંધોને મજબૂત કરશે, જે ઇઝરાયેલ-હમાસ યુદ્ધથી પ્રભાવિત થયા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમના મહત્ત્વના પ્રોજેક્ટ- જે ફોરમના પ્રમુખ છે, તેઓ આ સપ્તાહે 130 દેશોના પ્રતિનિધિઓને આવકારશે. ચીન બેલ્ટ અને રોડની પહેલ કરશે, જે વૈશ્વિક પ્રભાવ પાડશે.

આ સમિટમાં ચીનની આમંત્રણ યાદીમાં પુતિન ટોચ પર છે.  યુક્રેન હુમલા પછી રશિયાને સાઇડલાઇન કરવામાં આવ્યા આવ્યા પછી તેમની આ પહેલી ચીન યાત્રા છે. રશિયાના રાષ્ટ્રપતિ બીજિંગની પહેલી યાત્રા છે. આંતરરાષ્ટ્રીય અપરાધ કોર્ટે માર્ચમાં પુતિનની વિરુદ્ધ વોરન્ટ જારી કર્યું છે. આ વોરન્ટ પછી પુતિને કેટલાય દેશોનો પ્રવાસ ટાળ્યો હતો. તેમણે માત્ર કિરગિસ્તાનની યાત્રા કરી છે, જે ભૂતકાળમાં સોવિયત સંઘનું સભ્ય હતું.

 આ મહિનાના પ્રારંભે પુતિન કિરગિસ્તાન ગયા હતા. પુતિને G20 સંમેલનમાં પણ ભારતમાં હાજરી નહોતી આપી. બંને દેશોના વડાઓ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ વિશે વિચારવિમર્શ કરશે. વિશ્લેષકો આ મોસ્કો અને બીજિંગની મુલાકાતથી કેટલીક આશ્ચર્યજનક વાત બહાર આવે એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

 

 

 

 

મહુઆ મોઈત્રા સામે લાંચની ફરિયાદનો કેસ ‘એથિક્સ કમિટી’ને સુપરત કરાયો

નવી દિલ્હીઃ તૃણમુલ કોંગ્રેસનાં સંસદસભ્ય મહુઆ મોઈત્રા સામે ‘કેશ ફોર ક્વેરી’ કૌભાંડના કરવામાં આવેલા આક્ષેપની તપાસ કરવામાં આવશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ પ્રકરણ નૈતિક સમિતિ (એથિક્સ કમિટી)ને તપાસાર્થે સુપરત કર્યું છે. ભાજપાના સંસદસભ્ય નિશિકાંત દુબેએ એવો આક્ષેપ કર્યો છે કે મહુઆ મોઈત્રાએ સંસદમાં સવાલો રજૂ કરવા માટે ઉદ્યોગપતિ પાસેથી રોકડ રકમ અને ગિફ્ટ લીધી હતી. દુબેએ ઓમ બિરલાને આ પ્રકરણમાં તપાસ કરવાની વિનંતી પણ કરી હતી. તેના સંદર્ભમાં બિરલાએ આ મામલો એથિક્સ કમિટીને સુપરત કર્યો છે.

ભાજપના ઝારખંડમાંના સાંસદ દુબેએ એવો આક્ષેપ કર્યો છે કે મહુઆ મોઈત્રાએ સંસદમાં સવાલો પૂછવા માટે દર્શન હિરાનંદાની પાસેથી લાંચરૂપે રોકડ રકમ અને ભેટ લીધી હતી. મોઈત્રા અને હિરાનંદાનીએ દુબેના આક્ષેપોને રદિયો આપ્યો છે.

સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

નવી દિલ્હીઃ સમલૈગિક વિવાહ મામલે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો છે. સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે લગ્નને માન્યતા આપવાનો અધિકાર સંસદનો છે, કોર્ટ કાયદો ના બનાવી શકે. કોર્ટ માત્ર કાયદાની વ્યાખ્યા કરી શકે છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે 3-2થી આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે સરકારને કહ્યું હતું કે સમલૈગિક યુગલો સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના થાય એ વાતનું ધ્યાન રાખે.

કોર્ટે કહ્યું હતું કે સમલૈગિક યુગલોને બાળકો દત્તક લેવાનો અધિકાર છે. કોર્ટે સરકારને સમલૈગિક યુગલો માટે સેફ હાઉસ બનાવવા માટે પણ કહ્યું હતું. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે સરકારે આ મામલે કમિટી બનાવે અને એ લોકોને અધિકાર આપવા જોઈએ. બધાને પોતાનો સાથી પસંદ કરવાની સ્વતંત્રતા છે.માન્યતા ના આપવી એ અપ્રત્યક્ષ રૂપે બંધારણનું ઉલ્લંઘન છે.

જસ્ટિસ રવીન્દ્ર ભટે કહ્યું હતું કે તેઓ CJI ડીવાય ચંદ્રચૂડ દ્વારા સ્પેશિયલ મેરેજ એક્ટ પર આપેલા નિર્દેશોથી સહમત નથી. તેમણે કહ્યું હતું કે વિવાહ કરવાનો અયોગ્ય અધિકાર ના હોઈ શકે, જેને મૌલિક અધિકાર માનવામાં આવે. અમે રિલેશનશિપ અધિકાર પરની વાતે અમે સહમત છીએ. એમાં સંદેહ નથી કે જીવનસાથી પસંદ કરવાનો વિકલ્પ છે. તેઓ સમલૈન્ગિક યુગલોને બાળકોને દત્તક લેવાના અધિકાર પર CJI ચંદ્રચૂડથી અસહમત છે, એમ તેમણે કહ્યું હતું.

આ રાજ્યોએ કર્યો વિરોધ

આસામ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, સિક્કિમ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને મણિપુરે સમાન સેક્સ લગ્નોનો વિરોધ કર્યો છે. રાજસ્થાને કહ્યું હતું કે આ લગ્નથી સમાજિક તાણાવાણામાં અસંતુલન પેદા થશે અને એના દૂરગામી પરિણમો હશે.

 

 

 

 

 

 

હેમા માલિની ‘ડ્રીમ ગર્લ’ની બર્થડેમાં બોલીવૂડ સ્ટાર્સનો મેળો

મુંબઈઃ બોલીવૂડની ‘ડ્રીમ ગર્લ’ હેમા માલિની 16 ઓક્ટોબરે  75 વર્ષની થઈ ચૂકી છે. તેની બર્થડે પર પરિવારે એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલીવૂડના દરેક સ્ટાર્સ સામેલ થયા હતા. હેમા માલિનીએ 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. રેખા, જયા બચ્ચન, જેકી શ્રોફ, પદ્મિની કોલ્હાપુરી, અનુપમ ખેર સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ પાર્ટીમાં સામેલ થયા હતા. ધર્મેન્દ્ર અને પુત્રીઓ સાથે હેમા માલિનીએ કેક કાપી હતી. તેણે કેકનો પીસ પહેલા ધર્મેન્દ્રને ખવડાવ્યો હતો. આ વિડિયો સોશિયલ મિડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

હેમા માલિની સાથે રેખાએ ‘ક્યા ખૂબ લગતી હો‘ ગીત પર ડાન્સ કર્યો હતો. હેમાના જન્મદિને શિલ્પા શેટ્ટી, શિલ્પાની બહેન શમિતા શેટ્ટા, રાણી મુખરજી અને માધુરી દીક્ષિત પણ પાર્ટીમાં સામેલ થયાં હતાં.

હેમાના જન્મદિને વિદ્યા બાલને ડાર્ક પર્પલ સિલ્ક સાડી પહેરી હતી. રેખા અને  વિદ્યા બાલન રોયલ લુકમાં હતી. બંનેના ફોટો વાઇરલ થઈ રહ્યા છે. જયા બચ્ચન અને પદ્મિની કોલ્હાપુરેએ એક સાથે પાપારાઝીને પોઝ આપ્યો હતો. સલમાન ખાન, રવીના ટંડન, આયુષ્માન ખુરાના, સોનુ નિગમ, પૂનમ ઢિલ્લોં, ફરદીન ખાન, જૂહી ચાવલા સહિત અનેક સ્ટાર્સ આ પાર્ટીમાં સામેલ થયા હતા.

હેમા માલિનો જન્મ 16 ઓક્ટોબર 1948ના તમિલનાડુના અમ્માકુંડીમાં થયો હતો. હેમા માલિની સફળ અભિનેત્રીની સાથે સકસેફુલ પોલિટિશયન પણ છે. હેમા માલિનીની ફિલ્મી કરિયર અંગે વાત કરીએ તો તેમણે વર્ષ 1968માં ફિલ્મ ‘સપનોના સોદાગર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.વર્ષ 1977માં પ્રમોદ ચક્રવર્તીના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’માં અભિનય કર્યો હતો. ત્યારબાદ હેમા માલિનીને બોલિવૂડની ‘ડ્રીમ ગર્લ’ તરીકે ઓળખ મળી હતી. ડ્રીમ ગર્લ હેમા માલિનીએ ઘણા એવોર્ડ પોતાના નામે કર્યાં છે. જેમાં ફિલ્મફેર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક સ્નમાન ‘પદ્મશ્રી’ એવોર્ડનો સમાવેશ થાય છે.

 

 

 

 

કોરાનાના 33 નવા કેસો, એક પણ મોત નહીં    

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 33 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,99,621 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,037 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,293 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 37 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 312 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 19,202 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.56 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,73,608 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 129 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

મુંબઈ એરપોર્ટ આજે બંધ રહેશે; છ કલાક સુધી એકેય ફ્લાઈટ નહીં ઉડે

મુંબઈઃ દેશનું સૌથી વધારે વ્યસ્ત રહેતું એરપોર્ટ છે મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ. આ એરપોર્ટ આજે સમારકામને કારણે બંધ રહેવાનું છે. ચોમાસાની મોસમ પૂરી થયા બાદ આ એરપોર્ટના બંને રનવેનું સમારકામ કરવામાં આવે છે. આજે આ કામ હાથ ધરાવાનું હોવાથી છ કલાક માટે એરપોર્ટ બંધ રખાશે. આ દરમિયાન એકેય ફ્લાઈટ અહીંથી રવાના થશે નહીં કે લેન્ડ કરાશે નહીં. એરપોર્ટના સત્તાવાર X પેજ CSMIA પર જાણકારી આપવામાં આવી છે કે આજે સમારકામ સવારે 11 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી હાથ ધરાશે અને આ છ કલાક દરમિયાન એરપોર્ટ પરની વિમાનસેવા સ્થગિત રહેશે.

એરપોર્ટ તરફથી આ સમારકામ વિશેની જાણકારી મહિનાઓ પૂર્વે જ તમામ એરલાઈન્સને આપી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ચોમાસાની ઋતુમાં વરસાદ ખૂબ પડતો હોય છે. એને કારણે એરપોર્ટના બંને રનવેને નુકસાન પહોંચતું હોય છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉચ્ચતમ સ્ટાન્ડર્ડ જાળવવા માટે રનવેનું ચોમાસા બાદ મરમ્મત કરવાનું એરપોર્ટ માટે આવશ્યક છે.

આજે બપોરે યોજાશે 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનો વિતરણ સમારંભ

નવી દિલ્હીઃ ગઈ 24 ઓગસ્ટે 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનાં વિજેતાઓનાં નામોની જાહેરાત કરાયા બાદ આજે વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ સમારંભ આજે બપોરે 1.30 વાગ્યાથી અહીં વિજ્ઞાન ભવન ખાતે યોજવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એવોર્ડ આપશે. આ સમારંભમાં હાજર રહેવા માટે વિજેતાઓ તથા બીજી ઘણી ફિલ્મી હસ્તીઓ દિલ્હી આવી પહોંચી છે.

આ વર્ષે શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીત્યો છે, ‘રોકેટ્રીઃ ધ નંબી ઈફેક્ટ’ ફિલ્મે, જેને તામિલ, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી. સંપૂર્ણ મનોરંજન પ્રદાન કરનાર શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ તેલુગુ ફિલ્મ ‘RRR’ ને આપવામાં આવ્યો છે.

શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ નીખિલ મહાજનને મરાઠી ફિલ્મ ‘ગોદાવરી’ માટે આપવામાં આવ્યો છે.

શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અલ્લૂ અર્જુનને આપવામાં આવ્યો છે તેલુગુ ફિલ્મ ‘પુષ્પા’માં કરેલા અભિનય બદલ.

બોલીવુડમાંથી, આલિયા ભટ્ટને ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં અને કૃતિ સેનનને ‘મિમી’ ફિલ્મમાં કરેલા અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને રાષ્ટ્રીય એકતા વિષય પર આધારિત શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટેના નરગિસ દત્ત એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને પણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. ભાવિન રબારીએ શ્રેષ્ઠ બાળકલાકાર એવોર્ડ વિજેતા તરીકે ઘોષિત કરાયો છે.

૧૭ ઓક્ટોબર, ૨૦૨૩

૧૭ ઓક્ટોબર, ૨૦૨૩